Jul 18
2010

સચ કા સામના – રિષભ મહેતા

[‘નવનીત સમર્પણ’ મે-2010માંથી સાભાર.]

ઊભા છો આપ કે અટકી ગયા છો ? લો, જવાબ આપો.
હજી નીકળ્યા જ કે પહોંચી ગયા છો ? લો, જવાબ આપો.

નથી સમજી શકાતું ખુશનુમા ચહેરો નિહાળીને
હસ્યા કે આપ આંસુ પી ગયા છો ? લો, જવાબ આપો.

હજી ગઈ કાલ સુધી ફૂલને ઓળખતા પણ નો’તા
અચાનક આજ કાં મહેકી ગયા છો ? લો, જવાબ આપો.

તમે ખીલી શક્યા છો, માત્ર એક શરૂઆત છે આ તો,
કઈ વાતે તમે બહેકી ગયા છો ? લો, જવાબ આપો.

જુએ છે બાગ તમને આજ પણ શંકાભરી નજરે,
હતા નિર્દોષ કે છટકી ગયા છો ? લો, જવાબ આપો.

તમે માણસ બન્યા એવી અહીં ઊડતી ખબર આવી
તમે કોનાથી આખર બી ગયા છો ? લો, જવાબ આપો.

યહાં હર રોજ કરતા હૈ સૂરજ ભી સામના સચ કા-
થતાં સંધ્યા જ ક્યાં ડૂબી ગયા છો ? લો, જવાબ આપો.

comments  આપના પ્રતિભાવો

કુલ 7 પ્રતિભાવો : “સચ કા સામના – રિષભ મહેતા”
  1. 1
    જગત દવે says:

    “તમે માણસ બન્યા એવી અહીં ઊડતી ખબર આવી
    તમે કોનાથી આખર બી ગયા છો ? લો, જવાબ આપો”

    વાહ…..વાહ…!!!!

  2. 2
    Rachana says:

    ખુબજ સરસ કાવ્ય….

  3. 3

    તમે ખીલી શક્યા છો, માત્ર એક શરૂઆત છે આ તો,
    કઈ વાતે તમે બહેકી ગયા છો ? લો, જવાબ આપો.

    તમે માણસ બન્યા એવી અહીં ઊડતી ખબર આવી
    તમે કોનાથી આખર બી ગયા છો ? લો, જવાબ આપો.

    હર કોઈને ઢંઢોળી મૂકે તેવી શાનદાર ગઝલ.

  4. 4
    nayan panchal says:

    કેવી રીતે રચો છો તમે આટલી સુંદર ગઝલ? લો, જવાબ આપો.

    નયન

  5. 5
    dhiraj says:

    “યહાં હર રોજ કરતા હૈ સૂરજ ભી સામના સચ કા-
    થતાં સંધ્યા જ ક્યાં ડૂબી ગયા છો ? લો, જવાબ આપો”
    પહેલી પંક્તિ હિન્દી અને પછી ની ગુજરાતી .. લો, જવાબ આપો

  6. 6
    Pravin V. Patel [USA] says:

    ઝૂમી રહ્યાં છે સૌ આપના શબ્દ તરંગોથી.
    કોણ છે પ્રેરણા આપની? લો, જવાબ આપો.

  7. 7
    PAYAL SONI says:

    ખુબ જ સરસ કાવ્ય છે

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com