ઢબુબા – ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’

[‘અખંડ આનંદ’ એપ્રિલ-2011માંથી સાભાર.]

હિમાંશુ પંચાવનનો વિધુર. તેના હાથમાં મોટી થેલીમાં મોટો ફોટો – હિમાંશુના મામાના લગ્નમાં પડાયેલો સ્ત્રીઓનો ગ્રૂપ ફોટો. તેમાં તેની માનો ફોટો હશે, એમ હિમાંશુ માનતો હતો. હિમાંશુ ચાર વર્ષનો હતો ત્યારે જ તેણે માની છાયા ગુમાવી હતી. તેને તેની માનો ચહેરો યાદ નહોતો, માના ખોળાનું ઝાંખું સ્મરણ હતું. તે આ ગ્રૂપ ફોટામાંથી માનો ફોટો કઢાવી એના ખોળામાં ખૂંદવા માંગતો હતો. પણ ફોટો ઓળખે કોણ ?

હા, એવાં હતાં એક ઢબુબા. ઢબુબા હિમાંશુની મા નબુની ખાસ બહેનપણી. તે ઓળખી શકે નબુને. બસ, એટલી ખબર હતી કે તે હેમપાર્કમાં રહે છે. હિમાંશુ હેમપાર્કમાં દરવાજે અટકી ગયો હતો. તેની સામે ખડી હતી પચાસ ઍપાર્ટમેન્ટ્સની હારમાળા. દરેક ઍપાર્ટમેન્ટમાં વીસ-વીસ ફલૅટ્સ. કુલ હજાર ફલૅટ્સ. એમાં ક્યાં રહેતાં હશે ઢબુબા ? આ તો દરિયામાં ડૂબકી મારવા જેવું થયું. અરે ! એમ હિંમત હારી જવાય ? જો, પ્રભાતનો સૂરજ આકાશનો ઢાળ ચઢી રહ્યો છે. એ યુગોથી પૃથ્વીની પ્રદક્ષિણા ફરવાની છે ? ફક્ત હેમપાર્કમાં ફરવાનું છે. હમણાં ફરી વળીશ.

એક માણસ હેમપાર્કમાંથી બહાર આવી રહ્યો હતો. હિમાંશુએ પૂછ્યું :
‘ઓ ભાઈ ! અહીં કોઈ ઢબુબા નામના માજી રહે છે ?’
‘સરનામું શું છે ?’
‘હેમપાર્કમાં રહે છે. બસ, એટલી ખબર છે.’
‘હેમપાર્ક તો કેટલું મોટું છે ! કેવી રીતે ગોતશો ?’
‘ગોતવાં તો પડશે.’
‘અહીં તો માજી ઘણાંય રહે છે, પણ ઢબુબા એમાં કોણ હશે ? પેલા ઍપાર્ટમેન્ટમાં નીચેના ફલૅટમાં એક માજી રહે છે, બિચારાં એકલાં રહે છે. દીકરો છે, પણ સગી માને રાખતો નથી – એવું સાંભળ્યું છે.’ હિમાંશુની આંખો ચમકી. તો તો એ જ હશે ઢબુબા. ઢબુબાને તેનો દીકરોય ક્યાં રાખે છે ? તે ઝડપથી પહોંચી ગયો એ ઍપાર્ટમેન્ટ પાસે.
‘અહીં કોઈ માજી રહે છે ?’
‘હા, જુઓ પેલી ઓરડીમાં રહે છે.’ ત્યાં રમતા છોકરાઓમાંથી એકે જવાબ આપ્યો. ઓરડી બંધ હતી. બારણાં ખખડાવ્યાં, ક્યાંય સુધી ખખડાવ્યાં. કોઈએ ખોલ્યાં નહીં, પડોશી બહેને કહ્યું : ‘જરા, જોરથી ધક્કો મારો, ખૂલી જશે.’

હિમાંશુએ જરા જોરથી ધક્કો માર્યો. બારણાં ખૂલી ગયાં. અંદર તૂટીફૂટી ખાટલીમાં એક અતિવૃદ્ધ માજી સૂતાં હતાં. આવી હાલત ઢબુબાની ? દીકરો કેવો દયાહીન છે ? માજી હિમાંશુ સામે જોઈ રહ્યાં. કોણ હશે આ ભાઈ ? કેમ આવ્યા હશે ?
‘માજી, તમારું નામ શું છે ?’
‘હેં….?’
‘તમારું નામ ?’
‘હેં……?’
‘નામ…..નામ ?’
‘હેં…..?
બંનેનો સંવાદ સાંભળીને પડોશી બહેન ત્યાં આવ્યાં.
‘માજી બહેરા છે. તમારે કોનું કામ છે ?’
‘ઢબુબાનું.’
‘આ તો સંતોકબા છે.’ માથે હાથ મૂકીને હિમાંશુ ત્યાં જ બેસી પડ્યો. તેના મુખ પર નિરાશાની રેખાઓ ઊપસી આવી. તેના કંઠમાંથી શબ્દ સરી પડ્યો : ‘આ….હ….!’
પડોશી બહેને પૂછ્યું : ‘ઢબુબા ક્યાં રહે છે ?’
‘અહીં હેમપાર્કમાં.’
‘કયા એપાર્ટમેન્ટમાં રહે છે ? ફલૅટ નંબર શું છે ?’
‘એ ખબર હોત તો તો…. ?’
‘ખબર નથી, તો લઈ આવો ઈમનું પાકું સરનામું. હથિયાર વગર લડવા નીકળ્યા છે, કેવા છે ?’ એમ બોલતાં બોલતાં એ બહેન તો ત્યાંથી જતાં રહ્યાં.

હિમાંશુ મનમાં ને મનમાં બોલી રહ્યો : ‘હા, હથિયાર વગર નીકળ્યો છું. કેમ નીકળ્યો છું, હથિયાર વગર, એની એને ખબર છે ? ઢબુબાના સગા દીકરા પાસે ગયો’તો. એને સગી માના સરનામાની પૂરી ખબર નહોતી. સાચું કહું છું. એણે બિંદાસ્ત કહી દીધું’તું : હેમપાર્કમાં ભાડાની ઓરડીમાં રહે છે. બીજી ખબર નથી. કેવો જમાનો આવ્યો છે ! કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે !’ હિમાંશુ માજીના વિવશ ચહેરા તરફ જોઈ રહ્યો. કાશ ! આ માજી મારી બા હોત તો ? એ મારી બા નથી, પણ એ પુત્રને ઝંખે છે ને હું મારી બાને ઝંખું છું.
માજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા : ‘બે….ટા… જરા પાણી પાઈશ ?’ હિમાંશુએ ટેબલ પર પડેલા લોટામાંથી પ્યાલામાં પાણી ભર્યું. માજીને ટેકો કરી બેઠાં કર્યાં. પછી ઘૂંટડે ઘૂંટડે પાણી પાયું. જાણે પુત્રનો પ્રેમ મળ્યો. માજી હિમાંશુને વળગી પડ્યાં. તેના માથે હાથ ફેરવવા લાગ્યાં. તે મનોમન આશિષ દઈ રહ્યાં હતાં : ‘બેટા ! તને ઢબુબા જરૂર મળશે.’ માજીને શાતા વળી એથી વધુ શીતળ હિમાંશુ થયો. તેનામાં નવી હિંમત, નવી શ્રદ્ધા, નવી શક્તિનો સંચાર થયો.

તે ત્યાંથી નીકળી એક પછી એક ઍપાર્ટમેન્ટમાં ફરવા લાગ્યો. તે માત્ર ભોંયતળિયાના ફલૅટ્સમાં જ તપાસ કરતો હતો. આટલી મોટી ઉંમરનાં એકાકી માજી ભોંયતળિયાની ઓરડી જ ભાડે રાખે ને ? એવા વિચારે એનું કામ થોડું સહેલું થયું હતું. સત્યાવીશમા ઍપાર્ટમેન્ટમાં નીચે એક માજી રહે છે, એવી ખબર પડતાં હિમાંશુ તેમની પાસે પહોંચી ગયો. ખુરશીમાં બેઠેલાં એ માજી પણ અતિવૃદ્ધ. તેમનો એક પગ તો કપાયેલો હતો. તેને જોઈને હિમાંશુ વિચારવા લાગ્યો. કપાયેલા પગે માજી તેમની જીવનચર્યા કેવી રીતે કરતાં હશે ? પોતાના ઉદરમાં અતિકષ્ટ વેઠીને મા પોતાના સંતાનને ઉછેરે છે. જન્મ આપ્યા પછી એનું જીવની જેમ જતન કરે છે. એ સંતાન મોટા થયા પછી વૃદ્ધ અને અપંગ માને નોધારી છોડી દે છે, આનાથી વધુ નમકહરામ બીજું કોણ હોઈ શકે ? અરે હિમાંશુ ! બીજા વિષે કંઈ પણ વિચારવું સહેલું છે. તારી મા જીવતી હોત તો ખબર પડત કે તું કેવી રીતે એને રાખે છે. મારી મા જીવતી હોત તો આટલી મોટી ઉંમરેય હું તેના ખોળામાં ખેલતો હોત.

હિમાંશુને જોઈને માજી રાજી થયાં. એને થયું – કોઈકની માનવતા જાગી ઊઠી. મારી ખબર જોવા તો આવ્યું.
‘આવ, બે…ટા…! આવ.’
‘તમે ઢબુબા છો ?’
‘ઢબુબા….? એકવાર એક માજી મળ્યા હતા. તેનું નામ ઝબું હતું કે ઢબુ, યાદ નથી.’
‘એ માજી ક્યાં રહે છે ?’
‘ઈ રામ જાણે. પણ તું કોણ છે, બે…ટા…..’
‘તમારો દીકરો જ સમજોને.’
‘દીકરો ? પ….ણ….. બધી લેણદેણની વાત છે, બેટા.’
‘મારા લાયક કંઈક કામ હોય તો કહો.’
‘કામ ? તો લે પેલી શીશીમાંથી દવા પિવડાવતો જા.’ ટેબલ પર પડેલી દવાની શીશી તરફ હાથનો ઈશારો કરી માજી બોલ્યાં. હિમાંશુએ માજીને દવા પિવડાવી. માજીએ દવા પીને આશિષ આપ્યા : ‘સો વરહનો થા, બેટા.’
‘ના, માજી એટલા બધા ઘરડા થવું નથી. એને બદલે એમ કહો કે ઢબુબા મને મળે, અત્યારે જ મળે.’
‘મળશે, મળશે, ભગવાન મેળવાવશે.’
હિમાંશુ આશાભર્યો ત્યાંથી જવા ઊભો થયો : ‘માજી, હું જાઉં છું.’
‘હા, બેટા. પેલી લાકડી આપતો જા.’ માજીને લાકડી આપીને હિમાંશુ પાછો ઢબુબાની શોધમાં નીકળી પડ્યો.

ઘૂમતાં ઘૂમતાં ઓગણચાલીસમા ઍપાર્ટમેન્ટમાં તેને એક માજી મળી આવ્યાં. તેને થયું આ ઢબુબા હોય તો કેવું સારું. ઊંડા ઊતરી ગયેલા અવાજે માજી બોલ્યાં : ‘બે દિવસની ભૂખી છું, બેટા !’ હિમાંશુએ પોતાના માટે રાખેલું બિસ્કીટનું પૅકેટ માજીને આપી દીધું.
‘ભિસ્કુટ ! ભિસ્કુટ તો મને બહુ જ ભાવે છે. કેટલા દિવસે ભિસ્કુટ મળ્યાં ! મારા જેવી બોખી ડોહીને ભિસ્કુટ સારાં.’
‘માજી, તમારે એકેય દીકરા નથી ?’
‘દીકરી નથી, એમ પૂછ. ભગવાને એક દીકરી આપી હોત તો સારું હતું.’ બિસ્કીટ ખાતાં ખાતાં માજી બોલ્યાં અને બોલતાં બોલતાં માજી રડી પડ્યાં. હિમાંશુ પોતાના હાથરૂમાલથી માજીનાં આંસુ લૂછવા લાગ્યો. જાણે ઢબુબાનાં આંસુ લૂછતો ન હોય ! હિમાંશુના મોઢે માથે હાથ ફેરવતાં ફેરવતાં માજી બોલ્યાં : ‘સગા દીકરા સગા ન થયા, પણ ભગવાન તારા જેવા દીકરાને મારી પાસે મોકલી દે છે. મારે કેટલા બધા દીકરા ! આહાહાહા ! દીકરા ! દીકરા ! દીકરા !’
હિમાંશુએ માજીને પાણી પાઈને પૂછ્યું :
‘માજી, તમારું નામ ?’
‘નામનું શું કામ, બેટા ?’
‘હા, પણ…..?’
‘પણ શું ?’
‘હું ઢબુબાને શોધું છું.’
‘ઢબુબા કોણ છે ? તારી બા છે ?’
‘બા તો નથી. પણ મારી બાને ઓળખે છે.’
‘હું ઢબુ નથી, બેટા.’
‘કંઈ વાંધો નહીં માજી, મને ઢબુબા ના મળ્યાં, પણ તમને એક વધુ દીકરો મળ્યો, ખરું ને ?’ માજીને વંદન કરીને હિમાંશુ ત્યાંથી વિદાય થયો અને ઢબુબાની શોધમાં લાગી ગયો.

ઢબુબાને શોધતાં શોધતાં તે આખરે પચાસમા ઍપાર્ટમેન્ટ પાસે આવી ઊભો રહ્યો. ઢબુબા મળવાની હવે કોઈ આશા રહી નહોતી. ત્યાં ઊભેલી એક બાળકીને પૂછવા ખાતર પૂછ્યું : ‘બેટા ! આટલામાં ઢબુબા નામનાં કોઈ માજી રહે છે ?’
બાળકી મૂંગી હતી. મોઢું હકારમાં ધુણાવતાં ધુણાવતાં તેણે હાથની ઈશારો કરીને ઓરડી બતાવી. પેલી બાળકીના ચહેરાના હાવભાવ જોઈને તેને આશા જાગી. તેણે કોટના ખિસ્સામાંથી બિસ્કિટનું છેલ્લું પૅકેટ કાઢ્યું. પેલી બાળકીને એડવાન્સમાં ખુશીનું ઈનામ આપતો હોય એમ આપીને તે ઝડપથી એ ઓરડી તરફ ચાલવા લાગ્યો. ઓરડી પાસે ધતુરાના છોડ ઊગ્યા હતા. ધતુરાનાં ફૂલની મહેક તેને ગુલાબ જેવી લાગી. એની જોડાયેલી પાંખડીઓ ગુલાબ જેવી હતી. હિમાંશુએ બારણે ઊભા રહીને બૂમ પાડી : ‘ઢબુબા… ઓ ઢબુબા….!’ તેના અવાજમાં કોણ જાણે કેમ શ્રદ્ધાનો રણકાર હતો.

‘ઢબુબા પાસે ભગવાને કોને મોકલ્યા ?’ એમ બોલતાં બોલતાં ઢબુબાએ બારણું ખોલ્યું. બન્નેની નજર એક થઈ.
‘તમે ઢબુબા ?!’
‘હા, હું ઢબુ, તું કોણ બેટા ? મોઢું જાણીતું લાગે છે, પણ યાદ આવતું નથી.’
‘હું હિમાંશુ.’
‘હિમાંશુ ? હિમાંશુ કોણ ?’
‘તમારી બહેનપણી નબુનો દીકરો.’
‘ઓહ….. હિમો ! તું હિમો ! કેટલો મોટો થઈ ગયો છે ! ઓળખાય એવો રહ્યો નથી. તું અહીં ક્યાંથી ? બેટા, અંદર આવ, અંદર.’ ઢબુબાએ હિમાંશુના મીઠડાં લીધાં. હિમાંશુ ઢબુબાના પગમાં પડ્યો. ઢબુબાએ તેના માથે હાથ મૂકી આશિષ દીધા : ‘ભગવાન સદાય સુખી રાખે. બેસ બેટા, બેસ. મારી પાસે ખાટલે બેસ.’ હિમાંશુ ઢબુબાની અડોઅડ બેઠો. તેને જાણે તેની બા નબુનો સ્પર્શ થયો.
‘તરસ લાગી છે.’
‘હા, હા, લે પાણી પી.’ ઢબુબાએ નવા માટલાની મહેકવાળું ઠંડું જળ આપ્યું. હિમાંશુ ઢબુબાના ચહેરામાં પોતાની મા નબુને જોતો જોતો પાણી ગટગટાવી ગયો. ઢબુબા એકાણુનાં હતાં, પણ તંદુરસ્તી સારી હતી. સો પૂરાં કરશે એમ સહુ કહેતાં.

‘તું નાનો હતો ત્યારે તને ખૂબ રમાડ્યો છે. નબુ વહેલી પ્રભુને પ્યારી થઈ ગઈ; પછી તું નબુને બદલે આ ઢબુને ‘બા-બા’ કરતો’તો.’ ઢબુબા હિમાંશુના નાકે નેણે હાથ ફેરવતાં ફેરવતાં ‘તારી મા જેવા જ તારાં નાક નેણ છે’ કહીને હિમાંશુના ગાલે બચી ભરી લીધી. હિમાંશુએ પણ ઢબુબાને એક બચી ભરી દીધી.
‘તમે અહીં એકલાં કેમ રહો છો ?’
‘મને એકલું જ ગમે છે.’
‘દીકરાને ત્યાં ફાવતું નથી ?’
‘ફાવે છે, પણ…’
‘પણ શું ? દીકરા રાખતા નથી ?’
‘રાખે છે, રાખે છે.’
‘તમે કંઈક છુપાવો છો.’
‘તને ઢબુબા વર્ષો પછી યાદ આવ્યાં ? કેમ યાદ આવ્યાં, બેટા ?’
હિમાંશુએ થેલીમાંથી ફોટો કાઢ્યો. ઢબુબાના ખોળામાં મૂક્યો. ‘પેલાં ચશ્માં લાવ…’ હિમાંશુએ ચશ્માં આપ્યાં. ઢબુબા ચશ્માં ચઢાવી ફોટો જોવા મંડ્યાં. હિમાંશુએ પૂછ્યું :
‘તમને કોઈ ઓળખાય છે ?’
‘હા, ઓળખાય છે ઘણાંય. કેટલાં વરહે બધાંને જોયાં. મારી હાઈરના બધાંય ભગવાનને ઘેર પહોંચી ગયાં. આ ઢબુને કેમ રાખી હશે હજી અહીં ?’
‘મારી બા નબુનો ફોટો ઓળખવા. આ ગ્રૂપ ફોટામાં મારી બાનો ફોટો છે. ઓળખી કાઢો તો તમે ઢબુબા ખરાં.’
‘હમણાં ઓળખી કાઢું. નબુને ન ઓળખું ?’

ઢબુબાએ ચશ્મામાંથી આંખો ફાડીફાડીને ક્યાંય સુધી જોયું, પણ નબુનો ફોટો નજરે ન ચડ્યો. ‘નહીં આવી હોય નબુ. હા…યાદ આવ્યું – તે માંદી હતી, નો’તી આવી શકી. પછી એનો ફોટો ક્યાંથી હોય ?’
‘મારી બા એના સગા ભાઈના લગ્નમાં પણ નહોતી આવી શકી ? અરેરે ! હું કેવો કમભાગી !’ એમ બોલતો બોલતો હિમાંશુ ઢબુબાના ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. અને રડતાં રડતાં બોલી ઊઠ્યો : ‘તું જ મારી ઢબુબા ને તું જ મારી નબુબા.’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગેરસમજ – બકુલ દવે
શનિવારની સવારે – નટવર પટેલ Next »   

33 પ્રતિભાવો : ઢબુબા – ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’

 1. trupti says:

  ખુબજ સંવેદનશીલ કથા. હિમાંશુ ને નબુબા તો ન મળ્યા પણ આખરે ઢબુબા તો મળી ગયા………

  • Reena says:

   It is really very touching! Maa it is a beautiful word. When God realized that he can not reach all human beings and that is why he made mother!

 2. jawahar Parikh says:

  આ વાર્તા ખુબ સર સ ચ્હે. આભાર્ર્

 3. Jigisha says:

  સરસ વાર્તા….

 4. suman says:

  અદ્ભભુત્!!

 5. dhiraj says:

  આ વાર્તા નો પણ દુખદ
  બસ મ્રુગેશભાઈ બસ
  રડાવશો કે શુ?
  આવી કેટલી ઢબુબા એકલી અટુલી પોતાના અંતિમ દિવસો પસાર કરતી હશે?
  કૈ થઈ શકે આમના માટે.?

  • Deshdaaz says:

   @ધીરજ ભાઈ,

   થઈ શકે, ઘણું થઇ શકે, આવા પારિવારિક કિસ્સાઓમાં કાયદો/બંધારણ નકામું છે અથવા તો અપૂરતું છે. આપણી શાળાઓમાં શિક્ષણ આપે છે, સંસ્કાર નહિ. સંસ્કાર હોય તો માણસ માં-બાપને કાઢવાનું વિચારતા પહેલાં મરી જવાનું પસંદ કરે.. જ્યાં સુધી મૂળભૂત શિક્ષણ પદ્ધતિ નહિ બદલાય બધું નકામું છે, પણ તે લાંબા ગાળે અસર કરે તેવો ઉપાય છે, કામચલાઉ માટે આવા માં-બાપને રઝળતાં મૂકી દેનાર સાલા નપાવટ અને નપુસંક ૫-૧૦ છોકરાંઓને જાહેરમાં ગામ/શહેર ભેગું કરીને ગોળીએ દીધા હોય તો રાતોરાત બધું બદલી શકાય.

  • yug says:

   Bahu saras ek mane sodhava jata anek ma mali emni seva kari pan sachej mani seva kem koi kartu nathi?

 6. Manish says:

  સરસ વાર્તા. …

 7. Deval Nakshiwala says:

  સારી વાર્તા.

  ઢબુબાને શોધતાં શોધતાં કેટલા માજીની સેવા થઈ!

 8. JyoTs says:

  મારુ મન ભરાઇ ગયુ….મ્રુગેશ ભાઇ કૈક એવિ વેબ સાઇટ બનાવિ ને એના થકી આવા લોકો માટે આપ ને સૌ મદદ કરિ શકિએ?

  હુ હાલ અમેરિકા મા ચ્હુ…..computer નુ થોડુ knowledge ચ્હે……તમે guide કરો તો હુ સેવા માટે તૈયાર ચ્હુ….

  આભાર્…..

  • rushi says:

   Hey, I am in USA too, I would love to join you guys if you have already got something but if not than someone will have to take the initiation or guide me!!

 9. Himani says:

  ખુબ જ સરસ્….

 10. N. says:

  સંવેદનશીલ કથા….. આજકાલ દરેક ઘરમાં એક ઢબુબા રહેતા હશે

 11. kamini says:

  thanks for real life story every home in one dhabubaa kash aa kariyug ma bhagvan darek na gare ek sawan ape

 12. pragnaju says:

  વૃધ્ધાશ્રમો અને બીજે પણ અનેક જગ્યાએ વૃધ્ધોની કાળજી થાય તેવા પ્રયાસ થયા છે પણ આ અંગે હજુ વધારે જાગૃતિની જરુર છે. અમેરિકામા સીનીયર સીટીઝનોની ખૂબ કાળજી લેવાય છે .સારા ડે કેર સેન્ટરો ચાલે છે અને નર્સીંગ હોમમા પણ પૂરતી કાળજી લેવાય છે છતા અહીં પણ કડવા અનુભવો જોવા મળે.અમારો ગ્રાંડસન આવા નર્સીંગહોમમા વૉલન્ટીયર તરીકે જાય છે.તેના અનુભવમા આ રીતની સેવાઓથી અજાણ્યા.,અહીંની ભાષા અને અપાતા ખોરાકથી અણજાણ તથા જેની માનસિક હાલત સારી નથી તેવાને વધુ તકલીફ પડે છે.અમારા સ્નેહીની માને જણાવ્યું હોવા છતા ભૂલથી માંસાહારી ખોરાક અપાતા બહુ દુખી થયા હતા.સેવા આપનારની પણ મર્યાદા હોય ત્યાં ઘડી ઘડી મંગાતી સેવાઓથી સંતોષ ન થતા વધુ દુખી થાય છે.બધે જ તીરે બેઠા તમાસો જોતાને નાની અગવડતાને મૉટું સ્વરુપ આપવાની ટેવ હોય છે અહીં ની જેમ.દરેક વિદ્યાર્થીને આવી કોઇ પણ સંસ્થામા વૉલન્ટીયર તરીકે સેવા આપવાનું ફરજીયાત બાનાવવુ જોઈએ

 13. Dipti Trivedi says:

  હિમાંશુને ફોટામાં મા ન મળ્યાનો “રંજ ” થયો પણ ફક્ત પળ માટે જ . એક બીજાને મેળવીને ઢબુબા અને હિમાંશુ બંનેનો જીવતરનો ખાલી ખૂણો ભરાઈ ગયો.

 14. tilumati says:

  અતિ સંવેદનશીલ વાર્તા છે.

 15. raazaq says:

  અતિ સંવેદનશીલ વાર્તા છે.

 16. kazi Harun says:

  હિમાંશુને ફોટામાં મા ન મળ્યાનો “રંજ ” થયો પણ ફક્ત પળ માટે જ . એક બીજાને મેળવીને ઢબુબા અને હિમાંશુ બંનેનો જીવતરનો ખાલી ખૂણો ભરાઈ ગયો.

 17. vrushang sangani says:

  very very interesting story.

 18. Vaishali Maheshwari says:

  Very heart-touching and sad. There are few relationships in this world that cannot be replaced or substituted by some other and one of those relationship is the relationship between a child and mother.

  Nice story. Thank you for sharing.

 19. naman says:

  સરસ

 20. NARESH says:

  VERY TOUCHING SHORT STORY, HIMANSHU CAN ACCEPT ANY OF THE
  BA AS DHABHUBA SINCE ALL WERE LIVING THEIR LIVES IN EXTREME
  PITTY CONDITION.

  BUT, THE AIM OF HIMANSHU WAS TO MEET NABUBA. AT THE END
  IT COULD NOT GET FULL FILL BUT DHABHUBA GOT REPLACED AS
  NABUBA AND SERVE THE PURPOSE OF HIMANSHU.

  THANKS

  NARESH

 21. Nice one!! says:

  Nice one

 22. haresh luhar says:

  ખુબ જ રુહ્દય દાવક કથ નઇ કહેવાય દોસ્ત આપ્ના દેસનિ કે કોઇ ઔલદ સારિ નથિ હોતિ અને કેતલાક ને માત પિતા નિ આશિશ નથિ મલ્તિ

 23. Aarohi says:

  હ્યદયસ્પર્શી વાર્તા

 24. asha.popat. Rajkot says:

  ખુબ સરસ સ્ટોરી.જન્મદાત્રી, જનની જગતજનની તોલે જ મૂકી શકાય. પછી તે મા હોય કે સાસુ આજે મા ની આજે આ દશા થાય, તે જોતાં આતરમન વલોપાત થાય છે. આજે હું તો બંને મા ને ખોઈ બેઠી છુ. સમાજ મા વૃધ્ધાલય વધુ તે સમાજ ધિકકારને પાત્ર છે.
  લેખકના વિચારો તેના લેખમાં જોઈ શકાય છે. લેખન એ વિચારોનો અરીસો છે. ખૂબ સરસ સ્ટોરી અભિનદન.

 25. Neha Parmar says:

  Heart Touching story…..

 26. harubhai says:

  ઠે સ્તોર્ય ઓફ ઢબુબા ઇસ એક્ષેલ્લેન્ત્ોન્ગ્રતુલતિઓન્સ્ ૧૭થુલ્ય્

 27. shirish dave says:

  બહુ સરસ વાર્તા છે.

 28. Bharat Ramani says:

  પાયામાથી જ શીક્ષણ સંસ્થા બદલાઈ જતા આવા પ્રશ્નો અને વ્રુધ્ધાશ્રમો થવા લાગ્યા અને દિન પ્રતિદિન વધતા વધતા આજે વ્યાપક બન્યા છે. રુષીકુળ નું શિક્ષણ સર્વોત્તમ અને શ્રેષ્ઠ જ હતું. તેમા સંસ્કાર પ્રથમ, બીજી ફરજો,ત્રીજુ શિક્ષણ તે પણ સંપુર્ણ વના મુલ્યે. પછીથી આવ્યું ગુરુકુલ,તે પણ સારું હતું. પછી તે ગુરુએ જ રાજયાશ્રય સ્વીકારી, શિક્ષણના વેપારી કરણ ની શરુઆત કરી. જેનુ આજે કાલક્રમે સદંતર વેપારીકરણ જ બન્યું.
  બ્રેડ ઓરીએન્ટલ શીક્ષણ માથી સંસ્કાર ની સાવ બાદબાકી જ થઈ ગઈ.મા-બાપ તરફના ફરજોની વ્યાખ્યા જ બદલાઈને આખા વર્ષ દરમ્યાન બે દિવસ મા જ સમાઈ ગઈ જેને “મધર ડે”અને “ફાધર ડે” તરીકે ઉજવાય છે.
  મને આનંદ એ વાત નો છે કે, મારા મા-બાપ ૯૫-૧૦૦ વર્ષ ના છે અને તે અમારા સાથે નહી પણ હું તેમની સાથે રહુ છું.
  અને અમારે તો દરરોજ મધર-ફાધર ડે જ હોય છે.
  પાયામાંથી શીક્ષણ બદલાશે તો જ વુધ્ધાશ્રમો વધતા અટકશે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.