બે મીઠા બોલ – સંકલિત

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

[1] વાત તારી, મારી અને રીનાની – દીના વચ્છરાજાની

‘હેપ્પી બર્થડે મમા !’
‘હેપ્પી બર્થડે રીની !’ના પ્રેમભર્યા ઉદગાર વચ્ચે રીનીની ઊંઘ ઊડી. એને યાદ આવ્યું, અરે ! આજે તો મારો પચાસમો જન્મદિન ! જિંદગીનો એક મહત્વનો પડાવ અને સામે હતાં એ પડાવના સાથી એવાં પુત્ર-પુત્રી અને અસીમ એનો પતિ.

‘મમ્મી, બી પ્રીપેડ ફોર અ બ્લાસ્ટ – સવારના તારા પ્રિય સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટમાં બ્રંચ. પછી તને ગમતું ગુજરાતી નાટક જોઈ દરિયાકિનારે લટાર અને છેલ્લે ગાર્ડન રેસ્ટોરાંમાં ડિનર. બોલ, છે ને મસ્ત પ્લાન !’ દીકરી ટહુકી. રીનાનું મન લાગણીથી ભીનું-ભીનું થઈ ગયું. પછીનો અડધો કલાક તૈયાર થવાની ધમાચકડી મચી, ત્યાં તો અસીમનો ફોન રણક્યો…. અરજન્ટ બિઝનેસ મિટિંગ માટે એને તરત જવું જ પડે એમ હતું, પણ પેટમાં બોલતાં કુરકુરિયાનું શું ? રીનાએ જલદી-જલદી છોકરાઓને ભાવતા બટેટાપૌંઆ અને અસીમને ભાવતો શીરો બનાવી નાખ્યાં…. બાકીની સવાર કામવાળી બાઈ પાસે કામ લેવામાં અને અભિનંદનના ફોન લેવામાં એવી તો પસાર થઈ ગઈ કે આરામથી નાહવાનો કે સરસ તૈયાર થવાનો ટાઈમ પણ ન રહ્યો. બધાં તો તૈયાર થઈ ગયાં, પણ અસીમ ક્યાં ? નાટકના શોનો ટાઈમ થઈ ગયો હતો, ત્યાં તો અસીમ ભાગતો ભાગતો આવ્યો. નાટકનો ટાઈમ તો વીતી ગયો હતો, પણ રીનાનો બર્થડે એમ કોરો થોડો જવા દેવાય ? બધાંએ ઘણા વખતથી જોવાનું બાકી હતું એવું અંગ્રેજી પિક્ચર જોવાનું નક્કી કર્યું. રીનાને અંગ્રેજી સંવાદો તો પૂરા ન સમજાય, પણ સ્ટોરી સારી હતી એટલે કંટાળો ન આવ્યો. એક કલાકારના પ્રેમ અને સંઘર્ષથી તરબોળ વાર્તા હતી.

રીનાને યાદ આવ્યું, ક્યારેક પોતે પણ એક કલાકાર કહેવાતી હતી ! નૃત્ય જ એનું સર્વસ્વ હતું. લગ્ન પછી થોડો વખત એના ડાન્સ શોઝ-કલાસીસ વગેરે ચાલુ હતા, પણ દીકરીના જન્મ પછી તો બધું તદ્દન જ બદલાઈ ગયું. સાસુ-સસરા-અસીમ આમ તો આધુનિક હતાં, રીનાની પ્રવૃત્તિઓનું તો તેઓ અભિમાન કરતાં, પણ એ પ્રવૃત્તિઓ-ઘર-દીકરીનું ધ્યાન રાખવાનું આમ ત્રિવિધ તાપે રીના શેકાય એ કોઈને ન ગમતું ! ઘરમાં ડાન્સિંગ કલાસ ચલાવે તો જગ્યા ઓછી પડે. ઉપરાંત સસરાને તકલીફ પડે. બહાર શો આપવા જાય તો દીકરીની ચિંતા રીનાને રહે અને મોડું-વહેલું થાય તો રીનાની ચિંતા ઘરનાએ કરવી પડતી. આખરે ઘરના સર્વએ તોડ કાઢ્યો કે કંઈક પ્રવૃત્તિ ચાલુ રાખવા રીનાએ ઘરમાં જ હિન્દી-મરાઠીનાં ટ્યૂશન્સ લેવાં. આમ તો ઘરનાં બધાં ખૂબ સમજુ હતાં એટલે એ પ્રવૃત્તિ ચાલુ રહી અને એ બદલ રીના પણ સર્વને આભારી રહી.

પછી તો પતિ એની પ્રગતિ, પુત્ર-પુત્રી, એમની પ્રવૃત્તિઓ, સાસુ-સસરાની સેવામાં સમય સરકતો ગયો અને આજે પચાસમે વર્ષે એનો કલાકાર જીવ ઝબક્યો. અચાનક રીનાના હૃદયમાં એક ન સમજાય એવો ચચરાટ થવા માંડ્યો. ત્યાં તો….
‘મમ્મી, સૂઈ ગઈ કે શું ?’ પુત્રે એને ઝંઝોડી
‘ઈંગ્લિશ પિકચરમાં રસ ન પડ્યોને ?’ પતિએ પૂછ્યું. એ કંઈ જવાબ આપે એ પહેલાં પતિના બે મિત્રો એમનાં કુટુંબ સાથે ભટકાઈ પડ્યાં. રીનાનો બર્થ-ડે છે જાણી બધાં ઊછળી જ પડ્યાં. પાર્ટી-પાર્ટીના પોકારથી વાતાવરણ ગજવી મૂક્યું. આટલા બધા સાથે રેસ્ટોરન્ટનું બિલ કેટલું આવશે ? આ ખ્યાલથી રીના ધ્રૂજી ઊઠી. પતિ તો ખર્ચી નાખે, પોતે ના પાડે તો કંજૂસનું બિરુદ પણ આપી દે, પણ પોતાના બર્થ-ડે નિમિત્તે એટલા પૈસા થોડા ખર્ચાય ? ના ! ના ! એના કરતાં પૂરી-શાક ફ્રૂટસલાડ ઘરે જ બનાવી નાખું અને એ બોલી ઊઠી, ‘છોકરાઓને ભણવાનું છે અને મારે બહારનું ખાવું નથી, આપણે ઘેર જ પાર્ટી મનાવીએ.’

રાતના બારના ટકોરે મહેમાનોની વિદાય પછી વાસણો અને વાસણોની વચમાં ક્યાંથી કામ શરૂ કરુંની દ્વિધામાં રીના અટવાયેલી હતી ત્યાં…. ‘મમ્મી, હાશ ! મારા પ્રોજેક્ટનું કામ પત્યું અને યસ, તને આજનું છેલ્લી વારનું હેપ્પી હેપ્પી બર્થડે…..’ કહી ગળે વળગતી દીકરીએ એના મોઢામાં એને અતિપ્રિય એવી ડાર્ક ચૉકલેટનો ટુકડો મૂકી દીધો. રીનાની આંખો આંસુથી છલકાઈ ઊઠી…..

કાશ ! આંસુની પણ કોઈ લિપિ હોત ! એ લિપિની ભાષા, તમે – હું કે પછી ખુદ રીના ઉકેલી શકીએ ખરાં ? જો એમ બને તો સમાજે રચેલ અને સ્ત્રીઓએ સ્વીકારેલ કોશેટામાંથી આપણે જરૂર બહાર આવીએ અને પતંગિયાની હળવાશ અને મુક્ત જીવનના રંગોનો અનુભવ કરી શકીએ.
.

[2] કદરદાનની કમાલ – અનુ. સોનલ પરીખ

લેરી અને જૉ-ઍન. બંને પતિ-પત્ની. એક સામાન્ય યુગલ. સાધારણ વિસ્તારમાં સાધારણ ઘરમાં તેઓ રહે. બીજાં સામાન્ય દંપતીઓની જેમ બે છેડા ભેગા કરવા મથે અને બાળકોને સારા સંસ્કાર આપી ઉછેરે. અકળાય ત્યારે ઝઘડે. પોતાના લગ્નજીવનમાં શું ખોટું છે તેની ચર્ચા કરે અને એકબીજા પર દોષનો ટોપલો ઓઢાડે. તેમના આ અતિસામાન્ય જીવનમાં એક પ્રસંગ એવો બન્યો કે બધું બદલાઈ ગયું.

એક દિવસ લેરી બોલ્યો : ‘તું જાણે છે જૉ-ઍન, મારું ખાનું જાદુઈ પેટી જેવું છે. હું જ્યારે ખોલું ત્યારે તેમાં મોજાં અને હાથરૂમાલ તૈયાર હોય. વર્ષોથી આ કામ તેં કર્યું છે તે માટે મારે તારો આભાર માનવો છે.’ જૉ-ઍન પતિને પગથી માથા સુધી જોઈ રહી ને બોલી :
‘તને શું થયું છે ? લેરી, તારે કંઈ જોઈએ છે કે શું ?’
‘કંઈ નથી થયું. કંઈ નથી જોઈતું. હું તો મારા જાદુઈ ખાનાનાં બસ વખાણ કરી રહ્યો છું.’
આવું લેરી ક્યારેય કરતો નહીં. તેને એક વિચિત્ર ઘટના ગણી જૉ-ઍને મગજમાંથી કાઢી નાખી.

વળી થોડા દિવસ થયા અને લેરીએ કહ્યું : ‘ઍની, આ મહિનાના લેજરમાં બધા ચેક નંબર સાચા નોંધવા માટે આભાર. તેં 16 ચેક નોંધ્યા છે તેમાંથી 15 સાચા છે. આ તો તેં વિક્રમ સ્થાપ્યો.’ જૉ-ઍન માટે આ બીજો આંચકો હતો. માની ન શકતી હોય તેમ લેરી તરફ જોઈ તે બોલી :
‘લૅરી, તારી તો હંમેશની ફરિયાદ હોય છે કે હું ચૅકના નંબર નોંધવામાં ભૂલ કરું છું – આજે આ પ્રશંસા કેમ ?’
‘એનું કોઈ કારણ નથી. મને થયું કે તું કેટલી મહેનત કરે છે, તેની જરા કદર કરું.’ આ વખતે જૉ-ઍન વિચારમાં પડી ગઈ. લેરીને શું થયું છે તે વિચારે ઘણા દિવસ સુધી તેનો કેડો ન મૂક્યો. ત્યાર પછી તે જ્યારે કંઈ પણ ખરીદવા ગઈ, ચેકના નંબર નોંધવાનું કામ રસપૂર્વક કરવા લાગી. તેને પોતાને પણ નવાઈ લાગી કે હંમેશનું આ નીરસ ને અક્કલ વગરનું લાગતું કામ કરવામાં તેને આનંદ શા માટે મળે છે ?

હજી આ ઘટના ભુલાય તે પહેલાં લેરીએ નવો આંચકો આપ્યો : ‘જૉ-ઍન, આજે ખાવાનું ખૂબ સ્વાદિષ્ટ બન્યું હતું. તારા પરિશ્રમ માટે મને માન થાય છે. છેલ્લાં પંદર વર્ષમાં તેં મારાં અને બાળકો માટે ઓછામાં ઓછું 14,000 વાર રાંધ્યું હશે, ખરું ને ?’
જૉ-ઍનને ખરેખર ચિંતા થઈ. આ પ્રશંસા છે કે પછી ટીકા કે કટાક્ષ ? પણ આશ્ચર્ય અને આઘાતની પરંપરા ચાલુ રહી. ‘જૉ-ઍન, વાહ. ઘર એટલું સ્વચ્છ અને વ્યવસ્થિત છે. તેને આવું રાખવા માટે તારે કેટલી મહેનત કરવી પડતી હશે, નહીં ?’ અને આ ઓછું હોય તેમ, ‘ઍની, તું આસપાસ હોય છે તો મને ખૂબ સારું લાગે છે. તારો સાથ હું ખૂબ માણું છું.’

જૉ-ઍન એવી ગભરાઈ ગઈ કે વાત ન પૂછો. તેમાં વળી તરુણ પુત્રીએ એક દિવસ આવીને જૉની ચિંતા અને ડરમાં વધારો કર્યો : ‘મોમ, ડૅડને શું થઈ ગયું છે ? મને કહ્યા કરે છે કે હું સારી છું, સુંદર દેખાઉં છું. મારા જે મેકઅપ અને કપડાંને ‘વિચિત્ર’, ‘નકામા’ કહી તેની ટીકા કરતાં તેની જ પ્રશંસા કરે છે. ડૅડીને કંઈક થઈ ગયું છે. તેઓ આવા ક્યારેય નહોતા.’ પણ લેરીને આની પરવા નહોતી. દિવસો પસાર થતા ગયા તેમ તે વધુ ને વધુ હકારાત્મક બનતો ગયો. પછી એક દિવસ તો તેણે ધડાકો જ કર્યો :
‘ઍની, હું ઈચ્છું છું કે તું થોડો આરામ લે. હું આજે રાંધીશ અને સફાઈ પણ કરીશ. ચાલ હાથ ધોઈ લે અને રસોડાની બહાર જતી રહે.’ ક્યાંય સુધી તો જૉ-ઍન કંઈ બોલી જ ન શકી. છેવટે ભરાયેલા ગળે તે એટલું જ બોલી શકી, ‘થેન્ક યૂ લેરી, થેન્ક યૂ વેરી વેરી મચ.’ જૉ-ઍનને આવો વિરામ કદી મળ્યો નહોતો. તે થોડી હળવી થઈ. તેનો આત્મવિશ્વાસ વધ્યો અને તે ભુલાયેલું એક ગીત ગણગણવા લાગી. આ રીતે લેરી એને ક્યારેક વિરામ આપી દેતો. હવે જૉ-ઍનનો મિજાજ જે વારે વારે છટકતો તે ઠંડો પડ્યો. છેવટે તેણે સ્વીકાર્યું કે લેરીમાં થયેલો ફેરફાર તેને ગમ્યો હતો, ખૂબ ગમ્યો હતો.

કહાણીનો અહીં અંત આવત, પણ એક દિવસ આ બધાને ટપી જાય એવો એક અત્યંત અસાધારણ બનાવ બન્યો. આ વખતે આંચકો આપવાનો વારો જૉ-ઍનનો હતો.
‘લેરી’ તેણે કહ્યું, ‘તેં આટલાં વર્ષ મહેનત કરી ઘરને માટે કમાણી કરી અને અમને આટલાં વર્ષ સંભાળ્યાં તે માટે હું તારી ખૂબ ઋણી છું. મને તારા માટે કેટલો ગર્વ છે એ મેં તને આટલાં વર્ષમાં કદી કહ્યું નથી.’ લેરી જે કંઈ કરતો હતો તે પોતાના મનની શાંતિ ખાતર. કોઈ બદલાની આશા તેમાં હતી નહીં. જૉ-ઍનના આ શબ્દો ગળે ઉતારવા એને પણ અઘરા પડ્યા. તેણે માન્યું કે જીવન રહસ્યમય છે. જો કે એમનું આ પરિવર્તન પણ એમાંનું જ એક રહસ્ય છે, પણ આ જૉ-ઍન કેવી મજાની છે – તેની સાથે જીવવાનું કેટલું સુખદ છે…..

આ જૉ-ઍન એ બીજું કોઈ નહીં – હું જ છું.

(જૉ-ઍન લાર્સન ડેઝર્ટ ન્યૂઝ ‘મોતીની માળા’ ‘ચિકનસૂપ ફૉર સૉલ.’)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

32 thoughts on “બે મીઠા બોલ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.