સદભાવના અભિયાનની સાર્થકતા – કાન્તિ શાહ

[તાજેતરમાં મહુવા ખાતે યોજાયેલા ‘સદભાવના પર્વ’માં શ્રી કાન્તિભાઈ શાહે આપેલા બીજરૂપ વક્તવ્યને અહીં ‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યું છે. શ્રી કાન્તિભાઈને સાંભળવા તે એક લ્હાવો છે. તેમની સ્પષ્ટ વિચારધારા તેમના લેખોમાં પ્રગટ થતી રહે છે. સર્વોદય વિચારધારાના પથિક હોવા ઉપરાંત તેઓ દેશ-કાળ પ્રમાણે પ્રત્યેક ઘટનાને નવા દષ્ટિકોણથી જોતા રહે છે. ‘હિંદ સ્વરાજ : એક અધ્યયન’ સહિત તેમના અનેક પુસ્તકો વાચકોને વિચારતા કરી મૂકે છે. તેમનું પ્રસ્તુત વક્તવ્ય પણ એ અર્થમાં મનનીય છે. સદભાવના પર્વના અન્ય વક્તવ્યો પણ આપણે ટૂંક સમયમાં માણીશું. – તંત્રી, રીડગુજરાતી]

માણસ જેવા માણસના સમાજમાં સદભાવના માટે અભિયાન ઉપાડવું પડે, એ એક મોટી વિસંગતિ નથી શું ? માણસની માણસાઈ સામે તોહમતનામું નથી શું ? માણસ સામાજિક પ્રાણી કહેવાય છે. સદભાવના વિના સમાજ સંભવે જ શી રીતે ? વિનોબા કહે છે કે, જે સ્થાન શ્વાસનું માણસના દેહમાં છે, તે જ સ્થાન વિશ્વાસનું સમાજદેહમાં છે. વિશ્વાસ, પ્રેમ, સદભાવ વિના સમાજ રચાય જ નહીં.

[આદિ અણુઓમાં જ સદભાવનાની પ્રેરણા]

પીઅર ટિલહાર્ડ ઉત્ક્રાંતિના સંશોધન-વિજ્ઞાનના ક્ષેત્રે એક બહુ મોટું નામ. તેણે એક જબરો તર્ક રજૂ કર્યો છે કે આદિ અણુઓ વચ્ચે જો પરસ્પર આકર્ષણ, પ્રેમ, સહયોગ ન હોત, તો આ સૃષ્ટિ બનત જ શી રીતે ? ટિલહાર્ડ કહે છે : ‘આદિકાળથી જ આ જીવકોષો છૂટાછવાયા અને વેરવિખેર નહીં, પણ આરંભથી જ એકમેક સાથે જોડાવાની, અન્યોન્યાશ્રયની, સહજીવનની આંતરિક પ્રેરણાથી સંચાલિત હોવા જોઈએ. નહીં તો આ સૃષ્ટિ ઊભી જ કેવી રીતે થાત ? આદિ અણુ-પરમાણુઓમાંયે આવી કોઈક આંતરિક પ્રેરણા કામ કરતી હોવી જોઈએ. તેનાથી દોરવાઈને જ જગતના છૂટાછવાયા ભાગો એકમેકને ખોળતા ભેળા થયા અને આખું જગત ઊભું થયું. કોષો વચ્ચે સહજ રીતે અન્યોન્યાશ્રયી સહજીવન રચાયેલું હતું.’ માટે સંબંધથી જોડાવું, પ્રેમ-સદભાવનાથી જોડાવું, એ આપણા અસ્તિત્વની અનિવાર્ય શરત છે. આજે તો વિજ્ઞાન પણ કહે છે કે એકબીજાને ચાહો અથવા નાશ પામો. વિનોબાએ ફોર્મ્યુલા બનાવી છે :

વિજ્ઞાન + હિંસા = સર્વનાશ
વિજ્ઞાન + અહિંસા = સર્વોદય

ત્યારે સવાલ થાય છે કે પ્રેમ-સદભાવના જે માણસ માટે સ્વાભાવિક છે, તેને સારુ આટલી ઊઠવેઠ ! થવું તો એમ જોઈએ કે નાના બાળકને કહીએ કે બેટા, સાચું જ બોલવું, તો એ આપણી સામે મોઢું વકાસીને જોઈ રહેશે, અને પૂછશે કે એટલે શું ? જે હોય તે જ બોલાય ને ! જૂઠું એટલે શું, તેની એને ખબર જ નથી. એટલે કે માણસનો સમાજ એટલે જ પ્રેમ ને સદભાવનાથી જીવતો સમાજ, તેને માટે વળી આવું સદભાવનાનું અભિયાન શું કામ ચલાવવું પડે. આ તે કેવી વિસંગતિ ! પરંતુ ચલાવવું પડે છે કેમ કે આપણને ઢોલ પીટી-પીટીને કહેવામાં આવે છે કે માણસ સ્વાર્થી છે, લોભી છે, ઝઘડાળુ છે, સ્પર્ધક છે. આટલું જ નહીં, આનું રૂડું-રૂપાળું માનસશાસ્ત્ર ઊભું કરી દેવમાં આવ્યું છે ! અરે ‘સેલ્ફીશ જીન’ નામનું એક પુસ્તક છે. વિજ્ઞાનના નામે એક મોટું બવંડર ઊભું કરી દેવાયું છે.

[માનવતાવાદી માનસશાસ્ત્ર : સદભાવના સ્વભાવગત]

વિનોબા કહે છે કે આ માનસશાસ્ત્ર માનસિક રોગીઓના અભ્યાસના આધારે રચવામાં આવ્યું છે. ખરું જોતાં, નીરોગી, નિરામય, સ્વસ્થ માણસોના અભ્યાસમાંથી જ ખરું માનસશાસ્ત્ર રચાય. તમારે આરોગ્યનું શાસ્ત્ર રચવું હોય તો પંડિત સાતવળેકરજી પાસે જઈને શીખવું જોઈએ કે તમે 100 વરસનું સ્વસ્થ, નિરામય આયુષ્ય શી રીતે જીવી શક્યા. આ કામ માનસશાસ્ત્રના ક્ષેત્રે અનેક હ્યુમેનિટેરિયન (માનવતાવાદી) માનસશાસ્ત્રીઓએ કર્યું છે. એરિક ફ્રોમ, અબ્રાહમ માસ્લો વગેરે તેમાં અગ્રણી છે. માસ્લો તો છેવટે આનું એક નક્કર વૈજ્ઞાનિક પુસ્તક આપી ગયા છે ‘Farther Reaches of Human Nature’ (માનવસ્વભાવની ઊર્ધ્વ સંભાવનાઓ.) ધ્યાન રાખજો, further નથી કહેતા, farther કહે છે – આગળ જ નહીં, ઊર્ધ્વ ! ફ્રિટજોફ કાપ્રા પણ કહે છે : ‘સજીવ સૃષ્ટિમાં બધે જ પરસ્પરાવલંબી સહજીવન જોવા મળે છે. તેથી જીવનનું તે એક મુખ્ય લક્ષણ ગણી શકાય. એકમેક સાથે જોડાવું, પરસ્પરાવલંબન સાધવું, સહકાર રચવો, એ સજીવ ઘટકોની એક મૂળભૂત લાક્ષણિકતા છે….. માટે આ સૃષ્ટિમાં એકલું અટૂલું કશું નથી. સ્પર્ધા છે ખરી, પણ તે મોટે ભાગે સહકારના વ્યાપક સંદર્ભમાં રહીને ચાલે છે, કે જેથી ઉચ્ચ માળખાનું સંતુલન જળવાઈ રહે. કુદરતમાં કોઈનું વર્ચસ્વ નથી, કોઈના ઉપર બીજાનું આધિપત્ય નથી. તેમાં તો જાતજાતના અને ભાતભાતના આંતરસંબંધોનું અન્યોન્યાશ્રયી સુચારુ સુસંવાદી સંયોજન છે.’

સારાંશ કે, જેમ ‘મટિરિયાલિસ્ટિક ઈન્ટરપ્રીટેશન ઑફ હિસ્ટરી’ (ઈતિહાસનું ભૌતિકવાદી અર્થઘટન) હોય, તેમ ‘હ્યુમેનિસ્ટિક ઈન્ટરપ્રીટેશન ઑફ હિસ્ટરી’ (ઈતિહાસનું માનવતાવાદી અર્થઘટન) પણ હોય. અને તે મુજબ પ્રેમ ને સદભાવના માણસમાં સ્વભાવગત છે, તેનામાં પડેલી જ છે; માત્ર તેના ઉપર છવાઈ ગયેલી રાખ ઉડાડી નાખો એટલે તેની નીચેનો અગ્નિ પ્રજ્વલિત થઈ ઊઠશે. વિનોબાએ રાખ ઉડાડી નાખવાનું આવું આંદોલન લગાતાર બબ્બે દાયકા સુધી ચલાવ્યું. આપણા એક ઉચ્ચ કોટિના લોકસેવક બબલભાઈ (જેમની જન્મ-શતાબ્દી હમણાં આપણે ઊજવી) એમની આગવી કોઠાસૂઝથી આને લોકબોલીમાં ‘પ્રેમની ફૂંકણીનો જાદુ’ કહી ગયા. રાખ ઉડાડવા પ્રેમની ફૂંકણી જોઈએ.

[સવાલ એ છે કે રાખ કઈ રીતે ઉડાડવી]

માટે સૌથી પહેલી વાત એ કે આપણી સામેનો સવાલ એ નથી કે પ્રેમ ને સદભાવના કઈ રીતે જન્માવવી. સવાલ એ છે કે રાખ કઈ રીતે ઉડાડવી, પ્રેમ ને સદભાવનામાં વિક્ષેપ રૂપ થતી બાબતોને કેમ હટાવવી, તે આડખીલીઓ કેમ દૂર કરવી. આજે આમાં વિક્ષેપ રૂપ બની બેઠાં છે – ધર્મ, અર્થકારણ, રાજકારણ, વિકાસની અવિચારી આંધળી દોટ. ઝઘડો બે ધર્મો વચ્ચે થતો જ નથી, ઝઘડો થાય છે બે અધર્મો વચ્ચે. આજનું અર્થકારણ જ આજે ભારે મોટું અનર્થકારણ થઈ બેઠું છે. આજનું રાજકારણ તેના નામરૂપ લોકકારણને બદલે પેલેસનું, સામંતશાહીનું, ભૂખ્યા વરુઓનું રાજકારણ બની ગયું છે. આજનો કહેવાતો વિકાસ આજે વિકાસને બદલે ઠેરઠેર વિનાશ જ વિનાશ વેરી રહ્યો છે. આ બધું આજે માણસને સકંજામાં લઈને ભારે ગૂંગળાવી રહ્યું છે, માણસનું દૈવત હરી રહ્યું છે, માણસની માણસાઈને નિચોવી રહ્યું છે, પ્રેમ ને સદભાવનાનો કોળિયો કરી રહ્યું છે.

[આદિ ધર્મભાવના અને સંસ્થાગત ધર્મો]

આનો થોડોક વિગતે ઊંડાણથી વિચાર કરીએ. આજે ધર્મો ને સંપ્રદાયોનો કાયાકલ્પ કરવાની તાતી જરૂર છે. વિનોબાજીએ આ અંગે ઘણું સૂક્ષ્મ ને ગહન ચિંતન કર્યું છે. ધર્મ ને ધર્મભાવના આદિકાળથી માનવજાત સાથે સંકળાયેલી છે. માણસ સમજણો થયો ત્યારથી એમ વિચારતો રહ્યો છે કે હું આ દેહ માત્ર જ છું કે તેનાથી કાંઈક વિશેષ છું ? માત્ર ખાવું-પીવું જ કે પછી તે ઉપરાંત પણ કાંઈ છે ? બીજાને મદદરૂપ થવાનું, બીજાનું દુઃખ જોઈ તેને નિવારવા દોડી જવાનું મન મને કેમ થાય છે ? વળી, હું જે કાંઈ કરું છું, તે ઉચિત છે કે નહીં, એમ વિચારવાનું યે મને કેમ થયા કરે છે ? – આવું બધું આદિકાળથી માણસને થયા કર્યું છે, સ્વાભાવિક જ સહજ ભાવે થયા કર્યું છે. પશુથી ઉપર ઊઠેલા, પશુથી ઉત્ક્રાંત થયેલા માણસની આ જ તો વિશેષતા છે. ત્યારે આનું ‘ધર્મ’ એવું નામ ભલે ન પડ્યું, પણ આવી ધર્મભાવના આદિકાળથી માણસજાત સાથે જોડાયેલી છે. જેને આપણે ‘ધર્મ’ કહીએ છીએ, એવા સંસ્થાગત ધર્મની સ્થાપના તો ઘણા કાળ પછી થઈ, પણ આવી ધર્મભાવના, ધર્મ-પ્રેરણા પ્રારંભથી જ છે. પછી આજથી બે-અઢી હજાર વરસ પહેલાં દુનિયામાં ઠેર ઠેર સંસ્થાગત ધર્મની સ્થાપના થઈ. ત્યારે તો આજના જેવાં કોઈ સંદેશ કે વાહનવ્યવહારનાં સાધનો નહોતાં, લોકો એકબીજાથી અજાણ જ હતા, અને તેમ છતાં દુનિયા આખીમાં લગભગ એકસરખી ધર્મ-સ્થાપનાની પ્રેરણા થયેલી જોવા મળે છે. બુદ્ધ, મહાવીર, લાઓત્સે, કન્ફ્યુશિયસ, મૂસા, ઈશુ, જરથુસ્ટ્ર, મહમ્મદ બધાને જ આવી પ્રેરણા થઈ. પરિણામે જે સંસ્થાગત ધર્મો ઠેર ઠેર સ્થપાયા, તેમનું સ્વરૂપ, તેમની પેટર્ન લગભગ એકસરખી જોવા મળે છે. અમુક ગૂઢ અનુભવો, ઈશ્વર પ્રત્યેનો ભક્તિભાવ, ચિત્તશુદ્ધિ ને નીતિમત્તાનો વિચાર, સમાજના વ્યવહાર માટે ધારાધોરણો કે નીતિનિયમો, યમ-નિયમ-સંયમ-ઉપાસના-સદાચાર, સંત જનો દ્વારા ધર્મ-પ્રચાર ને પ્રસાર, વગેરે વગેરે.

[ધર્મો અને ધર્મગ્રંથોનું પ્રદાન]

આ રીતે પ્રારંભિક અસ્સલ શુદ્ધ ધર્મભાવનાને મળ્યું સંસ્થાકીય સ્વરૂપ અને તેની સાથોસાથ ધર્મગ્રંથો રચાયા. આપણે ભૂલવું ન જોઈએ કે જે-તે જમાનામાં આ બધા ધર્મો અને ધર્મગ્રંથોનું માણસના વિકાસમાં બહુ મોટું પ્રદાન રહ્યું છે. એમણે માણસને સ્વકેન્દ્રી, સુખાસીન, સ્વચ્છંદી થતાં રોક્યો છે તથા માણસને સંયમ ને પરોપકારના પાઠ ભણાવ્યા છે. માણસ સામે ઉત્તમોત્તમ ભોજન હજરાહજૂર હોય, પણ ધર્મ કહેશે કે આજે એકાદશી છે માટે ઉપવાસ કર, અથવા પહેલાં જઈને ભૂખ્યાંને ખવડાવ. વળી, કહેશે કે મૃત્યુએ તારી ચોટલી પકડી છે એમ માની ધર્માચરણ શીઘ્રાતિશીઘ્ર કરતો રહે. આ બધા ધર્મગ્રંથોએ દૈવી-આસુરી વચ્ચેના રૂપકથી માણસના અંતરમાં ચાલતી સદ અને અસદ વૃત્તિઓની લડાઈ વર્ણવી છે અને માણસને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપી છે. આમ, માણસના વિકાસમાં તેમ જ સમાજના ધારણપોષણમાં સંસ્થાકીય ધર્મો ને ધર્મગ્રંથોનું ઘણું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. સમાજને સ્વસ્થ ને સુનિયંત્રિત રાખવામાં બંધારણ, કાયદા-કાનૂન વગેરે કરતાં ધર્મનાં ધારા-ધોરણ પરંપરા, રૂઢિપ્રણાલિ વગેરેનો ફાળો બે મુઠ્ઠી વધુ જ રહ્યો છે.

[જમાનાનો તકાજો : ધર્મો ને ધર્મગ્રંથોથી ઉપર ઊઠો]

પરંતુ આજે હવે જમાનો બદલાયો છે. આજના જમાનાનો તકાજો છે કે સંસ્થાગત ધર્મો ને ધર્મગ્રંથોથી ઉપર ઊઠો. આજે ધર્મો ને ધર્મગ્રંથો જ કોયડારૂપ બની બેઠા છે. ધર્મોને નામે અનેક જુલમો, અનિષ્ટો, કુકર્મો આચરાયાં છે. ધર્મોને નામે ભેદ ને દ્વેષભાવના ફેલાઈ છે. ધર્મની સાથે રાજસત્તા જોડાવાથી ધર્મોનો આત્મા ક્ષીણ થયો છે. ધર્મ મંદિર-મસ્જિદ-ચર્ચમાં કેદ થઈ ગયો છે. ‘નિયરર ધ ચર્ચ, ફરધર ફ્રોમ ગૉડ’ (ચર્ચની જેટલા નજીક, એટલા ઈશ્વરથી દૂર), એમ પણ કહેવાયું છે. ધર્મ મહંત-મુલ્લા-પાદરીના સકંજામાં જકડાઈ ગયો છે. બજારમાં ધર્મને બદલે ધર્મમાં બજાર પેસી ગયું છે. સાચી ધર્મભાવના લુપ્ત થતી જાય છે. ધર્મના નામે તાંત્રિક આચારો ને ક્રિયાકલાપો રૂઢ થઈ ગયા છે. પરિણામે, ધર્મ હવે વહેતું ઝરણું નથી રહ્યું, બંધિયાર ખાબોચિયું બની ગયું છે. વળી, માનવજાત હવે કાંઈ છૂટીછવાયી ને વેરવિખેર નથી રહી, એકદમ એકબીજાની નિકટ આવી ગઈ છે. અગાઉ પોતપોતાના વૉટર ટાઈટ કમ્પાર્ટમેન્ટમાં હોવાથી વિવિધતા નડતી નહોતી, આંખો લડતી નહોતી. આજે તો હવે આપણે એકબીજાની નિકટ, અતિ નિકટ આવી ગયા છીએ. નિકટ આવીએ, ત્યારે કાં તો પ્રેમ કરીએ કાં ઝઘડો કરીએ. સાથે રહેતાં ન શીખીએ તો લડી મરીએ.

માટે પ્રેમ ને સદભાવથી સાથે રહેતાં શીખીએ. નિકટનો પરિચય કેળવીએ. એકબીજાના ધર્મોનો ને ધર્મગ્રંથોનો અભ્યાસ કરીએ. તો જ ગેરસમજો ને ગ્રંથિઓ દૂર થશે અને પતીજ પડશે કે બધા ધર્મો ને ગ્રંથો એકબીજાના વિરોધી નહીં, એકબીજાની પુષ્ટિ કે પૂર્તિ કરે તેવા છે. બધામાં મૂળ તત્વ એક જ છે. દરેકની કેટલીક ખૂબીઓ ને ખાસિયતો પણ છે. તેનાથી લાભ જ છે, ગેરલાભ નહીં. એકબીજા પાસેથી શીખાય, આદાનપ્રદાન થાય, એકબીજાનું સારું અપનાવી લેવાય. આમ કરવાથી આપણે પોતાનું કશું ગુમાવીશું નહીં, ઊલટાના વધુ સમૃદ્ધ થઈશું. મારા બગીચામાં ફૂલ-છોડ, ફળઝાડ વગેરે છે. મેં બીજે કેટલાંક સરસ છોડ ને ઝાડ જોયાં. તો તેના રોપા લાવીને મારા બગીચામાં રોપ્યા. આનાથી મારો બગીચો વધુ સમૃદ્ધ જ થયો ને !

[સાર-સાર લો, અસાર છોડો]

આ માટે બધા ધર્મગ્રંથોનો સાર ગ્રહણ કરવો પડશે. વિનોબાજીએ વિવેકપૂર્વક ચયન કરીને આવા સાર આપણી સમક્ષ મૂક્યા છે. એમને એક વાર તો થયું કે હવે આજના જમાનામાં આ બધા ગ્રંથો સમૂળગા છોડી જ દીધા હોય તો ? બસ, એક માનવધર્મ. પણ પછી થયું કે એમ કરવાથી હું પોતે તો અળગો થઈ વ્યક્તિગત મુક્તિ મેળવી લઈશ, પણ આ ગ્રંથો પર આસ્થા રાખનારા કરોડો લોકોનું શું ? એમનાં મન-હૃદય-બુદ્ધિ પર આ બધા ગ્રંથોનો ઘણો સત્પ્રભાવ છે. હજારો વરસોથી એમની આ શ્રદ્ધા ઘૂંટાતી આવી છે. ત્યારે આ સંચિતને એકદમ વેડફી ન નખાય. તોડવું સહેલું છે, નિર્માણ કરવું અઘરું છે. માટે આ બધા ગ્રંથોમાંથી સાર-સાર લઈ લો, અસાર છોડી દો. પરંતુ આમ કરવામાં એક મોટી દ્વિધા ઊભી થાય છે. આ બધું તો ઈશ્વરદત્ત જ્ઞાન કહેવાય છે. અનુભવી દ્રષ્ટા સાક્ષાત્કારી પુરુષોને સમાધિ-અવસ્થામાં તે મળ્યું છે. તેમાં તે વળી અસાર હોય ?

આ વસ્તુ બરાબર સમજી લેવા જેવી છે. ગમે તેવા દેહધારી મહાપુરુષને જે ઈશ્વરી અનુભૂતિ થાય છે, તે અંશાનુભૂતિ જ છે. ઈશ્વરની પૂર્ણ અનુભૂતિ તો દેહધારી માટે સંભવ નથી. વળી, એમને મૂળમાં જે દર્શન થાય છે, તે સમાધિ-અવસ્થામાં થાય છે, પરંતુ તે અનુસાર પછી જે ધર્મ-પ્રસાર થયો હોય છે, તે માનવના સ્તરે માનવીય અવસ્થામાં થયો હોય છે. પરિણામે, તેમાં અવાંતર અસરો, ન્યૂનતા વગેરે માટે અવકાશ રહે છે. સ્થળ-કાળ-પરિસ્થિતિની અસર પણ થઈ હોય. વળી, આપણને જે મળ્યું છે તે સીધું અલ્લાહ પાસેથી નહીં, પયગમ્બર મારફત મળ્યું છે. પયગમ્બર મારફત અલ્લાહનો પયગામ-સંદેશો આપણને મળ્યો છે. અને તે પણ છાપકામ-ટેપ-ટીવી વગરના જમાનામાં, શ્રુતિ અને સ્મૃતિ પરથી. અહીં આપણે પહેલા બેઠેલાને કાનમાં સંદેશો કહીએ અને તે બીજાને, ત્રીજાને કરતાં છેલ્લા માણસ સુધી પહોંચે, ત્યારે મૂળ સંદેશો છેલ્લે કેવા સ્વરૂપમાં પહોંચે છે, તેનો બરાબર ખ્યાલ આવશે. ઉમાશંકરનું એક સરસ બાળકાવ્ય છે. મૂળ પયગામ કયો હતો ? – ત્રણ વાર ન્હાય, એક વાર ખાય. છેલ્લે પહોંચ્યો ત્યારે શું થઈ ગયો ? – એક વાર ન્હાય, ત્રણ વાર ખાય ! હમણાં ‘પરબ’માં આનો મર્મ સમજાવતાં રતિલાલ બોરીસાગરે લખ્યું છે કે મનુષ્યની ચેતના પરમચેતના સાથે એકરૂપ થાય છે, ત્યારે પરમશુદ્ધ હોય છે. પણ પછી દેહભાવ ને જીવભાવને કારણે અશુદ્ધ થતી રહે છે. નાહવું એટલે આત્મશુદ્ધિ ત્રણ વાર કરવાને બદલે ત્રણ વાર ખાવું એટલે કે ભોગવિલાસમાં ઘસડાઈ જાય છે.

ટૂંકમાં, આ બધા ધર્મગ્રંથોમાં અસાર-અસાર કશું હોય જ નહીં, એવો કટ્ટર સનાતની ભાવ હવે આજના જમાનામાં નહીં ચાલે. આ બધામાંથી સાર-સાર ગ્રહણ કરી લઈને તેનો સમન્વય જ કરવો પડશે. સમન્વય માટે બરડતા નહીં, સુંવાળપ જોઈશે. ફરી ઉમાશંકરને યાદ કરીએ તો…

વેહ પડ્યે થઈ વાંસળી, પણ વસમી એની તરડ;
હૈયું સાર્યું ગુંજશે, પણ મા થાજો બરડ

વૃંદાવનવાસીની વાંસળી થવું હશે, તો બરડ થવું નહીં પાલવે, હવે તો બધા જ ધર્મોએ –

સ્પર્શું જગતને જ્યાં જ્યાં,
ત્યાંથી સુગંધ હું ગ્રહું.

-આની ટેવ પાડવી પડશે. સર્વ સુગંધોના, સર્વ સૌંદર્યોના સમુચ્ચય રૂપે પાંગરશે – માનવધર્મ. આ બધા ધર્મોમાંથી ઈશ્વરની અનુભૂતિનો જે અંશ છે, નીતિ-વિચારનો જે અંશ છે, ગૂઢ આધ્યાત્મિક અનુભવો છે, સંતપુરુષોની કથાઓ છે – આ બધો માનવજાતનો મઝિયારો વારસો છે. આ અમૂલ્ય વારસો સચવાઈ રહે, તેનું આદાનપ્રદાન થાય, સહુને માટે તે ઉપલબ્ધ થાય. આમાંથી જ પાંગરશે, માનવધર્મ.

[ધર્મની સ્થાપના તો હવે થશે]

વિનોબા કહે છે કે ખરું જોતાં, ધર્મની સ્થાપના હજી થઈ જ નથી; ધર્મની સ્થાપના તો હવે વિજ્ઞાનયુગમાં થશે. હજી સુધી તો જુદા જુદા પંથ માત્ર, ફેઈસ માત્ર થયા છે, થોડીક શ્રદ્ધારૂપી પાયો નખાયો છે, તેના ઉપર ધર્મનું મકાન ઊભું કરવાનું તો હજી બાકી છે. ધર્મની દિશામાં બાળકની પા-પા પગલી માત્ર થઈ છે. અત્યાર સુધીના પંથો બધા મુખ્યત્વે શ્રદ્ધા ને માનસિક ભૂમિકા ઉપર આધારિત છે. ક્યારેક ભય ને પ્રલોભન બતાવીનેય શ્રદ્ધા ઊભી કરાઈ છે. એટલે હવે વિજ્ઞાનની નક્કર ભૂમિકા ઉપર વિચાર રૂપી કાતરથી આમાંનું જેટલું કપાઈ જાય, તેટલું બે કોડીનું હતું એમ માની છોડી દેવું. ઊલટી કાપવા જતાં કાતર તૂટી જાય તેટલું હવે કામનું. બાળક શરૂમાં માતાપિતા ઉપર શ્રદ્ધા રાખીને ચાલશે. ‘જો, બેટા ! ચાંદામામા !’ પણ પછી ? પુખ્ત થતાં માતાપિતાની વાતને પણ બુદ્ધિની કસોટીએ કસી જોશે. તેને એમનેમ સ્વીકારી લેવાનો ઈન્કાર કરશે. માટે હવે વિજ્ઞાન ને આત્મજ્ઞાન – બેઉ પાંખે ઊડીને માણસ સાચા માનવધર્મની સ્થાપના કરશે. આજના યુગનો ધર્મ કેવો હશે ? તેમાં સત્ય-અહિંસા-નીતિવિચાર વગેરે તો ખરાં જ, ઉપરાંત આજના જમાનાની ખાસ જરૂરિયાતની પણ પૂર્તિ થશે.

[આજના યુગનો ધર્મ]

સામ્ય, સમતા, આત્મૌપમ્ય એ આજના ધર્મનું ધ્રુપદ હશે. સામ્યયોગ એ આજનો યુગધર્મ છે. કોઈ પણ જાતના ભેદ તેને માન્ય નથી. તેને માણસ-માણસ વચ્ચેની વિષમતા, અસ્પૃશ્યતા વગેરે હરગિજ ન ખપે. ખરું જોતાં, ધર્મના નામે માણસ પ્રત્યે આવો ઘોર અન્યાય અત્યાર સુધી થતો રહ્યો, એ જ ન માનવામાં આવે એવી વાત છે. અસ્પૃશ્યતા વગેરે તો ધર્મનો મૃત્યુલેખ છે. આવી જડતા ! આવી જ આર્થિક વિષમતા પણ. આજનો ધર્મ તેના ઉપર મૂળે પ્રહાર કરશે. આમ જોવા જઈએ તો સંસ્થાગત ધર્મોમાં પણ વ્યવહાર શુદ્ધિની વાત હતી. દા..ત, ઈસ્લામમાં વ્યાજને વર્જ્ય માનવામાં આવેલું. વેદમાં યે ‘અન્નં બહુ કુર્વિત’ – જેવી અર્થશુચિની વાત કહેવાયેલી. પરંતુ તેમાંનું મોટા ભાગનું પોથીમાં રહ્યું, તેનો અમલ ઓછો થયો. આપણા જમાનામાં વિવેકાનંદે દરિદ્રનારાયણની વાત મૂકી. ગાંધીજીએ તેને ઘણી આગળ ચલાવી. ઉપરાંત, એમને વ્યવહારમાં સમાજધર્મની વાત ખૂબ ઘૂંટી. અર્થશુચિ વિના ધર્મનું આચરણ સંભવ નથી. એટલું જ નહીં, ગાંધીજીએ કુવિચારનો પ્રતિકાર કરવો, તેને પણ ધર્મ માન્યો. એમના અસહકારનાં આંદોલનો પાછળ ધર્મનું તેજ હતું. એ બધું આજના યુગધર્મની વાત લઈને ચાલ્યું.

આમ, આજના યુગનો ધર્મ કલ્યાણ-અકલ્યાણ પ્રવૃત્તિ અંગે સ્પષ્ટ ભૂમિકા લેતો ધર્મ હશે તથા આત્મોન્નતિ, વ્યવહારશુદ્ધિ, ચિત્તશુદ્ધિ, જીવનશુદ્ધિ, સમાજશુદ્ધિ – બધું જ આવરી લેતો હોલિસ્ટિક ધર્મ હશે. આજના યુગનો ધર્મ હરિભાવનાથી ભાવિત માનવસેવામાં ખૂંપી જનારો ધર્મ હશે. તે માણસે બનાવેલી મંદિરની મૂર્તિ કરતાં ભગવાને બનાવેલી આ બધી માનવમૂર્તિઓની પૂજા કરનારો ધર્મ હશે. ઉમાશંકરે કહ્યું છે ને –

‘પ્રભો ! આ પ્રેમની પૂંજી, ધરું છું આપને પદે !’
‘વહેંચ એ સર્વ જીવોમાં, વધે તો અહીં લાવજે.’

[આ વિશ્વને ઈશ્વરનું મંદિર બનાવવું છે]

આજે હવે આપણે આ વિશ્વને ઈશ્વરનું મંદિર બનાવવું છે. હવે ધર્મમાં કર્મ-વિમુખતા કે પરલોકવાદિતા હરગિજ નહીં હોય. ‘ઈશ્વર છે કે નહીં’ – એવા ચર્ચા-વિવાદ વૃથા છે. આપણી સામે દશ્ય સ્વરૂપમાં ઈશ્વરમય આ વિશ્વ છે, તેને જોવાનું છે. ‘ઈશાવાસ્યં ઈદં સર્વમ્’. એકનાથ કહે છે, ‘સાકર દિસે, પર ગોડી ન દિસે’ – સાકર આપણી સામે છે, તે દેખાય છે, પણ તેની મીઠાશ દેખાતી નથી. જો કે તે ચખાય છે, અનુભવાય છે. ઈશ્વરનું પણ તેવું જ છે. પિંડે-બ્રહ્માંડે ન્યાયે પિંડમાં આત્માની અનુભૂતિ કરી શકાય છે, તેના પરથી બ્રહ્માંડમાં પરમાત્માનું અનુમાન થાય છે, અને અંતર્યામીને જન-જનાર્દનમાં જોઈ શકાય છે. પ્રકાશને અળગો રાખીને સૂરજ કેમ જોવાય ? જળને અળગું રાખીને નદી કેમ જોવાય ? વિશ્વને અળગું રાખીને ઈશ્વર કેમ જોવાય ? કવિવર રવીન્દ્રનાથે ગાયું છે – ‘રૂપસાગરમાં ડૂબકી દઉં છું, અરૂપ રતન મેળવવા.’ વિનોબા બહુ મસ્તીથી ગાતા –

આંખ ન મુંદૌં, કાન ન રૂંધૌં, ખૂલે નૈન પહિચાનોં
હંસિ હંસિ સુંદર રૂપ નિહારૌં

વિશ્વને ઈશ્વરનું મંદિર બનાવીએ અને તેનાં આ બહુવિધ રૂપ નિહાળીએ, એની ઉપાસના કરીએ. આ આજના યુગનો ધર્મ છે.

[હવે વિજ્ઞાનને ધર્મમય, નીતિમય બનાવવું છે]

આજના યુગના ધર્મએ બીજું એક મોટું કામ કરવાનું છે. આજે વિજ્ઞાનયુગ છે. પરંતુ એ માનવમાત્ર માટે, સચરાચર સૃષ્ટિ માટે સર્વથા કલ્યાણકારી બને તે માટે વિજ્ઞાનને ધર્મમય બનાવવાનું છે. આજે તો વિજ્ઞાનની બેહદ વિકૃતિ થઈ ગઈ છે અને વિજ્ઞાન સ્થાપિત હિતોના હાથમાં વેચાઈ ગયું છે. તેમાંથી વિજ્ઞાનને છોડાવવાનંઞ છે, વિજ્ઞાનને નીતિમય બનાવવાનું છે, ધર્મમય બનાવવાનું છે અને પછી એ વિજ્ઞાન સાથે સમન્વય સાધવાનો છે.

ગીતામાં કહ્યું છે, ‘ન હિ જ્ઞાનેન સદશં પવિત્રમિહ વિદ્યતે’ – જ્ઞાન જેવું પવિત્ર બીજું કાંઈ નથી. આ આત્મજ્ઞાન ને વિજ્ઞાન, બેઉને લાગુ પડે છે. બંને પવિત્ર છે. આત્મજ્ઞાન માણસને અંદરથી પવિત્ર કરે છે, જ્યારે વિજ્ઞાન માણસને બહારથી પવિત્ર કરે છે. આ બેઉના સમન્વયથી આ પૃથ્વી પર સ્વર્ગ અવતારવાનું છે. આવા આત્મજ્ઞાન અને વિજ્ઞાનના સમન્વયના નવા યુગ ભણી આપણે આગળ વધી રહ્યા છીએ. આત્મજ્ઞાન ને વિજ્ઞાનની બેઉ પાંખે માણસ વિહરશે. વિજ્ઞાન છે પગ, આત્મજ્ઞાન છે આંખ. આંખ ન હોય, તો ક્યાંય ખાડામાં જઈને પડાય, પગ ન હોય તો ત્યાંના ત્યાં બેઠા રહેવું પડે. વિજ્ઞાન ગતિ આપે છે, આત્મજ્ઞાન દિશા સૂચવે છે. મોટરકારમાં એક હોય છે એક્સીલેટર (ગતિવર્ધક) અને બીજું હોય છે સ્ટીયરિંગ વ્હીલ (દિશા નક્કી કરનાર). બંને એટલાં જ અનિવાર્ય છે. માટે આજે હવે ધર્મનો આવો કાયાકલ્પ કરવાનો છે. જમાનાની આ તાતી માંગ છે. આવો ધર્મ જ પ્રેમ અને સદભાવનામાં આડખીલી રૂપ નહીં બને, બલ્કે પોષક ને પ્રેરક બની રહેશે. માટે સદભાવના અભિયાનનું પણ અંતિમ લક્ષ્ય આ જ છે – આજના ધર્મોનો ધરમૂળથી કાયાકલ્પ કરીને નૂતન માનવધર્મ વિકસાવવો.

[માણસાઈને નિચોવી નાખી સદભાવનાનો કોળિયો કરી રહેલ આજની વ્યવસ્થા !]

જેમ ધર્મનો તેમ આજની આર્થિક-રાજકીય વ્યવસ્થાનોય કાયાકલ્પ કરવાની તાતી જરૂર છે. તેના વિના સમાજમાં સદભાવના એક સપનું માત્ર બની રહેશે. આજની રાજ્યવ્યવસ્થામાં, પક્ષાપક્ષીના આજના રાજકારણમાં સદભાવના તો દૂર રહી સામાન્ય સૌજન્યભર્યા વ્યવહારનીયે આશા નથી રાખી શકાતી ! અને આર્થિક ક્ષેત્રે તો જાણે સદભાવનાની ઘોર ખોદાય છે. આમ પ્રજાની જમીનો છીનવી લો, કામધંધા છીનવી લો, મુક્તિ છીનવી લો. દેશ ઉપર જાણે કોઈ વિદેશી આક્રમણ ન આવ્યું હોય ! પોતાની જ સરકારનું પોતાની જ પ્રજા ઉપર નિર્મમ આક્રમણ ! અને આજે તો ચારેકોર વિકાસનો ભૂવો ધૂણે છે. તેણે વિકાસનું અફીણ ઘોળી-ઘોળીને પીધું છે અને પાયું છે. એક વાર નારો હતો – ‘ગરીબી હટાવો !’ આજે જાણે નારો છે – ‘ગરીબોને હટાવો !’ ગરીબો જ નહીં રહે, તો ગરીબી ક્યાંથી ? ન રહેગા બાંસ, ન બજેગી બાંસૂરી ! આશીષ નંદીએ હમણાં કહેલું કે દેશના ભદ્ર વર્ગની આજની માનસિકતા એવી છે કે આપણે દોડવું છે, અમેરિકાને આંબી જવું છે, ઝટઝટ મહાસત્તા બની જવું છે, પણ તેમાં આ ગરીબો, વંચિતો પગમાં બેડીરૂપ બની બેઠા છે. આ ભદ્ર વર્ગમાં ધનિકો છે, મધ્યમ વર્ગમાંથી ઉમેરાયેલા નવધનિકો છે, પગાર પંચોથી કાયમ પોષાતો રહેતો બાબુવર્ગ છે, પશ્ચિમની આરતી ઉતારતા બુદ્ધિજીવો છે. બધા જ બસ, વિકાસના નામે એક આંધળી દોટમાં પડેલા છે.

વિકાસની આ આંધળી ખૂંખાર દોટ આજે સમાજને વીંખી-પીંખી નાખી રહી છે, સમાજમાં ઊભી તિરાડ પાડી રહી છે, સમાજને બે દુનિયામાં વહેંચી નાખી રહી છે. બંને વચ્ચે – આટલાન્ટિક, અતલ એવો મહાસાગર ઘૂઘવી રહ્યો છે. દેશનું બંધારણ હવે જાણે નવું ઘડવું પડશે, નવું લખવું પડશે. ‘વી, ધ પીપલ ઑફ ઈન્ડિયા’ (અમે, ભારતના આમ પ્રજાજનો) નહીં, ‘વી, ધ પ્રીવિલેજ્ડ ઑફ ઈન્ડિયા’ (અમે, ભારતના વિશેષાધિકાર પ્રાપ્ત વિશિષ્ટ જનો), એમ કહેવું પડે. નારાયણભાઈ કહે છે તેમ ‘ફાવી ગયેલા’ અને ‘રહી ગયેલા’ ! ગરીબી જેટલી ગોઝારી છે, તેના કરતાં વિષમતા વધુ ગોઝારી, વધુ અભદ્ર ને વધુ બિભત્સ છે. ગરીબી એ સમાજમાન્ય, સમાજસંમત હિંસા છે, નરી હિંસા. આ હિંસા આજની વ્યવસ્થામાં ઈન-બિલ્ટ છે, અંતર્ગત વણાયેલી છે.

[આજના સમાજનું બિભત્સ ઠઠ્ઠાચિત્ર !]

શું આને વિકાસ કહેવાય ? આને ગ્રોથ કહો, વૃદ્ધિ કહો. પણ વૃદ્ધિ વિકાસ નથી. અને આ વૃદ્ધિ પણ કૅન્સરની વૃદ્ધિ છે, સમાજનાં અન્ય અંગોને ચૂસીને આ કૅન્સર વધી ને વધી રહ્યું છે, વૃદ્ધિ પામી રહ્યું છે. આ તો કેરીકેચર છે, ભયાનક વ્યંગચિત્ર છે. હાથપગ દોરડી ને પેટ ગાગરડી ! સમાજના હાથપગની આજે શી હાલત છે ! આ તો બિભત્સ ઠઠાચિત્ર છે, સ્વસ્થ નિરામય સમાજ નહીં. સમાજ તો કેવો હોય ? તુકા મ્હણે, આમ્હીં એકા દેહાચે અવયવ – તુકારામ કહે છે, આપણે એક જ દેહના અવયવો જેવા છીએ. કાંટો પગને વાગે છે, આંસુ આંખમાં આવે છે, કાંટો કાઢવા હાથ દોડી જાય છે. જીવંત ધબકતો સમાજ તો આવો હોય. ક્યારેક અકસ્માતમાં અંગને ઈજા પહોંચે છે, પ્લાસ્ટર લગાવવામાં આવે છે, ત્યારે તે ફરી સાજું થયું કે નહીં તે જાણવા ડૉક્ટર સોય કે ટાંકણી ભોંકે છે, અને પૂછે છે, કાંઈ થાય છે ? તમે કહો કે હા, ટાંકણી ભોંકાઈ, તો કહે કે અંગ સાજું થઈ ગયું, નહીં તો હજીયે બહેરું છે. આવી સંવેદના એ જેમ જીવંત શરીરની નિશાની છે, તેમ પરસ્પરની સંવેદના ને સમભાવ એ જીવંત સમાજની નિશાની છે. આજના વિકાસની ભૂતાવળે સમાજની આવી સંવેદનાને બુઠ્ઠી બનાવી દીધી છે, બધિર બનાવી દીધી છે. વરસો પહેલાં ઈવાન ઈલિચે લેખ લખેલો – ‘વિક્ટિમ્સ ઑફ ડેવલપમેન્ટ’ (વિકાસના શિકાર). આજે સમાજ વિકાસની ભ્રાંતિનો શિકાર બન્યો છે. વિકાસના આ નવા સંપ્રદાયે જેટલા માનવબલિ લીધા છે, તેટલા આ અગાઉ બીજા કોઈ ધર્મ કે સંપ્રદાયે નથી લીધા. કોઈએ આને ‘મોડર્ન કેનિબાલિઝમ’ – આધુનિક માનવભક્ષિતા કહી છે. આ નરી સંવેદનહીનતા છે, માણસ જેવા માણસની ઘોર ઉપેક્ષા છે. પેલા બુશે રિયો વિશ્વ પરિષદમાં કહી દીધેલું કે ‘અવર લાઈફસ્ટાઈલ ઈઝ નોટ નેગોશિએબલ’ – અમારી અમેરિકન જીવનશૈલીમાં અમે કોઈ મીનમેખ કરીશું નહીં, તે તમારી ચર્ચાનો વિષય જ નથી. આજે આપણા દેશનો ભદ્ર વર્ગ પણ બુશનો બીજો અવતાર બની આવું જ કહી રહ્યો છે ! અમને દોડવા દો, અમને અમારી રીતે જીવવા દો, મહાલવા દો, અમને બીજા કશાની પડી નથી.

[જુએ તે રુએ – સળગ્યા કરે રૂંવે રૂંવે !]

મિત્રો ! આ બધું જેમનું તેમ ચાલતું રહે, અને છતાં સમાજમાં સદભાવના સ્થપાય ? સદભાવના સ્થાપવી હોય, તો આ બધું તત્કાળ ધરમૂળથી બદલવું પડે. તેના વિના તો આવા સદભાવના પર્વ માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા બની રહે, આપણને આત્મરતિમાં રાચતા રાખે. પરંતુ આ બધું બદલવા માટે સૌથી પહેલાં તો આ દેખાવું જોઈએ, આને વિશે સભાનતા જોઈએ. આપણા ઉમાશંકર માત્ર છ પંક્તિમાં આ કહી ગયા છે –

જુએ તે રુએ, ભાઈ જુએ તે રુએ
…………. એની આંખલડી અમથી ચૂએ
ઉઘાડી આંખે જેને જરીકે ન સૂઝે
…………. સુખિયો એ રાત દિન સૂએ
દેખે તેને તો જોવો ખેલ ખલકનો, ને
………… સળગ્યા કરવું રૂંવે રૂંવે !

[સદભાવના અભિયાનનો આ જ મુદ્રાલેખ હો !]

છેલ્લે ફરી ટિલહાર્ડને યાદ કરીએ – ‘દરેકે દરેક માણસને સાથે લેવાનો છે. આખીયે માનવજાતને સાથે લેવાની છે. માત્ર પોતાના સ્વાર્થનો જ વિચાર કરવો, એ કુદરતના નિયમોથીયે વિરુદ્ધ છે. વૃક્ષની માત્ર કોઈ એક શાખા આખા વૃક્ષનો રસ પોતે એકલી ચૂસી લે, એવું બને નહીં. વૃક્ષ જીવે તો આખું જીવે, વૃક્ષ ફૂલે તો આખું ફૂલે-ફાલે. પોતાની બધી જ શાખા-પ્રશાખા સાથે અને પોતાના બધા જ પર્ણસમૂહ સાથે વૃક્ષે સૂર્ય તરફ અભિમુખ થવાનું છે. એકબીજા સાથે પ્રેમથી જોડાઈને જ આપણે આપણી પોતાનીયે પૂર્ણતા સાધી શકીશું. પ્રેમ એ જીવનનું મૂળભૂત તત્વ છે.’ આને મેં સર્વોદયનો મુદ્રાલેખ માન્યો છે. સદભાવના અભિયાનનો પણ આ જ મુદ્રાલેખ હો !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “સદભાવના અભિયાનની સાર્થકતા – કાન્તિ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.