રંગીલા પતંગિયા – પ્રીતિ ત્રિ. કોટેચા ‘પ્રેરણા’

[પોરબંદર ખાતે શિક્ષિકાની ફરજ બજાવતા શ્રીમતી પ્રીતિબેનના બાળકાવ્ય સંગ્રહ ‘રંગીલા પતંગિયા’માંથી પ્રસ્તુત રચનાઓ સાભાર લેવામાં આવી છે. તેમના અનેક કાવ્યો ફૂલછાબ, ટમટમ સહિત અનેક અખબાર-સામાયિકોમાં પ્રકાશિત થતા રહે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત બાળકાવ્યોને અંતે આપવામાં આવી છે.]

[1] સૂરજદાદા

સવાર પડે ને સૂરજ ઉગે એની કંકુવર્ણી કાયા
જાણી શકે ન આખી દુનિયા એવી એની માયા

લાલ-લાલને ગોળ-ગોળ ધગધગતોએ ગોળો
પૂરવમાંથી કદી ન ઉગે એ તો ભાઈ મોડો

સાંજ પડે ને દરિયામાં જઈ ડુબકીએ લગાવે
સવારમાં તો ચોખ્ખો ચણક થઈને એ તો આવે

સવારમાં તો આળસ-નિંદર સૌની એ ભગાડે
એની કાયા ચમકાવીને સંસારને જગાડે

પૂરવમાંથી ઉગે ને પશ્ચિમમાં જઈ ડુબે
એની યાત્રા જોવા પેલા પંખી આકાશે ઉડે

[2] પંખી

પંખી બનીને મને ઊડવું ગમે, ભાઈ ઊડવું ગમે
દોસ્તોની સાથે ઝૂમવું ગમે, ભાઈ મને ઝૂમવું ગમે

ઝાડોના ઝૂંડ મહી માળો બાંધીને
ડુંગરની ગોદમાં રમવું ગમે, મને ઊડવું ગમે.

અદ્ધર આકાશે જઈ ચાંદામામાની ગાડી કરી
તારલીયાની સાથે રમવું ગમે, મને ઊડવું ગમે.

ધરતીની છોડ મુકી સમંદર પાર કરી
હોડીના ઝૂલામાં ઝૂલવું ગમે, મને ઊડવું ગમે

પંખીની એક શીખ મનમાં લઈને
પંખીની સાથે સંપીને રહેવું ગમે, મને ઊડવું ગમે.

[3] ચકીબેન

એક હતી ચકલી, ઓઢી ચાલી છત્રી
ભરવા ગઈ પાણી, પૂર લાવી તાણી

ચકીબેન ફેશનવાળા, ગળામાંતો બાંધે માળા
એણે પહેરી સાડી, મોરપીંછા વાળી

એણે પહેર્યા સેંડલ, નાખી પર્સ પેંડલ
મોટરમાં તો ફરવા ગઈ, ચપટી દાણા ચણવા ગઈ

દાણા લાવી પાલી, બધાને લાગે વ્હાલી
કેવા ચકીબેન સારા, સૌને લાગે પ્યારા

[4] બિલ્લીબેન

બિલ્લી માસી ભણવા ચાલ્યાં લઈને પાટી પેન
હાથમાં લીધું દફતરને જોઈ રહ્યા છે બેન

સામા મળ્યા કૂતરાભાઈ, ગભરાઈ બિલ્લીબેન
કૂતરાભાઈ પૂછે છે ક્યાં ચાલ્યા બિલ્લીબેન

નિશાળે તો હું એકડો ભણીશ લઈને પાટી પેન
ભણી ગણીને હોશિયાર થઈને બની એક દી બેન

કૂતરાભાઈ નિશાળે ચાલ્યા લઈને પાટી પેન
નિશાળમાં તો તેને ભણાવે સૌથી મોટા બેન

પછી તો બધા ભણવા લાગ્યા સાથે
બધા તો સંકલ્પ કર્યો સાક્ષર બનવાનો હાથે

[કુલ પાન : 70. કિંમત રૂ. 30. પ્રાપ્તિસ્થાન : પ્રીતિ ત્રિ. કોટેચા. ‘શ્રીમા’ શ્રીગણેશ કોલોની, ગેલેક્ષી એપાર્ટમેન્ટ પાસે, વાડી પ્લોટ, પોરબંદર-360575. ફોન : +91 9824364362.]

Leave a Reply to riddhi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

36 thoughts on “રંગીલા પતંગિયા – પ્રીતિ ત્રિ. કોટેચા ‘પ્રેરણા’”

Copy Protected by Chetan's WP-Copyprotect.