મુક્તિ – પ્રકાશ લાલા

[‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર. નાટક ભજવતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે. આ માટે આપ લેખક શ્રી પ્રકાશભાઈનો (ગાંધીનગર) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9426084632.]

[પાત્રો]

કિશન (સીંગચણા વેચનારો)
સાગર (પબ્લિક પાર્કમાં વાંચવા આવતો કૉલેજનો વિદ્યાર્થી)
સુરેશભાઈ, ચંપકભાઈ, ગુણવંતભાઈ, પ્રમોદરાય, બળવંતભાઈ (નિવૃત્તો-વયસ્કો)
ભદ્રાબહેન (બળવંતરાયનાં પત્ની)
બટુક (પ્રમોદરાયનો પૌત્ર)

સ્થળ : શહેરનો પબ્લિક પાર્ક
સમય : સાંજના 6:00ની આસપાસનો.

(સીંગચણા વેચનારો યુવાન કિશન બગીચામાં સીંગચણા વેચતો ફરી રહ્યો છે. કોઈ આવતું જતું, બગીચામાં બેઠેલું એની પાસેથી સીંગ ખરીદે છે….)

કિશન : ‘એ….ઈ…… કડક મીઠી ભરૂચની સીંગ ખાવ….. બદામ જેવી સીંગ….. ગરમાગરમ સીંગ ખાવ… એ…ઈ… સીંગ….લો…..’ (એક બાંકડા પાસે આવીને ઊભો રહે છે.) ‘એ…ઈ…. ભરૂચની કડક મીઠી સીંગ ખાવ….’
સાગર : (હાથમાં પુસ્તકો સાથે ત્યાં આવે છે.) ‘ભાઈ, પાંચ રૂપિયાની સીંગ આપને…..’
કિશન : ‘આપું સાહેબ…. (સીંગ તોલે છે, પડીકું બાંધતાં….) અહીં તમે વાંચવા આવો છો ને ? વાંચી લીધું ? હવે ઘેર જશો, કેમ ?’
સાગર : (પૈસા આપી, પડીકું લેતાં) ‘ના, દોસ્ત. હજી ઘેર જવાની વાર છે…. આજનો વાંચવાનો મારો ટાર્ગેટ હજી પૂરો થયો નથી…’
કિશન : ‘તો પછી નીકળ્યા કેમ ?’
સાગર : ‘એક તો બેસીને ને વાંચીને કંટાળ્યો હતો ને પેટમાં ઊંદરડાય દોડવા માંડ્યા હતા. થયું કે થોડી સીંગ ખાઉં….. પણ તું અમારા કોર્નર તરફ તો આવતો નથી એટલે સીંગ લેવા મારે અહીં આવવું પડ્યું….’
કિશન : ‘અરે…પણ ભાઈ, બગીચાના એ ખૂણામાં તમારા જેવા બધા ભણનારા વાંચતા બેઠા હોય છે… હું એ તરફ આવું તો તમને બધાંને વાંચવામાં ખલેલ પડે ને એટલે હું….’
સાગર : ‘એમ વાત છે ? પણ તારા સિવાય ચણા જોર ગરમવાળો ને ખારેક ને ભેળવાળો – બધાય ફેરિયા આખા બગીચાની જેમ અમારી તરફ આવે જ છે ને….’
કિશન : ‘એ બધા આવતા હશે….. મેં તો મારા મનથી નક્કી કર્યું છે કે બગીચામાં વાંચવા આવનારા વિદ્યાર્થીઓને બને ત્યાં સુધી ખલેલ ના પહોંચાડવી….’
સાગર : ‘અરે પણ…’
કિશન : ‘ભાઈ, મને ખબર છે કે પોતાના ઘરે નિરાંતે વાંચવાની પૂરતી સવલત ના હોય એવા છોકરાઓ મજબૂરીથી બગીચામાં વાંચવા આવતા હોય છે. હું પણ એમ જ ભણ્યો છું….’
સાગર : ‘વાહ ! તું ભણેલો છે, ભાઈ ?’
કિશન : ‘હા, ગ્રેજ્યુએટ થયેલો છું.’
સાગર : ‘સરસ….પણ હું એમ પૂછું છું કે એક તું અમારા કોર્નર તરફ ન આવે તેથી શું થવાનું ?’
કિશન : ‘એટલી ખલેલ તો તમને ઓછી પડવાની ને !’
સાગર : ‘તારી વાત સાચી પણ….’
કિશન : ‘સાહેબ, સમાજમાં દરેક વ્યક્તિ એમ માને કે મારા એકના આમ કરવાથી કે આમ નહીં કરવાથી કશો ફરક નથી પડતો તો એ ખોટું છે.’
સાગર : ‘એ તો છે જ….’
કિશન : ‘હું તો માનું છું કે દરેક દરેક વ્યક્તિના પ્રદાનથી જ સમાજ કંઈક હાંસલ કરી શકે છે અને દરેકે દરેક વ્યક્તિની નિષ્ક્રિયતાથી સમાજ કંઈક ગુમાવે છે…એટલે જ….’
સાગર : ‘એટલે શું ?’
કિશન : ‘એટલે માણસ પોતે જે કરી શકે તે એણે કરવું જ જોઈએ…. બીજા ફેરિયાઓને તમને ખલેલ પહોંચાડતાં હું રોકી ના શકું પણ હું પોતે તો એમ કરી શકુંને ?’

(ત્યાં રોજ પાર્કમાં આવતા નિવૃત્ત વડીલ સુરેશભાઈ જે ક્યારનાય આવીને આ બંનેની વાત સાંભળતા હતા તે નજીક આવી બાંકડા પર બેસે છે.)

સુરેશભાઈ : ‘વાહ કિશન, વાહ ! મેં તમારી વાત સાંભળી છે….તારા વિચારો ખૂબ ઊંચા છે…’
કિશન : ‘આવી ગયા, કાકા તમે ? કહેવું પડે, હોં….. સાંજના છ ના ટકોરે તમે બગીચામાં અચૂક આવી જ ગયા હોવ છો !’
સુરેશભાઈ : ‘ભાઈ, હું રહ્યો રીટાયર્ડ માણસ એટલે નકામો. મારે બીજો કોઈ કામ ધંધો નહીં. એટલે સવારે મંદિરનો ઓટલો, બપોરે ઘરનો ઓટલો ને સાંજ પડ્યે મિત્રો સાથે ગપાટાં મારવા પબ્લિક પાર્કનો આ બાંકડો… હવે આ જ મારી પ્રવૃત્તિ છે….’
કિશન : ‘કાકા, એવું તે હોતું હશે ? નિવૃત્ત માણસ એટલે કંઈ એ નકામો થઈ ગયો, એને કંઈ કામ ધંધો નહીં, એવું કોણે કહ્યું ?’
સુરેશભાઈ : ‘મારા ઘરનાં માણસો એવું માને છે…. દીકરાની વહુ માટે હું બે વારની ચા ને બે વારના જમવાનો ઘરાક છું. કમાતો બંધ થયો પછી એથી વિશેષ મારું કોઈ અસ્તિત્વ હવે રહ્યું નથી.’
સાગર : ‘અને કાકી ?’
સુરેશભાઈ : (દુઃખી થઈ) એ આ સંસારમાંથી વિદાય લઈને સુખી થઈ ગઈ છે !’
સાગર : ‘ઓહ ! માફ કરજો અંકલ, પણ બધા જ ઘરડા માણસોની આવી દશા થતી હશે ?’
કિશન : ‘કાકા, તમારા પરિવારજનો એવું માને છે કે પછી એ બધા એવું માને છે એવો પૂર્વગ્રહ છે તમને ? અને હા, બગીચાના બાંકડા પાર્ટીના તમારા બીજા સભ્યોનું પણ આવું જ હશે ? એ બધાય નકામા ?’
સુરેશભાઈ : ‘એની બહુ ખબર નથી પણ સાંજ પડ્યે બધા અહીં ભેગા થઈએ છીએ ખરા….’
સાગર : ‘ભેગા બેસો છો તે બધા પોતપોતાની ક્યારેક વાત તો કરતા હશે ને…’
સુરેશભાઈ : ‘ના, દીકરા…. આ તો આણે પૂછ્યું એટલે મારાથી જરા ઊભરો ઠલવાઈ ગયો…. બાકી….’
કિશન : ‘બાકી શું, કાકા ?’
સુરેશભાઈ : ‘એક તો આવી વાતો કાઢવી એટલે જખ્મો ખોતરવા ને દર્દ વધારવું…. ને બીજું, કેટલાક માને છે કે બંધ મુઠ્ઠી લાખની તો કેટલાક સાચું બોલે નહીં….. એટલે આવી વાતો કરવાના બદલે અલકમલકની વાતો કરીને સાંજના બે કલાક આનંદમય શું કામ ન બનાવવા ?’
સાગર : ‘એ વાત પણ સાચી….’
કિશન : ‘હા…. કહ્યું છે ને કે જે ઘડી મળી છે તેને માણી લેવી. કાલ કોણે જોઈ છે ?!’
સુરેશભાઈ : ‘કિશન, સાવ સાચું બોલ્યો, તું.’

કિશન : ‘તમારી મંડળીના બીજા સભ્યો હજી દેખાયા નહીં, કાકા…. તમે વહેલા છો કે બીજા આજે મોડા છે ?’
સુરેશભાઈ : ‘આવતા હશે ધીરે ધીરે…. જો ને આજે ગુરુવાર છે એટલે ગુણવંતભાઈ સાંઈબાબાના મંદિરે ગયા હતા. એટલે બસ મળવામાં મોડું-વહેલું થયું હશે એમને !’
સાગર : ‘એ અંકલ દર ગુરુવારે સાંઈબાબાના દર્શને જાય છે.’
સુરેશભાઈ : ‘હા, પણ મને એ સમજાતું નથી કે આ ઉંમરે ગુણવંતભાઈએ કંઈ બધા માટે સાંઈબાબાના ગુરુવાર ભરે છે !’ (ત્યાં ચંપકભાઈ આવે છે….) ‘લો, આ આવી ગયા શેરબજારના શેર, ચંપક મહેતા… આવો….’ (ખસીને બાંકડા પર જગા કરે છે.)
ચંપકભાઈ : ‘સુરેશભાઈ, મજામાંને ? અને હા, એક વાત કહું ? ગુણવંતભાઈ એમની કોઈ ઈચ્છાની મૂર્તિ માટે સાંઈબાબા નથી જતા.’
સુરેશભાઈ : ‘તો ?’
ચંપકભાઈ : ‘અરે એ તો સાંઈબાબા મંદિર ટ્રસ્ટ સંચાલિત મફત દવાખાનામાં દર ગુરુવારે સેવા આપવા જાય છે…. સમજ્યા ?’
કિશન : ‘ખરેખર ?’
ચંપકભાઈ : ‘હા, ગુણવંતભાઈ નિવૃત્તિમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈને સમયનો સદુપયોગ કરે છે…’
સાગર : ‘સાચી વાત છે…. નિવૃત્ત જીવનમાં સમાજોપયોગી પ્રવૃત્તિ…’
ચંપકભાઈ : ‘હા…..સુરેશભાઈ, આપણે પણ આવા કામમાં જોડાવું જોઈએ, હોં !’
સુરેશભાઈ : ‘હા…. પણ ગુણવંતભાઈએ આપણને અહીં આ વાત કદી કહી નથી….’
ચંપકભાઈ : ‘એ થોડા શરમાળ પ્રકૃતિના છે એટલે પોતે સેવાકાર્યમાં જાય છે એમ એમના મોંએથી કદી ના કહે…. મને તો એક દિવસ એ ત્યાં મળી ગયા એટલે ખબર પડી.’
સુરેશભાઈ : ‘આજે આવે એટલે એમની વાત છે.’
સાગર : ‘કાકા, તમે કહેતા હતા ને કે નિવૃત્ત એટલે નકામા….’
કિશન : ‘પણ ગુણવંતકાકાની વાત જાણ્યા પછી લાગે છે કે આપણે હાથ પગ ચાલે ત્યાં સુધી, તબિયત સાથ આપે ત્યાં સુધી કંઈક ને કંઈક પ્રવૃત્તિ જરૂર કરી શકીએ, ખરુંને કાકા….?’
સુરેશભાઈ : ‘હા…ભાઈ, પણ મારા ઘરના લોકોને મન પ્રવૃત્તિ એટલે જેમાંથી બે પૈસા મળે તે… હું હવે કમાઉં નહીં એટલે મારી કોઈ કિંમત નહીં…’
ચંપકભાઈ : ‘સુરેશભાઈ, આ તમે શું કહો છો ?’
સુરેશભાઈ : (સંકોચથી) ‘સૉરી, પાછો મારાથી દિલનો ઉભરો ઠલવાઈ ગયો….’
ચંપકભાઈ : ‘ના, હું નથી માનતો કે તમારાં દીકરો-વહુ આવું માનતાં હોય… કદાચ આપણો ખોટો ખ્યાલ, આપણો એમના તરફનો પૂર્વગ્રહ આપણને આમ માનવા પ્રેરતો હોય….’
કિશન : ‘હા, હું પણ એમને એ જ કહું છું…’
સુરેશભાઈ : ‘ના, બંને જણાં કહ્યા કરે છે તબિયત હજી સારી છે તોય આખો દિવસ ઘરે કેમ બેસી રહો છો ?’
ચંપકભાઈ : ‘એ ખરું પણ બહાર કમાવા જાવ એવું કહે છે ક્યારેય ?’
સુરેશભાઈ : ‘એવું સ્પષ્ટ ના કહે પણ….’
સાગર : ‘કાકા, બહાર જાવ એટલે કંઈક પ્રવૃત્તિમાં મન લગાવો તો તમે આનંદમાં રહો એવું પણ એમના કહેવાનો આશય હોય, ખરું કે નહીં ?’
કિશન : ‘એમ જ હોય…. આપણને ગ્રહો કરતાં આપણા પૂર્વગ્રહો વધુ નડતા હોય છે… એમાંથી મુક્ત થઈ શકાય તો જીવવાની મજા આવે….’

(સુરેશભાઈ ઊંડા વિચારમાં પડી જાય છે… કંઈ બોલતા નથી….)
ચંપકભાઈ : ‘સુરેશભાઈ… શું વિચારમાં પડી ગયા ?’
સુરેશભાઈ : ‘હં…હા…. તમે લોકોએ કહ્યું તેમ જ હશે એમ વિચારતો હતો…. ગુણવંતભાઈને કહીશ કે મનેય એમની સાથે કોઈ કામમાં લઈ જાય…’
સાગર : ‘યહ હુઈ બાત….અંકલ !’
(બધા હસે…. સુરેશભાઈ પ્રસન્ન દેખાય)

સુરેશભાઈ : ‘મહેતાજી, આજે શેરબજારના શા ખબર છે ?’
ચંપકભાઈ : ‘બજાર આજે થોડું ઊંચકાયું છે, પણ ભાઈ હું તો રોજ બપોરે માર્કેટમાં મિત્રોને મળવા જાઉં છું-ટાઈમપાસ… શેરોમાં રોકવા મારી પાસે મોટી મૂડી નથી.’
સુરેશભાઈ : ‘રહેવા દો, યાર…. બોલશો નહીં…. ક્યાંક ભગવાન તથાસ્તુ કહી દે તો ઉપાધિ થઈ જશે…’(હસે…)
કિશન : ‘લો, આ તમારા ત્રીજા સાથીદાર પણ આવ્યા….’ (પ્રમોદરાય પૌત્ર બટુકને લઈને આવે છે….)
ચંપકભાઈ : ‘પધારો, પ્રમોદરાય… કેમ મોડા પડ્યા ? બેસો….’ (બાંકડા પર જગ્યા કરે છે…)
સુરેશભાઈ : ‘કેમ છો, પંડ્યાજી ? વહુએ પોયરાને પરાણે વળગાડ્યાં છે ને ?’
પ્રમોદરાય : (બેસતા) ‘એવું નથી અવે…. (પૌત્રને…) બટુક, જા તારે ગાર્ડનમાં રમવું હોય તો જા… બહુ દૂર ના જતો, હોં બેટા !’
બટુક : ‘ભલે દાદાજી… હું ત્યાં લપસણી અને હિંચકા ખાવા જાઉં છું….’ (દોડી જાય છે.)
સુરેશભાઈ : ‘તમે ઢીલા છો, પ્રમોદભાઈ. વહુએ છણકો કરીને કહ્યું હશે ને તમારે બટુકને લાવવો પડ્યો હશે, ખરું ને ?’
પ્રમોદરાય : ‘ના રે એવું કશું નથી….’
ચંપકભાઈ : ‘અને કહ્યું હોય તોય શું થયું ? ઘરનાં માણસ કંઈ કામ સોંપે તો એમાં ખોટું શું કહેવાય ?’
સુરેશભાઈ : ‘મને તો વહુ આવો ઑર્ડર કરે તો ફટ દઈને ના પાડી દઉં.’
કિશન : ‘અરે પણ, ઘરના સભ્ય ઓર્ડર થોડો કરે… પોતાના સમજીને જ કામ સોંપેને !’
સાગર : ‘હા…. કોઈના કહેવાની સ્ટાઈલ કે ટોન એવાં હોય પણ એથી એ ઑર્ડર કર્યો થોડો કહેવાય…’
ચંપકભાઈ : ‘ના, આમ જુઓ તો વાતને કઈ રીતે લેવી આપણા હાથમાં હોય છે. દરેક વાત હકારાત્મક રીતે લઈએ તો દુઃખી ના થવાય….’
સાગર : ‘હા….પોઝિટિવ એપ્રોચ, રાઈટ ?’
સુરેશભાઈ : ‘તમે ના સમજો… એ લોકો એમ જ કરતાં હોય છે…. ખરુંને પ્રમોદરાય ?’
પ્રમોદરાય : ‘હેં ! ના, ના… આજે મને થોડી અશક્તિ જેવું લાગતું હતું સવારથી…. વહુએ તો કહ્યું કે પપ્પા આજે ગાર્ડનમાં જવાનું રહેવા દો…. પણ મેં જીદ કરી એટલે એણે કહ્યું…. એકલા ના જશો… રસ્તામાં ક્યાંક ચક્કર આવી જાય તો… સાથે બટુકને લેતા જજો… એટલે…’
સુરેશભાઈ : ‘જોયું, ચંપકભાઈ, વહુનું કેવું ઉપરાણું લે છે આ સસરાજી !’
પ્રમોદરાય : ‘જરાય ખોટું નથી બોલતો. મારો દીકરો ને વહુ બહુ સારાં છે. મારો ખૂબ ખ્યાલ રાખે છે.’
ચંપકભાઈ : ‘તો તો સારું કહેવાય… ને નહીં તોય ઘડપણમાં પુત્રવધૂ જ આપણને સાચવે છે એટલે એનાં વખાણ કરવામાં કે ઘરનાં બે કામ કરી એને રાજી રાખવામાં નાના નથી થઈ જવાતું… વહુ-દીકરાને મદદરૂપ થવામાં ખોટું શું છે, સુરેશભાઈ ?’
સુરેશભાઈ : ‘પ્રમોદરાય, તમે કહો છો કે તમારો દીકરો-વહુ સારાં છે ને તમારો બહુ ખ્યાલ રાખે છે તો સારી વાત છે. બાકી, નવી પેઢીને ઘરડાં મા-બાપ ગમતાં જ નથી !’
સાગર : ‘અંકલ, યહ બાત કુછ હજમ નહીં હુઈ ! તમે કોઈ બે-ચાર યુવાન વહુ-દીકરાનાં વર્તનના અનુભવના આધારે અમારી આખી યુવા પેઢીને બદનામ કરો તો બરાબર ના કહેવાય.’
સુરેશભાઈ : ‘એટલે ?’
પ્રમોદરાય : ‘એટલે એનું કહેવું એમ છે કે બધા દીકરા-વહુઓને વડીલો ગમતા નથી કે એમને માન નથી આપતાં એમ ન કહી શકાય.’
ચંપકભાઈ : ‘હાસ્તો….’
સાગર : ‘એમ તો કેટલાક વડીલો-વૃદ્ધો પંચાતિયા, કચકચિયા ને દરેક વાતમાં વાંક દેખા હોય એટલે અમે એમ કહીએ કે જૂની પેઢી, ઘરડા બધા નકામા, ખરાબ ? (સુરેશભાઈ સાગરની વાત સાંભળીને કંઈ જવાબ આપી શકતા નથી.)

ચંપકભાઈ : (વાત બદલતાં) ‘કહું છું, હજી આપણા બળવંતભાઈ સાહેબ આવ્યા નહીં ! આજે મોડા પડ્યા એ…’
બળવંતભાઈ : (પાસે આવતાં) ‘હાજર છું, હું આવી ગયો છું. ને સાથે જીવન સંગીનીને પણ લાવ્યો છું….’ (એમની વાત સાંભળી બધા હસી પડે છે…)
ચંપકભાઈ : ‘આવો સાહેબ, આવો…. મોડા પડ્યા છો પણ ભાભીને સાથે લઈને આવ્યા છો… એટલે દંડ માફ…’ (હસે છે….)
પ્રમોદભાઈ : ‘શાહ સાહેબ, સજોડે નીકળ્યા છો તે શોપીંગ કરી આવ્યા કે શું ?’
બળવંતભાઈ : ‘હા… મોલમાં ગયા હતા. આજે ભદ્રાનો બર્થ-ડે છે તે સાડી અપાવવા લઈ ગયો હતો…’
ચંપકભાઈ : ‘વાહ…..ભાભી, શોપીંગ કર્યું ને બરાબર !’
ભદ્રાબહેન : ‘હા…..વીન્ડો શોપીંગ બરાબર કર્યું મફતમાં એ જ શોપીંગ થઈ શકે ને….’ (બધા હસે….)
સુરેશભાઈ : ‘સાડી તો અપાવીને શાહ સાહેબે ?’
બળવંતભાઈ : ‘અપાવીને…. બાકી મોલમાં જે માલ હતો એનો ભાવ કમાલ હતો એટલે કે, રીટાયર્ડ માણસના ગજા બહારનો હતો એટલે વીન્ડો શોપીંગ કરીને પાછા આવ્યા.. અહીં આવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ભદ્રાને લઈને સીધો જ આવી ગયો….’
પ્રમોદરાય : ‘એ તો સારું કર્યું…. એ બહાને ભાભીને મળાયું…. હેપ્પી બર્થ ડે…’
બળવંતરાય : ‘અને હા…. ભદ્રાની વર્ષગાંઠ નિમિત્તે તમારા બધા માટે મીઠાઈ પણ લાવ્યાં છીએ…’
બધા : ‘હેપ્પી બર્થ-ડે મેની હેપ્પી રીટન્સ ઑફ ધ ડે….’
બળવંતરાય : ‘ભદ્રારાણી, બધાને મોં મીઠું કરાવો….’ (ભદ્રાબહેન થેલીમાંથી સ્વીટ બોક્સ કાઢી બધાને ધરે છે… બધા લે….છે !) કિશન, તું પણ લે. (ભાઈને (સાગરને)) તમેય લો ભાઈ…..’
કિશન : ‘કાકી, ભગવાન આપને આરોગ્યમય દીર્ઘાયુ બક્ષે અને કાકા તમારુંને કાકીનું દામ્પત્યજીવન આ બરફી જેવું મીઠું મીઠું બની રહો…. એવી અમારી શુભેચ્છાઓ છે….’

ભદ્રાબહેન : ‘થેન્ક્યુ ભાઈ…. તમે સરસ બોલો છો, હોં !’
સુરેશભાઈ : ‘છે સીંગચણાવાળો પણ એનું જ્ઞાન, એની ભાષા, એના વિચારો સરસ છે…’
સાગર : (સ્વાગત) ‘શું ગરીબાઈ, વ્યવસાય, કુટુંબ અને સંસ્કારને કોઈ સંબંધ હશે ખરો ?’
ચંપકભાઈ : (બીજો બાંકડો બતાવી) ‘બેસો ભાભી, બળવંતભાઈ બેસો…. (બન્ને બેસે છે) હં. તો સુરેશભાઈ આપણે વાત કરતા હતા કે એક અનુભવના આધારે સર્વસમાન્ય ધારણા બાંધી ના લેવાય. યુવાનો બધા જ ક્યારેય ખરાબ નથી હોતા અને વયસ્કો હંમેશાં સાચા નથી હોતા.’
બળવંતરાય : ‘રાઈટ, ને હું તો માનું છું કે દુનિયામાં જે દેખાય છે તે બધું જ હંમેશા સાચું નથી હોતું ને જે નરી આંખે દેખાય નહીં તે કાયમ ખોટું પણ નથી હોતું.’
પ્રમોદરાય : ‘એમાં ય વૃદ્ધાવસ્થામાં તો નજર ધોખો દઈ જવાના ચાન્સીસ વધી જતા હોય છે… આંખો નબળી પડી હોય અને ચશ્મા બરાબર ન હોય ત્યારે ખાસ…’
ચંપકભાઈ : ‘એટલે સુરેશભાઈ, આ ઉંમરે આપણા ખ્યાલ, આપણા મત-માન્યતાને વળગી ન રહેતાં બીજાના સહારાની અને અન્યની દષ્ટિથી જોવાની ટેવ કેળવવી પડે…’
કિશન : ‘વડીલ, આમાં થોડો સુધારો કરું ? આપણા પ્રસિદ્ધ સાહિત્યકાર, વાર્તાકાર ‘ધૂમકેતુ’એ લખ્યું છે તેમ આપણે બધા બીજાની દષ્ટિથી જોતાં શીખીએ તો જગતનાં અડધાં દુઃખ ઓછાં થઈ જાય….’
ભદ્રાબહેન : ‘ખૂબ સરસ વાત કરી, કિશન….’
બળવંતરાય : ‘મૂળ વાત એ છે કે દરેક વાતને ફક્ત આપણા જ દષ્ટિકોણથી ન જોતાં, સામેથી વ્યક્તિના દષ્ટિકોણથી જોવી-સમજવી જોઈએ તો બીજાની લાગણી, એનું દુઃખ સમજી શકાય.’
પ્રમોદરાય : ‘હા, પણ આપણી તકલીફ જ એ છે કે આપણે બધી બાબતોને આપણી જ ફૂટપટ્ટીથી-આપણા જ ગજથી માપતા રહીએ છીએ ને પછી દુઃખી થયા કરીએ છીએ.’
સુરેશભાઈ : ‘આ તમે લોકો આંખો ને દષ્ટિથી વાત કરો છો એટલે યાદ આવ્યું…. બળવંતભાઈ, તમે આઈ સ્પેશિયાલીસ્ટને તમારી આંખની તકલીફ બતાવવા જવાના હતા, તેનું શું થયું ?’
ભદ્રાબહેન : ‘બતાવી આવ્યાને કાલે જ….. આંખે ઝાંખપ લાગ્યા કરે છે ને નજર કમજોર થતી જાય છે એટલે બતાવ્યું….’
ચંપકભાઈ : ‘શું કહેવું છે ડૉક્ટરનું ?’
બળવંતરાય : ‘અંદરની નસો સૂકાતી જાય છે… હવે ગોળીઓ ને ટીપાં અસર કરતાં નથી એટલે દષ્ટિ ક્રમશઃ ઓછી થતી જવાનો સંભવ છે… ડૉક્ટરને ભય છે કે લાંબે ગાળે દેખાતું બંધ પણ થાય !’
સુરેશભાઈ : ‘ઓહ માય ગોડ !’
પ્રમોદરાય : ‘વેરી સેડ, યાર…’
બળવંતરાય : ‘હા…. પણ વાસ્તવિકતાથી મોં છૂપાવવાનો કે હિંમત હારી જવાથી શો ફાયદો ? વયવૃદ્ધિ સાથે ભેટમાં મળતી કે પછી વૃદ્ધાવસ્થાની ચેતવણી આપતી આ નિશાનીઓ છે…. એને હસતા મોંએ જીરવીને જ જીવતાં શીખવું રહ્યું.’
સાગર : ‘તમને ચિંતા નથી થતી ? ડર નથી લાગતો ?’
બળવંતરાય : ‘ડર ? શાનો ? દીકરા, જે થવાનું લખ્યું છે તે તો થઈને જ રહેવાનું છે તો પછી ‘આવતીકાલ’ની ચિંતામાં ‘આજ’ને ખરાબ કરવામાં હું નથી માનતો…..’
ભદ્રાબહેન : ‘એમના હોઠ પર તો હરદમ એક જ ગીત ગૂંજતું રહે છે….’
બળવંતરાય : ‘હા….’ (ગાય છે…)

મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા
હર ફીક્ર કો ધૂંએ મેં ઊડાતા ચલા ગયા…
જો મિલ ગયા ઉસીકો મુકદર સમજ લીયા
જો મીટ ગયા ઉસીકો ભૂલાતા ચલા ગયા
(બધા સાંભળે…. ખુશ થઈને તાળીઓથી વધાવી લે છે….)

ચંપકભાઈ : ‘બ્રેવો, શાહ સાહેબ…. યુ આર ગ્રેટ….’
સુરેશભાઈ : ‘ભદ્રાભાભી, તમને ડર નથી લાગતો ?’
ભદ્રાબહેન : ‘ભાઈ, હું એમની અર્ધાંગિની છું એમના આ સૂરમાં મારો સૂરેય ભળેલો જ હોય…’ (બધા તાળીઓ પાડે…..)
કિશન : ‘એટલે જ આપણા પ્રસિદ્ધ કવિ-ગઝલકાર મરીઝ સાહેબે લખ્યું છે :

જિંદગી જીવવાની ફિલસૂફી મેં સમજી લીધી
જે મળી ખુશી એને આખરી માની લીધી….

સાગર : ‘યસ… લાગે છે આમ માનીને જીવીએ તો જ આનંદથી જીવી શકાય.’
બળવંતરાય : ‘પ્રમોદરાય, ચંપકલાલ, આ કિશનને ગુજરાતી સાહિત્યનું ભારે જ્ઞાન છે, હોં !’
કિશન : ‘વડીલ, મને સાહિત્યમાં ઊંડી રૂચિ છે ને મેં ગુજરાતી સાથે બી.એ. કર્યું છે.’
સુરેશભાઈ : ‘શું વાત કરે છે, અલ્યા…. તું આટલું બધું ભણેલો છે ? તું ગ્રેજ્યુએટ હોવા છતાં સીંગ વેચવામાં તને શરમ નથી આવતી ?’
કિશન : ‘કાકા, પ્રમાણિકતાથી કરેલું કોઈ કામ નાનું નથી હોતું….’
સાગર : ‘પણ તને અફસોસ નથી થતો ?’
કિશન : ‘ભાઈ અફસોસ કરીને બેસી રહેવાથી મારું કે મારા ઘરડાં મા-બાપનું પેટ ના ભરાય. ઉલ્ટાનું જીવનમાં હતાશા આવી જાય. એને બદલે મારા અભ્યાસ લાયક કંઈક કામ મળી જાય ત્યાં સુધી જેમાંથી અમારું ગુજરાન ચાલે તે કામ કરવામાં અફસોસ શો ?’
ભદ્રાબહેન : ‘વાહ, દીકરા વાહ ! તારી વાતમાં નરી વાસ્તવિકતા છે.’

સાગર : ‘અરે, આજે તો મારું બગીચામાં વાંચવા આવવાનું સાર્થક થયું…. બધા વડીલો પાસેથી અને મારી જ વયના આ કિશન પાસેથી જીવનમાં સફળ થવાના અને સુખી થવાની મહત્વની વાતો જાણવા-શીખવા મળી છે…. બધા જ ગુરુજનોને હૃદયપૂર્વકના વંદન….’
ચંપકભાઈ : ‘વાહ…. અમારા આશીર્વાદ છે કે ભાઈ…. તું પણ તારા માતા-પિતાનો આવો જ હોનહાર પુત્ર બની રહે કિશન, આ બધી વાત ઉપર વીસ રૂપિયાના સીંગચણા આપી દે એટલે ખાલી વાતોનાં વડાં કરવાને બદલે બધા ફાકીએ…. (બધા હસે છે… ચંપકભાઈ વીસ રૂપિયા કાઢે છે…. કિશન સીંગચણા જોખીને કોથળીમાં આપે….)
કિશન : ‘લો સાહેબ…. ચાલો હું ઉપડું દરવાજા તરફ…. ત્યાં લોકોની અવરજવર હવે વધી છે…. ઘરાકી મળશે….’ (ખૂમચો લઈ ત્યાંથી નીકળી જાય છે….)
સાગર : ‘ચાલો હું ય મારા વાંચવાના કામે લાગું…. પણ (સુરેશભાઈને) અંકલ, કિશનને જોઈને ને એની વાતો સાંભળીને યુવા પેઢી વિશેનો તમારો અભિપ્રાય બદલાયો છે કે નહીં ?’
સુરેશભાઈ : ‘હેં ? હા…. થોડો થોડો…. જો કે હું તો હજીય કહું છું કે કિશન કે તારા જેવા બે-ચાર સમજદાર, વિવેકી છોકરાઓ મળી આવે, બાકી આજની પેઢી એટલે….’
ચંપકભાઈ : ‘સુરેશભાઈ, શું તમેય તે ? આવા પૂર્વગ્રહ છોડો, યાર….’
પ્રમોદરાય : ‘હમણાં અહીં શું ચર્ચા થઈ ? પૂર્વગ્રહ છોડો… હકારાત્મક વિચારો….’
સાગર : ‘હા… આપણો કિશન પણ એમ જ કહેતો હતો ને…. આનંદમય જીવન માટે કોઈ વ્યક્તિ માટે, કોઈ વસ્તુ માટે પૂર્વગ્રહ ના રાખીએ….’
સુરેશભાઈ : ‘હું પણ….’
બળવંતરાય : ‘કહું છું હજી આપણા ગુણવંતભાઈ દેખાયા નહીં…..’
ચંપકભાઈ : ‘આજે ક્યાંક રોકાઈ ગયા લાગે છે.’

(ત્યાં પબ્લિક પાર્કના દરવાજા તરફથી મોટા વાહનની જોરદાર બ્રેકનો ને પછી કોઈની કારમી ચીસ સંભળાય છે… ત્યાં લોકોની બુમરાણ થાય છે. બધાનું ધ્યાન એ તરફ જાય છે….. ત્યાં ગુણવંતભાઈ ઝડપથી આવે છે… શ્વાસભેર, ગભરાયેલા છે….)
ગુણવંતભાઈ : (દૂરથી જ) ‘દોડો…. જલદી આવો બધા.’
બધા : ‘શું થયું છે ત્યાં ? ગુણવંતભાઈ, શી વાત છે ?’
ગુણવંતભાઈ : (હાંફતા-હાંફતા કરુણાસભર અવાજે) ‘કિશન…કિશનને…..’
સુરેશભાઈ : ‘શું થયું કિશનને ?’
ગુણવંતભાઈ : ‘કિશનને દરવાજા પાસે જ રોડ ઉપર એક ટ્રકે ટક્કર મારી દીધી…. જીવલેણ ટક્કર….’
ભદ્રાબહેન : ‘ઓય મા…. કિશન… હે ભગવાન… તેં આ શું કર્યું ?’
બધા : (ચીસ પાડતાં….) ના…. કિશન…. (બધા ઘટનાસ્થળ તરફ ઝડપથી જાય….ફક્ત સુરેશભાઈ સ્તબ્ધ બનીને ઊભા છે. એમને ઘડીકમાં કિશનના શબ્દો સંભળાય છે : ‘જે ઘડી મળી હોય તેને માણી લેવી… કાલ કોણે જોઈ છે….!’
સુરેશભાઈ : ‘કિશન….!!’
(બળવંતરાયના શબ્દો પડઘાય છે : ‘દુનિયામાં જે દેખાય છે તે બધું હંમેશાં સાચું નથી હોતું…. ને જે દેખાતું નથી તે ખોટું પણ નથી હોતું….’ ) ઓહ… હે પ્રભુ ! (ત્યાં….ફરી કિશનનું વાક્ય ઘૂમરાય છે : આપણને ગ્રહો નહીં, આપણા પૂર્વગ્રહો વધુ પજવતા હોય છે…. એમાંથી મુક્ત થઈ શકીએ તો જીવન આનંદમય બની જાય…) કિશન….. તારી વાત સાચી છે, ભાઈ !! હું મારા પૂર્વગ્રહો છોડીશ…. (બોલતાં બોલતાં મોટેથી તેઓ રડી પડે છે… ને બાંકડા ઉપર ફસડાઈ પડે છે….)

[પડદો પડે છે.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “મુક્તિ – પ્રકાશ લાલા”

Copy Protected by Chetan's WP-Copyprotect.