ચૂંટેલી લઘુકથાઓ – સંકલિત

[સાહિત્યમાં લઘુકથાઓનો પ્રકાર એવો છે કે જે ખૂબ ઓછા શબ્દોમાં વાતને સચોટ રીતે વ્યક્ત કરે છે. ક્યારેક તો તેનો સારગર્ભિત સંદેશ વારંવાર વાંચીને સમજવો પડે છે. એક-એક શબ્દને તેમાં બરાબર ધ્યાન પર લેવો પડે છે. એ પછી લઘુકથાનો મર્મ સમજાય છે. આ પ્રકારની કેટલીક લઘુકથાઓ અત્રે ‘કુમાર’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવી છે.]

[1] ઋતુ બદલાય ત્યાં સુધી – કુસુમ ભૂપેન્દ્ર દવે

ભયાનક તોફાને માણસને તેના પંજામાં દબાવ્યો અને રણના અફાટ સમુદ્રમાં છોડી દીધો.
‘તું એકલો આ રેતીના સમુદ્રમાં કેવી રીતે ફસાઈ ગયો, ભાઈ ?’ એક ઝાડના ઠૂંઠાએ હાંફતા માણસને પૂછ્યું. માણસે રેતીમાં ઘૂસેલા પગને હળવા કર્યા. ‘કદાચ આ ઠૂંઠામાં હજુ રસ રહેલો છે’ તે ગણગણ્યો. પછી મોટેથી તે સાંત્વનના સ્વરમાં બોલ્યો : ‘ભાઈ, મારી આ હાલત તો તોફાને કરી નાખી છે. પરંતુ તું પાંદડાં અને ડાળીઓ વિનાનું કેમ થઈ ગયું છે ?’
‘માણસોના ટોળાએ મારા આ હાલ કરી નાખ્યા છે. મારો છાંયો પણ રહેવા ન દીધો. તેમની ભૂખે મને ડાળી-પાંદડાં વિનાનો કરી નાખ્યો.’
‘પરંતુ માણસોની ભૂખને તારી ડાળીઓ અને પાંદડાં સાથે શો સંબંધ ?’
‘તેમની સાથે ઊંટ, ઘોડા અને બકરીઓ હતી.’
‘સમજ્યો…’ માણસે માથું હલાવ્યું, ‘સ્વાર્થી મનુષ્ય…’
‘હિમ્મત રાખો.’ ઠૂંઠું બોલ્યું, ‘ઋતુને બદલાવા દ્યો.’

ઠૂંઠાની વાતથી માણસની તબિયતમાં સુધારો થયો. તેનામાં હિમ્મત આવી અને લાગણીથી તે ઠૂંઠા સાથે વીંટળાઈ ગયો. બન્ને રાત આખી પોતાના સુખદુઃખની વાતો કરતાં રહ્યાં. સવાર પડી. તેમણે પોતપોતાની જાતને જોઈ. માણસે આત્મવિશ્વાસના અંકુરથી ઠૂંઠામાં નાનાંનાનાં પાંદડાંને જોવાનું શરૂ કરી દીધું હતું.

[2] નીતિમત્તા – પીયૂષ ચાવડા

પંકજભાઈ વ્યવસાયે શિક્ષક હતા તેથી તેમનો વાંચનનો શોખ સારી રીતે વિકસી શકેલો. જ્યારે પણ સમય મળે ત્યારે તે શાળાના પુસ્તકાલયમાં જઈ નવાં નવાં પુસ્તકો વાંચ્યા કરે. પુસ્તકાલયની ભાગ્યે જ એવી કોઈ ચોપડી હશે, જે પંકજભાઈની નજર નીચેથી પસાર થઈ ન હોય. આમ તો તેમને બધા જ પ્રકારનું વાચન ગમતું, પણ જીવનમૂલ્યોનો નિર્દેશ કરતાં પુસ્તકો વધારે ગમતાં.

એક દિવસ તે મિત્રના ખાતામાંથી શહેરના પુસ્તકાલયમાંથી એક સરસ પુસ્તક વાંચવા લઈ આવે છે. એ પુસ્તકનો ‘નીતિમત્તા’ના શીર્ષકવાળો લેખ તેમને વધારે ગમી જાય છે. એ લેખ કેટલીય વાર વાંચી લીધો, પણ જેટલી વાર વાંચે એટલી વાર અનોખો જ આનંદ આવે. આમ ને આમ એક મહિનો પસાર થઈ ગયો. પુસ્તકાલયના નિયમ પ્રમાણે હવે પુસ્તક જમા કરાવવાનો સમય થઈ ગયો, પણ પેલો લેખ તેમનો પીછો છોડતો ન હતો. પુસ્તક જમા કરાવ્યા વગર ચાલે તેમ નહોતું. તેઓ પુસ્તક જમા કરાવવા પુસ્તકાલયે જાય છે. ખૂણામાં પડેલ ખુરશી પર બેસી ફરી પેલો લેખ એક વાર વાંચી જાય છે. ઘડીભર થાય છે કે આ પુસ્તક જમા કરાવી ફરીથી વાંચવા લઈ જાઉં. ફરી વિચાર બદલ્યો. આજુબાજુ નજર દોડાવી. હળવેકથી એ ‘નીતિમત્તા’ના શીર્ષકવાળો લેખ ફાડીને ગજવામાં મૂકી દીધો અને પુસ્તક જમા કરાવી નવું પુસ્તક ‘સત્યના પ્રયોગો’ મેળવી ચાલતી પકડી !

[3] સપનું – દુર્ગેશ ઓઝા

મોહન પૈસેટકે સાવ સાધારણ માણસ. જરૂરી ખર્ચાને બિનજરૂરી ખર્ચામાં ફેરવી નાખવાની નોબત પણ આવતી. પણ કલા અને આત્મવિશ્વાસ એ તેની મહામૂલી મૂડી. આખી દુનિયા પોતાને સિનેમાના પડદે જુએ એવું તેનું સપનું હતું. પણ સંજોગોએ તેને કલાકારમાંથી સામાન્ય કારકુન બનાવી દીધો હતો, જાણે પિંજરે પુરાયેલો પોપટ ! પણ આજે પિજરું ખુલવાની તૈયારીમાં હતું. અથાક મહેનત અને તેનું સપનું આ બંનેને તેણે છોડ્યા નહોતાં ને આજે ઘણા સમય પછી પહેલી વાર તેને એક ફિલ્મમાં અભિનય કરવાની આકર્ષક ઑફર મળી હતી. મોહને મુંબઈ જવાની તૈયારી કરી પણ અચાનક પત્ની માનસીને પૅરેલિસિસનો એટેક આવ્યો. મોહન ચિંતા, દોડધામના ચક્કરમાં અટવાયો.

મોહન સૂનમૂન થઈ પોતાના ભાગ્ય પર હસી પડ્યો. માનસી એક ડગલું પણ માંડી નહોતી શકતી. નસીબ બે ડગલાં દૂર હતું, પરંતુ ત્રણ દિવસ પછી પત્નીએ તેને મુંબઈ જવાનો આગ્રહ કર્યો ત્યારે મોહને કહ્યું : ‘હવે ભૂલી જા એ સોનેરી સપનું ને વળી આમ આ હાલતમાં તને છોડીને જવાનું મને કેમ ગમે, ગાંડી !’
માનસી ઘણું મથી પણ મોહન ન માન્યો….
અને બીજા દિવસની સવારે મોહને મુંબઈની વાટ પકડી ! સ્વજનો ઘેર આવી ટીકા ટિપ્પણના સંગે માનસીને વધુ દુઃખી કરવાની હોડમાં જાણે ઊતર્યા, પણ માનસીની પ્રસન્નતા યથાવત રહી. તેને યાદ આવી ગયું. મોહન ટસને મસ નહોતો થતો ત્યારે રાત્રે માનસીએ એટલું જ કહ્યું હતું કે ‘આ પેરેલીસીસ તો જવાનો હશે ત્યારે જશે પણ તમે ત્યાં જઈ આ ઓફર સ્વીકારી લેશો ને તો હું તમારા સપનાની બાધા નહિ પણ રાધા છું, સમજ્યા મારા મોહનજી !’ હા, પત્ની મક્કમ હતી. તેને તો કાયમ માટે હાંકી કાઢવો હતો, આખા ઘરમાં પ્રસરી ગયેલા પૅરૅલિસિસને !

[4] આક્રોશ – હિતા રાજ્યગુરુ

કામવાળી રેવા દીકરા સાગરને મેશનું ટપકું કરી ઈશ્વરને પ્રાર્થના કરાવી, પોતે જેને ત્યાં કામ કરતી હતી તે બહેનની શહેરમાં સારી ગણાતી ખાનગી શાળામાં દાખલ કરવા લઈ આવી હતી. બહેને આજે જ ફૉર્મ ભરી જવા કહ્યું હતું. બહેન કોઈ કાગળ વાંચવામાં મગ્ન હતાં તેથી તે એક બાજુ ચૂપચાપ ઊભી રહી. ખાટલામાં સૂતેલો પતિ રવજી પણ સાથે આવ્યો હોત તો ? – એવી સુખદ કલ્પના સાથે તેને ગઈકાલે કામ કરી ઘેર આવી ત્યારે થયેલો સંવાદ યાદ આવ્યો.

‘ઘરનાં કામ કરવામાં વળી શો મીર મારવાનો હતો તે આટલી વાર ? ઝટ ચા મૂક ને સાગરને ખાનગી નિશાળમાં ભણાવવાનો તને મોહ સે પણ વધુ ફી તારો બાપ ભરસે ? મારી પાંહે રૂપિયા હસે તો આપીસ. જવાબદારી મારી નહીં.’ કહી પીવાઈ ગયેલી ચારભાઈની બીડી ઠૂંઠાનો ગુસ્સામાં ઘા કર્યો.
‘હું બે ઘરનાં કામ વધુ કરીસ પણ તમે પીવાની ટેવ ઓછી કરો તો હારું. સાગરને બે છાંટા દૂધ મળે.’
‘બે-ત્રણ ઘરનાં કામ કરવા માંડી એમાં તો પાવર આવી ગ્યો. આ ઘર મારું સે હમજી ? મારે ખાવું હસે તે ખાઈસ અને પીવું હસે તે પીસ તને પોહાતું ના હોય તો વે’તી પડ્ય.’

‘રેવા, આવી ગઈ ?’ બહેને ઊંચે જોતાં કહ્યું.
‘હા, બહેન. તમે ઘરનાં કામની લગીરે ચિંતાના કરતાં. હું હધુંય ટેમસર કરી નાંખેશ. મારા દીકરાની હંભાળ રાખજો. પેલી વાર એકલો મૂકું સું.’ કહી હજુ સુધી તેડી રાખેલા દીકરાને નીચે મૂક્યો. બહેને ફૉર્મ હાથમાં લેતાં કહ્યું :
‘દીકરાનું નામ શું ?’
‘સાગરકુમાર’
‘પૂરું નામ બોલ. એના પિતાનું નામ શું ?’
રેવાની આંખો પૃથ્વી પર જડાઈ ગઈ.
ફરી બહેને કહ્યું : ‘પૂરું નામ…..’
રેવાએ નજર જમીન પરથી ઉઠાવી બહેન સામે સ્થિર કરતાં મક્કમ અવાજે કહ્યું : ‘સાગરકુમાર રેવાબેન….’

[5] કન્ની….! – અતુલકુમાર વ્યાસ

એ સીડી ચઢીને ઉપર આવ્યો. એનો સાત વર્ષનો દીકરો પતંગ ચગાવતો હતો. પતંગ આકાશમાં બહુ ઊંચે ગઈ હતી. એ અગાશીની રૂમમાં આવ્યો. રૂમમાં રાખેલા અરીસામાં એણે પોતાનો ચહેરો જોયો, કાંસકાથી વાળ ગોઠવ્યા. એની ઉંમર છત્રીસ વર્ષની હતી, પણ એ છવ્વીસનો લાગતો હતો. સામેની અગાશી પર શ્વેતા દરરોજ આ જ સમયે કપડાં સૂકવતી હોય ત્યારે બન્નેની આંખો મળતી, પરસ્પર હોઠ મલકતા અને ચાર આંખો વચ્ચે વાત થતી. આજે એમ જ બન્યું. છત્રીસ વર્ષે એનામાં એક મુગ્ધ યુવક સળવળી રહ્યો હતો.

એકાએક એના દીકરાએ સાદ કર્યો : ‘પપ્પા, પ્લીઝ જલદી આવો…’
‘શું થયું ?’ એ બહાર દોડી આવ્યો.
‘પપ્પા, મને લાગે છે કે પતંગ ઊંચે ગઈ પછી એની કન્ની છટકી ગઈ છે…જુઓ….’
‘હેં ?’
એની નજર શ્વેતા તરફ હતી અને એના દીકરાની નજર ઊંચે હવામાં ગોથાં ખાતી પતંગ તરફ….!

[6] ઍન્ટિક્સ – તલકશી પરમાર

રાહુલ અને તેની પત્ની શિલ્પા કારમાં ફરતાં ફરતાં મિત્ર સુરેશને ત્યાં જઈ ચડ્યાં. ચા-નાસ્તો પતાવીને સુરેશ બંનેને બાજુના રૂમ તરફ લઈ ગયો. રૂમમાં દાખલ થયાં. તેમાં રહેલાં સહુનો પરિચય કરાવતા સુરેશ બોલ્યો : ‘નેવું વર્ષ વટાવી ચૂકેલા દાદા-દાદી, પંચાસી વટાવી ચૂકેલા નાના-નાની અમારી સાથે જ રહે છે. પાંસઠ વટાવી ચૂકેલા બા-બાપુજી અને સાઠ વટાવી ચૂકેલા કાકા-કાકી.’ કુટુંબમાં સાથે રહેતાં સહુનો પરિચય આપ્યો. કુટુંબનાં સહુને રાહુલ અને શિલ્પાનો પરિચય કરાવતાં કહ્યું, ‘આ શિલ્પા અને રાહુલ છે. તેઓ એન્ટિક્સના બહુ શોખીન છે.’ સહુ સાથે બેઠાં ને વાતે વળગ્યાં. રૂમ આનંદ-કિલ્લોલથી ગૂંજી ઊઠ્યો. રાહુલ અને શિલ્પા બે દિવસ રોકાયાં. વડીલોના સાંનિધ્યમાં પ્રેમ, લાગણી અને હૂંફભર્યા વાતાવરણમાં પોતાનું ઘર પણ ભૂલી ગયાં. ત્રીજે દિવસે કાર લઈને રાહુલ અને શિલ્પા નીકળ્યાં. સાંજના ઘરે પહોંચ્યા.

રાહુલને નાનપણથી જ ઍન્ટિક્સનો શોખ હોવાથી દરેક રૂમમાં ઍન્ટિક્સની ગોઠવણ કરેલી. વધારાનાં ઍન્ટિક્સથી બે રૂમ ભર્યા હતા. ઘેર આવ્યાં પછી રાહુલ ઍન્ટિક્સ વિશે વિચારતો જ રહ્યો. બીજે દિવસે સવારથી જ ઍન્ટિક્સ વેચવાનું શરૂ કર્યું. બે રૂમ ખાલી કર્યા. પૈસા પણ સારા મળ્યા. રાહુલ શિલ્પા સાથે વતનમાં દાદા-દાદી અને મમ્મી-પપ્પા રહેતાં હતાં ત્યાં જવા કાર લઈને ઊપડ્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

35 thoughts on “ચૂંટેલી લઘુકથાઓ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.