[‘વિચારવલોણું’ સામાયિક એપ્રિલ-2011માંથી સાભાર.]
અમેરિકાની એક અગ્રણી કવિયત્રી તરીકે આજે પણ જેની ગણના થાય છે તે ઈમિલી ડિકિન્સન એક ગરીબ અને દુઃખી નારી હતી, પણ તે દુઃખી અને ગરીબ હોવા છતાં તેનાં સ્વમાન અને સ્વતંત્રતા અકબંધ રહ્યાં હતાં. તેના મૃત્યુને એક સૈકાથી વધુ સમય વીતી ગયો છતાં આજે પણ તમે તેની કવિતા પર નજર કરો તો તરત તેના હૃદયમાંથી ઊગેલી લીલીછમ કાવ્યમાલા તમારી આંખને ભીની કર્યા વગર ન રહે – માત્ર ભીની જ નહીં કરે, તે તમારી નજરને થોડી વધુ તેજીલી અને વધુ સ્નેહભરી બનાવ્યા વગર નહીં રહે. પોતાનાં કાવ્યો વિશે ઈમિલી ડિકિન્સન કહે છે : ‘આ (કાવ્યો) જગતને મેં લખેલો એક પત્ર છે. દુનિયાએ મને કદી જવાબ આપ્યો નથી. મારો આ સંદેશો મેં નહીં જોયેલા હાથમાં હું મૂકું છું. એને સદભાવથી મૂલવજો.’
ઈમિલી અમેરિકામાં એમહર્સ્ટ (મેસેચ્યુસેટ્સ) ખાતે ઈ.સ. 1830માં જન્મી હતી અને છપ્પન વર્ષની ઉંમરે ઈ.સ. 1886માં મૃત્યુ પામી. તેણે લગભગ સત્તરસો કાવ્યો લખ્યાં હતાં પણ તેમાંથી બહુ જૂજ કાવ્યો તેના જીવનકાળ દરમિયાન પ્રગટ થયાં હતાં. એકપણ કાવ્યસંગ્રહ તેની હયાતીમાં બહાર પડ્યો નહોતો. તેના મૃત્યુ પછી તેના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા. રાતદહાડો શ્રમ કરીને તે ગુજારો કરતી હતી. ઘર છોડીને તે કદી ક્યાંય ગઈ નહોતી, પણ તેની કવિતામાં તે તેના વાસ્તવિક જીવનની બધી જ મર્યાદાઓને ઓળંગી જાય છે. તેની પાર તે તમને ધરતી પર અને આકાશમાં ઠેરઠેર સફર કરાવે છે. ઈમિલી જીવનની, પ્રેમની, પ્રકૃતિની અને અમરત્વની કવિતા કરે છે. તેની કવિતાના વિષયો અને તેમાં પ્રગટ થતી ઊર્મિઓ પ્રત્યેક વ્યક્તિને ‘પોતીકાં’ લાગે છે. ઈમિલી એટલી શરમાળ છે કે તે માત્ર એકાંતમાં પોતાની જાત સાથે જ જીવે છે. એની આકાંક્ષા એક જ છે : ‘જો હું કોઈક એકાદ વ્યક્તિનું હૈયું ભાંગતું બચાવી શકું તો મને લાગે છે કે હું તદ્દન નિરર્થક નથી જીવી.’ તેની એક નાનકડી કવિતામાં તે આગળ કહે છે : ‘જો હું એકાદ જિંદગીની વેદના ઓછી કરી શકું, કોઈકની પીડાને થોડી હળવી કરી શકું અગર કોઈ એકાદ મૂર્છિત પંખીને તેના માળામાં પાછું મૂકી શકું તો મને લાગે છે કે હું છેક નિરર્થક નથી જીવી.’
ઈમિલી માટે કવિતા શ્વાસોચ્છવાસ જેવી સહજ છે. તેને દુનિયાદારીના ભપકા-દમામ ગમતા નથી. એક કાવ્યમાં તે કહે છે : ‘પહેલા હૃદય આનંદ માગે છે અને પછી વેદનામાંથી છુટકારો અને પછી વેદનાને બૂઠી બનાવનારાં કંઈક દર્દશામકો અને પછી ‘ઊંઘી’ જવાનું અને પછી-ઈશ્વરેચ્છા-મૃત્યુની મુક્તિ !’ એણે વેદના ખૂબ પીધી છે અને પચાવી છે. એક ઓર કાવ્યમાં કહે છે : ‘હું ઝીણી નજરે મને મળતા દરેક શોકને માપી જોઉં છું. મારા શોકનું વજન મારા જેટલું જ છે કે તેનું કદ કંઈક નાનું છે ? મને અચંબો થાય છે – બીજાઓ વેદના લાંબા સમયથી વેઠી રહ્યા હશે કે તેમની વેદના હમણાંની જ હશે ? હું મારી વેદનાની તારીખ તો કહી શકતી નથી – મારું દુઃખ બહુ જૂનું લાગે છે.’ એક બીજી રચનામાં એ કહે છે : ‘વેદનાની આરપાર નિહાળેલો આનંદ કેટલો રમણીય લાગે છે ! મળવો અસંભવ હોવાથી કેટલો સુંદર દેખાય છે ! દૂરદૂરનો પહાડ હીરા-માણેક જેવો દેખાય છે. નજીક જઈએ ત્યાં હીરા ઝાંખા પડી જાય છે અને માત્ર આકાશ નજરે પડે છે.’
જીવતાં હોવું એ જ આનંદ : જીવતાં હોવાનો જ એક આનંદ છે, પણ એ આનંદ પણ માણસ મિલકતની જેમ સંતાડી રાખે છે. અડોશપડોશમાં, સગાંસંબંધીઓમાં, બીજે ક્યાંક મોત દરોડો પાડે છે ત્યારે રખે મારો ‘દલ્લો’ લૂંટાઈ જાય તેનો ડર તેની પાસે એ મિલકત જાહેર કરાવે છે અને પછી મોત કોઈકને ઉપાડી ગયું પણ પોતે બચી ગયા – પોતાનો ‘દલ્લો’ બચી ગયો તેનો આનંદ એક ક્ષણિક ઊભરારૂપે પ્રગટ થાય છે. પણ જીવતા હોવાનો જ આ એક અનોખો આનંદ રોજબરોજના જીવનમાં પ્રગટ થતો નથી. આપણો ઘણો બધો સમય આપણા માટે કિંમતી પોશાક તૈયાર કરવામાં અને કિંમતી રહેઠાણ તૈયાર કરવામાં જાય છે. પોશાકો તૈયાર થઈ જાય, રહેઠાણ તૈયાર થઈ જાય, આખી જિંદગી ખૂબ ખૂબ મહેનત કરીને ઘણું કમાયા તેનું ‘માનપત્ર’ પણ તૈયાર થઈ જાય – પણ પછી મૂળ માણસ પાસે નિજાનંદે જીવવાનો ઝાઝો વખત રહ્યો જ નથી હોતો. આનંદથી જીવવા માટે પણ એક મિજાજ જોઈએ છે. પણ આપણે જે જાતજાતની ચીજોની પાછળ દેખાદેખીથી દોડ્યા, તેમાં વારંવાર પેટ ઉપર ચાલ્યા અને પેલા મસ્ત મિજાજનું તો સત્યનાશ કાઢી નાખ્યું. માણસ જીવવામાં પણ કોઈકની નકલ કરે છે, જાણ્યે કે અજાણ્યે, તે પોતાની જિંદગીની કોઈ મૌલિક કિતાબ લખવા બેસતો જ નથી.
કેટલાક માણસો માને છે, સુખસંપત્તિનાં સાધનો ગમે તે ભોગે ઊભાં કરવાં, પેદા કરવાં એનું નામ જિંદગી. બીજા કેટલાક વળી માને છે કે સાચાં કે ખોટાં જાતજાતના માનપત્રો અને પ્રમાણપત્રો ભેગાં કરવાં એ જ જિંદગી ! બીજા કેટલાક વળી એમ જ માને છે કે બસ ક્યાંક નજર ચોંટેલી રહેવી જોઈએ, નહીં પોતાની અંદર જોવાનું, નહીં આસપાસ નજર કરવાની, નહીં દિલને ઢંઢોળવાનું કે નહીં મગજને ક્યાંય સાચી રીતે કસોટીએ ચઢાવવાનું. દુનિયા જેને ‘સુખ’, ‘આનંદ’, ‘વૈભવ’, ‘નસીબ’ સમજે છે તે તો માત્ર રૂપિયાની જાદુગરી છે ! એટલે ગમે તેમ કરીને ગમે તે ભોગે રૂપિયા મેળવો-બસ ! એ માટે ભલે બધું જ હોમી દેવું પડે. જિંદગીમાં જે કંઈ લીલુંછમ છે તે બધું ભલે બળીને કાળુમેંશ કે રાખ થઈ જાય. પછી માણસ પાસે કંઈ જ બચતું નથી. તે પોતે પણ બચી શકે તેમ નથી હોતો ત્યારે તેને અંતિમ ક્ષણે સંભવતઃ ભાન થાય છે કે જિંદગીમાંથી કશું કામનું તો પામ્યા નહીં અને જે પામ્યા તે હવે પોતાના કોઈ કામનું તો રહ્યું જ નથી. જીવતા કે મૂઆ પછી વીમાની એક પોલિસી પાકે એટલું જીવ્યા. બાકી, જીવવા જેવું જે ઘણુંબધું હતું તે તો ન જ જીવ્યા.
પોતાની અંદર જ પરમ આત્માના કે પરમ શક્તિનાં દર્શન કર્યા હોત, સમગ્ર સૃષ્ટિમાં પ્રાણ અને પદાર્થના અગણિત આવિષ્કારોમાં પરમ આત્માના કે પરમ શક્તિના એક અંશરૂપે પોતાની જ છબીનાં પણ દર્શન કર્યાં હોત – આ બધામાં પોતાને ભેળવીને અને પોતાનામાં આ બધું મેળવીને જીવ્યા હોત તો જિંદગીનો આનંદ કાંઈક જુદો જ હોત. એવું કર્યું હોત તો મોતની ક્ષણે મૂલ્યવિહીન મીંડું બની ગયાની, નામશેષ થઈ ગયાની લાગણી ન થાત, પણ પ્રેમ અને પ્રકાશની પરમ ચેતનામાં ભળી જઈને મુક્તિ પામ્યાનો આનંદ જ થયો હોત.
8 thoughts on “વેદનાની આરપાર નિહાળેલો આનંદ – ભૂપત વડોદરિયા”
ખુબ સુંદર
“: ‘હું ઝીણી નજરે મને મળતા દરેક શોકને માપી જોઉં છું. મારા શોકનું વજન મારા જેટલું જ છે કે તેનું કદ કંઈક નાનું છે ? મને અચંબો થાય છે – બીજાઓ વેદના લાંબા સમયથી વેઠી રહ્યા હશે કે તેમની વેદના હમણાંની જ હશે ? હું મારી વેદનાની તારીખ તો કહી શકતી નથી – મારું દુઃખ બહુ જૂનું લાગે છે.’ “
ખરેખર સુંદર !
દરેક ક્ષણને આનન્દ મા વેદના ની વચ્ચે કેવી રીતે જીવવુ તેની વસ્તવિક જિવન ની કથા નુ સુન્દર આલેખન.આચરણ મા મુકવા જેવો લેખ. આભાર.
ખુબજ માણવા લાયક.
અભ્યાસપૂર્ણ લેખની આ વાત -આ તારણ ” પોતાની અંદર જ પરમ આત્માના કે પરમ શક્તિનાં દર્શન કર્યા હોત, સમગ્ર સૃષ્ટિમાં પ્રાણ
અને પદાર્થના અગણિત આવિષ્કારોમાં પરમ આત્માના કે પરમ શક્તિના એક અંશરૂપે પોતાની જ છબીનાં પણ દર્શન કર્યાં હોત – આ
બધામાં પોતાને ભેળવીને અને પોતાનામાં આ બધું મેળવીને જીવ્યા હોત તો જિંદગીનો આનંદ કાંઈક જુદો જ હોત. એવું કર્યું હોત તો
મોતની ક્ષણે મૂલ્યવિહીન મીંડું બની ગયાની, નામશેષ થઈ ગયાની લાગણી ન થાત, પણ પ્રેમ અને પ્રકાશની પરમ ચેતનામાં ભળી
જઈને મુક્તિ પામ્યાનો આનંદ જ થયો હોત.” આંખ ખોલનારું છે.મૂળ કાવ્યોના અભ્યાસીની વાત…Dickinson poems reflect her
“early and lifelong fascination” with illness, dying and death. Perhaps surprisingly for a New England spinster,
her poems allude to death by many methods: “crucifixion, drowning, hanging, suffocation, freezing, premature
burial, shooting, stabbing and guillotine”.. She reserved her sharpest insights into the “death blow aimed by
God” and the “funeral in the brain”, often reinforced by images of thirst and starvation. Dickinson scholar Vivian
Pollack considers these references an autobiographical reflection of Dickinson “thirsting-starving persona”, an
outward expression of her needy self-image as small, thin and frail. Dickinson most psychologically complex
poems explore the theme that the loss of hunger for life causes the death of self and place this at “the interface
of murder and suicide
ઈમિલી ડિકિન્સન.
હજુ પણ ઘણા ખૂણાઓમાંથી મળશે. પરંતુ ધન્યવાદ મૃગેશભાઈ. આવા ઘણાઓ માટે તમે કૃષ્ણ રુપી સારથી બની આગળ આવ્યા છો અને આ માધ્યમ પૂરુ પડ્યુ છે.
આભાર મૃગેશભાઈ.
જિવવાનિ જદિબુત્તિ