Jul 19
2010

આફત આવ્યા પહેલાં – મોહમ્મદ માંકડ

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.]

આ મહિનામાં, આ તારીખે અત્યારે તમે આ લેખ વાંચી રહ્યા છો. પરંતુ ગયા વર્ષે આ મહિનામાં આ તારીખે આ સમયે તમે શું કરતા હતા તે કહી શકશો ? મોટા ભાગે નહીં કહી શકો, અરે, ચોક્કસ નહીં કહી શકો. એ જ રીતે આવતા વર્ષે આ મહિનાની આ તારીખે તમે શું કરતા હશો તે ચોક્કસપણે કહી શકશો ? નહીં કહી શકો. આમ છતાં, દરેક માણસ જીવનનિર્વાહ માટે આવતી કાલની ચિંતા, આવતા મહિનાની, અને ઘણા તો પાંચ-દસ વરસની પણ ચિંતા કરે છે. ઉંમર વધવા સાથે બુઢાપાની ચિંતા પણ કરે છે. જે રસ્તા વિષે માણસ કશું જ જાણતો નથી એના વિષે માત્ર કલ્પનાઓ કરવાથી શું ફાયદો ?

પરંતુ જીવનની આ બે બાબતો એવી છે કે માણસ એની ચિંતા કર્યા જ કરે છે. એક ડાહ્યા માણસે એટલે જ કહ્યું છે કે જે માણસ આવી ચિંતા કરે છે એ નદીએ પહોંચ્યા પહેલાં જ જોડાં કાઢી નાખવાની ચેષ્ટા કરે છે. પાણીમાં ઊતરવાની વાત તો દૂર રહી.

સરકારી નોકર માટે સરકાર પગારધોરણ નક્કી કરી આપે છે. પેન્શન, ગ્રેચ્યુઈટી, પ્રોવિડન્ટ ફંડ નક્કી કરી આપે છે. કામ કરવાના કલાક અને પેન્શન લેવાની ઉંમર અને રજાઓ નક્કી કરી આપે છે, છતાં આટલી બધી અનિશ્ચિતતાઓ બાકી રહે છે. જે બાબતમાં કોઈ સરકાર, કોઈ પેઢી કે શેઠ કશું નક્કી કરી શકતાં નથી. નોકર માટે પગારધોરણ નક્કી થઈ શકે પણ અમુક વર્ષે અમુક સમયે નાણાંની કે રૂપિયાની કિંમત કેટલી રહેશે એ કોણ નક્કી કરી શકે ? અને એટલે ખરા પગારનું ધોરણ કઈ રીતે નક્કી થઈ શકે ? એના ઉકેલ માટે મોંઘવારી ભથ્થું ઉમેરી શકાય પણ મોંઘવારી ભથ્થું હંમેશાં મોંઘવારી વધ્યા પછી ઉમેરાય છે અને તે માત્ર મોંઘવારીમાં ઉમેરો કરવા માટે જ કારણભૂત બને છે.

એટલે કે, આવતી કાલને કોઈ ધોરણ કે ચોકઠામાં આપણે બાંધી શકતા નથી, અને જેને સરકાર કે સમાજ ન બાંધી શકે તેને બાંધવાની નિરર્થક ચેષ્ટા વ્યક્તિએ શા માટે કરવી જોઈએ ? અને જે લોકો એવું કરે છે એ મૂડી લીધા પહેલાં જ વ્યાજ ભરવા માંડે છે. આફત આવ્યા પહેલાં જ ડરવા લાગે છે, અને ડરવાથી આફત દૂર થઈ શકતી નથી. ચિંતાથી માણસ ભાવિ માટે એવી એવી યોજનાઓ બનાવ્યા કરે છે કે અમલ કરવાના બદલે ચિંતા કરવામાં જ તેમનો સમય વેડફાઈ જાય છે. કાઠિયાવાડી બોલીમાં એક કહેવત છે કે ‘કારતક મહિને કણબી ડાહ્યો.’ આમાં માણસની યોજનાઓની નિરર્થકતા વ્યક્ત થાય છે. ચોમાસું વીતી જાય ત્યારે ખેડૂતો ચર્ચા કરે છે : ‘આ વરસે બાજરાને બદલે કપાસ વાવ્યો હોત તો રંગ રહી જાત !’ બીજા વર્ષે એમને લાગે છે કે, આ વરસે બહુ ઓછો વરસાદ પડ્યો. જો બાજરો વાવ્યો હોત તો પાકી છૂટત !’ અને ત્રીજા વર્ષે, ‘અમે તો પહેલેથી જ કહેતા હતા, આ મોહનભાઈ નો માન્યા. મગફળી વાવી હોત તો મજા થઈ જાત !’ કારતક મહિનામાં ખેડૂતોને બધી ભૂલો ચોખ્ખીચટ સમજાય છે પણ આવતા વર્ષે શું વાવવું એ કોઈને સૂઝતું નથી, કારણ કે એની કોઈને ખબર પડતી નથી.

અને જે અજાણ્યું છે, અકળ છે એના વિષે ચોકસાઈપૂર્વક યોજના કે ચિંતા કરવાથી કશું વળતું નથી. જેવી ખોટી ચિંતા માણસ કમાવા માટે કરે છે એવી જ નકામી ચિંતા ઉંમર વધવા સાથે બુઢાપા બાબતમાં કરે છે. બુઢાપાની ચિંતા માણસ પોતાની આસપાસના વૃદ્ધ માણસોની જે હાલત જુએ છે તેને કારણે થાય છે. આ ચિંતા પણ કમાવાની ચિંતા જેવી જ છે કારણ કે, કમાવાની ચિંતા કરવાથી કમાણી વધતી નથી. એ જ રીતે બુઢાપાની ચિંતાથી બુઢાપાને રોકી શકાતો નથી. શારીરિક રીતે વૃદ્ધ બનતાં પહેલાં માણસ અંદરથી વૃદ્ધ બનવા લાગે છે. હવે ચાલીસ થઈ ગયાં, પચાસ થઈ ગયાં, સાઠ થઈ ગયાં, હવે ખલાસ ! ઊઘઈ જેવી આ માન્યતા માણસને અંદરથી કોરવા માંડે છે અને આખુંયે શરીર ખોખલા થઈ ગયેલા વૃક્ષની જેમ ખખડી જાય છે. યુવાન રહેવાનું બધાને ગમે છે, પણ યુવાન કેમ રહેવું તે બધાને આવડતું નથી. જે માણસને આવડે છે, તેને બુઢાપો અમુક સમયથી વધુ હેરાન કરી શકતો નથી. જીવવાનો આનંદ માણવા માટે શરીર સ્વસ્થ હોય તે જરૂરી છે, પણ એ માટે માણસ કાયમ વીસ જ વર્ષનો હોય એ જરૂરી નથી.

વિચાર કરી જુઓ, તમે પાંચ વર્ષના હતા ત્યારે ત્રણ પૈડાં વાળી સાઈકલ ચલાવવામાં જે આનંદ આવતો હતો તે અત્યારે આવી શકશે ? ફુગ્ગાથી રમવામાં એટલી મજા આવી શકશે ? તે વખતે ત્રીસ-પાંત્રીસ વરસના પિતા તમારી વાત સાંભળવાનું અધૂરું મૂકીને દુકાને કે ઑફિસે જવા નીકળી પડતા હશે ત્યારે તેમની તે ક્રિયા તમને કેટલી નકામી લાગતી હશે ? પ્રેમમાં હતાશ થઈ ગયેલ ભાઈ કે બહેન અથવા તો દેવું થઈ જવાને કારણે કપાળે હાથ મૂકીને બેઠેલા કાકા તમને કેવા લાગતા હતા ? એ બધું તમારા માટે કેટલું નીરસ કે નિરર્થક હતું ? એવું જ, કદાચ, તમારું અત્યારનું દોડાદોડીવાળું જીવન તમને વૃદ્ધાવસ્થામાં લાગશે. દરેક ઉંમરે માણસના વિચારો અને સમજમાં ફેરફાર થયા કરે છે અને દરેક ઉંમરને એનો પોતાનો આનંદ હોય છે.

જે માણસ આજે ત્રીસ વર્ષનો હશે તેને જરૂર લાગશે કે, આજે એના જીવનમાં જે આવડત છે તે વીસ વર્ષની ઉંમરે નહોતી. ચાલીસ-પિસ્તાલીસ વર્ષનો હશે તે સંમત થશે કે, પંદરવીસ વર્ષ પહેલાં તેની પાસે આજે છે તેવી સગવડ કે આબરૂ નહોતી. પચાસ વર્ષનો હશે તે કહેશે કે, આજે તેમનામાં જે ડહાપણ છે તે વીસ-પચીસ વર્ષ પહેલાં નહોતું. એનો અર્થ એ છે કે, જીવન અમૃતનો પ્રવાહ છે. કોઈ પણ ઉંમરે એ શુષ્ક કે કડવું નથી હોતું. પસાર થતું દરેક વર્ષ મનુષ્યને વધુ પુષ્ટ બનાવે છે. માત્ર પથ્થરો ઉપર જ લીલ બાઝી જાય છે અને તે નકામા થઈ જાય છે. એનો અર્થ એ નથી કે ઈચ્છાશક્તિના જોરથી માણસ પોતાના વાળને સફેદ થતા રોકી શકે અથવા તે ચામડી પર કરચલી પડતી રોકી શકે. પણ એનો અર્થ એટલો જરૂર છે કે, સફેદ વાળ અને કરચલીવાળા ચહેરા સાથે પણ તે આનંદિત રહી શકે, અને આનંદ એ જ જીવન છે.

અર્નેસ્ટ એલ્પોકોકીએ લખ્યું છે કે, જો કોઈ માણસ પાસે જીવનનિર્વાહ જેટલી કમાણી, કામકાજ કરી શકાય એટલી તંદુરસ્તી અને કોઈ પણ વસ્તુમાં રસ લેવાની શક્તિ, એ ત્રણ વસ્તુઓ હોય તો એવો માણસ ગમે તે ઉંમરે અને ગમે તે સ્થળે સુખથી જીવી શકે છે. જીવનનો પ્રવાહ નદીના પ્રવાહ જેવો છે, સતત વહ્યા કરે છે. ગમે તે સ્થળેથી તે ચાખી શકાય છે. કિનારે બેસીને માત્ર યોજનાઓ કે ચિંતા કરવાથી કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી. એનો અર્થ એવો નથી કે પ્લાનિંગ ન કરવું. કોઈ કામ માટે યોજના ન કરવી. એનો અર્થ એટલો જ છે કે યોજનાઓ કરવા પાછળ જ સમય વેડફી ન નાખવો. કારણ કે, એવી અફર, જડબેસલાક યોજના કોઈ કરી શકતું નથી અને યોજના નિષ્ફળ જાય તો ચિંતા ન કરવી. ચિંતા કરવાથી કશું જ વળતું નથી.

comments  આપના પ્રતિભાવો

કુલ 6 પ્રતિભાવો : “આફત આવ્યા પહેલાં – મોહમ્મદ માંકડ”
  1. 1

    ખુબ સુંદર.
    “અર્નેસ્ટ એલ્પોકોકીએ લખ્યું છે કે, જો કોઈ માણસ પાસે જીવનનિર્વાહ જેટલી કમાણી, કામકાજ કરી શકાય એટલી તંદુરસ્તી અને કોઈ પણ વસ્તુમાં રસ લેવાની શક્તિ, એ ત્રણ વસ્તુઓ હોય તો એવો માણસ ગમે તે ઉંમરે અને ગમે તે સ્થળે સુખથી જીવી શકે છે.”…..સુખી રહેવાની ગુરુ ચાવી.

  2. 2
    જગત દવે says:

    વાત તો સાચી પણ…….ભારતમાં મોટા-ભાગનાં નોકરીયાતો ૧૦-૧૨ કલાક કામ કરે છે (કરાવાય છે…….ખાસ કરી ને ખાનગી કંપનીઓમાં). વેપારીઓ તો આમેય પૈસા પાછળ જ દોડતાં હોય છે માટે એ પણ ૧૦-૧૨ કલાક અને ૩૬૫ દિવસ દુકાન કે ઓફીસ ખુલ્લી રાખે છે. સરકારી ઓફીસોમાં પણ હવે ધીરે ધીરે કામનું ભારણ વધતું જોઈ શકાય છે. (અમુક વિભાગો ને બાદ કરતાં)

    આવા વાતાવરણમાં “કોઈપણ વસ્તુમાં રસ” નહી પણ ફક્ત “કમાણીમાં જ રસ” લેતી પ્રજા તૈયાર થઈ રહી છે.

    માટે જ હવે સર્વ પ્રકારનાં એખલાસ નું વાતાવરણ ખલાસ થતું જાય છે.

    • 2.1
      Hetal says:

      સાવ સાચી વાત … હું પણ એક ખાનગી કંપની માં નોકરી કરું છું.. અને અહી લોકો ૧૦-૧૨ કલાક કામ કરે છે.. નવા આવેલા એમ્પ્લોયી પાસે પણ એ જ આશા રાખવા માં આવે છે.. આપરિસ્થિતિ માં ‘ કમાણી’ ને એક માત્ર ધ્યેય માનનારી પેઢી ની શરૂઆત થઇ છે.

  3. 3
    Pravin V. Patel [USA] says:

    સુખનો પર્યાય જો પૈસો જ હોય તો, એના માટે ઝઝુમતી વ્યક્તિ અને એનાં આધારિતને જીવનમાં ઘણુંબધું ગુમાવવું પડે છે.
    સારો પ્રેરણાદાયી લેખ.
    આભાર.

  4. 4
    nalini says:

    બધી ખરીદેલી સગવડો જીવન ના આનંદ ના ભોગે જ મળે છે. તમારે મન આત્મા ના આનંદ નુ શું મુલ્ય છે એ તમારે નક્કી કરવાનું છે.

  5. 5
    Ketan Halpati says:

    પ્રેરણા આપી ગયો……….

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com