પિતા-પહેલા ગુરુ – રમણલાલ સોની

[વિવિધ મહાનુભાવોના પિતા સાથેના પ્રેરક પ્રસંગો પર આધારિત પુસ્તક ‘પિતા-પહેલા ગુરુ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. શ્રીરામભાઈ રમણલાલ સોનીનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] પિતા થકી પ્રેરણા (આલબર્ટ આઈન્સ્ટાઈન)

બાળક આલ્બર્ટના પિતા વિદ્યુતશાસ્ત્રના અભ્યાસી હતા, અને વીજળીના ઉપયોગ વિશે નવા નવા અખતરા કરતા રહેતા હતા. આલ્બર્ટ ચાર વર્ષનો હતો ત્યારે એકવાર તેમણે તેને કહ્યું : ‘અહીં આવ, કંઈક દેખાડું !’ બાળક આલ્બર્ટ હોંશે હોંશે બાપની પાસે દોડી ગયો. બાપે તેને લોહચુંબક દેખાડ્યું.

બાળક કંઈ સમજ્યો નહિ. બાપે એક કોરા કાગળ ઉપર લોઢાના નાના નાના અસંખ્ય ટુકડા મૂક્યા અને પછી એ કાગળની નીચે લોહચુંબક અડાડ્યું. લોઢાના ટુકડા લોહચુંબક ફરે તેમ ફરવા લાગ્યા. આ રીતે બાપે કાગળ પર લોઢાના ટુકડાઓને ખૂબ નચાવ્યાં. બાળક આલ્બર્ટ આ ચમત્કાર જોઈને ખુશ થઈ ગયો. બાપે કહ્યું : ‘કુદરત આવા ચમત્કારોથી ભરેલી છે, દીકરા !’ બાળક આલ્બર્ટના ચિત્ત પર આ શબ્દોની ઊંડી અસર પડી. મોટા થઈને એણે વિજ્ઞાનક્ષેત્રે એટલી બધી શોધો કરી કે આજે દુનિયાનો એ મોટામાં મોટો વિજ્ઞાની ગણાય છે. એ કહે છે : ‘આ લોહચુંબકના પ્રયોગે મારા જીવન પર ઊંડી અને કાયમી અસર કરી. મોટો થઈને હું જે કંઈ નવી શોધો કરી શક્યો તેના મૂળમાં એ છે.’

[2] બાળપણના સંસ્કાર (ઠક્કર બાપા)

વૈષ્ણવનું ઘર. ઘરનું નાનું મોટું સૌ સવારના પહોરમાં નાહીધોઈ હાથમાં માળા લે અને ‘શ્રીકૃષ્ણઃ શરણમ મમ’નો જપ કરે. બાળકોએ પણ માળા ફેરવવી પડે. તે પછી જ તેમને નાસ્તો મળે. દશબાર વર્ષનો અમૃતલાલ પ્રાથમિક શાળામાં ભણતો હતો. એક દિવસ એણે માતાને પૂછ્યું :
‘બા, માળા ફેરવવાથી શું થાય ?’
માતાએ કહ્યું : ‘ભગવાન પ્રસન્ન થાય.’
અમૃતે કહ્યું : ‘ભગવાન પ્રસન્ન થાય તો શું થાય ?’
માતાએ ચિડાઈને કહ્યું : ‘જા, તારા બાપાને પૂછ.’ પિતા વિઠ્ઠલદાસ ઠક્કર આ સાંભળતા હતા. તેમણે અમૃતને પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું : ‘ભગવાન વિશે જાણવું છે ને તારે ? તો આ ચોપડી વાંચ ! ભગવાન પોતે બધું કહેશે.’ આમ કહી એમણે બાળકને નાનકડી ગીતા આપી કહ્યું : ‘આનો એક એક બોલ ભગવાને પોતે કહેલો છે; ભગવાન કહે છે કે મારાં દર્શન કરવાં હોય તો બીજાના દુઃખે દુઃખી થવું અને બીજાના સુખે સુખી થવું. आत्मवत् सर्वभूतेषु । બધે ભગવાનને જોવા અને બધું ભગવાનમાં જોવું.’ અમૃતે હવે રોજ ગીતા વાંચવા માંડી. સમજાય ન સમજાય તોયે એ વાંચતો રહ્યો.

અમૃતલાલ ભણીને ઈજનેર થયો. એને મુંબઈમાં સારી નોકરી મળી. ખૂબ ઠાઠમાઠથી એ રહેતો હતો. તે કાળે થિયોસોફિકલ સોસાયટી નામે ઓળખાતા એક બ્રહ્મ વિદ્યામંડળનો પ્રચાર સારો ચાલતો હતો. એ લોકો હિંદુ તત્વજ્ઞાનનો પુરસ્કાર કરતા હતા અને ગીતાનું ગૌરવ કરતા હતા. એમનાં ભાષણો સાંભળી અમૃતલાલમાં બાળપણના સંસ્કાર જાગી ગયા. તેમને પિતાએ કહેલા શબ્દો યાદ આવ્યા, કે ભગવાનનાં દર્શન કરવાં હોય તો ગીતા વાંચ – બીજાના દુઃખે દુઃખી થા અને બીજાના સુખે સુખી થા. आत्मवत् सर्वभूतेषु । બાળપણમાં સાંભળેલા આ શબ્દોએ હવે અમૃતલાલનું આખું જીવન પલટી નાખ્યું. પોતાના સુખનો વિચાર ભૂલી તેઓ સૌના સુખનો વિચાર કરવા લાગ્યા. દેશની ગરીબાઈનું એમને ભાન થયું. દેશમાં કેટલા બધા લોકો ભૂખે રિબાય છે તેનું તેમને ભાન થયું. તેમણે નોકરી છોડી દીધી, એમનો પહેરવેશ બદલાઈ ગયો, એમની રહેણીકરણી બદલાઈ ગઈ, કામકાજનું ક્ષેત્ર પણ બદલાઈ ગયું. ગુજરાતના પછાતમાં પછાત વિસ્તારના લોકોની સેવામાં એમણે જીવન હોમી દીધું. એમણે ‘ભીલસેવા મંડળ’ની સ્થાપના કરી અને દાહોદ તાલુકાના ગામડામાં જઈને રહ્યા. અમૃતલાલ ઠક્કરે દેશની આ ગરીબ જનતાની એવી સેવા કરી કે એ સૌના ‘ઠક્કરબાપા’ બની રહ્યા. ભીલ આદિવાસીના જ નહિ, તમામ વસતીના ઠક્કરબાપા. મહાત્મા ગાંધીજીના પણ એ ઠક્કરબાપા હતા.

તો શું એમને ભગવાનનાં દર્શન થયાં ? હા, થયાં. ગરીબ આદિવાસી જનતામાં એમને ભગવાનનાં દર્શન થયાં. ભગવાનની જ સેવા કરતા હોય એટલા પ્રેમથી, એટલી નિષ્ઠાથી તેમણે ગરીબ જનતાની સેવા કરી અને એ જનતામાં એમને ભગવાનનાં દર્શન થયાં. ભગવાનનું વચન સત્ય ઠર્યું કે :

यो मां पश्यति सर्वत्र सर्वम् च मयि पश्यति ।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ।।
જે મને સર્વમાં જુએ ને મારામાં જુએ બધું,
કદી તેનો મટું ના હું, ન મારો એ મટે કદી !

[3] પિતાજીએ આણેલી મીઠાઈ (વિનોબાજી)

માએ મને કહેલું કે પિતાજી આવશે ત્યારે તારા માટે કંઈક મીઠાઈ લાવશે. તેઓ આવ્યા ત્યારે હું મીઠાઈ માટે દોડીને સામે ગયો. તેમણે મારા હાથમાં એક ખોખું મૂક્યું. ચોરસ પેકેટ હતું. એટલે થયું કે અંદર બરફી હશે. પણ ખોલ્યું તો અંદરથી બે ચોપડીઓ નીકળી – બાલરામાયણ અને બાલમહાભારત. હું એ ચોપડીઓ લઈને મા પાસે ગયો. ચોપડીઓ જોઈ માની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. તે બોલી, ‘પિતાજી તારા માટે જે મીઠાઈ લાવ્યા છે તેનાથી વધારે સારી મીઠાઈ બીજી હોઈ ન શકે.’ એ મીઠાઈનો મને એવો તો ચસકો લાગી ગયો કે આજ સુધી તે છૂટ્યો નથી.

પિતાજી અત્યંત સ્વાવલંબી વૃત્તિના હતા. પોતાનું કોઈ પણ કામ મા કે બાળકોને કરવા દેતા નહિ. મા ગયા પછી પણ તેમણે કદી કોઈની સેવા લીધી નથી. વાસણ-કચરા માટે કામવાળો રાખવાનું કહ્યું તો કહે કે ગમે તેટલો સારો નોકર હોય, પણ તેનાથી ક્યારેક ક્યાંક ભૂલ થઈ જાય અને આપણા મોંમાંથી કડવાં વેણ નીકળી જાય ! એના કરતાં આપણું કામ જાતે જ કરી લેવું બહેતર છે. ભલે થોડી મહેનત પડે, પણ કોઈના દિલને દુભવવાનો પ્રસંગ તો ન આવેને !

[4] તારા ભાગમાં બાપા ! (પુરાણકથા)

એક હતો બ્રાહ્મણ. એણે શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હતો અને યજ્ઞયાગ વગેરેનો અનુભવી હતો. એની પાસે સ્થાવરજંગમ મિલકત પણ હતી. બ્રાહ્મણને ચાર દીકરા હતા. બ્રાહ્મણે દીકરાઓને વિદ્યાભ્યાસ માટે ગુરુને ઘેર મોકલવાનો વિચાર કર્યો ત્યારે મોટા ત્રણ દીકરાઓએ કહ્યું, ‘ભણીને પણ બ્રાહ્મણે ભીખ માગવાની છે ને ! તો ભણીને શું કામ ? વગર ભણ્યે અમારું મજેથી ચાલે છે.’ આમ મોટા ત્રણ દીકરા ભણ્યા નહિ પણ નાનો નાભાગ ભણવા ગયો. બાર વરસ ગુરુને ઘેર રહી એ ભણ્યો. એ ઘેર આવવાનો થયો ત્યારે એના આવતા પહેલાં જ એના મોટા ત્રણ ભાઈઓએ બાપને પૂછ્યા કર્યા વિના જ બાપની મિલકતના ભાગ પાડી લીધા. દરદાગીના, વાસણકુસણ, સોનુંરૂપું ઘરજમીન વગેરે જે કંઈ હતું તે બધું એ ત્રણેએ લઈ લીધું.

નાભાગ ભણીને ઘેર આવ્યો ત્યારે ત્રણે મોટા ભાઈઓએ એને કહ્યું : ‘તું સૌથી નાનો, એટલે ઘરનું જે કીમતીમાં કીમતી ધન તે અમે તારા સારુ રાખ્યું છે; તું એ સંભાળી લે !’ આમ કહી એમણે બહાર ઓસરીમાં થાંભલાના ટેકે બેઠેલા વૃદ્ધ બાપ ભણી હાથ કરી કહ્યું : ‘તારા ભાગમાં અમે બાપાને રાખ્યા છે. એ સુવાંગ તારા એકલાના છે, અમે એના પર હક નહિ કરીએ.’ નાભાગે બાપની પાસે આવીને કહ્યું :
‘મારા મોટા ભાઈઓ કહે છે કે તારા ભાગમાં અમે બાપાને રાખ્યા છે, તો તમને લઈને મારે હવે આજીવિકાનું શી રીતે ગોઠવવું ?’
બાપે કહ્યું : ‘તને આ મંજૂર છે ?’
નાભાગે કહ્યું : ‘ગુરુને ઘેર એટલું શીખ્યો છું કે પૈસો ટકો માણસની સાથે જન્મતો નથી ને માણસની સાથે મરતો નથી – એટલે એવી ચીજ માટે ભાઈઓ સાથે વાદમાં ઉતરવાનું મને પસંદ નથી; અને બાપની સેવાચાકરી કરવાની એમણે મને તક આપી છે એ તો સારું જ છે.’
આ સાંભળી બાપે કહ્યું : ‘ઠીક, તો સાંભળ, ગામનો ઠાકોર યજ્ઞ કરાવે છે, તેમાં મંત્રો બોલવામાં બ્રાહ્મણો ભૂલ કરે છે એવું મારા જાણવામાં આવ્યું છે. તું ત્યાં જા, તને કંઈ મળશે.’

નાભાગ બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યાં ગયો. તેણે જોયું તો બ્રાહ્મણો મંત્રો બોલવામાં ભૂલો કરતા હતા. તેણે ધીરે રહીને એમને એમની ભૂલો બતાવી, તો એ બ્રાહ્મણોએ એને જ મંત્રો બોલવા બેસાડી દીધો. યજ્ઞ સારી રીતે પૂરો થયો. બ્રાહ્મણો દક્ષિણા લઈને વિદાય થયા. વિદાય થતાં બ્રાહ્મણોએ નાભાગને કહ્યું : ‘અહીં જે રહ્યું તે બધું તારું !’ બ્રાહ્મણોના ગયા પછી નાભાગે રહીસહી સામગ્રીની પોટલી બાંધી, ત્યાં તો અંતરિક્ષમાંથી અવાજ સંભળાયો :
‘ખબરદાર ! એ બધા પર મારો અધિકાર છે.’
નાભાગે ચમકીને જોયું તો સામે ત્રિશૂળધારી મહાદેવ ઊભેલા. નાભાગે મહાદેવને સાષ્ટાંગ પ્રણામ કર્યાં, ને કહ્યું : ‘ભગવાન, આ ધન મને બ્રાહ્મણો દઈ ગયા છે.’
મહાદેવે કહ્યું : ‘બ્રાહ્મણોની એ ભૂલ છે. યજ્ઞમાં વધેલા ધનનો માલિક મહાદેવ છે. જા, તારા પિતાને પૂછી આવ.’ નાભાગે ઘેર જઈ એના પિતાને પૂછ્યું કે યજ્ઞમાં વધેલું ધન કોનું ગણાય ? બાપ જાણતો હતો કે વધ્યું ધન મહાદેવનું જ છે, પણ એવું કહે તો પુત્રને કશું મળે નહિ અને ભૂખે મરવું પડે. પણ એણે તરત જ નિર્ણય કરી નાખ્યો કે સાચું જ કહેવું, જૂઠું બોલીને સુખી થવાતું હોય તો પણ હું મારા પુત્રને એવો પાઠ નહિ શીખવું.’
તેણે કહ્યું : ‘મહાદેવની વાત સાચી છે, એ ધન પર એમનો જ અધિકાર છે.’

નાભાગે યજ્ઞસ્થળે પાછા આવી મહાદેવને કહ્યું : ‘મારા પિતા કહે છે કે આ ધન પર મહાદેવનો અધિકાર છે. માટે આપ એ સંભાળો, અને મારા અપરાધની મને ક્ષમા આપો !’ મહાદેવે પ્રસન્ન થઈ કહ્યું : ‘તારા પિતાએ પુત્રસ્નેહને વશ થઈ પક્ષપાત કર્યો નહિ, તે સાચું બોલ્યા અને તું પણ પિતાના પગલે સત્યને વળગી રહ્યો તેથી તારા પર પ્રસન્ન થઈ આ બધું ધન હું તને દઈ દઉં છું અને આશીર્વાદ આપું છું કે સત્યનો સેવક એવો તું કદી ભૂખે નહિ મરે – જા, પિતાની સેવા કરી આ લોક અને પરલોકમાં અક્ષય કીર્તિ પ્રાપ્ત કર !’ નાભાગનું નામ પિતૃસેવક તરીકે પુરાણોમાં અંકિત થઈ ગયું.

[5] પિતા તરફથી જીવન-પાથેય (કાકાસાહેબ કાલેલકર)

મહાત્મા ગાંધીજીએ જેમને સવાઈ ગુજરાતી ગણાવ્યા છે તેવા પૂજ્ય કાકાસાહેબ કાલેલકરના પિતાશ્રી મહારાષ્ટ્રના સાંગલી રાજ્યના ટ્રેઝરી ઑફિસર હતા. એકવાર તેમને રાજ્યના ત્રણેક લાખ રૂપિયા લઈને પૂણે જવાનું થયું. આ રૂપિયા દઈને રાજ્ય માટે પૂણેની અંગ્રેજ સરકારની ટ્રેઝરીમાંથી પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. દત્તાત્રેય (કાકાસાહેબ કાલેલકરનું બાળપણનું નામ) તાજો જ મેટ્રિક પાસ થયો હતો અને આગળ અભ્યાસ માટે પૂણેની કોલેજમાં દાખલ થવાનો હતો, તેથી તે પણ પિતાની સાથે હતો.

પિતાજી શા માટે પૂણે જાય છે તેની દત્તાત્રેયને ખબર હતી – દેશી રાજ્યનું નાણું દઈને અંગ્રેજી રાજ્યનું નાણું ખરીદવાનું હતું, જેના ભાવની બજારમાં ચડઊતર થયા કરતી હતી. તેણે ધીરેથી પિતાને કહ્યું : ‘અંગ્રેજી નાણાંનો ભાવ રોજ બદલાય છે. આપણે બજારમાં ઓછા ભાવે નોટો ખરીદીએ અને તે સરકારી જાહેર ભાવે ખરીદી છે તેવું રાજ્યને બતાવીએ તો કોઈને ખબર ન પડે અને આપણને સારો નફો મળી જાય.’

પછીની વાત કાકાસાહેબના જ શબ્દોમાં સાંભળીએ. કાકાસાહેબ કહે છે : ‘આ સાંભળી પિતાજીને ભારે આઘાત લાગ્યો. તે થોડીવાર ચૂપ રહ્યા. પછી ગળગળા થઈ બોલ્યા : ‘દત્તુ, મેં નહોતું ધાર્યું કે તારામાં આવી હીનતા હશે. તારી વાતનો અર્થ એ કે મારે મારા અન્નદાતાને છેતરવા. ધૂળ પડી તારી કેળવણીમાં ! ભગવાને આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરુથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો રહીશ ત્યારે શો જવાબ આપીશ ? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને આવું જ કરવાનો ને ? એના કરતાં અહીંથી જ તું પાછો જાય એ શું ખોટું ?’ છેલ્લે કાકાસાહેબ કહે છે : ‘હું સડક થઈ ગયો. ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી. સવારે પૂણે પહોંચ્યો તે પહેલાં મન સાથે મેં નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહિ કરું, પિતાજીનું નામ નહિ લજવું. આ નિશ્ચય સાથે જ હું કોલેજમાં ગયો. કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પૂણે વચ્ચે ટ્રેનમાં મળી ચૂકી, મને જીવન-પાથેય મળી ગયું.’

કાકાસાહેબને જે જીવન-પાથેય મળ્યું તે મને તમને સૌને ખપ લાગે એવું છે.

[કુલ પાન : 192. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : ડૉ. રેણુકા શ્રીરામ સોની. સુતરીઆ હાઉસ, ત્રીજો માળ, ભાઈકાકાભવન પાસે, એલિસબ્રિજ, અમદાવાદ-380006. ફોન : +91 79 26460225.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “પિતા-પહેલા ગુરુ – રમણલાલ સોની”

Copy Protected by Chetan's WP-Copyprotect.