સુવિચાર સંચય – સંકલિત

[‘બૃહદ સુવાક્ય સંચય’ પુસ્તકમાંથી સાભાર.]

[1] અંગ્રેજીમાં કહેવત છે તેમ બીજા કોઈ સામે આંગળી ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી પોતાની સામે આપોઆપ વળી જાય છે. સામાન્ય અનુભવ એવો છે કે બેફામ ગાળાગાળી કરનાર લોકો જાતે જ ઘણા અસ્વચ્છ હોય છે, અને ઘણા ખુશામતખોર પણ હોય છે. તેમની ગાળાગાળી મોટે ભાગે તેમની હતાશા અને નિષ્ફળતાના પરિણામરૂપે આવી પડે છે. – નગીનદાસ સંઘવી

[2] શિક્ષકો જો શાંત ચિત્તે વિચારશે, સૂક્ષ્મ વિવેક કરશે તો જણાશે કે દસમાંથી નવ બાબતો એવી છે, જેમાં કાં બાળકને સમજવામાં નથી આવ્યું, કાં તેને પૂરતી સહાનુભૂતિ નથી મળી, કાં તેને વ્યક્ત થવાની તક નથી મળી, કાં તેને યોગ્ય માર્ગદર્શન નથી મળ્યું, કાં તેની સર્જનાત્મકતાને અવકાશ નથી મળ્યો, તેથી તેનું વર્તન ન સમજાય તેવું, અશિસ્તવાળું દેખાય છે. કદાચ તે ભૂલ કરીને પોતાના તરફ ધ્યાન ખેંચવા પણ માંગતું હોય – મનસુખ સલ્લા

[3] આકાશ, અગ્નિ, પૃથ્વી, જળ અને વાયુરૂપે માતા જગતજનની આપણું સતત પોષણ કરી રહી છે, છતાં તેનાં રૂપનાં દર્શન કરવાને બદલે તેના તરફ આપણું દુર્લક્ષ છે. જરૂર છે આપણા ‘મન આડેનો પડદો’ હટાવવાની ! – હરીન્દ્ર દવે

[4] શંકા એ તો મોટામાં મોટો શત્રુ છે. શંકા આપણા હૃદયમાં ડર પેદા કરે છે. આ ડરને કારણે આપણને જે વસ્તુ પર આપણા વિજયની પૂરેપૂરી ખાત્રી હતી તે જ ચીજ સમક્ષ આપણે મસ્તક નમાવી દેવું પડે છે. – શેક્સપિયર

[5] હું ભારતના લોકોને કહું છું કે તમારી પાસે ઘણી, એકદમ સુંદર અને મહાન પરંપરાઓ છે. એને કદી ભૂલશો નહિ. જેનાથી ભારત વિખ્યાત છે, એ આ પરંપરાઓ તમે ભૂલી જશો તો એ વિશ્વ માટે એક ટ્રેજેડી હશે. આજના ખતરનાક સમયમાંથી પસાર થઈ દુનિયા જીવી જશે તો લોકસંસ્કૃતિની પ્રક્રિયા જીવંત રહી આગળ ધપતી રહેશે. – પીટ સીંગર (અમેરિકન લોકસંગીતકાર)

[6] ખૂબસૂરતી હંમેશા જોનારના મનમાં અને એની નજરમાં હોય છે. નહિતર ભૂલ કાઢનારને તો તાજમહાલમાં પણ ખામી દેખાય છે. – સી.બી. જોન્સન

[7] કેટલાક કહે છે કે ‘ગુરુ શા માટે જોઈએ ? તેના લીધે બંધન વધે છે. આપણે આપણા વિચારોથી ભગવાનની પ્રાપ્તિ કરી લેવી.’ પરંતુ આ કહેવાવાળા પણ બીજાઓના ગુરુ જ થાય છે ને ! – શ્રીમાતાજી

[8] સંપૂર્ણ વિશ્વમાં ઉપનિષદ સમાન જીવનને ઊંચે ચઢાવનાર કોઈ બીજો શીખવા જેવો વિષય જ નથી. એનાથી જ મારા જીવનને શાંતિ વળી છે. એનાથી તો મને મૃત્યુ વખતે પણ શાંતિ મળશે. – શૉપનહૉવર

[9] પરમાત્મા પરિગ્રહ નથી કરતા. તે પોતાને જોઈતી વસ્તુ રોજરોજ બનાવી લે છે. – ગાંધીજી

[10] ટ્રેન ચાલે છે, બહારનાં વૃક્ષો સ્થિર છે, પણ આભાસ એ થાય છે કે ટ્રેન સ્થિર છે અને વૃક્ષો ચાલી રહ્યાં છે. કર્મ (ટ્રેન) અકર્મ લાગે છે, અને અકર્મ (વૃક્ષો) કર્મ લાગે છે ! શ્રીકૃષ્ણ કહે છે કે કર્મમાં જે અકર્મને જોઈ શકે છે, અને અકર્મમાં જે કર્મને જોઈ શકે છે એ યોગી છે. સ્થિતિ અને ગતિ બંનેને સમજવું જ્ઞાનીનું કામ છે. – ચંદ્રકાન્ત બક્ષી.

[11] હોશિયાર પુરુષને નિયંત્રણમાં રાખવા માટે મૂરખ સ્ત્રી પણ ચાલે છે, પરંતુ મૂરખ પુરુષને નિયંત્રણમાં રાખવા હોશિયાર સ્ત્રી જ જોઈએ. – બર્નાર્ડ શૉ

[12] માણસના ખરાબ સ્વભાવના સૌથી વધુ કાંટા કુટુંબીજનોને અને મિત્રવર્તુળને વાગતા હોય છે. – ભૂપત વડોદરિયા.

[13] સારા માતાપિતા બનવું એ તો ભગીરથ કાર્ય છે. ઊંડી સમજણ, પ્રેમનિષ્ઠા અને સમર્પણ એ માટે જોઈએ. માબાપ તરીકે આપણે સંતાનો માટે એટલું કરીશું તો પછી આપણે કાઉન્સેલર્સની અને કાયદાઓની જરૂર ઓછી પડશે. – જયવતી કાજી

[14] એક વિદેશીએ પૂછેલા સંસ્કૃતિ વિશેના પ્રશ્નનો ઉત્તર : તમારે ત્યાં જ્યારે સાંજ પડે છે, ત્યારે હોટલોમાં દીવા થાય છે. અને અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે મંદિરોમાં દીવા થાય છે. તમારે ત્યાં સાંજ પડે છે ત્યારે પતિ-પત્ની બધાં કુટુંબનાં માણસો તૈયાર થઈને હોટલોમાં જાય છે. અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે કુટુંબનાં માણસો સાથે બેસીને પ્રભુપ્રાર્થના કરે છે, રામનામ જપે છે. – રવીન્દ્રનાથ ટાગોર

[15] કોઈ માણસમાં એકાદ વાર કોઈ દોષ દેખાય તો એવો કાયમી નિર્ણય ન કરી દેવો કે, ‘આ માણસ તો ખરાબ છે.’ સંભવ છે કે, દોષ જોવામાં તમારો જ દોષ હોય અથવા કોઈ વિશિષ્ટ સંજોગોનો ભોગ બનીને અનિચ્છા હોવા છતાં પણ તેને દોષના ભાગીદાર બનવાની ફરજ પડી હોય. – સંકલિત

[16] જે મનને કે શરીરને દુઃખદાયક છે કે અહિત કરે છે તે વસ્તુ ગમે તેટલી સુંદર હોવા છતાંય અસુંદર છે કારણ કે તે અકલ્યાણકારી છે. જે કલ્યાણકારી છે તે જ સુંદર થઈ શકે છે. – ભગવતીચરણ વર્મા

[17] સુજ્ઞ પુરુષે સ્વાદિષ્ટ ભોજન કદી એકલાં ન કરવું. કોઈ ગૂઢ વિષય પર એકલાં એકલાં વિચાર ન કરવો. માર્ગ પર એકલાં એકલાં ન ચાલવું અને ઘણા લોકો સૂતાં હોય ત્યારે એકલાં ન જાગવું. – મહાભારત

[18] ખોરાક, પાણી અને હવા શરીરને ટકાવી રાખનાર અને એનું આરોગ્ય જાળવી રાખનાર અમૂલ્ય વસ્તુઓ છે. પરંતુ શરીરરૂપી કિલ્લાનો રાજા તો માણસનું મન છે. મન પ્રસન્ન તો શરીર ચપળ, મન સોગિયું તો શરીર ઢીલું. મન ઉદ્વેગમાં તો શરીર રોગી. મન નિરાશ તો શરીર શક્તિહીન. – મોહમ્મદ માંકડ

[19] મનુષ્યદેહધારી જીવે જગતની પંચાતમાં પડ્યા વિના પોતાના સ્વધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. તેણે કોઈને શિખામણ કે ઉપદેશ આપવાની જરૂર નથી. તેણે પોતાની જાતને સતત તપાસ્યા કરવી જોઈએ. તો જ તે પોતાને ઓળખી શકશે અને પરમાત્માની શક્તિ તરીકે કેમ જીવવું તેની ચાવી તેના હાથમાં આવી જશે – કાંતિલાલ કાલાણી

[20] સૂર્યાસ્ત વખતે સૂર્યના કિરણો મધ્યાહ્નકાળ જેટલાં આકરાં નથી હોતાં તો પછી વૃદ્ધાવસ્થા વખતે માણસનો સ્વભાવ યુવાવસ્થા જેવો આકરો હોય એ શી રીતે ચાલે ? – રત્નસુંદરવિજયજી


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દસ રૂપિયા ! – હરિશ્ચંદ્ર
સ્વર્ગાત્ અપિ ગરિયસી – આશા વીરેન્દ્ર Next »   

14 પ્રતિભાવો : સુવિચાર સંચય – સંકલિત

 1. સુંદર સંકલન

 2. Soham says:

  સુંદર વિચારો….
  બર્નાર્ડ શૉ ના વિચારો ની તો કોઈ સરખામણી જ થાય એવી જ નથી…. તેમના રમૂજીપણા ની વાત જ ન્યારી છે…

  મજા પડી ગઈ…

  આભાર….

 3. manisha says:

  GAMYU…..

 4. jayesh patel says:

  well don,add new …….thanks

 5. pragnaju says:

  પ્રેરણાદાયક વિચારોનું સુંદર સંકલન

 6. IT IS INDEED INFORMATIVE,KNOWLEDGEABLE AND INTRESTING BRAVO WELDONE

 7. Veena Dave. USA says:

  ઉપદેશ આપવો સરળ પણ આચરણ અઘરુ .

 8. dhiraj says:

  અદભુત
  સુવિચારો રુપી મોતી ની છાબ જાણે

 9. વદન says:

  ખરે ખર સુંદર સંકલન છે

 10. chetan joshi says:

  માત્ર સારા વિચારો જ હજુ સુધી દુનિયા ને સારે રસ્તે લઇ જાય છે

 11. bhavesh trpathi says:

  ખુબ સરસ અને સુન્દર ભોજન નો રસથાલ આરામ દાયક આનન્દ દાયક.ધન્યવાદ.

 12. vidhi says:

  મજા આવિ ….. અદભુત
  ખુબ સરસ અને સુન્દર વિચારો

 13. anil patel says:

  ખુબ ખુબ મઝા આવિ

 14. mitesh thakrar junagadh says:

  ખુબજ સરસ.
  ખરેખર સારા વિચરો.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.