ધીમે હાંકો – પ્રદ્યુમ્ન આચાર્ય

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]

અહીં હું, ધીરેથી, ધીમેથી ડ્રાઈવિંગ, વાહન હાંકવાની વાત કરું છું, ‘હાંકવાની’ નહીં. આખા ગાંધીનગરમાં ધીમેથી વાહન ચલાવવાની મારી નામના છે. મારી પત્ની અને મારા મિત્રો મારી મોટરને ઘોડાગાડી કહે છે. કેટલાંક બગ્ગી પણ કહે છે. મારી પત્ની તો ત્યાં સુધી કહે છે કે, મારી મોટરથી તો ઘોડાગાડી પણ આગળ નીકળી જાય ! પણ તેને હું ઉપાલંભ ગણતો નથી. ઘોડાગાડીવાળાને કાંઈપણ આર્થિક લાભ આપ્યા વિના જ રાજી કરી દઉં છું. અરે, હું તો બાળકોને પણ આગળ નીકળી જવા દઈ ખુશ કરી દઉં છું. ‘ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર’ લગ્નમાં વરઘોડામાં લઈ જવા માટે પણ ભાડે લેવા અરજદારો આવે છે, પણ વરરાજા સમયસર માંડવે ન પહોંચે તો, વરરાજા રખડી પડે, અને હું અને મારી ગાડી બદનામ થઈ જઈએ. ગાડી બદનામ હૂઈ….

કોઈપણ કામ હું ધીરજથી, ખંતથી કરવામાં માનું છું. Slow and Steady wins the race. જોકે મારે કોઈ રેસ જીતવી નથી. પણ ઘરવાળા માને છે કે હું (સમજણમાં) slow છું. અને વિચારમાં steady નથી. પણ મને તેની પરવા નથી. મારો સિદ્ધાંત છે, જેને ‘આગળ’ અને ‘ઉપર’ જવું હોય તેને જવા દેવા આપણને ઉતાવળ નથી. મોટર લઈ બહાર નીકળતા પહેલાં મારા મિત્રો, પાડોશીઓને SMS કરું છું : જેણે બહાર નીકળવું હોય તે, જે વાહન હાથમાં આવે તે લઈ નીકળી પડો. નહીં તો મારી મોટર પાછળ ચાલવું પડશે. ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા ભાગજો રે….’

એમ કહેવાય છે કે, ગણિતમાં અમુક સંખ્યા લખ્યા પછી, આગળની સંખ્યા લખી શકાતી નથી. ‘અનિર્વચનીય’ છે. તેમ મારી મોટરની ઝડપ ‘અનિર્વચનીય’ છે. જોકે મારી મોટર સાથે ‘ઝડપ’ શબ્દ બંધબેસતો નથી. હું ‘ગતિ’ શબ્દ જ વાપરીશ…..ઝડપવાળા મોટે ભાગે પોલીસના હાથે ‘ઝડપાઈ’ જતાં હોય છે. ‘ઝડપ’ અને ‘ગતિ’ વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. રોડ પરના બોર્ડ પર ‘ગતિ મર્યાદા’ લખ્યું હોય છે. ‘ઝડપ મર્યાદા’ નહીં. માણસનો જ્યારે ગતિ પર કાબૂ રહેતો નથી ત્યારે અવગતિ કે અધોગતિ થાય છે. નિશ્ચિત સ્થળે પહોંચાય જ નહીં, તે કરતાં મોડા પહોંચાય (તેને પહોંચાય) તે શ્રેયસ્કર છે. Better late then never. હું ધીમે હાંકું છું, તેનો ત્વરિત સીધો, દશ્યમાન ફાયદો એ છે કે, હું ‘હાંકું છું’ તેની બીજાને જાણ થતી નથી. કોઈ મારી પાસે ‘લીફટ’ માગતું નથી. અરે રસ્તામાં કોઈ મિત્ર મળી જાય તો હું બહુ આગ્રહ કરું તો પણ, અત્યંત ગદગદિત થઈ મારો આભાર માને છે, પણ મારી ઓફરનો સ્વીકાર કરતા નથી. વળી, બીજો ફાયદો એ છે કે નૂતન વર્ષ બેસતા વર્ષના દિવસે હું મોટરમાં બેઠાં બેઠાં ચાલુ ગાડીએ સાલમુબારક કરી લઉં છું. વળી બીજો ફાયદો એ છે કે, કોઈપણ સમારંભમાં હું સમયસર એટલે કે મોડો જ પહોંચું છું. સમયસર સભા, સમારંભ, કાર્યક્રમમાં હાજર રહેનારની કદર કરનાર કોઈ ત્યાં હોતું નથી ! સત્યનારાયણની કથા મારી પત્ની સાંભળે છે, તેનું ફળ મને મળે છે. સમયસર એટલે કે, પ્રસાદના સમયે જ પહોંચું છું. સત્યનારાયણની કથામાં મહાત્મ્ય પ્રસાદનું જ હોય છે. સત્યનારાયણની કથામાં પ્રસાદનું મહાત્મ્ય, કદાચ આવાં દેખીતાં કારણોસર રાખ્યું હોય તે શક્ય છે – હું ધીમે હાંકનારાઓની કલબ સ્થાપવા માગું છું, પણ શકવર્તી સભ્યો મોડા એટલે કે, સમયસર હાજર રહી શકશે કે કેમ તે શંકાસ્પદ હોવાથી કલબ સ્થાપવાનો વિચાર માંડી વાળ્યો છે. ધીરે હાંકવા પાછળ એક રસપ્રદ કહાણી છે. વહાન ચલાવવા લાઈસન્સ મેળવવા માટે અરજી કરી અને ઈન્સ્પેક્ટર સાથે જે કાર્યવાહી થઈ, તે આ વાતને વધુ સ્પષ્ટ કરશે.

સરકારનો કાયદો એવો છે કે, તમારે ગાડી ધીરે, અત્યંત ધીરે ચલાવવી હોય તો પણ ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર પડે છે ! તે માટેની મેં અરજી કરી તો ઈન્સ્પેક્ટર કહે, ‘તમારે ડ્રાઈવિંગનો ટેસ્ટ આપવો પડશે. અમે બંને ખુલ્લા મેદાનમાં ગયા. ઈન્સ્પેક્ટરે પૂછ્યું, ‘તમને આંકડા આવડે છે ?’
મેં કહ્યું : ‘શાન્તમ પાપમ…. આંકડા રમવા તે ગુનો છે. રમવાનું તો ઠીક, જ્યાં આંકડા રમતા હોય ત્યાંથી હું પસાર પણ થતો નથી. આપણાં દેશને ‘આંકડા’ નહીં ‘આંકડી’ની જરૂર છે. આંકડા અને લાયસન્સને શું સંબંધ છે ? હું તો કહું છું આંકડા રમતા આવડતું હોય તેને લાઈસન્સ પણ ન આપવું જોઈએ. તે કહે, ‘મિસ્ટર’ તમે સમજ્યા નહીં. આંકડા એટલે અંગ્રેજી આંકડા. વન, ટુ, થ્રી, ફોરની વાત કરું છું. તમારે અંગ્રેજી આઠડો કરી બતાવવો પડશે.’
તુરત મેં કાગળ પર અંગ્રેજી આઠડો કરી બતાવ્યો ! મને થયું આટલી સરળ પરીક્ષા ! ઈન્સ્પેક્ટર ચમક્યો. તે કહે : ‘મિસ્ટર અહીં કાગળ પર નહીં, સામે મેદાનમાં અંગ્રેજી આઠડો પાડવાનો છે, અને તે પણ મોટરમાં ડ્રાઈવીંગ કરતાં કરતાં. આ એક પ્રકારનો ડ્રાઈવીંગ ટેસ્ટ છે. આ આઠડો પણ ગાડી રીવર્સ ચલાવીને, આગળના અરીસામાં પાછળ જોઈને પાડવાનો છે. આગળ જોઈને નહીં.’ હું અંગ્રેજી આઠડો પાડું તે પહેલાં આઠડાએ મને પાડી દીધો. અર્જુને જ્યારે મત્સ્ય વેધ કરેલો ત્યારે નીચે પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને મત્સ્યવેધ કરવાનો હતો. અહીં તો મારે આગળના અરીસામાં પાછળ જોઈને, ગાડી રીવર્સ ચલાવીને આઠડો પાડવાનો છે, અને તે પણ અંગ્રેજીનો, ગુજરાતીનો નહીં ! મને થયું મહાભારતમાં સાત કોઠાની વાત છે. સાતમે કોઠે અભિમન્યુ મરાઈ ગયો હતો. આ આઠમો કોઠો લાગે છે ! મને એ નથી સમજાતું કે, શા માટે આપણે ‘આગળ’ જોઈને ‘પાછળ’ ચાલવું ? દષ્ટિ તો હંમેશા સીધી રાખવી જોઈએ. સંતો, કથાકારો પણ આજ ઉપદેશ આપે છે. વિકાસ કરવો હોય તો પાછળ જોવું નહીં. ડ્રાઈવીંગ લાઈસન્સ પ્રગતિ માટે જરૂરી છે, અહીં તો કસોટી ઊંધી છે.

હંમેશાં દષ્ટિ સીધી અને દીર્ઘ રાખો. દીર્ધદષ્ટિ રાખો. દીર્ઘદષ્ટિમાં આગળ જોવાનો જ સંદર્ભ છે. રાજાએ દેવી પાસે પ્રજા માટે પાણી માગ્યું. દેવી કહે ઘોડા પર બેસી ચાલતો થા. પાછું વળીને જોઈશમા. પાછું વળીને જોઈશ ત્યાં પાણી થંભી જશે. રાજા ઘોડા પર ચાલતો થયો, પણ તેને શંકા થઈ કે ખરેખર પાણી આવે છે કે કેમ, ખાતરી કરવા પાછું વળીને જોયું. પાણી ત્યાં થંભી ગયા. (આ મારા ગામ સાવરકુંડલાની વાત છે) હું જાણું છું. પાછું જોવાનાં પરિણામો ગંભીર હોય છે. પાછળનો ભૂતકાળ ભૂલી આગળ વધો. નવી દષ્ટિ આગળ રાખી પ્રગતિ કરો. મને ઈન્સ્પેક્ટરે પાછળ જોવાનું કહ્યું, ત્યાં મારાં પાણી અને વાણી થંભી ગયાં. અંગ્રેજો ગયા પણ કમબખ્ત ‘આઠડો’ મૂકતા ગયા. કોઈની નિરંતર પ્રગતિ વિશે કહેવું હોય તો કહેવાય છે કે તેણે પ્રગતિ કરી, પાછું વળીને જોયું નથી. પ્રગતિ અને પાછું જોવું પરસ્પર વિરોધાભાસી છે. Do not look back એટલે તો ઈશ્વરે આપણને આગળ આંખો આપી છે. ડ્રાઈવિંગનો ટેસ્ટ અને જિંદગી અંગ્રેજી ‘આઠડા’ જેવી છે. અંગ્રેજીના બીજા અંક 1, 2, 3, 4, 5 જોઈ લેવા. તેમાં બે છેડા સ્પષ્ટ દેખાશે. એક છેડેથી દાખલ થઈ બીજે છેડેથી બહાર નીકળી જઈ શકાય છે. માત્ર અંગ્રેજી 8 જ એવો અંક છે કે, તેમાં એક વખત દાખલ થયા પછી બહાર નીકળી શકાતું નથી. ગોળ ગોળ ફર્યા જ કરો. કોઈ અંત કે છેડો જ નથી. જિંદગીના લખચોર્યાસી ફેરા જેવું છે. મને ઈન્સ્પેક્ટરની દાનત પર શંકા થવા લાગી. ઈન્સ્પેક્ટર કહે : ‘ચાલો, ગાડી ચલાવો. આગળ અરીસામાં જોઈ પાછળ જુઓ અને અંગ્રેજી આઠડો બનાવો. સામાન્ય રીતે મને Back seat driving બેક સીટ ડ્રાઈવિંગ વધુ ફાવે છે પણ અહીં તો આગળ બેસી પાછળ જોવાનું હતું ! આ તો જુલમ છે.’ મેં ઈન્સ્પેક્ટરને કહ્યું : ‘ચાલો આપણે મેદાન પર પહેલાં આઠડો દોરી આવીએ !’

ઈન્સપેક્ટર આંખો ફાડી ફાડીને મારી સામે જોઈ રહ્યો. તેની નોકરીમાં આવો પહેલો જ પ્રસંગ હોય તેવું લાગ્યું. તે કહે, મારી પાસેથી કેટલાંય લોકો લાઈસન્સ લઈ ગયા છે, પરંતુ કોઈ મેદાન પર આઠડો દોરી નથી ગયા. ચાલો, ગાડી ચાલુ કરો. હું તમારી સાથે આગળની સીટમાં બેસું છું. મને થયું હું આગળ જોઈને પણ આઠડો પાડી શકું તેમ નથી તો પછી પાછળ જોઈને આઠડો પાડવાની વાત જ ક્યાં રહી. મહાભારતના યુદ્ધમાં અર્જુનની સ્થિતિ થયેલી તેવી જ સ્થિતિ મારી થઈ. પરસેવો છૂટી ગયો. સ્ટિયરિંગ (ગાંડીવ) હાથમાંથી સરવા લાગ્યું. માથું ફરવા લાગ્યું. આજે દેશ 60 વર્ષ પછી પણ વિકાસ કરી શક્યો નથી, કારણ કે આપણે આગળ જવું છે, પણ દષ્ટિ પાછળ રાખી છે ! ઈન્સ્પેક્ટરે પ્રથમ બે ઝાડ વચ્ચેથી ગાડી કાઢવા કહ્યું. મને થયું ‘कालो हि अयं निरवधि, विपुलाश्च पृथिवी’ આખી વિશાળ દુનિયા પડી છે. ઈન્સ્પેક્ટરની નજર આ ઝાડ પર જ પડી ? ગાડી થોભાવી હું નીચે ઊતર્યો. હાથમાં દોરી લઈ, બે ઝાડ વચ્ચેનું અંતર માપવા લાગ્યો. પછી મોટરની પહોળાઈ માપી. પછી કેલક્યુલેટર કાઢી ગણતરી કરવા લાગ્યો. ઈન્સ્પેક્ટરની ધીરજ હવે ખૂટી ગઈ. તે બરાડી ઊઠ્યો. ‘મિસ્ટર આ શું માંડ્યું છે ?’ તે એકદમ ડઘાઈ ગયો હતો. મેં કહ્યું : ‘સાહેબ, આપે મારા પૂર્વજ બ્રાહ્મણની વાર્તા અવશ્ય સાંભળી હશે. તેણે છ માસ સુધી વિચાર કરેલો કે ભેંશનાં શીંગડામાં માથું આવી શકે કે નહીં. તે મારા પૂર્વજ હતા. તે વાર્તામાંથી ધડો લઈ હું સાવચેત રહેવા માગું છું. ન કરે નારાયણ ને બે ઝાડ વચ્ચે ગાડી ભરાઈ પડે તો, આપણે બન્ને ગાડીમાંથી બહાર ન નીકળી શકીએ. મને તમારી વધારે ચિંતા છે. વળી અહીં આપણને બહાર કાઢનાર કોઈ દેખાતું નથી !

તમે બહાર નીકળી ન શકો તો મને લાયસન્સ આપે કોણ ? તે બરાડી ઉઠ્યો. મિસ્ટર, આ શું નાટક માંડ્યું છે ? ગાડી સ્ટાર્ટ કરો અને ગાડી બે ઝાડ વચ્ચેથી પસાર કરો. પછી તો આખી દુનિયા મને દેખાતી બંધ થઈ. મને માત્ર બે ઝાડ જ દેખાવા લાગ્યા. મેં ઈશ્વરને પોકાર કર્યો, આર્તનાદ કર્યો : હે ઈશ્વર ! તમે ઘણાં ભક્તોને બચાવ્યા છે. મને બચાવો, મારી ગાડી બચાવો, મારી આબરૂ બચાવો ! આંખો મીંચી દીધી ને ગાડી ચલાવી. એટલી વારમાં તો ચારે દિશામાંથી જયઘોષ થવા લાગ્યો. સાધુ ! સાધુ ! આંખો ખોલીને જોયું તો હું વૈતરણી પાર તરી ગયો હતો ! આનંદ સાથે મને આઘાત લાગ્યો. ઈન્સ્પેકટરને અકસ્માત થાય વિના તમ્મર આવી ગયા. મારા કરતાં વધુ રાહત તેને થઈ હોય એવું લાગ્યું. દુઃખ કરતાં સુખનો આઘાત પચાવવો મુશ્કેલ હોય છે.

આ પછી ઈન્સ્પેક્ટરે મારો વધુ ટેસ્ટ કરવાનું માંડી વાળ્યું. તેને લાગ્યું કે, હું તેનો ‘ટેસ્ટ’ લઉં છું. તે બોલ્યો : ‘જુઓ મિસ્ટર, હવે હું તમારો ટેસ્ટ લેવાનું માંડી વાળું છું, તમને લાઈસન્સ મળી જશે, પણ ચેતવણી આપું છું. ગાડી ધીરે ચલાવશો. ઓછામાં ઓછું એક મહિનો ધીમે ચલાવશો. મેં કહ્યું : ‘સાહેબ, એક મહિનો શું, આખી જિંદગી ધીરે ચલાવીશ. હું એવી રીતે ધીમે હાંકીશ કે બીજા કોઈને ખબર પણ ન પડે.’

તમને ખબર પડી ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

23 thoughts on “ધીમે હાંકો – પ્રદ્યુમ્ન આચાર્ય”

Copy Protected by Chetan's WP-Copyprotect.