ગેરસમજ – બકુલ દવે

[‘મુંબઈ સમાચાર’ વસંત-વિશેષાંકમાંથી સાભાર.]

સુકન્યાનાં લગ્નને હવે દસ જ દિવસ રહ્યા હતા. વિનોદભાઈએ ઓફિસમાંથી ત્રણ અઠવાડિયાંની રજા લીધી હતી. ઘરમાં પહેલો પ્રસંગ હતો ને તે પણ દીકરીનાં લગ્નનો. કેટકેટલાં કામ એમણે એકલે હાથે કરવાનાં હતાં ને એ પણ જોવાનું હતું કે ક્યાંય કશી ઊણપ ન રહી જાય. સૌને લાગવું જોઈએ કે વિનોદભાઈએ દીકરીને ઠાઠથી પરણાવી.

વાડી બુક થઈ ગઈ હતી. કર્મકાંડી બ્રાહ્મણ અને કેટરર્સનો સંપર્ક પણ થઈ ગયો હતો. લગ્નના આગળના દિવસે દાંડિયારાસનો કાર્યક્રમ ગોઠવવાની સુકન્યાએ ના પાડી. એની ઈચ્છા સંગીતની મહેફિલ થાય તેવી હતી. તે માટે અમદાવાદથી કલાકારો બોલાવવા. ખર્ચ વધી જશે. વિનોદભાઈને થયું, પણ કંઈ નહીં, દીકરીની ઈચ્છા છે તો ભલે સંગીતનો કાર્યક્રમ પણ થઈ જાય. મેનુ પણ નક્કી કરી નાખ્યું, ‘સો રૂપિયાની ડિશ થાય કે દોઢસોની. કશી કચાશ રહેવી ન જોઈએ.’ વિનોદભાઈએ હિનાબહેનને કહ્યું. હિનાબહેન મલકી ગયાં. પોતાના પતિને એમણે આટલા ઉત્સાહમાં ભાગ્યે જ જોયા હતા. ઘરમાં શુભ પ્રસંગ આવ્યો હતો તે દીપી ઊઠે એવો બનાવવા એ કશી બાંધછોડ કરવા તૈયાર ન હતા.

સાંજે વિનોદભાઈએ હિનાબહેનને પૂછ્યું, ‘હવે શું બાકી રહે છે ?’
‘હવે…..’ હિનાબહેને ક્ષણ વાર માટે વિચાર્યું ને બોલ્યાં : ‘કંકોતરી છપાઈ ગઈ કે નહીં તે જરા પૂછી લો ને. છપાઈ ગઈ હોય તો લખીને રવાના કરી દઈએ.’ વિનોદભાઈએ સરસ્વતી પ્રિન્ટીંગ પ્રેસને ફોન જોડ્યો. કંકોતરીઓ છપાઈ ગઈ હતી. રાત્રે વિનોદભાઈ અને હિનાબહેન કંકોતરીઓ લખવા બેઠાં. યાદી સાથે રાખી જેથી કોઈનુંય નામ રહી ન જાય. રાત્રે દોઢ વાગી ગયો.
‘હાશ !’ વિનોદભાઈએ સોફામાં પગ લંબાવ્યા, ‘એક કામ પૂરું થયું.’
‘હા.’ હિનાબહેને માથું હલાવ્યું.
‘કોઈ રહી જતું નથીને ?’
હિનાબહેનના હોઠ પર એક નામ આવી ગયું, પણ એ બોલી શક્યાં નહીં. એમને ડર લાગ્યો. પોતે ઈચ્છે છે તે વિનોદભાઈને મંજૂર ન હોય તો ? તો નકામી ચર્ચા થાય ને ઉદ્વેગ વધે.

જોકે સુકન્યાએ સવારે બિનધાસ્તપણે જણાવી દીધું, ‘પપ્પા, રાહુલને બોલાવીએ તો ?’
રાહુલ એટલે વિનોદભાઈનો ભત્રીજો. સુધીરભાઈનો દીકરો. સુધીરભાઈ વિનોદભાઈના મોટા ભાઈ. વિનોદભાઈ ચોંક્યા. એમણે હિનાબહેન સામે જોયું. રાહુલને બોલાવવાનો અર્થ એ થાય કે સુધીરભાઈને પણ લગ્નમાં નિમંત્રણ પાઠવવાનું. વિનોદભાઈને ઈચ્છા ન હતી. છેલ્લાં આઠ વર્ષથી બે ભાઈઓ વચ્ચે બોલવાના સંબંધ પણ ન હતા. સુધીરભાઈએ ક્યારેય એવો અણસાર પણ આપ્યો ન હતો કે વિનોદભાઈ સાથે સંબંધ નથી તે વાતને લઈને એ દુઃખી છે, વ્યથિત છે.
‘શું વિચારો છો પપ્પા ?’ સુકન્યાએ પૂછ્યું.
‘બેટા, તને તારા બાપનું સ્વમાન વહાલું હોય તો હવે પછી આ વાત ન કરીશ.’ સુકન્યાના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. વિનોદભાઈ અને સુધીરભાઈની જાણ બહાર એ રાહુલને મળતી હતી. એને રાખડી પણ બાંધતી હતી. રાહુલ એને ભેટ આપતો એ સ્વીકારતી. વિનોદભાઈને એક જ દીકરી સુકન્યા અને સુધીરભાઈને પણ સંતાનમાં માત્ર રાહુલ. કુટુંબમાં માત્ર બે જ ભાઈ-બહેન. રાહુલ સુકન્યાને કહેતો કે જેને અબોલા રાખવા હોય તે ભલે તેમ કરે. આપણે ભાઈ-બહેન છૂટાં નહીં પડીએ.

સુકન્યાને ખરીદી કરવાની હતી. એ ગઈ પછી હિનાબહેન બોલ્યાં :
‘દીકરીને નિરાશ કરી તમે….’
‘તો શું કરું ? સુધીરભાઈને કંકોતરી લખું ?’
‘હા, આપણે નાના છીએ. સહેજ નમીશું તો શું વાંધો છે ?’
‘અગાઉ હું એક-બે વાર એમની સાથે સંબંધો સુધારવાના પ્રયાસ કરી ચૂક્યો છું તે તું જાણે છે.’ વિનોદભાઈએ વ્યથા ઠાલવી.
‘વધુ એક પ્રયત્ન કરો ને….’ હિનાબહેન બોલ્યાં, ‘કુટુંબમાં હરીફરીને તમે બે ભાઈ છો. એટલું જ નહીં, પણ બે ભાઈનાં માત્ર બે જ સંતાન. સુકન્યા અને રાહુલ. લગ્નમાં સુકન્યાને ભાઈની ખોટ નહીં જણાય અને….’ વિનોદભાઈએ હિનાબહેનને વચ્ચે જ અટકાવ્યાં :
‘સુધીરભાઈએ રાહુલની સગાઈ કરી ત્યારે તને કે મને બોલાવ્યાં હતાં ? સુકન્યા પણ એમને યાદ આવી હતી ?’ સુકન્યાને રાહુલે સગાઈ પછી સોનાની વીંટી મોકલી હતી. હિનાબહેનને સુકન્યાએ આ વાત કરી હતી. રાહુલ સુકન્યાને સગાઈની વિધિમાં બોલાવી શક્યો ન હતો. તેમ કરવામાં એને નિષ્ફળતા મળી હતી. સુધીરભાઈ ટસના મસ થયા ન હતા. પણ એ રાહુલને બીજી રીતે એની બહેન પર પ્રેમ દર્શાવતાં ક્યાં રોકી શકે તેમ હતા ?

‘જૂનું બધું ભૂલી જઈશું ને સંબંધોનો એકડો નવેસરથી ઘૂંટીશું તો જ પરસ્પર પ્રેમ જાગશે. બીજી વાત એ કે આપણાં સગાંમાં સુધીરભાઈ સિવાય બીજું કોણ છે, નિકટનું ? એ હશે તો લગ્નની શોભા વધી જશે. લગ્નમાં આપણે ગમે તેટલા પૈસા ખર્ચીએ પણ નિક્ટના સગા ન હોય તો ભભકાનો અર્થ શું રહેશે ?’
વિનોદભાઈએ કહ્યું, ‘સારું, તમે કહો તેમ. પણ આ છેલ્લી વાર, પણ સુધીરભાઈ નહીં આવે એની મને ખાતરી છે. એ નિમંત્રણનો અનાદર કરશે….’
‘એવું ન વિચારો. એ જરૂર આવશે.’
વિનોદભાઈએ સુધીરભાઈને કંકોતરી લખી. હિનાબહેનના આગ્રહથી કવરમાં નાનકડો પત્ર પણ બીડ્યો-લગ્નમાં બે દિવસ અગાઉથી આવી જવા માટે જણાવતો. હિનાબહેને સુકન્યાને આ વાત કરી ત્યારે એ ખુશ થઈ ગઈ. એણે રાહુલને ફોન કર્યો, ‘કંકોતરી મોકલી છે. તમે ભાઈજીને સમજાવજો. તમારી સગાઈ થઈ છે તો પાયલભાભી પણ આવે.’
‘જરૂર આવીશ,’ રાહુલે કહ્યું, ‘નિમંત્રણપત્રિકા મળશે એટલે મારા પપ્પાનો વિરોધ ઓગળી જવાનો. એકવાર બેય ભાઈ પ્રસંગમાં ભેગા થાય પછી સંબંધો ફરી યથાવત બની જશે. તું જોજે….’

રાહુલે સુધીરભાઈ એકલા બેઠા હતા ત્યારે દાણો દાબી જોયો, ‘પપ્પા, સુકન્યાનાં લગ્ન છે….’
‘તો શું છે ?’
‘ધારો કે વિનોદકાકા તમને નિમંત્રણપત્રિકા મોકલે તો ?’
‘એવું ધારવું નકામું છે. વિનોદ જિદ્દી છે. એકવાર ગાંઠ બાંધી પછી એ છોડે નહીં.’ રાહુલે ચર્ચા ન લંબાવી. એણે વિચાર્યું કે કંકોતરી મળી જાય પછી સુધીરભાઈને લગ્નમાં જવા માટે એ સમજાવી શકશે. સુધીરભાઈ વિનોદભાઈને જિદ્દી કહે છે પણ એય ક્યાં ઓછા હઠીલા છે. પણ અચાનક જ સુધીરભાઈએ એને આશ્ચર્યમાં મૂકી દીધો. એમણે કહ્યું : ‘બેટા, આપણે લગ્નમાં જરૂર જઈશું, કંકોતરી આવશે તો.’ આ સુધીરભાઈ બોલે છે કે બીજું કોઈ ? રાહુલ એમની સામે જોઈ રહ્યો. જોકે સુધીરભાઈ લગ્નમાં આવવા માટે તૈયાર થયા છે તેની પાછળ પણ એમની ગણતરી છે, રાહુલે વિચાર્યું. એમને પાકી ખબર છે કે એમનો ભાઈ કંકોતરી મોકલવાનો નથી એટલે જ એમણે લગ્નમાં હાજરી આપવાની હા પાડી. પોતાના પુત્ર પાસે એ ખોટા ન ઠરે ને વિનોદભાઈની કંકોતરી ન મળે ત્યારે પુત્ર પણ સમજી જાય કે એના પિતા કેટલા સાચા છે. પણ આવી ગણતરી કરીનેય સુધીરભાઈ લગ્નમાં આવવા બંધાઈ ગયા છે તેનાથી રાહુલ ખુશ છે. કંકોતરી તો મળવાની જ છે. સુકન્યાએ કહ્યું છે ખાતરીપૂર્વક.

લગ્નને ત્રણેક દિવસ બાકી રહ્યા ત્યારે રાહુલે સુકન્યાને ફોન કર્યો : ‘સૂકુ, કંકોતરી હજી મળી નથી.’
‘એ કેવી રીતે બને ?’ સુકન્યાએ જણાવ્યું, ‘પપ્પાએ મારી નજર સામે લખી છે ને આંગડિયા દ્વારા મોકલી છે…’
‘તું તપાસ કરાવ. અમને કંકોતરી મળી નથી. કંકોતરી વગર પપ્પાને હું લગ્નમાં આવવા માટે તૈયાર કરી શકીશ નહીં….’
‘એક વધુ કંકોતરી તમને મોકલી આપું છું,’ સુકન્યા બોલી, ‘મારા હસ્તાક્ષરમાં.’
‘તું કંકોતરી જરૂર મોકલ, પણ બીજું એક કામ પણ કર.’
‘શું ?’
‘તું વિનોદકાકને કહે કે મારા પપ્પાને ફોન કરીને જણાવે કે તે તારા લગ્નમાં હાજર રહે.’
‘એ અઘરું છે પણ પ્રયત્ન કરી જોઉં….’ સુકન્યાએ વિનોદભાઈને વિનંતી કરી કે એ સુધીરભાઈને લગ્નમાં આવવા ફોન દ્વારા પણ આગ્રહ કરે. વિનોદભાઈએ કહ્યું કે એમણે કંકોતરી મોકલી દીધી છે. સાથે પત્ર પણ લખ્યો છે. હવે ફોન કરવાની જરૂર નથી. એટલું ઝૂકી જવાનું પણ ઠીક નહીં.

સુકન્યાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો.
સુધીરભાઈને કંકોતરી મળી પણ છેક સુકન્યાનાં લગ્નના દિવસે.
‘જોયું ?’ સુધીરભાઈએ રાહુલને કહ્યું : ‘તારો કાકો કેટલો હોંશિયાર છે ! આજે લગ્ન છે ને આ કંકોતરી આજે જ મળી.’
‘પપ્પા, આંગડિયાની ઢીલના કારણે….’ રાહુલે દલીલ કરવા કોશિશ કરી. પણ સુધીરભાઈએ એને રોક્યો : ‘હવેથી મને તું વિનોદ સાથે સંબંધ જોડવા માટે આગ્રહ ન કરીશ.’ સુકન્યા લગ્નની સવાર સુધી રાહુલની પ્રતીક્ષા કરતી રહી. વિનોદભાઈએ હિનાબહેનને કહ્યું : ‘જોયું ? મને તો ખબર જ હતી કે સુધીરભાઈ નહીં આવે. તમે મને હજી ફોન કરવા માટે દબાણ કરતાં હતાં. મેં ફોન કર્યો હોત તો સુધીરે મને લગ્નમાં આવવાની રોકડી ના પાડી દીધી હોત કે બીજું કંઈ ? મારી ઈચ્છા એની સાથે સંબંધો સુધારવાની હતી જ પણ એક હાથે તાળી કેવી રીતે પડે ?’

લગ્નમાં જવ-તલ હોમવાનો સમય થયો. એ વિધિ માટે ભાઈની જરૂર પડે. સુકન્યાને રાહુલનું સ્મરણ થઈ આવ્યું. એણે આસપાસ બેઠેલા કુટુંબીજનો પર દષ્ટિ ફેરવી. આ બધા વચ્ચે, અહીં જ ક્યાંક રાહુલ હોઈ શકત, પણ……


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આત્મિક સૌંદર્ય – અવંતિકા ગુણવંત
ઢબુબા – ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’ Next »   

41 પ્રતિભાવો : ગેરસમજ – બકુલ દવે

 1. sima shah says:

  ગેરસમજ છેક સુધી રહી!!!
  ધાર્યુ હોત તો વાર્તાનો સુખાન્ત લાવી શકાત…….
  સીમા

 2. trupti says:

  અંત ના ગમ્યો. પણ શિર્ષક ને બંધ બેસતો અંત.

 3. Viren Shah says:

  જયારે જયારે સમાજનો અભાવ હોય ત્યારે આવી પરિસ્થિતિ ઉભી થાય. તમારે ભાઈને ત્યાં જવા માટે અમાન્ત્રનની રાહ જોવી પડતી હોય એ જ બતાવે છે કે તમારી બુદ્ધિનું સ્તર કેટલું છે. પણ આવી બુદ્ધિનું પ્રદર્શન છેક સામાન્ય માણસો થી લઈને મુકેશ અને અનીલ સુધી વિસ્તરેલું જોવા મળે છે. મને એક પ્રસંગ યાદ આવે છે. અમારા એક ઓળખીતાને ત્યાંથી અમે ફરવા ગયા હતા તો ત્યાં બે ભાઈઓના ફેમીલી સાથે ફરવા ગયા. પાછા આવતી વખતે મારા દેખતા બે ભાઈઓ ચડસા ચડસીએ ચડ્યા. તે પાછા આવતી વખતે કોણ પહેલું ઘરે પહોચે છે એવી ક્ષુલ્લક બાબતમાં એક બીજા જોડે ગાડીની રેસ લગાડવા માંડ્યા. હું એક ગાડીમાં, તે મને કહે કે આજે તો એને બતાવી દેવું છે. આવા જ વિષયને લઈને રેસ મુવી પણ બનેલું છે. છેવટે આવી ગેરસમજ વિનાશને નોંતરે છે.

  • trupti says:

   વિરેનભાઈ,

   ખરી વાત છે પણ અહીં એક પ્રશ્ન થાય છે કે, શું વિનોદભાઈ એ ફક્ત તેમના ઘરના ને અને ખાસ ક્ર્રી ને સુકન્યા ને ખુશ કરવા માટેજ ફક્ત કંકોત્રિ લખવાનુ નાટક જ કર્ય હતુ ને આંગડિયા ને લગ્નના દિવસેજ કંકોત્રિ મળે તે પ્રમાણે કંકોત્રિ આપી હશે?
   માણસ ના મન ગમે તેટલા ઉંચા થાય પણ પ્રસંગે (સારા કે નરસા) જો સગા આવી ને ન ઉભા રહે તો તે સગા શું કામના? કહેવાય છે કે.બે ભાઈઓ તો મગના બે ફાડચા જેવા ગણાય.

 4. dhiraj says:

  દરેક વાર્તા નો અંત સુખદ આવે તે જરુરી નથી
  પણ એક વાત ખાસ ગમી
  વિનોદભાઈ ને સમધાન કરવાની ઈચ્છા ન હતી પણ હિનાબહેને આગ્રહ રાખ્યો
  વાસ્તવિકતા મા લગભગ આના થી ઉંધુ થતુ હોય છે.

 5. કૌશલ પારેખ says:

  સુંદર લેખ.

  અંત માં જે રીતે પુણૅ થાય છે. તે જોઈ ને મને મારા ઘર નો પ્રસ્ંગ યાદ આવી ગયો. જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે જો ઘરના કુટુંબ ના સભ્યો સાથે હોય તો આપણ ને વઘુ હિમ્ંત મળી રહેતી હોય છે ને તે પરિસ્થિતિ માં સહેલાઈથી બહાર નીકળવાનો માગૅ મળી રહેતો હોય છે. જેનું ઉદાહરણ મે નજરે જોયેલ છે ને અનુભવ્યું છે.

  કૌશલ પારેખ

 6. Deval Nakshiwala says:

  સુઁદર વાર્તા.

  ઘણી વ્ખત ગેરસમજ સંબંધને ફરી જોડતો અટકાવે છે.

 7. Nothing new, typical, ghar-ghar ki kahani. Roots goes to our religion
  We implement in our day to day life war of ” Kauravs-pandavas” but flately ignoring the love of “Ram-Laxamn”.

 8. nirav says:

  I was hoping for the happy end but………

 9. Himani says:

  કદાચ નસિબ ને પન મન્જુર નતુ કે બન્ને ભ ભાઇઓ મલે………… Nice Story…

 10. rahul says:

  ફાલતુ વાર્તા

 11. pragnaju says:

  સ રસ વાર્તા

 12. shailesh kotecha says:

  ફિલ્મ થોદિસિ બેવફઅયિ નુ એક ગિત ચ્હે જેને શબ્દ ચ્હે તુમ્હે યે જિદ થિ કિ હુમ બુલયે, હુમે યે ઉમ્મિદ વો પુકરે ,
  લોહિ ન સમ્બન્ધો મઆ જિદ ને જતિ કર્વમ નમિથશ ચ્ધે

 13. Vraj Dave says:

  બીજાના પ્રતિભાવ ગમેતે હોય પણ મારી તો આંખો ભીની થઈ ગઈ.

 14. સરસ વાર્તા.પણ અંત સારો આવ્યો હોત તો મજા આવતી..મને એમ કે છેલ્લે બંન્ને ભાઇઓ ભેગા થાઇ જશે.પણ એવું ના થયું

 15. MUKESH says:

  ખુબ સરસ.

 16. beena says:

  સરસ, સુખદ અન્ત નેી કલ્પના હતેી, બસ એટલુ જ્.

 17. meeta says:

  સત્ય હકિકત છે

 18. Riddhi Doshi says:

  aavu gare samaj apdi life ma pan bantu hoi che jena karane apde ek bija thi durr thata jaiye che…

 19. Piyush Patel says:

  બહુ સરસ્

 20. Tyagi Mehta says:

  ગેરસમજ થિ જ દુનિયા મા સમ્બન્ધો fridge થાય , દુખ બહુ થાય ,વડિલો ના વાન્કે

 21. Bhoomika oza says:

  ક્યારેક સંબધોમાં ગેરસમજ એટલી વધી જતી હોય છે કે મૂળ કઈ વાત થી અબોલા થાય છે તે પણ યાદ રેહતું નથી. આ વાર્તામાં ભાઈ-બેન તો એક બીજા સાથે છે તેમના સંબધોમાં પ્રેમની મીઠાશ જળવાઈ રહે………….તેવી આશા.

 22. I just wish that these kinds of misunderstandings should not happen in our lives.

  Very nice and practical story.

  Thank you for writing and sharing this with us Shri Bakul Dave.

 23. navin patel says:

  વાર્તામા કઈક અધુરુ રહી ગયુ હોય તેમ લાગ્યુ

 24. sahadev says:

  મરો શોખ મને વાચવા મજબુર કરે મને ગમે

 25. સમાજ મા આવુ જોવા મળે ચે

 26. Shital says:

  Very sed for me as a sister….

 27. Hitesh Mehta says:

  જિદિ લોકો સમજ માટે કલન્ક છે

 28. harshad thaker says:

  This remains only narration of an incident, no conclusion, this is life, but we all believe in ખા ધુ પીધુ ને મોજ કરી. પણ
  that is also not there, a writer can send Snehal and show the maturity between the two.
  I hope this must a first attempt for writing, any way keep it up.

 29. Disha says:

  Amara family ni j story che. Ane mara ppa expire thaya pchi pan eno sukhad ant nathi..mara mrg pan haal ma j che. Pan ema saga nai hoy

 30. B.S.Patel says:

  Nice story

 31. shirish dave says:

  સીમા બેને સાચું કહ્યું છે. અંત સારો આવી શકત. આવે છે પણ ખરો. કોરીઅરવાળા જો એક દિવસમાં કંકોતરી પહોંચતી ન કરે તો એક દિવસ વધુ લે. પણ તેથી વધુ સમય તો નથી લેતા.
  તો શું કરવું જોઇએ?
  કંકોતરી આપવા અવે તેને ટીપ આપવી? જેથી તે કમસે કમ કંકોતરીઓ વહેલી પહોંચાડૅ.

 32. Nazmin says:

  Mane to aa puri varta no willan aangdiyaa vada lage che.shej vaheli kankotri pahonchi hot to happy ending thai jat.

 33. મનસુખલાલ ગાંધી says:

  સુંદર વાર્તા, પણ અંત ન ગમ્યો..એ સાચી વાત છે કે અંત સારો ન પણ આવે, પણ, સમાજમાં એક દાખલો બેસાડવા માટે પણ અંત સારો હોત તો વધારે સારું લાગત..

  • સુબોધભાઇ says:

   મનસુખભાઇના પ્રતિભાવ સાથે સંમત થઇ કહેવુ પડે કે ” જે સંદેશ સમાજ ને આપવો હોય તે મુજબ જ વાર્તાના અંત ને લઇ જવો જરૂરી બની જવો જોઇએ.”

 34. Ravi Dangar says:

  આ વાર્તા છે????? આ તો એક સારી ઘટના જેવું પણ નથી…………કંઈક સમજી, વિચારીને લખો અને પછી તેને આવી સારી વેબસાઈટ ઉપર મૂકો.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.