[સાહિત્યકાર શ્રી દિલીપ રાણપુરાના સમગ્ર સર્જનમાંથી સંપાદિત થયેલા પુસ્તક ‘દિલીપ રાણપુરાનો સાહિત્યવૈભવ’માંથી પ્રસ્તુત ચરિત્રનિબંધ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકનું સંપાદન શ્રી યશવન્તભાઈ મહેતાએ કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
‘અણદો આવ્યો….. અણદો આવ્યો…’ની બૂમ સાંભળી મેં બારી બહાર નજર કરી. પણ શેરીમાં કોઈ દેખાતું નહોતું ને શોર તો ચાલુ જ હતો. મારા મનમાં કુતૂહલ જાગી ગયું. આ અણદો કોણ હશે ? નામ ઉપરથી કલ્પના કરીએ તો કંઈક આવું ચિત્ર તૈયાર થાય. મેલા-ઘેલા ચીંથરેહાલ, લટુરિયા વાળવાળો, ગંદ-ગોબરો, ચામડીના દર્દથી પીડાતો, કૃશકાય, ચિડાતો, ઉશ્કેરાતો, ગાળો બોલતો, જે હાથમાં આવે તેને ઉપાડતો અને ઘા કરતો, પછી તે પથ્થર હોય કે છાણ કે વિષ્ટા.
આવી કલ્પના કરતાં જ મને સૂગ ચડી. મારું મન ઉબાવા લાગ્યું. મેં ફરી બારી બહાર નજર કરી, પણ કાંઈ દેખાતું નહોતું. છોકરાંઓના અવાજો ચોક્કસ દિશામાં આંગળી ચીંધતાં હું જોઈ-સાંભળી રહ્યો હતો. મેં એક છોકરો દેખાતાં પૂછ્યું :
‘કોણ છે અણદો ? ક્યાં છે એ ?’
‘પેલો બેઠો સાહેબ.’
મેં કલ્પેલો એવો એનો દીદાર નહોતો. એનાં કપડાં ફાટેલાં-તૂટેલ પણ સ્વચ્છ હતાં. હજામત વધેલી હતી, પણ એમાં ધૂળ નહોતી. શરીર પર મેલના થર નહોતા. મેં એ છોકરાને પૂછ્યું :
‘એ શું કરે છે ? જાતે કેવો છે ? ક્યાંનો છે ?’
‘અહીંનો છે. કુંભાર છે. ગાંડો છે. અત્યારે કચરો ભેગો કરે છે.’
‘શા માટે ?’
‘એ તો કેમ ખબર પડે, સાહેબ ? પણ જ્યારે એ ગામમાં આવે છે ત્યારે આખી રાત ગામ સાફ કરે છે. બજાર-શેરીઓ વાળી નાખે છે. ગામમાં ક્યાંય કચરો ન રહેવા દે !’
‘તે પંચાયત એને કાંઈ પગાર આપે છે ?’ મેં ઈરાદાપૂર્વક આડો સવાલ પૂછ્યો.
‘ગાંડાને કોણ પગાર આપે ? આ તો એની ધૂન છે. બસ, સફાઈ કરવી. કોઈ ના કહે તો પણ કરવી.’
‘એનાં સગાં-સંબંધીઓ એને બોલાવીને ખવરાવે ખરાં ?’
‘એ જાય જ નહિ ને. ભૂખ લાગે તો ભીખ માગે.’
મને નવાઈ લાગી. અણદામાં રસ પણ જાગ્યો. એને વિષે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ. પેલો છોકરો હજુ બોલતો હતો : ‘એ ગાંડો છે, પણ મોરલી સરસ વગાડે છે. એક વખત સાંભળો તો બસ, ગાંડા જ થઈ જવાય.’ હવે હું અણદાને મળવા બેચેન થઈ ઊઠ્યો. એક દિવસ અણદો મારા ઘરના બારણે સાવરણા સાથે આવીને ઊભો રહી ગયો. મેં અજાણ્યા હોવાનો ડોળ કરતાં પૂછ્યું :
‘કોણ છે તું ? શું કામ છે ?’
‘મારું નામ અણદો. કંઈ સાફ કરાવવું હોય તો કરી દઉં.’
‘તું આ સિવાય બીજો કોઈ ધંધો કરે છે ?’
‘ના.’
‘ભીખ માગે છે ?’
‘હા.’
‘મોરલી વગાડે છે ?’
‘હા.’
‘તો સંભળાવ.’
‘સાહેબ, અત્યારે સાથે નથી.’
‘ક્યાં મૂકી છે ?’
‘ચબૂતરામાં.’
‘કેમ ?’
‘છોકરા બહુ હેરાન કરે છે. કોક દી મુજ રાંકનું સાધન તોડી નાખે….. ને મોટા માણસો પરાણે વગાડવાનું કહે છે.’
‘તો વગાડતો હો તો…. બે-પાંચ પૈસા મળે.’
‘મારે શું કરવા છે પૈસાને ?’
‘ભીખ માગવા કરતાં મોરલી વગાડીને પૈસા મેળવીને ખાતો હો તો ?’
અણદો કશું બોલ્યા વગર ચાલતો થયો. એને હું જોઈ રહ્યો. ઠંડીથી એની કાયા ધ્રૂજતી હતી. મને એકાએક વિચાર આવ્યો. મેં સવિતાને કહ્યું :
‘મારું પેલું શર્ટ અણદાને આપી દીધું હોય તો ?’
મેં અણદાને બોલાવવા છોકરાને મોકલ્યો. તેને શર્ટ આપતાં કહ્યું : ‘પહેરજે, ફાડી નાખતો નહિ.’
‘સારું સાહેબ.’
બીજે અઠવાડિયે મેં અણદાને જોયો. શર્ટ પહેરેલું નહોતું. મેં પૂછ્યું : ‘અણદા, પેલું શર્ટ ક્યાં ગયું ?’
અણદો કશું બોલ્યો નહિ.
‘વેચી માર્યું કે શું ?’
‘ના, વેચ્યું નથી પણ….’ તે અચકાઈ ગયો. મને થયું, ‘ચોક્કસ શર્ટ વેચી નાખ્યું હશે.’
‘વેચી શું નાખે ? કોકને આપી દીધું હશે.’ તલાટી ગોપાલદાસે કહ્યું, ‘એ દાનેશ્વરી કર્ણનો અવતાર છે. ગયા શિયાળે મેં એને ધૂંસો આપેલો. દસ-બાર દિવસ પછી મેં એની પાસે ધૂંસો ન જોયો એટલે પૂછ્યું, ‘એલા ધૂંસો ક્યાં ? એ કંઈ બોલ્યો નહિ. મને શક પડ્યો. નક્કી વેચી નાખ્યો લાગે છે. પણ સવારે જોયું તો નિશાળ પાસે બાવણનાં ત્રણ નાનાં છોકરાં એ ધૂંસો ઓઢીને બેઠેલાં. પૂછ્યું તો કહે : અણદાએ આપ્યો છે. એમ તમારું શર્ટ પણ કોઈને પહેરાવી દીધું હશે.’
ત્યાર પછી પંદરેક દિવસે રાણપુરમાં અણદાને ભીખ માગતો જોયો. બગલમાં કપડાની એક ઝોળી ને એમાં રોટલા. મેં પૂછ્યું, ‘અણદા, આટલા બધા રોટલાનું તું શું કરીશ ? નાહક અનાજનો બગાડ શા માટે કરે છે ? તારા પેટ પૂરતું જ માગતો હો તો….’
અણદો જવાબ આપ્યા વગર ચાલ્યો ગયો. સાંજે સ્ટેશન જતો હતો ત્યારે પચ્ચીસ-ત્રીસ ભિખારીઓના ટોળા વચ્ચે અણદો ફરતો દેખાયો. ઝોળીમાંથી રોટલા કાઢીને વહેંચતો હતો. બધાય રોટલા ખાવા લાગ્યા ત્યારે અણદો ઝોળીમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો. અણદો મને સમજાતો નહોતો. ગામલોકોને મન એ ગાંડો હતો. કુટુંબીઓએ એને ગાંડો ગણીને કાઢી મૂક્યો હતો. છોકરાઓ એની પાછળ ધૂળ ઉડાડતા, કાંકરા મારતા, બૂમો પાડતા, ગાળો દેતા પણ અણદો કદી ચિડાતો નહિ. એ જે ગામમાં જતો એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો, પણ બદલામાં કશું માંગતો નહિ. અણદો મારા માટે કોયડો હતો.
અચાનક એક વખત અણદો ટ્રેઈનમાં મળી ગયો. ત્યાં પણ એનું સાફસૂફીનું કામ ચાલતું હતું. અણદો મને ઓળખી ગયો. મેં એને મારી પાસે બેસાડ્યો. કહ્યું :
‘તું ભીખ ન માગે તો ?’
‘તો શું કરું ?’
‘મહેનત કર. મહેનત કરી શકે એવું તારું શરીર છે. એય ન કરો તો મોરલી વગાડવાનો તારો કસબ છે. તેમાંથી તું તારા પેટ પૂરતા પૈસા કમાઈ શકે. તારે ભીખ ન માગવી પડે.’
અણદો મૂંઝવણમાં પડી ગયો.
‘અણદા, મને વચન આપે કે તું કદી ભીખ નહિ માગે……’ મેં કહ્યું.
‘નહિ માગું સાહેબ…’ અણદો આવેશમાં બોલી ગયો. પછી થોડી વારે અટકીને બોલ્યો : ‘પણ સાહેબ…..’
‘શું પણ ?’
‘સાહેબ, બીજા માટે ભીખ ન માગું ? કોઈ દીનદુખિયા, રોગિયા-દોગિયા, ભૂખ્યા, તરસ્યા, નાગાપૂગા માટેય નહિ ?’
‘ના. તું વધુ મહેનત કર, તારી જાત ઘસી નાખ, પણ ભીખ ન માગ. બીજાને, દીનદુખિયાને મહેનત કરતાં શીખવ.’ તે મૌન હતો. રાણપુર આવતાં તે ઊતરી ગયો.
ત્યાર પછી એકાદ મહિને ધંધુકાના એસ.ટી.સ્ટેન્ડે અને ગામમાં મજૂરી કરતો મેં તેને જોયો. મજૂરી કરતાં સમય મળ્યે તે સફાઈનું કામ કરતો. રાતના થાક્યોપાક્યો મોરલીના સૂરમાં લીન થઈને આત્માનંદ મેળવે છે. મજૂરીના પૈસામાંથી એ પોતાના પેટ પૂરતું ખાય છે. વધેલા પૈસામાંથી સીંગ-ચણા-મમરા લઈને સાધુ-ભિખારીઓને વહેંચે છે. છેલ્લાં તેર વર્ષથી અણદાને જોયો નથી. ક્યાંક મળે તો…….
[કુલ પાન : 396. કિંમત રૂ. 225. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]
19 thoughts on “અણદો – દિલીપ રાણપુરા”
માનવતાના તાર ઝંકૃત કરતો એક અદનો માનવી અણદો.
નિર્ધનીની ઉદારતા તો કુબેરને પણ શરમાવે. માણસ જરૂરત કરતા વધારે ભેગુ કરે તે ભયભીત મનોવૃતી કહી શકાય.
આભાર.
Truly heart touching……
આપણી સંવેદનાને હચમચાવી જાય તેવો અણદો.
“‘સાહેબ, બીજા માટે ભીખ ન માગું ? કોઈ દીનદુખિયા, રોગિયા-દોગિયા, ભૂખ્યા, તરસ્યા, નાગાપૂગા માટેય નહિ ?’”
હ્રદય સ્પર્શી…
ભિક્ષુક ના રુપમાં શિક્ષક
સુંદર કૃતિ છે.
What a wonderful human being, who acts and works for others, regardless of self gain or crtics!!!
Here is so called God is within.
wondrful hearttouching appealing story of God in form of Daridranarayan
આ વાર્તા વાંચિ ને કબિર જિ ન એક દુહો યાદ આવિ ગયો….. કે ” મરિ જાઊ માગુ નહિ, અપને તન કે કાજ ,પર સ્વાર્થ કે કારિન, મોહિ ના લાગત લાજ ” સુંદર લેખ્.
આ વંઆચ્ઈ ને આપણઈ અંદર” અણદો” જાગે એવઈ આશા.
” મજૂરી કરતાં સમય મળ્યે તે સફાઈનું કામ કરતો. રાતના થાક્યોપાક્યો મોરલીના સૂરમાં લીન થઈને આત્માનંદ મેળવે છે. મજૂરીના પૈસામાંથી એ પોતાના પેટ પૂરતું ખાય છે. વધેલા પૈસામાંથી સીંગ-ચણા-મમરા લઈને સાધુ-ભિખારીઓને વહેંચે છે.” અષ્ટાવક્રજી યાદ આવ્યાઆણદો કદાચ ગયા જન્મનો સિધ્ધ આત્ના હશે
very good
સાહેબ, બીજા માટે ભીખ ન માગું ? કોઈ દીનદુખિયા, રોગિયા-દોગિયા, ભૂખ્યા, તરસ્યા, નાગાપૂગા માટેય નહિ ?’
‘ના. તું વધુ મહેનત કર, તારી જાત ઘસી નાખ, પણ ભીખ ન માગ. બીજાને, દીનદુખિયાને મહેનત કરતાં શીખવ.’ તે મૌન હતો. રાણપુર આવતાં તે ઊતરી ગયો.
Heart touching…
Ashish Dave
દિલીપ રાણપુરાને અખંદ આનંદ માં બહુ વાચ્યા છે,બહુ જ સરસ લખે છે. અભિનંદન
મજકુર પુસત્ક મેળવવા ની પુરી કોશીશ કરીશ
અકબર અલી નરસી
વાહ દિલિપભઇ
વાહ એ સિવાય કાઇ કહેવુ નથિ
મોટાઓ નિ મોટાઇ જોઇ થાક્યો,નાનાઓ નિ મોટાઇ જોઇ જિવુ ચુ
અનદો! ભગવાનને શોધવાનેી જરુર નથેી.
સારુ પુસ્તક