- ReadGujarati.com - http://www.readgujarati.com -

બહુ જબરા હોં, અમારા એ ! – નિર્મિશ ઠાકર

[ હાસ્યલેખક શ્રી નિર્મિશભાઈ ઠાકરના પુસ્તક ‘નિર્મિશાય નમઃ’માંથી સાભાર.]

પોતાનું પાસું સદ્ધર – ઊંચું બતાવવાની આદત આમ તો મનુષ્યમાત્રમાં હોય છે, પણ સ્ત્રીઓમાં એ થોડી વધારે. ‘મેલો ને યાર એની વાત, મારું તો જીવતર એણે ધૂળધાણી કર્યું છે !’ એમ પોતાની પત્ની વિષે નિખાલસપણે કહી, મિત્ર સાથે અડધી ચા મારી લઈ થોડો થાક ખાઈ લે, તે પુરુષ ! સ્ત્રીઓનું કામકાજ જરા અલગ.

ખાનગીમાં તો પતિનો ભરડીને ભુક્કો કરી નાંખતી હોય, એ પત્નીએ બીજી સ્ત્રીઓ સામે ‘અમારા એ’નું નીચું ના પડવા દે. બીજાંઓને દેખતાં જ ‘અમારા એ’ની વિશિષ્ટતાઓ રજૂ કરવાની ભરતી સ્ત્રીઓમાં ચડી આવતી હોય છે, એ વાસ્તવિકતાથી કેટલે દૂર પહોંચાડી દે છે ! આ રમીલાબેનને જ જુઓ, એમના એ એટલે કે ચંદુભાઈ વિશે એ શું માને છે !

‘રમીલા…. રમીલાઆઆ….. કહું છું બારણું ખોલ, જલ્દીઈઈઈએ…’
‘અરે પણ આમ હડકાયું કૂતરું વાંહે પડ્યું હોય, એમ બારણાં શું ઠબઠબાવો છો ! સ્ટોપર ખુલ્લી છે. બારણું અંદરની બાજુ ઊઘડે છે, ને તમે બહારની બાજુ તાણો છો, મગજ ગિરે મેલ્યું છે ? અરે….. અરે….. આમ લથડિયાં કેમ ખાવ છો ? આ તમારું નાક….’
‘શાક….’
‘શાક તો ખરું, પણ આ નાક કેમ સૂજીને ટામેટા જેવું થઈ ગયું છે ? ને આ ઝભ્ભો કોણે ફાડ્યો ? ચાર આના ઓછા કરાવવા શાકવાળા જોડે બાખડ્યા કે ગાયે શિંગડે ચડાવ્યા ?’
‘પ….પોલીસ…’
‘પોલીસ ?’
‘આ તારા શાકની દીવાસળી મેલવા ગયેલો, ત્યાં કરફ્યુ લાગી ગયો. મેં ના પાડેલી, તોયે તેં મને ધકેલ્યો, નિર્દય !’
‘સાવ રહ્યાને મૂજી જેવા ! આટલું ઝુડાયા તોયે કરફ્યુપાસ ના બતાવ્યો ?’
‘પાસ….ઓહ ! કાંઈ બોલું એ પહેલાં તો એ પોલીસે નાક પર સીધો ગડદો જ મારી દીધો ! ને….. ચક્કર ચડી ગયા પછી તો એણે મને ઘોડો બનાવી, કોણ જાણે કેટલીયે લાકડીઓ…. ઓહ….! ગડથોલું ખાઈને હું પડ્યો ને… ઝભ્ભામાંથી પાસ બહાર પડ્યો, ત્યારે એણે જાતે જ વાંચ્યો…ને…..પછી કહે, સૉરી તમે ખોટા ઝુડાઈ ગયા !’

‘અક્કરમીનો પડિયો કાણો, બીજું શું ?’
‘જઅઅ….જબાન સંભાળીને બોલજે હોં, જો મારો પિત્તો જશે તો….’
‘તો ? તો શું કરી લેશો ?’
‘તો….અમમ….. આ….બા… બારણું કોણ ઠોકે છે, જરા જો તો !’
‘બારણું તો ખોલું છું, પણ આમ માળિયે કેમ સંતાવ છો ?’
‘પઅઅ…. પોલીસ !’

‘અરે, મંજુલાબેન….તમે ? આવો….આવો….’
‘રમીલાબેન, બળ્યું…. આ કરફ્યુએ તો અડધાં ગાંડાં કરી મેલ્યાં છે, હોં ! ઘરમાં શાકપાંદડુંયે નથી, ને એકદમ કરફ્યુ થઈ ગયો, બોલો ! અમારા એ તો…. ઓઢીને સૂઈ ગયા છે આરામથી. એમને તો આખી દુનિયા ડૂબે તોયે પેટનું પાણી ના હાલે. પહેલેથી જ મજબૂત મનના !’
‘ખોટું ના લગાડતાં મંજુલાબેન, પણ ઘરમાં ભરાઈ રહેવાથી મજબૂત મનના થવાતું હશે ?’
‘હા જ તો ! એ તો ત્રણ દા’ડા ભૂખ્યા રહેવું પડે, તોયે ઢીલા ના પડે, બહુ કાઠા મનના ! કરફ્યુને લીધે લોકો નોકરીમાં બે દા’ડાની રજા મેલે, ત્યાં અમારા એ તો સીધી પંદર દા’ડાની રજા ઠબકારે ! એ તો કહે, નોકરી જાય તો જાય, આપણે કાંઈ નોકરી પર બેઠા છીએ ! લાત મારીને પૈસા પેદા કરી લઈએ !’
‘એ તો બધાં વાતોનાં વડાં ! અમારા એ તો ઘરકૂકડીની જેમ કદી ઘરમાં ન ભરાઈ રહે. આટલા કરફ્યુમાંયે અમારા એ તો…. વટથી તાજાં શાક લઈ આવ્યા. જુઓ, આ ભીંડા કેટલા કૂણા છે, છે કે નહીં ? ને આ દૂધી, અમમ… દૂધી અથડાકૂટમાં થોડી બટકાઈ ગઈ છે, પણ…. મૂઠિયાંમાં છીણીને નાંખી દઈશું….!’

‘આવામાં શાક લઈ આવ્યા ? જાતે જઈને ?’
‘નહીં ત્યારે ? અહીં પોળવાળાં તો ‘ના જશો, ના જશો’ કરતાં રહ્યાં, મેંય ના પાડેલી, પણ અમારા એ કોઈને ગાંઠે ? એ તો ઊપડ્યા રૉકેટની જેમ ! ને…. એ તો ખાડિયામાં ઊછરેલા. એટલે એમને તો…. કરફ્યુ એટલે જાણે કે તહેવાર ! અડધું પોલીસખાતું તો એમને નામથી ઓળખે. ‘ચંદુભાઈ’ કહો એટલે ખલાસ !’
‘એમ ? તો…. અમારા બાબલાની સાઈકલ ચોરાઈ ગઈ છે, એટલે જો…..’
‘હા હા, તમતમારે અમારા એમની ચિઠ્ઠી લઈ જજો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ! કેમ ગયે મહિને પેલાં વીણાબહેનનું ચોરાયેલું પર્સ પાછું નહોતું અપાવ્યું ?’
‘પણ એ તો એમના બનેવીની ઓળખાણથી….’
‘શું ઢેખાળા ? અમારા એ તાત્કાલિક પોલીસ સ્ટેશને ફોન કરી આવેલા !’

‘એમ ! પણ હાલ એ માળિયે કેમ ચડ્યા છે ?’
‘હેં ! અમમ….. હાઆઆ…. હમણાં એ શાક લેવા ગયા, ત્યારે એક નવો પોલીસ ઈન્સ્પેક્ટર ભટકાઈ ગયેલો… અમારા એમણે તો એક વાર કહ્યું કે મગજમારી ના જોઈએ, પણ પેલો નવો, એટલે સમજ્યો નહીં ! એનો બકવાસ સાંભળી અમારા એ તો ઊકળ્યા, ને…. સીધી બે અડબોથ વળગાડી દીધી ! એની બંદૂક પણ પડાવી લીધી, એટલે બંદૂકને તો આવા સમયે માળિયે જ સંતાડવી ઠીક રહે ને ! જો પેલો માફી માગવા આવશે, તો બંદૂક પાછી આપી દઈશું, આપણે શું કરવી છે એની બંદૂક ?’
‘હાય રામ ! ચંદુભાઈને કહો કે આવાં જોખમ ના લે ! સમય બહુ ખરાબ ચાલે છે….’
‘ઘણું કહ્યું બેન, ઘણું કહ્યું ! પણ એ કોઈને ગાંઠે ? આ તો અમદાવાદનાં…. ખાડિયાનાં પાણી, કાંઈ ગાજ્યાં જાય ?’