સ્વર્ગાત્ અપિ ગરિયસી – આશા વીરેન્દ્ર

[ ‘ભૂમિપુત્ર’ સામાયિક (એપ્રિલ-2011)માંથી સાભાર.]

પ્રશાંત ઘરમાં આવ્યો એટલે એના હાથમાં કવર મૂકતાં એણે કહ્યું, ‘પ્રશાંત, તારા નામે આ કુરિયર આવ્યું છે.’
‘મારા નામે ? કોનું હશે ?’
‘તારા પપ્પાનું છે. અક્ષર પરથી કહું છું.’ એણે ખાતરીપૂર્વક કહ્યું.
‘પપ્પાનું ? આટલાં વર્ષોમાં પત્ર લખવાની વાત તો દૂર, એમણે કદી એક ફોન સુદ્ધાં નથી કર્યો. આપણે જીવીએ છીએ કે ઉપર પહોંચી ગયાં એવી ખબર લેવાનુંય એમને યાદ નથી આવ્યું, ને આજે એકાએક આ પત્ર ? મમ્મી, તું જ વાંચ.’
‘ના, કાગળ તારા નામે છે, એટલે તારે જ વાંચવાનો. જા, તારા રૂમમાં જઈને શાંતિથી પત્ર વાંચજે.’

પ્રશાંત પત્ર લઈને ગયો અને એ અતીતની ગલીઓમાં પહોંચી ગઈ. પ્રશાંતનો જન્મ થયો ત્યારે એ અને હર્ષદ કેટલાં ખુશ હતાં ! પણ એ ત્રણેક વર્ષનો થયો અને એક દિવસ ખેંચ આવી ગઈ. ડૉકટરે તપાસીને કહી દીધું, ‘મગજના કોષોને નુકશાન થયું છે. ટ્રીટમેન્ટથી ફાયદો તો થશે, પણ બહુ ધીમો. એની ઉંમરનાં બાળકો કરતાં એનો માનસિક વિકાસ ઓછો રહેશે.’ ડૉક્ટરની વાતથી જેટલો આઘાત નહોતો લાગ્યો એટલો એને હર્ષદની પ્રતિક્રિયાથી લાગેલો.
‘મને તો એમ હતું કે, મારો દીકરો મારાથી સવાયો થશે. હેન્ડસમ, સ્માર્ટ. જ્યાં જશે ત્યાં લોકો કહેશે આ હર્ષદ વોરાનો દીકરો ! એને બદલે આ તો….છટ્ !’ બેલા ઘા ખાઈ ગઈ હતી. આટલો સ્વાર્થી બાપ ! દિવસે દિવસે એને પ્રશાંતમાંથી રસ ઓછો થવા લાગ્યો. બેલાના ઉદરમાં બીજું બાળક પાંગરી રહ્યું હતું.
‘બેલા, ગર્ભપરીક્ષણ કરાવી લઈએ. મને તો ભઈ, મારો બીઝનેસ સંભાળવા માટે દીકરો જ જોઈએ.’

પણ બેલાની મક્કમતા આગળ હર્ષદનું કંઈ ન ચાલ્યું. નવમે મહિને રૂપાળી, માખણના પીંડા જેવી દીકરી અવતરી. જ્યારે ખબર પડી કે, પ્રજ્ઞા મૂક-બધિર છે ત્યારથી તો હર્ષદે પત્ની અને બાળકોથી પોતાની જાતને અલગ જ કરી લીધી. દીકરા-દીકરી બંનેની સંપૂર્ણ જવાબદારી બેલાને માથે જ આવી ગઈ. ઑફિસમાં કામ કરતી નેહા સાથે હર્ષદને લગ્ન કરવાં હતાં. બેલા છૂટાછેડા આપે એના બદલામાં એને આ ઘર મળશે. આ નિર્ણયનો સ્વીકાર કરવો એ એને માટે નાની-સૂની વાત નહોતી. પોતાનાં અને બંને બાળકોના ભવિષ્યનો વિચાર કરવાનો હતો. છતાં એણે કબૂલ રાખ્યું. આમે ય, આ કસ વગરના દાંપત્યજીવનમાંથી હવે લાગણીનું એક બુંદ પણ નીકળે એમ નહોતું.

નિયતિ સામે બાથ ભીડીને, જાત નિચોવી નાખીને એ બાળકોને ઉછેરવા લાગી. પ્રશાંત પાછળની એની મહેનત તો એવી લેખે લાગી કે, ભણવામાં એ એકથી ત્રણમાં જ નંબર લાવતો. પ્રજ્ઞા પણ પોતાનાં દરેક કામ તો જાતે જ કરતી પણ સાથેસાથે ઘરનાં કેટલાંય નાનાં-મોટાં કામ પતાવી દેતી. પ્રજ્ઞા જેવાં બાળકો માટે બેલાએ ઘરઆંગણે શાળા શરૂ કરી હતી. ધીમે ધીમે કરતાં મૂક-બધિરો માટેની ઉત્તમ શાળામાં એની ગણના થવા લાગી હતી. બેલા એક ઊંડા પરિતોષનો અનુભવ કરતી હતી, ત્યાં જ આજે આ પત્ર –

‘મમ્મી, પપ્પા લખે છે કે, એમનો નાનો દીકરો સંદીપ ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. બીઝનેસ સંભાળવા માટે એમને બધી આશા એમના મોટા દીકરા – મારા પર છે. જો હું હા કહું તો એ અઠવાડિયા પછી મને લેવા આવે. તને શું લાગે છે મમ્મી, મારે શું જવાબ આપવો જોઈએ ?’
બેલાનો ચહેરો ઝંખવાણો પડી ગયો. પ્રશાંતને માથે હાથ ફેરવતાં, હસવાનો પ્રયત્ન કરતાં એણે કહ્યું, ‘હવે તો મારો દીકરો પોતાની જિંદગીના નિર્ણય ખુદ લઈ શકે એવો શાણો ને સમજુ થઈ ગયો છે. તારે જ નક્કી કરવાનું કે, શું કરવું છે ?
‘મમ્મી, સમજણ આવી ત્યારથી મેં તને મારા અને પ્રજ્ઞા માટે ઝઝૂમતી જોઈ છે. હવે તારે શાંતિથી શ્વાસ લેવાનો વારો આવ્યો ત્યારે હું… પણ સાથે એમ પણ થાય છે કે, આપણી પાસે આ ઘર અને તારી સ્કૂલ સિવાય કશું નથી જ્યારે પપ્પા પાસે વર્ષોથી જામેલો બીઝનેસ છે. શું કરું, સમજાતું નથી.’
‘બેટા, મારી અને પ્રજ્ઞાની ચિંતા ન કરીશ, તું આગળ વધે ને ખુશ રહે એ સિવાય મારે કશું ન જોઈએ.’

બેલાએ પોતાને હાથે જ પ્રશાંતની બધી તૈયારી કરવા માંડી. એના કપડાં, બૂટ-મોજાં, દવાઓ બધું યાદ કરી કરીને બેગમાં મૂકતી વખતે દડદડ વહી જતાં આંસુ પર એનો કાબૂ ન રહેતો. પ્રશાંત વિના શી રીતે જીવી શકાશે એ સવાલ એને અકળાવતો, પણ પ્રશાંત સામે તો એ સ્વસ્થ જ રહેતી.
‘મમ્મીના હાથનું કંઈ પણ ખાવાનું મન થાય તો તરત ફોન કરી દેજે. મગજ, ગોળપાપડી જે ખાવું હોય તે ફટાફટ બનાવીને મોકલી દઈશ. ને દવા લેવાનું એક્કે ટંક ભુલાય નહીં, હોં બેટા !’ આવી કંઈ ને કંઈ ભલામણ એ કરતી રહેતી. બુધવારની સવારે ગાડીનું હોર્ન વાગ્યું અને બેલાની છાતી ધકધક થવા લાગી. પ્રશાંત ખુશખુશાલ હતો. મમ્મીને પગે લાગી એણે પ્રજ્ઞાને ગળે વળગાડી. પ્રજ્ઞા એનો હાથ પકડીને ચૂપચાપ રડવા લાગી. બેલાએ એને સંભાળી. પોતાની જાત પર જેમતેમ કાબૂ રાખતાં એણે પ્રશાંતને આશીર્વાદ આપ્યા, ‘બેટા, કામમાં બરાબર ધ્યાન આપજે. સમય મળે ત્યારે અમને મળવા આવતો રહેજે. રોજ એક ફોન કરજે….’ એને થયું, હવે એક અક્ષર પણ વધુ બોલવા જશે તો ભાંગી પડશે. એ પ્રજ્ઞાને લઈને અંદર ચાલી ગઈ.

થોડા કલાકો પછી…
‘મમ્મી…..’ જોયું ? પ્રશાંતના જ ભણકારા વાગે છે, એને થયું. પણ ના, આ તો સામે પ્રશાંત જ ઊભો હતો ! બેલાને ભેટીને ડૂસકાં ભરતાં એ કહેવા લાગ્યો, ‘મમ્મી, તેં કેવી રીતે માની લીધું કે, હું તમને છોડીને જતો રહીશ ? મને તેં એટલો સ્વાર્થી માની લીધો ? હું તો પપ્પાને કહી આવ્યો કે, તમારા રત્નજડિત સિંહાસન કરતાં મારી માની કાંટાળી ખુરશીની કિંમત મારે મન અનેકગણી છે. મારી મમ્મી અને વ્હાલસોયી બેનને છોડીને હું સ્વર્ગમાં જવાનું યે પસંદ ન કરું.’ બેલાએ પ્રશાંતને ફરી એકવાર છાતીસરસો ચાંપી લીધો. અત્યાર સુધી આંસુ સારી રહેલી પ્રજ્ઞા હવે મીઠું મીઠું હસી રહી હતી.

(અમિતા શ્રીવાસ્તવની હિન્દી વાર્તાને આધારે)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

24 thoughts on “સ્વર્ગાત્ અપિ ગરિયસી – આશા વીરેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.