ઊઘડતાં દ્વાર અંતરનાં – અનુ. ઈશા કુન્દનિકા

[ અંગ્રેજી લેખક એઈલીન કૅડીના પુસ્તક ‘Opening Doors Within’ નો ગુજરાતી અનુવાદ એટલે ‘ઊઘડતાં દ્વાર અંતરનાં.’ રોજનો એક એમ 365 દિવસના સુંદર વિચારમોતીઓનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. જીવનમાં હતાશા દૂર કરીને નવી તાજગી આપતા આ પુસ્તકની અનેક આવૃત્તિઓ થઈ છે. તેમાંના કેટલાક સુવિચારો આપણે અગાઉ માણ્યાં હતાં. આજે ફરીથી કેટલાક નવા વિચારો સાથે આ પુસ્તકનું આચમન કરીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે લતાબેન હિરાણીનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] શા માટે તમારી આંખોને બીડેલી અને મનને બંધ રાખીને ફરો છો અને એમ કરીને તમારો સાચો વારસો પિછાણવાનું ચૂકી જાઓ છો ? બરોબર સમજી લો કે શાણપણ, જ્ઞાન અને સમજ માટે તમારે બહાર શોધ કરવાની જરૂર નથી. એ બધું તમારી અંદર જ છે; તમે એને બહાર લઈ આવો તેની રાહ જુએ છે. તમે એ વિશે સભાન થાઓ પછી તમને ક્યારેય એમ નહિ લાગે કે એક જણ બીજા કરતાં વધારે બુદ્ધિમાન છે. તમને જાણ થશે કે, પોતાની અંદર ઊંડાણમાં બધું જ રહેલું છે એ વિશે લોકો સભાન બનતાં જશે ત્યારે તેઓ બધી જ બાબતો કરી શકશે, બધી જ બાબતો સમજી શકશે. હકીકતમાં એક આખું નવું જગત તેમને માટે ખુલ્લું થશે. તમે પોતે જ તમારામાં એક જગત છો, એવું જગત, જે સઘળો પ્રકાશ, પ્રેમ, શાણપણ, સત્ય અને સમજ ધારણ કરી રહેલું છે; એને બહાર કોઈ ખેંચી લાવે તેની રાહ જોઈ રહ્યું છે. એટલે બહાર એની શોધ કરવાનું છોડો, શાંત-સ્થિર થાઓ અને તમારી અંદર જ એને પામો. તમને પોતાને સમજતાં શીખો. એમ કરતાં તમે બીજાંઓને પણ સમજવા લાગશો, જીવનને, મને (પરમાત્માને) સમજવા લાગશો.

[2] હું તમને જ્યારે એમ કહું છું કે ‘એકમેકને ચાહો’, ત્યારે એનો અર્થ એવો નથી કે તમારે એકબીજાંને સહી લેવાનાં છે અથવા એકબીજાંને પ્રેમ કરવા માટે સખત પ્રયત્ન કરવાનો છે. પણ તમે જ્યારે તમારું હૃદય ખુલ્લું કરશો અને એને પ્રેમાળ સુંદર વિચારોથી ભરી દઈ શકશો ત્યારે તમને પોતાને જ જણાશે કે તમે જે જે લોકોના સંપર્કમાં આવો છો તે સઘળાં લોકોને ચાહવાનું તમને મન થાય છે, ભલેને તેઓ ગમે તે હોય ! એ મારા વૈશ્વિક પ્રેમનો મુક્ત પ્રવાહ છે, જે કોઈ ભેદભાવ પિછાણતો નથી, કોને ચાહવાં ને કોને નહિ, તેવી પસંદગી કરતો નથી. મારો પ્રેમ દરેકેદરેક જણ માટે સમાન છે. એમાંથી તમે કેટલું સ્વીકારવા તૈયાર છો એનો આધાર તમારી પર છે. આ પ્રેમને અભિવ્યક્ત કરતાં ડરો નહિ. એ વ્યક્તિપણાથી પર છે. એ ઉચ્ચતમનો પ્રેમ છે. તમારું હૃદય સાવ ખુલ્લું કરી દેતાં શીખો, અને એકમેક માટેનો પ્રેમ દર્શાવતાં કદી શરમાઓ નહિ. વિશ્વમાં પ્રેમ એ સૌથી મોટું જોડનારું તત્વ છે, એટલે ચાહો, ચાહો, ચાહો.

[3] જીવો અને કામ કરો, પણ તે સાથે રમવાનું, જીવનમાં મઝા કરવાનું, માણવાનું કદી ભૂલી જતાં નહિ. તમારે બધી બાબતોમાં સમતુલા જાળવવી જોઈએ. અતિશય વધારે કામ અને રમતનો સાવ અભાવ, એવી જિંદગી તો એકાંગી બની જાય, નીરસ અને સુસ્ત બની જાય. તમે જે કાંઈ કરો તેમાં સંપૂર્ણ સમતુલા જાળવવાનો પ્રયત્ન કરો, પછી જિંદગી તમને ખરેખર આનંદમય લાગશે. જીવનમાં વૈવિધ્ય જોઈએ, તો શા માટે ચીલો ચાતરીને કંઈક નવું ને જુદું જ કરવાની કોશિશ ન કરવી ? એટલા માટે નહિ કે તમે જે કરો છો તેનાથી કંટાળી ગયાં છો કે એનાથી ભાગી છૂટવા માગો છો, પણ એટલા માટે કે પરિવર્તનની જરૂર તમને સમજાય છે. કોઈ પણ અપરાધની ભાવના વિના તમે જ્યારે એ કરી શકશો ત્યારે તમને જણાશે કે તમે એક નવા જ દષ્ટિકોણથી તમારું કામ કરી શકો છો, અને વળી એ સાચા આનંદથી તમે કરી શકશો. જીવનનો શો અર્થ છે, સિવાય કે તમે એનો આનંદ માણો અને જે કંઈ હાથમાં લો તેમાં તમને મઝા આવે, પછી એ કામ હોય કે ખેલ હોય !

[4] તમારું જીવન સરળપણે ચાલે છે ? તમે જે કરો છો તેનાથી તમને સંતોષ છે ? દુનિયા સાથેનો તમારો સંબંધ શાંતિપૂર્ણ છે કે પછી તમારું જીવન ખાડાટેકરાથી ભરેલું છે ? તમે જે રીતે જીવો છો અને જે કામ કરો છો તેનાથી તમે અસંતુષ્ટ છો ? તમારી આસપાસ જે લોકો છે તેની સાથે મેળ સાધવાનું તમને અઘરું લાગે છે ? તમારાં અસંતોષ અને અતૃપ્તિ માટે તમે પરિસ્થિતિ અને સંજોગોને તથા તમારા સંપર્કમાં રહેલાં લોકોને દોષી ગણો છો ? તમને એમ લાગે છે કે તમે બીજા કોઈક સ્થળે હોત તો બધું બરોબર હોત અને તમને શાંતિ હોત ? તમારા અંતરના ઊંડાણમાં જ્યારે પૂર્ણ શાંતિ હોય ત્યારે તમે ક્યાં છો, કોની સાથે છો અને તમે કેવું સામાન્ય સાંસારિક કામ કરી રહ્યાં છો તે બાબત મહત્વની રહેતી નથી. તમે અંદરથી પૂર્ણપણે સંતુલિત અને સંવાદી છો એટલે કોઈ જ વસ્તુ તમને વિચલિત નહિ કરી શકે, તમારી સમતુલા નહિ ખોરવી શકે. સંજોગો સામે લડવાને બદલે તેની સાથે વહેતાં શીખો અને એ રીતે અંતરના ઊંડાણમાં જે શાંતિ અને સમજ છે તે પ્રાપ્ત કરો.

[5] કોઈકે કાંઈક કર્યું હોય કે કહ્યું હોય તેથી મનની સ્વસ્થતા સાવ જ ખંડિત થઈ જાય એવો અનુભવ દરેકને જ થયો હોય છે. એનો સામે મોંએ ભેટો કરવાને બદલે તમે એને તમારા પર કબજો જમાવવા દીધો હશે, એનાથી તમારા આખાય દષ્ટિબિંદુ પર અસર પડી હશે, છેવટે તમે ગ્રંથિઓથી બંધાઈ ગયાં હશો અને કોઈનાય પ્રત્યે ભલાં નહિ રહ્યાં હો. બીજી વાર એવું બને ત્યારે, શું થઈ રહ્યું છે એ પારખો અને તરત જ તમારી ચેતનાને ઊંચે લઈ જાઓ. મારી પાસે આવો. તમારું મન મારા પર સ્થિર કરો જેથી તમે મારા વિશે, મારી દિવ્ય ઉપસ્થિતિ વિશે સભાન થાઓ. જુઓ, કે એથી તમારામાં કેટલો બધો ફેર પડે છે ! તમે જ્યારે નકારાત્મક પરિસ્થિતિમાં હો ત્યારે તમારા વિચારોને જો તમે મારા ભણી, મારા દિવ્ય પ્રેમ ભણી ઝડપથી વાળી શકો તો પછી બધું જ સમૂળું બદલાઈ જશે. બીજી વખતે આ વાત યાદ રાખજો, અજમાવી જોજો અને એ કેવું કારગત છે એ નિહાળજો.

[6] પાણીની બહાર આવી પડેલી માછલીની જેમ આમતેમ પછડાટા નાખવામાં અને તમારી પરિસ્થિતિ અને સંજોગો માટે બીજાને દોષ દેવામાં વખત ન બગાડો. માત્ર એટલું જાણી લો કે, એ બધું તમારા જ હાથમાં છે. એટલે, જ્યારે તમે સમય કાઢીને અંદરની શાંતિ ને સ્થિરતા પ્રાપ્ત કરો અને મારી સમીપ રહો ત્યારે તમે જાતે જ, બીજા કોઈનીયે મદદ વિના એ પરિસ્થિતિમાં સુધારો કરી શકશો. તમે જ્યારે બધું જ મારી સમક્ષ ધરી દેશો અને મારી ઈચ્છા પ્રમાણે, ફક્ત મારી જ ઈચ્છા પ્રમાણે કરવા ચાહશો ત્યારે તમારાથી કશું જ ગુપ્ત રાખવામાં નહિ આવે. બહુ કષ્ટાઈને પ્રયત્ન ન કરો; લગામ ઢીલી છોડી દો, હળવાં થાઓ અને હૃદય અને મનની એ શાંતિ પ્રાપ્ત કરો જે સઘળાં દ્વાર ઉઘાડે છે અને સત્યનો પ્રકાશ પ્રગટ કરે છે. તમે જોશો કે તમે જ્યારે હળવાં થાઓ છો અને બધું મારા હાથમાં સોંપી દો છો, ત્યારે તમે ઘણું વધારે સિદ્ધ કરી શકો છો. પછી ચુપચાપ મારી સમીપ રહો અને તમારે પક્ષે કશા આયાસ વિના, બધું મુક્તપણે, સ્વાભાવિકપણે વહેવા દો; અને એમ કરીને એને પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાવા દો.

[7] દરેક બાબતને પોતાનો સમય હોય છે, પોતાની મોસમ હોય છે. એ ફક્ત તમારા જીવનને મારી દોરવણી હેઠળ ચાલવા દેવાનો પ્રશ્ન છે, જેની અંદરના એક સ્પષ્ટ જ્ઞાન સાથે તમે યોગ્ય સમય ને યોગ્ય મોસમ જાણી શકો અને અંદરથી જે સ્ફુરણો ઊઠે છે તેને અનુસરીને પરમ વિશ્વાસ સાથે ઝડપથી ગતિ કરી શકો. તમે અંદરથી શાંત, સંઘર્ષરહિત હો, ત્યારે સમયનો કશો અર્થ રહેતો નથી. તમે જ્યારે વ્યથિત કે બેચેન હો છો ત્યારે જ તમને સમયનો બોજ લાગે છે અને એમ થાય છે કે જાણે દિવસ ક્યારેય પૂરો જ નહિ થાય. તમારા કામમાં તમને મઝા આવતી હોય ત્યારે સમયને પાંખો આવે છે અને તમને એવી ઈચ્છા થાય છે કે દિવસના થોડા વધુ કલાક હોત તો કેવું સારું ! તમે જે કાંઈ કામ હાથમાં લો તેને પૂરેપૂરું માણતાં શીખો. એના પ્રત્યેનું તમારું વલણ એકદમ સુયોગ્ય હોય એ મહત્વનું છે. તમે ઘણું વધારે સિદ્ધ કરી શકશો અને એ પ્રેમથી થશે એટલે પૂર્ણ સુંદર રીતે થશે. તમારું લક્ષ્ય હંમેશાં પૂર્ણતાનું રાખો. તમે જ્યારે પ્રેમપૂર્વક કાંઈ કરો છો, ત્યારે એ મારે માટે કરો છો.

[8] મારા નિયમોની સાથે રહીને કામ કરો, એનાથી વિરુદ્ધ જઈને નહિ. એની વિરુદ્ધમાં રહીને તમે કામ કરો છો ત્યારે તમે એવી લડાઈ કરો છો જેની હાર નિશ્ચિત છે. એમાં તમને કશું મળતું નથી. તમારી અંદર તાણ હોય ત્યારે અંદર શોધ કરો અને શાની સામે તમે લડો છો કે જેથી એ તાણ ઊપજે છે, તે શોધી કાઢો. ખાતરીથી જોજો કે ત્યાં કંઈક એવું છે જે તમારી પ્રગતિને અટકાવે છે, તમારા સર્વોચ્ચ શુભને પામતાં તમને રોકે છે. તમારી એકમાત્ર ઈચ્છા મારી મરજીને અનુસરવાની અને મારા માર્ગોએ ચાલવાની રાખો, એ થતું અટકાવે એવી કોઈ જ આડખીલી વચ્ચે ઊભી ન થવા દો. સમય કાઢીને તમે શોધ કરશો તો, તમારે માટે મારી શી ઈચ્છા છે તેની તમને જાણ થશે, અને પછી કશા અચકાટ વિના એનું પાલન કરવું એ તમારા હાથમાં છે. તમે સંવાદિતામાં જીવતાં ને કામ કરતાં હો ત્યારે તમને સાચી સ્વતંત્રતાનો, હૃદય-મન-પ્રાણની સ્વતંત્રતાનો અર્થ સમજાશે. અકથ્ય શાણપણ અને સમજનો પ્રવાહ તમારામાં વહેતો તમને જણાશે. તમે ચેતનાની આ અવસ્થામાં હો ત્યારે, નવું સ્વર્ગ અને નવી ધરા અવતારવામાં મદદ માટે હું તમારો ઉપયોગ કરી શકીશ.

[9] બીજા કોઈનું અનુકરણ કરી તેના જેવા થવાનું બંધ કરો, અને સમય લઈને અંદર શોધ કરી ખોળી કાઢો કે મને તમારી કેવી તો જરૂર છે અને આખા ચિત્રમાં તમે કેવાં પૂરેપૂરાં બંધબેસતાં થાઓ છો ! કદી બેતાલ, બેસૂર થતાં નહિ, મેળ વગરનું ગોઠવાતાં નહિ. તમે જ્યારે નિજસ્વરૂપે જ બની રહો છો ત્યારે બધી તાણ, બધો ભાર અદશ્ય થઈ જાય છે, કારણ કે પછી તમે જે નથી તે થવાનો પ્રયત્ન કરતાં હોતાં નથી. હકીકતમાં, પછી તમે પ્રયત્ન નથી કરતાં, તમે બસ હો છો અને એટલે તમારી અંદર સંપૂર્ણ શાંતિ હોય છે, જેનું પ્રતિબિંબ બહાર પડે છે. શાંતિ, સૌમ્યતા, ગંભીરતા, પ્રસન્નતા તમારામાંથી બહાર પ્રસ્ફુટિત થાય છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં સુયોગ્ય વાતાવરણ સર્જો છો. રસ્તે મળતાં સર્વ લોકો માટે તમે આશીર્વાદરૂપ, સહાયરૂપ, પ્રેરણારૂપ બનો છો અને તમારી આસપાસની દુનિયામાં તમે શાંતિ ને સંવાદિતા રચો છો. મારી શાંતિ ને મારો પ્રેમ હવે તમને ભરી દેવા, વીંટળાઈ વળવા દો; તમારા હૃદયને ઉત્સાહિત કરો અને હું તમને માર્ગ દર્શાવી રહ્યો છું એ માટે અવિરતપણે આભાર માનો.

[10] ઘણા લોકો શ્રદ્ધા વિશે વાત કરે છે, પણ એને જીવનમાં ઉતારી શકતા નથી. એ બધાં જ લોકો મને ચાહવાની વાતો કરે છે, પણ પ્રેમનો કક્કોય તેઓ જાણતાં નથી. તમારી ચારે તરફ જે લોકો રહેલાં છે અને જેમને તમારાં પ્રેમ, શાણપણ અને સમજની જરૂર છે તેમને ચાહવાને તમે અશક્તિમાન હો, તો જેને તમે જોયો નથી એને ચાહવાની વાત કરવી એ સમયનો વ્યય છે. તમારી તદ્દન નજીકમાં જે લોકોને મેં મૂક્યાં છે, તેમને પહેલાં ચાહો, પછી તમે મને ખરેખર પ્રેમ કરવો એટલે શું તે જાણી શકશો. જીવનમાં તમારો માર્ગ ખોળવા માટે ફાંફાં શા સારુ મારો છો ? તમારે તો ફક્ત, હું તમારી સાથે છું – એ બાબતની જાણ સાથે, એમાં વિશ્વાસ અને શ્રદ્ધાથી દઢતાપૂર્વક મોટાં ડગલાં જ ભરવાનાં છે. હું અહીં જ છું – મારી સઘળી શુભ અને સુયોગ્ય ભેટો તમારી સામે લંબાવીને; પણ તમે જો એ સ્વીકારો નહિ તો તમે એમાંથી લાભ મેળવી શકો નહિ. હું તમને એ મુક્તપણે આપું છું; મુક્તપણે તમારે એ સ્વીકારવી જોઈએ અને પછી સમષ્ટિના લાભ માટે એનો શાણપણભર્યો ઉપયોગ કરવો જોઈએ.

[ કુલ પાન : 365. (નાની સાઈઝ). કિંમત રૂ. 85. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921 ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “ઊઘડતાં દ્વાર અંતરનાં – અનુ. ઈશા કુન્દનિકા”

Copy Protected by Chetan's WP-Copyprotect.