[ આજે શિક્ષણનો એક માત્ર ઉદ્દેશ ‘નોકરી’ મેળવવાનો થઈ ગયો છે. એ પણ અમુક જ પ્રકારની ‘નોકરી’ ! શિક્ષિત લોકો પોતાની સર્જનાત્મકતાને ભૂલીને એમ માનવા લાગ્યા છે કે આપણો ઉદ્ધાર એકમાત્ર મલ્ટિનેશનલ કંપનીઓ કરી શકશે. આ પત્રમાં તેને વ્યંગાત્મક રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં ભાવ જાણે ગોપીઓને મૂકીને શ્રીકૃષ્ણ અંતર્ધાન થઈ ગયા હોય તેવો છે. જેમ ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રગટ થવા વિનંતી કરે છે, તેમ અહીં એક આમ નોકરિયાત મલ્ટિનેશનલ કંપનીને પોતાનો ઉદ્ધાર કરવા વિનવે છે.]
માનનીય શ્રી મલ્ટિનેશનલ કંપનીઓ,
આપને કોટિ કોટિ પ્રણામ. ઘણા સમયથી અમારા આંગણે આપનું આગમન થયું નથી, તો અમારી નમ્ર વિનંતીનો સ્વીકાર કરીને આપ અમારે ત્યાં સત્વરે પધારશો. આપને કદાચ અહેસાસ નથી કે અમારા મનમાં આપનું શું સ્થાન છે ! અમારા હૃદયની સંવેદનાઓ આપ સુધી પહોંચે એ માટે જ આ પત્ર આપને પાઠવ્યો છે. અમને આશા છે કે અમારા મનની આ વ્યથાને જાણીને આપ તુરંત અમારે દ્વારે દોડી આવશો….!
નાનપણથી અમને જે મોટી-મોટી ડિગ્રીઓ મેળવવાનું કહેવામાં આવે છે એનું અંતિમ લક્ષ્ય તમારું શરણું સ્વીકારવાનું જ હોય છે. તમારે ત્યાં નોકરી મેળવનાર પાસે તો ઈન્દ્રલોકનું પદ પણ તુચ્છ છે ! અમારા બધા અભ્યાસક્રમો અગાઉથી તમારી જરૂરિયાત પ્રમાણે ઘડવામાં આવે છે. ભલે અમે ‘એમ.બી.એ’,‘સી.એ.’ કે એન્જિનિયર કહેવાઈએ પરંતુ જો તમારી છત્રછાયા ન સાંપડે તો અમારાથી શેક્યો પાપડ પણ ભાંગી શકાય તેમ નથી ! આકર્ષક પગાર-પૅકેજ સામે જોતાં અમે રાત-દિવસ આપના ખ્યાલોમાં ડૂબેલાં રહીએ છીએ. તમે અમારો હાથ નહીં પકડો તો કોણ પકડશે ? તમે એક માત્ર અમારી ગતિ છો. આ જન્મમાં બીજું કંઈ મળે ન મળે, પણ જેને તમારું શરણું મળે છે, એ તો તરી જ જાય છે.
અમે સાંભળ્યું છે કે આપ જ્યાં જાઓ છો ત્યાં બધા ન્યાલ થઈ જાય છે. આપની પ્રતિક્ષામાં અમે બે-બે માસ્ટર ડિગ્રીઓ લઈને બેસી રહ્યાં છીએ ! આપના દ્વારા મળતી વિશેષ સવલતો વિશે એટલું બધું સાંભળ્યું છે કે જાતે કશું કરવાની ઈચ્છા જ નથી થતી. અમારી સ્થિતિ તો અહલ્યા જેવી છે, એક માત્ર આપની ચરણરજ દ્વારા જ અમારો ઉદ્ધાર થઈ શકે છે. જો આપનાં પાવન પગલાં અમારે ત્યાં ન થવાના હોય તો પછી આ બધી ડિગ્રીઓનો અર્થ જ શું છે ? અમે તો અમારી રીતે કશું કરી શકીએ તેમ નથી. અમને તો એમ શિખવવામાં આવ્યું છે કે ‘મલ્ટિનેશનલ કંપની જ તમારું લક્ષ્ય છે…..’ આપ સાક્ષાત અભયનું સ્વરૂપ છો. બિઝનેસમાં તો અનેક ભયસ્થાનો છે. અમારા માટે તો એ ભવસાગરમાંથી પાર ઉતરવા સમાન કઠિન છે. એ તો જાણે યોગનો માર્ગ છે ! અમને તો તમારો ‘બેઠા પગારવાળો’ આકર્ષક માર્ગ જ વધુ પસંદ છે. એમાં અમને સહેજેય ભય નથી. આપનું શરણ લેનારને વળી ભય શાનો ?
અમે તમારા માટે ઘર-પરિવાર બધું જ છોડી દેવા તૈયાર છીએ. તમે કહેશો ત્યાં જૉબ કરીશું. તમે જ્યાં જગ્યા આપશો ત્યાં પડ્યા રહીશું. આપનું જો સાંનિધ્ય પ્રાપ્ત થતું હોય તો બે દિવસનો ટાઢો ભાત ખાવો પડે તો પણ અમને વાંધો નથી. અમે આપની ચોવીસે કલાક સેવા કરીશું. ભલે ને તમારા ઓફિસના નવ કલાક હોય. અમે તો એ પછી પણ મોબાઈલ અને લેપટોપ વડે આપનું જ કામ કરતાં રહીશું. આપના સ્મરણ વિના એક ક્ષણ વ્યર્થ નહીં જવા દઈએ. અમને ખબર છે કે ઘરકામ જેવી તુચ્છ બાબતો આ વિરાટ કાર્યમાં વિધ્નરૂપ બનવાની છે, પરંતુ અમે એ માટે પહેલેથી જ એટલા સજ્જ છીએ કે આપને ફરિયાદનો એક મોકો નહીં આપીએ. આખરે દુનિયાના બધા સંબંધો એક પ્રકારની મોહમાયા જ છે ને ? તો પછી એનાથી દૂર શું અને નજીક શું ? શરણ તો એકમાત્ર આપનું છે, જે જીવનભર સાથ નિભાવનારું છે. સામાન્યજનો સંયુક્ત કુટુંબો છોડી શકતાં નથી, પરંતુ જે આપનું શરણ લે છે, તે વિના કોઈ વિધ્ને સરળતાથી કુટુંબ બહાર પગ મૂકી શકે છે.
વિકાસની જે વ્યાખ્યા આ જગતમાં આપે લોકો સમક્ષ મૂકી છે તેવી અગાઉ કોઈએ મૂકી નથી. આપના સાંનિધ્યથી જ લોકોને સમજાયું છે કે હવાઈયાત્રા, લકઝરી કાર, ટૂરિસ્ટ પેકેજો અને મોંઘીદાટ વસ્તુઓ જીવનમાં કેટલી બધી અગત્યની છે ! એના વિનાનું તો જીવન તે કાંઈ જીવન છે ? દર રવિવારે ‘શૉપિંગ’ કરવાનો આપે જે મહામંત્ર આપ્યો છે એનાથી આખા જગતનાં કેટલાંય દુઃખો જાણે નામશેષ થઈ ગયાં છે. દસ રૂપિયાની વસ્તુ માટે હજાર રૂપિયા ખર્ચવાનો આનંદ કેવો હોય તે આ જગતના પામર મનુષ્યો શું આપનું શરણું સ્વીકાર્યા વગર જાણી શક્યા હોત ? આપની એક જાદુઈ લાકડી ફરે છે અને ઘરની ચીજવસ્તુઓ બદલાવા માંડે છે. ટીવીમાંથી પ્લાઝમા ટીવી, મોબાઈલમાંથી આઈફોન, એ.સી.માંથી સ્પ્લિટ એ.સી. – એ બધો વિકાસ આપને આભારી છે. ભલે અમે બધી વસ્તુઓ વાપરીએ કે ન વાપરીએ પરંતુ અમારી પાસે બધું જ છે એવું ગર્વ સાથે કહી તો શકીએ છીએ ને ! તમારા પ્રતાપે તો અમે હજારોના હપ્તાઓ હસતાં હસતાં ભરી શકીએ છીએ. તમારા તપના પ્રભાવે તો અમે ત્રણ-ત્રણ માળ ચણી લીધા છે. અમારા સંતાનોની ભાવી પેઢીઓ તમારી સેવા કરી શકે એ માટે અમે અત્યારથી જ તેઓને મોંઘીદાટ સ્કૂલોમાં મોકલી દીધાં છે. આખરે તમારું ઋણ ભૂલાવું ન જોઈએ !
આપનું નામ જ કેટલું પાવનકારી છે ! આપના નામનો ઉલ્લેખ કરતાંની સાથે અમને લોન મળી જાય છે. ક્રેડિટ-કાર્ડ આપનારી બેંકો અમારા પગમાં આળોટતી થઈ જાય છે. મોંઘીદાટ કાર વેચનારી કંપનીઓ અમને રોજ ફોન કરે છે. લગ્ન ન થતાં હોય તો લગ્ન તાત્કાલિક ગોઠવાઈ જાય છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ અમારી આગળ પાછળ ફરતી થઈ જાય છે. આ સુખ માટે તો હજારો દુઃખો મુબારક છે ! ઘણાં એમ કહે છે કે મલ્ટિનેશનલ કંપનીઓમાં ખૂબ પોલિટિક્સ રમાય છે અને ઘણી તાણ સહન કરવી પડે છે, પરંતુ અમે કહીએ છીએ કે કશુંક મેળવવા માટે કશુંક તો સહન કરવું જ પડે ને ? માણસની સહનશક્તિની સાચી કસોટી તો તમારે ત્યાં જ થાય છે. વળી, સંવેદનશીલ માણસને આપ બાયપાસ સુધીની તબીબી સુવિધાઓ એ માટે જ તો આપો છો ! કેવું આપનું આગોતરું આયોજન છે ! આપના આયોજનને આ સૃષ્ટિના બ્રહ્મા પણ સમજી શકે તેમ નથી. બિચારા નોકરીયાતનું તો શું ગજું ? જે આપનો પાલવ પકડી લે છે તે ધીમે ધીમે લાગણી, સંવેદના, ઋજુતા અને કરુણા જેવા ફાલતું ગુણોથી મુક્ત થઈ જાય છે. તેને માટે જગતના બધા જ મનુષ્યો સમાન થઈ જાય છે. તે જેવો વ્યવહાર બહારના લોકો સાથે કરે છે તેવો જ વ્યવહાર ઘરના લોકો સાથે કરે છે. બહુધા તે મૌન પાળે છે કારણ કે તેને બોલવા માટે સમય જ બચતો નથી. સવારથી રાત સુધી માત્ર આપની સેવામાં લાગી જનારને વળી સૂર્યોદય કેવો અને સૂર્યાસ્ત કેવો ? આઠ લાખનું આપનું પેકેજ ભલભલા સર્જનાત્મક લોકોની સર્જનાત્મકતાને ખતમ કરી નાખે છે. તેઓ પણ આ અભયપદનો સ્વાદ ચાખીને આપનું શરણું ગ્રહી લે છે. ‘સિક્યોરીટી’ અને ‘સ્ટેબિલિટી’ નામના જે બે શબ્દોને આપે જન્મ આપ્યો છે, એ તો આજના યુગના જાણે શીલાલેખ સમાન બની ગયા છે. આપનું એક ચરણ ‘સિક્યોરીટી’ આપે છે તો બીજું ચરણ ‘સ્ટેબિલિટી’ આપે છે.
આપને ખબર જ નથી કે અમારા મનમાં આપની માટે કેટલો અહોભાવ છે ! અમે આપના દ્વારા બનેલી લગભગ દરેક ચીજવસ્તુઓ વાપરીએ છીએ. વસ્ત્રો પણ આપને ત્યાંના જ પહેરવાનો આગ્રહ રાખીએ છીએ. શેરીના નાકે મળતી દુકાનમાંથી કરિયાણું ખરીદીએ તો આપની સેવા શી રીતે થઈ શકે ? એથી, જ્યાં આપની અમીદષ્ટિ ફેલાયેલી હોય તેવી જગ્યાએથી જ ઘરવપરાશની ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ છીએ. ટીવીમાં જે કોઈ નવી વસ્તુ જોવા મળે તે બીજે દિવસે આપના પ્રભાવથી ખરીદી લઈએ છીએ. બાળકોમાં આ ગુણ વિકસે એ માટે સતત સાવધાન રહીએ છીએ. એમને વારસામાં આપવા માટે બંગલો, ગાડી અને ફાર્મહાઉસથી મૂલ્યવાન બીજું શું હોઈ શકે ? એમનાં લગ્નપ્રસંગો વધુ ને વધુ ખર્ચાળ અને આધુનિક શી રીતે કરી શકાય એ માટે અમે સતત ચિંતિત રહીએ છીએ. એ બાબતમાં તો અમે આપની વિશેષ કૃપાદષ્ટિ ઈચ્છીએ છીએ. અમે બાળકોને મોંઘામાં મોંઘી ચીજવસ્તુઓ લાવી આપીને કહીએ છીએ કે ‘જો આ પ્રકારનું ઉચ્ચ જીવન(!) જીવવું હોય તો મલ્ટિનેશનલ કંપનીઓનું શરણ ગ્રહી લો….’ હજુ કળિયુગનો પ્રભાવ ઓછો છે તેથી તેઓ માની જાય છે અને વધુ ને વધુ ટકા લાવીને આપના માર્ગે શી રીતે પ્રયાણ કરી શકાય, તે સતત અમને પૂછતા રહે છે.
માત્ર આપના માટે અમે કેટલો ભોગ આપ્યો છે એનો આપને સહેજેય અંદાજ હશે ખરો ? અગાઉ દરરોજ મિત્રોની ઘરે જતાં હતાં, જે અમે સદંતર બંધ કરી દીધું છે. બાળકોને રોજ રાત્રે વાર્તાઓ કહેવાની જૂનવાણી પદ્ધતિ બંધ કરીને અમે તેઓને કમ્પ્યૂટર લાવી આપ્યું છે. મહેમાનોને શક્ય એટલું દૂર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. પત્નીને ઘરના કંટાળાજનક કામોમાંથી મુક્ત કરીને આપના ચરણોની દાસી બની શકે તેવું વાતાવરણ પૂરું પાડ્યું છે. અમે તો તન, મનથી કેવળ આપને જ સમર્પિત છીએ, જેથી અમને આપનું ધન નિયમિત પ્રાપ્ત થતું રહે. ‘હવે તહેવારો પહેલાં જેવા નથી રહ્યાં’ એમ બોલી-બોલીને અમે કોઈ તહેવારો ઉજવતાં નથી. દિવસ-રાત કેવળ આપનું રટણ કર્યા કરીએ છીએ. અમે તો એમ જ માનીને ચાલીએ છીએ કે આપની આખી કંપની કેવળ અમારા થકી જ ચાલે છે ! કહો, આટલો આત્મીયભાવ આપને ક્યાંયથી મળ્યો છે ખરો ? આપની સેવા કરતાં કોઈના શ્રીમંત, ચૌલ-સંસ્કાર, લગ્નપ્રસંગ કે મરણમાં ન જઈ શકાય તો જરાય અફસોસ થતો નથી. આખરે અમારું જીવન તો કેવળ આપના માટે જ છે ને ? જ્યારે અમે તમારી શરણમાં નહોતાં ત્યારે સાંજે છ વાગ્યે છૂટીને ઘરે જઈને હિંચકે બેઠાં-બેઠાં પરિવાર સાથે આઈસ્ક્રીમ ખાતાં હતાં. મોજમજા કરતાં પડોશીઓ સાથે ગપ્પાં મારતાં હતાં. પરંતુ જ્યારથી આપનું સાંનિધ્ય સાંપડ્યું છે ત્યારથી અમને સત્ય સમજાયું છે કે એ બધું ‘ટાઈમ વેસ્ટ’ હતું. આપે વિકાસની વ્યાખ્યા સમજાવી એ પછી તો અમે એ બધું ક્યારનુંય છોડી દીધું છે. હવે અમને એ તરફ જોવાની પણ ફુરસદ નથી.
હજી તો અમારી આંખોમાં કેટલા બધાં સપનાં અંજાયેલાં છે ! બાળકો માટે નવું લેપટોપ ખરીદવાનું છે. પરિવાર સાથે સિંગાપોરની જાત્રા (!) કરવાની છે. તમને તો ખબર જ હશે ને કે આઈફોન-4 પણ આવી ગયો છે ! સગાં-વહાલાંઓ હવે અમારી કારને ‘ખટારો’ કહે છે ! તમારી હયાતીમાં આવું અમે કેવી રીતે સાંભળી લઈએ ? પેલાં નવાં નીકળેલાં ડિજિટલ આલ્બમ અને કેમકોર્ડર અમે નહીં લઈએ તો કોણ લેશે ? ઘણીવાર તો એમ થાય છે કે આ બે રૂમના ફલેટને વેચીને પેન્ટહાઉસ લઈ લઈએ. શું થાય ? સ્ટેટ્સ પ્રમાણે તો રહેવું જોઈએ ને ! બાળકોને સમરકેમ્પમાં આ વખતે શિકાગો મોકલવાં છે. અમે તો એકમાત્ર તમારું નામ દઈને આ સઘળા સંઘર્ષોમાં ઝંપલાવતા રહીએ છીએ. આપના ભરોસે પાર થઈશું જ એવી અમને શ્રદ્ધા છે.
આ ભવસાગરમાં તમે આમ અમને મઝધારમાં છોડીને ચાલ્યા જશો તો અમે કોનું શરણ ગ્રહીશું ? અમારા બાળકો કોના માટે ભણશે ? તેઓના એડમિશન માટે ડોનેશન ક્યાંથી લાવીશું ? અમારી લોનોના હપ્તા કોણ ભરશે ? દર રવિવારે મૉલમાં કોણ જશે ? તમારા વગર તો ફિલ્મો-પાર્ટી-ડાન્સ-શૉ ઠંડા પડી ગયા છે. ઘરમાં વસાવેલી આ બધી વસ્તુઓ અમે ‘અપડેટ’ નહીં કરીએ તો અમારું ઘર મ્યુઝિયમ બની જશે એવી અમને ચિંતા છે. એકમાત્ર તમારા સહારે તો અમે આ પથારો પાથર્યો છે ! હવે આમ તમે અમને છોડીને ચાલ્યા જાઓ એ કેમ ચાલે ? માટે….પ્લીઝ…. તમે આવો….. અમારો હાથ ઝાલો….. અમારી આ નમ્ર વિનંતીનો સ્વીકાર કરીને અમારે ત્યાં પધારો…..અમને ખાત્રી છે કે આ પત્ર દ્વારા તમે અમારી વ્યથા જાણ્યા પછી તુરંત અમારા દ્વારે દોડી આવશો…. અસ્તુ.
લિ.
આપનો પરમવિશ્વાસુ,
એક આમ નોકરિયાત !
86 thoughts on “મલ્ટિનેશનલ કંપનીઓને પત્ર – મૃગેશ શાહ”
ખુબ સુંદર અને વ્યંગ કરતો લેખ.
” સવારથી રાત સુધી માત્ર આપની સેવામાં લાગી જનારને વળી સૂર્યોદય કેવો અને સૂર્યાસ્ત કેવો ?”
super like…
i am graduating in may and going through the same situation,,,dreaming of gud pay and multinational 🙂
હ્રદયને ભેદતાં વ્યંગબાણો.
ભારતવર્ષ પર રાજ કરવા ગોરાઓએ આઈસીએસ જેવા કહેવાતા વહિવટદારો પેદા કર્યા અને હવે દુનિયા આખી પર
આર્થિક પગદંડો જમાવનારી મલ્ટિઓને સુચારૂ રૂપે સંચાલન કરવા એમબીએ જેવા કુશળ કુલીઓ પેદા થાય છે.
પશ્ચિમમાં આઈટી કુલી આમ શબ્દ છે. મલ્ટિઓના વાવટા સંકેલવાનો સૌથી સીધોસાદો મંત્ર સાદાઈ માત્ર છે.
મલ્ટિનેશનલોના અવતરણથી બાહ્ય સુખાચાર વધ્યો પણ માણસ માણસથી દૂર થઈ ગયો. આજે 4G ના યુગમાં
હરકોઈ આઈફોનમાં જ ટગર ટગર જોઈ રહ્યો છે. આજુબાજુ જરા જોઈ લેવાની નવરાશ નથી.
સૂર્યોદય વેળાએ ઘરમાં આવી પહોંચતા સૂર્યકિરણની ઉષ્મા છેલ્લે કયારે માણી…
સૂર્યકિરણને નમસ્કાર કરતી ખીલતી કળી છેલ્લે ક્યારે જોઈ…
સૂર્યકિરણને નમસ્કાર કરતી કોયલનું કૂક છેલ્લે ક્યારે સાંભળ્યું…
સૂર્યકિરણની સાથે જ ડગ ભરતી કામઘેનુંઓના ધણ છેલ્લે કયારે જોયા…
સૂર્યકિરણને જોઈ બાળકને કૃષ્ણ કૃષ્ણ કહી જગાવતી માતા છેલ્લે ક્યારે જોઈ…!!
વિવેક વગરનું જ્ઞાન ભારરૂપ છે.
મલ્ટિનેશનલ કંપની શરણમ ગચ્છામિ…
ખૂબ જ માર્મિક વ્યંગ…
સામાન્યજનો સંયુક્ત કુટુંબો છોડી શકતાં નથી, પરંતુ જે આપનું શરણ લે છે, તે વિના કોઈ વિધ્ને સરળતાથી કુટુંબ બહાર પગ મૂકી શકે છે.
આ ભવસાગરમાં તમે આમ અમને મઝધારમાં છોડીને ચાલ્યા જશો તો અમે કોનું શરણ ગ્રહીશું ?
વાહ, મજા આવી ગઈ.
This is the fact that todays generation is following.
No bdy is thinking that how our parents and grand parents survived were there were no MNC.
Earning Money should not be the only Goal of life, one must not forget his duties
crystal clear… enjoyed the article.
વાહ…સુપર્બ… અને આઁખ ઉઘાડનાર લેખ.. મજા આવેી વાન્ચવાનેી..અભિનઁદન મૃગેશભાઇ
That’s not just the best answer. It’s the bssetet answer!
મજ આવી વાચવામા
REALLY KHUBSURAT VYANG!! MAJA AAVI !
ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે
, લગ્નની મળે કંકોત્રી, ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…
પાંચ આંકડાના પગાર છે પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે,
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ છે, પણ ક્લાઈન્ટનો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મિત્રોથી, પણ કોઈનાયે ઘરે ક્યાં જવાય છે
, હવે તો ઘરનાં પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે,
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે.
કોઇને ખબર નથી, આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલાં છે બધા છતાં, લોકો ચાલતાં જ જાય છે.
કોઇકને સામે રૂપીયા, તો કોઇકને ડોલર દેખાય છે,
તમેજ કહો મિત્રો, શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…
બદલતા આ પ્રવાહમાં, આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે.
એકવાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ મુંઝાય છે
ચાલો જલ્દી નિણૅય લઇએ, મને હજુંય સમય બાકી દેખાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?
Good one
really a wonderful letter……each n every line is fantastic…….
and yeah AG Hingrajia ur “kavita ” is also a wonderful…….
મૃગેશભાઈ સરસ લેખ થકી તમે ચોટદાર મેસેજ સમાજને આપ્યો છે .
આપણે ત્યાં ભણીને બહાર આવતા મિત્રો માટે કેમ્પસ ઈન્ટરવ્યુ જ મોટી ખાણ છે . જો તેઓ આ કેમ્પસ ઇન્ટરવ્યુ નો ત્યાગ કરીને બહારની દુનિયાનો પરિચય જાતે મેળવે તો તેઓ વધુ ફાયદાકારક જોબ કે વ્યસાય મેળવી શકે તેમ હોય છે . આપણી એજ્યુકેશન ઇન્સ્ટીટયુટમાં નોકર બનવાની ટ્રેનિગ અને ગોઠવણ કરવામાં આવે છે પણ સ્વતંત્ર વ્યવસાય કરે તેવા પ્રયાસો કરવામાં આવતા નથી . કેમ્પસમાં જ મોટી બેંકો આવીને વિદ્યાર્થીઓને તેમના નવતર પ્રોજેક્ટ માટે સરળતાથી લોન આપે તેવા પ્રયાસો કરવા જોઈએ . મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓને મોટા ગજાના હરીફો નથી મળતા , કેમ કે એ હરીફાઈ કરી શકે તેવા હોંશિયારો તેમના નોકરો બની જઈને પોતાની ક્રિએટીવીટી કંપનીમાં લગાવી દે છે . પોતાનામાં ઘણી બધી આવડત અને હોંશિયારી હોય છે પણ થોડું જોખમ ન ઉઠાવી શકવાના કારણે આખી જિંદગી મલ્ટિનેશનલ કંપનીઓના નામે કરી દઈ પોતાની જાતને સંતોષ અપાવે છે .
અમારા બધા અભ્યાસક્રમો અગાઉથી તમારી જરૂરિયાત પ્રમાણે ઘડવામાં આવે છે. ભલે અમે ‘એમ.બી.એ’,‘સી.એ.’ કે એન્જિનિયર કહેવાઈએ પરંતુ જો તમારી છત્રછાયા ન સાંપડે તો અમારાથી શેક્યો પાપડ પણ ભાંગી શકાય તેમ નથી
કડવુ સત્ય…
ખૂબજ માર્મિક વ્યંગ…
અતિ સુંદર મૃગેશભાઈ.
રામ ભાઇ ને …
શ્રી મૃગેશભાઈ,
હકીકતે મલ્ટીનેશનલ કંપની ની જ આ કહાની નથી, પરંતુ માણસનું જીવન જીવવાનો હેતુ અને મૂલ્ય કઈ હદે પાયમાલ થયો છે તેની એક ઝલક આપના લેખમાં જોવા મળી.
ભૌતીકતા ના ઝાકમ -ઝોળ થી અંજાયેલા લોકોને એ ખબર નથી કે આ બધું ઝાંઝવાના જળ છે, દેખાય છે તે કશું ત્યાં પ્રાપ્ત થતું નથી.
ખૂબજ સુંદ અને અસરકાર વાત સાથેની રજૂઆત કરતો લેખ.
આપે અમારા દિલનિ વાત બહુજ માર્મિક ભાસામા કહિ. જુનિ કહેવત ઃઉત્તમ ખેતિ મધ્યમ વેપાર અધમ નોકરિ. યાદ આવે છે .
સરસ લેખ. વર્તમાન સમયમાં નોકરી અને શિક્ષણની વેધક રજૂઆત.
અગાઉ દરરોજ મિત્રોની ઘરે જતાં હતાં, જે અમે સદંતર બંધ કરી દીધું છે. >> મિત્રોના ઘરે.
આપની સેવા કરતાં કોઈના શ્રીમંત, ચૌલ-સંસ્કાર, લગ્નપ્રસંગ કે મરણમાં ન જઈ શકાય તો જરાય અફસોસ થતો નથી >> સીમંત
બાકી, અફલાતૂન..!
માન ગયે, બોસ !
RIGHT MASSAGE FOR US. MAJA AVI
Good article. But, Isn’t this globalization?
આ માત્ર મલ્ટિનેશનલ કંપનીની જ વાત નથી, આજના જમાનાની બધી મોટી મોટી કંપનીમાં આજ હાલત છે. નાની કંપનીવાળાઓ કહે કે જો પેલા મોટા આગળ આવી ગયાં અને આપણે શા માટે પાછળ રહી જઈએ? સરકારી નાની નાની નોકરીઓવાળા બહુ ચિંતા કરતાં નથી, બાકી સરકારી મોટી મોટી નોકરીવાળાઓને તો ચિંતા છેજ. ફીલમ લાઈન હોય કે ટીવીવાળા હોય, શાળા-કોલેજના પ્રિંસિપાલો હોય, અખબારોના તંત્રીઓ હોય, રાજકારણીઓ હોય દરેકની આ હાલત છે. કામ, કામ અને વધારે કામ કરતાં રહો, ઘર ભુલી જાવ. બધાને ભણીને મોટી કંપનીમાં કામ કરીને સાત પેઢી કરતાંય વધારે કમાવું છે.
Superb!!
Nice Article….but its a fact. I am also MBA and still finding the multinational company….you have open the eyes for the reality of today’s terrific life which is unworthy.
ખુબજ મર્યાદામા રહીને અને બેથડ ભરીને આજની સમાજ વ્યવસ્થાની એક ઝલક આપી છે.લખવામાં ક્યાંય લોભ કર્યો નથી અને દરેક મુદ્દા આવરી લીધા છે.આભાર શાહભાય.
“અહીં ભાવ જાણે ગોપીઓને મૂકીને શ્રીકૃષ્ણ અંતર્ધાન થઈ ગયા હોય તેવો છે. જેમ ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રગટ થવા વિનંતી કરે છે, તેમ અહીં એક આમ નોકરિયાત મલ્ટિનેશનલ કંપનીને પોતાનો ઉદ્ધાર કરવા વિનવે છે.]
માનનીય શ્રી મલ્ટિનેશનલ કંપનીઓ,
આપને કોટિ કોટિ પ્રણામ. ઘણા સમયથી અમારા આંગણે આપનું આગમન થયું નથી, તો અમારી નમ્ર વિનંતીનો સ્વીકાર કરીને આપ અમારે ત્યાં સત્વરે પધારશો. આપને કદાચ અહેસાસ નથી કે અમારા મનમાં આપનું શું સ્થાન છે ! અમારા હૃદયની સંવેદનાઓ આપ સુધી પહોંચે એ માટે જ આ પત્ર આપને પાઠવ્યો છે. અમને આશા છે કે અમારા મનની આ વ્યથાને જાણીને આપ તુરંત અમારે દ્વારે દોડી આવશો….!” ——- બહુમતિ જનસંખ્યા માટે આ આશા જો ઠગારી ન હોય તો આવકારદાયક છે. મેં મારું ગામ છોડ્યું ત્યારે ત્યાં વીજળી પણ નો’તી આવી અને એ જનજીવન કરતાં જો આ સત્ય હોય તો ખોટું નથી. હું તો એટલે સુધી ઇચ્છું કે ભારત અહિંના અમેરિકા જેવું થઇ જાય.
ઘણુ સરસ
વ્યંગમા મલ્ટીનેશનલ કું અંગે ઘણી હ્રુદય વિદારક વાતો જાણી
આપણી અસ્મિતા ઉજાગર કરનાર માહિતી બદલ ધન્યવાદ્
મલ્ટીનેશનલ કંપની જ કેમ? આપણી ભારતિય કંપની ઓ પણ તગડા પગાર આપી ને નવા નવા મેનેજમેન્ટ કે બીજા પ્રોફેનલ ડીગ્રી ધારકોને તગડા પગારે નોકરીએ રાખી ને રિતસર નુ શોષણ જ કરે છે ને? રિલાયન્સ નો જ દાખલો લો….તેને તો ૧૨૩ કંપની જ કહેવાય છે…૧ માણસ, ૨ જણનો પગાર અને ૩ જણ નુ કામ એટલે રિલાયન્સ.
શ્રી મૃગેશભાઈ,
કેટલાયના નાકના ટેરવ ચડી ગયા (હ્સે ) છૅ.
આ સાથે એક રચના મોક્લુ ?
તથાસ્તુ
પાર વિનાનું ભણતર છે હેમખેમ તરી લેજે ,
શાળાનું છોડી કલાસીસ કહે એમ કરી લેજે .
આવું ભણીને મારવાનું થશે તારે રોજ રોજનું,
હાલ સમય મળે તો થોડું થોડું મરી લેજે .
ખેતર ખોરડા વેચી ગણજે ડોલરિયા મોજથી,
સંસ્કૃતિના કાઢે છોતરા એવી તું નોકરી લેજે .
ખુબ સુન્દર્
ખુબ સરસ
ખુબ સરસ વ્યંગાત્મક લેખ.
આવા સરસ લેખ માટે કાઈ લખવું સુરજ ને દીવો બતાવવા બરાબર છે .
ખુબજ સુઁદર લેખ જો તેના ખરા અર્થમાઁ આપણાઁ લોકો સમજેીને સ્વેીકારે તો ! વાસ્તવમાઁ બાળકો નહિ પર્ઁતુ બાળકના જન્મતા જ મા-બાપો મલ્ટેીનેશનલ ક્ઁપનેીમાઁ મળનારા પેકેજ ના દિવા સ્વપ્નમાઁ રાચવા લાગે છે અને તે રેીતે બાળકને મોલ્ડ કરવા મ્ઁડેી પડે છે ! મોટાભાગના મા-બાપો વિદેશના સ્વપ્નામાઁ ઉડા ઉડ કરતા જોવા મળે છે. મુળભુત રેીતે આજે પણ મોટાભાગના લોકોમાઁથેી ગુલામેી માનસિકતા ભુસાઈ નથેી અને તેથેી જ આવેી ક્ઁપનેીઓને સસ્તા મજુરો મળેી રહે છે અને મા-બાપ અને બાળકો ફુલાતા ફરે છે. ખેર ! આ પ્રવાહને અટકાવવો ખુબજ કઠિન છે !
શ્રી મૃગેશભાઈ,
ઍકદમ સરસ લેખ વરતમાન સમાજ નુ સુન્દર વરણન
મજા પડિ ગઈ બાપુ. કડવુ સત્ય.
ખુબ સરસ અને સચોત વાત વસ્તવિક અને એક્દમ કદવુ સત્ય
શું લાગી પડ્યા છો બધાં ! નેશનલ હોય કે મલ્ટીનેશનલ, કોઈ કોઈના ગળે ફાંસો નાખવા નથી જતું. આપણનેય ફદીયા કમાવાની એટલી જ ચળ અને વાપરવાની એટલી જ મજા આવતી હોય છે… ને મજા ન આવતી હોય તો રાજીનામુ આપવાની કોઈ ના તો નથી પાડતુંને!?
આ ફ્રીઝ, ટીવી, મોટરસાયકલ, કાર… મલ્ટીનેશનલ કંપનીઓ જ બનાવે છે આ બધું… એ વાપરવાની મજા આવે છે કે નહીં આપણને બધાંને…? કોઈ બાધા લઈ શકશે આ બધાંની?
બાકી…
રેંટિયો, ખાદી અહીંસા… છોડવું પડશે હવે તો!
(રેસમાં રહેવું હશે તો) દોડવું પડશે હવે તો.
અશ્વિનભાઈ
બિલકુલ સાચી વાત છે. કોઈ તમને બંદુકની અણીએ કંપનીમાં નોકરી કરવાનું કહેતું નથી.
ખરી વાત છે આપની
There are two types of Slavery in the world. One is the forceful slavery and second is acceptable slavery. What we talking about in this artical is acceptable slavery. It is mentioned in our scripture the best thnig is to do is Farming, second best thing is to do is business and third least thing is to do working for someone, accpted slavery.
ખુબજ સરસ લેખઆજના સમાજ નુ એકદમ સતય
વાહ ખુબ જ સરસ …
very nice nd touchong… good humor…
This is one of the best article i have read in this site. Really you are providing the mindset of todays world. Thank you for providing a very informative article.
Dear Mrugeshbhai,
Aama aapane badhaj DOSHI Chhiye. Aapno dikro MNC ma nokri kare chhe tevu kaheta aapni chhati fulay chhe.
Swadarshan karvani jaroor chhe. MNC ne dosh devani koi jaroor nathi. Hu MNC ni favour nathi karto, parantu
aapani khamio ganavu chhu.
true story of people working for mncs pan kyarek aa loko par ghani daya pan aave che my sister working 4 mnc dont get public holidays like gokulashtami , rakshabandhan etc. for weekdays they are like bichara and weekends (friday eve) oh my god vacation padi gayu hoy tevu laage che.
mrugesh bhai bahuj saras tathya lakhyu che
Very good analysis of present day situation.
બહુજ સરસ.અભિનંદન.આજના યુગની સાચી ઓળખ
Mr. Mukesh, congrates , very good article………..i think from d childhood we d parents, guardians, relatives, society etc. force d child to achive degree for huge salary,……..d poor and innocent children also accept that we geet good marks, percentage, awards for money only…………like in d ancient time people wear clothes for hiding body,now a days we wear it to expose d body….in d same way people wanted to be doctor and police, leader for service to country but now a days its for money.isnt it,……..Mr.Mrugesh..?
Just before few days I come to know that 1 Sales person of Multinational company suffer from heart-attack, due to hectic work & heavy business pressure. He is only age 31. If he fail to do work he kick out from the organization & again find to new job, same situation. Is it growth company & employee?
એક દમ કડવુ સત્ય અને વરવુ સત્ય. આમાથિ લગભગ ૯૫ % બાબતો મને લાગુ પડે છે.
ખુબ સુંદર અને વ્યંગ કરતો લેખ.
અફલાતુન
બીન જરુરી લમ્બાન, પોજીતિવ લખાણ હોઇ તો સારુ.
મૃગેશભાઈ .નમસ્તે! સમાજ ને દીવો ધર્યો આપે; પણ આ બાબત ક્યારે સમજાશે એતો ભગવાન જાણે!
એક જ બાજુ બતાવિ………..બિજિ રહિ ગયિ…….
Good article… balance is needed in all aspect of life.
Ashish Dave
અમારે અહિ અમેરિકામાં બેકારી વધી ગઈ છે એટલે અહિથી ત્યા ગયેલી કંપનીઓ અને અહિની કંપનીઓની ત્યાની શાખાઓ બધુ બંધ કરીને અહિ પાછા મોકલી દો તો સારુ .
ખરી વાત કહી વીણા બહેન આપને.આપણે પણ અહીં જોબની જરૂરિયાત છે જ . USA ની બહારની કંપનીઓના પ્રોજેકટ ઓછા કરી આપણા USAના જ માણસોને કામ મળશે તો વધુ સારું થશે આમેય કામ આપીને પણ દોષો ભરી નજરે જ જોવાય છે, અને સાથે એ પણ છે કે બધી કંપનીઓ અહીં આવી જશે તો કહેશે કે વિદેશી કંપનીઓ ભેદભાવ કરે છે. આ કંપનીઓને કારણે આપણો દેશ ઉપર આવી ગયો તે દેખાતું નથી પણ તેમ છતાં યે દોષો અનેક જોવાય છે.
હમણાં યુનોએ એક સર્વે કર્યો. એમાં પ્રશ્ન કંઈક આવો હતો : ‘Please give your honest opinion about the shortage of food in the rest of the world’ પણ આ સર્વે નિષ્ફળ રહ્યો. કારણ કે,
આફ્રિકાના કેટલા બધા દેશોમાં food એટલે શું ? એ જ ખબર નો’તી.
ચીનમાં મોટા ભાગના લોકોને opinion એટલે શું તેની ખબર નો’તી.
યુરોપના લોકોને Shortage એટલે શું તેની ખબર નો’તી.
ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકોને honesty એટલે શું તે ખબર નો’તી.
ઓસ્ટ્રેલિયાને Please એટલે શું તેની ખબર નો’તી.
અને અમેરિકનોને Rest of the world (બાકીની દુનિયા) એટલે શું તે જ ખબર નો’તી. પછી સર્વે સફળ કઈ રીતે થાય ?
એમ.એન.સી. કિન્ગ અમેરિકા મા બેકારી? જે કંપનીઓ પોતાના દેશનુ ભલુ નથી કરી શકતી તે શું ભારત નુ ભલુ કરશે, શુ તમને એ સવાલ નથી થાતો??? બેકારો જ્યાં જાય ત્યા બેકારી જ વધવાની……
ખુબ સરસ
great article……keep it up/ our generation have only one target ” Multinational Company “
Right …………
Be something……….
વ્યંગ કરવા માટે જ જો લખાણ હોય તો સારું લખાણ છે પરંતુ વ્યંગ કરવાને બદલે આપણાં જ દેશમાં આ બધી સુવિધાઓ કરી હોત તો આ કંપનીઑ પાછળ દોડવું ન પડત. આજ કંપનીઓને કારણે આપણો દેશ આગળ પણ વધી ગયો અને નવા નવા રોજગારની તક પણ ઊભી થઈ આ સત્યતા સામે આંખ આડા કાન કરી શકાય તેમ નથી વળી બીજી એ પણ વાત છે કે આ કંપનીઑને કારણે ઘણા પરિવારનું રસોડુ ચાલતું હોય છે જેમ નેગેટિવ વાત જોવાય છે તેમ પોઝીટીવ વાત પણ જોઈ શકાય છે. બસ થોડી નજર ફેરવવાની વાત છે.
સાચિ વાત્ , સિક્કા નિ બિજિ બાજુ બતાવો હવે.
@ પુર્વિબેન,
કઈ સુવિધાઓની વાત કરોછો તમે……૨૫પેસાનુ પિણુ ૨૫રુપિયામા આપવાનુ, ભુલી ગયા બેન આપણી બધિ લોકલ પ્રોડકસ આપણે જ બંધ કરાવી છે, બાકી બધી સુવિધા અમારા ભારતમા હતી ને છે, પણ અધિરિયા જીવના અમે દેશ છોડી ચાલ્યા ગયા, આજે પણ મેડિકલ સેવા માટે તમારા જેવા ઉધારીયા અમેરિકનો ઈન્ડીયા મા આવે છે, ફક્ત પેસા કમાવવા એ પ્રગતિ નથી સાથે તેનો યોગ્ય ઉપયોગ કરિ સકિયે તેવો સમય અને સમજ આપવી એટલીજ જરુરી છે, કદાચ તમને ખ્યાલ હશે તમારા અમેરિકનો માનસિક શાંન્તિ માટે તેમની કમાઈનો ખાસ્સો ભાગ ખર્ચે છે, તમારા જ શબ્દ તમને કહીશ “સત્યતા સામે આંખ આડા કાન ન કરી શકાય”
સુંદર અતિ સુંદર.
ખુબ સરસ્ પન ઉપાય્ શો? બિજુ શઉ કર્ર્વુ? બધા પોતાનો ધન્ધો ન કરિ શકે?
શો ઉપાય્? રસ્તો બતાવો. બધા ધન્ધઓ ન કરિ શકે!
સુંદર અતિ સુંદર.
very very NICE…………
Very Nice article.Hats of to writer who came front and slap on our young and machine+multinational jetict youth. I request to all my brothers and sisters do not try to adopt foreign culture.
પચે તમરિ મર્ઝિ
આ લેખ થકિ ખ્યલ આવે ચ્હે કે લોકો એ નોકરિ ને બદ્લે પોતનો નાનો પોતનો ધન્દો કર્વો જોઇએ. આપ્નુ ગુલમિ માનસ કાધિ નખ્વુ જોઇએ
પ્રિય મ્રુગેશ ભાઇ ,બહુરાશ્ત્રિય કમ્પનિ ઓ એ ભા ર ત જે વા વિકાશ શિલ દેશો ને આર્થિક ગુલામ બનવ્યા બને તો તમારો ઇ મેલ કે ફોન નબર આપ્વા વિનન્તિ.
તુશાર પરિખ્ તન્ત્રિ ઃ પોર વાડ બન્ધુ
એકદમ વ્યવહારિક અને સાચું
સંપૂર્ણ આનંદ મેળવ્યો
ખોટી વાતને સાચી કરવાનો પ્રયત્ન ચાલે છે મૃગેશ ભાઈ ?
શ્રી મ્રુગેશભાઇ,
આપ નો આ લેખ બહુ ગમ્યો. આપ ને ખુબ ખુબ અભિનન્દન.
વેીનાબેન અમેરિકા મ બેકારિ કેમ વધિ,સુખ સુવિધઓ ઓવેર થૈ તેથિ,તમ્ને ભરત મ રહેવાનો અધિકાર નથિ,સુ આ સુવિધઓ નહોતિ ત્યરે તમારા બાપ-દાદા નહોતા જિવ્યા
એકદમ સાચુ કહ્યુ હિતેષભાઈ….એ બાપદાદાની કમાઈના જોરેજ તો બેન વિદેશ ગયા હશે…
હિતેશભાઈ અને જયન્તિભાઈ,
તમે તો હાસ્યલેખ અને મારી મઝાકિ કોમેન્ટ ને બહુ ગંભીર માની લીધી.
મજા આવી ગઈ.
જયશ્રી શાહ્
વાહ, બહુ સરસ. મ્રૂગેશભાઇ ને ભાવ પુર્ણ શ્રદ્ધાંજલિ.