- ReadGujarati.com - http://www.readgujarati.com -

મોરારિબાપુના સાહચર્યમાંથી – જયદેવ માંકડ

[‘નવનીત સમર્પણ’ સામાયિક માર્ચ-2011માંથી સાભાર.]

‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને….’ આવું કેમ લખ્યું હશે ? હરિનો મારગ તો પરમ સમીપે પહોંચવાનો મારગ. પરમ આનંદના પ્રદેશમાં પહોંચવાનો મારગ. પ્રેમપ્રદેશમાં પહોંચવાનો મારગ. આ મારગ જ શૂરાનો ?

આધુનિક શોધખોળો દ્વારા મૂળભૂત સિદ્ધાંતો, વેદવિચાર અને ઋષિવાણીને વૈજ્ઞાનિક આધાર મળતો અનુભવાય છે. બધું જ પરસ્પર જોડાયેલું છે. ક્યાંક કોઈક ભૂલ ક્યાંક અતિવૃષ્ટિ થઈ વરસે છે. દઝાડતી-બાળતી ગરમી થાય છે. મૂંગા અને નિર્દોષ પશુઓની કતલ, વૈજ્ઞાનિક શોધોને નામે થતી હિંસા ધરતીનો ભાર બને છે. બે ઘટનાઓ સાથે થતી દેખાય છે. એક તરફ કોઈના જીવનમાં સાવધાની છે, સમર્પણ છે અને સમજણ છે. તો બીજી તરફ વળગણપૂર્વક ભૂલોને જિવાય છે. સ્વાર્થ, ઈર્ષા, દ્વેષ, અહંકાર જેવા નકારાત્મક સ્વભાવદોષોથી જિવાતું જીવન ગ્લોબલ વોર્મિંગમાં અભિવૃદ્ધિ કરે. આપણેય ખરા છીએ ! કરોળિયાનાં જાળાંની જેમ સ્વભાવદોષના તાંતણાઓ એવા કુશળતાપૂર્વક અને મનોવૈજ્ઞાનિક સમજણના વાઘા પહેરાવી ગોઠવ્યા હોય કે સામેવાળો સપડાય. કરોળિયો મુક્ત….!

હરિના માર્ગે ચાલવા ત્રાજવું લેવું પડે. તટસ્થાપૂર્વક સ્વનું સતત મૂલ્યાંકન કરી સાચા વૈદની માફક જાતને દર્દી બનાવી પથ્યાપથ્ય આપીએ ત્યારે કદાચ તે માર્ગ તરફ ડગ માંડવાની ક્ષમતા આવતી હશે. છૂપા રાગ, છૂપો દ્વેષ, અહંકાર ને ક્ષમતા વિનાની અપેક્ષાઓ, આવાં આવાં બંધનોમાં રમમાણ રહેતા જીવ માટે હરિનો મારગ અઘરો છે. પહેલાં જીવવું, પછી બોલવું અને એથી આરપાર ઊતરવું. આવું સૂત્ર બાપુના જીવનમાં ચરિતાર્થ થયેલું અનુભવાય. કેવળ શબ્દોનો વ્યાપાર, વાણીના વિલાસ અને જીવીને બોલાયેલી વાણી – આમાં ફેર છે. શબ્દ જો બ્રહ્મ ગણાયો હોય તો ખાલીખમ કેમ લાગે છે ? વજનદાર, ધારદાર, ચોટદાર ને આરપાર ઊતરનારો કેમ નથી બનતો ? ફક્ત વાણીવિલાસ કેમ બની રહે છે ? કે પછી લોકો પાસે આડંબરને પકડી પાડવાની ‘સિક્સ્થ સેન્સ’ છે ! રોજિંદા જીવનવ્યવહારમાં સ્પષ્ટ અને સ્વસ્થ સમજણ હોય તો જ વાત બને. ખુદના આનંદ માટે જીવનારો ખુદાને પણ આનંદ આપી શકે છે. પરિતૃપ્ત જીવન માટેની ખેવના કેટલી ? હૃદયના અતલ ઊંડાણમાં, ઉચ્ચ જીવનની અભીપ્સા પડી હોય ત્યારે જ મહાન ઈમારત ખડી થઈ શકે.

બાપુનું એક વાક્ય પણ આ સંદર્ભે યાદ આવે : ‘સમાજને પ્રભાવિત કરવો સહેલો છે, પ્રકાશિત કરવો અઘરો છે. પ્રભાવિત તો મદારી પણ કરે છે. જેને આપણે ‘પાગલ’ કહીએ છીએ તે પણ કરે છે. પ્રકાશિત કરવા પોતાનું તપ જોઈએ.’ તપવામાં જ કસોટી છે. આવી કસોટી માટેની તૈયારી કેટલી ? આવા તપ માટેની પ્રતિબદ્ધતા હોય ત્યારે એ તાવણીમાંથી આનંદ નીપજે, નિર્ભાર કરે, વિશ્રામ આપે.

અમુક માણસો અમસ્તા મૂઠી ઊંચેરા નથી બનતા. सियाराम मय सब जग जानी । करउ प्रनाम जोरी जुग पानी ।। બહુ જાણીતી આ ચોપાઈ જીવવામાં કદાચ એટલી જ અઘરી છે. આપણને તો આપણા ‘હેતુઓ’ ધકેલતા રહે છે. પદ, પ્રતિષ્ઠા અને પૈસા પાછળની છૂપી એષણાઓ તાકાતને તોડી નાખે છે. મન વળી તેના માટે રમત આદરે છે. સમાજ આ ઘટનાને ઓળખે છે, એટલે અનુભવે કહેવત ભેટ ધરે છે : ‘દેખાડવાના જુદા…. ચાવવાના જુદા….!’ ઉક્ત ચોપાઈને જીવવાની તીવ્રતમ ઈચ્છા અને પ્રયાસ મૂઠી ઊંચેરાની પદવી આપે. તે માટે સહન કરવું પડે અને તેથી આ મારગ છે શૂરાનો. કાચ અને હીરા વચ્ચેનો ભેદ સમજવાની વાત છે. કાચનો ટુકડો અને હીરા વચ્ચેનો ભેદ જેને જલદી સમજાય તે હરિના મારગે ચાલી શકે. વિપુલ જળરાશિથી છલકાતી, સંતનાં ચરણપ્રક્ષાલન માટે બે કાંઠે વહેતી સાબરમતીમાંથી એક જ લોટી પાણી લેનાર ગાંધીજી અખિલાઈને સમજીને જીવી શક્યા. મારાં જ ચશ્માંમાંથી મને દેખાતું જગત જ સાચું એ અધૂરપની નિશાની નથી શું ?

जे श्रद्धा संबल रहित नहि संतन्ह कर साथ ।
तिन्ह कहुँ मानस अगम अति जिन्हहि न प्रिय रघुनाथ ।। (बालकांड-38)

શ્રી રામચરિત માનસના આ દોહામાં ગોસ્વામીજી નિર્દેશ કરે છે. શ્રદ્ધાનું સંબલ હરિના મારગે ચલાવે. સંતનો સાથ ! સંત કોણ ? જ્યાં ‘હું’ નથી પણ ‘તું’ છો….. તેવો ભાવ સતત જિવાતો હોય તે સંત… સ્વનું વિસર્જન હોય, પારકા પણ જેને પોતાના લાગે તે સંત…. જેને કોઈ તંત ન હોય તે સંત…. રઘુનાથ ? શું સનાતન પરંપરાના એક અવતાર જ માત્ર ? કે પછી અત્યંત વિસ્તૃત વ્યાખ્યાઓમાં ઢાળી શકાય, છતાંય જેનો પાર ન પામી શકાય તે રઘુનાથ ?

પ્રેમના મારગે ચાલવા એથી જ છાતી જોઈએ. અન્યનો વિચાર. અન્યના કલ્યાણનો વિચાર. મનુષ્યમાં પડેલી સારપનો વિચાર. આત્મખોજ દ્વારા સતત સ્વમૂલ્યાંકન. ઉપર ઊઠવાની વાત. વર મરો, કન્યા મરો…-વાળો ઘાટ ન ચાલે. સમજણપૂર્વકનો ત્યાગ. પરમ પ્રત્યેની ઊંડી સમજણ. જાતને ઓગાળવાની તૈયારી અને બધી જ બાબતોને આચારમાં મૂકવાનું સાહસ…. મરજીવા બનવાનું સાહસ. બહુ શાંતિથી જોતાં પ્રેમને મારગ ચાલવાની કલ્પના થતી રહે છે. તીવ્રતા નથી અનુભવાતી ! દ્વેષ અને ઈર્ષાની એવી તો જબરી પકડ હોય છે કે ભલભલા છક્કડ ખાઈ જાય છે. મોરારિબાપુને ઉક્ત ભૂમિકાએ જોઉં છું તો કેટકેટલા આયામો સામે આવી જાય છે…. સમતા પણ સ્વભાવ હોય છે. અન્યના વિચાર પણ સ્વભાવ બનવા લાગે છે. મારી વાતના અનુસંધાને આવા એક-બે પ્રસંગો મૂકું.

કૈલાસ ગૌશાળાનો પરિસર શ્રી પાર્થિવભાઈની સૂઝ ને મહેનતને લઈ રમણીય બન્યો છે. થોડાં વૃક્ષો, લોન તથા નિરાંતે વાગોળતી ગાયોની ડોકે રણકતી ઘંટડી. સત્ય અને પ્રેમ (બાપુના પૌત્રો)નો જન્મદિવસ હતો. પાર્થિવભાઈએ કૌટુંબિક મિલન રાખ્યું હતું. અમે કેટલાક તથા બાપુના ભાઈઓનો પરિવાર. બાળકોના આનંદને લઈ નાનું મિલન હતું. 2-3 કિલોની કેક હતી. હનુમાન ચાલીસાનો પાઠ થયો. સત્ય-પ્રેમ બન્નેએ કેક કાપી. સૌએ મોં મીઠું કર્યું. પછી જમવાનું હતું. અચાનક બાપુ કહે :
‘ગૌશાળાની બહાર પેલા પ્લાસ્ટિકના ટુકડા નાખી ઝૂંપડાંમાં રહેતા ગોધરાવાળા મજૂર પરિવારનાં બાળકોને બોલાવો…..’ બાળકોને જ્યારે કેક ખાતાં ને જમતાં જોયાં ત્યારે બાપુની સંવેદનશીલતા, વ્યક્તિગૌરવ, સમજણ ને કરુણામૂલક દષ્ટિને મનમાં ફરી એક વખત વંદન કરતો રહ્યો. સત્ય-પ્રેમના જન્મદિનની કેવી ઉચિત ઉજવણી !

એક તાજો જ દાખલો. તલગાજરડાની કૈલાસવાડી બાપુને ગમતું સ્થાન. આ જગ્યામાં સુંદર બગીચો છે જેની દેખભાળ ગામના હરિજન પાલાભાઈ કરે. અચાનક જ બાપુએ પૂછ્યું : ‘પાલા…. ચાલ મારી સાથે મુંબઈ આવવું છે ?’ પાલાભાઈ દિગ્મૂઢ ! ક્યારેક ફૂલછોડને પાણી પાતાં પાતાં પાલાભાઈએ વિમાન કેવું હશે ? મુંબઈ કેવું હશે ? એવી કલ્પના કરી હશે પણ આમ સાવ અચાનક જ તે સાકાર થશે તેવું તો સ્વપ્નેય નહીં વિચાર્યું હોય ! અને પાલાભાઈ ખરે જ પ્લેનમાં ઊડ્યા ! સામાન્ય માણસને પ્રસન્ન રાખવાની આ તે કેવી કાળજી ! તેના ધૂંધળા મનોભાવોમાંથી સાચકલું ચિત્ર દોરી લેવાની આ તે કેવી ખૂબી ! યુ. પી.માં ગંગાકાંઠે શૃંગબેરપુર ખાતે કથા ચાલતી હતી. રોજ સાંજે બાપુ આસપાસના વંચિત પરિવારોને ત્યાં મળવા જાય. આ પરિવારો પાસેથી રોટલાની ભિક્ષા પણ લે. ત્યાંના સરપંચ અને અન્ય આગેવાનો સાથે રહે. દલિતોના એક ગામમાં બનેલી ઘટના. સરપંચ બોલ્યા : ‘બાપુ ! તમે જાણો છો કે કોના ઘરના રોટલા ખાવ છો ? તે ફલાણો છે !’ સરપંચથી ન રહેવાયું. એ જ શાંત અને પ્રસન્ન મુદ્રામાં, સરપંચના પણ મનોભાવના સ્વીકાર સાથે બાપુએ જવાબ વાળ્યો : ‘એણે મારી જાત પૂછી છે તે હું એની પૂછું ?’

‘કાળની કેડીએ ઘડીક સંગ…. રે ભાઈ આપણો ઘડીક સંગ….’માં શ્રી નિરંજન ભગત લખે છે…. ‘એકબીજાને જીતશું રે ભાઈ….. જાતને જાશું હારી’ હારી જવાની તૈયારી હરિના માર્ગની પૂર્વશરત હોઈ શકે…. પણ તેમાં જે આનંદ છે, સંતોષ છે…… સમાધાન છે અને વિશ્રામ છે તે અનુભૂતિની બાબત છે.