[પુનઃપ્રકાશિત : વઢવાણમાં જન્મેલા લેખક પોતે શિલ્પી છે, તેમણે અનેક શહેરોમાં મંદિર તેમજ શિલ્પ સ્થાપત્યના નિર્માણનું કાર્ય કર્યું છે. મુંબઈની વિવિધ આર્ટગેલેરીઓમાં તેમના પ્રદર્શનો યોજાયા છે. ‘શિલ્પી ઍકેડમી’, ‘શિલ્પી સમાજ’, ‘મુંબઈ લોખંડવાલા ગુજરાતી સમાજ’ ના તેઓ ઉપપ્રમુખ રહી ચુક્યા છે. શિલ્પ સ્થાપત્યના તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. મુંબઈ દુરદર્શન, તેમજ ‘આસ્થા’ ચેનલ પર તેમના મંદિર સ્થાપત્યને લગતા વિવિધ પોગ્રામો પ્રસારિત થયા છે. તેમણે શિલ્પ સ્થાપત્ય પર ખૂબ ઊંડું સંશોધન કર્યું છે. તેમના અનેક પ્રકાશનો છે તેમજ તે સાહિત્ય પ્રવૃતિ સાથે પણ અનેક રીતે સંકળાયેલા છે. ]
ભારતીય શિલ્પ અને સ્થાપત્ય વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દેલવાડા, કુંભારિયા, રાણકપુર, તારંગા, પાલિતાણાનાં જૈન મંદિરો કે કન્હેરી, અજન્ટા-ઈલોરા, એલિફન્ટા, ખંડગિરિ, સાંચીનાં બૌદ્ધ સ્થાપત્યો કે સોમનાથ રુદ્રમહાલય, દ્વારકા, મોંઢેરાનાં હિન્દુ મંદિરો કે પછી સ્વામીનારાયણ સંપ્રદાયનાં મંદિરો કે વૈષ્ણવોની હવેલીઓ, પારસીઓની અગિયારીઓ, મુસ્લિમોની મસ્જિદો, ખ્રિસ્તીઓના ચર્ચ – આ બધા સ્થાનકો બાંધનારા શિલ્પીઓને કોઈ જાતિ, ધર્મ, સંપ્રદાય કે વર્ગ નથી હોતા. તેઓનો ધર્મ છે : શિલ્પ ધર્મ. આજે પણ તમે જોશો કે જ્યાં પથ્થર નીકળે છે તે મકરાણા ગામમાં મુસ્લીમ સમાજની 80% વસ્તી છે. તેઓ ખાણમાંથી પથ્થરો કાઢે છે એટલું જ નહીં તેઓ મંદિરો માટેનું કોતરકામ પણ કરે છે. વલસાડ પાસેના તીથલના સાધના કેન્દ્રમાં એક સરસ્વતીની મૂર્તિનું આબેહૂબ ચિત્ર એક મુસલમાન ચિત્રકારે દોર્યું છે. આમ જોવા જાવ તો બૂતપૂજા એટલે કે મૂર્તિપૂજા માં તેઓ નથી માનતા છતાં અહીં એ ચિત્રકારે સરસ્વતીની મૂર્તિનું ચિત્ર બનાવ્યું. કહેવાનો મતબલ એ છે કે કલાકારને કોઈ ધર્મ કે સાંપ્રદાયિકતા હોતાં નથી. તેમનો ધર્મ છે શુદ્ધ કલા.
અમદાવાદની કેટલીય મસ્જિદોમાં હિન્દુઓએ શિલ્પકામ કર્યું છે. અત્યારે દુબઈ, અબુધાબી વગેરે સ્થળે મસ્જિદ બાંધવા માટે પણ ભારતમાંથી હિન્દુઓ જાય છે. મુંબઈનું હરેકૃષ્ણ મંદિર હૉલેન્ડના આર્કિટેકટની ડિઝાઈન પ્રમાણે થયું છે ને એ ડિઝાઈન પ્રમાણે મકરાણાના ઘણા મુસ્લિમોએ એમાં કોતરકામ કર્યું છે. આપણે સિદ્ધરાજના જમાના સુધી પાછળ જઈએ તો સહસ્ત્રલિંગ તળાવ અને રાણકોવાવના શિલ્પકાર્ય દરમિયાન ઓડ કોમના મજૂરો કામ કરતા હતા. જેમાં જસમા નામની ઓડણ ઉપર સિદ્ધરાજ મોહિત થયા હતા તે કિસ્સો મશહૂર છે. અત્યારે ભારતમાં પ્રાચીન શૈલી અનુસાર શિલ્પકાર્ય કરનાર ત્રણ-ચાર જ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવે છે. ઓરિસ્સામાં ‘મહારાણા’, મધ્યપ્રદેશમાં ‘જાંગડ’, રાજસ્થાનમાં જયપુર તરફ ‘ગૌડ’ અને પશ્ચિમ ભારતમાં રાજસ્થાન, કચ્છ ગુજરાતમાં ‘સોમપુરા’ શિલ્પીઓ વસે છે. જેઓ કોઈ પણ પ્રકારના ધાર્મિક સંપ્રદાયમાં અટવાયા સિવાય મંદિર, મસ્જિદ, ચર્ચ, અગિયારી, હવેલી કે દેરાસર બાંધે છે.
આ શિલ્પ કોમો રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા હોય ત્યારે મંદિર, મહેલો અને વાવ-કૂવા બાંધતા. રાજ્યમાં અશાંતિ પેદા થવાનો ખતરો હોય ત્યારે કિલ્લાઓ બાંધતા. ‘ગુજરાતનો ભવ્ય ભૂતકાળ’ માં ડૉ. હરિલાલ ગૌદાની લખે છે કે ‘સૌરાષ્ટ્ર અનેક નાનાંમોટાં રજવાડામાં વહેચાઈ ગયું હતું. આ રજવાડાં કાયમ અંદરોઅંદર લડ્યાં કરતાં. સોમપુરા શિલ્પીઓ રોજી મેળવવા મંદિરો બાંધવાનું કામકાજ છોડીને કિલ્લાઓ બાંધવાના કામકાજમાં પડી ગયા હતા. દેલવાડાના દેરા જેવી ભવ્ય ઈમારતો બાંધનાર શિલ્પીઓ સાત દીવાલોવાળા મજબૂત કિલ્લાઓ અને મકાનો બાંધવામાં પડી ગયા હતા.’ છતાં, તેઓ શિલ્પી હોવાને કારણે કિલ્લાઓને પણ કોતરકામથી સુશોભિત કરતા. ડભોઈનો કિલ્લો હીરાધર શિલ્પીએ બાંધેલો તે એટલો સુંદર બનેલો કે તેના નામ ઉપરથી ‘હીરા ભાગોળ’ નામ પડ્યું.
શિલ્પીઓએ કિલ્લાઓમાં પણ પોતાનો કસબ અજમાવ્યો જ છે. કિલ્લાની નીચે દરવાજા પાસે એક સૈનિક ઊભો હોય અને બીજો સૈનિક કિલ્લાની ટોચ ઉપર ઊભો હોય છે. એને તાપ અને વરસાદના પાણીથી બચાવવા એક છત્રી કરેલી હોય છે. ટોચ ઉપરની એ છત્રીમાં ઊભો ઊભો ગામની ચારે દિશામાં જુએ છે. કોઈ હુમલો તો નથી આવી રહ્યો ને, જો કોઈ હુમલો આવતો હોય તો કિલ્લાની ટોચ ઉપરની છત્રીમાંથી નીચે ઊભેલા સૈનિકને કહેશે કે કિલ્લાના દરવાજા બંધ કરો ને તરત જ પેલો સૈનિક દરવાજા બંધ કરશે. આટલી ઊંચાઈએથી અવાજ સ્પષ્ટ રીતે પહોંચાડવા માટે અવાજને પરાવર્તિત કરી છેક નીચે સુધી લઈ જાય તેવી રીતે પથ્થરને અમુક કૉણ, અમુક દિશામાં ગોઠવવામાં આવે છે. અવાજને પરાવર્તિત કરી ધાર્યા સ્થળે લઈ જવાના આ જ સિદ્ધાંતનો ઉપયોગ શિલ્પીઓએ બીજાપુરના ગોળગુંબજમાં કર્યો છે. આમ, શિલ્પમાં કોઈ કોમ કે ધર્મ પ્રત્યે આભડછેટ રાખવામાં આવી નથી. ઊલટું, એકબીજાનું સારું જોઈને એકબીજાએ પરસ્પર અપનાવ્યું છે.
વાસ્તુદ્રવ્ય (અર્થાત મટિરિયલ્સ)માં આપણે સ્થાનિક પથ્થરોનો જ ઉપયોગ કરતા હતા. દા.ત. ગુજરાત, સૌરાષ્ટ્રમાં સેન્ડસ્ટોન કે લાઈમસ્ટોન જ વપરાતો. દ્વારકા, મોઢેરા, સોમનાથ કે રુદ્રમહાલય જેવા મહત્વનાં મંદિરોમાં પણ મારબલ ન વાપરતા, સ્થાનિક સેન્ડસ્ટોન જ વાપર્યો છે જ્યારે દેલવાડા, રાણકપુર, કુંભારિયામાં મારબલ વાપર્યો છે કારણકે ત્યાં મારબલની ખાણો (આબુ-અંબાજીમાં) છે જ્યારે પાલિતાણા કે ગિરનારના એજ શિલ્પીનાં જૈન મંદિરો વળી પાછા ત્યાંના કાડકડા અથવા બેલા નામના સેન્ડસ્ટોનમાંથી બનેલાં છે. જ્યારે મોગલ શૈલીનો તાજમહાલ આગ્રામાં બનાવવામાં આવ્યો ત્યારે ભારતમાં પહેલી વાર વાસ્તુદ્રવ્યનું સ્થળાંતર થયું ને ત્યારબાદ સ્થાનિક પથ્થરની જગ્યાએ મારબલ મંદિરોમાં પણ વપરાવવા લાગ્યો. મહેલો-મકાનોમાં જાળી, વેલબુટ્ટા પણ આપણે મોગલ શૈલીમાંથી લીધા છે.
માત્ર આપણે જ નહિ, એ લોકોએ પણ આપણી શૈલીનું અનુકરણ કર્યું છે. દા.ત. આપણે કીર્તિસ્તંભ, વિજયસ્તંભ કે ધર્મસ્તંભ બનાવીએ છીએ, એ લોકો મિનારા બનાવે છે. દા.ત. અમદાવાદના ઝૂલતા મિનારા, કુતુબમિનાર વગેરે. શિલ્પીઓ અહીંના હોય કે ત્યાંના, સ્વધર્મી હોય કે વિધર્મી હોય, કલાકૃતિની બાબતમાં તેમની વચ્ચે ગજબની એકતા જોવા મળે છે. એકબીજાની સારી વાત અપનાવવા તેઓ તૈયાર હોય છે.
મોટે ભાગે બૌદ્ધ સ્થાપત્ય ગુફાઓમાં કંડારાયું છે. આપણે જોઈ શકીએ છીએ કે ઈલોરામાં પણ બુદ્ધ ગુફાની બાજુમાં જ હિન્દુઓનું કૈલાસ મંદિર જોવા મળે છે. જૈનોની પણ 30 થી 36 નંબરની ગુફાઓ છે. ખંડગિરિ-દેવગિરિમાં પણ જૈન ગુફાઓ છે. ખજૂરાહોમાં પણ જૈન ધર્મ અને હિન્દુ ધર્મનાં મંદિરોનો સમૂહ તદ્દન બાજુબાજુમાં છે. તમે વિચાર કરો કે એક જ પહાડને કોતરીને કરવામાં આવેલી ઈલોરાની ગુફામાં કે ખજૂરાહોમાં તે કાળના મહત્વના ધર્મોનાં સ્થાપત્યો બાજુબાજુમાં જોવા મળે તે કેટલી મોટી એકતાની વાત ગણાય. શિલ્પીઓની એકતાને કારણે આ ત્રણ ધર્મો આટલા નજીક દુનિયાની અજાયબી બનીને આજે પણ અસ્તિત્વ ધરાવે છે.
9 thoughts on “શિલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા – હરિપ્રસાદ સોમપુરા”
‘એક જ પહાડને કોતરીને કરવામાં આવેલી ઈલોરાની ગુફામાં કે ખજૂરાહોમાં તે કાળના મહત્વના ધર્મોનાં સ્થાપત્યો બાજુબાજુમાં જોવા મળે તે કેટલી મોટી એકતાની વાત ગણાય. શિલ્પીઓની એકતાને કારણે આ ત્રણ ધર્મો આટલા નજીક દુનિયાની અજાયબી બનીને આજે પણ અસ્તિત્વ ધરાવે છે’
.’શિલ્પ ક્ળાના નિષ્ણાત દ્વારા સરળ ભાષામા સુંદર સમજૂતિ
ખૂબ સુન્દર લેખ્..Excellent informative article…
good article
“કુદરતને તો બક્ષી થી હમેં એક હી ધરતી, હમને કહીં ભારત કહીં ઈરાન બનાયા”
અફસોસ…..કે ભારતનાં અને દુનિયાનાં ઘણાં અમૂલ્ય સ્થાપત્યો આવી જ ગેરસમજમાં અને વિજયનાં અહમને કારણે તોડી પડાયા. અહમતો જે તે વિજેતાઓની સાથે જ મરી ગયો પણ મને ઘણીવાર થાય કે સોમનાથનું પ્રથમ મંદિર આજેપણ અડીખમ હોત તો તે કેટલું ભવ્ય હોત. બામિયાનનાં બુધ્ધની ભવ્ય પ્રતિમા તોડી પડાઈ ત્યારે દુનિયાભરનાં કલા અને ઈતિહાસ પ્રેમીઓનાં દિલ રોયા હતાં.
પાકિસ્તાનમાં રહેલાં મંદિરોની અને મૌર્ય સંસ્કૃતિનાં ગૌરવ સમી તક્ષશિલા યુનિવર્સીટીની પણ કાંઇક આવી જ હાલત થઈ હશે?
ઈજીપ્તનાં પ્રવાસ દરમ્યાન એક આશ્ચર્ય જોયું……તેમની ૪૦૦૦ વર્ષ જુની સંસ્કૃતિમાં ઇજીપ્તનાં સ્થાનિક લોકોને જાણે કોઈ રસ ન હોય તેવું લાગ્યુ. બધી જ જગ્યાઓ પર ફક્ત અને ફક્ત વિદેશીઓ જ ફરતા દેખાયા. ફક્ત લક્ષોરનાં મંદિરમાં થોડા સ્થાનિક સ્કુલનાં બાળકો પ્રવાસે આવેલાં દેખાયેલાં. કારણ કદાચ ગરીબી હશે…? કદાચ ધર્મ હશે….? કદાચ શિક્ષણ હશે…..? કદાચ રાજકીય ડર હશે….? કોણ જાણે….?
ભારતમાં જો તમે તાજમહાલ જોવા જાવ અને માત્ર વિદેશીઓજ ત્યાં દેખાય તો કેવી લાગણી થાય?
જગત ભાઈ, ખુબ જ સાચી વાત કહી તમે. આપ્ણે જ આપણી સન્સક્રુતિ ના સાચવી શકીયે અને બીજા ને દોષ આપી એ એવુ થયુ.
આભાર્
યોગેશ્.
ખુબ સરસ માહિતિ સભર , ખુબ ખુબ અભિનન્દન્
શિલ્પ સ્થાપત્ય પર પ્રકાશ પાડતો સુંદર લેખ.
આજના આધુનિક મંદિરો સ્થાપત્ય કળામાં પણ બેનમુન કારિગીરી દર્શાવે છે.
ભારતવર્ષના આધુનિક મંદિરોમાં સ્થાપત્ય કળાનું ઉત્કૃષ્ઠ દર્શન નવી દિલ્હીના અક્ષરધામમાં થાય છે.
સંપ્રદાય મુક્ત મન રાખીને જો અક્ષરધામની મુલાકાત લેવામાં આવે તો જરાય નિરાશ ના થવાય.
મંદિરો ફક્ત ઈશ્વર કેન્દ્રિત જ ના હોવા જોઈએ. મંદિર સંસ્કૃતિનું ઘડતર કરનારૂં કેન્દ્ર પણ હોવું જોઈએ.
નવી દિલ્હીના અક્ષરધામની સ્વચ્છતા આંખે ઉડીને વળગે છે. સુંદર બગીચો મનમોહક છે. બોટમાં ફરીને
ભારતીય સંસ્કૃતિનું દર્શન અદભુત છે. સમગ્ર આયોજન શિસ્તબધ્ધ છે અને એટલે જ છેક દક્ષિણ ભારતથી
મુલાકાતીઓનો ધસારો રહે છે. મંદિરો સ્થાપત્ય કલામાં ઉત્કૃષ્ઠ અને સ્વચ્છ સુઘડ હોય તે સૌને ગમે.
ભારત વર્ષને અક્ષરધામની અદભુત ભેંટ આપવા માટે બેપ્સનો ઘણો આભાર.
આભાર.
very informative very good
Precise and concise information on Ship and Sthaptya. Well shared. Thanks.