આપણે આપણાં બાળકોની નજરે – સુરેશ પ્રજાપતિ

[ સાહિત્યમાં એક પ્રકાર છે ‘અન્યોક્તિ’. આ પ્રકારની અભિવ્યક્તિમાં કહેવાતું હોય એકને પણ એ સાંભળવાનું હોય છે કોઈ અન્યને. અહીં અગિયાર વર્ષની મોટી બહેન સૃજન, તેના નાનાભાઈ નિશીથને ઉદ્દેશીને કેટલાક પત્રો લખે છે. દેખીતી રીતે તો એવું જ લાગે કે ‘સમજવાની’ અને ‘સુધરવાની’ જરૂર નિશીથને છે; પરંતુ આ તો અન્યોક્તિ છે. તેથી આજના માતાપિતાને કેન્દ્રમાં રાખીને આ વાત લખવામાં આવી છે. બાળકો ઘણું વિચારતાં હોય છે. તેમના મનમાં અનેક પ્રશ્નો હોય છે. પ્રસ્તુત પત્રોમાં મોટેરાંઓ પ્રત્યેનું એમનું દર્શન રજૂ થયું છે. આ પત્રો ‘આપણે આપણાં બાળકોની નજરે’માંથી સાભાર લેવામાં આવ્યા છે. આ અનોખું પુસ્તક નવા માતા-પિતા બનેલા દંપતિને ભેટ આપવાલાયક બન્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

[1] તમારું જૂઠું સાચું….. અમારું સાચું જૂઠું ?

ભાઈ નિશીથ,

આજે તારી સાથે જે બન્યું તે નહોતું બનવું જોઈતું અને તે તારે હંમેશાં યાદ રાખવું રહ્યું. મને ખબર છે તને પાર્થનું રબ્બર ગમતું હતું અને તું ચોરી કરીને લાવ્યો હતો. આપણને ગમતી વસ્તુ કોઈને પૂછ્યા વગર લઈએ તો તે ‘ચોરી’ કહેવાય, એવું આ મોટેરાઓ આપણને શીખવે છે પરંતુ આ નિયમ પણ આપણે જ પાળવાનો હોય છે. જોકે મોટેરા ઑફિસથી વધારે પૈસા લાવે તે ચોરી ગણતા નથી. પપ્પા પણ આવા વધારાના પૈસા ન લાવ્યા હોત તો આજે આપણે ગાડીમાં બેસી ન શક્ત !!

આ મોટેરા આપણને સાચું બોલવાની સલાહ આપશે, પણ જેવા આપણે સાચું બોલીશું કે તરત જ માર ખાવાની તૈયારી રાખવી પડશે. જોને આપણા મિત્રો ગુડ્ડી, પ્રાચી અને બીટુ હવે મમ્મી સામે જૂઠું બોલી નાખે છે અને મને પણ શીખવતા હતા કે સાચું બોલવાથી આ મોટેરા આપણને મારતા હોય તો શું કામ સાચું બોલવું ? તેમ છતાં ક્યારેક જૂઠું બોલતાં પકડાઈ જઈએ તો વધારે માર ખાવાનો અને તરત જ બીજો પ્રશ્ન એ આવશે કે ‘શું કામ જૂઠું બોલ્યો ?’ ટૂંકમાં આપણે તો બન્ને બાજુ માર ખાવાની તૈયારી રાખવાની હોય છે. મને ખબર છે, તું આજે સાચું બોલ્યો કે મમ્મીએ તરત જ તને માર્યો.

એ વાત જુદી છે કે કાલે રમીલાકાકી દહીં લેવા આવ્યા હતા અને આપણા ઘરે દહીં હતું છતાં મમ્મીએ ‘દહીં નથી’ એમ કહીને ન આપ્યું. પપ્પા ઘણીવાર મમ્મીને ઈશારાથી, તેઓ ઘરે નથી એવો સંદેશો ફોન પર તેમની ઓફિસમાં કહી, આપણને બહાર ફરવા લઈ જતા હોય છે. પણ, મોટેરા માટે જૂઠું બોલવાની સ્વતંત્રતા હોય છે, જે આપણા માટે હોતી નથી, આ બાબત તું હંમેશા યાદ રાખજે.

લિ.
તારી વ્હાલી દીદી

[2] ડૉક્ટર બનનાર કાર્ટૂન ન જોઈ શકે ?

ભાઈ નિશીથ,

હું જાણું છું કે તને કાર્ટૂન ખૂબ ગમે છે અને મને પણ એટલું જ ગમે છે. તેમ છતાં આપણે એ ખ્યાલ રાખવો જરૂરી છે કે ક્યારે જોવું અને ક્યારે ન જોવું. જો કે જોવાના નિયમો પણ મોટેરાઓએ માત્ર આપણા માટે જ લાગુ પાડ્યા છે. તેમના માટે આવા કોઈ નિયમો હોતા નથી. તું જાણે છે કે જ્યારે ક્રિકેટ-મેચ હોય ત્યારે પપ્પા ટી.વી. જોવાના તમામ હક્કો ખરીદી લેતા હોય છે. અને એ જ રીતે ‘ઉલ્ટા ચશ્મા’ આવે ત્યારે ટી.વી. જોવાના બધા જ હક્કો આપોઆપ મમ્મી પાસે જતા હોય છે. નાઈટ મેચ હોય ત્યારે મમ્મી અને પપ્પા પોતપોતાની પસંદગી માટે રિમોટ ખેંચાખેંચ કરી શકે છે અને વારંવાર ટી.વી. ચેનલ બદલી શકતા હોય છે. તારે એ યાદ રાખવું કે તારી અને મારી પસંદગી જુદી જુદી છે તોય આપણે એવું કરી શકતા નથી. આપણે એવું કરીશું તો આ મોટેરા આપણને ‘ટીવી બગાડશો’ કહીને વઢતા હોય છે; રિમોટ ખૂંચવી લેતા હોય છે અને મોટેભાગે તો આપણા બન્ને માટે ટીવી જોવા પર પાબંદી આવી જતી હોય છે.

મમ્મીને સાંજે રસોઈ બાકી હોય તોય તે ટીવી જોઈ શકે છે. પપ્પા ઑફિસનું કામ બાકી હોય તોય મેચ જોઈ શકે છે. તેમને ગમતા કાર્યક્રમ ગમે ત્યારે જોઈ શકે છે અને ગમે તેટલું કામ બાકી હોય તોપણ તેઓ આપણને ટીવી ન જોવાનો આગ્રહ રાખી શકે છે. તેઓ પોતે ગમતો કાર્યક્રમ જોઈ શકે છે. પરંતુ આપણે તેમ કરી શકતા નથી; તે તારે યાદ રાખવું, કારણ કે આપણે નાના છીએ. તેઓ તેમના મનગમતા કાર્યક્રમ જોતાંજોતાં આપણને બીજા રૂમમાં વાંચવાનું કહે છે. મને ખબર છે ટીવીનો અવાજ આવવાથી તારું ધ્યાન વાંચવામાં રહેતું નથી. તેમ છતાં આપણે આ બધું કરવું ફરજિયાત છે અને તો જ આપણે ડૉક્ટર કે એન્જિનિયર બની શકીશું, એવું વારંવાર સાંભળવાનું પણ હોય છે.

લિ.
તારી વ્હાલી દીદી

[3] શીખવા દો ને અમારી જાતે ?

ભાઈ નિશીથ,

તને ખબર છે; સ્કૂલવાળા જે ભણાવે છે તે બધું આપણે યાદ રાખવાનું હોય છે, અને તે પણ આ મોટેરા ઈચ્છે તેટલી ઝડપથી. આજે તને ગણિતના દાખલા આવડ્યા નહીં. મને ખબર હતી કે આ મોટેરા આપણને શીખવાડવા બેસે છે ને સાથે-સાથે એવી અપેક્ષા પણ રાખે છે કે તેમની જેમ આપણે પણ ફટાફટ યાદ રાખી લઈએ કે શીખી જઈએ. એ વાત જુદી છે કે પોતે આપણાં જેવડાં હતાં ત્યારે કેટલું યાદ રાખી શકતાં હતાં ! તેમ છતાં આપણે તો બાજુવાળા વિધિ, પાર્થ, નંદન કરતાં વધારે માર્ક્સ લાવવાના હોય છે. પપ્પા પણ આપણને ક્યારેક મૂડ આવે ત્યારે શીખવવા બેસી જાય છે, બાકી તો તે ભલા ને તેમનું કામ ભલું !

થોડા દિવસ પહેલાં મમ્મીએ મને મારેલી અને તે એટલા માટે કે મને યાદ રહેતું નહોતું. આ મોટેરાઓને આપણે એ નથી સમજાવી શકતા કે આપણે જે વસ્તુઓ જોઈએ છીએ અને અનુભવીએ છીએ તે આપણને જલદી યાદ રહી જાય છે. જોને આપણે છૂક છૂક ગાડીમાં ગયાં હતાં તે બધું મને યાદ છે. પણ સ્કૂલવાળા એવું તો પૂછવાના નથી ને ! મમ્મી આપણને ભણાવવાનું અને સમજાવવાનું શરૂ કરે છે ત્યારે ઊંડે ઊંડે મને તો ડર લાગે છે કે ક્યારેક તો માર ખાવાનો વારો આવશે જ ! તે આપણને શીખવે અને આપણે સમજી ના શકીએ તો પછી બીજી પદ્ધતિથી કેમ શીખવતી નથી ? જુઓને, અમારા સરલા ટીચર જે ભણાવે છે તે મને યાદ રહી જાય છે ને ! પણ મમ્મી તો ધીરજ હોય ત્યાં સુધી ભણાવશે અને છેવટે તેની ધીરજ ખૂટી જાય એટલે આપણું તો આવી જ બને છે ! એટલે ભાઈ, આપણી સાથે ગોપાલ ભણે છે તેને ખૂબ સારું છે. તે કહે છે તેની મમ્મી ભણેલી નથી. એટલે તેને ઘરે કોઈ ભણાવતું નથી. આપણી મમ્મી પણ સ્કૂલવાળા પાસેથી ભણેલી ના હોત તો કેવી મઝા પડી જાત !

લિ.
તારી વ્હાલી દીદી

[4] તરત બુચ્ચા કરો ને અમારી જેમ !

ભાઈ નિશીથ,

ગઈ કાલે તું પાર્થ સાથે ઝઘડ્યો હતો અને મને ખબર છે કે તમારી વચ્ચે ઝઘડાનું કારણ શું હતું, તેં એક મોટી ભૂલ કરી અને ઘરે આવીને મમ્મીને ફરિયાદ કરી. પછી શું થયું તે તને ખબર છે ? આપણી મમ્મી પેલા પાર્થની મમ્મી સામે તું સાચો છે એમ કહીને ઝઘડી પડ્યા. જોકે તારો પણ વાંક તો હતો જ. અંતે પરિણામ શું આવ્યું ? તારું પાર્થ સાથે રમવાનું બંધ થયું. તને વિધિ સાથે રમવા કરતાં પાર્થ સાથે રમવાનું વધારે ગમે છે, કારણ કે તે તારી વાત વધારે માને છે એ હું જાણું છું.

હવે તને પાર્થ સાથે રમતી જોઈને મમ્મી વઢશે અને રમવા જવાનું બંધ કરશે. મારી સલાહ છે કે તેની સાથે રમવું હોય તો એવી જગ્યાએ રમવું જેથી આપણી મમ્મીનું ધ્યાન ન જાય. તને ખબર છે કે મારે વિધિ સાથે ઘણીવાર ઝઘડા થાય છે પણ હું મમ્મીને કહેતી નથી. કારણ કે એકવાર મમ્મીને કહ્યું હતું પછી મારું બહાર નીકળવાનું બંધ થઈ ગયું હતું. તું જાણે છે કે આપણને ઘરની બહાર રમવાની વધારે મજા આવે છે. કારણ કે ત્યાં આપણને કોઈ એ નથી કહેતું કે ‘પડી જઈશું’, ‘આ ના કરાય, તેમ ના કરાય’, ‘કેમ તોફાન કરો છો’, ‘અવાજ ના કરશો’…ને એવું બધું…. તું જાણે છે કે અવાજ કર્યા વગર કઈ રીતે રમી શકાય ? જો એવી કોઈ તાલીમ હોત તો આપણને આ મોટેરા ચોક્કસ અપાવત !

તમે બંને કાલે એક થઈ જશો પણ આપણી મમ્મી અને પાર્થની મમ્મીને એક થતાં ઘણા દિવસો લાગશે. મને એ સમજાતું નથી કે જેમ આપણે ઝઘડ્યા પછી બીજા દિવસે જ સાથે રમીએ છીએ તેમ આ મોટેરા પણ બીજા દિવસે કેમ બોલવા લાગતા નથી ? તેઓ કેમ જલદીથી બુચ્ચા કરી લેતા નથી ?

લિ.
તારી વ્હાલી દીદી

[5] ક્યારે સાંભળશો અમને ધ્યાનથી ?

ભાઈ નિશીથ,

હું જાણું છું કે નિશાળેથી ઘરે આવ્યા બાદ તને તારા દરરોજના અનુભવો કહેવાની ખૂબ ઈચ્છા થાય છે. પરંતુ તારી વાતો મમ્મી કે પપ્પા પૂરી સાંભળતા નથી. મમ્મી તને ‘લપિયો’ કહીને તેનું ધ્યાન બીજે લઈ જાય છે. પરંતુ મમ્મી આપણા પાડોશી રેખાબહેન અને ડિમ્પલબહેનની વાતો કલાકોના કલાકો ધ્યાનથી સાંભળે છે. અને આપણે કંઈક કહીશું તો તેના કામે લાગી જતી હોય છે !

પપ્પા સાંજે આવે ત્યારે આખી દુનિયાનો બોજો જાણે તેમના એકલા પર હોય તેવી રીતે આપણી સાથે વર્તે છે. એમ તો આપણા તૃપ્તિ ટીચરનું હોમવર્ક બાકી હોય તો આપણને ચિંતા થાય છે, પરંતુ આપણે તો આખો દિવસ રમીએ છીએ અને બીજા દિવસે સ્કૂલે જતાં પહેલા તેમના હોમવર્કની ચિંતા કરીએ છીએ. જોકે તારે હોમવર્ક બાકી હોય તો તું રડવાનું શરૂ કરી દે છે. એ તો તું નાનો છે એટલે, પછી તું પણ મારી જેમ શીખી લઈશ. આ મોટેરા પાસે તેમના ખાસ મિત્રો કે બહેનપણીઓ આવે ત્યારે તેમને સાંભળવાનો સમય હોય છે. પરંતુ આપણને તેઓ પાંચ મિનિટથી વધારે ધ્યાનથી સાંભળી શકતા નથી. આપણે જેવી વાત કરીએ કે વચ્ચેથી આપણી વાત કાપી નાખે છે અને પાછા આપણને સલાહ આપવા લાગી જશે. મોટેરાને સાંભળવાની તાલીમ કોઈએ આપી હોતી નથી. તેઓ આપણને સલાહ આપ્યા વગર, ઉપદેશ આપ્યા વગર, આંખોમાં આંખો પરોવી, કામ બાજુ પર મૂકી, ધ્યાનથી ક્યારે સાંભળશે ?

લિ.
તારી વ્હાલી દીદી

[6] શાને કરો છો સરખામણી ?

ભાઈ નિશીથ,

મારે તને ખાસ કહેવું છે કે આ મોટેરાઓ દરેક બાબતને સરખામણીથી જ જુએ છે. જો ને તને ચિત્ર આવડતું નથી, જ્યારે મને સુંદર ચિત્રો આવડે છે. તને ઔરંગઝેબ ક્યારે મર્યો અને બાબર ક્યારે ગાદી પર બેઠો તે યાદ રહી જાય છે એટલે તને વધારે માર્ક્સ મળે છે. મને તો રંગબેરંગી કલર કેવી રીતે પૂરવા તે યાદ રહે છે. તેમ છતાં આ સ્કૂલવાળા મને ભણવામાં નબળી માને છે અને તને હોંશિયાર માને છે. મમ્મી મને ભણવામાં ‘ઢ’ છે એવું વારંવાર કહેતી રહે છે.

મને તારા કરતાં કેટલી સરસ વાત કરતાં આવડે છે. નિશાળમાં બધાની સામે ‘મોર’ વિશે હું કેટલું સરસ બોલી હતી, એવું મારા વર્ગશિક્ષકે મને એકવાર કહેલું. તું જાણે છે કે મને ટીચર થવું બહુ ગમે છે, પણ મમ્મી-પપ્પા આપણને ડૉક્ટર અને એન્જિનિયર બનાવવા માગે છે. પ્રાચી, વિધિ, રોહિત અને ઋષિના મમ્મી-પપ્પા પણ તેમને ડૉક્ટર-એન્જિનિયર બનાવવા માગે છે. બધાના મમ્મી-પપ્પા શા માટે આ જ બનાવવા માગતા હશે ?

ડગલે ને પગલે મમ્મી અને પપ્પા આપણી વચ્ચે સરખામણી કરતાં રહે છે. આ સ્કૂલવાળા પણ માને છે કે તું હોંશિયાર છે કારણ કે તારો બીજો નંબર આવે છે. મારે મહેનત કરવાની જરૂર છે કારણ કે મારો બત્રીસમો નંબર આવે છે. પણ મોટેરા એ નથી સમજતા કે તારા કરતાં તો હું વધારે મહેનત કરું છું. જો ઝાડ પર ચડવાના, બોલવાના, હોડી બનાવવાના, રાત્રે એકલા ઘરમાં રહેવાના કે પાણી ભરવાના એવા વિષયો સ્કૂલમાં હોત તો કેવી મજા પડત ! તું મારાં કરતાં વધારે પેન્સિલો, ઈરેઝર કે નોટબૂકો વાપરે છે અને મારે જોઈએ તો બીતાં-બીતાં માગવું પડે છે. મારે તો પેન માગવાની સાથે જ સાંભળવું પડે છે કે, ભણવામાં તો ‘ઢ’ છે અને બધી વસ્તુઓ જોઈએ છે ? ભાઈના જેટલા માર્કસ લાવ તો ખરી ?’

લિ.
તારી વ્હાલી દીદી

[કુલ પાન : 36. કિંમત રૂ. 25. પ્રાપ્તિસ્થાન : આકાર ચેરીટેબલ ટ્રસ્ટ. બી-304, અક્ષત એવન્યૂ, રેવતી ટાવર સામે, રામદેવનગર (સેટેલાઈટ), અમદાવાદ-380015. ફોન : +91 79 26860726. ઈ-મેઈલ : aakar_group@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “આપણે આપણાં બાળકોની નજરે – સુરેશ પ્રજાપતિ”

Copy Protected by Chetan's WP-Copyprotect.