પાડોશી – ડૉ. રેણુકા એચ. પટેલ

[ માણસને પજવતાં અનેક દુર્ગુણો પૈકી એક છે ઈર્ષ્યા ! ઈર્ષ્યાળુ માણસ કારણ વગર દુઃખી રહે છે. તેમાંય ખાસ કરીને આ ઈર્ષા જો નજીકના મિત્ર, પડોશી કે કોઈ સ્વજનની પ્રગતિ પ્રત્યે હોય ત્યારે તે વધારે જલદ બને છે. એ આગ માણસને અંદરથી ખલાસ કરી મૂકે છે ! ઈર્ષ્યાળુ માણસના મનમાં શું ચાલતું હોય છે એનું એક સુંદર ચિત્ર ડૉ. રેણુકાબેને (અમદાવાદ) આ વાર્તામાં આલેખ્યું છે. તેમની આ પ્રસ્તુત વાર્તા તેમના વાર્તાસંગ્રહ ‘ધોધમાર’માંથી તથા ‘જનકલ્યાણ’ (માર્ચ-2011) સામાયિકમાંથી સાભાર લેવામાં આવી છે. આપ તેમનો આ નંબર પર +91 9974349595 સંપર્ક કરી શકો છો. ]

હું ઘેર આવું એટલે સુમી ઘેર હોવી જોઈએ એવો મારો નિયમ પહેલેથી મેં રાખ્યો છે. પણ સુમીને એવા કોઈ નિયમની દરકાર જ નહીં. બપોર પડી નથી ને ફરવા નીકળી નથી. નીતાભાભીની બૂમ પડે એટલે તૈયાર અને એક વાર બહાર જઈએ પછી ધારેલા સમયે ઘેર પાછું અવાય છે ?

હું ઘરે આવું એટલે અંધારું ઘોર ઘર, કોઈ બોલનાર નહીં, બારણું ખોલનાર નહીં – કંઈ જામતું હશે ? પણ સાચું કહું ? આજે સુમી નથી તે ઘણું ગમ્યું. કાલનું મગજ ઠેકાણે નથી. જ્યારનો સુરેશિયાની નવી ગાડીમાં બેઠો છું ત્યારનું હૃદયને ચેન નથી. બેંકમાંય આજે તો કંઈ કામ કર્યું નહીં. ત્રણ-ચાર કલાયન્ટ સામે ઘુરકિયાં કર્યાં, ચાવાળા છોકરાને નાહકનો ખખડાવી નાખ્યો અને રિસેસમાં પેલા પારેખ સાથે બાખડી બેઠો. આજે બેન્કમાંથીય એટલે જ વહેલો નીકળી ગયો. મૂડ ઠેકાણે ન હોય તો ભાગી જવું સારું ! વહેલો નીકળ્યો હતો એટલે પેલી ગાડીના શોરૂમમાંય જઈ આવ્યો. ગાડીના હપ્તાની રકમ સાંભળીને મારાં તો હાંજાં ગગડી ગયાં. આટલા મોટા હપ્તા ભર્યા પછી લોકોનાં ઘર કેમનાં ચાલતાં હશે ? અને પાછું પેટ્રોલ ? ગાડી તે કાંઈ પાણીથી ચાલે છે ? પણ જેની પાસે પૈસા ખૂટતા જ ના હોય એને શું ચિંતા ? ગમે તે હોય. પણ આજે એકાંત જોઈતું જ હતું. થોડું વિચારવાનો સમય મળે. જોકે વિચારવાનુંય શું હતું ? નિરાંતે બેસીને નસીબને, વીતેલા સમયને, પોતાની જાતને, ભૂતકાળમાં લીધેલા ખોટા નિર્ણયોને ગાળો જ દેવાની હતી.

આમ જુઓ તો જ્યારના આ મકાનમાં રહેવા આવ્યા ત્યારથી હૈયા પર હોળી સળગ્યા જ કરે છે. હવે આટલાં વર્ષે સમજાય છે કે અહીં રહેવા આવવાનો નિર્ણય જ ખોટો હતો. નહીં તો જીવા પટેલની પોળમાં જ શું ખોટા હતા ? પણ બધુંય આ સુરેશના લીધે જ. એ વળી નવો નવો રૂપિયા કમાતો થયેલો એટલે પોળ છોડવા માટે ગામના છેવાડે એણે આ મકાન નોંધાવ્યું. જોડે પાછો મનેય ઢસેડ્યો. આપણે વળી એમ કે જૂનો પડોશી છે, ભાઈબંધ છે. જોડે રમીને મોટા થયા છીએ અને સુમીનેય નીતાભાભી સાથે સારું ફાવે છે. વળી એ વખતે શહેરમાંય કેટલાં તોફાનો થયાં હતાં ? પોળના જૂના બધાય માણસો ધીમે ધીમે પોળ છોડી રહ્યા હતા એટલે મેંય વળી સુરેશ ભેળું આ મકાન નોંધાવ્યું. ત્રણ રૂમ-રસોડાનું આ નાનકડું મકાન અમારા બેયનું સરખું જોડાજોડ, જોડકું જ. હવે એ વખતે થોડી ખબર હતી કે મારું એ મકાન જ રહેશે અને એનું મકાન, મકાન મટીને મહાલય બની જશે ?

આ સુરેશની આખીય કરમકુંડળી હું જાણું. અત્યારે આ સુરેશભાઈ સાહેબ બનીને ફરે છે પણ મને પૂછો, જ્યારે હું બેંકમાં લાગ્યો હતો ત્યારે આનું તો કોઈ ઠેકાણું જ ન હતું. એના બાપાની બિચારાની ગુમાસ્તાની નોકરી. ભગવાનના માણસ. રોજ મારા ઘેર આવીને મારા બાપા પાસે મારાં બે મોઢે વખાણ કરે અને એના નામના બળાપા કરે. અને આ સુરેશ ? રોજ રાત્રે જમીને અમે પાન ખાવા જઈએ ત્યારે મારા પૈસાનું પાન ખાઈને પોળના ઓટલે બેસીને એની શેખચલ્લી જેવી કેટલીય વાતો કરે. એના બાપા એને જ્યાં નોકરીએ રખાવે ને પાછો જ આવે. કહે કે, ‘આપણને નોકરીમાં રસ નથી. ધંધો જ કરવો છે.’ રોજ નવો ધંધો કરે ને રોજ ખોટ ખાય. છેલ્લે સ્પેરપાર્ટનો ધંધો ચાલુ કર્યો એમાં તો બાપાની બધી બચત વાળી ઝૂડીને નાખી દીધેલી. પણ એ વખતે ભગવાને વળી સામે જોયું અને ધીમે ધીમે એ ધંધો ચાલી નીકળ્યો ને હવે બની ગયા સુરેશભાઈ સાહેબ. નહીં તો એ વખતે એની બાને હોસ્પિટલમાં દાખલ કરેલાં ત્યારે મારા બાપાએ રોકડા બે હજાર કાઢીને આપેલા. દવાખાનાનું બિલ ભરવાનાયે સાંસા હતા, અત્યારે કોઈને કહીએ તો કોઈ માને ? પણ એ દિવસો જુદા, એ માણસો જુદા, એ પડોશીઓ જુદા, અત્યારના આ સુરેશ જેવા નહીં. આખો દિવસ બસ આપણને નીચું દેખાડવાની અને ચઢી બેસવાની જ વાત.

હવે આ એના મકાનના રિનોવેશનની જ વાત લો. પથરામાં કેટલા પૈસા નાખ્યા ? પાછો એન્જિનિયર, આર્કિટેક્ટ, બધા સાથે માથાકૂટ કરે ત્યારે મને જોડે ને જોડે રાખે. હવે મારું આમાં શું કામ ? તો કહે, ‘યાર, મને તો મારા ધંધા સિવાય કશામાંય ગમ ન પડે. તારું તો નોલેજ કેટલું ! તું તો મારા કરતાંય કેટલોય હોંશિયાર !’ આમ મીઠું મીઠું બોલે અને મને ઢસડે. પણ હું જાણું ને ? મૂળમાં એનો આશય મને એની મોટાઈ બતાવવાનો. આ બધામાં મને સાથે ન રાખે તો એ કેટલા રૂપિયા વેરી રહ્યો છે એની મને ખબર કેવી રીતે પડે ? ઘર સારુંય બન્યું છે. એનીય ના નહીં, પણ એમાં નવાઈ શું ? જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય. ઉપર આખો માળ ખેંચ્યો. મકાનની ટોચથી લઈ રસોડા સુધી બધું મારબલનું ફ્લોરિંગ, ઉદયપુરથી આખી ટ્રક ભરીને મારબલ આવ્યા’તા. બધીય દીવાલો ઉપર પ્લાસ્ટિક પેઈન્ટ. લાખ રૂપિયા તો એમાં જ ઘૂસી ગયા અને ફર્નિચર ? એલ.સી.ડી. ટી.વી., મોટું ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર, દરેક રૂમમાં એ.સી. બસ ગણ્યા જ કરો. અરે, હું કહું છું રહેનારાં ત્રણ જણ – એ એની બૈરી અને એનો દીકરો – પછી આવડું મોટું ઘર શું કરવાનું ? પાછું નીતાભાભીનું રસોડુંય પેલું ડિઝાઈનર કિચન. હવે કાલ સુધી પોળના અંધારા રસોડામાં ઠેબાં ખાતાં’તાં અને ચોકડીએ બેસીને વાસણ માંજતાં’તાં, આજે ડિઝાઈનર કિચનમાં રાંધતાં થઈ ગયાં. પણ વાત ફરીફરીને એ જ કે પૈસા નાખવા ક્યાં ? એના બેડરૂમમાં એક એક ગાદલું જ છ-છ હજારનું છે. સોફાસેટ અને ડાઈનિંગ ટેબલ લેવા ગયો ત્યારે તો મને જ જોડે લઈ ગયો હતો. લાખ રૂપિયાનો સોફાસેટ અને પચાસ હજારનું ડાઈનિંગ ટેબલ. હવે ડાઈનિંગ ટેબલ ઉપર બેસીનેય હાંડવો જ ખાવાનો છે ને ? હીરામોતી તો ચગળવા નથી કે આટલું મોંઘું જોઈએ. એ દિવસે તો મારીય ખોપડી ફરી ગઈ હતી. એની જોડે હું ગયો ત્યારે મેંય ફર્નિચરના એ શોરૂમમાંથી સાડા સાત હજારની આરામખુરશી ખરીદી લીધેલી. એનો લાખ રૂપિયાનો સોફાસેટ એને મુબારક પણ મારા જેવી આરામખુરશી તો એની પાસે નથી જ. સુમીએ કચ કચ કરી મૂકેલી પણ બૈરાંઓને આમાં શું ખબર પડે ? એ આપણી સામે વટભેર લાખ રૂપિયાનો સોફા ખરીદે અને આપણે સાડા સાત હજારમાંથીય ગયા ?

ઘણી વાર મને થાય કે આમ ઈમાનદારીથી જીવવાનું મને શું ફળ મળ્યું ? કલાર્ક તરીકે બેન્કમાં લાગ્યો તે માંડ માંડ પરીક્ષાઓ આપીને ઓફિસર થયો. ખોટું કરવું હોય તોય ક્યાં થાય એમ હતું ? તે આજે મારી પાસે એ જ મકાન અને એ જ જૂની મારુતિવાન. અને સુરેશ ? કેટલાય કાળાધોળા કરતો હશે. કાળાધોળા કર્યા વિના આવો ધંધો ચાલે ? ઘરમાં બે તો કાર છે. એક એની અને એક એની બૈરીની. પાછી નીતાભાભીની કાર તો ડ્રાઈવર સાથે. અને આ બે કાર પણ પાછી બદલાતી રહે. બે વરસ થયાં નથી ને નવાં મોડલ આવ્યાં નથી. જે દિવસે નવી કાર લે, મને અને સુમીને લઈને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય. આખાય રસ્તે તેનું બકબક ચાલુ જ હોય. જૂની કાર આટલામાં વેચી, નવી કાર આટલામાં લીધી. આ ગાડીના હોર્સપાવર આટલા ને સી.સી. તેટલા. એ ગાડીની જાત જાતની ફેસિલિટી ઉપર, એન્જિન ઉપર, એવરેજ ઉપર લાંબું ભાષણ ઠોકે. આઈસ્ક્રીમનું ખાલી બહાનું હોય. મૂળ મુદ્દો અમારી ઉપર રોલો પાડવાનો. પાછું આટલું ઓછું હોય અને કાલે ત્રીજી કાર લઈ નાખી. પાછો કહે છે કે, ‘અનિલ માટે લીધી.’ હવે એનો વનેચર માંડ તેવીસનો થયો. હજુ હમણાં તો ધંધે જતો થયો. એક-બે સોદા પાર પાડ્યાય ખરા પણ હજી ઠરીઠામ થાય એના પહેલાં તો મોંઘીદાટ કાર ! કાલેય હંમેશની જેમ સુરેશ અમને આઈસ્ક્રીમ ખાવા લઈ જ ગયો અને ભાષણ ઠોક્યુંય ખરું !

કાલનો હું જ્યારનો એ કારમાં બેઠો છું સાલું ચેન પડતું નથી. સુરેશના ઘેર ત્રણ ત્રણ કાર અને આપણું નસીબ જ ફૂટેલું ? સાલો જ્યાં હાથ નાખે રૂપિયા કમાય જ. શેર ખરીદે તો સોનાના થઈ જાય. જમીનમાં પૈસા નાખે, રૂપિયા કમાયો જ હોય. હજીય રોજ રાત્રે મારા ઘેર આવવાનો જ. મારી પેલી લાંબી આરામખુરશીમાં બેસવાનો જ. અને પહેલાની જેમ શેખચલ્લી જેવી વાતોથી મારું માથું ખાવાનો જ. એના ધંધાની કેટલીય વાતો કરે. મને એમાં શું ખબર પડે ? બસ એટલું સમજાય કે બધેથી રૂપિયા વરસી રહ્યા છે. મનમાં થાય કે આ સાલો એ જ સુરેશિયો, એ જ સૂર્યો કે જે ઉધાર દસ રૂપિયા લેવા મારી પાછળ પાછળ ફરતો હતો ?

બીજાની શું વાત કરું ? મારી સુમી એની પાછળ ગાંડી છે ને ! આખો દિવસ નીતાભાભી અને સુરેશભાઈ…. નીતાભાભી અને સુરેશભાઈ….. બસ એ બે જ દેખાય. અને નીતાભાભીય ઓછાં નથી હોં. રોજ બપોર થાય એટલે સુમીને લઈને નીકળી પડશે. ગાડી અને ડ્રાઈવર તો વરે આપી જ દીધાં છે – એક દિવસ સાડી ખરીદશે તો બીજા દિવસે ઘરેણાં ખરીદશે. કંઈ નહીં તો ખાલી ખાલી શોપિંગ મોલમાં જઈને આંટો મારશે. આ બાજુ હું બેન્કમાં જવા નીકળ્યો નથી ને પેલી બાજુ બેય ઊપડ્યાં નથી. જોકે સુમી એમની સાથે જાય એટલું જ. ઘેર આવીને એમનાં કપડાં-ઘરેણાંની વાત સુદ્ધાં ન કરે પણ હુંય જાણું કે એના હૃદયમાં તો કંઈક થતું હશે ને ? નીતાભાભીને શું ? સૂર્યાની નાણાંકોથળી ખાલી જ ક્યાં થાય છે ? હમણાં ગયા અઠવાડિયે બીજું કાંઈ ન સૂઝ્યું તો સુમીને લઈને ગયાં અને વૃદ્ધાશ્રમમાં દસ હજારની ભેટ લખાવી આવ્યાં. કારણ ? તો કહે સુરેશના બાપાની તિથિ હતી. હવે મરનારા તો ગયા ભગવાનને ઘેર. આટલાં વર્ષે દસ હજાર દાન કરવાનો મતલબ ? સુમીને એ બે દેખાય છે. એનુંય કારણ મને ખબર છે. બૈરાંની રસોઈનાં તમે સહેજ વખાણ કરો એટલે બૈરું ગાંડું….ગાંડું… આ લોકોય આખો દિવસ…… ‘દાળ તો સુમીબહેનની જ, દૂધપાક તો સુમીબહેનના જ ઘરનો. સુમીબહેન જેવાં ગુલાબજાંબુ તો નીતાને ન આવડે…. સુમીબહેનની કટલેસ આગળ તો મહેતાની કટલેસ પાણી ભરે….’ બસ, થઈ રહ્યું. આપણે ત્યાં કંઈ પણ બને એટલે બાજુમાં તપેલી ભરીને પહોંચ્યું જ હોય. અને બાજુમાં કંઈ પણ સારું બનાવવાનું હોય તો સુમીના નામની બૂમ પડી જ હોય : ‘સુમીબહેન, તમે આવીને મસાલો કરી જજો… કચોરી તો તમારા ભાઈને તમારા હાથની જ ભાવે છે…’ અને આ ભાઈનાં બહેન સત્તર કામ પડતાં મૂકીને ત્યાં પહોંચ્યાં જ હોય. બૈરાંમાં અક્કલ ન હોય. એમ ને એમ બધાં કહેતા હશે ?

આ આજે જ જુઓ ને – સાડા સાત થવા આવ્યા. આ સુમીને છે કોઈ ચિંતા ? સુરેશ અને અનિલ તો મોડા આવે છે. એટલે નીતાભાભી તો ફર્યા કરે, પણ આને ખબર ન પડે ? એનો વર ઘેર આવી જશે તો ભૂખ્યો નહીં થયો હોય ? હવે આવશે ક્યારે….. રાંધશે ક્યારે…. ખાવા ભેગા થઈશું ક્યારે…. ચાલ જીવ, ભૂખ તો લાગી જ છે. એક કપ ચા મૂકી દઉં અને બિસ્કિટ જેવું કંઈક પડ્યું હોય તો ખાતો થાઉં…. – એમ વિચારીને ચાનું પાણી ગેસ પર મૂકું છું ત્યાં તો સુમી આવી ગઈ ને આવી એવી જ વરસી પડી :
‘ખરા છો તમે તો ! ક્યાં ફરતા હતા ? ઓફિસે ફોન કર્યો તો ત્યાંય નહીં. ઘેર તો રિંગ જ વાગ્યા કરતી હતી. હજાર વાર કહ્યું છે કે હવે તો કામવાળાયે મોબાઈલ રાખે છે. એક રમકડું ખરીદી લો. પણ પૈસા છૂટતા નથી. લો, આજે કેવી જરૂર પડી….. આ સુરેશભાઈનો અનિલ બપોરે ઓફિસના કામે બહાર જતો હતો ને પાછળથી ટ્રકે ગાડીને ઠોકી દીધી. જબરજસ્ત એક્સિડન્ટ થયો છે. ખાસ્સું વાગ્યું છે. આ તો ઘેર ફોન આવ્યો અને હું અને નીતાભાભી દોડ્યાં. તમારો તો પત્તો જ ન હતો. એ બંને તો એવાં રડે એવાં રડે…. હું તો એવી ગભરાઈ ગઈ હતી. જોકે નીતાભાભીના ભાઈ આવી ગયા હતા એટલે એમણે બધું સંભાળી લીધું. અત્યારે તો સારું છે. હમણાં એને ભાન આવ્યું એટલે હું નીકળી. ખરા છો તમે ! જ્યારે જરૂર પડે ત્યારે જ ખોવાઈ જાઓ. ક્યાં ફરવા નીકળી ગયા’તા ?’ બડબડતી એ બાથરૂમમાં પેસી ગઈ.

સમાચાર માઠા તો કહેવાય જ. છોકરો બચી ગયો. ભગવાનનો પાડ. પણ મારે કબૂલ કરવું જોઈએ કે આ સમાચાર સાંભળીને મને મનમાં જે દુઃખ થવું જોઈએ તે તો ન જ થયું. ઉપરથી કાલ રાતની હૈયામાં જે હોળી સળગતી હતી એની ઉપર જાણે કે ઠંડું પાણી રેડાઈ ગયું. દીવાલ પર લટકતી ભગવાનની છબી સામે અનાયાસે બે હાથ જોડાઈ જ ગયા. વહેલું કે મોડું એ બધાને ન્યાય આપે જ છે – એમ વિચારતો વિચારતો હજી આરામખુરશીમાં લાંબો થાઉં ત્યાં સુમી પાછી પધારી :
‘હવે પાછા લાંબા ક્યાં થાઓ છો ? શું કહો છો ? ખીચડી મૂકી દઉં ? ત્રણ સીટી તો ફટાફટ વાગી જશે. આપણે જમી લઈએ પછી હોસ્પિટલ જવા નીકળીએ….’
‘હવે મૂકને માથાકૂટ આમે મોડું થયું જ છે. ચાલ, આજે તો બહાર જમી લઈએ. તુંય થાકી ગઈ હોઈશ. આજે હવે કાંઈ ખીચડી ખાવી નથી. બહાર જમીને સીધાં હોસ્પિટલ જઈશું. તું તૈયાર થઈ જા. હું તો તૈયાર જ છું.’ બોલીને ખુરશીમાં મેં તો લંબાવ્યું.

સુમી નેપ્કિન હાથમાં લઈને બાઘાની જેમ ઊભી ઊભી થોડી વાર મારી સામે જોઈ રહી. પછી બબડતાં બબડતાં અંદર તૈયાર થવા ગઈ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

38 thoughts on “પાડોશી – ડૉ. રેણુકા એચ. પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.