કેસૂડાં – સંકલિત

[1] જાડા કપડાં – પ્રો. ડૉ. ધર્મેન્દ્ર મ. માસ્તર

કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહાન વિદ્વાન અને રાજા સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળના ગુરુ હતા. પોતે સાધુ હોવાથી તે વિવિધ સ્થળોએ ફરતા ને લોકોને ધર્મનો ઉપદેશ આપતા. રાજાના ગુરુ હોવાથી એમનો સમગ્ર રાજ્યમાં ઘણો આદર હતો અને ઠેર ઠેર તેમને ભાવભીનો આવકાર મળતો હતો.

એકવાર સૌરાષ્ટ્રમાં એક ગામમાં તેમનું સ્વાગત ગોઠવાયું હતું ને પ્રજાજનો તેમને જાતજાતની ચીજો ભેટ રૂપે આપી રહ્યા હતા. તેમાં એક ગરીબ ખેડૂત પોતાના ભક્તિભાવથી તેમને ભેટ આપવા માટે એક કપડું લઈ આવેલો એ ભેટ તરીકે આચાર્યશ્રીને આપીને તેણે કહ્યું, ‘મહારાજ ! મારી આ ગરીબની નાનીશી ભેટ સ્વીકારો : આપને માટે ખાસ સૂતર કાંતીને આ કપડું તૈયાર કરેલું છે તે આપને ભેટમાં આપવા ઈચ્છું છું.’ આચાર્યશ્રી એ ખેડૂતની ભેટનું એ જાડું ને ખરબચડું કપડું જોયુંને વિચારમાં પડી ગયા. પણ બીજી જ પળે તેમણે પહેરેલું, રાજ્ય તરફથી મળેલું, મુલાયમ રેશમી વસ્ત્ર બાજુએ મૂકી દઈને ખેડૂતનું ખરબચડું જાડું વસ્ત્ર અંગીકાર કરી લીધું અને આખા પરિભ્રમણ દરમ્યાન એ પહેરેલું જ રાખીને રાજધાની પાટણમાં પાછા ફર્યા.

એ વખતે રાજા કુમારપાળ એમના સ્વાગત માટે દોડી આવ્યા અને એમને પગે પડીને બોલ્યા :
‘મહારાજ, તમે મારા અપમાનરૂપ આ ખરબચડું વસ્ત્ર શા માટે પહેર્યું છે; એ ઉતારી નાખો, શું ગુજરાતના રાજાને ત્યાં અમૂલ્ય રેશમી વસ્ત્રની ખોટ છે ને શું તે ભિખારી થઈ ગયો છે કે તમે આવાં જાડાં ખરબચડાં વસ્ત્ર પહેરીને ફરો છો ?’
એ સાંભળીને હેમચંદ્રાચાર્ય બોલ્યા : ‘મહારાજ, તમને આ જાડાં કપડાં અપમાનરૂપ લાગતાં હોય તો એક નહિ પણ લાખો અપમાન લાગવાં જોઈએ, કેમકે તમારા ઘણા પ્રજાજનો આવાં જ વસ્ત્રો પહેરે છે. એમને આવાં ખરબચડાં જાડાં વસ્ત્રોને બદલે સુંદર, શોભતાં વસ્ત્રો પહેરાવવાની તમારી ફરજ છે. તેમના રાજા તરીકે ફરજ તમે અદા કરો. એ બધાં જ્યારે સુંદર કપડાં પહેરશે ત્યારે જ તમારું અપમાન ટળશે અને જ્યાં સુધી એ નહિ બને ત્યાં સુધી હું આ જાડાં કપડાં જ પહેર્યા કરીશ.’ આચાર્યશ્રીની આવી પ્રજાવત્સલ ઉમદા લાગણી જોઈને રાજા કુમારપાળ આનંદ પામી નતમસ્તક થઈ ગયા. અને તરત જ આચાર્યશ્રીની ઈચ્છા મુજબ પ્રજાજનોને ઉમદા વસ્ત્રો પહોંચાડ્યાં. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)

[2] મરમ ગહરા – સં. રાજુ દવે

એક ફકીર બંદગી કરી મસ્જિદમાંથી બહાર આવ્યા. એક હૃષ્ટપુષ્ટ માણસ ભિક્ષા માગતો હતો. ફકીરે તેને કહ્યું : ‘તું નીરોગી છે, સ્વસ્થ છે તો પછી આમ ભિક્ષા માગતાં શરમ નથી આવતી ? કંઈ કામકાજ કર, ધંધો કર. ફકીરની વાત સાંભળી ભિક્ષુકે કંઈ જવાબ ન વાળ્યો.

રાત્રે ફકીરને સ્વપ્ન આવ્યું. તેણે જોયું કે એક સજાવેલ થાળ તેની પાસે પડ્યો છે, થાળ ઉપર કપડું ઢાંક્યું છે અને કપડાં નીચેથી અવાજ આવે છે, ‘મારું ભક્ષણ કર, મને ખા.’ ફકીરે કપડું હટાવ્યું તો તેમાં પેલા ભિક્ષુકનું મસ્તક હતું. ફકીરે કહ્યું, ‘હું માંસ નથી ખાતો.’ એટલે પેલા મસ્તકે કહ્યું, ‘શું વાત કરે છે ? આજે સવારે તો તેં મારો વધ કર્યો, ભૂલી ગયો ?’ આ સાંભળતાં ફકીરની આંખ ખૂલી ગઈ, સ્વપ્ન તૂટ્યું. તે તરત ઊભો થયો, મસ્જિદમાં, આસપાસ બધે પેલા ભિક્ષુકને શોધ્યો. તે ક્યાંય જડ્યો નહીં. સવાર પડી, ફરી ભિક્ષુકને શોધતો તે નદીકિનારે આવી પહોંચ્યો. તેણે જોયું કે પેલો ભિક્ષુક નવું ઊગેલ ઘાસ તોડી, તેને નદીના પાણીમાં ધોઈને ખાઈ રહ્યો હતો. ફકીરે નજીક જઈ તેની ક્ષમા માગી. ભિક્ષુક કહે, ‘કદી નક્કી નહીં કરતો કે કોણ યોગ્ય કરે છે ને કોણ અયોગ્ય કરે છે. ખુદાતાલાએ બધાને કેમ જીવવું તે નક્કી કરીને જ મોકલ્યા છે. આજ પછી કદી ન્યાયાધીશ બનવા પ્રયત્ન નહીં કરતો. જા… અલ્લાહે તારો ગુનો માફ કર્યો છે.’ (‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.)

[3] આ છે સાચા ભારતની ઓળખ – યશવન્ત મહેતા

અમારા એક લેખક મિત્રની અખબારી કૉલમનું શીર્ષક હતું ‘એ જોઈને મારી આંખ ઠરી’ જીવનની ધન્યતાનો અનુભવ કરાવનારા પ્રસંગો એમાં નોંધાતા. એમને અમે પૂછ્યું કે ક્યા પ્રસંગે તમને ધન્યતાનો સૌથી વિશેષ અનુભવ કરાવ્યો ? એમણે કહ્યું કે એક ઝૂંપડપટ્ટીમાં એકબીજાના હાથ પકડીને કૂંડાળે વળીને મોજથી ગીત ગાતાં બાળકો જોઈને મારી આંખ સૌથી વિશેષ ઠરી. એક નગરની શાળાની મુલાકાત વેળા આ લખનારને કાંઈક આવો જ પ્રશ્ન કરવામાં આવેલો : ‘તમને જે જોઈને સૌથી વધુ પ્રસન્નતા થઈ હોય એની વાત કરો. જવાબમાં મેં જણાવેલું કે જ્યારે જ્યારે હું મેલાંઘેલાં લૂગડાં પહેરેલાં, ઉઘાડપગાં, જીંથરકાં માથાંવાળાં બાળકોને, જર્જરિત થેલીઓમાં ભણતરનાં ‘દફતર’ ઉપાડીને ઉમંગભેર નિશાળે જતાં જોઉં છું ત્યારે સૌથી વધારે પ્રસન્નતા અનુભવું છું. કેટલાક લોકોને કોઈ ધર્મસ્થાન જોઈને, કેટલાકને પ્રાકૃતિક સૌન્દર્યસ્થાન જોઈને, કેટલાકને કોઈક અભિનેત્રીને જોઈને પ્રસન્નતાનો અનુભવ થાય છે. મને ગરીબ બાળકોને એક યા બીજી રીતે વિકાસને પંથે જતાં જોઈને આનંદ મળે છે.

આ ઉપરોક્ત ભૂમિકારૂપ ફકરો વિખ્યાત પત્રકાર લેખક દોમિનિક લાપિયરના એક અવતરણને વધાવવા માટે લખ્યો છે. ફ્રાન્સમાં જન્મેલા અને અમેરિકામાં ભણેલા દોમિનિક લાપિયર આ વર્ષે એંશીના થઈ રહ્યા છે અને એમનું નવું પુસ્તક ‘ઈન્ડિયા માય લવ’ (ભારત – મારા પ્રેમનું પાત્ર) પ્રગટ થઈ રહ્યું છે. પોતાના મિત્ર લારી કૉલીન્સના સહયોગમાં ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ (અર્ધી રાતે આઝાદી), ‘ઈઝ પૅરિસ બર્નિંગ ?’ (પૅરિસ સળગવા લાગ્યું ?) વગેરે પુસ્તકો લખનાર લાપિયર ભારતના પ્રેમી છે અને કલકત્તા વિષે ‘સિટી ઑફ જૉય’ (આનંદનું નગર) જેવું વિખ્યાત પુસ્તક એમણે લખ્યું છે. એમના નવા પુસ્તક ‘ઈન્ડિયા માય લવ’ નિમિત્તે સાપ્તાહિક ‘ધી વીક’ વતી રવિ બૅનરજીએ લાપિયરનો ઈન્ટરવ્યૂ લીધો એમાં એક પ્રશ્ન આમ હતો : ‘ઈન્ડિયા માય લવ’ લખતાં પહેલાં તમને કોઈ ખાસ અનુભવ થયેલો ખરો ?

લાપિયરનો ઉત્તર :
‘એક બપોરે એવું બન્યું કે હું બંગાળના ડાંગરના એક ખેતર પાસે હતો અને એના સાંકડા શેઢા પર એક નાનકડી છોકરી ડગુમગુ ચાલી રહી હતી. એને ખભે પુસ્તકો ભરેલી ભારેખમ થેલી હતી. એ નિશાળેથી નીકળીને દૂરને ઘેર પાછી જઈ રહી હતી. એણે કદાચ આગલી રાતથી કશું ખાધું નહોતું. એના થાકેલા અને ઝાંખા ચહેરા પરથી મને એવું લાગ્યું. મને જોઈને એણે મધુર સ્મિત કર્યું અને ઉત્સાહી સલામ કરી. હું દ્રવી ઊઠ્યો અને જલદી જલદી ગજવાં ફંફોસવા લાગ્યો. મારે એને કશુંક આપવું હતું. ગજવામાં ફક્ત એક બિસ્કિટ હતું. તે મેં એની સામે ધર્યું. એણે એટલા અહોભાવથી આભારસૂચક નમન કર્યું જાણે મેં એના હાથમાં ચંદ્ર મૂકી દીધો હોય. એ ચાલી અને દૂર સુધી હું એને જોતો રહ્યો. થોડી મિનિટો પછી મેં જોયું કે એક દૂબળો મડદાલ કૂતરો એની સામે આવી ગયો છે. નાનકડી છોકરીએ પેલા બિસ્કિટના બે ટુકડા કર્યા અને એક ભાગ કૂતરાને આપ્યો. હું મુગ્ધ બનીને જોઈ જ રહ્યો. ભારતે (ભારતની આ નાનકડી બાળાએ) મને મારી જિંદગીનો શ્રેષ્ઠ પાઠ ભણાવ્યો હતો – વહેંચીને ખાવાનો પાઠ.’ (‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.)

[4] મૂલ્યોનો ઍવોર્ડ – નાગજીભાઈ દેસાઈ

આપણાં બાલાશ્રમ (અનાથાશ્રમ)નો એક વિદ્યાર્થી મેહુલ એસ.એસ.સી. પાસ છે. વર્ષોથી આશ્રમમાં રહે છે. હસમુખો, શાંત પ્રકૃતિવાળો મેહુલ જોતાં જ ગમી જાય તેવો છે. તે શહેરની જાણીતી ‘આઈ હૉસ્પિટલ’માં વોર્ડ બોય તરીકે કામ કરે છે. ઘણા લોકો ત્યાં આંખની સારવાર માટે જાય છે. બે દિવસ પહેલાં એક ઉચ્ચ અધિકારીશ્રી એમની માતુશ્રીની આંખોની સારવાર માટે ડૉ. દોશીના દવાખાને ગયા. ડૉક્ટરની સલાહ મુજબ ઑપરેશન કરવાનું નક્કી થયું. બે દિવસ હૉસ્પિટલ સાથે સતત સંપર્કમાં રહેલા એ અધિકારીશ્રીને સેવાભાવનાવાળો મેહુલ આંખોમાં વસી ગયો. મેહુલના વર્તન, વ્યવહાર અને સંયમપૂર્વકની વાણીએ અધિકારીશ્રીને મેહુલ સાથે વાતો કરવા મજબૂર કર્યા. વાતચીત દરમ્યાન તેમણે જાણ્યું કે મેહુલ તો બાલાશ્રમ (અનાથાશ્રમ)નો વિદ્યાર્થી છે !

ઑપરેશન પત્યું. દવાખાનું છોડતા તેમણે મેહુલને તેની સેવાવૃત્તિથી પ્રભાવિત થઈ રૂ. 101 ભેટ ધરી. મેહુલ ભેટનો સ-આદર અસ્વીકાર કરતાં બોલ્યો, ‘મારાથી આ ન લેવાય. મેં તો મારી ફરજ બજાવી છે. હું આશ્રમમાંથી એટલું તો શીખ્યો જ છું કે બીનહક્કનું ન લેવાય.’ મેહુલની વાત સાંભળી તેઓ તો આશ્ચર્યચકિત થઈ ગયા. આચાર-વિચાર અને વ્યવહાર માણસના મૂળભૂત સંસ્કારની ચાડી ખાય છે. આવા તો બીજા ઘણાં વિદ્યાર્થીઓ છે જે સમાજમાં વિવિધક્ષેત્રે કામ કરે છે. કોઈ બક્ષીસ ભેટ લેતા નથી. જીવનમાં આવું કંઈક કરવું જોઈએ ને ? મેહુલે રાત્રે મને આ વાત કરી અને ફરી દોહરાવ્યું, ‘ભાઈ, મેં ભેટ ન સ્વીકારી એ બરાબર કર્યું ને ?’ મેં માથું હલાવી હા પાડી. મેહુલ ગયો પણ મને જાગતો કરી ગયો. મને થયું હજુ નિરાશ થવા જેવું નથી. આજેય ટોળામાં ‘માણસ’ મળી જાય છે. મારે મન મેહુલની વિચારધારા સંસ્થાને મળેલો બહુ મોટો એવોર્ડ ગણાય. એના ગયા પછી મારી અંદર બેઠેલો શિક્ષક સતત મથામણ અનુભવતો હતો. માનવ મૂલ્યની શ્રદ્ધા શા માટે ગુમાવવી ? વામણા શા માટે બનવું ? જીવન મૂલ્ય ધર્મગુરુ અને શિક્ષક બે જ સાચવી શકે. જીવનમૂલ્યના ઘડતર માટે સૌથી પહેલાં ચોક્ક્સ ધ્યેય નક્કી કરવું….. ધ્યેયહીન જીવન નધણીયાતા કાગળ જેવું છે. જે ધ્યેય નક્કી કરી શકે તે સફળ. બધા જીવે છે પણ, કેટલાક જીવી જાણે છે અને કેટલાક જીવી નાંખે છે. જીવવું અને જીવી જાણવું એમાં ફેર છે. (‘નયા માર્ગ’ સામાયિકમાંથી સાભાર.)

[5] આનું તે કરવું શું ? – ગિજુભાઈ બધેકા

સુમતિબાઈએ લક્ષ્મીબેનને કહ્યું : ‘બેન ! મારે આનું તે કરવું શું ? જ્યારે પાટલો નાખશે ત્યારે પછાડીને નાખશે. દસ વારમાં નવ વાર તો એમ કરશે જ કરશે, આ સવિતાથી તો કંટાળી ગઈ !’
લક્ષ્મીબેને પૂછ્યું : ‘હેં બેન ! તેં કોઈ વાર એને ધીમેથી, પછાડ્યા વિના પાટલો નાખવાનું કહ્યું છે ?’
સુમતિબાઈએ જવાબ આપ્યો : ‘એક વાર નહિ પણ અનેક વાર કહ્યું છે. જ્યારે જ્યારે પાટલો પછડાય છે ત્યારે ત્યારે કહેલું છે.’
‘પણ બેન ! કોઈ એકાદ વાર જ્યારે પાટલો ધીમેથી મૂકે છે ત્યારે તેં કહેલું છે કે હા, આજ તો ઠીક થયું ને પાટલો ધીમેથી નાખ્યો !’
‘ના, બા ! એમ તો નથી કહ્યું. ને એમ તો શાનું કહે ? કોઈવાર ભૂલેચૂકે ધીમેથી પાટલો નાખે એમાં શું વળ્યું ?

‘નહિ બેન ! તું ભૂલે છે. તું જ ભૂલે છે એમ નહિ પણ આપણે સૌ ભૂલીએ છીએ. બાળકોથી જે ભૂલ થઈ જાય છે તેના જ તરફ આપણે તેનું ધ્યાન ખેંચ્યા કરીએ છીએ; ને તે એટલી બધી વાર ખેંચ્યા કરીએ છીએ કે બાળકની એવી માન્યતા થઈ જાય છે કે પોતે ભૂલ જ કરે છે ને બીજું તેનાથી કશું બનવાનું જ નથી ! આવી માનસિક સ્થિતિ થતાં બાળક વધારે ને વધારે ભૂલો કરે છે ને વધારે ને વધારે ઠપકો ખાય છે. ખરી રીતે બાળકો જેમ ભૂલો કરે છે તેમ ઘણી વાર તે ભૂલો નથી પણ કરતાં, ઘણી વાર તેઓ સારું સારું કરી બેસે છે પણ જે સારું બને છે તેનો આપણે હિસાબ લેતાં જ નથી; તે તરફ જોતાં જ નથી. તેમના દોષો કાઢવા તત્પર હોઈએ છીએ. પરંતુ તેમના ગુણોથી રાજી થતાં નથી; તે તરફ તેમનું ધ્યાન ખેંચી તેમને ગુણપ્રિય કરતાં નથી. સવિતા દસ વારમાં એક વાર તો સારી રીતે પાટલો ઢાળે છે, ખરું ? તો પછી તે જ વખતે તેને કહેવું : ‘હં, જો બેન ! આજે પાટલો કેવો સરસ ઢાળ્યો ! આમ જ રોજ ઢાળતી હો તો કેવું સારું ?’ અને ખરેખર સવિતા પ્રસન્ન થશે. તેના ગુણ તરફ તેનું લક્ષ જશે. તે ગુણને કેળવવા તે પ્રયત્ન કરશે. અને એને લીધે અણઆવડતની જગાએ આવડત આવીને ઊભી રહેશે. બાળકોમાં જે સારું હોય તેની આપણે યોગ્ય કદર – નહિ કે વખાણ – કરીએ તો સારું વધતું જ જશે. પણ જો તેમાં જે અયોગ્ય હોય તે ઉપર જ ભાર દીધા કરશું, તે માટે ઠપકો દીધા કરશું, તેને સીધી રીતે કાઢવા લડશું, તો તે ઘર કરી બેસશે.’

સુમતિબાઈએ કહ્યું : ‘લક્ષ્મીબેન ! તમારી વાત ગળે તો ઊતરે છે. જોઉં, હવે એ પ્રમાણે કરી જોઈશ. જોઈએ શું થાય છે !’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “કેસૂડાં – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.