કેડીથી રાજમાર્ગની સફર – ગિરીશ ગણાત્રા

દિવાળી પહેલાંના એક રજાને દિવસે અમે સવારની ચા પીને ઘરની સાફસૂફીમાં લાગી ગયા. આપણી એક લોકોક્તિ પ્રમાણે જેને ‘કાળ કાઢવો’ એવી આ ક્રિયા હતી. બધું જૂનું, નકામું બદલી નાખવાનું અને નવા વર્ષ નિમિત્તે ઘરને નવેસરથી શણગારવું.

હજુ હમણાં જ અમારા લગ્ન થયાં હતાં. મારી પત્ની ઘરની એકેએક વસ્તુથી પરિચિત નહોતી બની એટલે મમ્મીએ એને સાથે રાખીને રસોડાને નવો ઓપ આપવાનું શરૂ કર્યું. રસોડાના કપબોર્ડના ડબ્બાઓ નીચે ઉતારી, અંદરથી બધું સાફ કરી કાગળો પાથરવાનું શરૂ કર્યું. પપ્પાએ પસ્તી, ભંગાર, નકામા વાયરના કટકાઓ, ઘરની નાનકડી લાયબ્રેરીની પુનઃ ગોઠવણી અને પરચુરણ કાર્યભાર સંભાળી લીધો. મેં અને મારા નાનાભાઈએ બારી-બારણા સાફ કરવાથી માંડી ઘરની સફાઈ શરૂ કરી અને આઠેક વર્ષની મારી નાની બહેન સૌનો હાથવાડકો બની રહી.

પૂરા ત્રણ-સાડા ત્રણ કલાકની જહેમત બાદ ઘરે નવાં રૂપ-રંગ ધારણ કર્યાં. સૌ સારી રીતે થાકી ગયાં હતાં. અમે થાક ઉતારવા લીંબુ-શરબત પીધું. બરાબર એ જ વખતે મમ્મીએ એલાન કર્યું : ‘હું તો એટલી બધી થાકી ગઈ છું કે રસોઈ બનાવવાના પણ હોશકોશ રહ્યાં નથી. આજે આપણે સૌ બહાર જમી લઈશું.’ મમ્મીના પ્રસ્તાવને સૌએ વધાવી લીધો. હવે પ્રશ્ન એ ચર્ચાયો કે બહાર જમવા જવું તો કઈ હોટલ-રેસ્ટોરાંમાં જમવું. અડધા કલાકની ચર્ચા પછી સૌએ એક હોટેલ પર પસંદગી ઉતારી. સ્નાનાદિથી પરવારી અમે જમવા બહાર નીકળી પડ્યા. પપ્પાને, મને અને પત્નીને ઑફિસમાં રજા હોવાથી જમીને બપોરના થોડા ટી.વી. કાર્યક્રમો જોઈ અમે મજાની એક ઊંઘ ખેંચી લેવાનું પણ નક્કી કરી લીધું.

અમારી મનગમતી હોટેલમાં જઈ અમારી પસંદગીની વાનગીઓનો અમે ઓર્ડર આપ્યો. સૌ આનંદથી જમ્યાં. ભોજન બાદ આઈસ્ક્રીમ, કસ્ટાર્ડ, જેલી જેવી વાનગી આરોગી અમે મુખવાસ આરોગતા હતા ત્યાં વેઈટર બિલ લઈને આવ્યો અને ટેબલની વચ્ચોવચ્ચ એક પ્લેટમાં બિલ ધરી ચાલ્યો ગયો. આજ સુધી જ્યારે જ્યારે અમે બહાર હોટેલ-રેસ્ટોરાંમાં જમવા જતા ત્યારે બિલની રકમ ચૂકવવા પપ્પા જ ગજવામાંથી મનીપર્સ કાઢતા પણ આજે એવી કોઈ ક્રિયા તેઓએ કરી નહિ અને ફરીથી મુખવાસ આરોગી ટૂથપીકથી દાંત ખોતરવાનું શરૂ કર્યું. આખરે મેં બિલ ઊંચક્યું. ખાસ્સી, મોટી એવી રકમનું બિલ હતું. પરણતાં પહેલાં હું નોકરીએ લાગી ગયો હોવાથી અને મારી પત્ની પણ નોકરી કરી ખાસ્સો પગાર લાવતી હોવાથી મેં પર્સ કાઢ્યું. બિલની ખૂટતી રકમ પત્નીની પર્સમાંથી કઢાવી બિલ ચૂકવ્યું અને મને પહેલી વખત અહેસાસ થયો કે હું મોટો થઈ ગયો છું ! હું હવે એક પરિણીત પુરુષ છું, કમાઉં છું અને મારે પણ ઘરખર્ચની થોડી જવાબદારી ઊઠાવવી જોઈએ. ભલે મમ્મી-પપ્પાની દષ્ટિમાં હું બાળક હોઉં, પણ એવડો બાળક તો નથી જ કે મારી, અમારી જવાબદારીઓ હવે પપ્પા પર ખડકવાં દઉં. આજ સુધીમાં સો-બસ્સો હોટેલ બિલ પપ્પાએ ચૂકવ્યાં હશે, ખરીદી વખતે જ ગજવામાંથી પૈસા કાઢ્યા હશે અને મોટી ઉંમરે પણ પપ્પાએ જ બધી આર્થિક જવાબદારીઓ અદા કરી છે. હજુ એ રીટાયર્ડ થયા નહોતા પણ મારે એમને આર્થિક જવાબદારીઓમાંથી થોડા થોડા અંશે મુક્ત કરતા રહેતા જવું એ પેલું હોટલ-બિલ સૂચિતાર્થ હતું. મેં બિલ ચૂકવ્યું. મમ્મીએ વ્હાલપૂર્વક મારા વાંસામાં હાથ ફેરવ્યો. એની આંખોમાં મેં મારી ફરજ અદા કર્યાનો સંતોષ વર્તાતો હતો.

હા, હવે હું મોટો થઈ ગયો છું. નાનકડો બાળક રહ્યો નથી. ક્યારેક કોઈ સ્ટોરમાં નાનકડી ખરીદી કરતો હોઉં કે સિનેમા-નાટકની ટિકિટ લેતો હોઉં ત્યારે થડે બેઠેલો કેશીયર કે કાઉન્ટર પાછળ ટિકિટ ફાડતો કલાર્ક મને કહે છે : ‘મિસ્ટર, ત્રણ રૂપિયા છુટા હશે ?’ હવે હું ‘મિસ્ટર’ બની ગયો છું. નાનકડા દુકાનદારો કે શાકભાજીના રેંકડીવાળા મને સાહેબનું સંબોધન કરતા થઈ ગયા છે.

પહેલી વખત મને કોઈએ જ્યારે માનાર્થે બોલાવ્યો ત્યારે મને ઘણું સારું લાગ્યું. મને ગમ્યું, મારો અહમ સંતોષાયો. પણ પછીથી મને આવાં સંબોધનો ગમતાં નહિ. ‘વડીલ, જરા પગ ઊંચો લેશો ?’ એવી વિનંતી કરતો ટ્રેનનો સહમુસાફર, ‘મુરબ્બી, જરા કહેશો કે 1173 નંબરનું ઘર ક્યાં આવ્યું ?’ સરનામું શોધતા કોઈ અજાણ્યાની પૂછપરછ કે પછી ‘મિસ્ટર, જરા લાઈનમાં આવો’ જેવો હુકમ કરતો બસની ‘ક્યુ’નો પેસેન્જર હવે મને ‘મોટો’ ગણતા થઈ ગયા છે. કૉલેજની ક્રિકેટ ટીમનો છોકરો ધીમેધીમે યુવકમાં રૂપાંતર પામી સદગૃહસ્થ બનતો જતો હોય ત્યારે મને દુઃખ થાય છે કે જમાનો, લોકો મારી પાસેથી મારું શૈશવ ખૂંચવતા જાય છે. ગલીના નાકે ઊભેલા જે પોલીસથી હું ડરતો એની મને હવે બીક લાગતી નથી. હવે એ પણ ક્યારેક મને માનર્હથી બોલાવતો થઈ ગયો છે. બત્તી વિના વાહન ચલાવતા પોલીસે મને ઘણી વખત પકડ્યો છે, ઉદ્ધતાઈથી વાત કરી છે પણ હવે રોંગ-સાઈડમાં સ્કૂટર ચલાવતી વખતે પોલીસ મને ધમકાવતો નથી. એ મને થોડા કડક શબ્દોમાં માત્ર ચેતવણી આપતા કહે છે ‘આવડા મોટા થઈને કાયદાનો ભંગ કરો છો ? મારે તમને શું કહેવું ?’

ના, હવે હું કિશોર રહ્યો નથી. વડીલો પણ ધમકાવતાં પહેલાં ખૂબ વિચારી એમના કડક વાક્યોમાંથી ધમકીનો દંશ હળવો કરી દે છે. મારી કિશોરાવસ્થા મારામાંથી સરકી ગઈ છે. એક વખત સાંજે હું ઓફિસથી ઘેર આવ્યો ત્યારે મમ્મીએ મને કહ્યું : ‘ભાઈ, કાલે સાંજે ઓફિસથી છૂટીને તું અને પારુલ જનુકાકાના પુત્રના રીસેપ્શનમાં જઈ આવજો ને.’
‘કેમ ? તમે નથી આવવાના ?’
‘ના. તારા પપ્પાને ઓફિસને કામે કાલે બહારગામ જવાનું હોવાથી રાત્રે મોડા આવશે અને મારે અગિયારસ હોવાથી જમવાનું નથી. ઘૂંટણના સાંધામાં દુઃખાવો થાય છે એટલે રાત્રે બહાર જવાનું મન નથી થતું.’
‘પણ તમે નહિ આવો તો જનુકાકાને કેવું લાગશે ?’
‘ભાઈ, તું હવે મોટો ગણાય. આપણા ઘરના પ્રતિનિધિરૂપે તું અને પારુલ જઈ આવશો તો ચાલી જશે.’ આવા કેટલાયે સામાજિક પ્રસંગે હવે હું પપ્પાનો પ્રતિનિધિ બની ગયો છું. સમાજમાં હવે હું ધીમેધીમે પપ્પાનું સ્થાન લેતો થઈ ગયો છું. પપ્પા હવે નિવૃત્ત થઈ ગયા છે. હોસ્પિટલે કોઈની ખબર કાઢવા, બેસણા-ઉઠમણામાં ઉપસ્થિત રહેવા હવે હું પપ્પાને સ્થાને માન્ય ગણાયો છું. આ ઘરનો હવે હું જવાબદાર પુરુષ ગણાયો છું.

એક દિવસ મારી ઓફિસમાંથી લોન લઈ મેં નવું ઘર બંધાવ્યું. ખાસ્સું મજાનું ટેનામેન્ટ હતું. ઉપર-નીચે મળીને ચાર બેડરૂમ, વિશાળ ડ્રોઈંગરૂમ, મોટું રસોડું, રસોડાને અડીને સળંગ ડાઈનિંગ હોલ, કીચન-ગાર્ડન, પોર્ચ, ટેનામેન્ટ ફરતે બગીચો. આ ઘરનો હું દસ્તાવેજ કરાવતો હતો ત્યારે વકીલ મારફત આવેલો કાચો દસ્તાવેજ મેં પપ્પા સામે ધર્યો. પપ્પાએ મારી પાસે પેન્સીલ માગી અને એમના નામ સામે લીટી મારી પપ્પાએ મારું નામ લખ્યું અને હસીને બોલ્યા, ‘દીકરા, હવે તમે મોટા થયા. પ્રોપર્ટી ધરાવવાનો હક્ક હવે તમારો. તમે નાના નથી.’ અલબત્ત, ઓફિસમાંથી તો મને નાની લોન મળી હતી પણ પપ્પાએ એની ગ્રેચ્યુઈટીની મોટી રકમ આ ટેનામેન્ટ બાંધવામાં ખર્ચી નાખી હતી છતાં યે એણે મારા નામનો આ ટેનામેન્ટમાં માલિકી હક્ક રાખ્યો.

હવે તો હું બે સંતાનનો પિતા થયો છું. પપ્પાની જેમ ટી.વી.ના કાર્યક્રમો જોતાં જોતાં મને પણ ઝોકું ખાવાની ટેવ પડી ગઈ છે. સવારના ઊઠીને પહેલા તો હું દસ-બાર મિનિટમાં આખું છાપું પૂરું કરી લેતો પણ હવે એકાદ કલાક સુધી હું એનાં પાનાઓમાં માથું પરોવીને બેસી રહું છું. શાક સમારવું, ધોવાયેલા કપડાં સૂકવી દેવા કે બજારમાં આંટાફેરા કરવા જેવાં નાનાં-નાનાં કામો હવે મને સોંપાતાં નથી. હવે હું ગૃહસ્થાઈના પથ પર આવી ગયો છું. મારા મમ્મી-પપ્પા પણ હવે મને માનાર્થે બોલાવતા થઈ ગયાં છે જેથી મારાં સંતાનોમાં મારા પ્રત્યે આદર વધે. મારી પત્ની પણ સાસુ-સસરાની હાજરીમાં મને ધમકાવતી નથી. શૈશવનો ત્યાગ કર્યા પછી આ સંસારપથના એવા એક ચીલા પર હું આવી ગયો છું કે હવે હું ફરીથી નાનકડો કિશોર બની શકતો નથી. કદાચ ક્યારેક એવા ચાળા કરી બેસું તો મમ્મી કે પત્ની મારી સામે એક પણ શબ્દ બોલ્યા વિના માત્ર નજરથી જ ધમકાવી કાઢે છે – ‘આ શું માંડ્યું છે ? તમે હવે નાના બાળક નથી !’ ગૃહસ્થાઈનો મોભો મેળવવાનો મને આનંદ છે, લોકો મને માનાર્થે બોલાવે એનો અહંકાર છે કે પછી વધતી જતી પ્રતિષ્ઠાનો મને કેફ છે પણ મને દુઃખ છે કે શૈશવની કેડી છોડી હવે હું ગૃહસ્થાશ્રમના રાજમાર્ગ પર આવીને ઊભો છું. છતાં યે ક્યારેક મારામાં છુપાઈ રહેલું પેલું શિશુ જાગૃત થઈ જાય છે અને હું મમ્મીને કહી બેસું છું – ‘મા, મને માથામાં તેલ નાંખી દે ને.’ અને એ પછી સોફા પર બેસેલી મમ્મીના બે પગ વચ્ચે નીચે બેસી ગોઠવાઈને માથે તેલ નખાવું છું ત્યારે હું મારી જાતને જ પ્રશ્ન પુછી બેસું છું કે મારું કયું જીવન શ્રેષ્ઠ હતું ? સૌની વઢ ખાતો, પરાણે પરાણે હુકમોનું પાલન કરતો કે બેફિકરી જીવન જીવતો એવું મારામાં રહેલું પેલું કિશોરજીવન કે પછી મોટાઈનો અંચળો ઓઢીને સમાજમાં વિચારાતું પેલું સદગૃહસ્થાઈ જીવન ?

જીવનપંથની આ પણ એક વિચિત્રતા છે ને ! ક્યારેક હવે હું કુટુંબને લઈને હોટેલમાં જમવા જઈશ ત્યારે મારા પિતાની જેમ હું પણ બિલને હાથ લગાડીશ નહિ. મુખવાસની સાથે આવેલી ટુથપીકથી દાંત ખોતરતાં ખોતરતાં હું નવાસવા ધંધે ચઢેલા મારા પુત્રને એ બિલ ભરપાઈ કરવા દઈશ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

27 thoughts on “કેડીથી રાજમાર્ગની સફર – ગિરીશ ગણાત્રા”

Copy Protected by Chetan's WP-Copyprotect.