એક ઘડી, આધી ઘડી….. – સં. રમેશ સંઘવી

[ જૂનાગઢના મીડિયા પબ્લિકેશન દ્વારા અગાઉ પ્રકાશિત થયેલા સુપ્રસિદ્ધ ‘શાંત તોમાર છંદ’ અને ‘અમીઝરણાં’ પુસ્તકશ્રેણી અંતર્ગત તાજેતરમાં પ્રકાશિત થયેલ ત્રીજું પુસ્તક છે ‘એક ઘડી, આધી ઘડી…’. સુવિચાર, પ્રેરક પ્રસંગ, સ્વાસ્થ્યમંગલ, ગઝલ-શેરનો સુંદર સમાવેશ કરતાં આ પુસ્તકનું સંપાદન શ્રી રમેશભાઈ સંઘવીએ કર્યું છે. આજે તેમાંથી થોડું આચમન કરીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે મીડિયા પબ્લિકેશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] મુલ્લા નસિરૂદ્દિન એક રાત્રે દોડતા દોડતા મિત્રો પાસે પહોંચી જઈ કહેવા લાગ્યા :
‘મારું બધું લૂંટાઈ ગયું. રસ્તામાં ગુંડાઓએ મને લૂંટી લીધો.’
એક મિત્ર કહે : ‘પણ મુલ્લા, તમારી પાસે પિસ્તોલ તો છે.’
મુલ્લા કહે : ‘સારું થયું, તેના પર એ ગુંડાઓનું ધ્યાન ન પડ્યું !’

આપણી પાસે હોવા છતાં કેટલીય શક્તિઓનો ઉપયોગ જરૂરત સમયે આપણે કરતા નથી !

[2] શાહ અશરફ અલી સંત સ્વભાવના હતા. એકવાર તેઓ સહરાનપુરથી લખનઉ ટ્રેનમાં જતા હતા અને તેમની પાસે નિર્ધારિત વજન કરતાં વધારે સામાન હતો. એટલે તેમણે સાથેની વ્યક્તિને કહ્યું : ‘જેટલો વધારે સામાન છે તેનો નિયમ મુજબ ચાર્જ ચૂકવી દો.’ પાસે જ ગાર્ડ ઊભો હતો અને તે શાહને ઓળખતો હતો.
ગાર્ડ કહે : ‘ચાર્જ આપવાની કોઈ જરૂર નથી, હું સાથે જ છું.’
શાહ કહે : ‘તું ક્યાં સુધી સાથે આવીશ ?’
ગાર્ડ કહે : ‘હું બરેલી સુધી છું અને પછી જે ગાર્ડ આવશે તેને પણ કહી દઈશ, તે લખનઉ સુધી હશે.’
શાહ કહે : ‘અને પછી ?’ ગાર્ડ સમજ્યો નહીં. એટલે શાહ હસતાં હસતાં કહે : ‘ભાઈ, જિંદગીની સફર ઘણી લાંબી છે. તે તો ખુદા પાસે પહોંચીને જ સમાપ્ત થશે. તારી થોડી હમદર્દીથી લાલચમાં પડી જાઉં અને ઈમાન ખોઈ બેસું તો તેની સજા તો ભોગવવી જ પડશે. ખુદા પાસે કોણ બચાવશે ?’

[3] એક વાર એક ડાકુ ગુરુનાનક પાસે આવ્યો અને પગે પડીને કહેવા લાગ્યો : ‘મહારાજ, કેટલાંયને મેં પરેશાન કર્યા છે, હવે તેમાંથી છૂટવા માગું છું. મને ઉપાય બતાવો.’
નાનક સાહેબ કહે : ‘તેમાં શી મોટી વાત છે ? ખરાબ કામ છોડી દે એટલે થયું.’
ડાકુએ તેમની વાત સાંભળીને કહ્યું : ‘સારું. હું પ્રયત્ન કરીશ.’ થોડા દિવસ બાદ ફરી એ ડાકુ ગુરુનાનક પાસે આવ્યો અને કહે : ‘મહારાજ, ખરાબ કામ છોડવાની ખૂબ કોશિશ કરું છું પણ આદત છૂટતી નથી. બીજો કોઈ ઉપાય બતાવો.’
ગુરુ કહે : ‘અચ્છા, તો તું એક કામ કર. તારા મનમાં જે વિચાર આવે અને તું જે કામ કરે તે બીજા લોકોને કહી દેવાનું. બસ, આટલું કરજે.’ ડાકુ તો રાજી થતો ગયો. તેને થયું આ તો સાવ સરળ છે ! પણ પછી ખ્યાલ આવ્યો. તેને થયું પોતે જેને આસાન માનતો હતો તે તો અઘરું કામ છે ! ખરાબ કામ કરવું મુશ્કેલ નથી પણ પોતાની બુરાઈ બીજાને કહેવી મુશ્કેલ છે. પેલો ડાકુ પાછો ગુરુ પાસે આવીને કહે : ‘આ બેમાંથી સહેલો રસ્તો મેં પસંદ કરી લીધો છે. હવે ચોરી કરવાનું જ હું છોડી દઉં છું !’

[4] કલકત્તા હાઈકોર્ટના જજ અને કલકત્તા યુનિવર્સિટીના ઉપકુલપતિ સર આશુતોષ મુખરજીની આ વાત છે. તેમને વિલાયત જવાનો પ્રસંગ ઊભો થયો. મિત્રો ખૂબ આગ્રહ કરવા લાગ્યા, પણ તેઓ ના પાડતા રહ્યા. એ જમાનામાં વિલાયત જવું એ તો નસીબદારને જ મળે તેમ મનાતું. તેમની ના પાડવાનું કારણ એમનાં માતાજીનો વિરોધ હતો. આ સાંભળી એ સમયના ગવર્નર જનરલ લોર્ડ કર્ઝને તેમને બોલાવીને કહ્યું કે : ‘તમે તમારાં માતાને કહી દો કે ગવર્નરનો મને વિલાયત જવાનો હુકમ છે, તો તેઓ વિરોધ નહીં કરે.’ આશુતોષબાબુ કહે : ‘હું માતાને એવું નહીં કહી શકું. કારણ કે મારે મન ગવર્નર જનરલની આજ્ઞા કરતાં માતાની આજ્ઞા વધારે મહત્વની છે.’

[5] સ્વામી આનંદે ‘મારા પિતરાઈઓ’ નામના એક લેખમાંથી આ કિસ્સો નોંધ્યો છે. એક સાધુ. ફક્કડરામ. હિમાલયની યાત્રાએ નીકળ્યો. સદાવ્રતમાંથી સીધું લઈને બે ટિક્ક્ડ (જાડી રોટી) બનાવી, ખાઈને ચાલી નીકળે. સ્વામી કહે છે : ‘આ સાધુ અમારી મંડળી બેઠી હતી ત્યાંથી આ રીતે જાડી રોટી બનાવી, ખાઈને આગળ વધ્યા એટલે સદાવ્રતવાળા ભાઈ કહે : ‘બાબા, આગળના પડાવમાં આટો નહીં મળે, એ પડાવનો આટો અહીંથી અપાય છે, લેતા જાઓ.’ પેલો સાધુ જરા ઊભો રહ્યો અને મોં ફેરવીને કહે : ‘પ્યારે, સાધુ શામ કી ફીકર નહીં કરતા !’ અને આટલું બોલી ચાલતો થયો !

[6] જાપાનની શહેર-પરાંની લોકલ ટ્રેનોમાં ભીડ તો આપણે ત્યાં થાય છે એના જેવી જ; પણ લોકો ઘણા તાલીમબદ્ધ. ગાડી આવે ત્યારે તેમાં ચડનારા હારબંધ ઊભા હોય પ્લૅટફૉર્મ પર. ઊતરનારા ઊતરી જાય પછી નવા મુસાફર ચડે, દરવાજો બંધ થાય પછી જ ગાડી ઊપડી શકે, એવી યાંત્રિક ગોઠવણી. સાકાઈથી ઓસાકા જવા હું લોકલમાં ચડ્યો. ડબ્બામાં છત પરથી લટકતાં કડાં પકડીને 25-30 જણ ઊભા હતા. એક બેઠક ખાલી પડેલી હતી. ‘કોઈ કેમ બેસતું નથી ?’ મેં સાથેના મિત્રને પૂછ્યું. તેમણે સમજાવ્યું કે, ‘જેટલા ઊભા છે તે સૌને બેસવું તો છે; પણ ખાલી બેઠક એક જ છે તેથી બધા એમ વિચાર કરે છે કે, બેઠક મને નહીં – કોઈ બીજાને મળવી જોઈએ. માટે સૌ ઊભા છે.’ બીજાને સગવડ પહેલી મળવી જોઈએ, એ ભાવના માત્ર રેલગાડીમાં જ નહીં પણ જીવનના બીજા ઘણા વ્યવહારોમાં જાપાની લોકોમાં મેં જોઈ. – મોહન પરીખ

[7] એકવાર કબીર સાહેબ ગંગા તટે લોટો ધોઈ રહ્યા હતા. એવામાં કેટલાક બ્રાહ્મણો પાણી પીવા ત્યાં આવ્યા. એ લોકો નદીમાં નમીને ખોબે ખોબે પાણી પીવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ જોઈને કબીરે કહ્યું : ‘મહારાજ ! આ લોટો લો અને સરખી રીતે આરામથી જલ પીઓ.’ એ બ્રાહ્મણોને કબીરનાં આ વચન અપમાનજનક લાગ્યાં. એમાંના એક બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું :
‘તને અક્કલ છે કે નહીં ? તારા અપવિત્ર લોટા દ્વારા તું અમને અભડાવવા માગે છે ?’
કબીરે હાથ જોડીને શાંતિપૂર્વક જવાબ આપ્યો : ‘જો મારો આ લોટો ગંગાના પવિત્ર જળનો સ્પર્શ પામીને પવિત્ર થઈ શકતો નથી, તો એમાં સ્નાન કરવાથી લોકોનાં પાપ શી રીતે ધોવાઈ જાય છે ?’

[8] વિનોબાજી એમના ઓરડામાં બેઠા હતા. પાસે એક કાર્યકર્તા બેઠા હતા. વિનોબાજી કાર્યકર્તાઓને પોતાનું ઘડિયાળ બતાવવા લાગ્યા અને કહે : ‘જો, ઘડિયાળનો આ જે સતત ફરતો સેકન્ડ કાંટો છે, તે છે મારો કાર્યકર્તા. સાતત્યથી એ બસ ફર્યા જ કરે છે. પળવાર થોભતો નથી. પછી જે મિનિટ કાંટો છે, તે છે જનતા. એ થોડી આળસુ છે. જ્યારે પેલો કાર્યકર્તા કાંટો એક આખું ચક્કર પૂરું કરે છે ત્યારે જનતા કાંટો જરાક આગળ ખસે છે ! અને આ ત્રીજો કલાક કાંટો છે તે સરકાર. જ્યારે આ જનતા આખું ચક્કર પૂરું કરે છે ત્યારે સરકારનો કાંટો થોડોક આગળ ચાલે છે ! – મીરાબહેન ભટ્ટ

[9] એક કારીગર હતો. પોતાના શેઠને કહે, ‘હવે હું નિવૃત્ત થવા માગું છું અને મારું પોતાનું ઘર બનાવી રહેવા માગું છું.’
શેઠ કહે : ‘સારું, પણ હવે આ એક જ મકાન બનાવવાનું છે, તે પૂરું થયા પછી ભલે તું નિવૃત્ત થજે.’ કારીગરે કમને તે વાત સ્વીકારી અને કમને કામ શરૂ કર્યું. કામમાં તેણે દિલ પરોવ્યું નહીં અને આખાય કામની ગુણવત્તા ખૂબ નબળી રહી. જેમ તેમ વૈતરું કરીને તેણે કામ પૂરું કર્યું અને શેઠ તે જોવા આવ્યા.
શેઠ કહે : ‘આ ઘર હવે આજથી તારું. મારા તરફથી તને આ નાનકડી ભેટ.’ પેલો કારીગર તો અવાક થઈ ગયો. તેણે તો આવું ધારેલું જ નહીં ! તેને ઘણો પસ્તાવો થયો. તેને થયું : ‘જો મને ખબર હોત કે આ ઘર મારા માટે બની રહ્યું છે તો તેમાં મેં સારો માલસામાન વાપર્યો હોત અને કાળજીથી બાંધ્યું હોત.’ ‘પોતાનાપણું’, ‘મારાપણું’ નીકળી જાય પછી કામ તકલાદી જ થાય.

[10] જેપી એન્ડ્રૂ નામના 34 વર્ષના પર્વતારોહકની સાહસકથા અને જીવનકથા ભારે અદ્દભૂત અને પ્રેરક છે. જેપી આલ્પ્સ પર્વતના ઉત્તર ભાગની દુર્ગમ ટોચે ચઢેલો, જ્યારે એનો સાથી ટોચે પહોંચતાં જ સખત ઠંડીથી મૃત્યુ પામ્યો. જેપી પણ બરફ નીચે દટાઈ ગયેલો અને સ્નો બાઈટ (બરફના ડંખ) લાગેલ તેથી બંને હાથ અને પગ કાપવા પડેલા. સાડા ત્રણ મહિને રજા મળી પછી તેણે કૃત્રિમ હાથ-પગ લગાડેલા. એ પછી તેણે સ્વીમીંગ સ્પર્ધામાં ભાગ લીધો. ફરી પાછા બર્ફીલા ડુંગરા ચડ્યો. 2002માં અપંગ લોકોની મેરેથોન દોડમાં દોડ્યો. સન્ડે ટાઈમ્સની કટારલેખિકા નતાલી ગ્રેહામ જેપીને મળી અને પૂછ્યું :
‘તમારા ખિસ્સામાં માત્ર ચાલીસ પાઉન્ડ છે, છતાં તમે કેમ નવી સફર કરવા માંગો છો ?’
જેપી કહે : ‘હું કાલની ફિકર કરતો નથી. રોજ ઊગતો સૂરજ અને વાતો પવન મારી બચત છે, એ મારી ડિવાઈન બેન્ક છે !’

[11] કામ પ્રસંગે એકવાર અમારે આગ્રા જવાનું થયું. અમારો ડ્રાઈવર જૂનો અને ઘરના માણસ જેવો. મનમાં થયું, એને તાજમહાલ બતાવીએ. એને તાજમહાલ જોવા લઈ ગયા. આમતેમ ધારી ધારીને જોયા પછી એણે કહ્યું :
‘વાહ ! ખૂબ સરસ છે.’ પછી એણે પૂછ્યું : ‘આમાં કોણ રહે છે ?’
અમે તો સડક જ થઈ ગયા. મનમાં તો થયું કે ક્યાં આ ભેંસ આગળ ભાગવત માંડ્યું ! પણ એ હતો અમારો વહાલો ડ્રાઈવર. એટલે જવાબ તો આપ્યો કે ‘કોઈ નહીં.’
પછી એ પૂછે છે : ‘આ કૉલેજ છે ?’
‘ના.’
‘હોસ્પિટલ ?’
‘ઊંહું.’
‘ત્યારે તો હોટલ હશે, નહીં ?’
‘ના, ભૈ ના.’
‘ત્યારે છે શું ?’
‘શાહજહાં નામના બાદશાહની બેગમની કબર છે.’
એટલે એ તો બોલી ઊઠ્યો : ‘અરે રે ! ત્યારે મને શું કામ આ સવારના પહોરમાં અહીં લાવ્યા ? તમે કહો છો તેમ દુનિયાની સુંદર ઈમારત હશે, પણ અંતે તો કબ્રસ્તાનને !’

આજે દુનિયા ખૂબ સાધનસંપન્ન બની છે. આ તાજમહાલ જેવી સુંદર પણ કદાચ એને બનાવી શકાય. પણ બીક એ છે કે આ સુંદર ઈમારત ક્યાંક માણસાઈનો મકબરો તો નહીં બની જાય ને ? – દાદા ધર્માધિકારી

[12] કન્ફ્યુશિયસ જંગલમાં બેઠો હતો. એ પ્રદેશના સમ્રાટ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. સમ્રાટ કન્ફ્યુશિયસને ઓળખતા નહોતા એટલે પૂછ્યું : ‘તું કોણ છો ?’
કન્ફ્યુશિયસ કહે : ‘હું સમ્રાટ છું !’
રાજા કહે : ‘તું કેવો સમ્રાટ ? જંગલમાં બેઠો છે અને પોતાની જાતને સમ્રાટ કહે છે ?’
અને પછી કન્ફ્યુશિયસે કહ્યું : ‘તું કોણ છે ?’
રાજા કહે : ‘હું સાચો સમ્રાટ છું. મારી પાસે સેવક છે, સેના છે, વૈભવ છે.’
કન્ફ્યુશિયસ કહે : ‘જો ભાઈ, સેવક તેને જોઈએ જે આળસુ છે. હું આળસુ નથી, એટલે મારા સામ્રાજ્યમાં સેવકની જરૂર નથી. સેના એને જોઈએ જેને શત્રુ છે. દુનિયામાં મારા કોઈ શત્રુ નથી એટલે સેનાની મારે કોઈ જરૂર નથી. અને વૈભવ તેને જોઈએ, જે ગરીબ છે. હું ગરીબ નથી એટલે મારે ધન કે વૈભવની જરૂર નથી !’ રાજા શું બોલે ?

[કુલ પાન : 108. (મોટી સાઈઝ, પાકું પૂઠું). કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-4, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “એક ઘડી, આધી ઘડી….. – સં. રમેશ સંઘવી”

Copy Protected by Chetan's WP-Copyprotect.