પ્રેમની વસંત – દેવેશ મહેતા

[ જીવનપ્રેરક લખાણો પર આધારિત પુસ્તક ‘પ્રેમની વસંત’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] પ્રેમ-પ્રભુનું દ્વાર

રામાનુજાચાર્ય ભક્તિમાર્ગના એક આચાર્ય હતા જેમણે જગતને ‘વિશિષ્ટાદ્વૈત’ નામનો સિદ્ધાંત આપ્યો. એક વાર તીર્થાટન કરતાં એ એક ગામમાં રોકાયા હતા. સાંજના સમયે જ્ઞાનોપદેશ આપે. લોકો દૂર દૂરથી સાંભળવા આવે. વ્યાખ્યાન પૂરું થયા પછી કેટલાક વ્યક્તિગત રીતે મળવા પણ આવે અને પોતાના કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો તેમની આગળ રજૂ કરી તેનો ઉકેલ પણ મેળવે. એ રીતે એક દિવસ એક માણસ એમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો : ‘સ્વામીજી, મારે ઈશ્વરને પ્રાપ્ત કરવા છે. એ માટેનો સચોટ માર્ગ બતાવો.’

રામાનુજાચાર્યે તેને એક આસન પર બેસાડ્યો અને શાંતિથી એની સાથે વાતો કરવા લાગ્યા. એના કુટુંબના લોકો, સગા-સંબંધી વિશે પૂછ્યું. પછી એકાએક પ્રશ્ન કર્યો : ‘તેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે ?’ પેલા માણસે એક પળનો પણ વિચાર કર્યા વિના જ જવાબ આપ્યો, ‘ના, ના, એવી જંજાળમાં કદી પડ્યો જ નથી. મારે તો પરમાત્માને મેળવવા છે. સંસારની મોહજાળમાં ફસાયા પછી બહાર નીકળવું અઘરું થઈ પડે.’ આચાર્ય રામાનુજે ફરી પ્રશ્ન કર્યો – ‘બરાબર વિચારી જો. તારી જિંદગીના આટલાં વર્ષો ગયાં એમાં તે કોઈકને તો જરૂર પ્રેમ કર્યો હશે.’ પેલા માણસે વિચાર્યું કે જો હું એમ કહીશ કે મેં આને કે તેને પ્રેમ કર્યો છે તો તે કહેશે પહેલાં તું આ પ્રેમના રોગમાંથી મુક્ત થા, સંસારનાં માયા-મોહ છોડ, પછી મારી પાસે આવજે. એટલે એ પોતાની વાતને વળગી રહ્યો : ‘મહારાજ ! હું નાનો હતો ત્યારથી જ્ઞાન વૈરાગ્યની વાતો સાંભળતો આવ્યો છું. મેં કોઈ સાધુ સંત-સંન્યાસી મહાત્માને સાંભળવાનું બાકી રાખ્યું નથી. એટલે કોઈને માટે પ્રેમ જેવી લાગણી પેદા થવા દીધી જ નથી.’

આ સાંભળી રામાનુજાચાર્યે તેને કહ્યું : ‘ભાઈ, તું જઈ શકે છે. તને ઈશ્વર મળે એવી કોઈ શક્યતા લાગતી નથી. તું ગમે તેટલાં મંદિરો અને તીર્થોમાં ફરે અને ગમે તેવા સંતો અને મહાત્માઓને મળે એ બધું વ્યર્થ છે. ઈશ્વર કેવળ એક જ માર્ગે મળી શકે એમ છે અને એ માર્ગનો દરવાજો તેં સદંતર બંધ કરી દીધો છે ! ઈશ્વર કેવળ ભક્તિના માર્ગ પર મળે છે અને પ્રેમ એનો દરવાજો છે. આ દુનિયામાં તું કોઈકને પણ પ્રેમ કરતો હોત તો કદાચ ઈશ્વરને પામી શકાત ! એ પ્રેમને પરમાત્મા તરફ વાળી શકાય. પણ જેના હૃદયમાં કોઈના પણ માટે પ્રેમ નથી, માતા-પિતા, પતિ-પત્ની, પુત્ર-પુત્રી, ભાઈ-બહેન, મિત્ર-સ્નેહી, સગા-સંબંધી – આ બધામાંથી કોઈને તો વ્યક્તિએ હૃદયના ઊંડાણથી નિઃસ્વાર્થ રીતે પ્રેમ કરવો જોઈએ ને ? પછી આ પ્રેમ જ એને પ્રભુ સુધી પહોંચાડી દે છે !’

સાચે જ, પ્રેમ એક અલૌકિક શક્તિ છે. એ મડદા જેવા નિષ્પ્રાણ લોકોને પણ દોડતા કરી દેનારી સંજીવની શક્તિ છે. જેને કોઈનો પ્રેમ મળે છે અને જે કોઈને પ્રેમ દઈ શકે છે તે ધન્યભાગી છે. જેને કોઈનો પ્રેમ ગુમાવવાનો થાય છે અને જે કોઈને પ્રેમ પ્રદાન કરવાનું ત્યજી દે છે તે હીણભાગી છે. જે વ્યક્તિ જેને જેટલું ચાહે છે એ વ્યક્તિ પણ એને એટલું ચાહતી હોય તો તે બંને વચ્ચે પૂર્ણ એકાત્મ પ્રેમયોગ રચાય છે અને એને એકમેકમાં ઈશ્વર દેખાવા લાગે છે. જે છેવટે ઈશ્વરના સાનુભાવ સુધી પહોંચાડી દે છે.

જેમ પ્રાણ વિના શરીર જડ છે તેમ પ્રેમ વિના જીવન જડ છે. પ્રેમ જીવનની પળે પળને નવપલ્લવિત કરી દે છે. ઉમર ખૈયામની એક રૂબાઈ કહે છે – ‘જે હૃદયમાં કોઈ પ્રકારની પણ પીડા ન હોય અને કોઈના પ્રેમ માટે પાગલપન ન હોય તેને ધિક્કાર છે. જેટલા પણ દિવસો તેં પ્રેમરહિત વીતાવ્યા એનાથી વ્યર્થ, નિરર્થક દિવસો બીજા કોઈ હોઈ ન શકે.’ પ્રેમમાં વીતેલા દિવસો જ સાર્થક. પ્રેમ ભરેલું જીવન જ કૃતકૃત્ય. પ્રેમ વિનાનું હૃદય એટલે કેવળ લુહારની ચામડાની મશક. જેમ લુહારની મશક હવાથી ફૂલે તેમ માણસનું હ્રદય ધબકે ખરું, પણ એમાં ભાવનાં સ્પંદનો ઊઠે નહીં. પ્રેમથી ભરેલું હૃદય એટલે પ્રિયને પ્રાપ્ત કરવાની ચમક. એ પછી જાગે પ્રભુને પ્રાપ્ત કરવાની ધગશ. પ્રિયતમાની વસ્તુમાં એના હૈયાની સુગંધ માણી પોતાના શ્વાસમાં સ્વર્ગનું સુખ પ્રગટાવતા પ્રેમીમાં આ પ્રેમામૃતનો પ્રભાવ વરતાય છે. આદિલ મન્સૂરીના હૃદયમાંથી નીકળેલી આ પંક્તિમાં એ દેખાય છે :

‘શ્વાસોમાં પાછાં સ્વર્ગનાં ફૂલો ખીલી ઊઠ્યાં,
છે કોના ઉરપ્રદેશની ખુશ્બૂ રૂમાલમાં ?’
.

[2] ભૂતકાળની યાદ

બ્રિટનના વિશ્વવિખ્યાત વિજ્ઞાની અને વિજ્ઞાન-કથાલેખક એચ.જી. વેલ્સનું નામ કોણે નહીં સાંભળ્યું હોય ? તેમની બુદ્ધિ-પ્રતિભા, જ્ઞાન-સમૃદ્ધિ અને પુરુષાર્થ-વૃત્તિથી તે ખૂબ સંપત્તિ અને કીર્તિને વર્યા. શ્રી, સરસ્વતી, કીર્તિનો ત્રિવેણી સંગમ બહુ ઓછી વ્યક્તિઓના જીવનમાં આવે છે. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેમની પાસે સંપત્તિ હોય છે પણ જ્ઞાન કે વિદ્યાની ગરિમા હોતી નથી. કેટલીક વ્યક્તિ એવી હોય છે જેમની પાસે જ્ઞાન અને વિદ્યા પુષ્કળ હોય છે પણ જીવનનિર્વાહ કરવા જેટલા પૈસા પણ માંડ માંડ મળતા હોય છે. કેટલીક વ્યક્તિ એવી હોય છે જેમની પાસે ધન અને વિદ્યા બંને હોય છે પણ માથે યશની કલગી લાગતી નથી.

લક્ષ્મીની કૃપા અને ભાગ્યદેવીના વરદાનથી એચ.જી.વેલ્સે અનેક માળાવાળું એક ભવ્ય અને આલીશાન મકાન બનાવ્યું હતું. એકવાર એમના એક મિત્ર એમને મળવા આવ્યા. નીચેના માળના અત્યંત વૈભવશાળી ઓરડા જોઈને તે અંજાઈ ગયા. ત્યાં ફરી રહેલી એક વ્યક્તિને તેમણે શિષ્ટતાપૂર્વક પૂછ્યું : ‘શ્રીમાન, મારે વેલ્સ સાહેબને મળવું છે. આપ કહી શકશો તે અહીં ક્યા કક્ષમાં મળશે ? તેમણે મને આ સમયે મળવા બોલાવ્યો છે.’ એ વ્યક્તિનાં અત્યંત કીમતી દમામદાર કપડાં જોઈને તેણે પૂછ્યું :
‘શું તમે એમના કોઈ સગાં છો ?’
તેણે હસીને કહ્યું : ‘હા, અમે અહીં રહેનારા બધા એમના સગાં જ છીએ. સાહેબ અમને કદી એમના નોકર તરીકે જોતા નથી. તમે અહીં જે વૈભવશાળી ઓરડા જોઈ રહ્યા છો એ અમારા જ છે.’ વેલ્સના મિત્રને આશ્ચર્ય થયું. વેલ્સના નોકર-ચાકર આવા સુશોભિત, મોંઘા રાચરચીલાવાળા મહેલના ઓરડાઓમાં રહેતા હશે એવું કોણ માની શકે ? પેલા નોકરે વેલ્સના મિત્રને કહ્યું : ‘સાહેબ સૌથી ઉપરના માળે છે. તે તમારી રાહ જ જોઈ રહ્યા છે એવું લાગે છે.’ વેલ્સનો મિત્ર દાદર ચઢી સૌથી ઉપરના માળે પહોંચ્યો. તેને તરત જ વેલ્સનો ઓરડો મળી ગયો. વેલ્સ ઓરડામાંથી બહાર જ આવી રહ્યા હતા.

તે મિત્રને લઈને પાછા પોતાના ઓરડામાં ગયા. વેલ્સના મિત્રએ જોયું તો તે ઓરડો સાવ સાદો હતો. કોઈ વૈભવશાળી રાચરચીલું નહીં કે સુશોભન પણ નહીં. એ જોતાં એવું લાગે કે જાણે એ નોકરચાકરનો રહેવાનો ઓરડો ન હોય ! પેલા મિત્રને નીચે નોકરચાકરના વૈભવશાળી આવાસ જોઈને જે નવાઈ લાગી હતી એના કરતાં વધુ એચ.જી.વેલ્સના આ સાદા, સાધન-સગવડ વિનાના આવાસને જોઈને લાગી ! તેણે લગભગ ડઘાઈ ગયેલા અવાજે કહ્યું : ‘તમે કાયમ અહીં આ જ ઓરડામાં રહો છો ?’ એચ.જી. વેલ્સે હસીને હા પાડી.
પેલા મિત્રએ કહ્યું : ‘વેલ્સ, મારી એક વાતનું સ્પષ્ટીકરણ કરશો ? તમારે જ્યાં રહેવું જોઈએ ત્યાં તમારા નોકરો રહે છે. ખરેખર તો તમારે વૈભવશાળી આવાસમાં રહેવું જોઈએ અને નોકરોને અહીં આવા સાદા ઓરડામાં રાખવા જોઈએ.’
આ સાંભળી એચ.જી.વેલ્સે ગંભીરતાપૂર્વક કહ્યું : ‘મિત્ર, હું તને શું કહું ? હું નોકરોને મારાથી વધુ મહત્વપૂર્ણ સમજું છું. તે મને મારી જાતથી પણ વધુ વહાલા છે !’
મિત્ર બોલી ઊઠ્યો : ‘હા, એ તો દેખાય જ છે ! પણ મારે જાણવું છે કે એવું કેમ ?’
એચ.જી.વેલ્સે ગળગળા થઈને કહ્યું : ‘દોસ્ત, એવું એટલા માટે કે મારા બાળપણના સમયે મારી માતા એક અમીરના ઘેર કામ કરતી નોકરાણી હતી. ભલે અત્યારે હું ગમે તેટલો અમીર હોઉં પણ મારા બાળપણના એ ગરીબીના દિવસો ભુલાય કેમ ? હું વૈભવશાળી આવાસમાં રહું તો કદાચ એ ભુલાઈ પણ જાય…. પણ હું બાળપણમાં રહેતો હતો તેવા આવાસમાં રહું તો તે ભુલાય એ સંભવ નથી.’

માનવીની જિંદગી અત્યંત સંકુલ છે. ક્યારેક ભૂતકાળને ભૂલી જવામાં સાર હોય છે, ક્યારેક એને ન ભૂલવામાં સાર હોય છે. ક્યારેક દુઃખ-દર્દનું સ્મરણ સુખ-શાંતિને વધારે ટકાવી રાખવાનું કામ કરે છે ! મરીઝ કહે છે –

‘ઝાહિદ ! મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.’
‘એક વીતેલો પ્રસંગ પાછો ઊજવવો છે ખુદા !
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.’

[કુલ પાન : 172.(પાકું પૂઠું) કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 201, પેલિકન હાઉસ, નટરાજ ટૉકીઝ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380009. ઈ-મેઈલ : info@navbharatonline.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અશરીરીનાં અનેક રૂપ – યજ્ઞેશ દવે
મુક્તિ – પ્રકાશ લાલા Next »   

11 પ્રતિભાવો : પ્રેમની વસંત – દેવેશ મહેતા

 1. બન્ને પ્રસંગો ખુબ સરસ.

  ૧/ શુધ્દ્દા પ્રેમ કંઇ કેતલી ભક્તિ કરતાં ચડિયાતો છે.

  ૨/ અમીર માત્ર બહુ બધા પૈસાથી જ નથી બનાતું , એના માટે મનની અમીરાત હોવી જોઇએ.

 2. dhiraj says:

  ભગવદ્ગોમંડ માં પ્રેમ ના ત્રણ પ્રકાર આપવામાં આવ્યા છે.
  (૧) ઉત્તમઃ- જેમાં પ્રેમ હમેશા એકસ્વરૂપ રહે. જેમકે, ઈશ્વર પ્રતિ ભક્તનો પ્રેમ.
  (૨) મધ્યમઃ- જે અકારણ ઉત્પન્ન થાય. જેમકે, મિત્રોનો પ્રેમ. અને
  (૩) અધમઃ- જે કેવળ સ્વાર્થને માટે ઉત્પન્ન થાય

 3. Deval Nakshiwala says:

  સુઁદર ઉપદેશપૂર્ણ લેખો છે.

 4. nayan panchal says:

  સુંદર લેખો છે. મરીઝની રચના કેટલી સચોટ!

  ‘ઝાહિદ ! મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં
  મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.’

  ખૂબ આભાર,
  નયન

 5. Veena Dave. USA says:

  સરસ.

 6. શુચિતા જોશી says:

  પ્રેરણાદાયી લેખ …
  આ સાથે રીડગુજરાતીનો પણ આભાર કે અમને ખુબ જ સુંદર કૃતિ ઓ વાંચવા મળે છે.

 7. pragnaju says:

  શ્વાસોમાં પાછાં સ્વર્ગનાં ફૂલો ખીલી ઊઠ્યાં,
  છે કોના ઉરપ્રદેશની ખુશ્બૂ રૂમાલમાં ?’
  વાહ્
  ઝાહિદ ! મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં
  મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.’
  ‘એક વીતેલો પ્રસંગ પાછો ઊજવવો છે ખુદા !
  એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.’
  પ્રેરણાદાયી લેખો

 8. જગત દવે says:

  [1] પ્રેમ-પ્રભુનું દ્વારઃ

  ત્યાગ-વૈરાગ્ય કદાચ કોઈ વ્યક્તિ વિષેશ માટે યોગ્ય હશે પણ તેને સમાજમાં વ્યાપક ન બનાવી શકાય અથવા ન બનાવવો જોઈએ. ગાંધીજી વસ્ત્ર ત્યાગ કરી શકે પણ આખો સમાજ આખો દેશ તેવું ન કરે તે જ હિતાવહ છે. આવી જ ભ્રમણાઓમાં અનેક લોકો એ ઘરત્યાગ કર્યા…ધણા આજે પણ કરે છે એ લોકો ભટકી ગયા છે…..તેમને “ના ખુદા હી મિલા ના વિસાલે સનમ”

  [2] ભૂતકાળની યાદઃ

  માણસ તબાહી ભર્યા ધરમાં ભલે ન રહે પણ તબાહી ભર્યા ઘરોમાં રહેતાં લોકો માટે કરુણા સભર દિલ રાખે તો પણ ઘણું.

 9. hiraldrathod says:

  માણસ તબાહી ભર્યા ધરમાં ભલે ન રહે પણ તબાહી ભર્યા ઘરોમાં રહેતાં લોકો માટે કરુણા સભર દિલ રાખે તો પણ ઘણું.

 10. Arvind Patel says:

  પ્રેમ એજ ભગવાન છે. હરણ દોડી દોડી ને કસ્તુરી શોધે તેવી આપણી હાલત છે. ભગવાન ને ફોટામાં, મૂર્તિમાં, મંદિરમાં, શોધીયે છીએ. પણ ભગવાન તો આપણા હૃદય માં જ છે. આપણે જે પ્રેમ આપીયે છીએ તે ભગવાન નું સ્વરૂપ જ છે. નાના બાળકના હાસ્યમાં, બગીચામાં ખીલેલા ફૂલમાં, સવારના સૂર્યમાં, વરસતા વરસાદમાં, પ્રેમીઓ ના પ્રેમ માં, એક મેક ની લાગણીમાં, જો ભગવાન દેખાશે તો મંદિર કે મહાદેવ ક્યાંય જવાની જરૂર નથી. આ જગત જ ઈશ્વરનું સ્વરૂપ છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.