ઉમાશંકર : પ્રેમની વિદ્યાપીઠ – અનિલ જોશી

[ સુપ્રસિદ્ધ કવિ શ્રી અનિલ જોશી પોતાના અભ્યાસકાળ દરમિયાન કવિવર શ્રી ઉમાશંકર જોશી સાથે કેવો પૂર્વગ્રહ ધરાવતા હતા અને એ પછી ઉમાશંકર જોશીના પ્રેમે તેમને કેવી રીતે પોતાના કરી લીધા, તેની નાજુક પળો વિશેનો આ લેખ તાજેતરના ‘નવનીત સમર્પણ’ (ઉમાશંકર જોશી : શતાબ્દી વંદના વિશેષાંક)માંથી સાભાર લેવામાં આવ્યો છે.]

ઉમાશંકર જોશીજીના એક વિદ્યાર્થી હોવાને નાતે મને એમના માટે ખૂબ અહોભાવ હોય એમાં નવાઈ પામવા જેવું નથી. પરંતુ મારી વિદ્યાર્થી અવસ્થામાં મેં એમને કાયમ શત્રુભાવે જ ભજ્યા છે. એ દિવસોમાં રે મઠની કાવ્યપ્રવૃત્તિઓ ધોધમાર ચાલતી હતી. લાભશંકર ઠાકરે ‘કૃતિ’ (સંસ્કૃતિ નહીં) નિયતકાલીન સામાયિક શરૂ કર્યું હતું. ભાષાભવનમાં હું કાયમ એમનો પિરિયડ ભરવા જઉં. તેઓ ‘નવલકથાનું સ્વરૂપ’ સમજાવતા હોય, ‘બ્રધર્સ કેરેમોઝોવ’ ભણાવતા હતા. રે મઠની પરિભાષામાં કહેવું હોય તો ઉમાશંકર ‘દાદુ’ ઈન્સાન હતા.

એ દિવસોમાં મારા જેવા જુવાનિયાઓ રે મઠમાં અનેક તોફાનો કરતા. લાભશંકર, આદિલસાહેબ, ચિનુ મોદી, મનહર મોદી, સુભાષ શાહ, રાજેન્દ્ર શુક્લ, મુકુન્દ પરીખ, અબ્દુલ કરીમ શેખ, પ્રબોધ પરીખ અને રાવજી પટેલ જેવા મિત્રો સ્થાપિત કાવ્યપરંપરાની કે વિભાવનાની સામે ઉગ્ર ચળવળ ચલાવતા હતા. કંઈક નવું થવું જોઈએ એનો સંઘર્ષ હતો. અછાંદસ, ગીત અને ગઝલ જેવાં કાવ્યસ્વરૂપો નવાં કલેવર ધારણ કરી રહ્યાં હતાં. રે મઠના સ્થાનકે ઉમાશંકર, સુરેશ જોશી સહિતનાં અનેકનાં પૂતળાંઓ લટકાવતા હતા. ચિનુભાઈ ‘ઉન્મૂલન’નો અંક કાઢીને એમાં લખતા હતા કે ‘ઉમાશંકરના છંદ હજી પાકા થયા નથી.’ આ બધાં તોફાનોને કારણે અમારી મથરાવટી થોડીક મેલી હતી. એવામાં દ્વારકા ખાતે જ્ઞાનસત્ર ભરાય અને પ્રબોધ પરીખ ‘હિટલર ધ ઓન્લી ગોડ’ શીર્ષક હેઠળ મેનિફેસ્ટો બહાર પાડે. ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ સામાયિકની સામે ‘કૃતિ’નું પ્રકાશન થાય. કવિવર લાભશંકર ઠાકરનો ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’ નામે કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થાય. ‘તડકો’ કાવ્યની ઠેરઠેર ચર્ચા થાય. ‘ગાંધીજીની ટાલ તડકો….તડકો… બંમબંમ….તડકો તારી બોચીનો છે મેલ…’ કટાવ છંદમાં લાભશંકરની પ્લેફુલનેસ સહુ એન્જોય કરતા હતા. ઉમાશંકરના ‘સંસ્કૃતિ’નો રીતસર બહિષ્કાર હતો. ‘સંસ્કૃતિ’માં પ્રસિદ્ધિ માટે કાવ્ય મોકલવું નહીં એવો નિયમ હતો. એ દિવસોમાં હું ઉમાશંકર પાસે ભણતો હતો.

મારા ભાષાભવનના અભ્યાસકાળ દરમિયાન ઉમાશંકર ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે નિમાયા. સર્વત્ર આનંદ મંગળ છવાઈ રહ્યો હતો. આદિલ મન્સૂરી સાહેબે તો સુરેશ જોશીના ‘ક્ષિતિજ’ને ન્યુઝ મોકલી દીધા કે ઉમાશંકર ઉપકુલપતિ નિમાયા એનો ગુલાલ એક પાતળી દેહદષ્ટિ ધરાવતા સર્જકના નિતંબ ઉપર હતો. વડોદરાથી સુરેશ જોશીના ‘પોતડી દાસો’ જેવો ખાસ શબ્દ પ્રયોજ્યો હતો. ઉમાશંકર ઉપકુલપતિ થયા પછી બધા સર્જકોએ એમને મળવા માટે લાઈન લગાવી હતી. પરંતુ એક રેઈસ્ટ તરીકે હું ઉમાશંકરનો વિદ્યાર્થી હોવા છતાં એમને મળવા ન ગયો. બીજે કે ત્રીજે દિવસે હું ભાષાભવનમાં ઉમાશંકરનો પિરિયડ ભરવા ગયો ત્યારે ઉમાશંકર મને દાદરા ઉપર મળી ગયા. મારા ખભે હાથ મૂકીને કહે : ‘કવિતા કુશળ છે ને ? તું કેમ મળવા ન આવ્યો ?’ મેં સહેજ ખિન્ન સ્વરમાં કહ્યું : ‘તમે ઉપકુલપતિ થયા એ મને જરાય ગમ્યું નથી, કારણ કે હવે તમે પિરિયડ લેવા નહીં આવો. વહીવટી કામમાં ડૂબી જશો.’ આ સાંભળીને ઉમાશંકર મને બાથમાં લઈને એમની ચેમ્બરમાં લઈ ગયા. પછી કહે, ‘અનિલ, તને પ્રોમિસ આપું છું કે હું વર્ગ નહીં છોડું.’ મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો.

પછી તો બરાબર બપોરે હું ભાષાભવન પહોંચું અને લોબીમાં ઊભો રહીને જોઉં તો ઉમાશંકર ધીમી પણ સ્વસ્થ ચાલે હાથમાં પુસ્તકો લઈને પિરિયડ લેવા આવતા દેખાય. હું ઝડપથી વર્ગમાં બેન્ચ ઉપર બેસી જાઉં. ઉમાશંકર વર્ગમાં એન્ટ્રી મારતાં મારી સામે જોઈને ધીમેકથી પૂછે: ‘મેં આઈ કમ ઈન ?’ એ ક્ષણે તો હું ધૂળની પાલી રાખ જેવો થઈ જતો. ઉમાશંકર માટેનો એક છૂપો આદર મારા મનમાં એ ક્ષણથી જ ઊછરતો થઈ ગયો. ઉમાશંકર સાથે ધીમે ધીમે મારો ઔપચારિક સંવાદ વિકસવા લાગ્યો. ગોંડલમાં કવિ મકરન્દ દવેના ફળિયે ઉમાશંકર આવી ચડે ત્યારે દાસીજીવણ અને બીજા હરજી ભાઠી જેવા ભજનિકોની ચર્ચા હું મુગ્ધ ભાવે સાંભળ્યા કરતો. રવીન્દ્રનાથના ‘બલાકા’ કાવ્યસંગ્રહમાંથી ઘણાં કાવ્યો પણ કવિના મુખે સાંભળ્યાં. મારી યુવાવસ્થામાં આ બધા સંસ્કારો મારા દિલોદિમાગ ઉપર પડતા રહ્યા.

ઉમાશંકરનો હું પિરિયડ ભરતો હોઉં ત્યારે મને સતત એવું ફીલ થયા કરતું હતું કે કોઈ તીર્થયાત્રાએ જઈ રહ્યો છું. ઉમાશંકરનો વર્ગ મારા માટે આનંદલોક સમાન હતો. ઉમાશંકર મહાન પંડિત હતા પણ એમના વર્તનમાં એટલી બધી હળવાશ હોય કે તમને એવું લાગે નહીં કે આ માણસ જબરજસ્ત મોટા ગજાના પંડિત છે ! એમ.એ.ની પરીક્ષાના દિવસો નજીક આવતા હતા. મારી કોઈ તૈયારી નહોતી. ઉમાશંકર મને કાયમ કહેતા : ‘એક વાર તું એમ.એ. થઈ જા. પછી તારે યોગક્ષેમની કોઈ ચિંતા નહીં રહે. પરંતુ એ દિવસોમાં કવિતા લખવાનો એટલો મૂડ હતો કે રે મઠમાં ગયા વિના ચાલે જ નહીં. સાંજ પડે એટલે મારાં અને રાજેન્દ્ર શુક્લનાં ચરણ હેવમોર ભણી આપોઆપ ચાલવાં લાગે. રાજેન્દ્ર શુક્લ, ધીરેન્દ્ર મહેતા સાથે મારો નિવાસ યુનિવર્સિટી હોસ્ટેલમાં હતો. એ દિવસોમાં જ ‘બરફનાં પંખી’ અને ‘કન્યાવિદાય’ ગીતો લખાયાં હતાં. ‘સંસ્કૃતિ’માં કવિતા મોકલવી નહીં એવું રે મઠનું ફરમાન હતું એટલે મારી બધી જ ગીત-રચનાઓ ‘કૃતિ’માં પ્રસિદ્ધ થઈ.

પરીક્ષા આડા થોડા દિવસ હતા ત્યારે અમદાવાદના કોઈ રસ્તા ઉપર હું રખડતો હતો. સાંજનો સમય હતો. એવામાં મારી બાજુમાં જ ઉમાશંકરજીની ઉપકુલપતિની કાર આવીને ઊભી રહી ગઈ. ઉમાશંકર કહે : ‘અનિલ, ચાલ બેસી જા. ક્યાં જવું છે ?’ મારે યુનિવર્સિટી હોસ્ટેલ જવું હતું. એ સંકોચ સાથે એમની ગાડીમાં બેઠો. ઉમાશંકર કહે : ‘પરીક્ષાની તૈયારી કેવી છે ?’ મેં નિખાલસતાથી કીધું, ‘સાહેબ, મને ભણવાનો બહુ ભાર લાગે છે. પુસ્તકોના ઢગલા જોઈ મને ગભરામણ થાય છે.’ આ સાંભળીને ઉમાશંકરે મને જે ટિપ્સ આપી હતી તે આજ સુધી મારા ફેફસાંમાં સચવાઈને પડેલી છે. ઉમાશંકર પ્રેમથી ખભે હાથ મૂકતાં કહે : ‘તારી કવિતા તો કુશળ છે ને ? જો, પુસ્તકોનો ભાર મગજ ઉપર રાખવો નહીં. વિદ્યાર્થી કેવળ ગોખણપટ્ટી કરે અને કશું આત્મસાત ન કરે એને શૈક્ષણિક કાળાબજાર કહેવાય. તને ખબર છે ને શેક્સપિયર કહેતા : ‘ચોવીસ કલાક ચોપડીમાં માથું ઘુસાડી રાખનારને પુસ્તકિયા જ્ઞાન સિવાય બીજું શું મળે ?’ આધુનિક કવિ કિપલિંગને પણ આવા પુસ્તકિયા જ્ઞાન સામે નફરત હતી. કિપલિંગે તો એની કવિતામાં ટોમ લિન્સન નામના એક પુસ્તકિયા પ્રોફેસરનું કટાક્ષભર્યું શબ્દચિત્ર આલેખ્યું છે. આ પુસ્તકિયા પ્રોફેસર મૃત્યુ પામે છે. પરલોકમાં યમદૂતો એની ઉલટતપાસ લેતાં પૂછે છે :
‘તને મિત્રો હતા કે નહીં ?’
‘ના, મિત્રો નહોતા. પણ હા, એક પુસ્તકમાં મેં વાંચ્યું છે કે મિત્રો બહુ સારા હોય છે !’ યમદૂતનો બીજો પ્રશ્ન બહુ નાજુક હતો :
‘તમે કદી પ્રેમમાં પડ્યા છો ?’ આ પ્રશ્ન સાંભળીને ટોમ લિન્સન કહે છે : ‘છટ્ છટ્ પણ એક લેખકે કરેલું પ્રેમનું વર્ણન મેં વાંચ્યું છે. વર્ગમાં મેં ઘણી પ્રેમકવિતાઓ ભણાવી છે.’ છેવટે પેલો યમદૂત ખૂબ ચિડાઈને પૂછે છે : ‘પુણ્યની વાત જવા દો. પણ તમે પાપ કર્યું છે કે નહીં ?’
‘છિ….છિ….છિ…. પણ પાપ શું કહેવાય એની ઈન્ફોર્મેશન અમુક પુસ્તકોમાં મેં વાંચી છે.’ ટોમ લિન્સને કહ્યું. હવે પેલા યમદૂતને ડાઉટ જાય છે કે આ પુસ્તકિયા સાહેબમાં જીવ છે કે નહીં ? યમદૂત છીણી અને હથોડી લઈને પ્રોફેસરનું વિચ્છેદન કરે છે. સાહેબનું મગજ ચીરે છે તો એમાંથી કાગળ, ખડિયો ને શાહી નીકળવા લાગે છે. કવિ કિપલિંગની આ કવિતા બુકિશ લેંગ્વેજ બોલતા સદગૃહસ્થો ઉપર તીવ્ર કટાક્ષ કરે છે.’

ઉમાશંકરે કહેલી આ વાતથી મારો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો. ઈન્ટરઆર્ટ્સમાં ગુજરાતી વિષયમાં ફેઈલ થઈને મેં વર્ષ બગાડ્યું હતું એ સત્ય ઉમાશંકર જાણતા હતા. ઉમાશંકર આટલા મોટા પંડિત હોવા છતાં પતંગિયા જેવા હળવા કઈ રીતે રહી શકે છે એનું રહસ્ય મને સમજાઈ ગયું. ઉમાશંકર સાથે મારો બહુ આત્મીય ઘરોબો નહોતો. પણ એમણે આપેલી શીખ સાથે આત્મીય ઘરોબો હતો. મારો મિજાજ લિરિકલ મિજાજ હતો. ઉમાશંકરને ખબર હતી કે હું ગીતો લખું છું. એક સાંજે ઉમાશંકરે જોન ડનને ક્વોટ કરીને મને જે ટિપ્સ આપી હતી તે હું ભૂલ્યો નથી. જોન ડને લખ્યું છે કે ‘આકર્ષક સંગીતથી લલચાવી, પાસે બોલાવી અને પછીથી નાશ કરતી દરિયાપરીની જેમ હું ગાતો નથી. ગીત અને ગઝલ બહુ લપસણા કાવ્યપ્રકારો છે.’ કવિવર ઉમાશંકરના આ શબ્દો મેં હજી સુધી તાંદુલની પોટલીની જેમ સંતાડીને સાચવી રાખ્યા છે.

પછી એમ.એ.માં ફરી ફેઈલ થયો. કેરિયર બની નહીં. આજીવિકાના પ્રશ્નો ઊભા થયા. કવિ મનોજ ખંડેરિયા સાથે મુંબઈ ફરવા આવ્યો ને મુંબઈમાં જ સેટલ થઈ ગયો. કોમર્સ વીકલીમાં એક મામૂલી કારકુન તરીકે નોકરીમાં જોડાયો. ઉમાશંકરને ‘કોમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલી સાથે ખૂબ પરિચય. અવારનવાર ‘કોમર્સ’ની ઓફિસમાં આવે. એક દિવસ ઉમાશંકર વાડીભાઈને મળવા આવ્યા. ઉમાશંકરે વાડીભાઈને રોક્યા. અને કહ્યું : ‘અનિલ જે જગ્યાએ બેસે છે ત્યાં હું જાતે જ જઈશ !’ એ દિવસોમાં મને છેક ખૂણામાં ટેબલ આપ્યું હતું. ત્યાં બેસીને હું કારકુની કરતો હતો. એ બપોરે ઉમાશંકર ચૂપચાપ મારા ટેબલ પાસે આવીને બેસી ગયા. મારા આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. મને કહે : ‘સંસ્કૃતિ’ માટે કવિતા આપ.’ મને આંખે ચક્કર આવી ગયાં. એ દિવસોમાં મારી પાસે બેત્રણ અપ્રગટ કૃતિઓ હતી. ‘અઢી અક્ષરિયું’, ‘જીવ ચાળતી માયા’ ઉમાશંકરે મારી પાસેથી પ્રેમથી એ કવિતાઓ લઈને ‘સંસ્કૃતિ’માં છાપી. એ દિવસે મારી આંખના ખૂણા ભરાઈ આવ્યા. એ દિવસે મેં ઉમાશંકરને ધીમા અવાજે કહ્યું : ‘અમે તમારી સાથે ખૂબ ઝઘડાઓ કર્યા છે. બહુ પરેશાન કર્યા છે એનું ગિલ્ટ હજીયે મારા લોહીમાં છે.’ ઉમાશંકરે બહુ જ વહાલથી મને ધબ્બો મારતાં કહ્યું : ‘અનિલ, જે સાહિત્યમાં ઝઘડાઓ ન થતા હોય એ સાહિત્યની ચિંતા કરવી જોઈએ. સોહરાબ-રુસ્તમી યુગે યુગે થવી જ જોઈએ.’ ઉમાશંકર સતત જાગ્રત કવિ હતા. લાઈફ સાથે એનો ગહેરો રિશ્તો હતો. પોતે ગાંધીજીના જબરા ચાહક હતા પણ બેધડક કહેતા : ‘ગાંધીજી ગાંધીવાદી નહોતા’ કિપલિંગની કવિતામાં આવતા ટોમ લિન્સનના પાત્ર જેવા ગાંધીવાદી નહોતા.

1987માં મને ખારમાં ભયંકર અકસ્માત નડ્યો. મોડી રાત્રે બહાર પગ મોકળો કરવા નીકળ્યો હતો ત્યાં એક ટ્રકે મને ઉડાવી દીધો. એ ક્ષણની મારી સ્મૃતિ વિલુપ્ત થઈ ગઈ છે. બે દિવસ સતત બેશુદ્ધ અવસ્થામાં હતો. મારું લિવર ડેમેજ થઈ ગયું હતું. જિંદગીની કોઈ આશા નહોતી. પરંતુ હું બચી ગયો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને ઘેર આવ્યો. જુલાઈ મહિનો હતો. કરોડરજ્જુ ડેમેજ થઈ હતી એટલે પથારીમાંથી બેઠા થવાતું નહોતું. એક દિવસ વરસાદ ધોધમાર પડતો હતો. સાંજનો સમય હતો. એમાં મારા આશ્ચર્ય વચ્ચે ભીંજાતાં ભીંજાતાં ઉમાશંકર મારી ખબર કાઢવા હરીન્દ્ર દવે સાથે આવ્યા. ઉમાશંકરે આવતાંવેંત જ મારાં પત્નીને કહ્યું : ‘ભારતી, પેંડા લાવ. અનિલનો પુનર્જન્મ ઊજવીએ.’ મારાથી બેઠું થવાતું નહોતું પણ ઉમાશંકરને જોઈને પથારીમાંથી બેઠા થવાનો મેં જીવલેણ પ્રયત્ન કર્યો. પણ ઉમાશંકરે મને અટકાવ્યો. પછી ઉમાશંકરે મારા મુખ સુધી પોતાનું મુખ લાવીને, મુઠ્ઠીઓ વાળીને મને બહુ માર્મિક સવાલ પૂછ્યો : ‘ચાલ, સોહરાબ-રુસ્તમી કરવી છે ? (ઝઘડો કરવો છે ?) ’

એ સમયે મારાથી રોવું રોકાયું નહીં. ઉમાશંકરના ખભા ઉપર માથું મૂકીને હું ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યો. આ હતા ઉમાશંકર…. એક જ હતા ઉમાશંકર…. વન એન્ડ ઓન્લી ઉમાશંકર…. ઉમાશંકરનો કોઈ વિકલ્પ નથી. ઉમાશંકર સભારંજન વક્તા નહોતા. ઉપનિષદના માનવી હતા. મામૂલી સાથે નિસબત ધરાવતા મહાન સર્જક હતા. કોઈ વાર હું એમને મિડિયોક્રિટી વિશે ફરિયાદ કરતો ત્યારે તેઓ કહેતા : ‘સાયંસ્મરણીયને યાદ ન કરવા. પ્રાતઃસ્મરણીયને યાદ કરવા.’ ઉમાશંકર કહેતા : ‘હંમેશા ગ્રેટમાસ્ટર્સ’નો સંગ કરવો. કૃતિના હાર્દ સુધી પહોંચવું હોય તો આપણી ચાલ સંતાડીને સર્જકની ચાલે ચાલતાં શીખવું જોઈએ. પ્રેમ એ ઉમાશંકરની સર્વોચ્ચ અભિવ્યક્તિ હતી. પ્રેમનો કોઈ વિકલ્પ નથી. આજે ઉમાશંકર હયાત નથી. સાંપ્રત સાહિત્ય અને સાહિત્યકારોને જોઈને મને ઉમાશંકરની જ કાવ્યપંક્તિઓ યાદ આવે છે :

‘મોટાઓની લઘુતા જોઈને થાક્યો છું
હવે નાનાની મોટાઈ જોઈને જીવું છું.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “ઉમાશંકર : પ્રેમની વિદ્યાપીઠ – અનિલ જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.