ઢબુબા – ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’

[‘અખંડ આનંદ’ એપ્રિલ-2011માંથી સાભાર.]

હિમાંશુ પંચાવનનો વિધુર. તેના હાથમાં મોટી થેલીમાં મોટો ફોટો – હિમાંશુના મામાના લગ્નમાં પડાયેલો સ્ત્રીઓનો ગ્રૂપ ફોટો. તેમાં તેની માનો ફોટો હશે, એમ હિમાંશુ માનતો હતો. હિમાંશુ ચાર વર્ષનો હતો ત્યારે જ તેણે માની છાયા ગુમાવી હતી. તેને તેની માનો ચહેરો યાદ નહોતો, માના ખોળાનું ઝાંખું સ્મરણ હતું. તે આ ગ્રૂપ ફોટામાંથી માનો ફોટો કઢાવી એના ખોળામાં ખૂંદવા માંગતો હતો. પણ ફોટો ઓળખે કોણ ?

હા, એવાં હતાં એક ઢબુબા. ઢબુબા હિમાંશુની મા નબુની ખાસ બહેનપણી. તે ઓળખી શકે નબુને. બસ, એટલી ખબર હતી કે તે હેમપાર્કમાં રહે છે. હિમાંશુ હેમપાર્કમાં દરવાજે અટકી ગયો હતો. તેની સામે ખડી હતી પચાસ ઍપાર્ટમેન્ટ્સની હારમાળા. દરેક ઍપાર્ટમેન્ટમાં વીસ-વીસ ફલૅટ્સ. કુલ હજાર ફલૅટ્સ. એમાં ક્યાં રહેતાં હશે ઢબુબા ? આ તો દરિયામાં ડૂબકી મારવા જેવું થયું. અરે ! એમ હિંમત હારી જવાય ? જો, પ્રભાતનો સૂરજ આકાશનો ઢાળ ચઢી રહ્યો છે. એ યુગોથી પૃથ્વીની પ્રદક્ષિણા ફરવાની છે ? ફક્ત હેમપાર્કમાં ફરવાનું છે. હમણાં ફરી વળીશ.

એક માણસ હેમપાર્કમાંથી બહાર આવી રહ્યો હતો. હિમાંશુએ પૂછ્યું :
‘ઓ ભાઈ ! અહીં કોઈ ઢબુબા નામના માજી રહે છે ?’
‘સરનામું શું છે ?’
‘હેમપાર્કમાં રહે છે. બસ, એટલી ખબર છે.’
‘હેમપાર્ક તો કેટલું મોટું છે ! કેવી રીતે ગોતશો ?’
‘ગોતવાં તો પડશે.’
‘અહીં તો માજી ઘણાંય રહે છે, પણ ઢબુબા એમાં કોણ હશે ? પેલા ઍપાર્ટમેન્ટમાં નીચેના ફલૅટમાં એક માજી રહે છે, બિચારાં એકલાં રહે છે. દીકરો છે, પણ સગી માને રાખતો નથી – એવું સાંભળ્યું છે.’ હિમાંશુની આંખો ચમકી. તો તો એ જ હશે ઢબુબા. ઢબુબાને તેનો દીકરોય ક્યાં રાખે છે ? તે ઝડપથી પહોંચી ગયો એ ઍપાર્ટમેન્ટ પાસે.
‘અહીં કોઈ માજી રહે છે ?’
‘હા, જુઓ પેલી ઓરડીમાં રહે છે.’ ત્યાં રમતા છોકરાઓમાંથી એકે જવાબ આપ્યો. ઓરડી બંધ હતી. બારણાં ખખડાવ્યાં, ક્યાંય સુધી ખખડાવ્યાં. કોઈએ ખોલ્યાં નહીં, પડોશી બહેને કહ્યું : ‘જરા, જોરથી ધક્કો મારો, ખૂલી જશે.’

હિમાંશુએ જરા જોરથી ધક્કો માર્યો. બારણાં ખૂલી ગયાં. અંદર તૂટીફૂટી ખાટલીમાં એક અતિવૃદ્ધ માજી સૂતાં હતાં. આવી હાલત ઢબુબાની ? દીકરો કેવો દયાહીન છે ? માજી હિમાંશુ સામે જોઈ રહ્યાં. કોણ હશે આ ભાઈ ? કેમ આવ્યા હશે ?
‘માજી, તમારું નામ શું છે ?’
‘હેં….?’
‘તમારું નામ ?’
‘હેં……?’
‘નામ…..નામ ?’
‘હેં…..?
બંનેનો સંવાદ સાંભળીને પડોશી બહેન ત્યાં આવ્યાં.
‘માજી બહેરા છે. તમારે કોનું કામ છે ?’
‘ઢબુબાનું.’
‘આ તો સંતોકબા છે.’ માથે હાથ મૂકીને હિમાંશુ ત્યાં જ બેસી પડ્યો. તેના મુખ પર નિરાશાની રેખાઓ ઊપસી આવી. તેના કંઠમાંથી શબ્દ સરી પડ્યો : ‘આ….હ….!’
પડોશી બહેને પૂછ્યું : ‘ઢબુબા ક્યાં રહે છે ?’
‘અહીં હેમપાર્કમાં.’
‘કયા એપાર્ટમેન્ટમાં રહે છે ? ફલૅટ નંબર શું છે ?’
‘એ ખબર હોત તો તો…. ?’
‘ખબર નથી, તો લઈ આવો ઈમનું પાકું સરનામું. હથિયાર વગર લડવા નીકળ્યા છે, કેવા છે ?’ એમ બોલતાં બોલતાં એ બહેન તો ત્યાંથી જતાં રહ્યાં.

હિમાંશુ મનમાં ને મનમાં બોલી રહ્યો : ‘હા, હથિયાર વગર નીકળ્યો છું. કેમ નીકળ્યો છું, હથિયાર વગર, એની એને ખબર છે ? ઢબુબાના સગા દીકરા પાસે ગયો’તો. એને સગી માના સરનામાની પૂરી ખબર નહોતી. સાચું કહું છું. એણે બિંદાસ્ત કહી દીધું’તું : હેમપાર્કમાં ભાડાની ઓરડીમાં રહે છે. બીજી ખબર નથી. કેવો જમાનો આવ્યો છે ! કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે !’ હિમાંશુ માજીના વિવશ ચહેરા તરફ જોઈ રહ્યો. કાશ ! આ માજી મારી બા હોત તો ? એ મારી બા નથી, પણ એ પુત્રને ઝંખે છે ને હું મારી બાને ઝંખું છું.
માજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા : ‘બે….ટા… જરા પાણી પાઈશ ?’ હિમાંશુએ ટેબલ પર પડેલા લોટામાંથી પ્યાલામાં પાણી ભર્યું. માજીને ટેકો કરી બેઠાં કર્યાં. પછી ઘૂંટડે ઘૂંટડે પાણી પાયું. જાણે પુત્રનો પ્રેમ મળ્યો. માજી હિમાંશુને વળગી પડ્યાં. તેના માથે હાથ ફેરવવા લાગ્યાં. તે મનોમન આશિષ દઈ રહ્યાં હતાં : ‘બેટા ! તને ઢબુબા જરૂર મળશે.’ માજીને શાતા વળી એથી વધુ શીતળ હિમાંશુ થયો. તેનામાં નવી હિંમત, નવી શ્રદ્ધા, નવી શક્તિનો સંચાર થયો.

તે ત્યાંથી નીકળી એક પછી એક ઍપાર્ટમેન્ટમાં ફરવા લાગ્યો. તે માત્ર ભોંયતળિયાના ફલૅટ્સમાં જ તપાસ કરતો હતો. આટલી મોટી ઉંમરનાં એકાકી માજી ભોંયતળિયાની ઓરડી જ ભાડે રાખે ને ? એવા વિચારે એનું કામ થોડું સહેલું થયું હતું. સત્યાવીશમા ઍપાર્ટમેન્ટમાં નીચે એક માજી રહે છે, એવી ખબર પડતાં હિમાંશુ તેમની પાસે પહોંચી ગયો. ખુરશીમાં બેઠેલાં એ માજી પણ અતિવૃદ્ધ. તેમનો એક પગ તો કપાયેલો હતો. તેને જોઈને હિમાંશુ વિચારવા લાગ્યો. કપાયેલા પગે માજી તેમની જીવનચર્યા કેવી રીતે કરતાં હશે ? પોતાના ઉદરમાં અતિકષ્ટ વેઠીને મા પોતાના સંતાનને ઉછેરે છે. જન્મ આપ્યા પછી એનું જીવની જેમ જતન કરે છે. એ સંતાન મોટા થયા પછી વૃદ્ધ અને અપંગ માને નોધારી છોડી દે છે, આનાથી વધુ નમકહરામ બીજું કોણ હોઈ શકે ? અરે હિમાંશુ ! બીજા વિષે કંઈ પણ વિચારવું સહેલું છે. તારી મા જીવતી હોત તો ખબર પડત કે તું કેવી રીતે એને રાખે છે. મારી મા જીવતી હોત તો આટલી મોટી ઉંમરેય હું તેના ખોળામાં ખેલતો હોત.

હિમાંશુને જોઈને માજી રાજી થયાં. એને થયું – કોઈકની માનવતા જાગી ઊઠી. મારી ખબર જોવા તો આવ્યું.
‘આવ, બે…ટા…! આવ.’
‘તમે ઢબુબા છો ?’
‘ઢબુબા….? એકવાર એક માજી મળ્યા હતા. તેનું નામ ઝબું હતું કે ઢબુ, યાદ નથી.’
‘એ માજી ક્યાં રહે છે ?’
‘ઈ રામ જાણે. પણ તું કોણ છે, બે…ટા…..’
‘તમારો દીકરો જ સમજોને.’
‘દીકરો ? પ….ણ….. બધી લેણદેણની વાત છે, બેટા.’
‘મારા લાયક કંઈક કામ હોય તો કહો.’
‘કામ ? તો લે પેલી શીશીમાંથી દવા પિવડાવતો જા.’ ટેબલ પર પડેલી દવાની શીશી તરફ હાથનો ઈશારો કરી માજી બોલ્યાં. હિમાંશુએ માજીને દવા પિવડાવી. માજીએ દવા પીને આશિષ આપ્યા : ‘સો વરહનો થા, બેટા.’
‘ના, માજી એટલા બધા ઘરડા થવું નથી. એને બદલે એમ કહો કે ઢબુબા મને મળે, અત્યારે જ મળે.’
‘મળશે, મળશે, ભગવાન મેળવાવશે.’
હિમાંશુ આશાભર્યો ત્યાંથી જવા ઊભો થયો : ‘માજી, હું જાઉં છું.’
‘હા, બેટા. પેલી લાકડી આપતો જા.’ માજીને લાકડી આપીને હિમાંશુ પાછો ઢબુબાની શોધમાં નીકળી પડ્યો.

ઘૂમતાં ઘૂમતાં ઓગણચાલીસમા ઍપાર્ટમેન્ટમાં તેને એક માજી મળી આવ્યાં. તેને થયું આ ઢબુબા હોય તો કેવું સારું. ઊંડા ઊતરી ગયેલા અવાજે માજી બોલ્યાં : ‘બે દિવસની ભૂખી છું, બેટા !’ હિમાંશુએ પોતાના માટે રાખેલું બિસ્કીટનું પૅકેટ માજીને આપી દીધું.
‘ભિસ્કુટ ! ભિસ્કુટ તો મને બહુ જ ભાવે છે. કેટલા દિવસે ભિસ્કુટ મળ્યાં ! મારા જેવી બોખી ડોહીને ભિસ્કુટ સારાં.’
‘માજી, તમારે એકેય દીકરા નથી ?’
‘દીકરી નથી, એમ પૂછ. ભગવાને એક દીકરી આપી હોત તો સારું હતું.’ બિસ્કીટ ખાતાં ખાતાં માજી બોલ્યાં અને બોલતાં બોલતાં માજી રડી પડ્યાં. હિમાંશુ પોતાના હાથરૂમાલથી માજીનાં આંસુ લૂછવા લાગ્યો. જાણે ઢબુબાનાં આંસુ લૂછતો ન હોય ! હિમાંશુના મોઢે માથે હાથ ફેરવતાં ફેરવતાં માજી બોલ્યાં : ‘સગા દીકરા સગા ન થયા, પણ ભગવાન તારા જેવા દીકરાને મારી પાસે મોકલી દે છે. મારે કેટલા બધા દીકરા ! આહાહાહા ! દીકરા ! દીકરા ! દીકરા !’
હિમાંશુએ માજીને પાણી પાઈને પૂછ્યું :
‘માજી, તમારું નામ ?’
‘નામનું શું કામ, બેટા ?’
‘હા, પણ…..?’
‘પણ શું ?’
‘હું ઢબુબાને શોધું છું.’
‘ઢબુબા કોણ છે ? તારી બા છે ?’
‘બા તો નથી. પણ મારી બાને ઓળખે છે.’
‘હું ઢબુ નથી, બેટા.’
‘કંઈ વાંધો નહીં માજી, મને ઢબુબા ના મળ્યાં, પણ તમને એક વધુ દીકરો મળ્યો, ખરું ને ?’ માજીને વંદન કરીને હિમાંશુ ત્યાંથી વિદાય થયો અને ઢબુબાની શોધમાં લાગી ગયો.

ઢબુબાને શોધતાં શોધતાં તે આખરે પચાસમા ઍપાર્ટમેન્ટ પાસે આવી ઊભો રહ્યો. ઢબુબા મળવાની હવે કોઈ આશા રહી નહોતી. ત્યાં ઊભેલી એક બાળકીને પૂછવા ખાતર પૂછ્યું : ‘બેટા ! આટલામાં ઢબુબા નામનાં કોઈ માજી રહે છે ?’
બાળકી મૂંગી હતી. મોઢું હકારમાં ધુણાવતાં ધુણાવતાં તેણે હાથની ઈશારો કરીને ઓરડી બતાવી. પેલી બાળકીના ચહેરાના હાવભાવ જોઈને તેને આશા જાગી. તેણે કોટના ખિસ્સામાંથી બિસ્કિટનું છેલ્લું પૅકેટ કાઢ્યું. પેલી બાળકીને એડવાન્સમાં ખુશીનું ઈનામ આપતો હોય એમ આપીને તે ઝડપથી એ ઓરડી તરફ ચાલવા લાગ્યો. ઓરડી પાસે ધતુરાના છોડ ઊગ્યા હતા. ધતુરાનાં ફૂલની મહેક તેને ગુલાબ જેવી લાગી. એની જોડાયેલી પાંખડીઓ ગુલાબ જેવી હતી. હિમાંશુએ બારણે ઊભા રહીને બૂમ પાડી : ‘ઢબુબા… ઓ ઢબુબા….!’ તેના અવાજમાં કોણ જાણે કેમ શ્રદ્ધાનો રણકાર હતો.

‘ઢબુબા પાસે ભગવાને કોને મોકલ્યા ?’ એમ બોલતાં બોલતાં ઢબુબાએ બારણું ખોલ્યું. બન્નેની નજર એક થઈ.
‘તમે ઢબુબા ?!’
‘હા, હું ઢબુ, તું કોણ બેટા ? મોઢું જાણીતું લાગે છે, પણ યાદ આવતું નથી.’
‘હું હિમાંશુ.’
‘હિમાંશુ ? હિમાંશુ કોણ ?’
‘તમારી બહેનપણી નબુનો દીકરો.’
‘ઓહ….. હિમો ! તું હિમો ! કેટલો મોટો થઈ ગયો છે ! ઓળખાય એવો રહ્યો નથી. તું અહીં ક્યાંથી ? બેટા, અંદર આવ, અંદર.’ ઢબુબાએ હિમાંશુના મીઠડાં લીધાં. હિમાંશુ ઢબુબાના પગમાં પડ્યો. ઢબુબાએ તેના માથે હાથ મૂકી આશિષ દીધા : ‘ભગવાન સદાય સુખી રાખે. બેસ બેટા, બેસ. મારી પાસે ખાટલે બેસ.’ હિમાંશુ ઢબુબાની અડોઅડ બેઠો. તેને જાણે તેની બા નબુનો સ્પર્શ થયો.
‘તરસ લાગી છે.’
‘હા, હા, લે પાણી પી.’ ઢબુબાએ નવા માટલાની મહેકવાળું ઠંડું જળ આપ્યું. હિમાંશુ ઢબુબાના ચહેરામાં પોતાની મા નબુને જોતો જોતો પાણી ગટગટાવી ગયો. ઢબુબા એકાણુનાં હતાં, પણ તંદુરસ્તી સારી હતી. સો પૂરાં કરશે એમ સહુ કહેતાં.

‘તું નાનો હતો ત્યારે તને ખૂબ રમાડ્યો છે. નબુ વહેલી પ્રભુને પ્યારી થઈ ગઈ; પછી તું નબુને બદલે આ ઢબુને ‘બા-બા’ કરતો’તો.’ ઢબુબા હિમાંશુના નાકે નેણે હાથ ફેરવતાં ફેરવતાં ‘તારી મા જેવા જ તારાં નાક નેણ છે’ કહીને હિમાંશુના ગાલે બચી ભરી લીધી. હિમાંશુએ પણ ઢબુબાને એક બચી ભરી દીધી.
‘તમે અહીં એકલાં કેમ રહો છો ?’
‘મને એકલું જ ગમે છે.’
‘દીકરાને ત્યાં ફાવતું નથી ?’
‘ફાવે છે, પણ…’
‘પણ શું ? દીકરા રાખતા નથી ?’
‘રાખે છે, રાખે છે.’
‘તમે કંઈક છુપાવો છો.’
‘તને ઢબુબા વર્ષો પછી યાદ આવ્યાં ? કેમ યાદ આવ્યાં, બેટા ?’
હિમાંશુએ થેલીમાંથી ફોટો કાઢ્યો. ઢબુબાના ખોળામાં મૂક્યો. ‘પેલાં ચશ્માં લાવ…’ હિમાંશુએ ચશ્માં આપ્યાં. ઢબુબા ચશ્માં ચઢાવી ફોટો જોવા મંડ્યાં. હિમાંશુએ પૂછ્યું :
‘તમને કોઈ ઓળખાય છે ?’
‘હા, ઓળખાય છે ઘણાંય. કેટલાં વરહે બધાંને જોયાં. મારી હાઈરના બધાંય ભગવાનને ઘેર પહોંચી ગયાં. આ ઢબુને કેમ રાખી હશે હજી અહીં ?’
‘મારી બા નબુનો ફોટો ઓળખવા. આ ગ્રૂપ ફોટામાં મારી બાનો ફોટો છે. ઓળખી કાઢો તો તમે ઢબુબા ખરાં.’
‘હમણાં ઓળખી કાઢું. નબુને ન ઓળખું ?’

ઢબુબાએ ચશ્મામાંથી આંખો ફાડીફાડીને ક્યાંય સુધી જોયું, પણ નબુનો ફોટો નજરે ન ચડ્યો. ‘નહીં આવી હોય નબુ. હા…યાદ આવ્યું – તે માંદી હતી, નો’તી આવી શકી. પછી એનો ફોટો ક્યાંથી હોય ?’
‘મારી બા એના સગા ભાઈના લગ્નમાં પણ નહોતી આવી શકી ? અરેરે ! હું કેવો કમભાગી !’ એમ બોલતો બોલતો હિમાંશુ ઢબુબાના ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. અને રડતાં રડતાં બોલી ઊઠ્યો : ‘તું જ મારી ઢબુબા ને તું જ મારી નબુબા.’

Leave a Reply to kamini Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

33 thoughts on “ઢબુબા – ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’”

Copy Protected by Chetan's WP-Copyprotect.