ન જાને સંસાર – વર્ષા અડાલજા

[ જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘ન જાને સંસાર’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] મનુષ્યત્વની મહોર

આપણી સૌથી અદકેરી સંપત્તિ છે તન અને મન. બધાં જ પ્રાણીઓમાં આથી આપણે છીએ સૌથી વધુ ઐશ્વર્યવાન. બાઈબલની કથા છે, પિતા ભગવાને પ્રથમ જીવ આદમનું સર્જન કર્યું અને એને કહ્યું : આ સ્વર્ગ, આ નંદનવન તારું જ છે. તું સુખેથી અહીં રહે. આદમને સાથ આપવા પછીથી ઈવને ઘડી. ભાગવતમાં શુકદેવજી સૃષ્ટિના સર્જનની વાત માંડીને કરે છે. સરજનહારે પહેલાં પ્રકૃતિ સરજી પછી જડ સૃષ્ટિ અને એમાંથી ઉત્પન્ન કરી ચેતન સૃષ્ટિ. મનુષ્યનાં સર્જન પહેલાં અસંખ્ય વર્ષો સુધી ભયંકર પશુઓ, જળચરો વગેરે પૃથ્વી પર વિહરતાં રહ્યાં. સૃષ્ટાને સંતોષ ન થયો. આ તે કેવી સૃષ્ટિ ? એનો નાશ કરું ? ના. આ મારો જ અંશ છે, એટલે ઈશ્વરે પણ સ્વયં કેવા અવતારો લીધા ? લાખ્ખો વર્ષ પછી ઈશ્વરે મનુષ્યને ઘડ્યો.

મનુષ્ય માટે બે પ્રકારના શબ્દ છે અને બન્ને છે અર્થપૂર્ણ. આદમ પરથી બન્યો તે આદમી. રજનીશ કહે છે આદમનો અર્થ માટી. આ માટીના ઘરમાં છે આત્માનો વાસ. મન પરથી બનેલો બીજો શબ્દ મનુષ્ય. જેના પર મન શબ્દની બધી જ અર્થચ્છાયાઓ છે. આદમી સીધોસાદો માણસ છે. સભ્યતા અને સંસ્કૃતિના વાઘા પહેરે છે ત્યારે બને છે મનુષ્ય. પ્રગતિના પહેલે પગથિયે છે આદમી. એક એક સોપાન ચડતા એ મનુષ્યત્વ તરફ ગતિ કરે છે. સામાન્ય જન માટે એટલે જ આમ આદમી શબ્દ વપરાતો હશે ! એક શબ્દ આદમીથી બન્યો. બીજો મનથી. માટીના આ મૃત બાહ્ય શરીરથી ધીમે ધીમે ભીતરની યાત્રાનો લાંબો વિકટ પથ કાપતાં એ બને છે મનુષ્ય. મહાભારતમાં માણસની આ અમૃત યાત્રાનો સરસ શ્લોક છે :

भूतानां प्राणिनः श्रेष्ठः प्राणिनां मनुः श्रेष्ठः ।
मनुष्याणां नरः श्रेष्ठः, नराणां च नरोत्तमः ।।

આદમીથી મનુષ્ય અને મનુષ્યથી નરોત્તમ બનવા જન્મજન્માંતરનું તીર્થાટન કરવું પડે. માટીના કાયાગૃહમાંથી નીકળી જઈ એ સઘળું પરહરતો, છાંડતો, ભીતરની યાત્રા કરતો કરતો જો એ મનની પણ સોંસરવો નીકળી જાય તો સામે વિસ્તરેલું રહે છે અનંત ભૂરું આકાશ. પછી ક્યાં તન અને મન ! ન વાસના, ન વિચાર. એથી તો તન અને મન આપણી કીંમતી મૂડી છે. એને જ સાચવીને વાપરતાં બહોળો વેપાર કરવાનો છે. મનુષ્યજીવન એટલે ભવોભવના અસંખ્ય બારણાંઓમાંનું અંતિમ દ્વાર. જ્યાંથી કોઈ પણ દિશામાં રસ્તો ફંટાઈ શકે. અ જંકશન. જુદા જુદા નગરનાં નામ અને માઈલના સાઈનબૉર્ડ અહીં છે. સાઈનબૉર્ડ વાંચીને ક્યાં જવું તે નક્કી પણ આપણે કરવાનું અને ચાલવુંય આપણે જ પડે. રસ્તો ક્યારે ચાલે છે ? માણસ પર મનુષ્યત્વની મહોર મારી માનવ્યને આપણે જ સિદ્ધ કરવું પડે.

દેહને છે વર્ષોની સીમા. નિશ્ચિત વર્ષો જીવી લીધા પછી માણસ સીમા ઓળંગી સરહદપાર જાય એટલે દેહનું મૃત્યુ થાય. એ જ ભયથી આપણે સીમાને કાંટાળી વાડ બાંધીએ છીએ, તોય વાડમાં છીંડું પાડી મૃત્યુ ગેરિલા દુશ્મનની જેમ અંદર ઘૂસી આવે છે. બહુ વિરલ વ્યક્તિ આ છાપામાર સાથે મિત્રભાવે હાથ મિલાવી શકે છે. દેહ મૃત્યુ પામે છે, પણ મન તો ચેતનતત્વ છે. અનેક જન્મોનાં સંસ્કારની છાયા છે એની પર. ભગવાન બુદ્ધે તેને સરસ નામ આપ્યું છે – આલયવિજ્ઞાન. સ્ટોર હાઉસ ઑફ કોન્સીયસનેસ. પશુ, પંખી, ફૂલ, વૃક્ષ…. બધાં સજીવની એને સ્મૃતિ છે. બૌદ્ધદર્શન મુજબ તો તમને ગુલાબનું ફૂલ ખૂબ ગમે છે તો શક્ય છે તમે પોતે જ કદીક ગુલાબ હશો ! એથી જ એની સુગંધથી તમારું અસ્તિત્વ મહોરી ઊઠે છે. આપણે છીએ વીતી ગયેલા સમયની અને આવનારા સમયની લાંબી સાંકળની વચ્ચેની એક નાની-શી કડી.

ચીની તત્વચિંતક ચ્વાનત્સે એક વાર ચાલતા જઈ રહ્યા હતા કે પગે કાંઈક અથડાયું. જોયું તો એક ખોપરી ! એમણે કાળજીથી ખોપરી લઈ રસ્તાની ધારે મૂકી અને તેની ક્ષમા માગી. શિષ્યને નવાઈ લાગી. એક ખોપરીની આટલી કાળજી અને માફી માગવાની ? ગુરુએ જવાબ આપ્યો, કોને ખબર છે ભવિષ્યમાં આપણી પણ આ જ હાલત નહીં થાય ? હરીન્દ્ર દવેની એક કાવ્યપંક્તિનું અહીં સ્મરણ થાય છે :

અટકીને હર વળાંકે, પૂછું છું સર્વને,
અહીંયાથી તમને યાદ, કઈ જિંદગી ગઈ ?
.

[2] સાંભળો પૃથ્વીવાસીઓ હો !

સંસારના માણસો એક સવારે ઊંઘમાંથી ઊઠ્યાં, ત્યાં અચંબો પામી ગયાં. એક અભૂતપૂર્વ ઘોષણા આકાશમાંથી સંભળાઈ રહી હતી. કોઈ ડાહ્યા માણસને એમ લાગ્યું કે એ અવાજ કદાચ અંતરમાંથી પણ આવતો હોય ! ગમે તે હોય સ્વર સ્પષ્ટ અને મધુર હતો અને આખી પૃથ્વી પર બરાબર સંભળાતો હતો.

આકાશવાણી કહેતી હતી : સાંભળો ઓ સંસારવાસીઓ. ઈશ્વરે નક્કી કર્યું છે કે તેનાં સંતાનને સુખની અમૂલ્ય ભેટ આપવી. જે મનુષ્યોને પોતાનાં દુઃખમાંથી છૂટકારો મેળવવો હોય, તેઓ આજે મધ્યરાત્રિએ પોતાનાં બધાં દુઃખોને ગાંસડીમાં બાંધી ગામની બહાર ફેંકી દે અને પાછાં ફરતાં જે જે સુખની તેમની અંતરની ઈચ્છા હોય તેની ગાંસડી બાંધી લે. સૂર્યોદય પહેલાં સૌએ ઘરે આવી જવું. તમારા માગેલાં સુખ તમને અચૂક મળશે. પૃથ્વી પરથી તમામ દુઃખોનો નાશ કરી, મનુષ્યમાત્રને ઈશ્વર સુખનું વરદાન આપવા ઈચ્છે છે. એક રાત્રિ માટે જ પૃથ્વી પર કલ્પવૃક્ષ અવતરવાનું છે. એથી દુઃખનો સદાને માટે ત્યાગ કરી, તમારું મનગમતું સુખ માગી લેવાનો આ મહામૂલો અવસર છે. સાંભળો ઓ પૃથ્વીવાસીઓ હો !

પૃથ્વીના ખૂણે ખૂણે આ ઉદ્દઘોષણાનો સ્વર ફેલાતો રહ્યો. સૌએ કાન માંડીને એ સ્વર સાંભળ્યો : અરે ! આ તો સ્વયં ઈશ્વરે આપેલું વરદાન ! કોણ મૂર્ખ હોય કે આવો અવસર ચૂકે ! આ તો પરમાત્માની અમૃતવાણી. ચાલો, દુઃખોને ફેંકી દઈ મનગમતાં સુખોનાં પોટલાં બાંધી લાવીએ, પછી જીવનમાં નકરું સુખ ને સુખ. આખી પૃથ્વી પછી તો આનંદમય ! રાત ઢળવા લાગી. સૌ દુઃખનાં પોટલાં બાંધવામાં મચી પડ્યાં. વીણી વીણીને દુઃખો લઈ લીધાં. ખૂબ વિચારતાં, પહેલાં જે દુઃખ નહોતું તેય હવે દુઃખ લાગવા માંડ્યું. એ દુઃખ પણ ગાંસડીમાં બાંધી દીધું. એક એક મનુષ્ય પાસે મોટી મોટી ગાંસડીઓ થઈ. મધરાત થતાં સૌ માથે પોટલાં મૂકી ગામબહાર ચાલ્યા. બધાં જ ઘરો ખાલી થઈ ગયાં. ગામબહાર જઈ સહુએ દુઃખોની ગાંસડીઓ ફેંકી દીધી. હાશ. કેટલી હળવાશ લાગતી હતી ! આ દુઃખોએ તો હેરાન-પરેશાન કરી મૂક્યાં હતાં. સૂર્યોદય પહેલાં ઘરે પાછાં ફરવાનું હતું એટલે વાતોનો વખત ન હતો. સૌ જલદીથી દિવસભર વિચારીને ગોખી રાખેલાં સુખોનાં ઝટપટ પોટલાં બાંધવા લાગ્યા. જે માગે તે મળવાનું નક્કી હતું. જે સુખનું સપનુંય પહેલાં જોઈ શકતા ન હતા એ સુખને આજે પરમાત્મા તથાસ્તુ કહેવાના હતા. પછી માગવામાં કૃપણતા કોણ કરે ?

બધા લોકોએ સુખોના વજનદાર પોટલાં બાંધ્યાં અને ઘર ભણી દોટ જ મૂકી. સૂર્યોદય પહેલાં પહોંચવાનું હતું અને ઝાઝાં સુખના લોભમાં પોટલાં બાંધતાં સૌને ખાસ્સી વાર થઈ હતી. ઘરે પહોંચતાં સૌ હાંફી ગયા, પણ ખૂબ જ પ્રસન્નતા હતી. હાશ. કાયમ માટે દુઃખની કાશ ગઈ, હવે આનંદ જ આનંદ. સૂર્યનું પહેલું કિરણ ફૂટતાં જ સૌનાં સપનાં સાકાર થઈ ગયાં.
પણ આશ્ચર્યનું આશ્ચર્ય !
આનંદને બદલે ચોતરફ રોક્કળ થઈ ગઈ. એક એક ઘરમાંથી છાતીફાટ આક્રંદનાં તીવ્ર સરો ઊઠ્યા. અરેરે ! પેલું સુખ માગવાનું કેમ રહી ગયું ? હવે તો એ સુખથી સદા માટે વંચિત જ રહેવાનું ને ! પાડોશીનું સુખ કેટલું સરસ હતું ? એવું માગવાનું મને કેમ ન સૂઝ્યું ? એના સોનાના મહેલ પાસે મારા ઈંટ-ચૂનાના મહેલની વળી શી કિંમત ? જૂનાં દુઃખ અને ચિંતાઓને ગામવટો દીધો ત્યાં અનેકગણાં દુઃખો ટોળે આવી મળ્યાં. જે દુઃખો હોઈ શકે એની કલ્પના સુદ્ધાં નહોતી એ દુઃખો સૌને પીડવાં લાગ્યાં. દુઃખનુંય દુઃખ તો એ હતું કે હવે આ દુઃખો સદા એમની સાથે જ રહેવાનાં હતાં. નક્કામાં ગણી જે દુઃખો ફેંકી દીધાં હતાં એ ખરેખર તો સુખ હતાં પણ હવે એ સદાને માટે ખોયાં હતાં.

જેને ખાવા અન્ન ન હતું એ ઓછા અન્નભંડાર માટે રડી રહ્યું હતું અને આ અન્નભંડાર ખૂટશે ત્યારે પોતાનું શું થશે એ ભયથી પણ ફફડી ઊઠ્યું હતું. જેને પહેરવા વસ્ત્રો નહોતાં એ બીજા પાસેનાં કીમતી રત્નો જોઈ માથા કૂટી રહ્યું હતું. સંસાર નવો નક્કોર થઈ ગયો હતો, પણ મનુષ્ય એનો એ જ હતો. સુખદુઃખને માપવાનો ગજ અને મન પણ એનાં એ જ. સૌનાં હતાં તેય સુખ ગયાં અને સૌ દુઃખી દુઃખી થઈ ગયાં. માત્ર એક નગ્ન ફકીર નીજી મસ્તીમાં સૌને રડતા જોતો હતો અને હસતો હતો. એક અત્યંત દુઃખી મનુષ્યે ચીડથી કહ્યું :
‘અરે ફકીર ! તેં કોઈ દુઃખનું સુખ સાથે સાટું નહોતું કર્યું ? તું આટલો આનંદમાં શાથી ?’
ફકીરે કહ્યું : ‘ભાઈ, આનંદ તો મારા મનમાં છે. એટલે એને બહારથી પોટલાં બાંધીને લાવવાની જરૂર ન પડી. જે મનમાં છે તે મારી પાસે જ છે, એટલે શોધવાની જરૂર ન પડી. હું એ સુખથી ખુશ છું એટલે મારે નવું સુખ માગવાની જરૂર ન પડી. તારું સુખ બાહ્ય વસ્તુઓ પર આધારિત છે. એટલે જ્યારે જ્યારે તારી દષ્ટિ બદલાય ત્યારે એ જ સુખ તને દુઃખ લાગે ને કદીક એ જ દુઃખ કીંમતી હીરા જેવું પ્રિય લાગે.’

આજદિન પર્યંત મનુષ્ય સુખદુઃખની વ્યાખ્યામાં ગૂંચવાયેલો રહ્યો છે.

[કુલ પાન : 114. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ન જાને સંસાર – વર્ષા અડાલજા”

Copy Protected by Chetan's WP-Copyprotect.