પ્રેરક કથાઓ – સંકલિત

[ બાળકો-કિશોરો માટેના લોકપ્રિય સામાયિક ‘ચાંદામામા’માંથી (એપ્રિલ-2011) અત્રે કેટલીક પ્રેરક કથાઓ પ્રસ્તુત છે. ચાંદામામાનું વાર્ષિક લવાજમ રૂ. 240 છે. વધુ માહિતી માટે www.chandamama.com ની મુલાકાત લેવા વિનંતી.]

[1] ગરીબ વર – કરિશ્મા જૈન

સિયારામની જિંદગી એક ગરીબ ખેડૂતના રૂપમાં શરૂ થઈ હતી. જોતજોતામાં ખૂબ મહેનત કરવાને કારણે તે પૈસાદાર બની ગયો. તેની પાસે ઘણું ધન ભેગું થઈ ગયું હતું. તેને એક માત્ર પુત્રી હતી રાધા. નાનપણથી જ રાધા ઘણી સૌમ્ય અને સુશીલ હતી. મોટાઓને ખૂબ આદરભાવ આપતી.

રાધા હવે ખૂબ સમજુ થઈ ગઈ હતી. ઘણા ગામ અને શહેરથી રાધા માટે માંગા આવવા લાગ્યા. તે ભણી પણ હતી અને સુંદર પણ હતી. સિયારામે ચોખ્ખું જ કહી દીધું હતું કે તે પોતાની દીકરીનો વિવાહ કોઈ ગરીબ ઘરમાં નહીં કરે. સિયારામની વાત સાંભળીને પડોશી ગામે રહેતા વિજય નામના છોકરાના મનમાં આશા જન્મી કે રાધા સાથે પોતે લગ્ન કરી શકશે. હા, વિજય પૈસાદાર હતો. કરોડપતિ જ કહેવાય. તે ગામની અડધી જમીન તો તેની જ હતી. ચાર દુકાનો-વ્યાજનો ધંધો અને ત્રણ મોટા મોટા મકાનો. આ બધાનો તે માલિક હતો. તેણે એક દિવસ દયારામ પંડિતને બોલાવીને કહ્યું :
‘પંડિતજી ! હું આટલો પૈસાદાર છું, છતાં હું રાધા સાથે એટલા માટે લગ્ન કરવા ઈચ્છું છું કે તે સુંદર અને ભણેલી-ગણેલી છે. એક લાખ રૂપિયા દહેજમાં આપે તો બસ, હું રાધા સાથે લગ્ન કરવા તૈયાર છું. તમે જાવ અને સંબંધ-સગાઈ પાકી કરીને આવો. જો સિયારામ એક લાખ રૂપિયા આપવા માટે અસમર્થ હોય તો એંસી હજારમાં પણ વાત પાકી કરી નાખજો. તમે જો મારું આ કામ કરી આપશો તો હું તમને એક હજાર રૂપિયા ઈનામ આપીશ.’

હજાર રૂપિયાની લાલચમાં પડીને પંડિત દયારામ ખૂબ ઉત્સાહથી સિયારામને ઘેર જવા નીકળ્યો. ત્યાં જઈને વિજય વિશે તેણે બધું જણાવ્યું. બધી વાતો સાંભળીને સિયારામે કહ્યું, ‘પંડિતજી, મેં તો પહેલાં જ કહ્યું છે ને કે હું મારી દીકરીનો વિવાહ ગરીબ ઘરમાં કરવા નથી ઈચ્છતો.’
તે સાંભળી પંડિતજીએ ચોંકીને કહ્યું : ‘વિજય કોઈ રીતે ગરીબ નથી. લાખ રૂપિયા દહેજમાં આપવા કદાચ તમે નહીં ઈચ્છતા હો, તેથી જ તમે તેની ઈજ્જત નથી કરતા !’ પણ સિયારામે તેનો કોઈ જવાબ ન આપ્યો, ત્યારે પંડિત ગુસ્સે થઈ ત્યાંથી હેરાન થતો ચાલ્યો ગયો. પણ, ખરેખર તેનાથી પણ વધુ સારુ માંગુ સિયારામનું ઘર શોધતું આવ્યું. વરનું નામ હતું અજય. દસ કરોડ રૂપિયાનો તે એકલો જ વારસદાર હતો, શહેરમાં તેનો હીરાનો વેપાર હતો. વિજય કરતાં અજય વધારે સુંદર પણ હતો. અજયે દહેજમાં માત્ર પચાસ હજાર જ માંગ્યા. અજયનું માગું લઈને પંડિત બાબુરામ સીધો સિયારામ પાસે આવ્યો. પણ સિયારામે બાબુરામને પણ એ જ કહી દીધું જે તેણે દયારામને કહ્યું હતું. બાબુરામ પંડિત ચોંકી પડ્યો. ગુસ્સે થઈને ધુંઆફુંઆ થતો ત્યાંથી ચાલ્યો ગયો. તે પછી થોડા દિવસ પછી તે ગામનો વિનોદ નામનો એક યુવાન સિયારામ પાસે આવ્યો અને બોલ્યો : ‘હું તમારી પુત્રી રાધાને ચાહું છું. તમારી રજા હોય તો હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું, હું જાણું છું કે તે પણ મને પસંદ કરે છે.

સિયારામે તેને કહ્યું : ‘જો દીકરા, મારી પાસે દસ લાખ સિક્કા રોકડા છે. વીસ એકર જમીન અને ત્રણ માળનું મકાન છે. પણ આમાંથી હું કાંઈ પણ મારી દીકરીને આપી શકું તેમ નથી. ઘડપણમાં માત્ર ધન જ માણસનો સહારો છે. આ ધન અને સંપત્તિ હું મારા ઘડપણ માટે મારી પાસે જ રાખવા માગું છું. મારી દીકરીને આ ઘરમાં જેટલું સુખ અને સગવડ મળ્યાં છે, તેટલું તેને તેના પતિના ઘરમાં પણ મળે – એ હું ઈચ્છું છું. ભલે, તો હવે કહે તો તારી પાસે કેટલી જમીન-સંપત્તિ છે ? અને ઘર-મકાન વગેરે શું છે ?’
ત્યારે વિનોદે કહ્યું : ‘મહોદય, હું ચાર વર્ષ પહેલાં આ ગામમાં આવ્યો છું. ચાર ભેંસ રાખીને મેં દૂધનો વેપાર શરૂ કર્યો છે. અત્યારે મારી પાસે દસ ભેંસો છે અને ચાર એકર જમીન છે. થોડું કરજ કરીને મારું પોતાનું એક ઘર પણ મેં બનાવી લીધું છે. જો બધું બરાબર ચાલશે તો ઘરનું કરજ તો આ વર્ષે ચૂકતે થઈ જશે. મને વિશ્વાસ છે કે હું તમારી દીકરીને એ બધા સુખ-વૈભવ આપી શકીશ જે તમે આજે તેને આપો છો અને બીજી પણ એક વાત હું તમને કહેવા માગું છું, કે તમે એમ વિચારો છો કે ઘડપણમાં માત્ર પૈસો જ તમારો સહારો છે, પણ તે તમારો ભ્રમ છે. ધન એ તો હાથનો મેલ છે. ઘડપણમાં તો બધા તમને છોડીને તમારું ધન હડપ કરવાનો પ્રયત્ન કરશે. તેથી તમે તમારું ધન સારા કામમાં ખર્ચી નાખો અને તેનાથી છુટકારો મેળવો. પછી તમે મારે ઘેર આવીને રહો. તમને હું ખૂબ સંતોષ આપીશ. તમે મારે ઘેર સુખ-શાંતિથી રહી શકશો.’

હવે સિયારામે રાધાના લગ્ન વિનોદ સાથે કરવાની હા પાડી. તે જાણીને દયારામ અને બાબુરામ બંને પંડિતો વિનોદને મળવા આવ્યા. તેમણે વિનોદ સામે પોતાનો સંદેહ પ્રગટ કર્યો.
‘દીકરા, સિયારામે તને કેમ પસંદ કર્યો, તે અમને જરા જણાવ. શું તારી પાસે એવી કોઈ ચાવી છે કે તું વિજય અને અજય કરતાં પણ વધુ ધનિક બની જશે. તે સાંભળીને હસતાં હસતાં વિનોદે કહ્યું, ‘વિજયે રાધા સાથે લગ્ન કરવા માટે એક લાખનું દહેજ માંગ્યું હતું. અજયે પચાસ હજાર માંગ્યા હતા. તેથી સિયારામ આપવાવાળા અને વિજય અને અજય લેવાવાળા બને. એટલે કે તે બન્ને સિયારામથી પણ વધુ ગરીબ બને. લગ્નમાં દહેજ માંગવાવાળો ભિખારી જ કહેવાય. મારી વાત એવી નથી. હું રાધાને દિલથી ચાહું છું. તેને મેળવવા માટે હું મારા સર્વસ્વનો ત્યાગ કરવા તૈયાર છું. મેં કોઈ દહેજ ન ઈચ્છયું અને મેં સિયારામને એ પણ વચન આપ્યું છે કે આગળ જતાં હું એમને પણ મારે ઘેર રાખીને તેમનું ધ્યાન રાખીશ. તેથી હું તેમનાથી પણ વધુ પૈસાદાર કહેવાયોને ?’

આમ સત્ય હકીકત જાણીને, શરમના માર્યા બંને પંડિતો માથું ઝુકાવી ત્યાંથી ચાલ્યા ગયા.
.

[2] શક્કરિયાં – એસ. વેંકટરામન

વાત ઘણી જૂની છે. એક રાજાને એક ગરીબ ખેડૂત મિત્ર હતો. ખેડૂતની ઝૂંપડી જંગલની પાસે જ હતી અને જ્યારે પણ રાજા શિકાર કરવા માટે જંગલમાં જતો, ત્યારે પાછા ફરતી વખતે તે પોતાના મિત્ર ખેડૂતને ઘેર થોડી વાર આરામ માટે રોકાતો. ખેડૂતની પત્ની શક્કરિયાં શેકીને રાજાને આપતી હતી અને બહુ પ્રેમથી રાજા તે શક્કરિયાં ખાઈને ભૂખ મટાડતો હતો.

એક દિવસ કોઈ કામ માટે ખેડૂત રાજધાની જવા નીકળ્યો. ત્યારે કેટલાંક શક્કરિયાં પોટલામાં બાંધીને ખેડૂતને આપતાં તેની પત્નીએ કહ્યું, ‘રાજાને આ શક્કરિયાં બહુ ગમે છે. તે લઈ જઈને તેમને ભેટ રૂપે આપી આવો.’ ખેડૂત એક મોટા શક્કરિયાંને પોટલીમાં બાંધી માથા ઉપર મૂકીને રાજધાની તરફ ચાલી નીકળ્યો.
‘આ બહુ મોટું શક્કરિયું છે અને રાજાએ આટલું મોટું શક્કરિયું જોયું પણ નહીં હોય. એ જ હું રાજાને ભેટ આપીશ.’ ખેડૂતે મનમાં ને મનમાં વિચાર્યું. રાજાના દર્શન કરવા માટે ખેડૂત જ્યારે ગયો, ત્યારે રાજા દરબારમાં હતા. દરબારમાંથી બહાર આવ્યા ત્યારે પોતાના ખેડૂત મિત્રને જોઈને રાજા બહુ ખુશ થયા. તેના ખબર અંતર પૂછી રાજાએ બહુ પ્રેમથી તેની સાથે વાતો કરી. ખેડૂતે પોટલીમાંથી શક્કરિયું કાઢીને રાજાને આપતાં કહ્યું : ‘હું તમારે માટે આ લાવ્યો છું.’

રાજાએ બહુ ખુશીથી તે શક્કરિયું લઈને બાજુમાં ઊભેલા સિપાહીને કહ્યું : ‘આને લઈ જઈને ખજાનચીને આપી દો અને કહો કે આ ભેટ ખજાનામાં સાચવીને રાખે અને હાં, ખજાનચી પાસેથી માંગીને એક હજાર સુવર્ણમહોરો લાવીને આ ખેડૂતને ભેટમાં આપો.’ પછી રાજાએ ખેડૂતને કહ્યું, ‘ચાલો, ભોજન કરવા જઈએ.’ રાજભવનમાં રહેતા બધાને ખબર પડી કે કોઈ આલતુ-ફાલતુ મફતલાલ ખેડૂત તેની સાથે એક મામૂલી શક્કરિયું ભેટમાં લઈ આવ્યો જેના બદલામાં રાજાએ તેને એક હજાર સુવર્ણ મુદ્રાઓની બક્ષિસ આપી. જ્યારે રાજા એટલા મોટા દાની છે તો પછી તેમનો લાભ લેવા એક દરબારીએ એક શ્રેષ્ઠ જાતવાન ઘોડો ખરીદ્યો અને તેને લાવીને રાજાને ભેટ રૂપે આપતાં તેણે કહ્યું :
‘રાજન ! આ ઉત્તમ અને જાતવાન ઘોડો હું તમને ભેટ આપું છું. મહેરબાની કરી તેનો સ્વીકાર કરો.’
બધા દરબારીઓ તે વિચારે રાહ જોવા લાગ્યા કે એક મામૂલી શક્કરિયાના બદલામાં રાજાએ એક હજાર સુવર્ણમુદ્રાઓ આપી હતી, તો આ શ્રેષ્ઠ અશ્વના બદલામાં કેવી ભેટ મળશે ?

રાજાને વાત સમજતા વાર ન લાગી. તેથી પાસે ઊભેલા સિપાહીના કાનમાં રાજાએ ગુપ્તરૂપે કહ્યું, ‘જઈને ખજાનામાં રાખેલા શક્કરિયાને સાચવીને લઈ આવ.’ સિપાહી તરત જ તે મોટું શક્કરિયું લઈ આવ્યો અને તે રાજાના હાથમાં આપ્યું. રાજાએ તે શક્કરિયું પેલા દરબારીના હાથમાં આપતાં કહ્યું : ‘આ શક્કરિયાની કિંમત એક હજાર સુવર્ણમુદ્રાઓ છે. તેં મને એક ઘોડો ભેટ રૂપે આપ્યો છે. તેથી આ શક્કરિયું હું તને ભેટમાં આપું છું !’ આમ પેલા દરબારીની આશા ઉપર પાણી ફરી વળ્યું. તેને લાગ્યું કે પોતાના લોભ માટે રાજાએ તેને સારો પાઠ ભણાવ્યો છે. બીજા દરબારીઓને પણ તેમની ભૂલ સમજાઈ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

24 thoughts on “પ્રેરક કથાઓ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.