કોની એ અમાનત ? – ડૉ. પ્રફુલ્લ દેસાઈ

[ ‘જલારામદીપ’ સામાયિક ‘વસંત વિશેષાંક-માર્ચ-2011’માંથી સાભાર.]

પિયૂષની વાતથી મને નવાઈ લાગી.
સવારના પહોરમાં આવીને એણે કહ્યું હતું, ‘ઉત્પલ, મારે આજે જ સ્ટેટ્સ જવું પડશે !’
હું કંઈ પૂછું, તે પહેલાં જ એ બોલી ગયો, ‘જો કોઈ સવાલ મને કરતો નહીં, હું જે કહું તે બરાબર સાંભળી લે. હું પાછો આવું ત્યાં સુધી મારી આ અમાનત તારે સાચવવાની છે….’ કહેતાં એણે એક નાનકડી બૅગ મારી સામે મૂકી.

‘આ શું છે ? શાની સોંપણી કરે છે તું ? ને ક્યાં…..?’
‘તું, યાર, સવાલ બહુ કરે છે ! જો, મારે ઉતાવળ છે, હમણાં હું પ્લેનમાં મુંબઈ જાઉં છું ને રાતે સ્ટેટ્સ….’
‘ને પેલીનું શું ?’
‘અહીં….. જયશ્રીની પરવાનગી તો મેં લઈ લીધી છે… એને વાંધો નથી.’
‘વાંધો નથી ? મૂરખી છે ને સાવ…’
એ હસી પડ્યો : ‘આઈ નો, તું અકળાઈ જાય છે ત્યારે આમ જ….’
‘અકળાવાની વાત કરે છે ? અરે, તું કહે તો હમણાં તમારાં ઘડિયાં લગન કરાવી દઉં ! પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાવને ! કોને પડી છે ?’
‘જાણું છું ! જાણું છું ! કમ ડાઉન…. લગન પણ થશે….’
‘પિયૂ…. મૅરેજ ઈઝ એ સિરિયસ મૅટર….’
‘યસ…અફકોર્સ….. બટ સમ મૅટર્સ આર મૉર અરજન્ટ…..’
‘યુ આર ઈમ્પોસિબલ….પિયૂ !’

પિયૂષ પહેલેથી જ મનમોજી. મારે જ સાચવવો પડે હંમેશ. એને કેમ સમજાવું કે યાર, તારાં મૅરેજની તારીખ નક્કી થઈ ગઈ છે, ઈન્વીટેશન કાર્ડ્ઝ છપાવાં ગયાં છે ને…. દરવાજા પાસે પહોંચીને એ મારા તરફ ફર્યો.
‘હાં… મને ખબર છે… તું બૅગ ખોલીને પણ નહીં જુએ… પણ તારી જાણ માટે કહી દઉં કે એમાં પૂરા દસ લાખ કૅશ છે !’
‘હેય….સાલા, તારો ઈરાદો મને ફસાવવાનો તો નથી ને ?’
એ હસ્યો : ‘રેસ્ટ એસ્યોર્ડ એ નકલી નોટો નથી. મારા પસીનાની કમાઈ છે… આયમ સ્યૉર… તું એને બરાબર સાચવશે !’ એની વાત ખોટી તો હોય જ નહીં. ખોટા ધંધા એ કરે નહીં ને મને એમાં સંડોવે નહીં… તો પછી ?
‘હું જાણું છું. તું એમાંથી એક પૈસો પણ તારે માટે વાપરશે નહીં… પણ જરૂર પડ્યે તું એમાંથી વાપરી શકે છે… હું હિસાબ નહીં માંગું !’
‘પિયૂ…. શા માટે મજાક કરે છે ?’
‘નો…નો… આયમ સિરિયસ… હું જાઉં છું…. ધેટ્સ ઑલ….’ એ મારી સામે તાકી રહ્યો હતો. એની નજરના ભાવ મારાથી પકડાયા નહીં. અચાનક એ મારા તરફ ધસ્યોને મને ભેટી પડ્યો. એની આંખો ભીની હતી. હું જોઈ શકું-પૂછી શકું, તે પહેલાં તો એ ઉતાવળે ભાગ્યો. ‘પિયૂ….?’ હતાશાથી મેં બૂમ પાડી. હંમેશ એના પર મારી હકૂમત ચાલતી. આજે ચાલી નહીં. હંમેશ એ મારી વાત સ્વીકારતો. આજે એણે મને ગણકાર્યો નહીં. એના પરનો મારો અધિકાર એ એક જ એવી બાબત હતી, જેનો મને ગર્વ હતો, બાકી તો એની અને મારી સરખામણી થાય તેવું કંઈ જ નહોતું. એ દેખાવડો હતો, વધારે ભણેલો હતો, અમીર હતો, દિલદાર હતો. ને હું ? હા, એટલું ખરું કે મેં એની પાસેથી ક્યારેય કશું માગ્યું નહોતું, કોઈ અપેક્ષા રાખી નહોતી, ઉલટું હું તો હંમેશા એને કંઈ ને કંઈ આપવામાં માનતો. મને જયશ્રીની યાદ આવી. એ બિચારી તો……

મારી નજર બૅગ પર પડી. દરવાજો ખુલ્લો હતો ને બૅગમાં… મેં દરવાજા બહાર શેરીમાં નજર ફેરવી. કશું અસામાન્ય નહોતું. હા, પિયૂષની કાર તો ચાલી ગઈ હતી. મેં ઉતાવળે દરવાજો બંધ કર્યો. પણ બૅગમાં ખરેખર…. પૈસા હશે ? પિયૂષ ખોટું તો ન બોલે. ખોલીને જોવા મેં બૅગને હાથમાં લીધી પણ બારીઓ તો ખુલ્લી હતી. કોઈપણ બહારથી જોઈ શકે ! બાપ રે ! આને હું સાચવીશ કેવી રીતે ? બારી બંધ કરી દઉં ? પણ ધોળે દિવસે ? બૅગ લઈ હું સડસડાટ ઉપર બેડરૂમમાં ગયો. ત્યાંની બારી બંધ કરી. ધ્રૂજતા હાથે બૅગ ખોલી. પિયૂ સાચું જ કહેતો હતો. પણ દસ લાખ ? એક સામટી પંદર હજારથી વધુની નોટો મેં કદી જોઈ નહોતી. પગારની રકમ ગણતાં હાથ ધ્રૂજતા નહીં. એ મારા પસીનાની કમાઈના રહેતા ને ? પણ આ તો અધધધ…. પાછા પિયૂના પસીનાની કમાઈના ! શું કરું એનું ? ક્યાં મૂકું ?

ઘરમાં રાખી શકું નહીં. બૅંકમાં મૂકી શકું નહીં….. નહીં તો આઈ.ટી.વાળા…. પણ મારા લૉકરમાં ? હા, ત્યાં હું મૂકી શકું-મારી બાનાં ઘરેણાં સાથે…. ઓ પિયૂ….. આ પળોજણ મને ક્યાં વળગાડી તેં ? શું ઈન્કમટેક્ષની રેઈડ પડી હશે એની ઑફિસમાં ? લાવ, ફોન કરું….. પણ ખરેખર એવી રેઈડ પડી હોય તો આઈ.ટી.વાળા તરત જ મારા ફોનનું પગેરું કાઢતાં મારે ઘરે આવી જાય…ને…. હું પગથી માથા સુધી ધ્રૂજવા લાગ્યો. હું ઊભો થયો. જલદીથી લૉકરમાં આને મૂકી દેવી જોઈએ. હું ઝટપટ તૈયાર થયો. લૉકરની ચાવી લીધી. બૅગમાંની બધી રકમ મારી ટ્રાવેલર્સ-બૅગમાં મૂકી, ઉપર ટુવાલ દાબ્યો. ખભે ભેરવી, ઉતાવળે ઘર બંધ કરતાં શેરીમાં પાછી નજર ફેરવી અને સ્કૂટર પર સવાર થયો ને….
લૉકરમાં રકમ મૂકતાં મેં મારી બાના આશીર્વાદ માગ્યા. બહાર નીકળી મેં ઊંડો શ્વાસ લીધો અને મને જયશ્રી સાંભરી. ઑફિસે જવાનું માંડીવાળી મેં સ્કૂટર જયશ્રીના ઘર તરફ લીધું.

ઘરમાં દાખલ થતાં જોયું તો જયશ્રી ઑફિસ જવા તૈયાર થતી હતી. મને જોઈ નવાઈથી બોલી,
‘તું ? ઑફિસ નથી ગયો ?’
મને હતું કે એને છાની રાખવા મારે કેટકેટલા વાનાં કરવાં પડશે.
‘તને ખબર છે, પેલો સ્ટેટ્સ જવા…..?’
‘પિયૂષ ને ? હા, મને કહીને તો ગયો છે !’
જયશ્રીની મમ્મી પાણી લઈને આવી, ‘આવ્યો, ભાઈ ! હવે તમે બન્ને……’
‘મમ્મી….?’ જયશ્રી એકદમ એવી રીતે બોલી કે જાણે તે મમ્મીને ચૂપ કરવા માંગતી હોય !
‘પણ તેં એને જવા કેમ દીધો ? પંદર દિવસમાં તો તમારાં મૅરેજ છે ને…..’
‘શાંત થા. શાંત થા, ઉત્પલ… બધું તને કહીશ…. પણ અત્યારે તો ઑફિસ….’
‘પણ તેં તો રજા લીધી હતી ને ?’
‘ના…. નથી લીધી…..’ શાંતિથી એ બોલી ને બીજી તરફ જોવા લાગી.
‘શું થયું છે, જયશ્રી ? તમે બન્ને ઝઘડ્યાં છો ?’
એણે ડોકું ધુણાવ્યું.
‘તો પછી ? તું….તું… આમ ચૂપ ન બેસ… મને જણાવ… એવું કંઈપણ હશે તો હું એની ધૂળ ખંખેરી નાંખીશ.’
‘એવું કશું નથી, ઉત્પલ ! તું ઉશ્કેરાઈ ન જા…. એણે તને કંઈ કહ્યું હશે ને ?’
‘અરે…. મને કંઈ કહ્યું હોય તો હું તને પૂછું શું કામ ? ઉલટું એ તો…..’ દસલાખની વાત જયશ્રીને કહું ? ના…હું અટકી ગયો.
એણે મારી સામે જોયું, ‘ઉલટું….શું ?’
‘કંઈ નહીં….. ઉલટાનો એ મને ગૂંચવી ગયો… મૅરેજની તૈયારી મારે….’
‘ના….ના…. મૅરેજ તો હાલમાં… નહીં જ !’
‘એ જ તો મને સમજાતું નથી !’

એણે કશો જવાબ વાળ્યો નહીં ને ઑફિસે જવા નીકળી ગઈ. દુઃખી કે નારાજ તો એ મને લાગી નહીં. એની મમ્મી તો બસ, મારી પાસેથી એ જાણવા ઉત્સુક લાગી કે પિયૂષે મને શું કહ્યું હતું ?… પિયૂષે શું કહ્યું હતું મને ? કશું જ નહીં. એક મોટી રકમ સંભાળવા એણે મને આપી હતી. એટલું જ…..પણ એ વાત મા-દીકરીને કહેવાની જરૂર મને લાગી નહીં. એ પિયૂષની અમાનત હતી – મારા વિશ્વાસે સોંપી હતી. બસ, એટલું જ.

દિવસો સુધી પિયૂષનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. એનો મોબાઈલ લાગતો નહોતો. એનો નંબર જ કેન્સલ થયો હતો. એના ઑફિસ બિલ્ડીંગમાં તપાસ કરી પણ એની ઑફિસ આખી મુંબઈ શિફટ થઈ ગઈ હતી ને તેનું એડ્રેસ કોઈને ખબર નહોતું. જયશ્રીને સતત પૂછતો રહ્યો પણ એની પાસે પણ કોઈ માહિતી નહોતી. જયશ્રી જરૂર કંઈ છુપાવતી હતી…. પણ શું ? આ દુનિયામાં કોણ હતું મારું ? મા તો છેક નાનપણમાં જ ગુજરી ગઈ હતી. દૂરના કાકાએ મને સંભાળ્યો હતો ને મરતી વખતે માનાં ઘરેણાં આપી ગયા હતા. મિત્ર હતો તે આમ ગુમ થઈ ગયો અને જયશ્રી….?

દોઢેક મહિના પછી જયશ્રીનો ફોન આવ્યો : ‘ઉત્પલ….’ ગદગદ અવાજે તેણે કહ્યું, ‘મમ્મીને હૉસ્પિટલમાં દાખલ કરી છે….. તું આવે છે ?’
આવે છે….એટલે ? બધું છોડીને એની પાસે દોડી જવાનું જ હોય ને ? જયશ્રીને પણ એની મમ્મી સિવાય કોણ હતું બીજું ? પેલો તો…
મને જોતાં જ દોડીને એ મને વળગી પડી.
‘ઉત્પલ…. મમ્મીને કૅન્સર છે….. આંતરડાનું !’
એને શાંત કરતાં ખાસ્સી વાર લાગી. હૉસ્પિટલમાં એવાં દશ્યો તો સામાન્ય ગણાય. કોઈને કુતૂહલ થાય નહીં. ઉલટાની સહાનુભૂતિ મળે ! પાસે બેસાડી બધું પૂછી લીધું. ઠપકો પણ આપ્યો કે કેમ વાત ન કરી. ડૉક્ટરને મળીને જાણવા જેવું બધું જાણી લીધું. નાનાં આંતરડામાં કૅન્સર હતું. તાત્કાલિક સર્જરીની જરૂર હતી. એ પછી પણ કેમોથૅરપિ-રેડિયેશનની જરૂર પડી શકે. હૉસ્પિટલમાં પંદરેક દિવસ રાખવા પડે. સૌથી મહત્વની વાત ખર્ચાની હતી. કુલ પાંચેક લાખ કે કદાચ વધારે પણ થાય.

ત્યાં જ બધા સવાલ જવાબ અટકી જતા હતા.
મમ્મીનો મૅડિક્લેઈમ તો હતો નહીં. જયશ્રીની કે મારી બચત મળી કદાચ સાંઠેક હજાર થાય. ઑફિસમાંથી લોન લઉં તો બીજા લાખેક મળે. બાનાં ઘરેણાં કાઢી નાખું તો કદાચ બીજા પચાસ-સાઠ હજાર….. જયશ્રી એની ઑફિસમાંથી લોન લે, તેની ખિલાફ હું હતો. એ મારી મદદ લેવા તૈયાર નહોતી. એની મમ્મીને તો ઑપરેશન જ કરાવવું નહોતું. એ અમને બન્નેને માન્ય નહોતું. હું મનમાં બળાપો કરતો હતો કે આખરે આ બધી જવાબદારી તો પેલા ભાગેડુની જ હતી ને ? પણ ક્યાં હતો એ ?
હા, એણે સોંપેલા દસ લાખ જરૂર હતા મારી પાસે ! પણ એ તો એની જ અમાનત હતી ! હું-અમે કેવી રીતે વાપરીએ એને ? જયશ્રી તો એ જાણતી પણ નહોતી. પણ…. એક રીતે તો જયશ્રી પણ પિયૂષની જ અમાનત હતી ને ? એની મુશ્કેલીમાં પિયૂષના પૈસા વપરાય, એમાં ખોટું શું હતું ? હું ક્યાં મારે માટે એ વાપરવાનો હતો ? એ દગાખોર હતો – હું નહીં ! જો કે તકલીફ એટલી જ હતી કે જયશ્રી પ્રત્યે મારી જે ફરજ હતી, તેનો છેદ એ રીતે ઊડી જતો હતો ! મારું અભિમાન ઘવાતું હતું. આખરે મેં ડૉક્ટરને બેધડક ઑપરેશનની તૈયારી કરવાનું કહી દીધું અને લૉકરમાંથી જોઈતી રકમ ઉપાડી લાવ્યો.

ઑપરેશનના પૈસા ભરાઈ ગયા છે, જાણી જયશ્રી ચોંકી. સ્વાભાવિક રીતે એ મને સવાલો પૂછે. જવાબો મેં તૈયાર રાખ્યા હતા પણ તેને સંતોષ થવાનો નહોતો. એને માટે બીજો વિકલ્પ પણ નહોતો. મમ્મીનું ઑપરેશન અનિવાર્ય હતું. એને કંઈ મરવા ન દેવાય, હું તો એ માટે જાતે વેચાઈ જવા પણ તૈયાર હતો. ઑપરેશન થિયેટરમાં જતાં પહેલાં મમ્મીએ મારો હાથ પકડી લીધો :
‘ઉત્પલ…બેટા… હું જીવું કે મરું… મને વચન આપ કે તું જયશ્રી સાથે પરણશે.’
‘મમ્મી, ફિકર ન કરો…. તમને કશું થવાનું નથી…. ને પેલા ગધેડાને તો હું ગમે ત્યાંથી શોધી લાવીશ ને…’
‘બેટા… તું ખોટી આશા રાખી રહ્યો છે… એ આવવાનો નથી…..’
‘નહીં કેમ આવે ? એને તો હું પાતાળમાંથી પણ…..’
માથું ઢાળી બેઠેલી જયશ્રી તરફ જોઈ એની મમ્મી બોલી, ‘એ તને કંઈ કહી નથી ગયો પણ જયશ્રીને તો કહી જ ગયો હતો ! તમે બન્ને એકબીજાને ચાહતાં હો – એ જાણ્યા પછી એ થોડો તમારી વચ્ચે આવવાનો હતો ? એને ખાતરી હતી કે તું કદી જયશ્રી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય… એટલે એણે….’

પળ એકમાં જ મારા હૃદયમાં હાહાકાર મચી ગયો.
હું ફરી એકવાર પિયૂષથી હારી ગયો હતો.
મમ્મીએ જયશ્રીનો હાથ મારા હાથમાં મૂકતાં કહ્યું : ‘બેટા ! તું મારી દીકરીને નહીં સ્વીકારે તો મને મરતી વખતે પણ શાંતિ નહીં મળે !’
સાચું કહું તો હવે જયશ્રીને ફરી ગુમાવવાનું સાહસ મારામાં બચ્યું નહોતું. ઘૂંટડો જેમ તેમ ગળતાં મેં કહ્યું : ‘ચિંતા ન કરો, મમ્મી ! હું પેલા જેવો દગાખોર નથી !’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

34 thoughts on “કોની એ અમાનત ? – ડૉ. પ્રફુલ્લ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.