ઓ ઈશ્વર ભજીએ તને…. – ડૉ. નલિની ગણાત્રા

[ ડૉ.નલિની બેનના પુસ્તક ‘અહં હાસ્યાસ્મિ’માંથી સાભાર. આપ નલિનીબેનનો (અમદાવાદ) +91 9428351120 પર સંપર્ક કરી શકો છો.]

‘ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ.’ આ પ્રાર્થનામાં સ્વાર્થ સિવાય શેનીય ગંધ આવતી હોય તો મારાથી થઈ ગયેલા બધા પરમાર્થ તમારે નામ વાચકો, જાવ ! ઈશ્વરને સાવ ઈમ્મેચ્યૉર સમજી રાખ્યો છે ? સબૂર, ઈશ્વરે પોતાની બુદ્ધિ ભણવામાં વેડફી નથી નાખી ! એટલે એની કોઠાસૂઝ અકબંધ છે. આ તો બધા એને દયાળુ, દીનાનાથ, દીનબંધુ ભગવાન, પરમકૃપાળુ, કરુણાનિધાન આવાં આવાં નામાભિધાન કરતાં હોય એટલે ઈશ્વર સીધો ગુસ્સો ન કરે પણ એ મખમલમાં વીંટળાયેલી લાકડી સ્વરૂપે પ્રાર્થના પહોંચી ગયાની પહોંચ મોકલાવે છે. એટલે કે માણસને ‘થાય અમારાં કામ’માં માંગ્યા મુજબ દીકરાનું દાન આપે. અને પછી ભગવાન બબડે કે સુદામા, હવે ડૉલરની કમાણી વગર તારા દીકરાને ડૉક્ટર બનાવી જો !

આ પ્રાર્થના કરતા ઠગભગતો પોતાના સગાસંબંધીનેય ભગવાનની જેમ ભોળા માનીને ભોળવવા પ્રયત્ન કરતા હોય છે. પણ પૃથ્વી ઉપર તો માત્ર ‘શંભુ ભ’ઈ’ હોય. ‘ભોળા શંભુ’ નહીં, એટલે બધા હૈડ….હૈડ…. કરતાં ફટકારીને ભગાડે. એટલે વળી પાછા આ ઠગભગતો પ્રાર્થનાના પગથિયે ચડે. ‘…..તુમ હી હો માતા… પિતા તુમ હી હો, તુમ હી હો બંધુ સખા તુમ હી હો….’ આવું ‘માતા’થી ‘સખા’ સુધીનું સંબંધોનું પેકેજ ભગવાને એને આપ્યું’તું, પણ વાપરતાં ન આવડ્યું. એટલે ‘તુમ હી હો માતા….’ કહીને માલ પરત કરવા પહોંચી જાય. એટલું જ નહીં, પરંતુ એ પ્રાર્થના ગાતો હોય અને તે વખતે માતા, પિતા, બંધુ, સખા પાછાં એની સાથે સમાધાન કરવા આવે તો પ્રાર્થનાની બીજી પંક્તિઓ ગાવાય ઊભો ન રહે ! અને ‘ઈચ ગાર્ડ’ની જેમ ઈશ્વરને બાય-બાય કરીને શ્રાદ્ધમાં ભળે એમ સગા ભેગો ભળી જાય ! આમ માણસ ઈશ્વરનો ‘સંકટ સમયની સાંકળ’ તરીકે જ ઉપયોગ કરતો આવ્યો છે ! સંકટ આવ્યું નથી કે સાંકળ ખેંચી નથી. છ-છ છોકરીઓનો જેને બહોળો અનુભવ હોય છતાં સાતમી સલૌની દગો દે તો આ છત્રીસી છાતીવાળો છગન ઢીલોઢફ થઈને ભગવાનને શંકા-પ્રશ્ન કરે કે… ‘દુનિયા બનાને વાલે ક્યા તેરે મનમેં સમાયી….? કાહે કો દુનિયા બનાયી ?’ કેમ જાણે ઈશ્વરે કમાવા માટે દુનિયા બનાવી હોય અને દુનિયાનું બિલ્ડિંગ બાંધવામાં કપચી કૌભાંડમાં 40 ટકા કટકી કરી હોય ?!

ભલા માણસ, ઈશ્વરે તો તને સુંદર ‘લાઈફ કીટ’ આપી છે. પણ તું આડેધડ ઉપયોગ કરીને ઉપાધિ ઊભી કરે છે. એણે તો કીટમાં મરચું અને સાકર, ટાંકણી અને તલવાર બધું મૂક્યું છે. તું ઍસિડીટીમાં સાકરને બદલે મરચું ખાય અને મહાભારતનું યુદ્ધ લડવામાં તલવારને બદલે ટાંકણી લઈને જાય છે અને પછી ગરીબડો થઈને ગાય છે…. ‘બનાકે ક્યૂં બિગાડા રે…. ઉપરવાલે….. ઉપરવાલે….!’ ખરેખર તો ઈશ્વર સૃષ્ટિ રચીને થાકી ગ્યો’તો એટલે પોતાનો ચાર્જ સોંપીને વૅકેશન લઈ લેવાય એટલે એણે માણસનું સર્જન કર્યું. પરંતુ માણસે તો ફરિયાદો અને અરજીઓ (અરજો) કરી કરીને ઈશ્વરને થકવી નાંખ્યો. ‘ભગવાન, આજે મને મૂડ નથી. મારા બોસે મને ખખડાવી નાખ્યો. મહેરબાની કરી તમે એનું સત્યનાશ વાળી નાંખો ને !’ આવું આવું સાંભળીને ઈશ્વરને બિચારાને આકાશ જગ્યા આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય ! ઉત્સાહી ઈશ્વરનો ફલેશબેક જોઈએ તો આપણને દયા આવશે કે….. ‘ક્યા ઉસકી તમન્ના થી, ક્યા સામને આયા હૈ….?’

ઈશ્વરે સૃષ્ટિ રચવાની શરૂઆત કરી ત્યારે સહુ પ્રથમ ખાડો ખોદ્યો. એનાથી માટીનો ટેકરો થયો. એનો પહાડ બનાવ્યો. ઈશ્વર હેન્ડસમ પહાડની પર્સનાલિટીથી પ્રભાવિત થયા, પણ ‘ધૂમ મચા દે ધૂમ મચા દે ધૂમ’ ગીત ફુલ વોલ્યુમમાં મૂક્યું તોય પહાડ એક પોઈન્ટ જેટલોય હલ્યો નહીં ! ઈશ્વરને પેરાલાઈઝ્ડ પહાડની સંવેદનાહીન રૂક્ષતા ખટકી. પછી એમણે સતત વહેતા ઝરણાનું સર્જન કર્યું. એમાં બ્રેક મૂકવાની રહી ગઈ ! ઘાંટો પાડીને ધમકાવો તોય હેંડ્યું જ જાય…. હેંડ્યું જ જાય….. પછી ફૂલ બનાવ્યાં. તો ફૂલનું હાસ્ય પણ દીવાલે લટકતા આપણા ફોટા જેવું એકધારું હતું ! એકધારાપણાનો કંટાળો કેવો હોય એ તો બધાં પરણેલાને ખબર છે ! પછી ઈશ્વરે પશુ-પંખી બનાવ્યાં. તો એ બધાં તો વન-વે જેવા બની ગયાં. બધી ક્રિયા-પ્રક્રિયા માણસ જેવી પણ એકબીજાને હૂંફાળા હાય-હલ્લો ન કરી શકે, કે ન પ્રશ્નોત્તરીમાં ભાગ લઈ શકે. ભગવાનને તો સેમિનાર ગોઠવવા ભારે થઈ પડ્યા. પછી ઈશ્વરે એક ઊંડા નિસાસા જેવો લાંબો વિશ્રામ લીધો. અને પછી….. એક ‘ઓલ ઈન વન’ આઈટમ તરીકે આદમીનું સર્જન કર્યું !

ભગવાને માણસમાં ‘મન’ નામની ચમત્કારિક ચીજ મૂકી. અને ભગવાને ગીત ગાયું ‘મન હી દેવતા, મન હી ઈશ્વર, મન સે બડા ન કોઈ….’ આ મન કલચ, ગીઅર, બ્રેક અને એક્સીલેટર બધાના રોલ કરે. મન બ્રેક મારીને ધ્યાનમાં બેસી જાય તો શરીર પહાડની જેમ સ્થિર થઈ જાય. માણસે મનથી બુદ્ધિ જગાડીને પેરેશૂટની શોધ કરી ને પંખીની જેમ ઊડ્યો. ‘માણસ મેરેથોન દોડમાં વહેતા ઝરણાંને હંફાવી દે એટલું દોડી શકે છે, અને અમ્પાયર સીટી મારીને ‘સ્ટૉપ’ કહે તો ઊભો રહે પાછો; ઝરણા જેવો ઉછાંછળો નહીં ! અને ઈશ્વરની ઈચ્છા મુજબ હાય-હલ્લો તો હોલસેલમાં !! હવે ઈશ્વરને કંઈ ચિંતા જ ન રહી. માણસ પણ ઈશ્વરની જેમ ધારે તે કરી શકે…. ધારે તે મેળવી શકે એવો બન્યો. માણસે ખાઉધરાની જેમ ખાવું હોય તો ખાઈ શકે છે અને ભૂખમરાની જેમ ભૂખ્યા રહેવું હોય તો એમ પણ કરી શકે. નજીકના ચશ્માંથી દૂરનું અને દૂરના ચશ્માંથી નજીકનું જુએ ! એની મ….ર….જી ! સુરતની સૂતરફેણી અમદાવાદમાં બેઠો બેઠો ખાય કે ચાહે તો નિદ્રાસુખ ભોગવે કે પછી ઉજાગરો કરીને નિંદારસ પીવે તોય પોલીસ પકડે નહીં ! બૂચા નાકવાળા થવાની ઈચ્છા થાય તો ચીન જઈ શકે, નહીં તો ઘેર બેઠા બેઠા નાકને ભીંત ભટકાડીનેય બૂચો થઈ શકે ! માથું ઓળવાનો કંટાળો આવે તો ટોલિયું કરાવી નાંખે. બ્રશ કરવાનું ન ગમતું હોય તો સવારે જાગવાનું જ નહીં !

વાંચવું હોય તો વાંચવાનું, નહીં તો પેપર (છાપું) પછાડીને ઊભા થઈ જવાનું. આંખ એ કાંઈ કચરાપેટી નથી. (પણ મૂળચંદ આવાં સુખ ભોગવી ન શકે. વાંચ્યા વગર કંટાળવાનો આનંદ પામી ન શકાય ને !) હાસ્ય એ સ્વાસ્થ્યનો પર્યાય હોવા છતાં ઈચ્છા ન હોય તો ટીપુંય ન હસો તોપણ W.H.O. વાળા સજા ન કરી શકે ! યુદ્ધકથા શાંતિથી બેસીને વાંચો કે ભૂતકથા અંધારામાં વાંચો – નો ઓબ્જેકશન એટ ઓલ ! તમે લગ્ને લગ્ને કુંવારા રહી શકો, કારણ કે એવી કહેવત છે. હું તો સહેજ પણ હલ્યા વગર રાસની રમઝટ બોલાવું છું, બોલો ! મા….રી….મરજી..! ગમ નાંખ્યો ઝીરો ગીઅરમાં અને આનંદને આપ્યું એક્સીલેટર !! આમ દરેક માણસ બાદશાહીથી જીવી શકે એવી વ્યવસ્થા ઈશ્વરે કરી આપી છે. સુખી તો જાતે થવું પડે ! ગોળ જે ખાય એને જ ગળ્યો લાગે. ગોળ ખાય ગણપત અને ગળ્યું ગિરીશને લાગે એવું ન બને. મુક્તિની આવી જાહોજલાલી આપી છે ઈશ્વરે તોપણ મૂળચંદ ગીત આવું ઓશિયાળું જ ગાય…. ‘તેરી પનાહો મેં હમેં રખના…..!’

ભોગવવા માટે સો વર્ષ પણ ઓછાં પડે એટલાં બધાં આનંદધામો ઈશ્વરે ઠેર ઠેર ઊભાં કરેલાં છે, પણ મૂળચંદ મન-બુદ્ધિનું બારણું 24 કલાક બંધ રાખે પછી કહે, પવન જ નથી, નર્યો બફારો છે. અને સીધો લલકારશે કે…. ‘તકદીર કા ફસાના, જાકર કિસે સુનાયેં ?’ સહેજ તીખું મરચું ખવાઈ ગયું નથી કે… ‘મંગલ મંદિર ખોલો દયામય…..!’ ગાયું નથી. ડોબા, મરચા માટે મંદિર ન ખોલાવરાવાય, છાનો માનો ગોળનો ડબ્બો ખોલ અને ગોળ ખા !

ઈશ્વરે તો ઓપન યુનિવર્સિટી જ બનાવી છે. સીલેબસ પણ સહેલો અને સરળ. જીવનના બધા જ પ્રશ્નોનો જવાબ મળી રહે એવું એક જ પુસ્તક ભણવા માટે આપ્યું છે, જેનું નામ છે : ‘વાવો તેવું લણો’ અને આના પ્રાત્યાક્ષિક (પ્રાયોગિક) અભ્યાસ માટે ઠેર ઠેર પ્રત્યક્ષ પ્રમાણો પણ મૂક્યાં છે. જેમ કે આંબો, બાવળ, જાંબુ અને ઝેરકોચલું. અભ્યાસ કર્યા વગર જીવનની પરીક્ષાઓ આપે પછી કારેલાના વનમાં કેરી ગોતે ! આમાં ઈશ્વર બિચારો શું કરે ?

આપણે જે મૂળચંદને ગદ્યમાં સહન નથી કરી શકતાં એને ભગવાને પદ્યમાં સહન કરવો પડે છે. આપણે તો કંટાળીને ‘ઉપર’ જઈએ પણ ભગવાન ક્યાં જાય ?! નીચે તો બધા ટાંપીને જ બેઠા છે, આવે એટલી વાર છે ! પછી ભગવાન ગાશે…. ‘જાઉં કહાં બતા અય દિલ…’ ખરેખર તો ભગવાન પાસે આળોટીને આભાર માનીને પૂછવાનું હોય કે, હે ભગવાન, તારી એવી તે શી મજબૂરી હતી કે અમને આટલું સુંદર, બાદશાહી જીવન આપ્યું ?! માણસને બનાવીને ભગવાન બોલી ઊઠ્યા’તા કે ‘મેરા જાદુ ચલ ગયા’ પછી માણસને રોદણાં જ રોતો દીઠ્યો ત્યારે ઈશ્વરે એમ કહીને નાદારી નોંધાવી છે કે ‘મેરા જાદુ ફેઈલ ગયા….!’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પ્રેરક કથાઓ – સંકલિત
દસ રૂપિયા ! – હરિશ્ચંદ્ર Next »   

17 પ્રતિભાવો : ઓ ઈશ્વર ભજીએ તને…. – ડૉ. નલિની ગણાત્રા

 1. pragnaju says:

  ઓ ઇશ્વર ભજીએ તને…નાનપણથી ગાતા આવેલ તે પ્રાર્થનાનો રમુજી શૈલીમા સુંદર વિવરણ.
  પ્રાર્થના તો આત્માનો ખોરાક છે, પરમાત્મા સુધી જવાની કેડી છે, આપણી કાલીઘેલી વાતોને પરમાત્માને જાણ કરવા માટેનો રસ્તો છે. સાચા મનથી અને નિખાલસ ભાવે તેમજ સંપૂર્ણ વિશ્વાસ રાખી કરેલી પ્રાર્થનાને પરમાત્મા જરુર સાંભળે છે. જીવન જ્યોત માટે, જીવન જે હેતુ માટે મળ્યું છે તે હેતુ ચરિતાર્થ કરવા માટે પ્રાર્થના અનિવાર્ય છે.પવિત્ર હદયમાંથી નીકળેલા પ્રાર્થનાના શબ્દો ક્યારે ય વ્યર્થ જતા નથી.નિખાલસ ભાવથી અને સાચા મનથી કરેલી પ્રાર્થનાથી આપણેને આપણા કર્તવ્યનો ખ્યાલ આવે છે અને આપણે કર્તવ્ય પરાયણ બની સાચા કર્મો કરવા પ્રયત્નશીલ બનીએ છીએ. અને આમ સાચુ કર્તવ્ય જ પ્રાર્થના બની જાય છે. પ્રાર્થના એટલે ભગવાન સાથે શ્રધ્ધા અને વિશ્વાસ પૂર્ણ રીતે કરેલો ભાવાત્મક સંવાદ.
  . પ્રાર્થના એ તો અંતઃકરણમાંથી નીકળતા શબ્દો છે, અંતઃકરણની આરઝૂ છે, જે બીજાને સંભળાવવા માટે નથી પણ પરમ તત્વને યાદ કરી તેણે આપણા ઉપર કરેલી કૃપા માટે તેનો હ્નદય પૂર્વકનો આભાર માનવા માટેની યાચના છે.
  પ્રાર્થના એ તો ઈશ્વર સાથે સધાતો સંવાદ છે અને આવો સંવાદ જરુર પરિણામદાયી રહે છે.,,,,,,,,,,,,,,,,,,,,આવું વ્યંગ દ્વારા સરસ રજુઆત

 2. the wonderful uses of the FILMY SONGS ;;;;;the presence of mind,,,,in real sense a true humorous aricle,

 3. Hiral says:

  એકદમ વાહ…વાહ…., વાહ ….વાહ, આર્ટીકલ…..

  ખડખડાટ હાસ્ય અને એમાં જીવનનો બોધપાઠ……અતિ ઉત્તમ.

  ——
  સૌથી સરસ આ વાક્યો…..
  —–
  હું તો સહેજ પણ હલ્યા વગર રાસની રમઝટ બોલાવું છું, બોલો ! મા….રી….મરજી..! ગમ નાંખ્યો ઝીરો ગીઅરમાં અને આનંદને આપ્યું એક્સીલેટર !! આમ દરેક માણસ બાદશાહીથી જીવી શકે એવી વ્યવસ્થા ઈશ્વરે કરી આપી છે. સુખી તો જાતે થવું પડે ! ગોળ જે ખાય એને જ ગળ્યો લાગે. ગોળ ખાય ગણપત અને ગળ્યું ગિરીશને લાગે એવું ન બને. મુક્તિની આવી જાહોજલાલી આપી છે ઈશ્વરે તોપણ મૂળચંદ ગીત આવું ઓશિયાળું જ ગાય…. ‘તેરી પનાહો મેં હમેં રખના…..!’


  અને હા, આ તો બહુ જ ગમ્યું….
  —-
  ઈશ્વરે તો ઓપન યુનિવર્સિટી જ બનાવી છે. સીલેબસ પણ સહેલો અને સરળ. જીવનના બધા જ પ્રશ્નોનો જવાબ મળી રહે એવું એક જ પુસ્તક ભણવા માટે આપ્યું છે, જેનું નામ છે : ‘વાવો તેવું લણો’ અને આના પ્રાત્યાક્ષિક (પ્રાયોગિક) અભ્યાસ માટે ઠેર ઠેર પ્રત્યક્ષ પ્રમાણો પણ મૂક્યાં છે. જેમ કે આંબો, બાવળ, જાંબુ અને ઝેરકોચલું. અભ્યાસ કર્યા વગર જીવનની પરીક્ષાઓ આપે પછી કારેલાના વનમાં કેરી ગોતે ! આમાં ઈશ્વર બિચારો શું કરે ?

  મૃગેશભાઇ અને નલિનીબેનનો આભાર.

 4. જગત દવે says:

  અરે……આ તો હાસ્યમાં આઘ્યાત્મ. એકદમ સચોટ કટાક્ષ. લેખિકા ડૉ.નલિની બેન ને ધન્યવાદ.

  શ્રી અવિનાશભાઈની નીચેની રચના યાદ આવી ગઈ.

  હુતુતુતુ હુતુતુતુ હુતુતુતુ
  જામી રમતની ઋતુ
  આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
  જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ

  તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
  પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
  વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
  પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

  એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
  ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
  ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
  હોય જગ જાગતું કે હોય સૂતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

  મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢૂંઢે
  ધનની પાછળ ધન દોડતું પ્રપંચ ખેલી ઊંડે
  જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
  કયારે મળે લાગ અને ક્યારે લૂંટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

  ભેરુનો દેખાવ કરીને ખેલ ખેલતાં ઊંચે શ્વાસે
  પર ને કેમ પરાજિત કરવો અંતર પ્રગટી એક જ આશે
  વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
  ખાકનાં ખિલોના રમે સાચું અને જૂઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

  • Ashish Dave, Sunnyvale, California says:

   Thanks for sharing a perfect song at a perfect time Jagatbhai… એક વાર ગણગણ્યા પછી બે ત્રણ દિવસ મગજમા એની ટેપ વાગ્યા કરશે…

   Ashish Dave

 5. ઈશ્વરના નામે પથરા તરે, ને
  ઉકળતા તેલમા ભજીયા તરે.

  રાત્રે મરચાના ભજીયા ખાય
  ગોળ ખાવાથી મટી તો જાય
  પરંતુ કર્મફળમાંથી બચાય?
  બીજી સવારે પશ્ચાત્તાપ થાય
  (પશ્ચાત્તાપ = પાછળથી તાપ લાગે)

 6. મને આ કૃતિ બહુ ગમી.ફિલ્મી સઁગેીતરસ
  સાથે વ્યઁગાત્મક ભાષા સરળ શૈલીમાઁ છે.
  જીવનનો અઁતિમ માર્ગ તો ઈશ્વર જ ને ?
  મારુઁ પ્ર.બહેન અને કલ્પેશભાઇમાઁ પૂરુઁ
  અનુમોદન છે.

 7. ખુબ સરસ કૃતિ લોકોને આમાં હાસ્ય સરના દેખાઈ હશે પણ મને તો કરુણ કથા લાગે છે (ભગવાનને કથાના નાયક તરિકે મુકીને જોઈ જુઓ તમને પણ કારુણિકા જ લાગશે). નલિનીબેન તમે તો ભગવાનના હૃદયના ભાવો ખુબ સુંદર રીતે જાણ્યા છે. તમે એક સિદ્ધ આત્મા લાગો છો. બીચારો ઈશ્વર (ના મારો બૉસ આઈ.એમ. નાણાવટી નહી આ ઉપર વાળો)….!

 8. ઓ ઇશ્વર ભજિયા તળે, મોટુ સે તુજ નાક,
  ગુણ તારા શિદ ગાઈઍ ખારૂ તારૂ

 9. maitri vayeda says:

  ખુબ જ સરસ.

 10. kantibhai kallaiwalla says:

  Doctor Sahiba, as far as creation(article ) is concerned, it is the best. But this indirect adivice should be given to Bapji, bhaiji , benji and maji(all in plural) who misguide innocent people of mera bharat mahan, by giving lectures on Ramayan, Geeta,Bhagwat instead of telling the truth you saw millet and you will never reap wheat.

 11. Ashish Dave, Sunnyvale, California says:

  હસતા હસાવતા ઘણી ઊચી વાત કરી દીધી…

  Ashish Dave

 12. Dr.Nalini Ganatra says:

  thanks to all the dear readers.
  Keep on reading and inspire me.
  …………dr nalini ganatra

 13. Jay Shah says:

  ઓ ઈશ્વર ભજીયા તળે…. બેઠો-બેઠો ખાય…
  આદુ-મરચા નાખી ને…. મિઠુ ભુલી જાય….

 14. gita kansara says:

  ગ્યાન સાથે ગમ્મત્.મજા આવેી.

 15. Kalidas V,Patel {Vagosana} says:

  નલિનીબેન,
  બહુ મજાનો લેખ આપ્યો.
  મજા આવી ગઈ. ફિલ્મી ગીતોનો આવો યથાર્થ ઉપયોગ પ્રથમ વખતે જોયો.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.