લંગડી – કિરીટ ગોસ્વામી

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

સવાર પડી ગઈ છે પણ તડકો હજી સુધી ફળિયામાં આવ્યો નથી. ફળિયું માએ વહેલું જ વાળી ચોળીને સાફ કરી નાખ્યું છે. આંગણમાં મેં રોટલીના ઝીણા-ઝીણા ટુકડા વેરી દીધા છે. તુલસી-ક્યારા પાસે ચોખ્ખા પાણીનું એક કૂડું પણ ભરીને મૂકી દીધું છે.

હું ઓસરીમાં બારી પાસે બેઠો છું. મારી નજર ફળિયામાં છે. મન પ્રતીક્ષામાં છે. હજી આંગણ સૂનું છે. એક પળ માટે નજરને બારીએથી હટાવીને ટેબલ પર પડેલાં પુસ્તકો ભણી વાળું છું ત્યાં તો હવાની પાટી પર કલબલનો કક્કો ઘૂંટતી-ઘૂંટતી લંગડી આવી ચડે છે આંગણામાં ! આ રીતે રોજ સાવ અચાનક જ એનું આગમન થાય. રોજ મને ચોંકાવે. પ્લેનની જેમ એ જમીન પર ઊતરે ને પછી એની ઊજાણી શરૂ થાય ! લંગડી….. મારી પ્રિય સખી ! આંગણમાં ઊતરે પછી એ એક વાર બારી તરફ અચૂક નજર કરે : જાણે મારી નજર સાથે નજર ના મેળવતી હોય ! ને પછી રોટલીના ટુકડા આરોગવા માંડે. પણ એમ ચૂપચાપ જમાય ?! આ તો લંગડીરાણી ! ખાતાં-ખાતાં ડોક ફુલાવે, ચોટલી ઊંચી-નીચી કરે, ફેરફુદરડી ફરે, કવ્વુડ કવ્વુડ કરીને કૈં કેટલાંય ગીતો ગાઈ નાખે લંગડી, એની મીઠી-મીઠી ભાષમાં !

હા, લંગડી ખૂબ મીઠાં ગીતો ગાય છે. બધાંને એ ભલે ‘કજિયાળી’ લાગતી હોય પણ મને તો એનાં ગીત મધુરાં લાગે છે. એ સાહસી અને નટખટ પણ ખરી જ ! એક પગ પર ઊભા રહેવું એ કાંઈ જેવી-તેવી વાત છે ?! યોગીઓ તો એક પગે ઊભા રહીને માત્ર તપ કરે છે પણ મારી લંગડી તો એક પગે નાચે પણ છે ! માથું હલાવી-ડોલાવીને એ એક પગે નાચતી જાય અને ધીમે-ધીમે તડકાનો મખમલી પડદો ખોલતી જાય….

રોટલીના ટુકડા ખતમ થાય એટલે એ પાણીના કુંડિયા પાસે પહોંચે. કુંડિયા પર બેસીને પહેલાં તો બે-ત્રણ વાર એમાં ચાંચ બોળીને પાણીને ‘ચેક’ કરે ! પછી મોજથી પાણીનો એક ઘૂંટળો ગળે ઉતારે ! ડોક ઊંચી કરી, આંખો બંધ કરીને કોઈક મંત્ર બોલતી હોય એમ એકાદ પળ એ થંભે ને પછી બીજો ઘૂંટડો ભરે ! ધરાઈને પાણી પીધા પછી થોડી વાર કુંડિયા પર બેસી રહે. આંગણામાં એક આંટો મારે ને પાછી કુંડિયા પાસે જાય. શાંત જળના દર્પણમાં એ ધ્યાનપૂર્વક પોતાનું રૂપ નીરખે ! ડોકને આમથી તેમ વાળી-વાળીને બાબરી વ્યવસ્થિત કરે. છાતી કે પાંખો પર કાંઈ કચરો-બચરો ચોંટેલ હોય તો શરીર ફુલાવીને ખંખેરી નાખે. બધું બરાબર લાગે એટલે ફરીથી એક વાર એ બારી તરફ જુએ ને પછી ફર્રર્રર્ર… કરતી ઊડી જાય….

લંગડી મારી સવારને સભર બનાવી જાય ! એ બપોરે અને સાંજે પણ આવે. આવે ત્યારે કલબલનો કક્કો તરત સંભળાય ! ક્યારેક રોટલીના ટુકડા વેરવામાં મોડું થયું હોય કે પાણી ચોખ્ખું ના હોય તો એ ‘કૂચીક કૂચીક ચીકૂ ચીકૂ…’ એમ બેસૂરા ગીતો ગાઈ-ગાઈને માથું પકવી નાખે ! મોટે ભાગે તો હું એને નારાજ ના થવા દઉં. મારી ગેરહાજરીમાં મા એને લાડ લડાવે. મારી જેમ જ માનેય લંગડીનો સથવારો ગમે. મોટે ભાગે બપોરે તો મા જ એની મહેમાનગતિ કરે. ખાલી માળા જેવું ઘર, લંગડીના કલબલાટથી હર્યુંભર્યું લાગે ! મૂળ તો એ લંગડી નહોતી. એક સાંજે શેરીના ખૂણા પરના ઈલેક્ટ્રિકના થાંભલા પર એ બે-ચાર સહિયરો સાથે બેઠી હતી. હું ફળિયામાં ખાટલે બેઠો, ચોપડી વાંચતો-વાંચતો થોડી વારે એને જોઈ લેતો હતો. એ કલબલ-કલબલ ગાવામાં મશગૂલ હતી. એવામાં અચાનક થાંભલા પર ભડકો થયો ! બે કાબરો તો ત્યાં જ ભડથું થઈ ગઈ ! એ ઊડતી-ઊડતી આવીને પડી છેક મારા પગ પાસે ! ‘ટ્રીચીક ટ્રીચીક…’ કરતી એ ચીત્કારતી હતી. એનું દુઃખ મારાથી જોવાયું નહીં. મેં એને હળવેકથી હાથમાં લઈ લીધી. પણ આ શું ?! એનો એક પગ શરીરથી નોખો પડી ગયો ! લોહી નીકળતું હતું. મારા ખોબામાં એ તરફડતી હતી. માએ તાબડતોબ એના પગની ખાલી પડેલી જગ્યામાં રૂનાં પૂમડાં ભરાવી દીધાં. થોડી વારે એ શાંત થઈ. મેં એને એક નાનકડા ટોપલામાં બેસાડીને ટોપલો ઓસરીમાં મૂક્યો. માએ એને રોટલીના ટુકડા અને બાફેલા ચોખા આપ્યા પણ એણે કશું ખાધું નહીં. ટોપલામાં એ નિમાણી થઈને બેઠી રહી. રાત આખી અમે અજંપામાં વિતાવી. વહેલી સવારે મેં જોયું તો ટોપલામાં એ શાંત બેઠી હતી. મારા જીવને ટાઢક થઈ.

દિવસ ઊગ્યો. નહાઈને હું ઓસરીમાં આવ્યો ત્યાં તો એ ટોપલામાંથી બહાર નીકળીને ભોંય પર બેઠી હતી. હું એની નજીક ગયો તો ઊડીને એ છેક ફળિયામાં ઝાડ પર પહોંચી ગઈ. મેં જોયું કે એક પગે બેસવામાં એને તકલીફ પડતી હતી. તેમ છતાં પ્રયત્નપૂર્વક પાંખો ફફડાવી-ફફડાવીને એ ‘બેલેન્સ’ કરતી હતી ! માએ ફળિયામાં રોટલીના ટુકડા વેર્યા. થોડી વાર પછી નીચે ઊતરીને એણે થોડું ખાધું ને પછી ઊડી ગઈ. મા અને હું, એની ચિંતામાં હતાં કે, હવે એનું શું થશે ? એક પગ વિના એને કેટલી મુશ્કેલી પડશે ! પણ અમારી ચિંતા અને ધારણા ખોટી પડી ! બપોરે એ પાછી આવી ત્યારે આનંદમાં હતી ! જાણે કશું બન્યું જ ન હોય એમ મોજથી રોટલીના ટુકડા અને ભાત ખાઈને એ પાછી ઊડી ગઈ ! બીજા દિવસની સવારે એ પાછી આવી ત્યારે તો ગીતો પણ ગાતી હતી ! ફરી પાછી સાંજે, કલબલનો રસ ઢોળવા એ હાજર થઈ ગઈ ! સાંજ, સવાર અને બપોર – એમ એનો આવવાનો ક્રમ નિયત થઈ ગયો. માએ એને લાડકું નામ આપ્યું – ‘લંગડી’.

આમ તો લંગડી નિયમિત આવે જ; પણ ક્યારેક એને આવવામાં મોડું-વહેલું થાય તો મારો જીવ થથરવા લાગે. એની તપાસ કરતાં, છેક પાછલા વરંડાના લીમડાની ડાળેડાળને હું જોઈ વળું. ત્યાંય લંગડી જોવા ન મળે તો ઈલેક્ટ્રિકના થાંભલે ને તાર પર નજર દોડાવું ! એની રાહ જોવામાં હું થાકું નહીં ! હું થોડો ઉદાસ થાઉં તો મા, મને આશ્વાસન આપે – ‘આ તો બધી અંજળની વાતું છે, દીકરા ! જેવું પંખીનું, એવું જ આપણા જીવતરનું ! ઘડીભરના મેળામાં મળવાનું ને પાછું ઘડીમાં વિખરાઈ જવાનું ! માયા રાખીએ તો આપણને જ દુઃખ થાય !’

….પણ લંગડીની માયા જ એવી છે કે મારું મન એમાંથી મુક્ત થઈ શકતું નથી ! ને આવી માયા, મારી સખી લંગડી પણ ધરાવતી જ હશે ને ?! મારી લાગણીનો પડઘો પાડતી હોય તેમ કાયમ, લંગડી જવાબ આપે છે : ક્વ્વુક ક્વ્વુક કૂચીક ચીક કૂચીક ચીક…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “લંગડી – કિરીટ ગોસ્વામી”

Copy Protected by Chetan's WP-Copyprotect.