છલોછલ સુરાહી – સુરેશ પરમાર ‘સૂર’

[વડોદરાના નવોદિત ગઝલકાર તેમજ વ્યવસાયે બેંક કર્મચારી એવા શ્રી સુરેશભાઈનું આ પ્રથમ પુસ્તક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે soor789@yahoo.co.in અથવા આ નંબર પર +91 265 2656582 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત ગઝલોના અંતે આપવામાં આવી છે. ]

[1] એમની હાજરી

એમની હાજરી, નથી હોતી;
તો દશા પાધરી, નથી હોતી.

કાલની એ ક્ષણો, સતાવે છે;
જે ક્ષણો વાપરી, નથી હોતી.

તું શિખામણ મને, ન એવી દે;
તેંય જે આચરી, નથી હોતી.

એ જ શોધ્યા કરે, ચમત્કારો;
જેમને ખાતરી, નથી હોતી.

તર્કના મુખમાં, મૂકે તરણું;
જો સમજ બાવરી, નથી હોતી.

‘સૂર’ ત્યાં બોલવું, જરૂરી ક્યાં ?
જે સ્થળે શાયરી, નથી હોતી.

[2] મહેકી જવાનું

ચમનમાં પુષ્પ થઈ, મહેકી જવાનું;
પછી પણ ત્યાં, નથી અટકી જવાનું.

હસીને વાત, ના ટાળો અમારી;
અમોને લાગશે, ‘છટકી જવાનું.’

બને કે, હાથમાંથી હાથ છૂટે;
ભલે હો ખ્વાબમાં, ચમકી જવાનું.

તમે જુઓ મને, નિરપેક્ષ ભાવે;
હૃદયને એ જ બસ, ખટકી જવાનું.

કશું પાકું નથી, ‘સૂર’ આવવાનું;
હકીકત એ જ કે : ‘નક્કી જવાનું’.

[3] નવોદિત શાયર

મને એક શાયર, નવોદિત ગણી લો;
ચલો એમ નહીં તો, યથોચિત ગણી લો.

ઋચાઓ સમા, શેરનાં ગાન કરતો;
કોઈ શબ્દ-કાંડી-પુરોહિત, ગણી લો.

શબદમાંય અજવાસ, જોવાનો હો ત્યાં;
પ્રથમથી તમસને, તિરોહિત ગણી લો.

દીસે સાથિયા જેવું, જો કાફિયામાં;
ગઝલની હવેલી, સુશોભિત ગણી લો.

કરે મુગ્ધ-ભાવે, કશી વાત જ્યારે;
તમે ‘સૂર’ને ત્યાં, સંમોહિત ગણી લો.

[કુલ પાન : 104. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન. 58/2, બીજો માળ, જૈન દેરાસર સામે, ગાંધી રોડ. અમદાવાદ-380001. ફોન : +91 79 22110081. ઈ-મેઈલ : rannade_2002@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “છલોછલ સુરાહી – સુરેશ પરમાર ‘સૂર’”

Copy Protected by Chetan's WP-Copyprotect.