ઓલટાઈમ ગ્રેટ પોએટ : ‘કલાપી’ – રમેશ ઠક્કર

[ મહેસાણામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈએ સાહિત્યક્ષેત્રે શ્રી ઈન્દુભાઈ બ્રહ્મભટ્ટ સાથે મળીને તાજેતરમાં રાજવી કવિ શ્રી કલાપીની 26 જેટલી ગુજરાતી ગઝલોનું સંપાદન ‘આશક જહાં થાતી નથી’ પુસ્તક હેઠળ કર્યું છે. અત્રે તેમાંથી કવિશ્રી કલાપીના સાહિત્ય તેમજ જીવનનો સંક્ષિપ્ત પરિચય આપતો લેખ પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 98795 24643 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

‘જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે…..’ આવું ભલે આદિલ મન્સૂરીએ કહ્યું છે પરંતુ ગુજરાતી ગઝલની દુનિયા માટે એવું કહી શકાય કે જ્યારે ‘કલાપી’એ ગઝલ લખવાની શરૂઆત કરી ત્યારે જ ગુજરાતી ગઝલની સૃષ્ટિમાં નવી રજૂઆત થઈ હતી ! ‘કલાપી’ એક નૈસર્ગિક કવિ છે, એક પ્રણયી છે, યુવાન છે અને રાજવી પણ છે. વિરહના તીવ્ર મનોભાવોવાળા અત્યંત સંવેદનશીલ ઊર્મિતંત્રના માલિક છે અને સૌથી વિશેષ વાત એ છે કે એ સતત નવોન્મેષ ધરાવતા સર્જક પણ છે.

પોતાના પુરોગામીઓની અસરો ઝીલવાનું સામર્થ્ય ધરાવનારા આ પ્રતિભાશાળી શબ્દ-શિલ્પી આધુનિક પ્રવાહો અને વિશ્વ સાહિત્યના પણ ઉપાસક હોવાનું તેમના સર્જન દ્વારા પ્રતીત થાય છે. ગુજરાતી સાહિત્ય જો રળિયામણો બગીચો છે તો ‘કલાપી’ એમાં કળાયેલ મોર સમાન છે. એમની ગઝલો અને ઊર્મિકાવ્યો ગુજરાતની અનેક પેઢીઓ વાંચી ચૂકી છે અને આમ છતાંય પ્રત્યેક નવી પેઢીને ‘કલાપી’નાં કાવ્યોનું આકર્ષણ રહ્યા કરે છે. કોઈ પણ કવિ આટલો લાંબો સમય, સાતત્યપૂર્ણ રીતે પ્રજામાનસમાં જીવંત રહ્યા કરે એ એક દંતકથારૂપ ઘટના ગણી શકાય. એ અર્થમાં જોઈએ તો ‘કલાપી’ ઓલટાઈમ ગ્રેટ પોએટ છે, તરોતાજા કવિ છે.

ગુજરાતી ભાષામાં મધ્યકાલીન કવિઓનું પ્રદાન ઘણું મોટું છે. આ સમયના ભક્તકવિઓએ તન્મયતાથી ઈશ્વર ભક્તિની આરાધના કરી સુંદર પદોની રસધારા વહાવી છે. આ કાવ્યો થકી એ સમયની હતાશ અને મુશ્કેલીઓ અનુભવતી પ્રજાને ટકી રહેવા માટેનું પ્રોત્સાહન મળ્યું હતું. નરસિંહ, મીરાં, ભોજા ભગત, પ્રેમાનંદથી છેક દયારામ સુધીની આ મજબૂત પરંપરા અસરકારક રીતે ચાલી હતી. એ પછીના સમયમાં આધુનિક કેળવણી અને નૂતન વૈશ્વિક પ્રવાહોના પગલે નવસર્જકોની એક પરંપરા શરૂ થઈ. જેમાં પંડિત યુગ અને સાક્ષર યુગના સર્જકોએ પ્રદાન કર્યું. આ સમયે ‘કલાપી’નો કાવ્યકલાપ એક નવીન ધારા રજૂ કરે છે. આ મહત્વના સમયે ‘કલાપી’નું પગરણ અને કવન એ એક સુખદ ઘટના હતી. કલાપીને આપણે આધુનિક કવિતાના ઉદ્દગાતા તરીકે નવાજી શકીએ તો નવા યુગના એક શિર્ષસ્થ કવિ તરીકે પણ સન્માની શકીએ. બાલાશંકર કંથારિયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને કવિ કાન્ત સહિતના સમકાલીનો સાથેની મિત્રાચારી અને ગોષ્ઠિઓ થકી તેમનો કાવ્યપિંડ ઘડાયો હતો અને અવિરત કાવ્ય સ્ફુરણા પ્રગટતી રહી હતી. ગુજરાતી કાવ્યાકાશમાં ‘કલાપી’ એક ઝળહળતા પ્રકાશપુંજની માફક દેદિપ્યમાન આભા મૂકી ગયા છે. જેના પ્રકાશમાં સહુ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય એ સ્વાભાવિક છે.

26મી જાન્યુઆરી, 1874માં લાઠીના રાજવી પરિવારમાં જન્મેલા સુરસિંહજી જન્મજાત ઉત્તમ ઊર્મિતંત્ર ધરાવતા હતા. તેઓ સાચે જ એક સંવેદનપટુ સર્જક હતા. રાજવી પરંપરામાં ઉછેર અને દોમદોમ સાહ્યબીની વચ્ચે રહીને પણ એમનાં સર્જનોમાં જે માનવપ્રેમ, પ્રકૃતિપ્રેમ જોવા મળે છે તે આમ આદમીની સંવેદના વ્યક્ત કરે છે. તેમની સરળ વાણી અને હૃદયની સચ્ચાઈ અલગ તરી આવે છે. મબલખ સુખોની માયાજાળ તેમને મોહિત કરતી નથી. નાની વયે રાજ્યાભિષેક અને સુખસગવડોની વણઝાર તેમનામાં રહેલા કવિજીવને રોકી શકતી નથી. માત્ર પંદર વર્ષની ઉંમરે એમણે શરૂ કરેલું કાવ્યસર્જન આયુષ્યના અંત લગી ચાલુ રહ્યું છે બલકે બળવત્તર બનીને મહોરતું રહ્યું છે. શરૂઆતમાં સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ટૂંકું અંગ્રેજી રૂપ STG બનાવી એ નામે કાવ્યો લખતા રહ્યા અને એ પછી ક્રમશઃ ‘કલાપી’ બનીને મહાન કવિ તરીકે પ્રસ્થાપિત થયા.

‘અરે ઉલ્ફત ! અયે બૅગમ…..’ શબ્દોથી શરૂ કરેલ પ્રારંભિક ગઝલ ‘ફકીરી હાલ મ્હારો છે…’માં કલાપીના સમગ્ર જીવનનું જાણે પ્રતિબિંબ ઝિલાયું છે. આ કાવ્યમાં તેમના અંતરના ભાવો અને આરઝુનું આકર્ષક બયાન રજૂ થયું છે. કાવ્ય સર્જનની એમની આ શરૂઆત જ એટલી ભાવવાહી રહી છે કે સહુ કોઈને લાગ્યું કે એક મોટા ગજાના સર્જકનું આગમન થયું છે અને એ પછી તો ‘કલાપી’ તરીકેની તેમની વિરાટ કવિ પ્રતિભાનાં દર્શન સમગ્ર સાહિત્ય જગતમાં સહુને થતાં રહ્યાં.

ગુજરાતી ભાષામાં ‘કલાપી’ના સર્જનની જે અસરો છે તે કલ્પનાતીત છે. કોઈ પણ ગુજરાતી પ્રણયી યુગલ એવું નહીં હોય કે જેણે પરસ્પરના પ્રેમાલાપમાં ‘આપની યાદી’ની પંક્તિઓ ના ટાંકી હોય ! પ્રેમીજનોના મુખ ઉપર તુરત આવી જાય તેવી અદ્દભુત આ રચના આપણા સાહિત્યની અમર ગઝલ છે. બહારથી પ્રેમીઓની ગઝલ લાગતી આ સદાબહાર રચનાનું આંતર કલેવર પ્રાર્થનાનું છે. સૂફીવાદના આધાર ઉપર લખાયેલી આ ગઝલ, પરમાત્માની ઉપાસના માટેનું શ્રેષ્ઠ કાવ્ય છે. કલાપીના સર્જનમાં ઊંડા ઊતર્યા બાદ આવી અનુભૂતિ જ્યારે ભાવકને થાય ત્યારે તેની દશા ‘શૃંગારશતક’માંથી ‘વૈરાગ્યશતક’ તરફ ગતિ કરનારા ભર્તુહરિ જેવી થાય એ સ્વાભાવિક છે. નવોન્મેષ અને શબ્દોની અદ્દભુત પસંદગી એ ‘આપની યાદી’ની વિશેષતા છે.

‘આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમ બ દમ બોલી રહી ઝીણી સિતારી આપની !’

આમાં ‘ઝીણી સિતારી’ શબ્દ પ્રયોજીને કલાપીએ કમાલ કરી નાખી છે. આવા અદ્દભુત શબ્દો ભાગ્યે જ કોઈ રચનામાં જોવા મળે છે. ઈશ્વરને ઝંખવાની તીવ્રતા અને પરમતત્વની પોતાની સાથેની સતત હાજરી મહેસૂસ કરે છે. તેને ગઝલોમાં સુંદર રીતે વ્યક્ત કરે છે. આમાં તેમના તીવ્ર હૃદયભાવો અને સંવેદનની સચ્ચાઈ સહુ કોઈને સ્પર્શી જાય છે. એવું કહેવાય છે કે ભારતમાં જન્મેલ કોઈ પણ સાહિત્ય સર્જક એવો નહીં હોય જેણે રામ અને કૃષ્ણ ઉપર ના લખ્યું હોય ! એ જ રીતે કહી શકાય કે ગુજરાતી ભાષામાં લખનાર કોઈ પણ કવિ એવો નહીં હોય જે કલાપીનો ચાહક ના હોય ! આપણા ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણી પ્રારંભકાળે ‘કલાપી’થી એટલા બધા પ્રભાવિત હતા કે તેમની ગઝલોનું પઠન કરતાં રડી પડતા. તેઓ કલાપીમય બની જતા. તેમની આ તન્મયતા જોઈ લોકો તેમને ‘વિલાપી’ના ઉપનામથી નવાજતા. સાકી, સનમ, શૂરા આ શબ્દો જાણે ‘કલાપી’ની કાવ્યધારાના પર્યાય જેવા બની રહ્યા છે.

‘પેદા થયો છું ઢુંઢવા તુને સનમ,
…..ઉમર ગુજારી ઢુંઢતાં તુને સનમ’

સૂફીવાદમાં સનમ એટલે સ્વયં ઈશ્વર. ‘કલાપી’ની આ તડપ અને આરઝુ કોઈ દુન્યવી સુખ માટેની તલાશ નથી પરંતુ પરમતત્વ પ્રત્યેની પ્રચંડ લાગણી હતી. નરસિંહ અને મીરાંની માફક ‘કલાપી’ પણ પરમતત્વની ખોજમાં મસ્ત ફકીરી ભાવો ધરાવતા કવિ હતા અને એટલે જ પોતાની કાવ્યસફરના કાફલામાં આ બંને સર્જકોનો સહપ્રવાસી તરીકે તે આદર અને ઉલ્લેખ કરે છે. ‘કલાપી’નો જીવનકાળ ખૂબ જ ટૂંકો એટલે કે તા. 26-1-1874 થી 9-6-1900 સુધી માત્ર 26 વર્ષ. આટલા અલ્પ આયુષ્યમાં કેટલું વિપુલ અને ગુણવત્તાસભર સર્જન તે કરી શક્યા છે એ આશ્ચર્યજનક બાબત છે. કલાપીના નામની આસપાસ જે જાદુ છે તેવો ભાગ્યે જ કોઈ સર્જકની આસપાસ જોવા મળતો હશે. કાવ્યો ઉપરાંત ‘કલાપી’એ પોતાના મિત્રો, સ્નેહીજનો અને આપ્તજનો સાથે સતત પત્રવ્યવહાર કરી દિલના ભાવોનું આલેખન કર્યું છે. ‘કલાપીની પત્રધારા’ એ પણ આપણા સાહિત્યમાં મોટી ઉપલબ્ધિ છે. આ પત્રોમાં ‘કલાપી’નું જીવન, તેમના વિચારો, તત્કાલીન ઘટનાઓ વગેરેની જાણકારી પ્રાપ્ત થાય છે. તેઓ પાંચ વર્ષ સુધી લાઠીના રાજવી તરીકે કાર્યભાર સંભાળે છે, કાવ્યસાધના પણ કરે છે, તેમના સમયમાં સમગ્ર ગુજરાતને હચમચાવતો ભયંકર ‘છપ્પનિયો’ દુષ્કાળ પડ્યો હતો. એક શાસક તરીકે તેમના મનોભાવો કેવા હતા એ એક પત્રમાં પ્રગટ થાય છે : ‘એક પણ માણસ આ રાજ્યમાં ભૂખથી ન મરે તો પ્રભુનો મોટો ઉપકાર.’ આ પ્રજાવત્સલ રાજવી સુરસિંહ એટલે કે ‘ગ્રામ્યમાતા’ના સર્જક કલાપી જેમણે આ કાવ્યમાં અમર પંક્તિઓ આપી હતી.

‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ’ એમ કહીને રાજધર્મને ઉજાગર કર્યો છે અને રાજાની ઉદાર ભાવના પ્રજાને સુખચેન આપી શકે છે તેવો સંદેશ આપ્યો. સમગ્ર રીતે જોઈએ તો તેઓ જે નિષ્ઠાથી શબ્દોનું આલેખન કરી શકતા હતા એટલી જ નિષ્ઠાથી જીવન પણ જીવતા હતા. સર્જન અને જીવન વચ્ચેનો આવો સુભગ સુમેળ એ અલૌકિક ઘટના હોય છે. પરંતુ ‘કલાપી’ સ્વયં એક અલૌકિક સિમાચિહ્ન છે.

‘ફકીરી હાલ…..’ કલાપીની શરૂઆતની રચના છે. કવિના તીવ્ર મનોભાવો ગઝલની બાનીમાં નકશીકામ બનીને શબ્દ સ્વરૂપ પામ્યા છે. ‘પરેશાની જ રાહત છે’ કહી શકનાર કવિની ખુમારી લાજવાબ છે. ‘એક પ્રેમ’માં ‘મને’ના રદીફ દ્વારા હૃદયભાવોનું આલેખન થયું છે. ‘પ્રેમયુગ ચૂમ્યાં ઘણાં – ખાર ભોંકાયા મને,’ કાંટાના ભોંકાવાની વાત આપણે સાંભળી હતી. પરંતુ અહીં પ્રયોજાયેલ ખાર ભોંકાવાની વેદના સાર્થક થાય છે. પ્રેમમાં વળી શંકા કેવી ? અને એ પણ ‘કલાપી’ જેવા મુગ્ધ પ્રેમી કરે ? ‘સ્નેહશંકા’માં કવિના દીલની જાણે કસોટી થઈ છે. ‘હૃદય મારું અરીસો છે’ કહી શકનાર આ સર્જક ખરેખર નિખાલસ લાગણીતંત્ર ધરાવતા હોવાનું વ્યક્ત થાય છે. ‘હમારા રાહ’માં ખૂબ જ વિવરણથી એ પોતાના પંથ વિષે કાવ્ય બાનીમાં વાત કરે છે અને અર્કરૂપ પંક્તિઓ મળે છે :

‘તમારા કૃષ્ણ ને મોહમદ
…..તમારા માઘ કાલિદાસ,
બિરાદર એ બધા મ્હારા
…… હમારા રાહ છે ન્યારા !’

તેમની બિરાદરીમાં આવી હસ્તીઓ બિરાજમાન હોય એ કેટલું રોમાંચક છે. ‘માફી’માં પશ્ચાતાપના ભાવો તો ‘હદ’માં ફનાગીરીનું આલેખન ‘વિના કૈ પાય પસ્તાવું’ આ બંને ભાવો ઉત્કૃષ્ટ રીતે પ્રગટ થયા છે. ‘ત્યાગ’નો ઉપાડ જ આ કવિના સમગ્ર જીવનના સારરૂપ પંક્તિઓ આપે છે.

‘હું જાઉં છું, જાઉં છું,
……ત્યાં આવશો કોઈ નહીં,
સો સો દીવાલો બાંધતાં,
……ત્યાં ફાવશો કોઈ નહીં.’

‘હું બાવરો’માં ‘નિગાહેપુષ્પ’ જેવો અદ્દભુત શબ્દ મળે છે તો ‘એક ઈચ્છા’માં હૃદયના ધબકારનું શબ્દાંકન થયું છે અને પ્રભુને આરતભરી પ્રાર્થનારૂપે પ્રગટ થાય છે. ‘ત્હારી બેવફાઈ’ અને ‘એક ફેરફાર’માં કવિના ઋજુ ઉદ્દગારો ‘અને હું જીતમાં હાર્યો’ જેવી પંક્તિમાં ઝિલાયો છે. બંને રચનાઓ નિરાંતે માણવા જેવી છે. ‘ફરિયાદ શાની’માં સનમ સામેના વેધક સવાલોથી રચના અભિવ્યક્ત થઈ છે. ‘હવે આરામ આ આવ્યો’માં ‘છાલાં પડેલા જિગર’ની પીડાનું આલેખન થયું છે. તો ‘ક્રુર માશુક’માં ‘સનમ રાજી, હમ રાજી, ખુદાની એ જ છે મરજી’ એમ કહી ઈશ્વરઈચ્છાને આધીન જીવન માટેની અભિલાષા વ્યક્ત થઈ છે. ‘કલાપી’ના કાવ્ય કલાપનો આ જાણે મધ્યવર્તી સાર છે. ‘ખાકદિલ’માં તત્વજ્ઞાની સખા સાથે જાણે સાયુજ્ય સધાય છે.

‘અવધૂતની માળા મહીં પારા ફરી લાખો ગયા,
આ એક પારો જિંદગીનો ફેરવી તું શું કરે ?’
‘છેલ્લી જફા’માં આ મનોભાવોનું સુંદર વિસ્તરણ થયું છે. ‘હમારી પિછાન’માં કલાપીના યાદગાર ઉદ્દગાર ‘અમો જોગી બધા વરવા, સ્મશાનો ઢુંઢનારાઓ’ કાવ્યરસિકોને પ્રાપ્ત થયા છે. જેમાં તેઓનો અલગારી મિજાજ પ્રગટ થાય છે. ‘રજાની માગણી’નું સ્પંદન હૃદયસ્પર્શી છે. એમાં સમયાતીત રજાની આર્દ્રતાપૂર્ણ માગણી છે, ‘સ્વર્ગનો સાદ’ આ અલ્પ આયુષ્ય ધરાવનાર સર્જક જાણે પોતાની જ વાત રજૂ કરે છે. મૃત્યુ એ જાણે તેમના મનોજગતમાં સતત પડઘાતું પરિબળ છે. ‘સાકીને ઠપકો’માં ‘કલાપી’નું કથન સોળે કલાએ ખીલી ઊઠ્યું છે અને શ્રેષ્ઠ પંક્તિઓ મળે છે. જેમાં તેમના સમગ્ર જીવનના સારરૂપ શબ્દો પ્રગટ્યા છે :

સાકી નશો મુજને ચડ્યો,
……. દિલદારનેય ચડ્યો નહીં,

એ પછીની રચના ‘સનમની શોધ’માં એમણે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં લખ્યું છે:

‘પેદા થયો છું ઢુંઢવા તુને સનમ,
…….ઉમર ગુજારી ઢુંઢતાં તુને સનમ’

‘સનમને સવાલ’માં મુગ્ધ પ્રેમીના મોહક સ્પંદનો વણાયાં છે અને ‘શરાબનો ઈન્કાર’માં ‘આલમ, પિદર, સાદર, બિરાદર દોસ્તને શું શું નહીં’ એમ કહી એક મદમસ્ત યાદી રજૂ થઈ છે. જે ભાવકને સ્પર્શી જાય તે સ્વાભાવિક છે. આ તમામ રચનાઓમાં શિરમોર અને ગુજરાતની કાવ્ય સૃષ્ટિના ધ્રુવતારક સમી રચના એટલે ‘આપની યાદી’. પૂજ્ય મહાત્મા ગાંધીએ જેનો સમાવેશ આશ્રમ ભજનાવલીમાં કર્યો હતો એવી આ બાહ્યરૂપથી પ્રેમીઓના ઉદગાર જેવી લાગતી પરંતુ હકીકતમાં ઈશ્વરના ચરણકમળોમાં રજૂ થયેલી માનવ હૃદયની ઉત્તમ પ્રાર્થના, એક યુગપ્રવર્તક કૃતિ છે. જેમાં શબ્દે શબ્દ પ્રભુના અસ્તિત્વનો એકરાર છે, ઊંડી અનુભૂતિ છે અને પવિત્ર ભાવોનું નિરૂપણ છે.

‘આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમ બ દમ બોલી રહી ઝીણી સિતારી આપની !’

આમાં ‘ઝીણી સિતારી’ શબ્દનું પ્રાગટ્ય અદ્દભુત છે. શબ્દનું આવું નકશીકામ ‘કલાપી’ જેવા સર્જક જ કરી શકે. ‘ફકીરી હાલ મ્હારો છે’ થી પ્રારંભ થયેલ કલાપીની ‘આપની યાદી’ નિશ્ચિતપણે એક ચરમસીમા છે. આવી રચનાઓ કાયમ નથી પ્રગટતી. તેનું સર્જન ઐતિહાસિક ઘટના હોય છે અને ‘કલાપી’ જેવા સર્જક પણ સદીમાં ક્યારેક જ પ્રગટતા હોય છે.

[કુલ પાન : 65. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : બુક શેલ્ફ. 16, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-9. ઈ-મેઈલ : info.npm@gmail.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ….તો કહેવાય નહીં – એચ. બી. વરિયા
કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’ Next »   

20 પ્રતિભાવો : ઓલટાઈમ ગ્રેટ પોએટ : ‘કલાપી’ – રમેશ ઠક્કર

 1. Naresh Thakkar says:

  very nice

 2. SANJAY TRIVEDI says:

  VERY NICE

 3. Naresh Thakkar says:

  jalaram bapa tamne aava pustako lakhavani prena aape

 4. manoj says:

  સરસ્

 5. indeed a great poet…..and first time knew the details in sound words…mind blowing

 6. ghansham says:

  ખુબ સરસ

 7. Veena Dave. USA says:

  અમર કવિની રચનાઓ વાંચી અને ૨૬ વર્ષનુ આયુષ્ય નિહાળી આંખ ભિંજાઈ જાય છે.

 8. Dinesh Gohil says:

  ખુબજ સરસ

 9. pragnaju says:

  ખૂબ સુંદર
  પેદા થયો છું ઢુંઢવા તુને સનમ,
  …….ઉમર ગુજારી ઢુંઢતાં તુને સનમ’
  ગઝલ ભગવાનને સંબોધીને લખી છે કે પ્રેમિકાને સંબોધીને લખી છે. એના પર ઘણા સંશોધન પણ થયા છે.અમારે તો એટલુ જ કહેવાનું કે ‘કલાપી’ માટે તો પ્રેમ જ ઈશ્વર હતો…

 10. nalini desai says:

  સુરતાની વાડી ના મીઠા મોરલા કલાપીની સર્વ ગઝલોને આવરી લેતો લેખ પ્રત્યેક કવિતા પ્રેમી સહ્રદયિ વાચકને કેકારવ ના ધ્વનિ મા તરબોળ કરવા સક્ષમ છે.

 11. Ranjan Mehta says:

  કલાપી દરેક ગુજરાતી ના દિલમાં વાસ કરે છે. ઓછુ જીવીને અમર થઇ ગયા.

 12. Mitul Trivedi says:

  થોડા મા ઘણુ જણાવી દિધુ રમેશભઇએ. આભાર.

 13. yogesh says:

  why some readers write comments like “Sundar”, “saras”, “khub saras” etc, etc?

  Doesnt make sense.

 14. manvant says:

  સુરતાની વાડીનો મોરલો યાદ કરાવી
  સુન્દર દર્શન કરાવવા બદલ આભાર !

 15. Megha says:

  ખરેખર અદ્ ભુત…ગુજરાતી સાહિત્યના અદના કવિ કલાપીને પુનઃ જીવન્ત બનાવવા બદલ આભાર.

 16. હરેશ રોહિત says:

  કલાપી માટે તો એટ્લું જ કહેવું કે

  “યારી ગુલામી શું કરું તારી સનમ !!!
  ગાલે ચૂમું કે પગની પાનીએ સનમ !!!

 17. vishakha pota says:

  સદા બહાર કવિ કલાપિ…….અન્તર ના તાર ઝનઝનિ ઉથે…..દિલ નિ દરેક સવેદના ને ઉજાગ કરે………….

 18. Kalidas V. Patel {Vagosana} says:

  માત્ર ૨૬ વર્ષના ટૂંકા આયુષ્યમાં આટલુ વિપુલ અને વિશુધ્ધ તથા ઉચ્ચતમ સાહિત્ય આપીને કલાપીએ સાહિત્ય જગતમાં કમાલ કરી નાખી છે !
  ગઝલોનું શુધ્ધતમ સ્વરુપ જોવું હોય તો કલાપીની ગઝલોનું અધ્યયન કરવું જોઈએ.
  આવા આદર્શ કવિ થકી આપણી ગુજરાતી ગિરા રળિયામણી છે.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.