આપણી ભાષાઓ પૂરતી વિકસિત ને સમર્થ છે – વિનોબા ભાવે

[‘શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

કેટલાક લોકોના મનમાં જે એવો ભ્રમ છે કે આપણી ભાષાઓ પૂરી સમર્થ નથી, અને આજના જમાનાનો બધો વહેવાર આપણી ભાષાઓમાં ચાલી શકે તેમ નથી, તે ભ્રમ સદંતર કાઢી નાખવા જેવો છે. આ હું આપણી ભાષાઓના અભિમાનને કારણે નથી કહી રહ્યો, પણ વાસ્તવમાં આ જ ખરેખર વસ્તુસ્થિતિ છે.

ખરું જોતાં તો હકીકત એ છે કે આપણી ભાષાઓ બહુ જ વિકસિત ભાષાઓ છે. સેંકડો વરસથી આપણી બધી ભાષાઓનો વિકાસ થતો આવ્યો છે. આજ સુધી તે ઘણી વિકાસ પામી છે અને હજીયે વિકાસ પામતી રહેશે. જુઓ, કન્નડમાં એક હજાર વરસથી ઉત્તમ સાહિત્ય લખાઈ રહ્યું છે. તેમાં જ્ઞાનની કોઈ કમી નથી. ત્યારે ખરું જોવા જશો તો એક હજાર વરસ પહેલાં અંગ્રેજી ભાષા નહોતી. મેં જોયું કે તમિલમાં કેટલું બધું પ્રાચીન સાહિત્ય છે ! કદાચ સંસ્કૃતને બાદ કરતાં આટલું વિશાળ સાહિત્ય હિંદુસ્તાનની બીજી કોઈ પ્રચલિત ભાષામાં નથી. અને છતાં આપણે એમ માનીએ કે આપણી ભાષાઓ પૂરતી વિકસિત નથી, પૂરતી સમર્થ નથી ?!

બીજો એક દાખલો આપું ‘કેન્ટરબરી ટેઈલ્સ’ અંગ્રેજીમાં બારમી સદીનો ગ્રંથ છે. એ જ સમયનો લખેલો જ્ઞાનેશ્વર મહારાજનો ‘જ્ઞાનેશ્વરી’ ગ્રંથ મરાઠીમાં છે. બંને પુસ્તકો મેં વાંચ્યાં છે, બંનેનો મેં અભ્યાસ કર્યો છે. ‘જ્ઞાનેશ્વરી’ પાસે જેટલા શબ્દો છે, તેના ચોથા ભાગના પણ શબ્દો ‘કેન્ટબરી ટેઈલ્સ’માં નથી. અને ‘જ્ઞાનેશ્વરી’ કંઈ મરાઠીનો પહેલો ગ્રંથ નથી. તેની પહેલાં પણ પુસ્તકો લખાયાં છે. માટે મારું કહેવાનું એટલું જ છે કે આપણી બધી ભાષાઓ ઘણી વિકસિત ભાષાઓ છે. તેમાંયે સંસ્કૃત તો ખૂબ જ સમૃદ્ધ છે. હા, એ વાત ખરી કે આપણી ભાષાઓમાં જોઈએ તેટલી વિજ્ઞાનની વાતો નથી. પરંતુ આ આધુનિક વિજ્ઞાનનું સાહિત્ય કેટલાં વરસનું ? બહુ-બહુ તો સો-બસો વરસનું. અને તે બધું ખેડાણ અત્યાર સુધી આપણી ભાષાઓમાં થયું ન હોવાથી આજને તબક્કે વિજ્ઞાનનું સાહિત્ય અંગ્રેજીમાં વધારે છે. પરંતુ જેમ જેમ આપણી ભાષાઓમાંયે વિજ્ઞાનનું ખેડાણ થતું જશે, તેમ તેમ વિજ્ઞાનની બાબતમાં આપણી બધી ભાષાઓનો અવશ્ય વિકાસ થશે. આમાં કોઈ શક નથી.

આ વસ્તુને જ જરા બીજી દષ્ટિથી જોઈએ. એ હકીકત છે કે વિજ્ઞાનનું ખેડાણ અત્યાર સુધી આપણે ત્યાં વિશેષ ન થયું હોવાથી એ શબ્દો આપણી ભાષાઓમાં આજે નથી. પરંતુ તેવી જ સ્થિતિ અંગ્રેજી ભાષાની બીજાં ક્ષેત્રોમાં છે. મારો જ દાખલો દઉં. એક વાર બુનિયાદી શિક્ષણ અંગે એક સમિતિ દિલ્હીમાં મળી હતી. ડૉ. ઝાકિરહુસેન વગેરે પણ તેમાં હતા. અંગ્રેજીમાં ચર્ચા ચાલી રહી હતી. શબ્દ આવ્યો, Correlation. મેં કહ્યું કે હું ‘કોરિલેશન’ જાણતો નથી, પણ હું ‘સમવાય’ જાણું છું અને ‘સમવાય’ને અંગ્રેજીમાં શું કહે છે, તે હું જાણતો નથી. ‘સમવાય’ જાણું છું, કેમ કે તે મારી શિક્ષણની પદ્ધતિ છે. તે બહારથી આવી નથી, મારા જીવન સાથે વણાયેલી છે. એટલે પછી એ લોકોએ મને કહ્યું કે, તમે ‘સમવાય’નો અંગ્રેજી પર્યાય કહી શકતા ન હો, તો તેનો અર્થ સમજાવી દો. ત્યારે મેં તેમની આગળ ‘સમવાય પદ્ધતિ’ ઉપર એક વ્યાખ્યાન જ આપી દીધું. માટીનો ઘડો બન્યો, માટીથી ઘડો જુદો છે કે નહીં ? જો તમે કહેશો કે ‘જુદો છે’, તો હું કહીશ કે મારી માટી મને આપો, અને તમારો ઘડો તમે લઈ જાઓ ! અને ‘બંને એક છે’, એમ જો કહેશો તો હું કહીશ કે જુઓ, પેલી માટી ! તે લો, અને જો બંને એક હોય તો માટીમાં પાણી ભરી આપો ! તાત્પર્ય એ કે બંને એક છે એમ પણ કહી શકાતું નથી, અને જુદા છે એમ પણ કહી શકાતું નથી. તેવી જ રીતે જ્ઞાન અને કર્મ જુદાં પણ કહી શકાતાં નથી, અને એક પણ કહી શકાતાં નથી. આ છે, ‘સમવાય’. હવે આ માટે હશે કોઈ અંગ્રેજી શબ્દ, પણ મને તે ક્યાં આવડે છે ?

એટલે કે શબ્દોનું તો એવું છે કે જે ક્ષેત્રમાં ખેડાણ થયું હોય, તે ક્ષેત્રના શબ્દો એ ભાષામાં હોય. અંગ્રેજીમાં વિજ્ઞાનનું ખેડાણ થયું છે એટલે તે અંગેના શબ્દો અને તેની પરિભાષા વગેરે તેમાં છે. પરંતુ જે ક્ષેત્રનું ખેડાણ એમને ત્યાં ઝાઝું નહીં થયું હોય તેના શબ્દો ત્યાં ઓછા જ હશે. દા…ત, અધ્યાત્મનું ખેડાણ આપણે ત્યાં થયું, તેટલું ત્યાં નથી થયું. તેથી મને ઘણી વાર થાય છે કે જે. કૃષ્ણમૂર્તિનાં વ્યાખ્યાનો લોકો શી રીતે સમજતા હશે ! તેઓ ભારતીય ભાષાઓમાં નહીં, અંગ્રેજીમાં જ વ્યાખ્યાન આપે છે. હવે, જે શબ્દની સાથે વિચાર જોડાયેલો હોય, તેના ખાસ ‘કોનોટેશન’ હોય છે. પારકી ભાષાના જે ‘કોનોટેશન’ હોય, તે ઘણી વાર આપણા શબ્દના ‘કોનોટેશન’ને મળતા ન પણ આવે. જુઓ ને, અંગ્રેજીમાં માઈન્ડ કહેશો. હવે ‘માઈન્ડ’ એટલે તમે શું સમજશો ? આપણે ત્યાં કેટલી વિવિધ અર્થછાયાના શબ્દો છે ! મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ. કેમ કે આપણે ત્યાં અધ્યાત્મનું ક્ષેત્ર ઘણું બધું ખેડાયેલું છે અને દરેક બાબતનો ઘણો સૂક્ષ્મ વિચાર થયેલો છે. એટલે વિવિધ અર્થછાયાના અનેક શબ્દો બનેલા છે. તેવા શબ્દો અધ્યાત્મના ક્ષેત્રે તમને અંગ્રેજીમાં નહીં જડે.

મને તો એમ પણ લાગે છે કે માનસશાસ્ત્ર બાબતમાંયે આપણે ત્યાં ઘણું ઊંડું ખેડાણ થયું છે. આપણા શબ્દો જુઓ ! ચિત્તશુદ્ધિ અથવા ચિત્તવૃત્તિ-નિરોધ. અંગ્રેજીમાં આવા શબ્દો નહીં જડે. તત્વજ્ઞાનના ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પણ આ જ સ્થિતિ છે કે અધ્યાત્મના ક્ષેત્રે, રાજ્યશાસ્ત્રના ક્ષેત્રે, તત્વજ્ઞાનના ક્ષેત્રે, સમાજશાસ્ત્રના ક્ષેત્રે, રાજ્યશાસ્ત્રના ક્ષેત્રે જો આપણે અંગ્રેજી ઉપર અવલંબિત રહીશું, તો આપણી વિચાર કરવાની પદ્ધતિ confused રહેશે, અસ્પષ્ટ રહેશે. અંગ્રેજીમાં તે બધી બાબતોના સૂક્ષ્મ વિચાર માટે પૂરતા શબ્દો નથી. ટૂંકમાં, વિજ્ઞાનના ક્ષેત્રે આપણી ભાષાઓમાં પૂરતા શબ્દો ન હોય, તેટલા માત્રથી આપણી ભાષાઓ પૂરતી સમર્થ નથી, એમ માનવું બિલકુલ અવાસ્તવિક છે. આપણી ભાષાઓ તો ઘણી બધી વિકસિત ભાષાઓ છે. આપણે ત્યાં વિજ્ઞાનનું ખેડાણ જેમ જેમ વધતું જશે, તેમ તેમ તે ક્ષેત્રે પણ આપણી ભાષાઓ સમૃદ્ધ બનતી જશે. અને ત્યાં સુધી આપણે અંગ્રેજી શબ્દો વાપરીશું. તેમાં શું ખોટું છે ? તેમાં વળી મુશ્કેલી શી છે ? એક ભાગ ઑક્સીજન અને બે ભાગ હાઈડ્રોજન મળીને પાણી બને છે, એમ શું કામ ન કહેવાય ? એવી જ રીતે ‘લાઉડ સ્પીકર’ શબ્દ છે. તે આપણા કર્તા, કર્મ, ક્રિયાપદને અસર કર્યા વિના વાક્યરચનામાં બેસતો હોય, તો તે શબ્દ અપનાવી લેવાથી કોઈ નુકશાન નહીં થાય. એવા એવા શબ્દો સીધા અંગ્રેજીમાં જ આપણે ત્યાં પણ ચાલી શકે. મોટર, સ્ટેશન, ટેબલ વગેરે શબ્દો પણ આપણે અપનાવી લઈએ, તો તેમાં કશો વાંધો નથી.

મૂળમાં સમજવાની વાત છે કે શબ્દો તો વધે છે, વ્યવહારથી. એક યંત્રના પુર્જાઓનાં નામ અલગ-અલગ હોય છે. તે યંત્રને સારી રીતે સમજી લેવા માટે આવાં સો-દોઢસો નામો જાણવાં પડે છે. એ નામોથી મોટો શબ્દકોષ બને છે. પણ તેટલા માત્રથી ભાષાની શક્તિ નથી વધતી. એવી જ રીતે કેટલાક શબ્દો આપણી ભાષામાં ન હોય, તે કાંઈ ભાષાની કમી નથી. એ તો વ્યવહાર વધે છે, તો શબ્દો વધે છે. ખરું જોતાં ભાષાનું અસલ સામર્થ્ય તો ધાતુ-સામર્થ્ય છે. ભાષાની અસલ શક્તિ ધાતુની શક્તિ છે. કઈ ભાષામાં કેટલી ધાતુ છે, તેના પર તેની શક્તિ નિર્ભર છે. વધુમાં વધુ ધાતુ લેટિનમાં છે. અને સંસ્કૃતમાં છે. આપણી ભાષાઓમાં સરખામણીએ ધાતુ ઓછી હશે પણ તે સંસ્કૃતમાંથી સહેલાઈથી લઈ શકાય છે. એટલે સંસ્કૃત અને આપણી અત્યારની ભાષા બંને મળીને કાંઈ ઓછું સામર્થ્ય આપણી ભાષાઓમાં તમને નહીં જણાય. માટે આપણી ભાષાઓ સમર્થ નથી, એ ખ્યાલ જ તમારા મનમાંથી કાઢી નાખો. આપણી ભાષાઓમાં કોઈ કમી નથી. બલ્કે, આપણી ભાષાઓ તો ઘણી વિકસિત ભાષાઓ છે, સમર્થ ભાષાઓ છે. તેથી આપણી ભાષાઓમાં આજનો બધો વ્યવહાર થઈ ન શકે, એ વાત જ ખોટી. બલ્કે, બધો જ વ્યવહાર આપણી ભાષાઓમાં જ થવો જોઈએ. વિજ્ઞાન સુદ્ધાં આપણી ભાષાઓ મારફત જ સામાન્ય જનો સુધી પહોંચવું જોઈએ. એ વાત નિશ્ચિત સમજી લેજો કે વિજ્ઞાન જ્યાં સુધી માતૃભાષામાં લોકો સમક્ષ નહીં મુકાય, ત્યાં સુધી તે વ્યાપકપણે ફેલાઈ શકશે નહીં. એટલે તેને આપણી બધી ભાષાઓમાં લાવવું અનિવાર્ય છે.

માટે હું તો તમને કહું છું કે આ બધા શિક્ષિત ને ભણેલા-ગણેલા લોકો આપણી ભાષાઓમાં વિજ્ઞાન નથી, વિજ્ઞાન નથી એવી બૂમો પાડ્યા કરવાને બદલે એવું કરે કે વિજ્ઞાનને આપણી ભાષાઓમાં ઉતારવામાં કાંઈક યોગદાન આપે. અંગ્રેજીમાં વિજ્ઞાનનાં સારાંસારાં પુસ્તકો છે. તે બધાં આપણી ભાષાઓમાં લાવવાં છે. પણ એ દિશામાં કોઈ વિચાર જ નથી થતો. ભારે કષ્ટ ઉઠાવીને અંગ્રેજીનું જ્ઞાન મેળવે છે, પણ કોઈ બાપ એમ નથી વિચારતો કે જે ભાર મારે ઉપાડવો પડ્યો તે હવે મારાં બાળકોને ન ઉપાડવો પડે. ખરું જોતાં તો જેમણે પોતે અંગ્રેજીનું જ્ઞાન મેળવ્યું, તેમણે વ્રત લેવું જોઈએ કે હું મર્યા પહેલાં એક સારા અંગ્રેજી પુસ્તકનો મારી માતૃભાષામાં અનુવાદ કરીશ. એવો અનુવાદ કર્યા વિના મરવાનો મને અધિકાર નથી. આમ થશે, તો જ આપણા પછીની પેઢી અંગ્રેજીના બોજથી બચશે. પિતૃ-ધર્મનો આ તકાજો છે. આટલું તો બહુ સહેલાઈથી થઈ શકે તેમ છે. તેમાં રાજ્યની મદદ પણ લઈ શકાય. આટલું થાય તો દસેક વરસની અંદર વિજ્ઞાન અંગેનું અંગ્રેજીમાંનું જ્ઞાન આપણી ભાષાઓમાં આવી જાય, અને તે વિશે પછી કોઈને ફરિયાદ કરવાની રહે નહીં.

આ બધું એમનેમ નથી થઈ જતું, તેને માટે પુરુષાર્થ કરવો પડે છે. આજે ઘણાં ક્ષેત્રોમાં અંગ્રેજી વિના ચાલતું નથી, એમ આપણે જ્યારે કહીએ છીએ ત્યારે સાથે સાથે એટલો વિચાર નથી કરતા કે અંગ્રેજીને આવું સ્થાન મળ્યું શી રીતે ? કાંઈ આપોઆપ તો નથી મળી ગયું. તે માટે અંગ્રેજોએ કેટલો બધો પુરુષાર્થ કર્યો છે ! તેને લીધે આજે તો સ્થિતિ એ છે કે આપણા પોતાના દેશની ભાષાઓ પણ જો આપણે શીખવી હોય, તો તે અંગ્રેજી મારફત જ શીખવી પડે છે ! ધારો કે મારે બંગલા ભાષા શીખવી છે. તો શું હું એને મરાઠી મારફત કે ગુજરાતી મારફત કે કન્નડ મારફત શીખી શકીશ ? નહીં, કેમ કે મરાઠી-ગુજરાતી-કન્નડમાં મને બંગલા કોષ નહીં મળે. તે અંગ્રેજીમાં મળશે. એટલે પછી મારે અંગ્રેજી મારફત જ બંગલા ભાષા શીખવી પડશે. એવું જ બહારની ભાષાઓ માટે પણ. વચ્ચે હું ચીની ભાષા શીખતો હતો. તો તેને માટે મારી પાસે જે પુસ્તકો આવ્યાં, તે અંગ્રેજીનાં જ આવ્યાં. એટલે આજે તો અહીંની ને બહારની ભાષાઓ અંગ્રેજી મારફત જ આપણે શીખી શકીએ એવી પરિસ્થિતિ છે, કેમ કે અંગ્રેજી ભાષામાં દરેક ભાષા માટેના કોષ મળી શકે છે. આ બધા કોષ એમનેમ બન્યા હશે ? તેને માટે કેટલી બધી મહેનત એ લોકોએ કરી હશે ! ખૂબ ખૂબ મહેનત કરીને એમણે પોતાની અંગ્રેજી ભાષાને આટલી સંપન્ન બનાવી છે. ત્યારે એમની પાસેથી બોધપાઠ લઈને આપણે પણ ખૂબ મહેનત કરવી જોઈએ અને આપણી ભાષાઓને આ દષ્ટિએ પણ સંપન્ન બનાવવી જોઈએ. આવું કાંઈ કરવાને બદલે બસ, અંગ્રેજી વિના ચાલશે નહીં તેનું જ ગાણું ગાયા કરીશું તો તે ઉચિત નહીં ગણાય. એ તો આપણા આળસની અને આપણી પુરુષાર્થહીનતાની નિશાની ગણાશે. આપણા ગુલામી માનસની નિશાની ગણાશે. આપણી ભાષાઓને પણ આપણે અંગ્રેજી જેવી સંપન્ન બનાવીએ, એવી ચાનક ભણેલાગણેલાઓને ચઢવી જોઈએ.

પરંતુ ક્યાં છે એવી ચાનક ? તેને માટે તો અધ્યયનશીલ બનવું પડે. વેપારી, એન્જિનિયર વગેરે બનવા માટે વિજ્ઞાન વધારવું પડશે. ઉદ્યોગ વધારવા પડશે, વિવિધ સામાજિક શાસ્ત્રો શીખવાં પડશે. આ બધું કરવું પડશે. પરંતુ આજે તો સ્કૂલ-કૉલેજ છોડ્યા બાદ આપણું અધ્યયન જ સમાપ્ત થઈ જાય છે ! પછી આ બધું ક્યાંથી થાય ? એટલે મારું એમ કહેવું છે કે આપણી ભાષાઓ પૂરતી સમર્થ છે એટલું નહીં, અંગ્રેજીની સરખામણીમાં ઘણી બધી વિકસિત પણ છે. તેમાં વિજ્ઞાન વગેરેની જે કમી છે, તેની પૂર્તિ આપણે કરી લેવી જોઈએ અને તે બાબતમાંયે આપણી બધી ભાષાઓને સંપન્ન બનાવી લેવી જોઈએ. તે માટે જબ્બર પુરુષાર્થ કરવો જોઈએ.

[કુલ પાન : 40. કિંમત રૂ. 10. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજમાતાની વાડીમાં, હુજરાત પાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957.]


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સ્વર્ગાત્ અપિ ગરિયસી – આશા વીરેન્દ્ર
અમૃતબિંદુ તો આપણી અંદર છે ! – ભૂપત વડોદરિયા Next »   

9 પ્રતિભાવો : આપણી ભાષાઓ પૂરતી વિકસિત ને સમર્થ છે – વિનોબા ભાવે

 1. vishal says:

  સુન્દર લેખ..

 2. જગત દવે says:

  વિશ્વની કોઈપણ ભાષાને ધિક્કાર્યા વગર પણ આપણી ભાષાને આદર આપી શકાય છે. નાના સંમેલનોમાં, પરિવાર મિલનો માં, શાળાકીય કાર્યક્રમોમાં, ભાઈ-ભાડુંઓ સાથેનાં સંવાદોમાં આપણી ભાષાનો ઊપયોગ કરવાનું શરૂ કરીએ તો ય ઘણું. હિન્દી ફિલ્મનાં બધાજ સમારંભો જોઈએ તો એમ લાગે કે આ બધા ફિલ્મોમાં હિન્દી કેવી રીતે બોલી શકતા હશે? નવા નવા રેડિયો-જોકીઓ પણ યુવાનોને પરાણે આકર્ષવા ખાસ ભેળસેળ વાળી ભાષાનું અને એવા જ ‘રી-મિક્સ’ ગીતોનું વરવું પ્રસારણ કરે છે. જાણે બીજી સંસ્કૃતિની વાનર નકલ. અહીં ગુજરાતી સમાજનાં કાર્યક્રમનાં ઈ-મેઈલ હંમેશા ‘અંગ્રજી’ માં જ આવે છે. છતાં પણ આ બધા વચ્ચે એ તો કહીશ કે ગુજરાતીઓ વચ્ચે હવે માતૃભાષા બોલવાનું ચલણ પણ વધતું જાય છે.

 3. Hiral says:

  સરસ વાતો.,. છેલ્લા ત્રણ ફકરામાં થોડામાં ઘણું…..

 4. ઈન્દ્રેશ વદન says:

  લેખકે આ લેખ કદાચ અંગ્રેજો સામે ચળવળ ચાલતી હશે ત્યારે લખ્યો હશે. તેમના પ્રત્યેનો રોષ રજુ કરવા. તેઓ લોકોને પુસ્તકોનુ ભાષાંતર કરવા ચાનક ચડાવી રહ્યા છે. એના કરતાં, જો વિજ્ઞાનમાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યુ હોત તો, દેશનુ ભલુ થાત. બધા વિજ્ઞાનીઓ પશ્ચિમના દેશોમાંથી જ
  આવેલા છે.

  તંત્રીશ્રી આજના યુગમાં આ પ્રકારના લેખ આપીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોય તેમ લાગે છે. ગુજરાતીઓનુ આમ પણ અંગ્રેજીમાં ઓછુ જ્ઞાન હોવાને કારણૅ તેઓ I.T. કે બીજા કોઈ ક્ષેત્રમાં બીજા રાજ્યો જેટલી પ્રગતિ નથી કરી શકયા(e.g. દક્ષિણભારતના રાજ્યો). આપણા બેંક મેનેજર અને બીજા ટોપ એકઝેક્યુટીવ્સ પણ બીજા રાજયોમાંથી આયાત થાય છે.

  દુનિયાની દરેક ભાષા વિકસિત જ છે, જો તેનો પુરો અભ્યાસ કરો તો. અને દરેક ભાષામાં તેનુ સાહિત્ય હોય છે.

  ભારત અને ગુજરાત જ્યારે પ્રગતિના માર્ગે દોડી રહ્યા છે, ત્યારે તેમાં સહયોગી થવાને બદલે ભાષાનુ ગાણુ ગાવુ થોડુ અજુગતુ છે.

  એનીવે, લેખકે જોયુ હોત કે તેઓ ફેસબુક કે ગુગલ હિદીં કે બીજી કોઈ ભાષામાં જોઇ શકાય છે, તો જરુર ખુશ થાત. 🙂

  • Hasmukh Sureja says:

   ઈન્દ્રેશભાઇ, તમે હિદીં ગુગલની વાત કરો છો પણ ભારતમા કેટલા માણસો હિદીં ગુગલ વાપરે છે તેના વિશે જાણો છો? હર્શલ પબ્લિકેશનનુ “આસાન અન્ગ્રેજી” નો પ્રથમ પાઠ વાન્ચશો તો ખ્યાલ આવશે કે અન્ગ્રેજી ભાષા દુનિયા પર કેવી રીતે છવાતી જાય છે, દુનિયાની અન્ય ભાષાના ભોગે!

  • sanket says:

   ના ભાઈ. હું સહમત નથી.

   દુનિયાની બધી જ ભાષાઓ કઈ એકસરખી વિકસિત નથી. ગુજરાતી કરતાં હિન્દી અને હિન્દી કરતાં અંગ્રેજી વધુ વિકસિત છે.

   અને તંત્રી શા માટે કોઈને ગેરમાર્ગે દોરી શકે? શું અહિયાં વાંચનારને પોતાની બુદ્ધી નથી? મને આ લેખ સાચો લાગે છે તમને ખોટો લાગે છે એજ એની સાબિતી છે.

   અને “આમ કરવા કરતા વિજ્ઞાનને મહત્વ આપ્યું હોત…” વાળી વાત માટે હું એમ કહીશ કે વિજ્ઞાનને મહત્વ આપવાની ક્યાં ના જ પાડી છે? એમણે જે થયું છે એ કહ્યું છે. કે આપણે ત્યાં અધ્યાત્મનું ખેદન વધુ થયું છે અને ત્યાં વિજ્ઞાનનું. એ હકીકત છે. આપણે ત્યાં વિજ્ઞાનનું ખેડાણ ન થવું જોઈએ અને માત્ર ભાષાનું જ થવું જોઈએ એવું ક્યાય નથી કહેવાયું. વિજ્ઞાન અને ભાષાનો એકસાથે શું વિકાસ જ ન થઈ શકે? ખરેખર તો ભાષાનો વિકાસ અલગ અલગ ક્ષેત્રોના વિકાસની સાથે જ થતો જાય છે. પશ્ચિમમાં ભાષાનો વિકાસ આ રીતે ય થયો છે. ઉલટું લેખક તો કહે છે કે ઉપયોગી અંગ્રેજી શબ્દો આપણી ભાષામાં સમાવી લેવામાં કઈ ખોટું નથી. તો તમને આમાં અંગ્રેજી-વિરોધી વિચારસરણી ક્યાં દેખાઈ એ સમજાતું નથી.

   અંગ્રેજી તો આપણે શીખવું જ પડશે. કારણ કે એ વધુ ફેલાયેલી ભાષા છે. અંગ્રેજીનો આંધળો વિરોધ અહીં કરાયો જ નથી (કરવો પણ ન જોઈએ). પણ આપણે આપણી ભાષા પ્રત્યે અંગ્રેજો અને અમેરિકાનો જેટલા સજાગ નથી એ હકીકત છે.

 5. pragnaju says:

  પ્રણિપાતેન
  વિદ્વાન સંત આટલી દ્રુઢતાથી સમજાવી શકે કે આજના જમાનાનો બધો વહેવાર આપણી ભાષાઓમાં ચાલી શકે તેમ નથી, તે ભ્રમ સદંતર કાઢી નાખવા જેવો છે. આ હું આપણી ભાષાઓના અભિમાનને કારણે નથી કહી રહ્યો, પણ વાસ્તવમાં આ જ ખરેખર વસ્તુસ્થિતિ છે

 6. અલકેશ says:

  લેખ ખૂબ ધ્યાનથી વાંચ્યો અને પછી પ્રતિભાવો પણ વાંચ્યા. મોટાભાગના પ્રતિભાવો વાંચીને દુખ એ વાતનું થયું કે લેખનું જે હાર્દ છે એ આ પ્રતિભાવ આપનારા વિદ્વાનોને સમજાયું જ નથી. આખા લેખનું હાર્દ માત્ર એટલું જ છે કે “આપણે ગુજરાતી ભાષાને, અને એ અર્થમાં અન્ય ભારતીય ભાષાઓને વધારે સમૃદ્ધ કરવા માટે વ્યક્તિગત રીતે બનતો પ્રયાસ કરવો જોઈએ.”…

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.