સગર્ભાવસ્થાનું ગીત – રીના મહેતા

[‘અંધકારની નદી’ પુસ્તકમાંથી સાભાર.]

કોરીકટાક હું તો માટી હતી ને
મારી ભીતર એક બીજ એવું ફણગે….
અધરાતે મધરાતે ઝબકીને જાગું
કોઈ લીલુંછમ લીલુંછમ ફરકે…..

સૂકી બપોરની વેળામાં જાણે કે
ઝરમરતાં ફોરાંઓ ઝીલું,
આમતેમ આમતેમ ઊડે પતંગિયાં
કે ખીલું હું ખીલું હું ખીલું….
એકટલાઅટૂલા એક વાયરાને ભેટું તો
વાંસળી થઈને એ તો છલકે….
કોરીકટાક હું તો…..

મારામાં કોઈ ઝીણી પગલી પાડે ને પછી
મારામાં રસ્તાઓ ખૂટે
ટમટમતો તારલો આભેથી ઉતર્યો કે
અંધારે અજવાળાં ફૂટે
હાલરડું હળવેથી રુદિયામાં હીંચે
ને આકાશે દોર એની સરકે….
કોરીકટાક હું તો….

હાથોને હાથો, ને આંખોને આંખો
ને કાનોને કાન બીજાં ઊગે,
સાવ રે સોનાની મારી ઝલમલતી કાયા
કે પ્રાણોના પ્રાણ એને પૂગે,
દર્પણના દરવાજે બેઠી હું જોતી કે
મારામાં બીજી ‘હું’ ધબકે….
કોરીકટાક હું તો…..

Leave a Reply to Dipti Trivedi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “સગર્ભાવસ્થાનું ગીત – રીના મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.