ગેરસમજ – બકુલ દવે

[‘મુંબઈ સમાચાર’ વસંત-વિશેષાંકમાંથી સાભાર.]

સુકન્યાનાં લગ્નને હવે દસ જ દિવસ રહ્યા હતા. વિનોદભાઈએ ઓફિસમાંથી ત્રણ અઠવાડિયાંની રજા લીધી હતી. ઘરમાં પહેલો પ્રસંગ હતો ને તે પણ દીકરીનાં લગ્નનો. કેટકેટલાં કામ એમણે એકલે હાથે કરવાનાં હતાં ને એ પણ જોવાનું હતું કે ક્યાંય કશી ઊણપ ન રહી જાય. સૌને લાગવું જોઈએ કે વિનોદભાઈએ દીકરીને ઠાઠથી પરણાવી.

વાડી બુક થઈ ગઈ હતી. કર્મકાંડી બ્રાહ્મણ અને કેટરર્સનો સંપર્ક પણ થઈ ગયો હતો. લગ્નના આગળના દિવસે દાંડિયારાસનો કાર્યક્રમ ગોઠવવાની સુકન્યાએ ના પાડી. એની ઈચ્છા સંગીતની મહેફિલ થાય તેવી હતી. તે માટે અમદાવાદથી કલાકારો બોલાવવા. ખર્ચ વધી જશે. વિનોદભાઈને થયું, પણ કંઈ નહીં, દીકરીની ઈચ્છા છે તો ભલે સંગીતનો કાર્યક્રમ પણ થઈ જાય. મેનુ પણ નક્કી કરી નાખ્યું, ‘સો રૂપિયાની ડિશ થાય કે દોઢસોની. કશી કચાશ રહેવી ન જોઈએ.’ વિનોદભાઈએ હિનાબહેનને કહ્યું. હિનાબહેન મલકી ગયાં. પોતાના પતિને એમણે આટલા ઉત્સાહમાં ભાગ્યે જ જોયા હતા. ઘરમાં શુભ પ્રસંગ આવ્યો હતો તે દીપી ઊઠે એવો બનાવવા એ કશી બાંધછોડ કરવા તૈયાર ન હતા.

સાંજે વિનોદભાઈએ હિનાબહેનને પૂછ્યું, ‘હવે શું બાકી રહે છે ?’
‘હવે…..’ હિનાબહેને ક્ષણ વાર માટે વિચાર્યું ને બોલ્યાં : ‘કંકોતરી છપાઈ ગઈ કે નહીં તે જરા પૂછી લો ને. છપાઈ ગઈ હોય તો લખીને રવાના કરી દઈએ.’ વિનોદભાઈએ સરસ્વતી પ્રિન્ટીંગ પ્રેસને ફોન જોડ્યો. કંકોતરીઓ છપાઈ ગઈ હતી. રાત્રે વિનોદભાઈ અને હિનાબહેન કંકોતરીઓ લખવા બેઠાં. યાદી સાથે રાખી જેથી કોઈનુંય નામ રહી ન જાય. રાત્રે દોઢ વાગી ગયો.
‘હાશ !’ વિનોદભાઈએ સોફામાં પગ લંબાવ્યા, ‘એક કામ પૂરું થયું.’
‘હા.’ હિનાબહેને માથું હલાવ્યું.
‘કોઈ રહી જતું નથીને ?’
હિનાબહેનના હોઠ પર એક નામ આવી ગયું, પણ એ બોલી શક્યાં નહીં. એમને ડર લાગ્યો. પોતે ઈચ્છે છે તે વિનોદભાઈને મંજૂર ન હોય તો ? તો નકામી ચર્ચા થાય ને ઉદ્વેગ વધે.

જોકે સુકન્યાએ સવારે બિનધાસ્તપણે જણાવી દીધું, ‘પપ્પા, રાહુલને બોલાવીએ તો ?’
રાહુલ એટલે વિનોદભાઈનો ભત્રીજો. સુધીરભાઈનો દીકરો. સુધીરભાઈ વિનોદભાઈના મોટા ભાઈ. વિનોદભાઈ ચોંક્યા. એમણે હિનાબહેન સામે જોયું. રાહુલને બોલાવવાનો અર્થ એ થાય કે સુધીરભાઈને પણ લગ્નમાં નિમંત્રણ પાઠવવાનું. વિનોદભાઈને ઈચ્છા ન હતી. છેલ્લાં આઠ વર્ષથી બે ભાઈઓ વચ્ચે બોલવાના સંબંધ પણ ન હતા. સુધીરભાઈએ ક્યારેય એવો અણસાર પણ આપ્યો ન હતો કે વિનોદભાઈ સાથે સંબંધ નથી તે વાતને લઈને એ દુઃખી છે, વ્યથિત છે.
‘શું વિચારો છો પપ્પા ?’ સુકન્યાએ પૂછ્યું.
‘બેટા, તને તારા બાપનું સ્વમાન વહાલું હોય તો હવે પછી આ વાત ન કરીશ.’ સુકન્યાના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. વિનોદભાઈ અને સુધીરભાઈની જાણ બહાર એ રાહુલને મળતી હતી. એને રાખડી પણ બાંધતી હતી. રાહુલ એને ભેટ આપતો એ સ્વીકારતી. વિનોદભાઈને એક જ દીકરી સુકન્યા અને સુધીરભાઈને પણ સંતાનમાં માત્ર રાહુલ. કુટુંબમાં માત્ર બે જ ભાઈ-બહેન. રાહુલ સુકન્યાને કહેતો કે જેને અબોલા રાખવા હોય તે ભલે તેમ કરે. આપણે ભાઈ-બહેન છૂટાં નહીં પડીએ.

સુકન્યાને ખરીદી કરવાની હતી. એ ગઈ પછી હિનાબહેન બોલ્યાં :
‘દીકરીને નિરાશ કરી તમે….’
‘તો શું કરું ? સુધીરભાઈને કંકોતરી લખું ?’
‘હા, આપણે નાના છીએ. સહેજ નમીશું તો શું વાંધો છે ?’
‘અગાઉ હું એક-બે વાર એમની સાથે સંબંધો સુધારવાના પ્રયાસ કરી ચૂક્યો છું તે તું જાણે છે.’ વિનોદભાઈએ વ્યથા ઠાલવી.
‘વધુ એક પ્રયત્ન કરો ને….’ હિનાબહેન બોલ્યાં, ‘કુટુંબમાં હરીફરીને તમે બે ભાઈ છો. એટલું જ નહીં, પણ બે ભાઈનાં માત્ર બે જ સંતાન. સુકન્યા અને રાહુલ. લગ્નમાં સુકન્યાને ભાઈની ખોટ નહીં જણાય અને….’ વિનોદભાઈએ હિનાબહેનને વચ્ચે જ અટકાવ્યાં :
‘સુધીરભાઈએ રાહુલની સગાઈ કરી ત્યારે તને કે મને બોલાવ્યાં હતાં ? સુકન્યા પણ એમને યાદ આવી હતી ?’ સુકન્યાને રાહુલે સગાઈ પછી સોનાની વીંટી મોકલી હતી. હિનાબહેનને સુકન્યાએ આ વાત કરી હતી. રાહુલ સુકન્યાને સગાઈની વિધિમાં બોલાવી શક્યો ન હતો. તેમ કરવામાં એને નિષ્ફળતા મળી હતી. સુધીરભાઈ ટસના મસ થયા ન હતા. પણ એ રાહુલને બીજી રીતે એની બહેન પર પ્રેમ દર્શાવતાં ક્યાં રોકી શકે તેમ હતા ?

‘જૂનું બધું ભૂલી જઈશું ને સંબંધોનો એકડો નવેસરથી ઘૂંટીશું તો જ પરસ્પર પ્રેમ જાગશે. બીજી વાત એ કે આપણાં સગાંમાં સુધીરભાઈ સિવાય બીજું કોણ છે, નિકટનું ? એ હશે તો લગ્નની શોભા વધી જશે. લગ્નમાં આપણે ગમે તેટલા પૈસા ખર્ચીએ પણ નિક્ટના સગા ન હોય તો ભભકાનો અર્થ શું રહેશે ?’
વિનોદભાઈએ કહ્યું, ‘સારું, તમે કહો તેમ. પણ આ છેલ્લી વાર, પણ સુધીરભાઈ નહીં આવે એની મને ખાતરી છે. એ નિમંત્રણનો અનાદર કરશે….’
‘એવું ન વિચારો. એ જરૂર આવશે.’
વિનોદભાઈએ સુધીરભાઈને કંકોતરી લખી. હિનાબહેનના આગ્રહથી કવરમાં નાનકડો પત્ર પણ બીડ્યો-લગ્નમાં બે દિવસ અગાઉથી આવી જવા માટે જણાવતો. હિનાબહેને સુકન્યાને આ વાત કરી ત્યારે એ ખુશ થઈ ગઈ. એણે રાહુલને ફોન કર્યો, ‘કંકોતરી મોકલી છે. તમે ભાઈજીને સમજાવજો. તમારી સગાઈ થઈ છે તો પાયલભાભી પણ આવે.’
‘જરૂર આવીશ,’ રાહુલે કહ્યું, ‘નિમંત્રણપત્રિકા મળશે એટલે મારા પપ્પાનો વિરોધ ઓગળી જવાનો. એકવાર બેય ભાઈ પ્રસંગમાં ભેગા થાય પછી સંબંધો ફરી યથાવત બની જશે. તું જોજે….’

રાહુલે સુધીરભાઈ એકલા બેઠા હતા ત્યારે દાણો દાબી જોયો, ‘પપ્પા, સુકન્યાનાં લગ્ન છે….’
‘તો શું છે ?’
‘ધારો કે વિનોદકાકા તમને નિમંત્રણપત્રિકા મોકલે તો ?’
‘એવું ધારવું નકામું છે. વિનોદ જિદ્દી છે. એકવાર ગાંઠ બાંધી પછી એ છોડે નહીં.’ રાહુલે ચર્ચા ન લંબાવી. એણે વિચાર્યું કે કંકોતરી મળી જાય પછી સુધીરભાઈને લગ્નમાં જવા માટે એ સમજાવી શકશે. સુધીરભાઈ વિનોદભાઈને જિદ્દી કહે છે પણ એય ક્યાં ઓછા હઠીલા છે. પણ અચાનક જ સુધીરભાઈએ એને આશ્ચર્યમાં મૂકી દીધો. એમણે કહ્યું : ‘બેટા, આપણે લગ્નમાં જરૂર જઈશું, કંકોતરી આવશે તો.’ આ સુધીરભાઈ બોલે છે કે બીજું કોઈ ? રાહુલ એમની સામે જોઈ રહ્યો. જોકે સુધીરભાઈ લગ્નમાં આવવા માટે તૈયાર થયા છે તેની પાછળ પણ એમની ગણતરી છે, રાહુલે વિચાર્યું. એમને પાકી ખબર છે કે એમનો ભાઈ કંકોતરી મોકલવાનો નથી એટલે જ એમણે લગ્નમાં હાજરી આપવાની હા પાડી. પોતાના પુત્ર પાસે એ ખોટા ન ઠરે ને વિનોદભાઈની કંકોતરી ન મળે ત્યારે પુત્ર પણ સમજી જાય કે એના પિતા કેટલા સાચા છે. પણ આવી ગણતરી કરીનેય સુધીરભાઈ લગ્નમાં આવવા બંધાઈ ગયા છે તેનાથી રાહુલ ખુશ છે. કંકોતરી તો મળવાની જ છે. સુકન્યાએ કહ્યું છે ખાતરીપૂર્વક.

લગ્નને ત્રણેક દિવસ બાકી રહ્યા ત્યારે રાહુલે સુકન્યાને ફોન કર્યો : ‘સૂકુ, કંકોતરી હજી મળી નથી.’
‘એ કેવી રીતે બને ?’ સુકન્યાએ જણાવ્યું, ‘પપ્પાએ મારી નજર સામે લખી છે ને આંગડિયા દ્વારા મોકલી છે…’
‘તું તપાસ કરાવ. અમને કંકોતરી મળી નથી. કંકોતરી વગર પપ્પાને હું લગ્નમાં આવવા માટે તૈયાર કરી શકીશ નહીં….’
‘એક વધુ કંકોતરી તમને મોકલી આપું છું,’ સુકન્યા બોલી, ‘મારા હસ્તાક્ષરમાં.’
‘તું કંકોતરી જરૂર મોકલ, પણ બીજું એક કામ પણ કર.’
‘શું ?’
‘તું વિનોદકાકને કહે કે મારા પપ્પાને ફોન કરીને જણાવે કે તે તારા લગ્નમાં હાજર રહે.’
‘એ અઘરું છે પણ પ્રયત્ન કરી જોઉં….’ સુકન્યાએ વિનોદભાઈને વિનંતી કરી કે એ સુધીરભાઈને લગ્નમાં આવવા ફોન દ્વારા પણ આગ્રહ કરે. વિનોદભાઈએ કહ્યું કે એમણે કંકોતરી મોકલી દીધી છે. સાથે પત્ર પણ લખ્યો છે. હવે ફોન કરવાની જરૂર નથી. એટલું ઝૂકી જવાનું પણ ઠીક નહીં.

સુકન્યાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો.
સુધીરભાઈને કંકોતરી મળી પણ છેક સુકન્યાનાં લગ્નના દિવસે.
‘જોયું ?’ સુધીરભાઈએ રાહુલને કહ્યું : ‘તારો કાકો કેટલો હોંશિયાર છે ! આજે લગ્ન છે ને આ કંકોતરી આજે જ મળી.’
‘પપ્પા, આંગડિયાની ઢીલના કારણે….’ રાહુલે દલીલ કરવા કોશિશ કરી. પણ સુધીરભાઈએ એને રોક્યો : ‘હવેથી મને તું વિનોદ સાથે સંબંધ જોડવા માટે આગ્રહ ન કરીશ.’ સુકન્યા લગ્નની સવાર સુધી રાહુલની પ્રતીક્ષા કરતી રહી. વિનોદભાઈએ હિનાબહેનને કહ્યું : ‘જોયું ? મને તો ખબર જ હતી કે સુધીરભાઈ નહીં આવે. તમે મને હજી ફોન કરવા માટે દબાણ કરતાં હતાં. મેં ફોન કર્યો હોત તો સુધીરે મને લગ્નમાં આવવાની રોકડી ના પાડી દીધી હોત કે બીજું કંઈ ? મારી ઈચ્છા એની સાથે સંબંધો સુધારવાની હતી જ પણ એક હાથે તાળી કેવી રીતે પડે ?’

લગ્નમાં જવ-તલ હોમવાનો સમય થયો. એ વિધિ માટે ભાઈની જરૂર પડે. સુકન્યાને રાહુલનું સ્મરણ થઈ આવ્યું. એણે આસપાસ બેઠેલા કુટુંબીજનો પર દષ્ટિ ફેરવી. આ બધા વચ્ચે, અહીં જ ક્યાંક રાહુલ હોઈ શકત, પણ……

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

41 thoughts on “ગેરસમજ – બકુલ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.