બે કાવ્યો – પ્રીતમ લખલાણી

[ અમેરિકા સ્થિત સાહિત્યકાર શ્રી પ્રીતમભાઈના બે કાવ્યો અહીં ‘અખંડ આનંદ’ સપ્ટે-2010માંથી સાભાર લેવામાં આવ્યા છે.]

[1] ઉમળકો

જો બા-બાપુજી
આજ હયાત હોત તો !
ઓસરીના
હિંડોળે બેઠાં
મારા પત્રની
રાહ જોતાં હોત !
વિદેશથી
પત્ર લખવાનો
જેટલો ઉમળકો
મને હોત
એથી વિશેષ
ડેલીએ
રોજ તાળું જોઈ
શેરીમાંથી સાઈકલ
વાળી લેતો
પેલો માધવ ટપાલી
ફળિયે આવી
હાંક મારત
‘લ્યો ! બા-બાપુજી
તમારા
હરજીનો કાગળ !’

[2] આક્રોશ

ખરે બપોરે
કકળાટ કરતા
કાગડાને
બે હાથ જોડતાં
મારાથી કહેવાઈ ગયું,
‘ભાઈ, હવે બે ઘડી
ચૂપ રહે તો
તારો ખૂબ આભાર !’
‘દોસ્ત !
કાઉં કાઉં ન કરું તો
બીજું હું કરું પણ શું ?’
‘આ નગરમાં
તમે ક્યાંય
અમારા માટે
મુઠ્ઠી જેટલુંએ
આકાશ
ખુલ્લું રાખ્યું છે ખરું ?’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “બે કાવ્યો – પ્રીતમ લખલાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.