Jul 26
2010

દાગીનામાં નવીનતા ! – ડૉ. ઈન્દ્રદેવ આચાર્ય

[‘ગુજરાત’ સામાયિક (દીપોત્સવી)માંથી સાભાર.]

આપણા દેશમાં હમણાં હમણાં ઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર વિજ્ઞાનમાં સારી એવી પ્રગતિ નોંધાઈ છે. વૈજ્ઞાનિક ઉપકરણો વધી રહ્યાં છે અને આખોય સમાજ પ્રગતિના પંથે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. એક બાજુ આ પ્રમાણે પ્રગતિ થઈ રહી છે તો બીજી બાજુ, કામના અભાવે બેકારી વધી રહી છે. કેટલાય ભણેલ-ગણેલ સાયન્સ ગ્રેજ્યુએટો અને એન્જિનિયરો કામ વગર રખડે છે. આ બુદ્ધિજીવીઓને કામે લગાડવા જુદાં જુદાં ક્ષેત્રોમાં આપણે નવા નવા પ્રયોગો કરવાની ખૂબ જરૂર છે, એમ અમારું દઢપણે માનવું છે.

આપણા સમાજમાં બહેનોને નાની ઉંમર હોય કે મોટી, ઘરેણાં-દાગીના પહેરવાનો ખૂબ જ શોખ છે. નવી નવી ડિઝાઈન અને કારીગરીવાળાં ઘરેણાં અને દાગીનાથી વ્યક્તિનું સૌંદર્ય વધે છે…. ને એક સુંદર મજાની પ્રતિભાસંપન્ન છાપ ઊભી કરી શકાય છે તે નિર્વિવાદ છે. પણ આવાં ઘરેણાંઓમાં પણ હવે જો વૈજ્ઞાનિક ઉપકરણો બેસાડાય તો આવા વણખેડાયેલા ક્ષેત્રમાં આપણો દેશ વિશ્વમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે, એમ અમારું માનવું છે. આમ કરવાથી, ઘરેણાં-દાગીનાની ઉપયોગિતા તો વધશે જ પણ સાથે સાથે આપણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને કામધંધો અને રોજગારી મળી જશે…. તે ઉપરાંત આવાં ઘરેણાં માટે એક માત્ર એક્ષ્પોર્ટ માર્કેટ મેળવી, ભારત સારું એવું વિદેશી હૂંડિયામણ પણ કમાઈ શકશે. આ ક્ષેત્રમાં શું શું કરી શકવાની શક્યતા છે એના કેટલાક સૂઝાવ અમે અહીં રજૂ કર્યા છે. આશા છે કે વાચકોને એ ખૂબ ગમશે જ.

[1] કાનની બુટ્ટી ‘ઈયરિંગ્સ’

હીરા-મોતી જડેલા અને સોનાની સુંદર ડિઝાઈનવાળાં નાના-મોટાં ‘ઈયર-રિંગ્સ’ અથવા તો કાનનાં લટકણિયાં તો બજારમાં ઘણાં પ્રકારનાં મળે છે. પણ હવે નવાં-નવાં ઉપકરણોનો લાભ લેવા આવાં લટકણિયામાં જ ‘હવામાનની ઠંડી-ગરમી’ અને શરીરની ગરમી બતાવતાં ‘તાપમાન માપક યંત્ર’ અથવા તો ‘મિનિ થર્મોમિટર્સ’ મુકાય તો પહેરનારને અને એ લટકણિયાં તરફ નજર નાંખનારને ઠંડી-ગરમીની ખૂબ ઉપયોગી માહિતી મળી શકે. આવા ઉપરકણથી આવાં લટકણિયાં પહેરનાર વ્યક્તિના શરીરની અને મગજની ગરમી યાને મિજાજ અને વર્તણૂંક-ગેરવર્તણૂકનું કારણ પણ સહેલાઈથી સમજી શકાશે… ને સામેની વ્યક્તિ પણ… એ જોઈ પોતાનું વર્તન કેવું રાખવું તે સરળતાથી નક્કી કરી શકશે.

[2] નાકની ચૂની-નથણી

આપણા સમાજમાં નાકની ચૂની-નથણીનું સ્થાન ઘણું અગત્યનું છે. એનાથી સ્ત્રીના ચહેરાની શોભામાં અભિવૃદ્ધિ તો થાય જ છે, પણ તે ઉપરાંત એમાં મઢેલા હીરા-મોતી-માણેક જોઈ એ નારીની આર્થિક અને સામાજિક સ્થિતિનો પણ જોનારને ખ્યાલ આવી જાય છે. આવી ચૂંકમાં-નથણીમાં એવાં ઉપકરણો મુકાવવાં જોઈએ કે વાતાવરણમાં રહેલ પ્રદૂષણની માત્રાનો ખ્યાલ ‘ચૂની’ જોતાં જ આવી જાય. પોતાને શરદી થઈ હોય કે પતિ બહારથી દારૂ પીને આવ્યો હોય કે કોઈ બીજી વ્યક્તિનું ‘પરર્ફ્યુમ’ લગાડી આવ્યા હોય તો… આ વૈજ્ઞાનિક નથણી તરત જ માહિતી આપી દે અને એ જાણકારી બાદ એવાં અનિચ્છનીય પ્રદૂષણોથી કેટલા દૂર રહેવું તે નક્કી કરી શકાશે અને ઘટતાં પગલાં તાબડતોબ લઈ શકાશે.

[3] લિપસ્ટિક : હોઠની લાલી

આજકાલ ભારતમાં પણ હોઠ પર ‘લિપસ્ટિક’ લગાવી મોર્ડન યુવતીઓ પોતાના ચહેરાનું સૌંદર્ય વધારવા મંડી છે. એક જ પ્રકારના અલગ અલગ ‘શેડ્સ’ની લિપસ્ટિકો બજારમાં ઢગલાબંધ મળતી પણ થઈ ગઈ છે. હોઠ પર લગાવવાના રંગની બાટલીઓ પણ હવે તો વેચાવા માંડી છે. પણ આ બધું કામ કડાકૂટનું અને આવડતનું છે. અને એમાં ઘણી વાર ગોટાળો થઈ જતાં લિપસ્ટિક લગાવનાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને કદરૂપી બની જાય છે. આ કારણે અમારો તો સુઝાવ છે કે કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ઉપર-નીચેના હોઠને માપસર જ આવે એવા ‘લિપસ્ટિક-સ્ટીકર્સ’ બજારમાં મુકાવવાં જોઈએ. કપાળમાં લગાવાતા કંકુના ચાંદલાનું સ્થાન જેમ સ્ટીકર્સે લીધું છે તેમ જ લિપસ્ટિકનાં સ્ટીકર્સ પણ વિકસાવવાં જોઈએ. અને છ-છ સ્ટીકર્સનાં લૉટમાં બજારમાં મુકાવવાં જોઈએ અને એનો ધંધો મોટા પાયા પર વિકસાવવો જોઈએ.

[4] માથાનો ટીકો

સ્ત્રીના વ્યક્તિત્વમાં ચમક લાવવા તેમજ માથા પરના લાંબા સરસ વાળ અને વેણીનો વટ વધારવા, ઘણી બહેનો વાળમાં પાંથી પાડ્યા પછી મોતીની સેર લગાવે છે અને તે કપાળ પર માપસર આવી રહે એવો નાનો શો ઝુમ્મર જેવો, સોનાનો ‘ટીકો’ પણ લગાવે છે. આ આભૂષણ ચહેરાના સૌંદર્યમાં ખૂબ જ વધારો કરે છે તે નિર્વિવાદ છે, પણ આવા ટીકાની અંદર એક ‘બલ્બ’ મૂકી અંબોડાની અંદર બૅટરીના સેલ છુપાવી…. ‘લાઈટ’ એટલે કે પ્રકાશની ગોઠવણ થાય તો ઘણો લાભ થઈ શકે. ‘લાઈટ’ એમ ઉચ્ચાર થતાં જ બૅટરીમાંથી પાવર નીકળી ઝુમ્મરમાંથી પ્રકાશ નીકળે એવી ગોઠવણ કરવી જોઈએ. આવી યોજનામાં રાતના અંધારામાં ઘરનું બંધ તાળું વાસવું હોય કે આમ તેમ અંધારામાં પડી ગયેલ કોઈ ચીજ શોધી કાઢવી હોય તો હાથમાં જુદી બેટરી રાખવી નહીં પડે ને કામ સરળતાથી પાર પાડી શકાશે.

[5] બાજુબંધ

લટકતા હાથ ઉપર પહેરાતું ‘બાજુબંધ’ નામનું ઘરેણું ખૂબ જ આકર્ષક અને સૌંદર્યવર્ધક ગણાય છે. આ દાગીનો હાથની આજુબાજુ જ ચીટકી રહે છે તેથી નવી વૈજ્ઞાનિક શોધનો લાભ લઈ એમાં ‘બ્લડપ્રેશર’ માપવાનું યંત્ર ખૂબ જ સરળતાથી બેસાડી શકાય. ‘બાજુબંધ’ પહેરનારનું ‘બ્લડપ્રેશર’ ઓછું હોય કે વધારે, અથવા તો એમાં મોટી વધ-ઘટ થતી હોય તો આ ગોઠવણ દ્વારા ખબર પડે અને તરત જ વૈદકીય પગલાં ભરી શકાય. આ ગોઠવણમાં ‘બ્લડપ્રેશર’ વધતાં લાલ લાઈટ થાય, ઓછું થતાં પીળી લાઈટ થાય અને ‘નોર્મલ’ હોય ત્યારે ગ્રીન લાઈટ થાય એવી ગોઠવણ કરવી જોઈએ. બ્લડપ્રેશરના આંક ખૂબ જ ઊંચા હોય તો ‘એલાર્મ’ રૂપે ઘંટડી વાગે તેવી સગવડ પણ મૂકી શકાય, એમ જાણકારોનું કહેવું છે.

[6] વીંટી

હાથમાં આંગળી પર પહેરાતી વીંટી એ આભૂષણોમાં મહત્વનું સ્થાન ભોગવે છે. હીરા, મોતી તેમજ જુદા જુદા ગ્રહોનાં નંગ ફીટ કરી, લોકો શારીરિક-માનસિક ને આર્થિક લાભ પણ એ દ્વારા મેળવતા હોય છે પણ જે રીતે આજકાલ સમાજમાં મારામારી અને ગુંડાગીરી વધતાં જાય છે તે જોતાં વીંટીની અંદરથી જ ચાંપ દબાવતાં એક પ્રકારનો જલદ વીજળી પ્રવાહ નીકળે ને પરેશાન કરવા આવનાર વ્યક્તિ પોતે જ હેરાન-પરેશાન થઈ જાય એવી ગોઠવણ કરવી જરૂરી છે. ‘બાજુબંધ’ ની માફક આમાં પણ રીમોટ કંટ્રોલ દ્વારા ‘એલાર્મ’ વગાડી શકાય અને ‘મિનિ-રેકોર્ડિંગ’ યંત્ર મૂકીને તોફાનીઓ સાથેની શાબ્દિક આપ-લે પણ રેકર્ડ કરવાની ગોઠવણ થાય તો જનતાને ઘણો લાભ થવાની શક્યતા રહે છે.

[7] બંગડી

આજકાલના ‘ટેલિવિઝન’ના જમાનામાં ટી.વી.ના નાના-મોટા અનેક પ્રકારના ‘સેટ્સ’ બજારમાં આવ્યા છે. ટી.વી. આવ્યા પછી બહેનોને ટીવી પ્રોગ્રામો જોવાનું ઘણું મોટું વ્યસન લાગુ પડી ગયું છે. ને આ કારણે ડ્રોઈંગ રૂમ ઉપરાંત ઘણી બહેનો રસોડામાં પણ પોતાનું આગવું ટી.વી. રાખે છે અને ‘ખાના-ખજાના’થી માંડીને ‘સ્વાદિષ્ટ ખીચડી’ બનાવવાના પ્રોગ્રામો ખૂબ રસથી જુએ છે. આવી મોર્ડન બહેનોને મદદરૂપ થવા માટે, બંગડીમાં, જેમ ઘડિયાળ આવે તેમ, ‘મિનિ ટીવી’ સેટ મૂકી આપવાની સગવડ થઈ શકે તો બહેનોને ઘણો લાભ થાય અને જ્યાં હોય ત્યાં અને મન ફાવે ત્યારે પોતાનો મનગમતો પ્રોગ્રામ જોઈ શકે.

[8] ગળાનો હાર

ગળામાં પહેરવાનાં આભૂષણોમાં તો ઘણી બધી ડિઝાઈનો મળે છે. છાતીના મધ્યમાં લટકતાં ચકતા સાથેનું લાંબા મંગળસૂત્રથી માંડી, ડોકને બરાબર ફીટ નેકલેસમાં પણ ઘણી વેરાયટી જોવા મળે છે પણ ગળામાં બરોબર ફીટ થતી માળાઓ દ્વારા, એવી ગોઠવણ થઈ શકે કે વ્યક્તિનું ડાયાબિટિઝનું લેવલ કેટલું છે તે જાણી શકાય. લોહીમાં શર્કરાનું પ્રમાણ બસોની ઉપર જાય કે તરત જ નીચેનું ચકતું લાલ થઈ ચમકવા માંડે… અને સ્યુગર ખૂબ ઓછી થઈ જાય કે ગળાની આજુબાજુની માળાઓની ચમક ઘટી જાય એવી ગોઠવણ પણ થઈ શકે ને સાથે સાથે… બૉડીનું પ્રમાણ ઘટાડવા-વધારવા જરૂરી એવાં રસાયણો પણ આ મોતીમાં ભરી રાખી, દરદીને ડાયાબિટિઝ કંટ્રોલમાં રાખવા તરત જ સહાયભૂત પણ બની શકાય.

comments  આપના પ્રતિભાવો

કુલ 7 પ્રતિભાવો : “દાગીનામાં નવીનતા ! – ડૉ. ઈન્દ્રદેવ આચાર્ય”
  1. 1
    Manisha says:

    Hello…

    Wonderful…….maza padi gayi……

    Re,
    Manisha

  2. 2

    ડો. નો લેખ છે માટે ઘણી બધી જગ્યાએ બીમારીને કંટ્રોલમાં લેવાના નુસખા લખ્યા છે.

    સુંદર અને નવીન.

    • 2.1
      જગત દવે says:

      Hiralben:

      લેખક “ડૉ.” છે…… “ડો”. નથી.

      મતલબ કે “Ph. D” છે. “M. B. B. S” નથી. જે માત્ર આપની જાણકારી માટે અને અન્ય વાંચકો પણ દોરવાઈ ન જાય તે માટે :-)

  3. 3
    જગત દવે says:

    અમુક વિચારો તો નવા શોધકો ને પ્રેરણાં આપનારા છે.

  4. 4
    Kamlesh pandya says:

    Good One …..New Concept…..

  5. 5
    preeti dave says:

    :) )))))))))))

  6. 6
    Parul says:

    ખુબજ સરસ લેખ. મજા આવિ ગઇ.

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com