દરિયાકિનારે – વાડીલાલ ડગલી

[વાડીલાલ ડગલી એટલે પરિચય પુસ્તિકાના આદ્યસર્જક. તેમના નિબંધો ગુજરાતી સાહિત્યમાં ખૂબ વંચાયા છે. અત્રે તેઓ વિશ્વમાં જુદા જુદા દરિયાકિનારે અનુભવેલા સંવેદનો વ્યક્ત કરે છે. તેમનો આ નિબંધ ‘શિયાળાની સવારનો તડકો’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે, જેની આજસુધીમાં અનેક આવૃત્તિઓ થઈ છે. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

કોઈ ડુંગરા અને પર્વતો વચ્ચે ઊછર્યું હોય તો તે પોતાને ગર્વપૂર્વક ‘ડુંગરાનો બાળક’ કહે છે. હું આવો ગર્વ લઈ શકું તેમ નથી. મારો ઉછેર, મોટા ભાગનો અભ્યાસ અને પછી સંસાર દરિયાને કાંઠે વ્યતીત થયો છે. ગગનચુંબી ઊંચાં મકાનોને પણ વામણાં દેખાડે એવાં ગાંડાં મોજાં ઉછાળતા વેરાવળના દરિયાની સંગતમાં હું ઊછર્યો. મુંબઈના ટાપુ પર અને બર્કલી-સાનફ્રાન્સિસ્કોના દરિયાકાંઠે હું ભણ્યો. ફરી પાછો મુંબઈ આવી વ્યવસાય કર્યો. આમ છતાં હું મારી જાતને સાગરનું સંતાન કહું તો અતિશયોક્તિ કહેવાય. સાચું કહું તો હું સાગરનું નહીં, પણ સાગરકાંઠાનું સંતાન છું.

માણસને કેટકેટલી જગ્યાએથી જીવનસંજીવની મળતી હોય છે ! કોઈ પ્રભુની મૂર્તિ સમક્ષ નત મસ્તકે ઊભો રહે અને તેના પ્રાણ પલ્લવિત થઈ જાય, કોઈ ગુરુની પાસે બે ઘડી બેસે અને તેનું જીવન ફરી વાર જાગી ઊઠે, કોઈનું મન સંગીતમાં કોળી ઊઠે, કોઈ પ્રિયજનની સંગતમાં તાજામાજા થઈ જાય, કોઈની જીવનચેતના એકાંતમાં ફરી મહોરી ઊઠે. મારો અનુભવ જરા જુદો છે. દરિયાની હળવી છાલકથી મારા પ્રમાદની કાંચળી ઊતરી જાય છે. મારું મન દરિયા જેમ છલોછલ થઈ જાય છે.

હું કિશોર અવસ્થામાં હતો ત્યારે મારા પિતા ગુજરી જવાથી મારું જીવન સમથળ વહ્યું નહીં. અસલામતીની ભીંસે રોજ આહવાન દીધે રાખ્યાં. મને બે ટંક ભોજન કરતાં પણ સાહસની વધુ જરૂર લાગી. વેરાવળનો દરિયો એટલે ઊછળતું સાહસ. દરિયાકાંઠે જઉં અને પગમાં પાંખ ફૂટે. દરિયો જોઉં એટલે લાગે કે એની પેલે પાર નહીં જાઉં તો મારું જીવન એળે જશે. આથી દરિયાએ મને એવું સ્વપ્ન આપ્યું કે મૅટ્રિક પાસ થઈ અમેરિકા ભણવા ચાલ્યો જા. એ ન થઈ શક્યું. પછી ઈન્ટર આર્ટ્સ પૂરું કરીને જવાનું મન થયું પણ ન જવાયું. એટલે બી.એ. પછી અમેરિકા જવાનો દરિયાકાંઠે ફરતાં ફરી નિર્ણય થયો. આખરે જવાનું તો થયું, પણ જતાં પહેલાં એટલી મુશ્કેલી કે પ્યાલામાં પાણી પડશે અને તરસ્યો કંઠ છિપાશે કે કેમ એની સતત ચિંતા રહે. આ દિવસોમાં મારી જાતને પાનો ચડાવવા માટે મુંબઈના દરિયાકાંઠે ફરતાં ફરતાં મેં આમ ગાઈ નાખ્યું :

સાગરનાં નીર છલકાય રે
છોડો સહુ નાવ ભાઈ ખારવા,
વાયુના સાસ છૂટે
લંગરના બંધ તૂટે.
જોજો ના જોમ ખૂટે
સૂતા સાહસને જગાડો.

નસીબ એવું કે મને સાનફ્રાન્સિસ્કોના દરિયાકાંઠે જ ભણવાનું મળ્યું. બર્કલી અને સાનફ્રાન્સિસ્કોના દરિયાને સાધતો જગવિખ્યાત પુલ જોઉં ત્યારે થાય કે કોક વાર માનવજાત એટલો વિકાસ કરશે કે સાનફ્રાન્સિસ્કો અને મુંબઈના દરિયાને સાંધતો એક વિરાટ પુલ બંધાશે. પણ જ્યારે એ પુલ પરથી પસાર થાઉં ત્યારે કોણ જાણે કેમ એમ લાગ્યા જ કરે કે મરીન ડ્રાઈવ પરથી હું પસાર થઈ રહ્યો છું. દરિયામાં કંઈક એવું છે કે જે અંતર તોડી નાખે છે. થોડા સમય પહેલાં હું દારેસલામ ગયો હતો ત્યારે જે મિત્રની સાથે રહેતો હતો તેમણે કહ્યું કે આ સામે દેખાય છે તે દરિયાની પેલી બાજુ મુંબઈ છે. એટલે દારેસલામના દરિયાકાંઠે ફરતો ત્યારે એવું થતું કે મુંબઈના કોઈ સ્વજનને હું મળી રહ્યો છું.

દરિયાકિનારે હું ચાલતો હોઉં છું ત્યારે પરિગ્રહમુક્તિનો થોડો અણસાર આવે છે. પહેલાં તો ચંપલ કાઢી નાખવાનું મન થાય છે. ભીની રેતી પર અને લીલા ઘાસ પર કોને પગરખાં પહેરવાનું મન થાય ? ચંપલ એક બાજુ ઉતારીને મૂકીએ તો ક્યાં મૂકીએ ? એટલે હું ચંપલ હાથમાં લઈને ચાલવા માંડું. ભીની રેતી પર તમે ચાલવા માંડો ત્યારે તમને એવો અનુભવ થાય છે કે પાણી નીચેની ધરતી ધીમે ધીમે સરકતી જાય છે. સરકતી ભીની રેતી જ્યારે ચામડીને સ્પર્શે છે ત્યારે મૃદુ, ભીની ગતિને કારણે શરીરમાં પાણી વાટે શીતળ સ્પંદનો ફરી વળે છે. તમને ઘડીભર એમ થાય કે આ ભીની સરકતી રેતીનો આનંદ ખાલી પાનીને મળે છે એ કરતાં આ શરીરને મળે તો ! પણ દરિયા પરથી વહેતો વાયુ કોઈ એવો અનુભવ કરાવે છે કે આપણે ભીની રેતીને પળભર ભૂલી જઈએ છીએ. હવા, બધી હવા માટે શરીર અને મન ભૂખ્યાં હોય છે. પણ દરિયાની હવા એ જુદી જ હવા છે. આપણને દરિયા પર શુદ્ધ ઓઝોન મળે એ હું જાણું છું પણ આ ઓઝોનથીયે કંઈ વિશેષ છે. દરિયાનાં મોજાં સાથે આગળ વધતો પવન મોજાંની જે મહેક સાગરકાંઠે લાવે છે તે મારા માટે શબ્દાતીત છે. એ કેવળ પવન નથી. દરિયા પરની લહેર જીવનજળનો અર્ક છે.

હું તો વાત કરતો હતો દરિયાકિનારે ચાલુ ત્યારે પરિગ્રહમુક્તિના અણસારની, અને દરિયાના પવનના રસ્તે હું ચડી ગયો. ખરી રીતે દરિયાનો પવન પરિગ્રહમુક્તિનું પ્રેરક બળ છે. તમે ચંપલ કાઢ્યાં. થોડું ચાલ્યા. પવનના પળેપળે બદલાતા બાહુપાશમાં ભિડાયા. તમને થવાનું કે આ કપડાં કરતાં બીજું કયું મોટું બંધન છે ? આ સમયે દરિયાકાંઠે નાગાંપૂગાં બાળકોને દોડતાં જુઓ ત્યારે તમને એમ જરૂર થવાનું કે કોઈ ઈલમકી લકડી દ્વારા આપણે આવાં બાળકો થઈ જઈએ તો ! પશ્ચિમના બાહ્ય આચાર આ દેશમાં આવે છે એની સામે મને તીવ્ર સૂગ છે, પશ્ચિમના કેટલાક વિચારો મારે જોઈએ છે, પશ્ચિમની કાર્યપદ્ધતિ મારે જોઈએ છે, પશ્ચિમનું ખુલ્લું મન જોઈએ છે પણ પશ્ચિમની રહેણીકરણી અને આચાર આ ધરતી પર રોપવાનો કોઈ પ્રયત્ન કરે તો મારી ધરતી અને લોક દુણાઈ જાય. પણ મને પશ્ચિમના લોકો જે રીતે દરિયો માણે છે તે જોઈ એમ થાય છે કે તેમની આ રીત ભારતમાં લાવવા જેવી છે. એ લોકો તો દરિયો જુએ અને બધો પરિગ્રહ એક બાજુ ફંગોળી દરિયાને ભેટવા દોડવા માંડે. દરિયાકાંઠે તરવું, દરિયાની રેતી પર પડ્યા રહેવું અને દરિયાના સૂરજને માણવો એને પશ્ચિમના લોકો પરમ સુખ માને છે. આપણે દરિયાની પૂજા કરીએ છીએ. પણ દરિયાને વહાલ કરતા નથી.

દરિયાકાંઠે હું ચાલતો હોઉં છું ત્યારે મારી આંખ બદલાઈ જાય છે. આકાશ, વૃક્ષો, મકાનો, માણસો બધાં દરિયાકાંઠે બદલાઈ જાય છે. સૂર્યાસ્ત તો ઘણા જોયા. સૂર્યાસ્ત જોઈએ ત્યારે બે ઘડી ઊભા રહેવાનું મન થાય. પણ દરિયાકાંઠાનો સૂર્યાસ્ત જોઈએ ત્યારે એમ થાય કે આ જોતાં જોતાં આપણે દુનિયાની વિદાય લઈએ. દરિયાકાંઠાનો સૂર્યાસ્ત જોતાં જોતાં મૃત્યુ આવે તો તેના જેવું બીજું રૂડું મૃત્યુ કયું હોઈ શકે ? કોઈ વાર એમ પણ થાય કે આ સૂર્યાસ્ત જડ મકાનોને જાણે કે વાચા આપે છે. દરિયાકિનારાના કોઈ મકાનની બારીના કાચ ઉપર સૂર્યાસ્તનાં કિરણો જ્યારે પડે છે ત્યારે એ કાચ સુવર્ણ અગ્નિશિખાની જેમ કંપતો જણાય છે. દરિયો પણ સૂર્યાસ્ત સમયે ભાતભાતના વેશ ધારણ કરે છે. દરિયાનો થોડો ભાગ શ્યામ સ્લેટ જેવો હોય છે અને વચમાં લાંબી પ્રકાશની પટ્ટી વહેતી હોય છે. એટલે ક્યારેક તો એમ લાગે કે કોઈ વિરાટ સિમેન્ટના પટ વચ્ચે પ્રકાશની નદી વહી રહી છે. દરિયો એટલે ગતિનો અપરંપાર. દરિયાને કાંઠે બેઠા હોઈએ તો પણ આપણને એમ લાગે કે આપણે ક્યાંક વિહાર કરી રહ્યા છીએ. આમ તો દરિયો જ વહેતો હોય છે, પણ મનને એમ થાય છે કે તે ક્યાંક વહી રહ્યું છે. મન ક્યાં વહેતું હશે ? એ તો જેવું ચિત્ત તેવી દિશા. હું જ્યારે ઘરમાં કે ઑફિસમાં હોઉં ત્યારે મોટા ભાગે શરીર પાસેથી કામ લેતો હોઉં છું, પણ દરિયાકિનારે કેવળ મન પાસેથી કામ લેતો હોઉં છું. ખરી રીતે તો હું કાંઈ કરતો હોતો નથી. જાગેલું મન જ દરિયાકિનારે એકાએક કામ કરવા મંડી પડે છે અને હું કોઈ બીજી વ્યક્તિ બની જાઉં છું. આમ જ્યારે જ્યારે દરિયાકિનારે જઉં છું ત્યારે મારો માનસિક કાયાકલ્પ થાય છે.

ઓટનો દરિયો એ અમાપ બ્રહ્માંડનો દરિયો છે. મુંબઈના જૂહુના દરિયાકાંઠે ઓટ હોય ત્યારે તમે ચાલો તો એમ લાગે કે દૂર અખૂટ જળ છે. જળકાંઠે એટલી અખૂટ ભીની રેતીનો પટ છે અને એથીયે વધુ અખૂટ કાંઠો છે. પણ એ કરતાંય વધુ અનંત ક્ષિતિજ છે. આખુંય વાતાવરણ અફાટ પ્રકૃતિમાં પલટાઈ જાય છે. આ પ્રકૃતિ વચ્ચે ચાલતો માણસ પ્રકૃતિના પુદગલ જેવો લાગે છે. પણ જ્યારે દરિયામાં ભરતી હોય ત્યારે એમ લાગે કે પાણીને જમીન ઓછી પડે છે. અફાટ પ્રકૃતિ નહીં પણ અખૂટ જળ મનને ભરી દે છે. ભરતી સમયે સૂકો દરિયાકાંઠો પણ જળના ઘન ટુકડા જેવો લાગે છે. હમણાં જાણે કાંઠા નીચેથી પાણીનો ફુવારો ફૂટશે એમ થયા કરે છે. ભરતી સમયે પ્રાણી અને પ્રકૃતિ જળમય થઈ જાય છે.

મારા જીવનનું એક મોટું સદભાગ્ય છે કે હું ભાતભાતના દરિયાકાંઠે ચાલ્યો છું. વેરાવળના દરિયા કરતાં મુંબઈનો દરિયો જુદો. સાન્ફ્રાન્સિસ્કોનો દરિયો ધુમ્મસમાં વહેતા વિસ્તાર જેવો લાગે છે. કેરળના ત્રિવેન્દ્રમનો દરિયો એટલો ઘેરો વાદળી લાગે છે કે ખિસ્સામાંથી ફાઉન્ટન પેન કાઢી તે ભરી લેવાનું મન થાય. બ્રાઝિલના રીઓ-દ-જાનેરોનો દરિયો એવો ભૂરો લાગ્યો કે એમ થાય કે આની કરોડો લખોટીઓ બનાવી દુનિયાભરનાં બાળકોને વહેંચી દઈએ. હમણાં મોરિશિયસ ગયો ત્યારે ત્યાંનો ત્રુ-ઓ-બિશનો દરિયો એટલો લીલો લાગ્યો કે બૂટ ઉતારી તે લૉન પર ચાલવાનું મન થાય. મોરિશિયસનો દરિયો જોઈએ ત્યારે દારેસલામના દરિયા જેવું લાગે. પરદેશમાં હિંદી મહાસાગરને મળીએ ત્યારે હાથ ઝબોળવાનું મન થાય. ઠેઠ મોરિશિયસમાં હિંદી મહાસાગરના મર્મરમાં ચોપાટીના દરિયાનું સંગીત સંભળાય, અને આંખ સમક્ષ ચોપાટીનો માનવમેળો ઊભરાય.

મને દુનિયાભરના માણસોનાં મન લગભગ એકસરખાં લાગ્યાં છે. પહેરવેશ, રહેણીકરણી, ખાનપાન જુદાં પણ હૃદય એકસરખાં. આથી મેં ‘આકાશ બધે આસમાની છે’ એવો નિબંધ લખ્યો. પણ આ સત્યનો અનુભવ મને દેશના દરિયાકાંઠે ચાલતાં થયો છે. તમે જૂહુના દરિયે ચાલતા હો કે ઑસ્ટ્રેલિયાના સિડનીના દરિયે ચાલતા હો, તમને ભીની રેતીમાં કૂબા બનાવતાં બાળકો બધે જ જોવા મળવાનાં. કાંઠા ઉપર છીપલાં વીણતાં બાળકો પણ તમને બધે જોવા મળવાનાં. મારી એક આકાંક્ષા છે : દેશદેશનાં બાળકોના હસ્તસ્પર્શથી નવજીવન પામેલાં છીપલાંને કાન પર મૂકી સાગરની વાણી સાંભળતો સાંભળતો હું દરિયાકિનારે ચાલતો રહું.

[ કુલ પાન : 178. કિંમત રૂ. 95. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઊઘડતાં દ્વાર અંતરનાં – અનુ. ઈશા કુન્દનિકા
બહુ જબરા હોં, અમારા એ ! – નિર્મિશ ઠાકર Next »   

11 પ્રતિભાવો : દરિયાકિનારે – વાડીલાલ ડગલી

 1. ખુબ સુંદર વર્ણન.

  ભીની રેતી પર ચાલવાનો અનુભવ જ કંઇક ઓર છે.

 2. raj says:

  all people are same
  that’s true,all kids are same too.
  very nice
  raj

 3. Margesh says:

  Wonderful article..

 4. Santosh says:

  Nice Article…..

 5. rabari says:

  દરીયામા પથારી કરવાનુ મન થાય એવો લેખ

 6. pintoo says:

  ઉનાળામા બે વસ્તુઓ સારી
  ” વાડીલાલ આઇસ્ક્રીમ અને વાડીલાલ ડગલીનો લેખ.”

 7. Sonal says:

  મ્જ્જા આવિ ગઈ

 8. Hitesh Mehta says:

  બહુજ સરસ

 9. pragnaju says:

  ખૂબ સુંદર અનુભૂતિ દર્શન
  “…મને સાનફ્રાન્સિસ્કોના દરિયાકાંઠે જ ભણવાનું મળ્યું. બર્કલી અને સાનફ્રાન્સિસ્કોના દરિયાને સાધતો જગવિખ્યાત પુલ જોઉં ત્યારે થાય કે કોક વાર માનવજાત એટલો વિકાસ કરશે કે સાનફ્રાન્સિસ્કો અને મુંબઈના દરિયાને સાંધતો એક વિરાટ પુલ બંધાશે. ” લગભગ બે મહીના પહેલા પેસીફીકના બે એરિયામા આવો અદ્ભૂત અનુભવ થયો હતો અને ગઈ ૧૯મીએ ચંદ્ર નજીક આવતા ઉથલ પાથલ થવાની તર્કહીન અફવાઓને ફગાવીને અનેક લોકો સાથે અમે પણ દરિયાના ઉછળતા મોજાંની મોજ માણી…

 10. krunal says:

  મજો પડી દોસ્ત….

 11. થિસ ઇસ નાઇસ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.