નાનાભાઈ ભટ્ટ : પ્રસંગદીપ – ભરત ના. ભટ્ટ

[ ગાંધીયુગના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટના જીવન પ્રસંગો પર આધારિત પુસ્તક ‘નાનાભાઈ ભટ્ટ : પ્રસંગદીપ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] હિસાબી જાગૃતિ

આંબલા સંસ્થાની શરૂઆતના એ જ ગાળાની આ વાત છે. સંસ્થાને હવે પોતાનાં મકાનો થયાં છે. એક મકાનમાં નાનાભાઈ રહે ને તેની બાજુમાં એક ઓરડામાં યુવાન કાર્યકરો – બાબુભાઈ શાહ અને મનુભાઈ દવે રહે. તે વખતે બાબુભાઈ શાહ પાસે સંસ્થાના હિસાબની બધી જવાબદારી. બંને યુવાનો સંસ્થાના રસોડે જમે. રોજ રાતે કામ કરતાં કરતાં, નવ-દસ વાગ્યે, કાંઈક નાસ્તો કરે. નાસ્તામાં મોટે ભાગે શીંગ-રેવડી હોય.

એક દિવસ સાંજે મનુભાઈ તથા બાબુભાઈ જમીને વાસણ માંજતા હતા. લગભગ કાયમ નાનાભાઈ પણ વાસણ માંજવા આવે.
‘કાં, જુવાનિયાઓ મજામાં છો ને ? અહીં બરાબર ફાવે છે ને ? રાત્રિનો નાસ્તો ચાલે છે ને ? હિસાબમાં કાંઈ મુશ્કેલી નથી આવતી ને ?’ વાસણ માંજતાં માંજતાં નાનાભાઈએ એકીસાથે ત્રણ-ચાર પ્રશ્નો પૂછી નાખ્યા.
‘હા, નાનાભાઈ, બરાબર ચાલે છે. અમારે અહીં શો વાંધો હોય ? નાસ્તામાં તો શીંગ, રેવડી અને શેરડીને ન્યાય આપીએ છીએ.’ બંને મિત્રોએ રંગમાં આવી જવાબ આપ્યો અને પછી જરા અટકીને કહે, ‘નાનાભાઈ, હિસાબમાં આમ તો મુશ્કેલી નથી પરંતુ આજે દસ આનાની ભૂલ આવી છે. સરવાળામાં હશે તેમ લાગે છે. સૂતા પહેલાં બરાબર કરી લઈશું.’

રાત્રે નવ વાગ્યે બાબુભાઈ-મનુભાઈ ચોપડા લઈને બેઠા. એકડાને બદલે બગડો વંચાતો હોવાથી દસ આનાની ભૂલ આવતી હતી. એ ભૂલ સુધારી, ચોપડો મૂકી બંને જણ શીંગ-રેવડી ખાવા બેઠા. સ્ટૉક બહુ ઝાઝો નહીં હોય એટલે આ આકર્ષક કાર્યક્રમ લાંબો ચાલ્યો નહીં. નાસ્તો પતાવીને બંને ઊઠવા જાય છે ત્યાં બંધ બારણા પર ટકોરા પડ્યા ‘ટક….ટક…ટક….’ બંનેએ ધાર્યું કે કોઈ મિત્ર નાસ્તાનો લહાવો લેવા આવી પહોંચ્યો છે, એટલે કહે, ‘ભાઈ, નાસ્તાનો કાર્યક્રમ પતી ગયો છે.’
ફરી બારણા પર ‘ટક….ટક….’ થયું. બંનેને થયું કે આ કોઈ બરાબર પાછળ પડ્યો છે. ડબલાને ખાલી જોયા વગર આપણો છૂટકો નહીં કરે. બાબુભાઈ ઊઠ્યા અને બારણું ઉઘાડ્યું તો બારણામાં નાનાભાઈ ! હાથમાં મોટું ફાનસ પોતાની ઝગમગતી ચીમનીથી પ્રકાશ ફેલાવે, શરીર પર એક ટૂંકું ધોતિયું ને ખભે રૂમાલ. નાનાભાઈને જોઈ બંને મિત્રો ઘડીક તો ભોંઠા પડી ગયા ! મનુભાઈએ પૂછ્યું : ‘નાનાભાઈ, કાંઈ કામ હતું ?’
‘તમે સાંજે વાત કરી હતી ને હિસાબમાં દસ આનાની ભૂલ આવી છે. મારું કામ પૂરું થયું એટલે મને થયું કે ચાલને જુવાનિયાને મદદ કરું, ક્યાં ભૂલ આવે છે તે જોઈએ.’ નાનાભાઈએ કહ્યું.
‘નાનાભાઈ, અમે પહેલાં એ ભૂલ શોધવાનું જ કર્યું. ભૂલ મળી ગઈ અને રોજમેળ લખીને ચોપડો મૂકી દીધો.’ મનુભાઈએ વિગત આપી. નાનાભાઈ કહે, ‘સારું થયું, ભૂલ મળી ગઈ તે. તમે તે કામ પહેલું કર્યું તે પણ સારું કર્યું. હિસાબની નાની ભૂલ પણ ચલાવવી નહીં. હિસાબનું કામ કદી બાકી રાખવું નહીં.’

બાબુભાઈ અને મનુભાઈ એકબીજા સામું જોઈ રહ્યા. માત્ર દસ આનાની સરવાળાભૂલ માટે – નહીં કે બે-પાંચ હજારના હિસાબી ગોટાળા માટે – કેટલી બધી સજાગતા ? બંનેએ આશ્ચર્ય સાથે બારણા તરફ જોયું તો નાનાભાઈ શાંતિથી નીકળી ગયા હતા.

[2] અહિંસાનો પાઠ

એક સર્વોદય-રચનાત્મક કાર્યકર. તેમની ભાવના તપસ્વી જેવી. વિધુર થયા પછી તેમણે એક યુવતી સાથે પુનર્લગ્ન કર્યાં. આગલા ઘરનો એક પુત્ર હતો ખરો. આ બીજાં લગ્ન પછી થોડા વખતમાં જ તે કાર્યકરને સંયમ પાળવાનો વિચાર આવ્યો. તે માટે ગાંધીજીની મંજૂરી પણ મેળવી લીધી. પેલી યુવાન બાઈ પતિના આ નિર્ણય પછી મૂંઝાય ખૂબ પણ કોને કહે ? તે બાઈ તો બિચારી ફિટ વગેરેના રોગમાં અટવાણી. આખરે નાનાભાઈ પાસે તે બહેને હૃદયની વ્યથા કહી. નાનાભાઈએ પેલા કાર્યકરને બોલાવ્યા ને શું પ્રશ્ન છે તે પૂછ્યું.

પેલા કાર્યકર કહે : ‘ગાંધીજીએ બ્રહ્મચર્યવ્રત પ્રબોધ્યું છે ને મેં મહાત્માજીની સંમતિ લઈને તે વ્રત પાળવાનો નિશ્ચય કર્યો છે. હું તેમાં દઢ રહું તેમાં શું ખોટું છે ?’
‘જુઓ, ગાંધીજીએ તો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગ્રહ એમ પાંચ વ્રતો કહ્યાં છે એટલે પાંચેય વ્રતો પાળવાં જોઈએ.’ નાનાભાઈએ કહ્યું.
‘જરૂર, જરૂર, નાનાભાઈ.’ પેલા ભાઈએ કહ્યું.
‘ના, તમે સત્યવ્રતનો ભંગ કરો છો.’ નાનાભાઈએ કહ્યું.
‘નહીં, હું પૂરો સાવધાન છું. ખોટું તો ન જ બોલું.’ પેલા ભાઈ હજી પોતાના રુઆબમાં જ હતા.
‘બોલેલું પાળો પણ ખરા ને ?’ નાનાભાઈની યુક્તિ આગળ ચાલતી હતી.
‘એ તો હોય જ ને !’ પેલા ભાઈએ આત્મવિશ્વાસથી કહ્યું.
હવે નાનાભાઈએ જરા અવાજ બદલ્યો, કહે, ‘લગ્નમંડપમાં અનેક માણસો અને અગ્નિની સાક્ષીએ દેહસુખ અને સંતાન આપવાનું તમે વચન આપેલ તે પાળવાનું કેમ ચૂકી જાઓ છો ?’
‘હું તેમને છૂટાં કરી બીજે જવા દેવા સંમત છું.’ પ્રામાણિકતાથી પેલા કાર્યકરે મનનો વિકલ્પ રજૂ કર્યો.
‘હવે તો તમે સત્યવ્રત ઉપરાંત અહિંસાવ્રત પણ ચૂક્યા.’ નાનાભાઈએ ઢીલા પડ્યા વગર કહ્યું ને આગળ ચલાવ્યું : ‘ઉચ્ચ વર્ગની હિંદુ સ્ત્રી, તેનો પતિ સંયમી રહેવા માગે છે ને ધર્મના માર્ગે જવા માગે છે એટલા માટે તેનાથી છૂટી થાય તો સમાજ તેને પીંખી ખાય. પતિને ધર્મપરાયણ ગણી પૂજે ને પત્નીને કામપરાયણ ગણી નિંદે. લોકનિંદાથી મોટો ભય બીજો કયો હોય ? ને જ્યાં ભય ત્યાં જ હિંસા. વળી તે કમને-અનિચ્છાએ તમારી પાછળ ઘસડાય તે પણ હિંસા જ. તેમાંથી તે હિસ્ટીરિયા વગેરેમાં સપડાય તે પણ હિંસા.’ ધીરે ધીરે ભાર આપતાં આપતાં નાનાભાઈએ કહ્યું.

કાર્યકર તો મૂંગા જ ઊભા રહ્યા. નાનાભાઈ કહે, ‘ગાંધીજીને મળો ત્યારે, “પત્નીની અંતર્ગત સંમતિ વગરનું બ્રહ્મચર્ય સત્ય અને અહિંસાવ્રતના ભંગ સમાન છે”, તેવો મારો મત તેમને જણાવજો ને તેઓ એ અંગે શું કહે છે તે મને કહેજો !’ પેલા કાર્યકરે નાનાભાઈની આ વિચારપૂર્વકની વ્રતભાવના સ્વીકારી ને પોતાનો ગૃહસ્થાશ્રમ સારી રીતે ચલાવ્યો.

[3] જેવી વ્યક્તિ તેવી ભાષા

આંબલા સંસ્થા શરૂ થઈ પછી થોડા ગાળામાં જ નાની એવી ગૌશાળા પણ ઊભી થઈ. ગાયો ચારવા તેમજ બીજાં કામો માટે આંબલા ગામના જ એક ભરવાડને ગોવાળ તરીકે રાખેલો. આ ગોવાળે સંસ્થાનાં ઢોર ઉપરાંત પોતાનાંય બે-ચાર બકરાં રાખેલાં. સંસ્થાનાં ઢોર ચરાવે ત્યારે ગોવાળ પોતાનાં આ બકરાંને કોઈના ખેતરમાં ચરવા છૂટાં મૂકી દે. આને કારણે પાક ભેળાવાની ફરિયાદ સંસ્થા પાસે વારંવાર આવે. આખરે થાકીને માટલિયાભાઈએ એક દિવસ આ વાત નાનાભાઈને કરી. નાનાભાઈએ તરત ગોવાળને બોલાવ્યો.

‘એલા, તેં તારાં બકરાં રાખ્યાં છે ?’ નાનાભાઈએ સીધું પૂછ્યું.
‘છે બે-ચાર ચાળાં.’ ભરવાડે ભોળા બનતાં કહ્યું.
‘અમારી ગાયો સાથે તે રાખે છે ?’ બીજો પ્રશ્ન.
‘હોવે નાનાભાઈ.’ નિર્દોષભાવે જવાબ આપ્યો.
‘એ બીજાંના ખેતરમાં ભેળ કરી દે છે ?’ નાનાભાઈએ પૂછ્યું.
‘હોય, બિચારાં મૂંગાં જીવ છે તો થોડાં આઘાં-પાછાં થઈ જાય.’ ગોવાળે લાપરવાહીથી ને સાવ ભોળા દેખાવાનો ઢોંગ કરતાં કહ્યું. નાનાભાઈ એકદમ અરધા બેઠા થઈ ગયા. અવાજ અને ચહેરો પણ બદલાઈ ગયા. ભરવાડને ધમકાવતાં કહે, ‘ચાવળાઈ કરીશ તો બે ધોલ મારી મોઢું ફેરવી નાખીશ.’ નાનાભાઈનું આ રૂપ માટલિયાભાઈ માટે નવું હતું. તેઓ તો સ્તબ્ધ બની તાલ જોઈ રહ્યા. ગોવાળ બિચારો, બે હાથ જોડી, ધ્રૂજતા અવાજે કરગરવા લાગ્યો : ‘નાનાભાઈ, ભૂલ થઈ ગઈ. હવે આવું નહીં કરું. મારાં ચાળાં કોઈના ખેતરમાં નહીં જાય.’

નાનાભાઈ તો હજી ગુસ્સામાં જ હતા. કહે, ‘જો, હવે કોઈ દિ’ ફરિયાદ આવી તો તારી ખેર નથી !’ ભરવાડ ઢીલે પગલે ચાલતો થયો. તે ગયો એટલે તરત નાનાભાઈ હસી પડ્યા ! ગુસ્સાની કે કડકાઈની તો રેખા પણ તેમના મોં પર નહીં.
‘નાનાભાઈ, મને તમારું આ નાટક ન સમજાયું !’ માટલિયાભાઈએ કહ્યું.
‘દુલેરાય, આ ભરવાડને સમજાવવાનો ન હોય, ધમકાવવાની જ તેની ભાષા. તે સમજે તેવી ભાષામાં હું બોલ્યો તે નાટક.’ નાનાભાઈએ કહ્યું.

[4] નિયમ સૌએ પાળવાનો

આંબલાની સંસ્થાને જમીન મળી એટલે થોડાં મકાન થયાં ને આંબલા ગામનાં ભાડાનાં મકાન છોડી સંસ્થા પોતાના કૅમ્પસમાં આવી. પાણીની સગવડ માટે સંસ્થામાં એક કૂવો. સૌએ ત્યાંથી સીંચીને પોતાનું પાણી ભરી લેવાનું. ધીરે ધીરે પાણી ખેંચવાનાં મશીનનો પ્રચાર થતો જતો હતો તે આ ગાળો. સંસ્થાએ વૃક્ષ વગેરેને પાવા માટે પાણી ખેંચવા આ કૂવા પર એક નાનું મશીન મૂક્યું. સૌએ પોતાનું પાણી તો સીંચીને જ ભરવાનું. માત્ર સંસ્થાનાં વૃક્ષો, છોડ તથા ખેતી-પશુ માટે આ મશીન વપરાય તેવું નાનાભાઈ ઠરાવેલું.

ધીરે ધીરે નાનાભાઈએ જોયું કે પરિવારો મશીન ચાલુ હોય ત્યારે બેડાં-વાસણ લઈને આવે છે ને સીધું પાઈપેથી પાણી ભરી લે છે. નાનાભાઈનો પોતાનો પરિવાર તો આવે નહીં, પરંતુ અન્ય કાર્યકરોના પરિવારો આ લાભ લેવામાં ખરા. નાનાભાઈએ બે-ચાર દિવસ તો ચાલવા દીધું ને અટકવાની રાહ જોઈ. એ પછી પણ પેલો ક્રમ ચાલુ જ રહ્યો એટલે તેમણે એક મુખ્ય કાર્યકરને બોલાવ્યા. તેમનો પરિવાર જ તાકડે મશીનેથી પાણી ભરી રહ્યો હતો. દૂર એ બધું બતાવતાં નાનાભાઈ તેમને કહે, ‘જુઓ ભાઈ, આ માટે આપણે મશીન નથી આણ્યું. બધા જ પરિવારોએ સીંચીને ભરવાનું છે. કાલથી આ બંધ થવું જોઈએ. નહીંતર હું મશીનભાડું સૌ પર ચડાવીશ.’ પરિવારો દ્વારા પાણી ભરવામાં થતો મશીનનો ઉપયોગ બીજા દિવસથી જ બંધ થઈ ગયો.

નાનાભાઈ કાર્યકરો તેમજ તેમના પરિવારો પાસેથી સંસ્થાની જે વ્યવસ્થા ગોઠવણી હોય તેના પાલનનો આગ્રહ રાખે જ. તેમના પોતાના પરિવારને તો આમાં કોઈ છૂટછાટ ન આપે, પરંતુ બીજા કોઈ માટે પણ તેમાં અપવાદ ભાગ્યે જ કરે. તેઓ કહેતા, ‘સંસ્થાના પૈસાથી મને દયા-દાન કરવાનો હક નથી, તે તો થાપણ કહેવાય. સંસ્થાનાં સાધનો પણ થાપણ જ છે. મારી મુનસફી પ્રમાણે હું તે કોઈને વાપરવા ન આપી શકું.’

[5] અજબ વાર્તાકાર

શ્રી મૂળશંકરભાઈએ લખ્યું છે કે, ‘નાનાભાઈની વાર્તા એટલે રસલ્હાણ – એ અક્ષરશઃ સાચું છે. બાળવયે ને કિશોરવયે મેં નાનાભાઈને મુખેથી અનેક સરસ વાર્તાઓ સાંભળી છે. નાનાભાઈ થાક્યા હોય કે બીમાર હોય તોપણ રાત્રે ઘેર હોય એટલે ‘નાનાભાઈ વા…ર…તા..’ કરતો હું તેમની પાસે ગોઠવાઈ જાઉં. મારી અને નાનાભાઈની બધી આવશ્યક જરૂરિયાતો પણ અટકી પડે અને વાર્તા મુખ્ય સ્થાન લઈ લે. વાર્તા કહેતી વખતે એમ.પી. નાનાભાઈ ખોવાઈ જાય; નાનાભાઈ નિયામક મટી જાય; કેળવણીકાર નાનાભાઈ ગુમ થઈ જાય; પિતા નાનાભાઈ સંતાઈ જાય. ફક્ત ત્યાં હોય : ભરતના મિત્ર, દોસ્તાર નાનાભાઈ. વાર્તા ઊપડે, ‘કબૂતર પૂછે છે એ ચકારાણા ક્યાં ચાલ્યા ?’

‘અરે, અટક મટકકી ગાડી, બે દેડક જોડ્યા જાય;
ચમારે મારી ચકલી, ચકોરાણો વેર લેવા જાય.’

જાણે પોતે જ તે ગાડીમાં બેઠા હોય તેમ નાનાભાઈ ઊછળતા જાય અને જાણે લગામ જ હાથમાં જોઈ લ્યો ! આ દશ્ય જોતાં હું બેઠો હોઉં ત્યાંથી ઊભો થઈ જાઉં અને નાનાભાઈ ફરતો દોડાદોડ કરી મૂકું. મારું હસવું કેમે કર્યું અટકે નહીં. નાનાભાઈ પણ ખીલે. ગાડીને વધુ પુરપાટ મારી મૂકે અને વળી ‘ચકોરાણો વેર લેવા જાય, ચકોરાણો વેર લેવા જાય’ એમ વારંવાર બોલતા મૂછ મરડે, હોઠ ભીંસે, ગાલ ફુલાવે, આંખો કાઢે અને છાતી ફુલાવે – જાણે સાક્ષાત ચકોરાણો ! મારું હસવાનું વધતું જાય અને વાર્તા આગળ ચાલે. ‘મૂંઝાયેલી ચમારણ જ્યાં ખડકી બહાર પગ મૂકે ત્યાં પોદળામાં પગ પડ્યો ને ચમારણ તો લહરક…. કરતી લપસી પડી.’ નાનાભાઈ પોતે બેઠા હોય ત્યાંથી જ હાથને લાદી પર લપસાવી લાંબા થઈ જાય. મને ત્યારે ‘વન્સમોર’ની તો ખબર નહીં, પણ પૂછું, ‘હેં નાનાભાઈ, ચમારણ કેવી રીતે લપસી ?’ અને નાનાભાઈ બમણા રસથી હાથ લપસાવી લાંબા થઈ જાય અને તે પણ મારી તરફ. હસીને થાકેલો હું માંડ બેઠો હોઉં તે પાછો ઊભો થઈ જાઉં અને એક હાથ પેટે અને બીજો હાથ મોંએ રાખી આનંદ અને વેદનાને સાથે અનુભવી રહું.

આમ રોજ, અડધો-પોણો કલાક વાર્તા ચાલે. હું વાર્તા સાંભળું અને એ બાળવયે મારું જે દુઃખ હોય તે બધું ભૂલી ઘસઘસાટ ઊંઘી જાઉં.’

[કુલ પાન : 260. (પાકું પૂઠું) કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : +91 281 2232460.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “નાનાભાઈ ભટ્ટ : પ્રસંગદીપ – ભરત ના. ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.