[ ગુજરાતી સાહિત્યમાં કેટલાક પુસ્તકો વિશિષ્ટ છે. કાવ્ય, ગઝલ, વાર્તા અને નિબંધથી સાવ અલગ પ્રકારનું સાહિત્ય આપણી ગુજરાતી ભાષામાં છપાય છે, જેની જાણ ખૂબ ઓછા લોકોને હોય છે. જૂનાગઢના શ્રી એલ.વી. જોશીભાઈનું આ પુસ્તક આ રીતે અનોખું છે. વર્ષના પ્રત્યેક દિવસને ઉજ્જ્વળ બનાવતા મહાનુભાવોની પ્રેરક ઝાંખી કરાવતું આ પુસ્તક વાંચવા અને વસાવવાલાયક છે. તેમાં તારીખ પ્રમાણે જે તે મહાનુભાવોની જન્મતારીખ અથવા નિર્વાણદિનને આવરી લઈને તેમનો ટૂંકો પરિચય આપવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ઘણાં બધાં નામો એવાં છે જેમના વિશે આપણે કદી કશું સાંભળ્યું પણ ન હોય ! અત્રે એમાંથી કેટલાક વ્યક્તિવિશેષનો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે જોશીભાઈનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]
[1] સ્વામી ગંગેશ્વરાનંદજી
પ્રકાંડ પંડિત પ્રજ્ઞાચક્ષુ સંન્યાસી ગંગેશ્વરાનંદજીનો જન્મ ઈ. 1881માં થયો હતો. તેમનું મૂળ નામ ચંદ્રશેખર હતું. બાળપણમાં જ બંને આંખો ગુમાવી છતાં અભ્યાસમાં પ્રમાદ ન સેવ્યો. તેમણે ઘણી નાની ઉંમરમાં ષડદર્શનો, વેદો અને વેદાંગોનું અધ્યયન પૂર્ણ કર્યું. આથી તેમને ‘વેદ દર્શનાચાર્ય’ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચાર વેદોનું ભાષ્ય તેમણે રચ્યું હોવાથી તેઓ ‘ચતુર્વેદ ભાષ્યકાર’ તરીકે ઓળખાતા. વેદમંત્રોના શાશ્વત ભાષ્યમાં કૃષ્ણચરિત્રને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. 90 વર્ષની વયે ‘ભગવાન વેદ’ નામના અદ્દભુત ગ્રંથનું પ્રકાશન કર્યું. એ ગ્રંથનું વજન જ એકવીસ કિલોગ્રામ જેટલું થાય છે. જગતના જુદા જુદા 800 સ્થળોએ આ ગ્રંથરત્નની સ્થાપના કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે તેઓએ વિશ્વના અનેક રાષ્ટ્રોનો પ્રવાસ ખેડ્યો હતો. ‘કુન્તાપસૂક્ત’, ‘શ્રોતમુનિચરિતામૃત’, ‘વેદોપદેશચંદ્રિકા’, ‘વામનસામવેદ’ વગેરે તેમના શ્રેષ્ઠ ગ્રંથો છે. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેમણે સર્જેલું સાહિત્ય મુદ્રિત સ્વરૂપે દશ હજારથી વધુ પૃષ્ઠો જેટલું થવા પામે છે. એમનું સર્જન એટલું તો પાંડિત્યપૂર્ણ છે કે વેદ પર અભ્યાસ કે સંશોધન કરનારાઓ ગંગેશ્વરાનંદજીનું સાહિત્ય પ્રમાણભૂત માને છે. 14-02-1992ના રોજ મુંબઈ ખાતે વિદ્વાન ગંગેશ્વરાનંદજીએ સદાને માટે પોતાની આંખો મીંચી દીધી.
[2] ઈન્દીવર ‘ગીતકાર’
ફિલ્મ જગતના ગીતકાર ઈન્દીવરનો જન્મ મધ્યપ્રદેશના બારવાસાગર ગામમાં થયો હતો. તેમનામાં જન્મજાત કાવ્યસંસ્કારના બીજ હતા જે સમય જતાં અંકુરિત થઈ પાંગર્યાં હતાં. એ વખતે તેઓ રાષ્ટ્રપ્રેમની કવિતા રચતા. સંગીતકાર રોશને ‘મલ્હાર’ ફિલ્મમાં ઈન્દીવરને ગીત લખવાનો અવસર આપ્યો અને આ ફિલ્મના બધા ગીતો સફળ થયા. ત્યારપછી બીજી કેટલીક ફિલ્મો માટે ગીતો લખ્યા. પરંતુ ઈન્દીવરની પ્રતિભા બહુ ઝળકી નહીં. દરમિયાન તેમનો કાવ્ય સંગ્રહ ‘પ્યાર બાટતે ચલો…’ પ્રગટ થયો. સાહિત્યના ક્ષેત્રે બહુશ્રુત બની કવિ ઈન્દીવરે પુનઃ સિનેસૃષ્ટિમાં પદાર્પણ કર્યું. સંગીતકાર કલ્યાણજી અને ઈન્દીવર વચ્ચે અતૂટ સેતુ રચાયો અને સુંદર ગીતોની હારમાળા સર્જાણી. એ પછી ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘જોની મેરા નામ’, ‘અમાનુષ’, ‘સમઝૌતા’, ‘અનોખી રાત’ જેવી ફિલ્મોના ગીતો ખૂબ લોકપ્રિય થયા છે. ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ના તમામ ગીતો સુપરહીટ થયા છે. ‘ચંદન સા બદન’ ગીતને તો શ્રેષ્ઠ ગીતનો ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયેલ. ફિલ્મ ઉપકાર અને પ્રેમગીતના ગીતો પણ અત્યંત લોકપ્રિય છે. ‘હોઠોં સે છૂ લો તૂમ, મેરા ગીત અમર કર દો.’નું કાવ્યતત્વ કેવું અપૂર્વ છે ! તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે 400થી વધારે ફિલ્મોમાં 2500 ઉપરાંત ગીતો લખ્યાં છે. પોતાના ગીતોની ફોરમથી સુવાસિત કરી કવિ ઈન્દીવર 28-02-1997ના રોજ મહાકાળના તાપમાં કરમાઈને ખરી પડ્યા.
[3] એસ.એન. તાવરીયાજી
સરલ પ્રકૃતિના ગૃહસ્થયોગી એસ.એન.તાવરીયાજી 2-3-1919ના રોજ જાણે કોઈ દિવ્ય હેતુ માટે પધાર્યા હતા. તેઓશ્રીએ એક સિદ્ધગુરુના સાંનિધ્યમાં તેમની સાત વર્ષની વયે યોગાભ્યાસ શરૂ કર્યો હતો અને મહર્ષિ પતંજલિની પરંપરામાં યોગસાધના કરતાં જ યોગની પરમ અવસ્થાનો અનુભવ કર્યો હતો. એન્જીનિયરીંગ ફેકલ્ટીની ઊંચી ડિગ્રીઓ ધરાવનાર, પારસી ખોળિયાના મુંબઈ સ્થિત આ મહાયોગી, પ્રસિદ્ધિથી પર રહીને બહારથી પૂર્ણ રીતે ગૃહસ્થાશ્રમનો ધર્મ બજાવતા હોવાં છતાં અંદરથી પૂર્ણ મુક્ત દશામાં જીવતા હતા. યોગ સાધનાથી તેઓએ પોતાના શરીર-મનને એવા તૈયાર કર્યા હતા કે તેઓ અઠવાડિયામાં માત્ર બે-વાર ભોજન અને વીસ કલાક સતત કાર્યશીલ રહી રાત્રે માત્ર ચાર કલાક આરામ કરતા. અનંતના કંપન સાથે સંવાદ રચતી 3SRB અને 6 Refining તેમની કસરતો સામાન્યજન માટે આરોગ્યનું વરદાન છે. તેઓ કહેતા : ‘મનને કાબૂમાં રાખવા, શ્વાસ સિવાય આપણી પાસે બીજું કોઈ સરલ સાધન નથી. શ્વાસમાં 24 કલાક રીધમ બેસાડી દયો અને તમે મહાસાગર તરી જશો.’ ઈ.સ. 1994માં પોતાના અવકાશી ગૃહે પરત પહોંચી ગયા. તેમનો જીવનમંત્ર હતો : ‘Breathe in Love, Breathe out forgiveness’ શ્વાસે શ્વાસે પ્રેમ, ઉચ્છવાસે ક્ષમા.
[4] ભગવાનલાલ ઈન્દ્રજી
ગુજરાતના આદ્ય પુરાતત્વ વિશારદ અને સિક્કાશાસ્ત્રી તરીકે ખ્યાતિ પામેલા ડૉ.ભગવાનલાલ ઈન્દ્રજી ભટ્ટનો જન્મ ઈ.સ. 1839માં જૂનાગઢમાં થયો હતો. પ્રાથમિક કેળવણી ગામઠી નિશાળમાં લઈ, પિતા અને ભાઈ પાસેથી સંસ્કૃત અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભગવાનલાલને એમની કારકિર્દીના ચીલે ચડાવનાર તો ગિરનાર તળેટીમાં આવેલા સમ્રાટ અશોકના શિલાલેખો જ હતા. જર્જરિત શિલાલેખ પરના લખાણો દિવસો સુધી મહેનત કરી ઉકેલવામાં સફળતા મળતા એમનું નામ ગુજરાતભરમાં પ્રસિદ્ધ થયું. ડૉ. ભાઉદાજીના નિમંત્રણથી તેઓ મુંબઈ ગયા. તેમને અજંટા મોકલવામાં આવ્યા. ઘણા દિવસો સુધી કામ કરી ત્રેવીસ ગુફાલેખો તેમણે ઉતાર્યા. તેમની સેવાઓની કદરરૂપે તેમને રોયલ એશિયાટિક સોસાયટીએ માનદ સભ્યપદ આપી નવાજ્યા. તેમણે આદિકાળથી વાઘેલાવંશ સુધીનો ‘ગુજરાતનો ઈતિહાસ’ પણ બોમ્બે ગેઝેટિયર માટે તૈયાર કર્યો. ભારતના અનેક સ્થળોએ ભ્રમણ કરીને, શરીરની પણ પરવા કર્યા વગર પુરાતત્વ વિદ્યાનું લગાતાર કામ કર્યું. એકધારા અને પ્રબળ પુરુષાર્થને કારણે ભગવાનલાલની તબિયત બગડી અને 16-03-1888 ના રોજ તેમણે અલવિદાય લીધી. તેમને અંજલિ આપતા ધનવંત ઓઝા લખે છે : ‘તેમનામાં હિન્દુની નમ્રતા, જર્મન પ્રજાની નિષ્ઠા, અંગ્રેજોની શક્તિ અને યોગીની સ્થિતપ્રજ્ઞતા એકસાથે દષ્ટિગોચર થાય છે.’
[5] વિનુ માંકડ
વિશ્વ વિખ્યાત ઓલરાઉન્ડર અને જામનગરના પનોતાપુત્ર વિનુ માંકડનો જન્મ 14-04-1917 ના રોજ જામનગર ખાતે થયો હતો. જાણીતા ક્રિકેટર દુલીપસિંહજીએ શાળાઓ વચ્ચે ચાલતી એક મેચમાં વિનુ માંકડની શક્તિ પારખી અને ત્યારથી એ કિશોરનું ભાગ્ય પલટાયું. ટેસ્ટમાં બે હજાર અને સો વિકેટોની સિદ્ધિ મેળવી હતી. માંકડના જીવનનો યાદગાર ટેસ્ટ ઈ.સ. 1952માં ઈંગ્લેન્ડ ખાતેના ઓવલના મેચ દરમિયાન બોલીંગ અને બેટીંગમાં જે શાનદાર દેખાવ કર્યો તે હતો. આખું મેદાન ક્રિકેટ રસિકોથી ખીચોખીચ ભરેલું હતું. જેમાં એક ખાસ મહેમાન ઈંગ્લેન્ડના રાણી ઈલીઝાબેથ પણ હાજર હતા. વિરામના સમયે તેમણે માંકડને રૂબરૂ બોલાવી અભિનંદન આપતા કહ્યું કે મેં તમારી રમત ટીવી ઉપર જોઈ અને એ માટે ખાસ અભિનંદન આપવા આવી છું. સર ડોનાલ્ડ બ્રેડમેને પોતાની સહી અને ફોટાવાળો પત્ર માંકડને આપ્યો હતો જેમાં લખ્યું હતું : ‘વેલ બોલ્ડ માંકડ આઈ એમ હાઈલી ઈમ્પ્રેસ્ડ’. વિનુ માંકડે આ વાંચી ખુશ થતા જણાવ્યું કે મારે માટે આ અદ્દભુત માનપત્ર છે. તેમને મન ક્રિકેટ, દેશ, ટીમ એ જ કાયમ મહત્વના રહ્યા હતા. આ ત્રણનું હિત સાચવવામાં, એની સેવા કરવામાં તેમણે શરીર, અંગત સિદ્ધિ, યશ કે અપયશની પરવા નથી કરી. ઈ.સ. 1978માં મુંબઈ ખાતે વિનુ માંકડનું અવસાન થતાં ક્રિકેટ રસિકોને મોટી ખોટ પડી.
[6] તારાબહેન મોડક
ભૂલકાંઓના સાથી અને લેખિકા શ્રીમતી તારાબહેન મોડકનો જન્મ 19-04-1892ના રોજ થયો હતો. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, પોતાની બધી શક્તિઓને એમણે બાલશિક્ષણમાં વાપરી, તેનો રચનાત્મક ઉપયોગ કરી, સમાજની સેવા કરી. રાજકોટની બાર્લ્ટન ફીમેલ ટ્રેઈનીંગ કોલેજની પ્રિન્સિપાલ પદની મોટા પગારની અને અધિકારની નોકરી છોડી તેઓ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાયા. તારાબહેને ગાંધીજીની પ્રેરણાથી કોસવાડમાં આદિવાસી બાળકો માટે પારણાઘર, બાલવાડી, પ્રાથમિકશાળા, રાત્રીશાળા એમ શિક્ષણ સંસ્થાઓની પરંપરા શરૂ કરીને કેળવણીનો યજ્ઞ શરૂ કર્યો. તેઓ મોન્ટેસરી સંમેલનમાં ભાગ લેવા યુરોપ પણ ગયા હતા. તેમણે બાળસાહિત્યના પુસ્તકો ઉપરાંત શિક્ષણ અંગેના પુસ્તકો પણ લખ્યાં છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે આપેલી અનેકવિધ સેવાઓની કદરરૂપે ભારત સરકારે તેમણે ‘પદ્મભૂષણ’ ખિતાબ અર્પણ કરી તેમનું બહુમાન કર્યું હતું. બાળકોને સમજવાની અને તેમને પ્રેમથી વશ કરી લેવાની તેમનામાં જન્મજાત શક્તિ હતી. શિક્ષણ સંબંધી વિચારોને સાકારિત કરવા એ બધું જ કરી છૂટતા. ગુજરાતમાં પૂર્વ પ્રાથમિક ક્ષેત્રે એમણે એટલું બધું રચનાત્મક કામ કર્યું છે કે ઈ.સ. 1973માં 81 વર્ષની વયે મુંબઈમાં જ્યારે એમનું અવસાન થયું ત્યારે આ સન્નારીને કેળવણીકારોએ ‘ગુજરાતના મોન્ટેસરી’ કહીને બિરદાવી આદરાંજલિ અર્પણ કરી હતી.
[7] ચંદ્રવદન મહેતા
ગુજરાતી સાહિત્યના સમર્થ નાટ્યકાર ચં.ચી. મહેતાનો જન્મ ઈ.સ. 1901ના રોજ થયેલો. કિશોરાવસ્થામાં તે નાટકમાં અદાકારી કરતાં, તેમાંથી નાટકો લખવાનો શોખ જાગેલો. વર્ષો સુધી એકાકી જીવન વીતાવતા ચં.ચી. મહેતાને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ રહેવાની ખાસ વ્યવસ્થા કરી આપેલી. નિયમિત જીવન, વિશાળ વાચન અને આજુબાજુની ઘટનાઓની નાટ્યાત્મકતા શોધી કાઢવાની એમની ટેવે એમને એક અલગારી લેખક બનાવી દીધા. અવિરત પરિશ્રમ લઈ તેમણે શિષ્ટ અને સંસ્કારી જૂથ ઊભું કરીને અવેતન રંગભૂમિની સ્થાપના કરી, ‘ઈલાકાવ્યો’, ‘આગગાડી’, ‘નાગબાવા’, ‘મૂંગીસ્ત્રી’, ‘ચડો રે શિખર રાજા રામના’, ‘ધરા ગુર્જરી’, ‘પ્રેમનું મોતી’ વગેરે એમની યશોદા કૃતિઓ છે. સભા સંચાલનની કુદરતી શક્તિ એમનામાં હતી. જેને લઈને ભારતમાં તથા વિદેશમાં કેટલીય પરિષદોમાં પ્રમુખસ્થાન ધરાવતા હતા. ઉપરાંત ઓલ ઈન્ડિયા રેડિયોના ડાયરેક્ટર હતા. સાહિત્યનો પ્રસિદ્ધ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ ઉપરાંત ‘પદ્મશ્રી’નો ઈલકાબ પણ એમને મળેલો. અલગારી ને આખાબોલા, ટીખળી ને હાજર જવાબી, નમ્ર તેટલા જ સ્વમાની અને ધૂની તેટલા જ શિસ્તપ્રેમી ચંદ્રવદન મહેતાનું વ્યક્તિત્વ સાહિત્યાકાશમાં જુદી જ ભાત પાડનારું છે. ચં.ચી. મહેતાનું 4-5-1991ના રોજ વડોદરા ખાતે અવસાન થયું. નાટ્યસાહિત્યના ભેખધારી ચં.ચી. મહેતા ચિરસ્મરણીય રહેશે.
[8] રાજેન્દ્ર કૃષ્ણ
મધુર ગીતના સર્જક અને પટકથા લેખક શ્રી રાજેન્દ્ર કૃષ્ણનો જન્મ 6-6-1919ના રોજ થયો હતો. માત્ર બાર વર્ષની વયે વસંત કાવ્ય લખ્યું હતું. પછી તો સાહિત્યના ઉત્તમ ગ્રંથોના વાંચનથી કૃષ્ણભક્તિના મધુર ગીતોનું સર્જન થતું ગયું. દરમિયાન ‘બડી બહન’ ફિલ્મમાં એમણે લખેલા ગીતોએ કમાલ કરી દીધી. ‘ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ….’, ‘વો દિલમે ખુશી ખુશી બનકર આયે’ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના મધુર સૂરો પર સવાર થઈને આ ગીતોએ રાજેન્દ્ર કૃષ્ણનું નામ સમગ્ર દેશમાં ગુંજતું કર્યુ. તેમની સફળતાથી પ્રભાવિત થઈને મદ્રાસના કુશળ નિર્માતાઓએ તેમને પોતાના ક્ષેત્રમાં લઈ લીધા. સુંદર શબ્દો, ભાવસભર અર્થો અને ગેય તત્વોની ત્રિવેણીમાં શ્રોતાઓને ભીંજવનાર તેમના ગીતો અમર રહેશે. તેમની 40 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં તેમણે 800 ફિલ્મોમાં યોગદાન કર્યું છે. ‘ભાભી’, ‘નાગિન’, ‘અનારકલી’, ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’, ‘ડોલી’, ‘ખાનદાન’ જેવી ફિલ્મોના સુંદર ગીતો સાંભળવાની સાથે જ આજે પણ મન આનંદની સમાધિમાં લીન થઈ જાય છે. રાજેન્દ્ર કૃષ્ણ ઈ.સ. 1987માં શ્રીકૃષ્ણના ધામમાં ગયા ત્યારે એમના જ લખેલા એક ગીત પ્રમાણે ‘બ્રિન્દાવન કા ક્રિષ્ન કનૈયા સબકી આંખો કા તારા’ તેમ રાજેન્દ્ર કૃષ્ણ પણ ફિલ્મી ગીતોના રસિક શ્રોતાઓની આંખોના તારા બની હંમેશા યાદ રહેશે.
[કુલ પાન : 210. (પાકું પૂઠું). કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : પુસ્તક પરાગ. C/o. આર. એલ. જોશી. એ-18, ‘હરિદ્વાર’, રાધાકૃષ્ણનગર, વંથલી રોડ, જૂનાગઢ. ફોન : +91 285 2673200. ઈ-મેઈલ : mrlvjoshi@gmail.com ]
7 thoughts on “માનવપુષ્પોની મહેક – એલ. વી. જોશી”
બહું પ્રસિધ્ધ ન હોય તેવા મહાનુભાવોનો પરિચય ખરેખર જાણવા લાયક.
આપણી આસપાસ આજે પણ આવા અનેક માનવપુષ્પો મહેંક પ્રસરાવી રહ્યા છે. ઘણાં ને પ્રસિધ્ધિ મળી છે ઘણાને કદાચ નહી મળે કદાચ આવી કોઈ જ નોંધ પણ નહી લેવાય પણ છતાંય તેઓ આપણાં જીવન પર તેમની છાપ છોડી ગયા છે.
સરસ માહિતી.
અહિં ક્રિકેટજગતમાં ૧૯૫૨ ના સમયની મેચોમાં વિનુ માંકડની સાથે બીજાં પણ ગુજરાતી ક્રિકેટરો હતાં. સૌરાષ્ટ્રની ધરતી પરથી એ સમયમાં બીજાં પણ સ્પોર્ટ્સપર્સન આપણને મળ્યાં છે. વિગતે એક લેખ ટાઇમ્સ ઓફ ઇંડીયામાં બહુ વરસો પહેલા વાંચેલો.
લેખકે ઘણી મહેનત કરી છે. આઠ વ્યક્તિત્વમાંથી પાંચ તો ખરેખર અજાણ્યા જ હતા. લેખ અહી આપવા બદલ આભાર્ લેખકનુ પોતાનુ પૂરું નામ પણ આપશો.
સરસ .
આભાર.
બધા જાણીતા મહાનુભાવોમા કાંઇક નવિન પણ માણવા મળ્યું
ખૂબ સ રસ
આવા બીજા ઘરદિવડાઓ પર પણ પ્રકાશ પાથરવા વિનંતિ
THIS BOOK LIGHT OF INDIAN FUTURE
આપને જાણીને આનંદ થશે કે માનવપુષ્પોની મહેકના પુષ્પોને વીડિયો ફોર્મેટમાં યૂ ટ્યુબ પર મુકવામા આવેલ છે. અને તેમાં ઘણા વીડિયોમા તો આ બૂક્ના લેખક શ્રી એલ. વી. જોશી સહેબ એ જ આપ્યો છે. જૂઓ આ ચેનલ પર http://www.youtube.com/user/vasantteraiya
http://vasantteraiya.blogspot.in/