જંગલી હાથી અને તેનું સામાજિક જીવન – રજની ત્રિવેદી

વન્ય જીવોનું દાંપત્યજીવન અને તેમની સામાજિક વ્યવસ્થાથી આપણે આજે પણ અજાણ્યાં છીએ. પરંતુ કુદરતનો ખોળો ખૂંદી તેમની સામાજિક વ્યવસ્થા અને દાંપત્યજીવનમાં ડોકિયું કરનારાઓએ જ્યારે તેમની નજીક જઈ જે કંઈ જોયું અને અનુભવ્યું તેનાથી તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ મોઢામાં આંગળાં નાંખી ગયાં. તેમને ભારોભાર નવાઈ લાગી. અહીં પ્રેમ છે, વિરહ છે, વેદના પણ છે. અહીં ક્યારેક હૈયાં મળે છે, તો ક્યારેક હૈયાં નંદવાય પણ છે અને ક્યારેક મનગમતી પ્રેયસીને મેળવવા તુમુલ યુદ્ધ પણ છેડી દેવામાં આવે છે અને તેનો અંત મૃત્યુમાં પરિણમે છે. આટલું બધું હોવા છતાં પણ કોઈને કોઈના વિશે કોઈ જ ફરિયાદ નથી. તે પૈકીનો એક જીવ છે હાથી. અહીં આપણે ભારતીય હાથીના દાંપત્યજીવન અને તેમની સામાજિક વ્યવસ્થા તરફ દષ્ટિ દોડાવતા પહેલાં તેની આફ્રિકાના હાથી સાથે સરખામણી કરી લઈએ.

ભારતીય હાથીને એશિયન હાથી રૂપે ઓળખવામાં આવે છે. જેને ભાષામાં Elephants Maximus કહેવામાં આવે છે. Family Marimus. તેને માત્ર ઉપરનો હોઠ હોય છે. નીચેનો હોઠ સૂંઢ સાથે જોડાયેલો હોય છે. આફ્રિકન હાથીની સરખામણીમાં તેના દંતશૂળ નાના પરંતુ વધુ તિક્ષ્ણ હોય છે. એક દાંતવાળા હાથી ને ગણેશ રૂપે ઓળખવામાં આવે છે. હાથણીને દંતશૂળ હોતા નથી. જ્યારે આફ્રિકન હાથીમાં નર-માદા બન્ને દંતશૂળ ધરાવે છે. એના કારણે ભારતીય હાથીને ‘Maknas’ રૂપે ઓળખવામાં આવે છે.

ભારતીય પુરુષવયના હાથીની સરેરાશ ઊંચાઈ 2.75 મીટર સુધી મળી આવે છે. જ્યારે આફ્રિકન હાથી તેના કરતા વધુ ઊંચાઈ ધરાવે છે. એટલે કે તે 3.5 મીટરથી લઈને 4 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે. ભારતીય હાથીના કાન નાના, તેના છેડા ગોળાકાર હોય છે. આફ્રિકન હાથીના કાન સુપડા જેવા લગભગ 4 ફૂટ જેટલા પહોળા હોય છે. ભારતીય હાથીના કપાળના બન્ને છેડાનાં હાડકાં મંદિરના ઘુમ્મટ જેવા ગોળાકાર હોય છે. આફ્રિકન હાથીમાં આ પ્રકારના લક્ષણો જોવા મળતાં નથી, પરંતુ તેના કપાળનો વચ્ચેનો ભાગ ઉપસેલો હોય છે. ભારતીય અને આફ્રિકન હાથી વચ્ચે બીજું પણ એક ખાસ લક્ષણ જોવા મળે છે. તે છે ભારતીય હાથી આફ્રિકન હાથીની સરખામણીમાં સ્વભાવે શાંત, નમ્ર, સરળ હોય છે. એ જ્યારે ટોળામાં હોય છે ત્યારે ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે. આફ્રિકન હાથીમાં આ લક્ષણ જોવા મળતું નથી. તે સ્વભાવે વધુ ઉગ્ર, ક્રૂર, નિષ્ઠુર, દયાહીન હોય છે. ઉપરાંત તે લડાયક અને ઝગડાખોર વૃત્તિનાં હોવાથી તેને પકડી પાલન-પોષણ કરી કામ લેવું મુશ્કેલ હોય છે. ભારતીય હાથી દરરોજ 200 કિલો જેટલો આહાર લે છે. તેમાંથી તે માત્ર 40 ટકા જ પચાવી શકે છે. બાકીનો તે મળ રૂપે ઉત્સર્ગ કરી દે છે. તેના આહારમાં મુખ્ય છે શેરડી, વાંસ, પીપળાનાં પાંદડાં ડાળીઓ, તથા ઘાસ. તેનું સરેરાશ આયુષ્ય 40 વર્ષનું હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેનું વધુમાં વધુ આયુષ્ય 69 વર્ષનું નોંધાયું છે.

ભારતીય હાથી-હાથણી અલગ-અલગ, પરંતુ ટોળાબદ્ધ રહે છે. નર એકલો અથવા બે-ત્રણ હાથી મળી તે એક અલગ ઝુંડમાં, પરંતુ માદાઓની નજીક રહે છે. જ્યારે છ કે સાત હાથણીઓ બાળબચ્ચાં વગેરે મળી અલગ ઝૂંડમાં રહે છે અને પુખ્તવયની કેળવાયેલી પરિપક્વ હાથણી તેની આગેવાની લે છે. પોતાના ટોળાના તમામ સભ્યોના રક્ષણની જવાબદારી તે વહન કરે છે. હાથણી 11 વર્ષની ઉંમરે અથવા એથી વધુ ઉંમરે પ્રજોત્પતિ માટે લાયક બને છે. ગર્ભાધાન બાદ 22 માસ પછી એક બચ્ચાને જન્મ આપે છે. બચ્ચાનો જન્મ થતાં જ સમગ્ર ટોળામાં આનંદ છવાઈ જાય છે અને ટોળાંમાં રહેલી તેની માસીઓ (માદાઓ) તેને લાડ કરાવવા સેવાસુશ્રૂષામાં લાગી જાય છે. જન્મ લીધા બાદ આ નવજાત શિશુ થોડા સમય સુધી બિલકુલ શાંત પડ્યું રહે છે. પછી તે લથડિયાં ખાતું પોતાના પગ ઉપર ઊભા રહેવા અને ચાલવા પ્રયત્ન કરે છે. માદા તેને સ્તનપાન કરાવવા પ્રયત્ન કરે છે, પરંતુ આરંભના તબક્કામાં આ બચ્ચાને માદાના ઈશારાની સમજ પડતી નથી, પછી તે કેળવાઈ જતાં સ્તનપાન કરવા લાગે છે. તે 5-6 મહિના સુધી માતાના દૂધ પર જીવનનો નિર્વાહ કરે છે. થોડા મહિના વહી ગયા પછી ધીરે ધીરે ઘાસ-ચારો ખાવાની આદત પડે છે. ટોળાંના અન્ય સભ્યો સાથે મળી તેનો આનંદ ઉઠાવે છે.

નર હાથી જ્યારે વૃદ્ધ બની જાય છે ત્યારે તે પ્રજોત્પતિ માટે લાયક રહેતો નથી. તેની સૂંઢ વળી જાય છે. તેના દંતશૂળ વધુ લાંબા થઈ પરિપક્વ બની જાય છે. તેના મોઢામાંથી દુર્ગંધ મારતી તીવ્ર વાસવાળી લાળનો સ્ત્રાવ થવા લાગે છે. તેના પરિણામ સ્વરૂપે તેના ટોળાંના અન્ય સભ્યો તેને દૂર રાખવા પ્રયત્ન કરે છે. આ સમયે તેની કામોત્તેજના વધી જાય છે અને માદા પ્રત્યે વધુ આકર્ષાય છે. માદા તેનાથી દૂર ભાગવા લાગે છે. તેનું પરિણામ એ આવે છે કે તે વધુ ઉગ્ર બની જતા તે માનસિકતાણ અનુભવ કરે છે. ટોળાંના અન્ય સભ્યો પ્રત્યે તેનું આક્રમક વલણ સભ્યોને જ્યાં ત્યાં પોતાના ઉગ્ર સ્વભાવનો પરિચય આપવા લાગે છે. ટોળાંને અન્ય સભ્યો તેને પોતાના સમાજમાંથી બહાર હાંકી કાઢે છે, પછી તેને ટોળાંની હાથણીઓ સાથે કોઈ જ પ્રકારનો સંબંધ રાખવાનો અધિકાર ગુમાવવો પડે છે. આવા હાથીને TASKER (ગજદંત) કહેવામાં આવે છે. ઓછી માનસિક તાણ અનુભવતો હાથી ચારે તરફ વિનાશ વેરવા લાગે છે. જેના પરિણામ સ્વરૂપે હિમાલયની તળેટીમાં આવેલો રાજાજી નૅશનલ પાર્ક, જિમ કાર્બેટ નૅશનલ પાર્કમાં વરસે દહાડે 400-500 માણસોને કચડી નાખવાના બનાવ બનતા જ હોય છે, પરંતુ જ્યારે આ હાથીનાં ટોળાં જંગલના જે ભાગમાં રહેતા હોય છે ત્યાં ઘાસચારાનો અભાવ સર્જાતા અન્ય સ્થળે સ્થળાંતર કરે છે. આ સમયે પેલા ટસ્કર (ગજદંત) હાથીને પણ પોતાના ટોળામાં સમાવી લઈ સૌ એકબીજાને સરહાર આપતા આગળ વધે છે.

હવે આપણે ટસ્કર હાથીના રખડું જીવન પર દષ્ટિ ફેંકીએ કે તે પોતાના સમાજમાંથી બહાર ફેંકાઈ ગયા પછી એકલતાનો અનુભવ કરતો પોતાની કામવાસાને તૃપ્ત કરવા કેવા-કેવા કાંડ રચે છે ! આ પ્રસંગ થોડાં વર્ષ પૂર્વેનો છે, જે 1997ના એપ્રિલ માસની વહેલી સવારે હરિદ્વારની નજીક આવેલ રાજાજી નૅશનલ પાર્કની ચીલા રેન્જમાં બન્યો હતો. હિમાલયની શિવાલિક પર્વતમાળાની ભીંસોભીંસ ઊભેલી ટેકરીઓ વડે ચોમેરથી ઘેરાયેલા લગભગ 900 ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં પથારો પાથરી રહેલા રાજાજી નૅશનલ પાર્કમાં હાથીઓની વિશાળ વસ્તી સહિત વાઘ, દીપડા, વરુ જેવા ખૂંખાર પ્રાણીઓની બહોળી વસ્તી સાથે વિવિધ જાતના હરણાંઓનાં ટોળાં, મોટા મહાકાય અજગરો પણ આકર્ષણનું કેન્દ્ર છે. તેની સાથે રંગબેરંગી પક્ષીઓના કલરવથી લચી પડતી તરુવર શાખાઓ પ્રકૃતિપ્રેમીનું મન મોહી લે છે. આ પાર્ક નવ-દસ રેન્જમાં વહેંચાયેલો છે. તેમાં કોટ દ્વારા, ચિડિયાપુર, ચિલા, ચંડીદેવી, હૃષીકેશ, મંછાદેવી, રિયામપુર, મોતીચુર, દહેરાદૂનનો સમાવેશ થાય છે.

હું ચિલાગંજમાં પતંગિયાંના અવલોકન માટે ગયો હતો. આ નૅશનલ પાર્કના પશ્ચિમ છેડે ચંડીમાતા ટેકરીની નીચે આવેલ ગંગા નહેરને લગભગ સમાંતર એક રોડ નૅશનલ પાર્કને વીંધતો પૂર્વમાં આવેલ હૃષિકેશ તરફની નીલકંઠ પર્વતમાળાની તળેટી સુધી લઈ જાય છે. તેની દક્ષિણ દિશામાં ફેલાયેલા વિશાળ જંગલમાં જંગલી હાથીની બહોળી વસ્તી છે, જેને રાહદારીઓ અને ખાનગી વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવેલ છે. બાકીનો પૂર્વ, ઉત્તર, દક્ષિણ તરફનો ભાગ ખુલ્લો છે. જ્યાં આછું જંગલ આવેલું છે. છૂટા-છવાયા ઊભેલા સુક્કાં વૃક્ષનાં મોટાં મહાકાય થડ અહીં એક વાર દુર્ગમ જંગલ હોવાનો અણસાર આપી રહેલ છે. લગભગ એક વિશાળ મેદાન જેવો લાગે છે. અહીં હાથીના ઉપદ્રવ નહીંવત છે. એકલ-દોકલ માણસ કોઈ પણ પ્રકારનો ભય અનુભવ્યા વગર વિહરી શકે છે. ગંગાનહેર પર બનાવવામાં આવેલ એક નાનકડા પુલને પસાર કર્યા પછી એક કાચો રસ્તો કોડિયા ગામ તરફ લઈ જાય છે, આગળ જઈ સર્પાકારે દોડી જતી પગદંડીમાં રૂપાંતરિત થઈ જાય છે.

હું અહીં હાથીનો ભય ન હોવાથી નિર્ભય બની આ પગદંડી દ્વારા પૂર્વમાં આવેલ નીલ પર્વતની જમણી બાજુ આવેલ વિસ્તારમાં પક્ષીઓનાં અવલોકનમાં લીન હતો. પક્ષીઓનો કલરવ મારા મનમાં અનોખા-આનંદનો અનુભવ કરાવી રહેલ હતો. ત્યાં અચાનક સામેની ઝાડીમાં શાંતિનો ભંગ કરતો ખળભળાટ શરૂ થયો. એની તરફ નજર દોડાવી તો સામેની ગીચ ઝાડી વચ્ચે એક કાળી આકૃતિ ઊપસી આવી. હું સાવધાન બની ગયો. ત્યાં તો તેની પાછળ બીજી આકૃતિ ઊપસી આવી. હું એ આકૃતિને ઓળખી ગયો કે તે ટસ્કર હાથી છે. શરીરમાંથી ભયની ધ્રુજારી છૂટી ગઈ. પરસેવાથી રેબઝેબ થઈ ગયો. એ ટસ્કર હાથી હાથીઓનાં અન્ય ટોળાંમાંથી હાથણીને વિખૂટી પાડી આ તરફ લઈ આવ્યો હોય તેમ લાગ્યું. મારે મારી જાતનો બચાવ કરવા કઈ દિશામાં નાસી છૂટવું તે માટે એ કયું પ્રાણી છે તે જોવા પડી ગયો. વૃક્ષ પર ચઢી જીવ બચાવવાનો પ્રયત્ન કરવો એ તો મોતને સામેથી આમંત્રણ આપવા જેવું હતું. હાથી માટે સુક્કા ઝાડના થડને ભેટુ મારી ઉખાડી નાખવું રમત વાત હતી. જવું તો ક્યાં જવું ? હું સુક્કા ઝાડની ઓથ લઈ લપાતો-છુપાતો નજીક આવેલ ઈન્દ્રવરણાની ગીચ ઝાડી પાછળ જઈને ટૂંટિયું વાળી માથું નમાવી બેસી ગયો અને પેલા હાથી-હાથણીની ચેષ્ટા જોવા પ્રયત્ન કર્યો.

ટસ્કર હાથી પેલી હાથણીને ઉઠાવી સામે આવેલ ગીચ ઝાડી પાછળ લઈ ગયો. હવે મારા જીવમાં જીવ આવ્યો. નિરાંતનો શ્વાસ લીધો. અને મનોમન વિચારી લીધું કે હું હવે સંપૂર્ણ સલામત છું, કોઈ વાતે ભય નથી. પરંતુ મારી એ ધારણા થોડીક ક્ષણમાં ઠગારી નીવડી. હું મારી જાતને પૂરેપૂરી સંભાળું તે પહેલાં પેલા (ટસ્કર) હાથી-હાથણી જે ટોળામાંથી આવ્યાં હતાં તે ટોળાંમાંથી 4-5 કદાવર હાથી-હાથણીઓનું એક ટોળું ચીસો પાડતું, ત્રાડો નાંખતું ઝાડીમાંથી બહાર આવ્યું અને પેલા હાથી-હાથણી જે દિશામાં ગયાં હતાં તે દિશામાં તેમના પગલાં સૂંઘતું વળી ગયું. મને હાશકારો થયો પરંતુ એ જ ક્ષણે મારા મનમાં પ્રશ્ન ઉદ્દભવ્યો કે આમ કેમ બન્યું હશે. આટલાં બધાં હાથી-હાથણીઓ એક જ દિશામાં દોડી જવા પાછળ કોઈ કારણ જરૂર છુપાયેલું હશે. મારા મનમાં એ જાણવાનું કુતૂહલ પેદા થયું એટલે હું બિલ્લીપગે લપાતોછુપાતો ઝાડીઝાંખરાની ઓથ લેતો હાથીઓનું ટોળું જે દિશા તરફ ગયું હતું એ દિશામાં આગળ વધ્યો અને નજીકની એક ટેકરી પર ચઢી ગયો.

હવે હું સલામત બની ગયો હતો. અહીં હાથી આવવાનો કોઈ ભય નહોતો. મેં બાઈનોક્યુલરની મદદ વડે પેલા હાથીઓનું ટોળું જે દિશામાં ગયું હતું તે દિશામાં દષ્ટિ ફેંકી. ઓહ આ શું ? મનમાં પ્રશ્ન થયો કે હું કેવું દશ્ય જોઈ રહ્યો છું. અહીં તો એક હાથીને ચારે તરફથી ઘેરી બીજા હાથીઓ તેની ઉપર પોતાના તિક્ષ્ણ દંતશૂળ વડે પ્રહાર કરી રહ્યા હતા. વચ્ચે ઊભેલો (જેને હું ઓળખી ગયો હતો કે તે ટસ્કર હતો) હાથી પોતાના દંતશૂળ વડે ચારે તરફથી થઈ રહેલા પ્રહારને ખાળી રહ્યો હતો. આ લડત હાથીઓથી દૂર ઊભી ઊભી હાથણી આ દશ્ય જોઈ રહી હતી. તે થોડી વાર પહેલા ભગાડી લાવવામાં આવેલ હાથણી જ હતી. વચ્ચે રહેલા ટસ્કર હાથીના પાછળના પગ એક ખાડો આવતાં લથડિયું ખાઈ ગયો, તો તેની આસપાસ ઊભા રહી પ્રહાર કરી રહેલા હાથીઓએ આ પ્રસંગનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. તે પૈકીના એક કદાવર હાથીએ પોતાના તિક્ષ્ણ દંતશૂળ ટસ્કર હાથીના પેટમાં ભોંકી દીધા. ચારે તરફ લોહીની છોળો ઊડી. વચ્ચે ઊભેલો ટસ્કર હાથી પણ એમ ગાંજ્યો જાય તેમ ન હતો. ભલે તે વૃદ્ધ થઈ ગયો હોય પણ તે પોતાનો બચાવ કરવા સામે હુમલો કરવા આગળ વધ્યો. પરંતુ તે એમ ન કરી શક્યો. તેની પાછળથી થયેલા દંતશૂળના પ્રહારે તેને ચત્તોપાટ કરી દીધો. પરિણામ સ્વરૂપે ટસ્કર હાથીના શરીરમાંથી એટલું બધું લોહી વહી ગયું હતું કે તે કોઈ પણ પ્રકારે પોતાનો બચાવ કરી શકે તેમ ન હતો. પેલા હાથીઓ હજી તેનો પીછો છોડતા જ ન હતા – વારાફરતી આગળ આવી તેના ઉપર દંતશૂળના પ્રહાર કરતા જ રહેલાં. હવે તે સંપૂર્ણ લોહીલુહાણ થઈ તરફડિયાં મારવા લાગ્યો અને થોડી વારમાં તેનું પ્રાણપંખીરું ઊડી ગયું.

હું દશ્ય જોઈ ડઘાઈ જ ગયો હતો, અને હાથવડે માથું પકડી નીચે બેસી જઈ વિચારવા લાગ્યો કે આવું શા માટે થયું હશે. તો બીજી બાજુ હાથીઓની ત્રાડો-ચીસો સાંભળી જંગલ ખાતાના માણસો હાથીના ટોળાંને છૂટું પાડવા બંદૂકના ભડાકા કરતા ત્યાં આવી પહોંચ્યા. પરંતુ એ સમયે તેઓ એ દશ્ય જોઈ બધી જ વાત સમજી લીધી કે આમ કેમ બન્યું હશે. તેમને આ ભીષણ લડાઈનો અંદાજ મેળવવામાં વાર ન લાગી. હું ટેકરી ઉપરથી નીચે ઊતરી પેલા જંગલખાતાના માણસો જ્યાં ઊભા હતા ત્યાં જઈ પહોંચ્યો. મેં દશ્ય જોયું હતું તેનું સંપૂર્ણ વર્ણન તેમની સમક્ષ રજૂ કર્યું. મેં એ જાણવા પ્રશ્ન રજૂ કર્યો કે આમ કેમ બન્યું કે જેમાં એક હાથીને જીવ ગુમાવવો પડ્યો ? જંગલના એક અધિકારીએ મને કહ્યું કે સાહેબ આ જે હાથી માર્યો ગયો તે ટસ્કર હાથી હતો. તે વૃદ્ધ થઈ ગયો હોવાથી તેને ટોળામાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. ટોળામાંથી ફેંકાઈ ગયા પછી તે કોઈ પણ હાથણી સાથે શારીરિક સંબંધ બાંધી શકતો નથી. આ હાથીસમાજનો નિયમ છે. જો તેનો ભંગ કરવામાં આવે તો સજા થાય છે, તે છે મૃત્યુદંડ. આવા તો અનેક પ્રસંગો બનતા રહે છે, જેમાં ટસ્કર હાથીને જીવ ગુમાવવો પડે છે.

ભારતમાં કુલ મળી 13,000 જેટલા હાથીઓની વસ્તી છે જે ઉત્તરાખંડ, આસામ, ઝારખંડ-ઓરિસ્સા, કર્ણાટક, કેરાલા એમ પાંચ ઝોનમાં વહેંચાયેલ છે. દંતશૂળના કારણે તેના થઈ રહેલા શિકારના લીધે તેની વસ્તી દિવસે દિવસે ઘટતી જઈ રહી છે. એને તો દેશનું દુર્ભાગ્ય જ ગણવું જોઈએ. વન્ય પ્રાણીની કરવામાં આવેલ હત્યાના સો ટકા કેસમાંથી 69% કેસમાં સરકારી અધિકારીઓ સંડોવાયેલ જાણવા મળ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “જંગલી હાથી અને તેનું સામાજિક જીવન – રજની ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.