ઊગે સૂર્ય વિવેકનો – અવંતિકા ગુણવંત

[‘જનકલ્યાણ’ સામાયિકના આજીવન ગ્રાહકોને પ્રતિવર્ષ વિનામૂલ્યે અપાતા ભેટપુસ્તકો અંતર્ગત ચાલુ વર્ષે પ્રકાશિત થયેલા કેટલાક પુસ્તક પૈકીના એક ‘ઊગે સૂર્ય વિવેકનો’માંથી સાભાર. આ પુસ્તક અલગથી પણ ઉપલબ્ધ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ અવંતિકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો.]

[1] ગૃહિણીનું પદ

તાત્વિકની પત્ની ઋજુતા એમ.એસ.સી., એલ.એલ.બી. થયેલી છે, સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત ભણી છે, એ જેટલું સારું ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી બોલી શકે છે, એટલું સારું સંસ્કૃત પણ બોલી શકે છે. એ ધારે તો સારી જોબ મેળવી શકે અથવા તો કોઈ વ્યવસાય કરી શકે એટલી ક્ષમતાવાળી છે, પણ એ જોબ નથી કરતી, પૈસા કમાવવાની કે બહારની દુનિયા પોતાનું નામ જાણે એવી કોઈ પ્રવૃત્તિ નથી કરતી. કેમ ? કેમ એ કરિયર નથી બનાવતી ? સામાન્ય રીતે આધુનિક શિક્ષિત યુવતી તો માને છે કે મારામાં ટેલન્ટ છે, મેં શિક્ષણ લીધું છે તો શું કરવા હું ઘરમાં પુરાઈ રહું ? હું બહારના ક્ષેત્રમાં મારું સ્થાન બનાવીશ. સમાજે આવી તેજસ્વી નારીને માન આપ્યું છે, તો એના સ્વજનોએ પણ એને સાથ-સહકાર પૂરા પાડ્યા છે.

આજની સ્ત્રીઓ માટે વિશ્વનાં તમામ ક્ષેત્રોનાં દ્વાર ખૂલી ગયાં છે. ત્યારે ઋજુતા એની મા, દાદી કે નાનીની જેમ ઘરમાં રહેવાનું જ કેમ પસંદ કરે છે ? ઋજુતાએ પહેલેથી નક્કી કર્યું હતું કે હું ગૃહિણી બનીશ અને મારો સંસાર સંભાળીશ, કોર્પોરેટ જગતમાં ઊંચા પદ શોભાવતી સ્ત્રી કરતાં એ ગૃહિણીના પદને જરાય કમ નહોતી સમજતી. તેથી જ્યારે તાત્વિક સાથે એના વિવાહની વાત ચાલી ત્યારે એણે નિખાલસતાથી તાત્વિકને પૂછ્યું હતું :
‘તમે એવું ઈચ્છો ખરા કે તમારી પત્ની જોબ કરે ?’
‘જોબ કરવી કે ના કરવી એ મારી પત્નીએ નક્કી કરવાનું હોય, એ એની અંગત વાત છે, મારાથી એમાં હસ્તક્ષેપ ન થાય.’ તાત્વિકે જવાબ આપ્યો હતો.
‘પણ લગ્ન પછી તો પત્નીએ શું કરવું અને શું ના કરવું એ પતિ નક્કી કરતો હોય છે અને પતિ એવું માનતો હોય છે કે પત્નીએ પતિ કહે એમ જ કરવું જોઈએ – એ સંપૂર્ણ સમર્પણ ઈચ્છતો હોય છે.’
‘હું એવી પરંપરામાં માનતો નથી. પતિ અને પત્ની બે અલગ છે, એમનાં વ્યક્તિત્વ અને એમના જીવન અલગ છે. શું કામ પત્નીએ પતિમાં ઓગળી જવું જોઈએ ? પતિના અસ્તિત્વમાં પત્ની પોતાનું અસ્તિત્વ સમાવી દે તો જ શું પ્રેમ કહેવાય ? હું એવું નથી માનતો. પતિ અને પત્ની એમના સંસારને ટકાવી રાખનાર બે સ્તંભ છે, ભલે ને એ અલગ હોય અને પોતપોતાની રીતે પોતાનો વિકાસ સાધતા હોય, તેથી એમના દાંપત્યજીવનને કોઈ વાંધો નથી આવતો, હું તો માનું છું કે સુંદર, મધુર, શુભ મંગલ જીવનની વાંછના હોય તો દાંપત્યજીવનમાં મોકળાશ હોવી જોઈએ. એક જણે પોતાના વિચારો બીજા પર થોપવા જોઈએ નહીં.’

ઋજુતાને તાત્વિકનો સ્વભાવ, વિચારસરણી, માન્યતાઓ બધું ગમી ગયું. બેઉનાં લગ્ન થયાં. તાત્વિક એની કરિયરમાં એક પછી એક સોપાન ચડતો જાય છે. ઋજુતા ઘર, સંતાન, પતિ, પતિના માતાપિતા, અન્ય સ્વજનો અને સાંસારિક વ્યવહારો સંભાળે છે. બધાં એને એક ગૃહિણી તરીકે ઓળખે છે.

એક દિવસ તાત્વિકના કોઈ પરિચિતે તાત્વિકને પૂછ્યું : ‘બહારની દુનિયામાં તારું આવડું મોટું નામ, બધા તને ઓળખે અને તારી પત્નીની કોઈ સ્વતંત્ર ઓળખ જ નહીં ?’
તાત્વિક બોલ્યો : ‘ઋજુતા અત્યારે જે છે એનાથી એને સંતોષ છે અને મને એનું અભિમાન છે. મારા કરતાં એણે કદાચ વધારે વિકાસ સાધ્યો છે. અમારી ભૌતિક જરૂરિયાતો પૂરી કરવા પૈસા જોઈએ, એટલા માટે હું કમાઉં છું. જીવનમાં પૈસા આવશ્યક છે, અતિ આવશ્યક છે. એના વિના ના ચાલે, પણ માત્ર પૈસાથીય જીવન ન ચાલે. પૈસા કરતાં જીવનનું મૂલ્ય ઘણું વધારે છે. જીવન ઘણું મોટું છે. એકાદ-બે ભૌતિક સગવડો ના હોય તો ચાલી જાય, અરે કિંમતી ચીજવસ્તુઓ ના હોય તોય વાંધો ના આવે, પણ ઋજુતા જે પ્રેમ અને નાજુકાઈથી અમારાં હૃદયમનની સંભાળ લે છે તે ના લે તો ના ચાલે. એ મારી, અમારા સંતાનો અને માબાપની સૂક્ષ્મમાં સૂક્ષ્મ લાગણીને સમજી શકે છે અને સાચવી લે છે. પ્રગતિ માટે એ અમને નિરંતર પ્રોત્સાહન અને પ્રેરણા આપે છે.

હું પૈસા કમાઉં છું, લાખોની મારી કમાણી છે એમાં ઘટાડો થાય તો ચાલી શકે, ઓછા પૈસામાં પણ ઋજુતા આટલી જ સફળતાથી ઘર ચલાવી શકે એટલું એનામાં કૌશલ્ય છે, પણ એ અમારી કાળજી લેવામાં જો થોડી બેધ્યાન બને, એ જો અમને મૂકીને એકલી ક્યાંય બહાર માત્ર થોડા દિવસ જાય તોય અમે આકુળવ્યાકુળ થઈ જઈએ. મિત્ર ! તને સવાલ થશે એવું તો શું કરે છે ઋજુતા, કે હું એને આટલું માન આપું છું ? તો સાંભળ, એ અમારા આરોગ્યનો તો પૂરો ખ્યાલ રાખે જ છે, અમારી સગવડોનું ધ્યાન રાખે છે અને સાથે સાથે અમારી આંતરિક જરૂરિયાતોનો પણ ખ્યાલ રાખે છે. અમારા હૃદય-મન પ્રસન્ન રહે, ઘરમાં આનંદિત વાતાવરણ રહે એનો પણ ઋજુતા જ ખ્યાલ રાખે છે. એ કદી ફરિયાદ નથી કરતી કે અમારા ખાતર એણે અમુક ભોગ આપ્યો કે કદી બદલામાં કશું માગતી નથી. મારે એવી જ પત્ની જોઈતી હતી, પણ આશા ન હતી કે વ્યક્તિસ્વાતંત્ર્યના આ યુગમાં આવી સ્નેહાળ, સમજદાર, સમતાવાળી પત્ની મળશે. ખરેખર હું નસીબદાર છું. ઋજુતા જેવી પત્ની આપીને ઈશ્વરે મને અઢળક સુખ આપ્યું છે.’
.

[2] નિકટના સંબંધમાંય આવું જ વલણ કેમ ?

સુધીરભાઈનાં પત્ની રમાબેનના અવસાન નિમિત્તે મળવા ગઈ. સુધીરભાઈ કહે : ‘અમારી જ્ઞાતિ ગામડામાં વસેલી એટલે શિક્ષણનો વ્યાપ ઓછો, કોઈ કોઈ છોકરાઓ શહેરની બોર્ડિંગમાં રહીને આગળ અભ્યાસ કરે. પણ છોકરીઓ તો ગામની સ્કૂલમાં સાત-આઠ ધોરણ હોય તેટલો જ અભ્યાસ કરી શકે. રમા ગામડાની એ સાત ચોપડી જ ભણેલી અને મને પૂછ્યા વગર મારી બાએ એની સાથે મારું વેવિશાળ કરી નાખેલું. ત્યારે હું શહેરમાં બોર્ડિંગમાં રહીને એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો. મારા મનમાં જીવનસંગિની વિશેનું એક રંગીન સ્વપ્ન હતું. મને હતું જીવનસંગિનીનું વ્યક્તિત્વ ફૂલ જેવું કોમળ અને મઘમઘતું હોય, એની આંખમાં બુદ્ધિનો ચમકાર હોય, વાણીમાં વિદ્વતા હોય, એનું બોલવું ચાલવું પ્રભાવશાળી હોય, મારું ઘર બધી રીતે વિશિષ્ટ હોય. એના બદલે સાત ચોપડી ભણેલી રમા સાથે બાએ મને બાંધી દીધો. રમાએ કદી શહેર જોયું ન હતું. શહેરના રીતરિવાજ અને મેનર્સનો તો એને ખ્યાલ જ ન હતો. એ તો ઊંધું ઘાલીને ઘરના કામ કરી જાણતી.

રમા માટે મેં કોઈ ઉમળકો ના બતાવ્યો એટલે મારી બા સમજી તો ખરી કે મને સંબંધ પસંદ નથી પડ્યો. એટલે એ બોલી ‘આ રમાને અત્યારે તું ગમાડતો નથી પણ સમય જશે એમ એમ તને એનું મૂલ્ય સમજાશે.’ ત્યારે તો બાના એ શબ્દોએ મને કોઈ અસર ના કરી. હું ચૂપ જ રહ્યો. બા માટે મને બહુ સ્નેહ અને આદર – તેમનું દિલ દુભાય એવું કશું કરી શકું નહિ, વળી આજ્ઞાંકિતતાનો ગુણ એટલે વિરોધ કરવાની મારી હિંમત ન ચાલી અને હું પરણી ગયો. પરંતુ મારા મનમાં વિવાહ સંબંધ અંગે જે મડાગાંઠ પડી ગઈ એ ઉકલી નહિ. હું એટલો જડ અને જિદ્દી કે મેં મારા હૃદયનાં દ્વાર ખોલ્યાં જ નહિ. રમા હોંશભેર મારા ઘરમાં પ્રવેશી પણ મારી નજીક આવતાં એ થંભી ગઈ. મારી ઉદાસીનતા એ જાણી ગઈ, એ ખાનદાન બાઈએ મને એક સવાલ ના પૂછ્યો કે બહારના કોઈને પોતાની મૂંઝવણ, વેદના એણે જણાવ્યા નહિ, એ મૌન જ રહી. પોતાનું દુઃખ ભીતરમાં ભંડારીને હસતા મોંએ ફરજ બજાવતી રહી અને હું એને અન્યાય કરતો રહ્યો. એને સમજવા મેં પ્રયત્ન જ ના કર્યો મારી જાતને બહુ સમજદાર અને બુદ્ધિમાન માનનાર હું રમા સાથેના સંબંધમાં બધી સમજણ, બધો વિવેક, સારાસારનું ભાન ખોઈ બેઠો. હું સાવ નિષ્ઠુર થઈ ગયો.

રમા એના માતાપિતાનું ઘર, એનું ચિરપરિચિત સ્નેહીજનોનું વર્તુળ છોડીને તદ્દન અપરિચિત ઘરમાં પ્રવેશી છે તે કોના પર વિશ્વાસ મૂકીને ? સપ્તપદીના ફેરા ફરીને સુખદુઃખમાં સાથે જીવવાની પ્રતિજ્ઞા લઈને કોનો હાથ પકડીને એ આ અજાણ્યા ઘરમાં પ્રવેશી હતી ? એના હૈયે કેટકેટલાં સ્વપ્નાં હશે પણ એને મારી પાસેથી મળ્યું શું ? અવગણના. એની નાજુક લાગણીઓનો એક વાર પણ મેં વિચાર ના કર્યો. હું મારી માનો આજ્ઞાંકિત દીકરો બન્યો પણ કોડભરી રમાનો તો હું ગુનેગાર જ બન્યો. શાણા માણસોએ પ્રબોધેલા શીખવચનો કે જીવનમાં જે મળે એનો સમસ્ત હૃદયથી સ્વીકાર કરો અને પછી ધાર્યા રૂપરંગ આપો – એ વાત જ હું કેમ ભૂલી ગયો ? આજે મને માથું પછાડી પછાડીને મારી જાતને શિક્ષા કરવાનું મન થાય છે.

લગ્નની પવિત્રતા હું સમજ્યો નહિ. મારા પગલે પગલે ચાલનાર એ સુકોમળ નારીને મેં એના કોઈ વાંક વગર આખી જિંદગી દુઃખી દુઃખી કરી મૂકી. બધાંના સાંભળતાં હું એને ઉતારી પાડતો, અને એ ચૂપ રહેતી. હા, એનો ચહેરો સહેજ પડી જાય, પણ સામે કોઈ શાબ્દિક જવાબ નહિ, વર્તનમાં કોઈ અસહકાર નહિ, આંખમાં કોઈ રોષ નહિ. એની નિશ્ચલતા જોઈને મને થાય કે એનામાં માનઅપમાનની સમજ નથી. એને મારા સંગે બંગલામાં રહેવા મળ્યું છે, નોકરચાકર પર હુકમ ચલાવવા મળ્યા છે, મોટરમાં હરવા મળ્યું છે, ગામડાની છોકરીને આનાથી વધારે શું જોઈએ ? બીજાના ઘરમાં સાસુ-વહુ વચ્ચે વાદવિવાદ થાય છે, ઝઘડા થાય છે એવું હું સાંભળતો પણ અમારા ઘરમાં એવું નહતું થતું, કેમ બા અને રમાના મન કદીય ઊંચા નથી થતાં, બોલાચાલી નથી થતી – એવો મને વિચારે નહોતો આવતો. રમા વિરુદ્ધ મેં કોઈનાય મોંએ એક ફરિયાદે નથી સાંભળી. છતાં રમા માટે પ્રેમ ના થયો. એનામાં મને રસ નહોતો જાગ્યો. એના માટે આત્મીયતા નહોતી અનુભવી. અમારાં સંતાનોને એ વાર્તાઓ કહેતી, અવાજમાં એવા આરોહઅવરોહ અને હાવભાવ સાથે એ વાર્તા કહેતી. વાર્તાઓ દ્વારા એ બાળકોને કેટલું બધું શીખવાડતી કે હુંય વિસ્મય પામી જતો. પણ એ ક્ષણાર્ધ માટે એના વિશે હું કદી વધારે વિચારતો નહિ કે એની નિકટ જવા પ્રયત્ન ના કરતો, એનેય મારી નિકટ ના આવવા દીધી. આજે મને સમજાય છે એ કેટલી સ્વમાની અને ખુમારીવાળી હતી. એ કદીય સસ્તી થઈને વગર બોલાવે મારી પાસે આવી નથી કે મારી તરફ દુર્લક્ષ પણ સેવ્યું નથી.

હમણાં હમણાં એને પેટમાં દુખાવો થતો હતો. એણે તો મને કંઈ કહ્યું ન હતું, પણ બાએ કહ્યું હતું પણ મેં ગણકાર્યું નહિ. તો બા અને મારી બહેન મને કહ્યા વગર એને ડૉક્ટરને ત્યાં લઈ ગયા અને પછી તો ડૉક્ટર અને દવાખાનાનાં ચક્કર ચાલ્યાં. એને લીવરનું કેન્સર હતું, આજુબાજુના અવયવોમાં પ્રસરી ગયું હતું. એ થોડા સમયની મહેમાન હતી. મારાં બા અને બહેન અદ્ધર શ્વાસે જે દોડાદોડ કરતાં એ જોઈને હું તો તાજ્જુબ થઈ ગયો. રમા માટે આટલો બધો પ્રેમ. મોત નિશ્ચિત હતું પણ એનામાં જરાય ગભરાટ ન હતો. એક દિવસ મેં એને પૂછ્યું : ‘તારે કાંઈ કહેવું છે ?’ ત્યારે ડોકું હલાવીને એણે ના કહી, એ સાંજે જ એ અવસાન પામી.

આજે એ નથી ત્યારે મને એનો મોહ જાગ્યો છે, થાય છે કે કોઈ એના વિશે વાતો કર્યા કરે ને હું સાંભળ્યા કરું. ઘરમાં એ જીવતી જાગતી હરતીફરતી હતી ત્યારે એક મીઠી નજર ભરીને એને જોઈય નહિ ને આજે સર્વત્ર મને એ જ દેખાય છે, એને માટે હું ઝૂરું છું. મને થાય છે મારી આંખો એના પ્રત્યે ખૂલે એટલા માટે જ એણે સદાના માટે એની આંખો મીંચી દીધી અને અદશ્ય થઈ ગઈ. પણ એની સુગંધ બધે પ્રસરાવીને એ ગઈ. આજે એના વિના મારું જીવન સૂનું થઈ ગયું. એ એવી રીતે અમારા જીવનમાં સમાઈ ગઈ હતી કે આજ સુધી એના અલગ અસ્તિત્વનો મને ખ્યાલ જ ના આવ્યો. આજે મારા અફસોસનો પાર નથી. આપણા સંસ્કાર આપણને કહે છે કે જિંદગીમાં હરપળે જાગ્રત રહો અને જવાબદારીનું વહન કરો તો જ જિંદગી સાર્થક થાય પણ હું કેવો બેજવાબદાર ! મારી ફરજ હતી કે સૌજન્ય અને વિવેકથી મારે વર્તવું જોઈતું હતું તો રમાને કંઈક સંતોષ મળત, સુખ મળત. પણ હું એને દુઃખી કરતો જ રહ્યો.’

આ તો પતિપત્નીની વાત છે, પણ બીજા ઘનિષ્ટ સંબંધોમાં સુધીરભાઈ જેવું જડ જિદ્દી વર્તન કરીને માણસ દુઃખ વહોરે છે ને બીજાને દુઃખી કરીને સંબંધ ગુમાવી બેસે છે.

[કુલ પાન : 128. કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : પુનિત પ્રકાશન પ્રતિષ્ઠાન. સંત ‘પુનિત’ માર્ગ, મણિનગર, અમદાવાદ-380008. ફોન : +91 79 25454545. ઈ-મેઈલ : jankalyan99@yahoo.co.in ]

Leave a Reply to પરીક્ષિત ગોહિલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

21 thoughts on “ઊગે સૂર્ય વિવેકનો – અવંતિકા ગુણવંત”

Copy Protected by Chetan's WP-Copyprotect.