અવાજના ભીના પડઘા – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર.]

‘નહિ તો આપણું નાક કપાઈ જાય !’
‘એમાં નાક શું કપાઈ જાય ?’
‘આખી સ્કૂલમાં ડ્રોઈંગ કૉમ્પિટિશનમાં ફર્સ્ટ આવ્યો ને હવે મુંબઈની કૉમ્પિટિશનમાં નંબર ન લાવે તો કેવું ખરાબ દેખાય. આ ફર્સ્ટ ટેસ્ટમાં પણ ખાલી એક જ માર્ક માટે પહેલો નંબર ગયો. એટલો જીવ બળ્યો… કેટલી મહેનત કરાવી… ફર્સ્ટ નંબર તો આવવો જ જોઈએ ને….’
‘અત્યારથી છોકરાના મનમાં ફર્સ્ટ-સેકન્ડનું ચક્કર ન ચલાવ. એના મન પર અવળી અસર પડશે. ભવિષ્યમાં નાની અમથી નિષ્ફળતા પણ નહિ પચાવી શકે….’

ઈંગ્લિશ મીડિયમમાં સિનિયર કે.જી.માં ભણતા એક બાળકની મહત્વાકાંક્ષી મમ્મી સાથેનો આ મારો સંવાદ છે. આ વિષય આમ તો બહુ જૂનો થઈ ગયો છે. અંગ્રેજી-ગુજરાતી માધ્યમના લાભ-ગેરલાભના ગરમ-ગરમ લેખો પણ બહુ લખાયા, વંચાયા અને ભુલાયા. મારે તો વાત કરવી છે પેલી કાળી પથ્થરિયા સ્લૅટ અને સફેદ કબૂતરનાં પીંછાં જેવી નાજુક-વહાલી પેણની. એક આખો યુગ પલટાઈ ગયો છે. મોંઘાદાટ દફતરો, ચોપડાં, યુનિફોર્મ, ફી, ટ્યુશન, ઍડમિશન, ડૉનેશન ત્યારે ક્યાં હતું ? હતી પપ્પાના જૂના પેન્ટમાંથી બાએ સિવડાવેલી કે ભરત ભરેલી થેલી. થેલીમાં સ્લૅટ-પેણ નાંખ્યાં કે સીધી દોટ બાળમંદિર ભણી. બાળમંદિર એટલે ઘરડા-પ્રેમાળ બચુ માસ્તર અને તેમનાં પત્નીનું ઘર. પિતાથી માંડીને અમે ત્રણે ભાઈ-બહેનો એમની પાસે જ એકડો શીખેલાં !

સત્તાવીસ વર્ષના અંતરાલ પછી પણ એ ઝાંખા લીલા રંગના ઘરની દીવાલો ઉપર બાળમંદિરના પ્રથમ દિવસની સ્મૃતિ ચંચળ ખિસકોલીની જેમ સરર….સરર…. ફરે છે. પાંચ વર્ષની થઈ એટલે એક દિવસ મોટી બહેન અને બહેનપણી મને એ ‘શિશુસદન’માં લઈ ગયાં. હું સંકોચાઈ-ગભરાઈને લાંબી પાથરેલી શેતરંજી પર બેઠી. કુસુમબહેને મને મણકાં ગણવાનું સાધન કે એવું જ કંઈ બતાવ્યું ને એટલી વારમાં મોટી બહેન અને બેનપણી છાનામાનાં ચાલ્યાં ગયાં. થોડી જ વારમાં મારું ધ્યાન ગયું. મને ખૂબ મૂંઝારો થયો. પણ રડી ન શકી. અજાણ્યાં વચ્ચે એકલાં હોવાની લાગણી પહેલી જ વાર અનુભવી. બહેને સમજાવી : એ લોકો હમણાં જ આવશે… હું જાણી ગઈ હતી કે એમની વાત ખોટી હતી.

પણ પછી તો મને ત્યાં ગોઠી ગયું. બપોર પડ્યે બહેન અમને ઘરનો બનાવેલો નાસ્તો પણ આપતાં. સાવ નજીવી ફીમાં એમને કઈ રીતે પોસાતું હશે ? ભણવાનું તો મને ગમતું. બપોર પડ્યે ઘણાં બાળકો ભીંતે અઢેલી ઝોકાં ખાતાં. એમનાં માથાં આમથી તેમ ઢળતાં. મને કદી ઊંઘ ન આવતી. પછી એકવાર મેં પણ ખાલી-ખાલી આંખ મીંચી ભીંત ઉપર આમથી તેમ માથું ઢાળી ઝોકાં ખાવાનો ખોટોખોટો, રમૂજી-નિર્ભેળ આનંદ માણ્યો. નાસ્તામાં મમરા હોય તો ઘણાં છોકરાં જીભ લાંબી કરી સીધાં જ ડીશમાંથી ખાતાં. એક વાર મેં પણ એમ કર્યું તો બહેને મને ટોકી. એક સ્લૅટમાં ઊભી અને આડી બે લીટી દોરેલી ઘણીવાર મને દેખાય છે. એની ઉપરના ક, ખ, ગ, ઘ એના અસ્સલ વળાંક સહિત વંચાય છે. ભાઈએ લખી આપેલા એ અક્ષરો મેં હીંચકા ઉપર બેસી ઘૂંટી-ઘૂંટીને જાડાં કર્યાં હતાં. એ ક્ષણો મારા સ્મરણની કાળી સ્લૅટ પરથી કદી ભૂંસાઈ નથી. પણ બહુ લાંબા સમય સુધી બાળમંદિર મારા મનમાંથી આઘું ચાલ્યું ગયેલું. પેલા બિચારા માસ્તર કે બહેનને યાદ કરવાની તો કોને ફુરસદ ? પણ મારી દીકરી દ્વિજાને પહેલે દિવસે શાળામાં મૂકવા ગઈ અને વર્ગખંડમાં તેના ટીચરે ખંજરી વગાડી કે તરત જ મારા મનમાં ખણણ….. પડઘા પડ્યા.

એ બાળમંદિર છોડવાનું ઝીણું દુઃખ મારા બાળમનને થયું કે નહિ તેની યાદ પર તો વિસ્મૃતિના પહાડ ખડકાઈ ગયા છે. પણ હવે મારે થોડી મોટી શાળામાં જવાનું હતું. ત્યાં પહેલા દિવસે બા મૂકવા આવી હતી. બધાં છોકરાં રડતાં હતાં અને મને સહેજે રડવું આવતું નહોતું ! જીવનભારતી…. મારી વહાલી શાળા… એના હૂંફાળા ખોળામાં મારાં ઊગતાં-ખીલતાં જીવનનાં કેટલાં અમૂલ્ય વર્ષો વીત્યાં ! એના જૂના-ખખડધજ મકાનની જગ્યાએ તો વર્ષોથી મોટું ઍપાર્ટમેન્ટ ચણાઈ ગયું છે. ત્યાંથી પસાર થતી વેળા ક્યારેક અચાનક એ ઍપાર્ટમેન્ટ અદશ્ય થઈ જાય છે અને ધૂળિયું મેદાન, લાંબા ઓટલા, લાકડાનો જૂનો-પહોળો દાદર, વર્ગખંડો, એની જર્જરિત દીવાલો, મોટી બારીઓ, શિક્ષકોના પ્રેમાળ ચહેરા, કાળું પાટિયું, બાળકોના હાથના સ્પર્શથી લીસ્સી થઈ ગયેલી બેન્ચો બધું જ કોઈ ચિત્રની માફક ઊભું થઈ જાય છે. અહીં ચાર વર્ષ તો આંખના પલકારામાં વીતી ગયાં. પાંચમા ધોરણથી છેક દૂર જવાનું એની ઘરડાં દાદીને બહુ ચિંતા. ને મનેય મોટામસ પરિસરવાળી શાળામાં પગ મૂકતાં જ ઝળઝળિયાં આવી ગયાં. અહીં કોઈ મને ઓળખતું નહોતું. બધું નવું અને વસમું લાગતું હતું. સિટી બસમાં હું ચીનુનો હાથ ઝાલી જેમતેમ ધક્કામુક્કીમાં ચઢતી-ઊતરતી. ક્યારેક બસ ઊપડી જતી ને એકલી બસ-સ્ટૅન્ડ પર રહી જતી. દૂબળી-પાતળી તે કદી હડફેટમાં આવી પડી પણ જતી ને ફરી આંખમાં પાણી આવી જતાં. પાંચ પૈસાની અડધી ટિકિટ લેતી, ત્રણ રૂપિયામાં આખા મહિનાનો પાસ કઢાવતી, ને કદી પાસ ઘેર ભૂલી જવાયો હોય તો પારેવાની જેમ ફફડતી. મારા કંપાસમાં કે નવા સિવડાવેલાં ઘૂંટણ સુધીના લાંબા, કઢંગા ખાખી સ્કર્ટમાં આઠ આના કે રૂપિયો પણ માંડ રહેતો !

આ શાળામાં પણ પછી ગોઠતું જતું હતું. સીવણ, સંગીત, ચિત્ર, ગરબા વગેરે ઈતર પ્રવૃત્તિઓમાં રસ પડતો. એક પછી એક ધોરણ બદલાતાં, શિક્ષકો બદલાતાં, સાદાઈ-શિસ્ત-પરિશ્રમ-સમાનતાના પાઠ શીખવાડાતાં, રિસેસમાં શાળામાંથી જ સરસ નાસ્તો મળતો. મોટો ચિત્રકલા ખંડ, શાળા છૂટ્યાં પછી ચિત્ર-પરીક્ષાના વર્ગો, સ્વાધ્યાયપોથીના નવાં નક્કોર પાનાં, પેન્સિલને બદલે મળેલી ઈન્ડીપેનનો ભૂરો-ભૂરો રોમાંચ, રોજ વર્ગ-મેદાનની સફાઈ, કલાભવનમાં સંમેલન, સંમેલનમાં પ્રાર્થના, સમાચાર વાચન, ભાષણો, જુદાંજુદાં તાસ, નાની રિસેસ-મોટી રિસેસ, નાસ્તાની લાઈન, ડિશ ધોવાની લાઈન, પાણી પીવાની લાઈન… લાઈનમાંથી બહાર ક્યારે નીકળી જવાયું ?

એસ.એસ.સી.માં બહુ સારા માર્કસ આવ્યા તેથી બહેને તેનો આખો પગાર ખર્ચી મને સાઈકલ અપાવી ! પછી બસની હાડમારી છૂટી. પણ પછી ધક્કામુક્કી અને બસ મળ્યાંના આનંદની વાત પણ છૂટી ગઈ. અગિયારમા ધોરણમાં દેખાદેખીએ કોણ જાણે કેમ મેં વાણિજ્યના વિષયો લીધા જે મને કદાપિ ગમતાં કે ફાવતાં નહિ. કોઈ મને પૂછે કે તમે શું ભણ્યાં ? તો હું પૂંછડા જેવી ડિગ્રી બોલું છું ખરી પણ મારા મનમાં હોય છે એસ.એસ.સી ! બસ, ત્યાં સુધી જ મને ભણાવવામાં, ભણવા જવામાં સાચો રસ પડ્યો. ટન ટન કરતો શાળાનો છેલ્લો ઘંટ ક્યારે વાગ્યો ને હું ઘેર ચાલી ગઈ એની પછી કંઈ સરત રહી નહીં. હજી ક્યારેક કોઈ કારણસર ત્યાં જવાનું બને છે તો શાળાના એ સુંદર બાગમાં અમે વીણેલી ઝીણી સોપારી, રૂમાલ ભરી માળીએ આપેલાં મરવા, અમારા સ્પર્શથી બિડાઈ જતી લજામણી, કુમળાં પગ નીચે કચડાતું ઘાસ બધું ચિત્રની જેમ દેખાય છે ને પછી કલાભવનનાં પગથિયાં પરની ધૂળ એની ઉપર ફરી વળે છે. કલાભવનની બહારના નોટિસ બોર્ડ પર ક્યારેક મારું ચિત્ર પણ મુકાયું હતું એ વાત હું એ ખાલી કાચની તિરાડની આરપારથી તાકી રહું છું.

મારી સાત ચોપડી ભણેલી મા પહેલો નંબર લાવવા કદી મારી પાછળ આદુ ખાઈને પડતી નહીં. ચિત્રકામની પ્રેક્ટિસનો અર્થ એ કદી સમજી નહોતી. અંગ્રેજી ગ્રામર કે ગણિતના દાખલાની ભાંજગડ એણે કદી કરવી પડતી નહિ. યુનિફૉર્મને ગડી કરીને મૂકે કે ભયો ભયો ! ફી ભરવા સિવાય કદી એને શાળામાં આવવું નહોતું પડતું. પિતાને તો એટલીયે તસ્દી લેવી ન પડતી. આજે ઘણી સ્કૂલોમાં દર પંદર દહાડે-મહિને મા-બાપે જઈ બાળકનો રિપોર્ટ જાણવો પડે છે. સ્વચ્છતા, બૂટ પૉલિશ, ઈસ્ત્રીટાઈટ યુનિફૉર્મનો દર મહિને રેન્ક મળે છે. દર અઠવાડિયે સરપ્રાઈઝ ટેસ્ટ થાય છે. મા-બાપ અને બાળક પર લટકતી તલવાર રહે છે. બાળક ઘરની ટ્યુશન અને ટ્યુશનથી શાળા વચ્ચે ઠેબાં ખાય છે. એને મૂંઝાવાનો પણ અવકાશ નથી. ગોખણપટ્ટી કરતાં એ શું ગોખે છે એય ભૂલી જાય છે ! એને પણ શેરીમાં રમવાનું, ગલૂડિયાં ઊંચકવાનું, હુર્રેર્રે કરતાં બૂમ પાડવાનું મન થાય છે. પરંતુ એ બધું નોટબુકમાંના મૃત પતંગિયાની જેમ કેદ થઈ જાય છે.

આ બધાંમાં પેલું નાના ઘરમાંનું બાળમંદિર, એના માસ્તર, ઝોકાં ખાતાં બાળકો, મમરાનો નાસ્તો, ખણણ વાગતી ખંજરી….. બધું એક સદી જેટલું દૂર ચાલ્યું ગયું છે. બે પટ્ટીની સાદી સ્લીપરને બદલે ચકાચક બૂટ ધમધમાટ દોડે છે. શાળાનાં ધૂળિયાં મેદાનોમાં કોઈની નાની પગલીઓ પડતી નથી. ઘર્રર્ર….. કરતી રિક્ષા બકરાંની જેમ બાળકોને ઠાંસી-ઠાંસીને આવે છે અને ઘર્રર્ર કરતી જાય છે ત્યારે તેની સાથે પથ્થરિયા સ્લૅટ, પેન અને થેલી ક્યાં ને ક્યાં આઘે ફંગોળાઈ જાય છે. અદ્વૈતનું અધમણિયું દફતર તો મારાથી ઉંચકાતું યે નથી. થોડા સમય પહેલા અખબારમાં સમાચાર હતા કે દફતરનો પટ્ટો ગળે ભરાવાથી શ્વાસ રૂંધાતા કે.જીમાં ભણતું એક બાળક મૃત્યુ પામ્યું ! બાળકના હાથમાંથી બાએ સીવેલી પેલી રૂપકડી થેલી ફગાવી એને ગળે કૂતરાના પટ્ટાની જેમ દફતર ભેરવવાનો ગુનો કોણે કર્યો ? કોણે ?

મારી પાસે આનો જવાબ નથી. માત્ર ખંજરીના ખણણ….. અને ઘંટના ટનન…. અવાજના ભીના પડઘા ઊઠે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

29 thoughts on “અવાજના ભીના પડઘા – રીના મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.