નિષ્ફળતા જીરવવાની શક્તિ – મોહમ્મદ માંકડ

[‘આવકાર’ પુસ્તકમાંથી સાભાર.]

પુસ્તકોના ઢગલા નીચે દટાઈ મરે એટલું અને એવું શિક્ષણ આપણે આપણાં બાળકોને આપીએ છીએ અને એ શિક્ષણ મેળવીને જીવનમાં એ સફળતા મેળવે એવી ઈચ્છાથી રાત-દિવસ આપણે એમના ઉપર ચોકીપહેરો પણ રાખીએ છીએ. પણ પાયાની બાબતનું, સૌથી વધારે મહત્વનું શિક્ષણ ‘નિષ્ફળતા જીરવતાં શીખવાનું’ શિક્ષણ આપણે આપણાં બાળકોને આપીએ છીએ ખરાં ? ના, નથી આપતાં. પરિણામે દરેક પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પહેલાં અને પછી આપઘાતની સંખ્યા વધી જાય છે.

આપણે જોઈએ છીએ કે બિલાડી એના બચ્ચાને શિકાર કરતાં શીખવે છે. બચ્ચું ઉંદર પાછળ દોડે છે. ક્યારેક તે ઉંદરને પકડી શકે છે, તો ક્યારેક પકડી શકતું નથી. પરંતુ જ્યારે તે પકડી ન શકે ત્યારે આપઘાત કરીને મરી જતું નથી, કારણ કે નિષ્ફળતા કે નાસીપાસ થવાના બનાવનું કોઈ ખાસ મહત્વ એના જીવનમાં નથી. પ્રાણીઓ અને પક્ષીઓના જીવનમાં બનતો આવો કોઈ પણ એક બનાવ માત્ર એ તબક્કે બનેલો એક બનાવ બનીને જ રહી જાય છે અને જિંદગીમાં તો આવા જ લાખો-કરોડો બનાવો બની શકે છે. ચકલાંઓ માળો બાંધે છે. એ માળો તમે ફેંકી દો તો ફરી બાંધે છે. ફરી ફેંકી દો તો વળી ફરી બાંધે છે. જેટલી વાર માળો વીંખાઈ જાય એટલી વાર એ બાંધવાનો ફરીફરીને પ્રયત્ન કર્યા જ કરે છે. કરોળિયો જાળું ગૂંથે છે, પડી જાય છે, ફરી જાળું ગૂંથે છે. એની એ ક્રિયા એના જીવન સાથે વણાઈ ગયેલી હોય છે. સંપૂર્ણપણે તૈયાર થઈ ગયેલું જાળું પણ જો સાફ થઈ જાય તોપણ કરોળિયો ક્યારેય હતાશાથી ગાંડો થઈ જતો નથી. પક્ષીનો માળો અનેક વખત વીંખાઈ જાય, ઊધઈનો રાફડો ધોવાઈ જાય, મધમાખીનો મધપૂડો લૂંટાઈ જાય તોપણ ક્યારેય કોઈ પક્ષી કે મધમાખી નર્વસ-બ્રેકડાઉનનો ભોગ બનતાં નથી.

જીવનની આખીય રંગોળીમાં નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ જ નથી. એમાં માત્ર સતત ‘પ્રયત્ન’ જ છે. એક વાર શિકાર ન પકડાયો, બીજી વાર પ્રયત્ન. એક વાર કોઈ વસ્તુ ન થઈ શકી, બીજી વાર પ્રયત્ન. પ્રાણીઓ, પક્ષીઓ, સાવ નાનાં જીવજંતુઓ પણ આ રીતે જીવે છે. એકમાત્ર માણસ પોતાનાં જુદાં ત્રાજવાં અને કાટલાં રાખીને જિંદગીનો તોલ કરે છે. અને પોતાનાં બાળકોને પણ બચપણથી જ જીવનના કુદરતી નિયમોની વિરુદ્ધનું શિક્ષણ આપે છે. કોઈ પણ કામ કરવાનું એને શીખવે છે ત્યારે એ કામ અમુક રીતે જ એણે કરવું જોઈએ અને એ રીતે કરે તો જ એને સફળતા મળી ગણાય એવો આગ્રહ પણ રાખવામાં આવે છે. આવા ઊલટા શિક્ષણને કારણે જીવનની દરેક નાનીમોટી બાબતોને બાળક પોતાની જાત સાથે સાંકળી લે છે અને જીવનભર એને વળગી રહે છે. પરીક્ષામાં નાપાસ થયા : ખલાસ, બીજો કોઈ રસ્તો હવે રહ્યો નથી ! પ્રેમમાં નિષ્ફળતા મળી : હવે જીવવું નકામું છે. નોકરી નથી : હવે કઈ રીતે જીવાશે ? ધંધામાં ખોટ ગઈ : જિંદગી આખી હારી ગયા ! કુટુંબના કોઈ સભ્યે ખોટું કામ કર્યું : સમાજમાં હવે જીવવું કઈ રીતે ? આવું વિચારનાર માણસ એની જિંદગીને માત્ર એક જ તાંતણા ઉપર લટકાવી દેતો હોય છે અને ક્યારેક મનનું સમતોલપણું ગુમાવી દઈને આપઘાત કરવા સુધી પહોંચી જતો હોય છે.

માણસ જ્યારે પોતાનાં ત્રાજવાંથી આખાયે જીવનને તોળવાનો પ્રયત્ન કરતો હોય છે ત્યારે એ વિચારતો નથી કે જીવન એનાં ત્રાજવાંથી ક્યારેય તોળાઈ શકે એમ હોતું નથી. જીવનને તો એનાં પોતાનાં તોલમાપ અને પોતાના નિયમો હોય છે. એટલે જ, નાનામાં નાની કીડી કે પક્ષી માટે જે સમજવાનું સાવ સરળ હોય છે એ બુદ્ધિશાળી હોવાનો દાવો કરતો માણસ સમજી શકતો નથી. પક્ષી ક્યારેય એમ વિચારતું નથી કે એક વાર હું માળો બાંધી ન શક્યું, એક વાર હું અમુક કામ કરી ન શક્યું માટે મારી આખી જિંદગી નકામી છે. બુદ્ધિશાળી ગણાતો માણસ જ માત્ર એ રીતે વિચારે છે કે આટલા પ્રયત્ને પણ હું પરીક્ષા પાસ ન કરી શક્યો, હવે મારી જિંદગીનો કોઈ અર્થ નથી. કારણ કે પરીક્ષાને જ એ પોતાની જિંદગી માની લે છે. ધંધામાં નિષ્ફળ જનાર વ્યક્તિ ધંધાને જ પોતાનું આખું જીવન માની લે છે. નોકરી માટે દોડાદોડી કરનાર નોકરીને જ પોતાની જિંદગી માની લે છે. પરીક્ષા આપનાર વ્યક્તિ પરીક્ષાથી અલગ કે નોકરી શોધનાર અને કરનાર વ્યક્તિ નોકરીથી પર એવું કોઈક અસ્તિત્વ ધરાવે છે, એ વાત એ સદંતર ભૂલી જાય છે. અમુક પરીક્ષામાં હું નિષ્ફળ ગયો માટે હું પોતે નિષ્ફળ છું; અમુક ધંધો કરતાં મને આવડ્યું નહીં માટે હું નકામો છું; સાહેબને કે પોતાની પત્નીને (કે પતિને) કે અમુક વ્યક્તિને હું ખુશ ન કરી શક્યો માટે હું આવડત વિનાનો, નિર્માલ્ય છું એમ વિચારે છે. એને ખ્યાલ નથી રહેતો કે જિંદગી એટલી વિશાળ અને અર્થસભર છે કે એકાદ વ્યક્તિ કે એકાદ ધંધાનું એમાં કોઈ મહત્વ નથી.

બૅરિસ્ટર તરીકે નિષ્ફળ જનાર ગાંધી અને એ જ ડિગ્રી ઉપર એક શિક્ષકની નોકરી મેળવવામાં પણ નિષ્ફળ જનાર ગાંધી, ભારત-આખાના ભાગ્યવિધાતા બની શકે છે. માણસ એવી બે-પાંચ નિષ્ફળતાઓમાં સમાઈ જતો નથી. જીવનની કોઈ એક નિષ્ફળતા સાથે પોતાની સમગ્ર જાતને જોડી દેવાની ભૂલ ક્યારેય ન કરવી. કોઈ એક વાત આપણને ન આવડી તો એથી કશું જ આવડી શકે એમ નથી, એમ શા માટે માનવું ? કોઈ એક કામમાં આપણે નિષ્ફળ ગયા છીએ એનો અર્થ એટલો જ છે કે માત્ર એ કામમાં, એ સમયે, એ સંજોગોમાં આપણને નિષ્ફળતા મળી, એથી વિશેષ કશું નહીં – કશું જ નહીં. સમય અને સંજોગો બદલાતાં એ કામમાં પણ આપણે સફળ થઈ શકીએ છીએ.

આ કોઈ નવી વાત નથી. આખીયે જીવસૃષ્ટિ આ રીતે જ વર્તે છે અને જીવસૃષ્ટિના એક ભાગ તરીકે આપણે એનાથી જુદા હોઈ શકતા નથી, માટે જુદી રીતે આપણે વર્તવું ન જોઈએ. સિંહ, વાઘ કે એવા જ કોઈ પશુ પાસેથી શિકાર છટકી જાય ત્યારે એવું કોઈ પણ પશુ ગુફામાં બેસીને આંસુ સારતું ક્યારેય કોઈએ જોયું નથી. શિકાર છટકી ગયા પછી થોડી વારમાં ફરી તૈયાર થઈને એ બીજા શિકાર માટે પ્રયત્ન કરવા નીકળી પડશે. જીવમાત્રનો આ સ્વભાવ છે. અને એમાં જ નિષ્ફળતાને પરાસ્ત કરવાનું રહસ્ય છે. નિષ્ફળતાને પરાસ્ત કરતાં શીખો, નિષ્ફળતાને કારણે પરાસ્ત ન થાઓ. બધી જ શૂરવીરતામાં સૌથી શ્રેષ્ઠ શૂરવીરતા આ જ છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મલ્ટિનેશનલ કંપનીઓને પત્ર – મૃગેશ શાહ
ધીમે હાંકો – પ્રદ્યુમ્ન આચાર્ય Next »   

34 પ્રતિભાવો : નિષ્ફળતા જીરવવાની શક્તિ – મોહમ્મદ માંકડ

 1. pragnaju says:

  નિષ્ફળતા જીરવતા ન આવડતા આપઘાત કરી બેસે નહીં તો ડીપ્રેશનમા ઉતરી પડે
  જીવનની ખૂબ અગત્યની વાત અંગે પ્રેરણાદાયી લેખ

  • rohan says:

   આપણા લોકો ક્યારે સમજસે કે નિષ્ફ્ળતા એક લાયકાત છે.
   નીષ્ફળતાને સાચી રીતે સમજવામા આવેતો એક પ્રેરક પરિબળ સાબિત થઇ શકે છે.
   Two days before.. i was listening to commentator Harsha Bhogle’s speech at IIM. and it was not about success, but its about how to get over failure. he mentioned in that speech .. in some of australian government recruiting process.. reject the people who never failed. because they dont have enough experience to deal with difficult situation. failures makes the person strong, brave and confident. it generates the passion for the things you failed in .
   in india our measure of success is just ” marksheet” , if you failed in exams you finished with your life.
   if you follow the Western culture, just dont attract by their luxary, they have much more than that.
   America has produced highest “University Drop outs Graduates” “Bill gates is the enough example for this.
   Dont push your child if he fails in exams, just look at things in which he is interested and he can perform better. that might works better for his future.

 2. Payal says:

  What an inspiring article!

 3. ankit says:

  beautiful

 4. SANJAY TRIVEDI says:

  VERY GOOD BUT UNFORTUNATELY PEOPLE DON’T TAKE IT IN RIGHT SPIRIT. KEEP IT UP…

 5. જગત દવે says:

  તેથી જ બાળવયમાં નાની નાની શેરી રમતો અથવા સ્કુલમાં ખુબ રમતો રમાડવી જોઈએ. બાળક ને હાર જીરવવાનું શિક્ષણ ત્યાંથી મળે છે તેવું ક્યાય નથી મળતું.

  રમવા માટેનો સમય, રમત માટેની મોકળાશ, બાળક-મા-બાપ વચ્ચે નો સંવાદ, બાળક-શિક્ષકનાં સબંધો આ બધાં પર આધુનિક જીવન પધ્ધતિની અસર પડી છે અને તેની મનોવૈજ્ઞાનિક અસરરૂપે આ તણાવ પેદા થાય છે.

  જેને દૂર કરી શકાય તેમ છે. જરૂર છે સમાજ તરફથી ફકત થોડી દૂરંદેશીની અને થોડી બિબામાંથી બહાર નીકળવાની હિંમતની. અભિગમ બદલવાની.

 6. Labhshankar Bharad says:

  દરેકના જીવનમાં, કોઈ ને કોઈ નિષ્ફળતાના પ્રસંગો બનતા જ રહેતા હોય છે. તેના પરિણામસ્વરૂપ અમુક વ્યક્તિ હતાશામાં ધકેલાય જાય છે. આ પરિસ્થીતિમાં આ લેખ ખૂબ જ પ્રેરણાદાયક બની રહે તેમ છે. આવા સરસ તથા ઉપયોગી લેખ માટે લેખકશ્રી તથા શ્રી. મૃગેશભાઇનો ખૂબ ખૂબ આભાર !

 7. Hiral says:

  આ લેખના વખાણ કરવા માટે શબ્દો ઓછા પડે. ખૂબ પ્રેરણાદાયી. .

  મનનાં ખૂણે ખૂણ સાચવી રાખવા જેવા વિચારોનું સંકલન.

  શ્રી મહોમ્મદ માંકડ સાહેબ અને શ્રી મૃગેશભાઇનો ખૂબ ખૂબ આભાર.

 8. Nitesh says:

  નિષ્ફળતા મળતા હતાશામાં ધકેલાય જ્વુ જોઇઍ નહિ.
  ખૂબ સરસ્ લેખ

 9. jdb says:

  ખરેખર પ્રેરણા આપતો લેખ. જો આવો અભિગમ કેળવેીએ તો મોટા ભાગનેી સમસ્યાઓ દુર કરવાનેી હિમ્મત આવેી જાય.

  Please pardon my grammer mistakes as I am not used to type in gujarati but want to improve it.

 10. devina says:

  very inspiring article , must remember it for all the time and follow it,Mr.Jagat Dave gave very good example for the child to overcome failure since the childhood.failure must be the part of life like a success.

 11. Veena Dave. USA says:

  સરસ લેખ્.

 12. milan shah says:

  very nice article. Defeat is always tough to digest, but once you come out of it, it makes you better person, better thinker and better implementer.

 13. Abhishek says:

  ખરુ એક્દમ ખરુ!!!! જીવન ખાલી જીતવા માટે જ ના જીવો પણ કઇક શીખવા માટે જીવો ને !!!! એકદમ સરસ..

 14. Vraj Dave says:

  સમાજને એક વિચાર આપ્યો તેનો સ્વિકાર કરવો કે કેમ તે સમાજે નક્કી કરવાનું છે.

 15. pravin says:

  ખુબ જ સરસ લેખ ,

 16. amit says:

  very good artical . this lesson is inspire for my life. thank u very much ……..

 17. Ghanshyam says:

  I always enjoy reading inspiring articles by Mankad.
  Thanks

 18. RAJESH KUMAR says:

  રાજેશ કુમાર………………….. તેથિ જ બાળવયમાં નાની નાની શેરી રમતો અથવા સ્કુલમાં ખુબ રમતો રમાડવી જોઈએ. બાળક ને હાર જીરવવાનું શિક્ષણ ત્યાંથી મળે છે તેવું ક્યાય નથી મળતું.

  રમવા માટેનો સમય, રમત માટેની મોકળાશ, બાળક-મા-બાપ વચ્ચે નો સંવાદ, બાળક-શિક્ષકનાં સબંધો આ બધાં પર આધુનિક જીવન પધ્ધતિની અસર પડી છે અને તેની મનોવૈજ્ઞાનિક અસરરૂપે આ તણાવ પેદા થાય છે.

  જેને દૂર કરી શકાય તેમ છે. જરૂર છે સમાજ તરફથી ફકત થોડી દૂરંદેશીની અને થોડી બિબામાંથી બહાર નીકળવાની હિંમતની. અભિગમ બદલવાની.

 19. ખૂબ પ્રેરણાદાયી

  મહોમ્મદભાઇનો ખૂબ ખૂબ આભાર.

 20. very very nice
  This lekh giving knowledge for perents every perents should teach own children so they are going always forward.

 21. Harsh says:

  ખુબ સરસ…

 22. bharat bhura ayar says:

  મારી જીંદગી બદલી દીધી છે આ લેખે આભાર

 23. sofia says:

  aa lekh vanchya p6i hu possitivly vicharti thai 6u.thnx.

 24. Arvind Patel says:

  ઘડતર અનુભવ માં થી થાય છે. સારા કે ખોટા અનુભવ કરો અને તેમાં થી શીખીએ તે એક સામાન્ય પ્રક્રિયા છે. એક ખુબ જ મહત્વ ની વાત, અનુભવ ઉછીનો આપી શકતો નથી. કોઈ પણ અનુભવ જાતે જ કરવો પડે. નાનું બાળક ચાલતા શીખે, પહેલા ઘુન્તાનીયે ચાલે, થોડું પડે,પછી જાતે ચાલે. માં – બાપ નો અનુભવ તેઓ કેવી રીતે ચાલતા શીખ્યા હતા તે બાળક ને કામ માં નહિ આવે. માં – બાપ ખુબ લાગણી શીલ હોય છે માટે એટલું જાજુ વિચાર છે. દરેક માણસને તેને પોતાની જાતે જ તૈયાર થવાનું છે.

 25. pritesh patel says:

  such a great artical
  jivan ma sikhva jevi ne marta sudhi yaad rakhva jevi vaat
  pota na badako ne pratham shikhvadva jevi vaat che.

  lekhak no khub khub aabhar.

 26. Jalpa makwana says:

  Khubj saras lekh che
  Nana aeva aa lekh ma khub j moti vat khi api che such a very eternal truth…. n also agree

 27. સમીર પંડયા says:

  પ્રાણીઓ નું ચેતન સ્તર અને માનવોના ચેતના સ્તરમાં ઘણો ફરક છે. પ્રાણીઓ પાસે કલ્પના શક્તિનો સદંતર અભાવ છે જે માનવો ભરપુર માત્રા માં ઉપયોગ કરે છે જે સારો ઉપયોગ થાય ત્યારે કૈક નવું સર્જન થાય છે પણ નકારાત્મક ઉપયોગ થાય ત્યારે આત્મહત્યા માં પરિણામે છે.જે લક્ષ્ય ને ના પામવાથી એક માનવી હું નિષ્ફળ ગયો એમ ગણે છે તે પરિસ્થિતિ સુધી પહોચીશ તો હું સફળ ગણાઈશ તેવી સમજણ પણ સમાજ માં જોવા મળતી હોય છે. જેમ કે એક વિદ્યાર્થી ને ૮૫% ને બદલે ૭૦% આવે તો એ પોતાને નિષ્ફળ માને છે અને એવે જ સમયે ઓછી રસ રૂચી વાળો વિદ્યાર્થી ૬૫% લાવી ને પોતાને સફળ માને છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.