- ReadGujarati.com - http://www.readgujarati.com -

ફોટાઓની કરમકહાણી…. – રતિલાલ બોરીસાગર

[હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરના (અમદાવાદ) થોડા સમય અગાઉ પ્રકાશિત થયેલા પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ શ્રી રતિલાલભાઈનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

ગઈ દિવાળી ઉપર એક સામાયિકના તંત્રીએ મારો લેખ અને સાથે મૂકવા મારો ફોટો મગાવ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાના ફોટોગ્રાફર જગન મહેતા (જગનદાદા) એ મારા ફોટા પાડેલા અને એ ફોટાની નૅગેટિવ મારી પાસે હતી. એ ફોટા મોકલવાનું મેં નક્કી કર્યું. હું પોતે ઘણો સામાન્ય માણસ છું, પણ અસામાન્ય માણસો સાથે મારી સરખામણી થઈ શકે એમ છે. જેમકે, મહાત્મા ગાંધીના ફોટા પાડનાર જગનદાદાએ મારા ફોટા પાડ્યા હતા, પ્રસિદ્ધ મ્યુઝિક ડિરેક્ટર કલ્યાણજી આણંદજીનું ફર્નિચર બનાવનાર સુથારે, ઉછીના પૈસા લઈને ખરીદેલા, મારા ફલૅટનું ફર્નિચર બનાવ્યું હતું; ભાવનગરના પ્રજાવત્સલ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીની શેરવાણી સીવનાર દરજીએ મારાં કપડાં સીવ્યાં છે, હજુ સીવે છે !

લેખ તો મેં થોડો મોડો, પણ મોકલી આપ્યો. પણ ફોટો મોકલવામાં ઘણો વિલંબ થયો. સોમવારે બતાવવાનું લેસન ગુરુવારે કે કોઈ વાર તો પછીના સોમવારે હું બતાવતો ત્યારે અમારા એક શિક્ષક ‘કલ કરો સો આજ કરો, આજ કરો સો અબ’વાળી ઉક્તિ અવશ્ય કહી સંભળાવતા. જોકે લેસન તપાસવાનું કામ એ બીજા દિવસ ઉપર ઠેલતા અને કેટલીક વાર એ બીજો દિવસ આવતો પણ નહિ ! આથી જોકે ‘ગુરુનું જીવન એ જ એમનો સંદેશ’ એવો ભાવ મારા હૃદયમાં દઢ થયો ને દરેક કામ તરત ને તરત કરવાને બદલે બને એટલું મોડું કરવાનો અથવા બને તો ન જ કરવાનો નિયમ મેં સ્વીકાર્યો. આ નિયમને કારણે જ લેખ ભલે થોડો મોડો (જોકે તંત્રીના મતે ઘણો મોડો) પણ મેં મોકલ્યો, પણ ફોટો મોકલવાનું લંબાતું ગયું. છેવટે તંત્રીની કડક ઉઘરાણી આવી. એટલું જ નહિ, ફોટો સમયસર નહિ મળે તો ફોટા વગર જ લેખ છાપી દેવાની એઓશ્રીએ ધમકી પણ આપી. મારા લેખો બધા જ સારા હોય એવું બનતું નથી, પણ મારા ફોટા બધા જ સારા આવે છે (ફોટોગ્રાફરને કારણે). એટલે વાચકો મારા લેખથી પ્રભાવિત થાય કે ન પણ થાય, પરંતુ જગનદાદાએ પાડેલા મારા ફોટાથી જરૂર પ્રભાવિત થશે એવી મને શ્રદ્ધા હતી. એટલે ઉઘરાણીપત્ર મળ્યો એ જ દિવસે હું એક સ્ટુડિયો પર ગયો ને સાત ફોટાની નૅગેટિવ આપી એકએક નકલ કાઢી આપવા કહ્યું. અર્ધા પૈસા ઍડવાન્સ રૂપે લઈ, સ્ટુડિયોના સંચાલકે મને પહોંચ આપી તથા પછીના દિવસે ફોટા લઈ જવા જણાવ્યું.

બીજે દિવસે મારે અચાનક બહારગામ જવાનું થયું. અઠવાડિયા પછી પાછો આવ્યો. સામાયિકના તંત્રીને થોડું વધુ મોડું થશે એવી જાણ કરી દીધી હતી, પણ હવે ‘થોડું વધુ મોડું’ને બદલે ‘વધુ થોડું મોડું’ ન થાય એવી ભાવનાથી બહારગામથી આવીને તે જ દિવસે ફોટા લઈ આવવાનો મેં નિર્ણય કર્યો. આ માટે પેલી રસીદ શોધી, પણ રાબેતા મુજબ જડી નહિ. ઘરનાંઓને પૂછું તો ગમે તે વસ્તુ ગમે ત્યાં મૂકી દેવી ને પછી ઘાંઘા થવું એ વિશે આબાલવૃદ્ધ સૌનાં વચનો સાંભળવાં પડે. એટલે પહોંચ વગર સ્ટુડિયોમાં પહોંચી ગયો.

‘પહોંચ લાવો.’ સ્ટુડિયોના સંચાલકે કહ્યું.
‘પહોંચ નથી.’ હું ઉવાચ.
‘તો ફોટા ન મળે.’
‘હેં ! મારા ફોટા અને મને ન મળે ? ફોટા જોઈ – મને જોઈ – પછી ખાતરી થાય કે મારા ફોટા છે તો જ આપજો.’
‘પહોંચ વગર ફોટા જડે જ નહિ ને !’
‘ડુપ્લિકેટ નકલ – પહોંચની હશે ને ?’
‘ના, આની ડુપ્લિકેટ નકલ ન હોય. બિલ બને પછી જ બિલની ડુપ્લિકેટ બને.’
‘તો મારે ફોટા મેળવવા શું કરવું ?’
‘પહોંચ લઈ આવો.’
‘ધારો કે પહોંચ ન જ મળે તો ?’
‘તો ફોટા ન મળે. એમાં ધારવાનો પ્રશ્ન જ નથી. ફોટા નહિ જ મળે – ચોક્કસ.’
‘આ તો ખરું કહેવાય ! જોકે ખરું ન કહેવાય; ખોટું કહેવાય. જુઓ, મારે ફોટા જોઈએ જ છે.’
‘બરાબર. પણ એ માટે મારે પહોંચ તો જોઈએ જ.’
‘પણ પહોંચ મળતી નથી એનું શું થાય ?’
‘કશું ન થાય. ફોટા ન મળે.’

‘પણ જે દિવસે મેં ફોટાની નૅગેટિવો આપી હતી એ દિવસ, એટલે તારીખ મને યાદ છે’ કહી મેં એમને તારીખ અને સમય કહ્યાં. સમય તો સેકંડો સાથે કહ્યો. આટલી ચોકસાઈથી હું તારીખ અને સમય કેમ યાદ કરી શક્યો તેની મને જ નવાઈ લાગી હતી. સ્ટુડિયોના સંચાલકશ્રી તો છક થઈ ગયા હોય એવું લાગ્યું. જે માણસને પહોંચ ક્યાં મૂકી છે એ યાદ નથી એને નૅગેટિવ આપ્યાનાં તારીખ-સમય આટલી ચોકસાઈથી કેવી રીતે યાદ છે એ એની સમજમાં ન ઊતર્યું હોય એમ લાગ્યું. મારા પ્રત્યે એના હૃદયમાં સદભાવ જન્મ્યો કે નહિ તે કહી શકાય તેમ નહોતું, પણ એના હૃદયમાં અપાર કુતૂહલ તો જન્મ્યું જ હશે એમ એના ચહેરા પરના આશ્ચર્યના ભાવો જોઈ મને લાગ્યું. મેં કહેલાં તારીખ-સમય સાચાં છે કે નહિ તેની ખાતરી કરવા એમણે રજિસ્ટર ખોલ્યું ને ચકાસ્યું. એની (અને મારી પણ) ભારે નવાઈ વચ્ચે મારું નામ નીકળ્યું, પણ મારું નામ જોઈને તરત જ એ બોલ્યા, ‘આ ફોટાઓની ડિલિવરી તો થઈ ગઈ છે.’
‘પણ તમે કહો છો ને કે પહોંચ વગર ડિલિવરી ન જ થાય.’
‘તે ન જ થાય ને ! પણ થઈ ગઈ છે, એનું શું ? તમે ફોટા લઈ ગયા છો ને તમને યાદ નથી ?’
‘હું ક્યાં ફોટા લઈ ગયો છું ? હું તો બહારગામ ગયો હતો. આજે જ આવ્યો. મારું રૂપ લઈને ભગવાન ફોટા લઈ ગયા હશે એવું માનવાનું મારું મન ના પાડે છે.’
‘તો, તમારા ઘરના મેમ્બરોમાંથી કોઈ લઈ ગયું હશે.’
‘પણ મારા કહ્યા વગર ? હું કોઈ કામ ચીંધું છું તો ઘરનાં માણસો કરે છે એની ના નહિ, પણ મારા કહ્યા વગર તેઓ કામ કરે એવો ચમત્કાર હજુ બન્યો નથી.’
‘તે હું કંઈ ન જાણું. અમે પહોંચ વગર ફોટા આપતા જ નથી. પહોંચ લઈને કોઈ આવ્યું હશે તો જ અમે ફોટા આપ્યા હશે.’
‘અચ્છા ! હું અત્યારે નવો ફોટો પડાવું તો મને સાંજે જ ફોટો મળી શકશે ?’
‘હા. રોલમાં એક જ ફોટો છે એટલે શક્ય બનશે.’
મેં નવો ફોટો પડાવ્યો. આમ ભલે હું ખાસ હસી શકતો નથી, પણ ફોટો પડાવતી વખતે હસવાનો પ્રયત્ન કરું છું ખરો, પણ તે દિવસે હસવાનો મારો પ્રયત્ન નિષ્ફળ ગયો.

ફોટો પડાવ્યા પછી હું ઘેર આવ્યો. બનેલી દુર્ઘટનાની વાત કરી. પુત્રવધૂ એકદમ અંદર ગઈ ને એક કવર લાવી મારા હાથમાં મૂક્યું.
‘આ શું છે ?’ મેં પૂછ્યું.
‘ફોટા છે.’
‘ફોટા ? કોના ?’
‘તમારા. તમે તે દિવસે બહારગામ જતી વખતે પહોંચ આપી ફોટા લઈ આવવાનું કહેલું અને હું લઈ આવેલી.’ મને કશું યાદ ન આવ્યું. પણ સ્ટુડિયોના સંચાલક સાચા હતા. હું ફોટાની મિસડિલિવરી થઈ છે એમ માનતો હતો પણ ફોટાની નેચરલ ડિલિવરી જ થઈ હતી !

[ કુલ પાન : 136. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]