[ વાચકમિત્રો, રીડગુજરાતી પર અગાઉ પ્રકાશિત થયેલા લેખોની ‘સંગ્રહિત લેખો’ હેઠળ આપ નવી ગોઠવણ જોઈ શકો છો. આ અંગે વિસ્તારથી વાત પછીથી કરીશું, આજથી નવા બે લેખો માણીએ….. – તંત્રી]
[ ‘જનકલ્યાણ’ સામાયિકના આજીવન ગ્રાહકોને પ્રતિવર્ષ વિનામૂલ્યે અપાતા ભેટપુસ્તકો અંતર્ગત ચાલુ વર્ષે પ્રકાશિત થયેલા કેટલાક પુસ્તક પૈકીના એક ‘સંબંધોનાં મેઘધનુષ’માંથી સાભાર. આ પુસ્તક અલગથી પણ ઉપલબ્ધ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
મારાં બા બહુ ભણ્યાં નહોતાં, પણ ગજબની હૈયાસૂઝ, વ્યવહારદક્ષતા અને કુનેહ એમનામાં હતી. મને યાદ છે, મિત્રો સગાંસ્નેહીઓ અને પાડોશીઓ પણ એમની સલાહ લેતાં. બા આશ્વાસન આપતાં કહેતાં : ‘સંજોગો તો આવે, આપણે તો રસ્તો કાઢવાનો હોય.’ અને એ કંઈ ને કંઈ રસ્તો કાઢી બતાવતાં. એમના શબ્દો તો સાવ સરળ હતા. માનવસંબંધો માટે કોઈ મોટી ‘ફૉર્મ્યુલા’ એમની પાસે નહોતી, પરંતુ જીવનની સફળતા માટે જીવનના સર્વ ક્ષેત્રોના સંબંધોનાં પર્ણોને લીલાંછમ રાખવાની એમનામાં સૂઝ હતી. એમનામાં એ કળા હતી. આને આપણે કુનેહ કે કાબેલિયત કહી શકીએ.
કુનેહ વગરના માણસો અવિચારી શબ્દોથી બીજાનું હૃદય દુભવે છે, એટલું જ નહિ પણ મિત્રને પણ દુશ્મન બનાવે છે – પોતીકાંને અળગાં કરે છે. આપ્તજનોને પરાયા કરે છે. એ પણ મોટેભાગે એમની બોલવાની-કહેવાની અણઆવડતને કારણે. ઑફિસમાં ઉપરી અધિકારી બેઠો છે. કોઈક માણસ એને કામ માટે મળવા આવે છે. એના મોં પર સ્મિત છે. હસ્તધૂનન માટે એ હાથ લંબાવવા જાય છે, પણ અટકી જાય છે. ‘સર, હું પૂછવા માંગતો હતો….’ ઉપરી અધિકારી એની સામે જોતો નથી. ફાઈલ વાંચ્યા કરે છે. અણગમા સાથે એ મળવા આવનાર સામે જુએ છે. કામ અંગે ટૂંકમાં જવાબ આપે છે. મળવા આવનાર વ્યક્તિ રોષ સાથે ઑફિસમાંથી બહાર નીકળે છે. મનમાં નક્કી કરે છે, ‘આ કંપની સાથે કામ નથી પાડવું. આ કાટ માણસનું મોં નથી જોવું.’
આપણી જીવનયાત્રામાં શબ્દો આપણા સંગાથી છે. એનો સર્જનાત્મક અને કલ્યાણકારી ઉપયોગ કરીએ. શબ્દો જોડવાનું અને ઠારવાનું કામ કરે છે. વિચારીને બોલીએ, કારણ કે, બોલ્યા પછી વિચારવાનો કોઈ અર્થ રહેતો નથી. ચાર્લ્સ સ્કવોબ મોટી સ્ટીલ કંપનીનો મેનેજર હતો. લાખો ડોલરની એની વાર્ષિક કમાણી ! શા માટે એને આટલો મોટો પગાર મળતો હતો ? એનું કારણ એ હતું કે એને માનવસંબંધો સાચવતાં અને વિકસાવતાં આવડતું હતું : ‘He knew how to handle people well.’ એક દિવસ બપોરની વખતે ચાર્લ્સ એની સ્ટીલ મિલમાં કામ કરતો હતો. ત્યાં એણે અચાનક થોડાક યુવાનોને જોયા. તેઓ ‘અહીં ધૂમ્રપાન મનાઈ છે’ – ‘No smoking’ના બોર્ડની નજીક ઊભા રહી સિગારેટ ફૂંકતા હતા. ચાર્લ્સ સ્કવોબે એમને જોયા. ચાર્લ્સ સ્કવોબે એમને જોયા. એ કહી શક્યો હોત પેલા યુવાનોના ગ્રુપને કે તમે બોર્ડ વાંચી શકતા નથી ? પરંતુ ના, એણે એવું કશું જ કહ્યું નહિ. એણે તો પેલા યુવાનો સાથે થોડીક મૈત્રીભરી વાતચીત કરી. તેઓ ધૂમ્રપાનની મનાઈ હતી તે જગ્યાએ ધૂમ્રપાન કરી રહ્યા હતા. એનો ઉલ્લેખ સુદ્ધાં ન કર્યો. એમનાથી છૂટાં પડતાં હસતાં-હસતાં ચાર્લ્સ એમના હાથમાં થોડીક સિગારેટ મૂકી અને કહ્યું, ‘દોસ્તો ! તમે જો આ સિગારેટ બહાર જઈને પીશો તો મને વધારે ગમશે.’
બસ ! ચાર્લ્સે આટલું જ કહ્યું. યુવાનો સમજી ગયા કે એમણે સ્ટીલ મિલનો કાયદો તોડ્યો છે ! એની સાથે એ યુવાનોને ચાર્લ્સ માટે ઘણો આદર થયો. એણે એમનું અપમાન કર્યું નહોતું ! સલુકાઈથી કેવી રીતે વ્યવહાર કરવો તે એમને શીખવા મળ્યું હતું. ચાર્લ્સ સ્કવોબની વ્યાવસાયિક સફળતાનું આ જ રહસ્ય હતું.
‘If you wish to succeed in life….
You must become a master in human relations….’
મહાત્મા ગાંધીજી ભારતીય પ્રજાની નાડ પારખી ગયા હતા. લોકોને એકત્રિત કરવાની, સૌનો સહકાર પ્રાપ્ત કરવાની અને દરેકની શક્તિ અને આવડતને પિછાણી એનો યોગ્ય ઉપયોગ કરવાની એમનામાં અસાધારણ આવડત હતી. એમના વ્યક્તિત્વમાં ચુંબકત્વ હતું. સત્યાગ્રહ સમયે દેશના બધાં જ રાજ્યોમાંથી એમને અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિઓનો પૂરેપૂરો સાથ મળ્યો. એમના નેતૃત્વ નીચે બધા એક જ ધ્યેય માટે સર્વસ્વ છોડી સંગ્રામમાં ઝંપલાવવા તૈયાર થયા હતા. એમાં એક હતા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ. ડૉ. રાજેન્દ્રપ્રસાદ 1946ના વર્ષમાં ‘કૉન્સ્ટીટ્યુઅન્ટ’ એસેમ્બલીમાં પ્રમુખપદે ચૂંટાયા હતા. સ્વાભાવિક રીતે જ આ અતિ મહત્વની એસેમ્બલીમાં દેશની કેટલીક ખ્યાતનામ વ્યક્તિઓ હતી. સ્વાભાવિક છે એમની વચ્ચે ક્યારેક મતભેદ ઊભા થાય. ઉગ્ર ચર્ચા થાય. વિખવાદ ઊભો થાય. જ્યારે આવા કોઈ પ્રશ્નો ઊભા થતા ત્યારે સમજી-વિચારી વાતચીત કરીને એનું નિરાકરણ કરવામાં આવતું.
એક વખત એવું બન્યું કે ડૉ. રાજેન્દ્રપ્રસાદના એક નિકટના અને જૂના સહકાર્યકર્તાએ એમને માટે ખરાબ ટીકા કરી. એમને માટે હિણપતભર્યા શબ્દો વાપર્યા. ડૉ. રાજેન્દ્રપ્રસાદને સખત માઠું લાગ્યું. મતભેદ થાય એ સમજી શકાય એવું છે, પરંતુ અંગત ટીકા ! ડૉ. રાજેન્દ્રપ્રસાદ માટે એ અસહ્ય હતું. તેઓ મહાત્મા ગાંધીજી પાસે ગયા, અને એમની આગળ પોતાના રાજીનામાનો પત્ર મૂક્યો.
‘કોઈ પણ સ્વમાની વ્યક્તિ આ સંજોગોમાં તમે જે કરવા ઈચ્છો છો તેવું જ કરે.’ ગાંધીજીએ શાંતિથી ડૉ. રાજેન્દ્રબાબુને કહ્યું, ‘હું તમારી સ્થિતિ સમજું છું પણ મારે તમને એક બીજી બાજુ બતાવવાની છે. મારે તમને કંઈક વિશેષ કહેવાનું છે.’
‘બાપુ ! એ શું છે ?’
‘મારા જે બધા સહકાર્યકર્તાઓ છે, તેમાં એક જ વ્યક્તિ એવી છે જે ઝેરનો કટોરો પીવાને સમર્થ છે. માનવજાતના કલ્યાણ માટે દેવાધિદેવ શંકરે વિષપાન કર્યું હતું. મારા એ સાથી રાજેન્દ્રબાબુ તમે છો !’ ગાંધીજીના શબ્દો સાંભળી રાજેન્દ્રબાબુએ રાજીનામાનો પત્ર ફાડી નાખ્યો હતો. મહાત્મા ગાંધીજીને માણસને પારખતાં આવડતું હતું અને એમની પાસેથી કુનેહપૂર્વક કામ લેતાં પણ આવડતું હતું. કુનેહ એટલે યોગ્ય અને ખરી વસ્તુ કહેવી અને કરવી તે – અને તે પણ સ્નેહ, વિશ્વાસ અને મધુરતાથી. જીવનવ્યવહારમાં આપણે જેમની સાથે રહેવાનું છે, કામ કરવાનું છે અથવા તો જેમની પાસેથી કામ લેવાનું છે એમને રાજી રાખવાની, એમનો સહકાર મેળવવાની કળા છે. ‘બિઝનેસ મેનેજમેન્ટ’ના અભ્યાસક્રમમાં ‘હ્યુમન રીલેશનશીપ’ને એક વિષય તરીકે શીખવવામાં આવે છે.
એન્ડ્રુ કાર્નેગી અમેરિકાનો એક વિખ્યાત ઉદ્યોગપતિ થઈ ગયો. એ નાની વયે અમેરિકા આવ્યો. સાવ ગરીબ છોકરો. એ માણસ પ્રચંડ પુરુષાર્થ કરી અમેરિકાનો સૌથી મોટો લોખંડનો ઉત્પાદક બન્યો. હજારો માણસો એના હાથ નીચે કામ કરતા હતા. એક સમય તો એવો હતો, જ્યારે એના હાથ નીચે 43 જેટલા લક્ષાધિપતિઓ કામ કરતા હતા ! તે સમયે એક પત્રકારે કાર્નેગીને બહુ જ સુંદર પ્રશ્ન પૂછ્યો હતો : ‘સાહેબ, તમે આ બધા માણસો પાસે કેવી રીતે કામ લઈ શકો છો ?’
એમણે જવાબ આપ્યો : ‘હાથ નીચેના માણસો પાસે કામ લેવું એ ખાણમાંથી એક ઔંસ સુવર્ણ મેળવવા જેવું છે. એક ઔંસ સોનું મેળવવા માટે તમારે અસંખ્ય ટનનો કચરો અને માટી ખોદવા પડે. તમે જેમ જેમ ખોદતા જાવ અને ઊંડે ઊતરતાં જાવ તેમ તમને કચરો નહિ પણ સોનું દેખાવા માંડશે. તમારું લક્ષ્ય સોનું ખોદવાનું છે ને ? તો તમે લોકોમાં ખોટું શું છે અથવા તો પરિસ્થિતિમાં ખોટું શું છે એ જાણી લો. તમને જે નથી જોઈતું એવું ઘણું તમને જોવા અને જાણવા મળશે. પણ તમારે તમારી જાતને એ જ કહી દેવાનું છે કે તમે ઉપરનો બધો કચરો, ધૂળ, માટી જોવા માંગતા નથી. દરેક પરિસ્થિતિમાં અને દરેક વ્યક્તિમાં કંઈક સારું રહ્યું હોય છે. વ્યક્તિમાં પણ કોઈક ને કોઈક ગુણ હોય છે જ. પરંતુ આપણને ખરાબ જોવાની જ આદત પડી ગઈ હોય છે. એક ઔંસ સોનું મેળવવા સેંકડો ટન કચરો ખસેડવો જ પડે ! બસ ! આ જ વાત છે. દરેકમાં જે સારું હોય તે જુઓ અને એનો ઉપયોગ કરો !
અવિનાશભાઈની મોટી ફેક્ટરી છે. મોટો વ્યાપાર છે. તેઓ કેટલીયે ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. જાતજાતના ‘પ્રોબ્લેમ’ આવે, ફરિયાદો આવ્યા કરે, ગુસ્સે થઈને કોઈ ન બોલવાનું બોલે, પણ અવિનાશભાઈ બધાંની વાત સાંભળે. એમનો ઉભરો કાઢવા દે અને પોતાની સંસ્કારી રીતભાતથી અને હાસ્યવિનોદથી વાતાવરણને સાવ હળવું બનાવી દે. તેઓ બધાંને પ્રિય છે. દરેકને તેઓ પોતીકા લાગે છે.
એવા કેટલાય પ્રસંગો બને છે, જ્યારે આપણને ગુસ્સો આવવાનો-અપમાન લાગવાનું, એમ પણ થવાનું કે આ માણસને સણસણતો જવાબ આપી દઈએ. એની સાથે બોલચાલનો સંબંધ પણ તોડી નાંખીએ. આવે પ્રસંગે આપણી જાતને માત્ર થોડી મિનિટો સંભાળી લઈશું તો આપણને ખેદ કરવાનો વખત નહિ આવે. આમ જો પરિસ્થિતિ સંભાળી શકીએ તો કુટુંબના કેટલાય ઝઘડા ઓછા થઈ જાય ! કૌટુંબિક સંબંધોના નાજુક તાંતણાઓમાં ક્યારેક સખત ગૂંચ પડે છે તેથી તે તાણાવાણાને ઉતાવળથી કાપી નાંખવાના ન હોય. અપાર કુશળતાથી અને ઉદારતાથી એ સંબંધોને જાળવવાના હોય છે. માનવસંબંધોમાં ઘસારાના અને વિમુખતાના પ્રસંગો આવે ત્યારે સ્નેહનાં સિંચન, ઉદારતા અને સમજણથી કરતાં રહીશું તો સંસારવ્યવહાર વધુ સરળતાથી ચાલશે.
[કુલ પાન : 128. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : પુનિત પ્રકાશન પ્રતિષ્ઠાન. સંત ‘પુનિત’ માર્ગ, મણિનગર, અમદાવાદ-380008. ફોન : +91 79 25454545. ઈ-મેઈલ : jankalyan99@yahoo.co.in ]
20 thoughts on “બળથી નહિ કળથી – જયવતી કાજી”
પુનિત પ્રકાશન તરફથી હંમેશાની જેમ ઉત્તમ પુસ્તક.
સંબધોના સરવાળા કરીએ
ભાગાકારથી દૂર રહીએ.
આભાર.
સબંધ સમજાવતો સુંદર લેખ.
જેનિ આખ મા અમિ તેને દુનિઆ ગમિ, જેનિ જિભ મા અમિ તેને દુનિઆ નમિ.
ખુબ ખુબ આભાર્.
Really a nice story to under stand and learn, which we can get after only many years of experience
ખૂબ જ સરસ લેખ.
આભાર..
very good
raj
ઘણું શીખવા મળ્યું.
ખૂબ જ સરસ લેખ. વારંવાર વાંચવા જેવો, વિચારવા જેવો અને રોજ-બરોજ અમલમાં મુકવા જેવો લેખ.
આભાર..
—
Be the change you want to see in the world.
The platform of service is as big as the world. It is never overcrowded.
The best way to find yourself is to lose yourself in the service of others.
–
ગાંધીજી
આજે મારુ મન કોઇના માટે આવુ જ વિચારતુ હતુ ,કેમ કે મારિ સાથૅ અન્યાય થયો હતો,પન આ લેખ વાચિને મન ને શાન્તિ મલિ..હુ કેમ કોઇન વિશે વિચરિને મારો સમય વ્યર્થ કરુ….i should be happy ,nd try to think good abt all…thanx readgujarati…..
Wow….Small article teach me lot !!
સમજીને અમલમાં મૂકવા જેવો લેખ છે. લેખકને અભિનંદન.
જયવતીજીનો હંમેશ મુજબ સરસ અને ઉપયોગી લેખ.
ખૂબ આભાર,
નયન
Very nice story, especially any person holding a management job, must read it.
excellent thoughts must be obed in daily life
વિચારીને બોલીએ, કારણ કે, બોલ્યા પછી વિચારવાનો કોઈ અર્થ રહેતો નથી
Great thoughts.
Relation is a heart of Society, we have make it Strong.
સચોત સત્ય માહિતેીસભર લેખ્.
ના બોલ્યામા નવ ગુન.
આમા ઘન્નુ ઘન્નુ જાન્ાવનુ મલયુ
આભાર
REALLY, IT IS VERY NICE STORY.
ખૂબ સરસ લેખ.