તમે ચંપલ પહેર્યાં ? – સુધા મૂર્તિ

[ ‘તમે જ તમારું અજવાળું’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનો અનુવાદ શ્રીમતી સોનલબેન મોદીએ કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

હમણાં હમણાં ઘણી વાર એવું બને છે, કે રિક્ષાવાળાઓ અમુક વિસ્તારમાં આવવાની ‘ના’ પાડી દે. નજીકમાં જ જવાનું હોય તો ખાસ. વળી કોઈ રિક્ષાવાળાના દિલમાં રામ વસે અને આવવા તૈયાર થાય તો પણ તમે તમારી મંઝિલે પહોંચો કે ‘અવલ’ મંઝિલે તેની કોઈ ખાતરી નહીં. ક્યારેક મીટર બગડેલું હોય તો ક્યારેક ઘણા રિક્ષાવાળાઓ ફિલ્મના હીરોની જેમ ચલાવે – આપણો તો શ્વાસ અદ્ધર થઈ જાય.

એક દિવસ હું રિક્ષાસ્ટેન્ડ પાસે ઊભી હતી. લાઈનબંધ ખાલી રિક્ષાઓ ઊભી હોવા છતાં કોઈ આવવા માંગતું ન હતું. મારે ખરેખર મોડું થતું હતું. ત્યાં જ એક કાર મારી સામે ઊભી રહી અને તેનો કાળો કાચ ઊતર્યો. મારી જૂની મિત્ર સરોજે મને ગાડીમાં બેસી જવા ઈશારો કર્યો.
મેં કહ્યું : ‘સરોજ, મારે તો ઍરપૉર્ટ જવાનું છે. તને નહીં ફાવે.’
સરોજ કહે : ‘જલદી બેસી જા ને ! પાછળ ટ્રાફિક જામ થઈ જશે, તો પોલીસ આવશે. હું મારી હૉસ્પિટલ જ જાઉં છું. વાડજ. ત્યાંથી ઍરપૉર્ટ ક્યાં દૂર છે ? હું ઊતરી જાઉં પછી ડ્રાઈવર તને ઉતારી દેશે.’

સરોજને હું ઘણાં વર્ષથી ઓળખું. તે અને તેના પતિ રમેશ બંને ડૉક્ટર છે. તેમનું પોતાનું મોટું નર્સિંગ હોમ છે. ધીકતી પ્રેક્ટિસ, બે દીકરા અને બંને પરણેલા. મોટો સોફ્ટવેર એન્જિનિયર થઈ પરદેશ સ્થાઈ થયો છે અને નાનો પુત્ર, તેની પત્ની તથા બે બાળકો સાથે તેમના વિશાળ બંગલામાં સાથે જ રહે છે. સમાજની દષ્ટિએ નમૂનેદાર કુટુંબ ગણાય. સ્ત્રીને માટે આથી મોટું સુખ શું હોય ?’
સરોજ કહે : ‘આજે રિક્ષા માટે કેમ ઊભી હતી ? ગાડી ક્યાં ગઈ ?’
મેં કહ્યું : ‘આજે હું એકલી હતી. ડ્રાઈવરને ઘણા દિવસથી રજા જોઈતી હતી. મારે કાંઈ કામ ન હતું તેથી તેને રજા આપી. કલાક પહેલા જ એક ફ્રેન્ડનો ફોન આવ્યો. મુંબઈથી આવે છે એટલે લેવા જાઉં છું.’
‘તો ટૅક્સી મંગાવી લેવી જોઈએ ને ?’
‘અરે, રિક્ષામાં શું વાંધો ? આપણે ત્યાં તો લોકો બસોમાં ને છકડાઓમાંય ફરે જ છે ને ?’ મેં કહ્યું.
‘ભઈસા’બ, મને તો રિક્ષાઓમાં બેસતા જ બીક લાગે છે.’ સરોજ બોલી.
‘એમ તો પ્લેનમાં ફરવામાંય ક્યાં સલામતી છે ? તો પણ જનારાએ જવું જ પડે છે ને !’ મેં કહ્યું.
‘આજકાલ તો પ્લેનમાંય ટાઈમના ઠેકાણાં નથી હોતાં. આઈ રિયલી ફીલ સિક ઑફ ટ્રાવેલિંગ, સુધા…. સમ ટાઈમ્સ.’
‘સરોજ, તારે તો હૉસ્પિટલને કારણે ઝાઝું નીકળાય પણ નહીં ને ! મારે તો રોજનું થયું. જીપોમાંય ઠસોઠસ જવું પડે છે. ગભરાયે કેમ ચાલે ?’ મેં કહ્યું.

મેં વાતને પતાવવા કહ્યું : ‘પ્રેક્ટિસ કેમ ચાલે છે, સરોજ ?’
‘જવા દે ને, સુધા. વાત જ ન પૂછીશ. કેટલી કોમ્પીટીશન ! એમાંય અમારાં છોકરાં ડૉક્ટર ન થયાં, એટલે પ્રાઈવેટ પ્રેક્ટિસમાં ટકી રહેવાનું વધારે મુશ્કેલ થઈ જાય. ઘણી વાર વિચાર આવે છે, કે આખું નર્સિંગહોમ વેચી કાઢીએ અને પૈસા બૅન્કમાં મૂકીને વ્યાજ પર નભીએ. એમાં થોડા પૈસા તો મળે ! આજકાલ તો પેશન્ટો પણ માળા ભારે હોશિયાર થઈ ગયાં છે. પ્રશ્નો પૂછીપૂછીને તેલ કાઢે. ગઈકાલની જ વાત કરું…. એક દર્દીને મેં કહ્યું, ‘બે-ત્રણ દિવસ ખટાશ ન ખાશો.’ તો સામેથી પૂછે, ‘બહેન, દહીં તો ખવાય ને ?’ થોડી વાર પછી દર્દીની બા આવીને કહે, ‘બહેન, મારી રાજવીને ટામેટાં-કાકડીના સલાડ વગર ચાલતું નથી. અપાય ને ?’ મારું તો મગજ ફરી ગયું. મેં તો કહી દીધું, ‘આમલીનો રસ અને આમળાંનો જ્યૂસ પણ આપો ને !’ એકનો એક સવાલ આઠ વાર પૂછે. વળી હૉસ્પિટલમાં આવે એટલે આજકાલના આ દોઢડાહ્યા પેશન્ટો એવું માને કે લેટેસ્ટ દવાઓથી મોતનેય મ્હાત કરી શકાય. દમ તો ડૉક્ટરોનો નીકળી જાય. વળી જો કોઈ દવા લાગુ ન પડે, તો દર્દીના સગાં બે દિવસમાં બાર જણની સામે બોલે : ‘આ ડૉક્ટર તો લૂંટે જ છે. કંઈ ફરક ના પડ્યો.’

મારે વાત બદલવા પૂછવું પડ્યું, ‘મિલિંદ કેમ છે ? મિલિંદ સરોજનો મોટો દીકરો છે – જે યુ.એસ. સ્થાઈ થયો છે.’
‘ઠીક, મારા ભઈ…. ચાલે છે…. હવે તો અમેરિકામાંય માથે લટકતી તલવાર. ગમે ત્યારે પૂના કે બૅંગલોર ભેગા કરી દે. વળી માલા પણ જોબ કરે. કામવાળાં તો ત્યાં મળે નહીં. એટલે બંને બાળકોને સવારથી ડે-કેરમાં મૂકીને વર-વહુ દોડે. બેમાંથી એકેય છોકરાંને હરામ બરાબર છે, એક શબ્દ પણ ગુજરાતીનો આવડતો હોય તો ! મારો તો જીવ કપાઈ જાય છે.’

ત્યાં સુધીમાં અમે વાડજ નજીક પહોંચ્યાં. ટ્રાફિક બરોબર જામ હતો.
સરોજ કહે, ‘અહીંથી વડોદરા જઈને આવવું સહેલું છે, પણ આ શહેરમાં હવે ફરવું મુશ્કેલ છે. કોઈ પણ રસ્તે જાવ, ટ્રાફિક તો નડે જ….’
‘સરોજ, મોટા શહેરમાં રહેવાના ફાયદા પણ છે જ ને ! છોકરાંઓને સારી સ્કૂલોમાં ભણાવાય, બીજી એક્ટિવિટી કરાવાય, કૉલેજૉ સારી, તારી હૉસ્પિટલ શહેરમાં છે તો આટલા પેશન્ટો પણ વધારે આવે છે…. ટ્રાફિકનું તો ચાલ્યા કરે. ફરિયાદ કરીને શું કરવાનું ? અરે હા, ગૌરવ-અનીતા કેમ છે ? સારું છે કે એનું કુટુંબ તારી સાથે રહે છે.’ ગૌરવ સરોજનો નાનો દીકરો છે.
સરોજ કહે : ‘શું સારું ? છેલ્લા અઠવાડિયાથી ગૌરવનું મોં નથી જોયું. એક ઘરમાં રહીએ એટલું જ. બંને જણ સોફટવેર એન્જિનિયર અને બંનેને માર્કેટિંગની જોબ, એટલે દેશ-વિદેશના ચક્કરો ચાલુ જ હોય. છોકરાં બાઈ પાસે મોટાં થાય. મને ટાઈમ હોય નહીં અને અનીતા તો અહીં હોય ત્યારેય તેની અલગ દુનિયામાં જ હોય. બહેનપણીઓ, કિટીપાર્ટીઓ અને શોપિંગ. ખરીદી, ખરીદી અને ખરીદી. કમાય એટલું ને વાપરે એટલું ! છોકરાંઓને નીતનવા બુટ-ચંપલ, ઘડિયાળો, ચોપડીઓ, ડી.વી.ડી. અપાવે પણ બેસીને એક વાર્તા કહેવાનો તેમને ટાઈમ ન હોય ! સાચું કહું, આજકાલનાં આ જુવાનિયાંઓ…. ધે આર વેરી એમ્બિશિયસ….’

‘તારાં સાસુ કેમ છે, સરોજ ?’
ફરી સરોજનો બળાપો શરૂ થયો, ‘એમનો વળી જુદો જ પ્રોબ્લેમ છે. જેમ ઘરડાં થતાં જાય છે, તેમ વધારે ને વધારે જિદ્દી થતાં જાય છે. મનેય હવે પંચાવન થયાં. હું હવે થાકું છું, પણ તેમના માટે તો હજીયે હું ગઈકાલે આવેલી વહુ જ છું. સદાકાળ બાવીસ વર્ષની ! મારે સતત એમનું ધ્યાન રાખવાનું, ને મારી વહુઓને મારી પડીય નહીં. ખરેખર, બે જનરેશન વચ્ચે હું તો સેન્ડવીચ થઈ ગઈ છું. સૂડી વચ્ચે સોપારી !’

હવે હું સરોજ જોડે વાત શી કરું ? કંઈ પણ પૂછું તો તેને કચકચ કરવાનું, ફરિયાદ કરવાનું બહાનું મળી જાય. મેં સરોજને પૂછ્યું, ‘સરોજ, સુખી કેવી રીતે થવાય ? સંપૂર્ણપણે સુખી થવાનો કોઈ સહેલો રસ્તો ખરો ?’ સરોજ આશ્ચર્યથી મારી સામે જોઈ રહી. જાણે હું તદ્દન ભોળું-ભટ પ્રાણી હોઉં તેમ મારી સામે જોઈને મને કહે, ‘લે, કર વાત ! તદ્દન સહેલું છે ને ! જો, મને તો એવું જીવન ગમે કે એક એવા સમાજમાં હું રહેતી હોઉં, જ્યાં કોઈ ટેન્શન ન હોય. દીકરા-દીકરી મોટાં થઈ જાય પછી પણ બધા વચ્ચે ખુલ્લા દિલે વિચારોની આપ-લે થાય, વડીલો-યુવાનો સાથે એડજેસ્ટ થઈને રહે, જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે તે સ્વીકારે. વળી બધા રસ્તાઓ ચાર લેનના હોય, પેશન્ટોમાં બુદ્ધિ આવે અને સમજે કે અમે પણ ડૉક્ટર્સ છીએ, ભગવાન નથી. બધાં પોતપોતાની જવાબદારી સમજીને એક સુંદર સમાજનું નિર્માણ કરે. આ જ સુખી થવાની ચાવી છે.’

ટ્રાફિક ઓછો થયો. સરોજની હૉસ્પિટલ નજીક દેખાઈ. મારાથી બોલ્યા વગર ન રહેવાયું, ‘સરોજ, તું ખ્વાબોની દુનિયામાં રાચે છે. આવો સમાજ મોટા વિકસિત દેશમાં તો શું, નાનાં ગામડાંમાં પણ શક્ય નથી. આ દુનિયામાં મુશ્કેલીઓ અને અપેક્ષાઓ ધૂળ અને કાદવની જેમ વ્યાપેલાં છે. આ કાદવમાં મેલા થયા વગર જીવવું હોય તો બે જ ઉપાય છે ! : ક્યાં તો આખી પૃથ્વીને ચોખ્ખી કરવા તેના પર ચામડું પાથરી દેવું, ક્યાં તો ફક્ત આપણે ચંપલ પહેરી લેવાં.’
સરોજ કહે : ‘અરે વાહ, આ તને કોણે શીખવ્યું ?’
મેં કહ્યું : ‘આ તો પચીસસો વર્ષ પહેલાં ભગવાન બુદ્ધ કહી ગયા છે. બધાંને બદલવા કરતાં અંતરખોજ કરવી સારી. પોતે ચંપલ પહેરી લેવાં. શું કહે છે ?’

[કુલ પાન : 120 કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

54 thoughts on “તમે ચંપલ પહેર્યાં ? – સુધા મૂર્તિ”

Copy Protected by Chetan's WP-Copyprotect.